રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ

અભીવ્યક્તી’ બ્લોગમાં શ્રી. દીનેશ પાંચાલના 42 લેખો અને તેમનાં લખાણોની એક ઈ.બુક પણ પ્રગટ કરવામાં આવી છે. તે દ્વારા નવસારીના આ સાહીત્યકાર શ્રી. દીનેશ પાંચાલની  આલંકારીક ભાષા અને રસાળ શૈલીથી ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો સુપેરે પરીચીત થયા છે. તાજેતરમાં દીનેશભાઈએ, અન્તરના આંગણેથી વાયા મનના માયાબજારમાં થઈને, સંસારની સુન્દર સીતાર વગાડીને, 5050 ચુંટેલા લેખોના  બે દળદાર પુસ્તકો ‘સંસારની સીતાર’ અને ‘મનના માયાબજારમાં’ પ્રગટ કર્યાં છે. દીનેશભાઈએ, ‘અભીવ્યક્તી’ બ્લોગના આ બ્લોગર, ગોવીન્દ મારુ સહીત અન્ય બે મીત્રો, ‘સન્ડે ઈ.મહેફીલ’વાળા અને આ બ્લોગના શુભેચ્છક ઉત્તમ ગજ્જર તેમ જ ત્રીજા ‘રીડ ગુજરાતી’વાળા સદ્ ગત મૃગેશ શાહને આ ‘સંસારની સીતાર’ પુસ્તક અર્પણ કર્યું છે. તે બદલ દીનેશભાઈનો દીલથી ખુબ ખુબ આભાર.. બન્ને પુસ્તકો ‘અભીવ્યક્તી’ને ભેટ મોકલવા બદલ ‘ગુર્જર ગ્રંથરત્ન’ કાર્યાલયનો પણ આભાર.. ઉપરોક્ત બન્ને પુસ્તકો તેમ જ લેખકશ્રીનાં અન્ય 15 પુસ્તકોની માહીતી તથા તે પ્રાપ્ત કરવાની વીગત લેખના અન્તે મુકી છે. …ગોવીન્દ મારુ…

રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ

– દીનેશ પાંચાલ

એક ગૃહીણી લખે છે : ‘મેં નાનપણમાં અલુણાં વગેરે વ્રતો બહુ કર્યાં હતાં; પરન્તુ પછી સારાં વાચન, વીચાર અને મનનની ટેવ પડતાં ખુબ પુસ્તકો વાંચ્યાં. બહોળા વાચનથી ચૈતસીક સ્તરે વીકાસ થયો અને એ કારણે વ્રત–ઉપવાસોની નીરર્થકતા સમજાઈ. હવે હું કોઈ જ વ્રત ઉપવાસો કરતી નથી. મારી દીકરીઓને પણ તેની નીરર્થકતા સમજાવું છું. એક પ્રશ્ન થાય છે આજના સંઘર્ષભર્યા જીવનમાં, વડીલો રોજીરોટીના ચક્કરમાં અધમુઆ થઈ જતાં હોય છે. તેમની પાસે બાળકોને રૅશનલ શીક્ષણ આપવાનો સમય હોતો નથી; બલકે તેઓ ખુદ અન્ધશ્રદ્ધાળુ હોય છે. એથી મને લાગે છે કે રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં જ સામેલ કરી દેવો જોઈએ, જેથી યુવાપેઢીમાં અન્ધશ્રદ્ધા આટલી વ્યાપક ન હોય.’

એ બહેનને ખાસ અભીનન્દન તો એટલા માટે આપવાં રહ્યાં કે સ્ત્રી હોવા છતાં તેમણે રૅશનલ વીચારધારાને અપનાવી છે. અન્યથા મહીલાઓને તો ગળથુથીમાંથી જ પુજાપાઠ અને વ્રત–ઉપવાસોના સંસ્કારો આપવામાં આવે છે. સમાજમાં બહુ ઓછી મહીલાઓ રૅશનાલીઝમને આવકારે છે. કહેવાતી નારીવાદી સ્ત્રીઓ પણ આજે એવું પ્રચારી શકતી નથી કે દીકરીઓને સારો વર મળે તે માટે અલુણાં કરાવવાં એ નર્યું ધાર્મીક તુત છે. દરેક ઘરોમાં જુનવાણી વડીલો રહેતા હોય છે. વહુઓ એડ્યુકેટેડ હોય તોય ઘરના વડીલો સમક્ષ એવું કહેવાની હીમ્મત કરી શકતી નથી કે દીકરીઓને અલુણાં કે જયાપાર્વતીનાં વ્રત કરાવવાનો જમાનો ગયો… તેને બદલે નાનપણથી જ દીકરીને દરેક પ્રકારની તાલીમ આપીને એવી કેળવીએ કે સારો વર વગર વાંકડે દોડતો આવે… ઉત્તમ તો એ જ કે અલુણાં કરવા છતાં; વર લુણ વીનાનો (અર્થાત્ મીઠા વગરનો) મળે તો, દીકરી સ્વયં નોકરી કરીનેય સંસારની સઘળી જવાબદારી ઉપાડી શકે, એવી તે બાહોશ બને તે માટે તેની પાસેથી ‘સંતોષી મા’ કે ‘વૈભવલક્ષ્મી’ની ચોપડીઓ લઈ તેના હાથમાં ‘જ્ઞાન–વીજ્ઞાન’નાં પુસ્તકો મુકવાં જોઈએ. બચુભાઈ ઉચીત જ કહે છે : ‘વૈભવલક્ષ્મી કે સંતોષીમાની ચોપડીઓ કરતાં ‘ચીત્રલેખા’, ‘અભીયાન’ કે ‘ફેમીના’ સ્ત્રીઓ માટે વધુ ઉપયોગી સાબીત થઈ શકે. છાતી ઠોકીને કહી શકાય એમ છે કે આજના વીકસીત યુગમાં દીકરીએ યોગ્ય શીક્ષણ નહીં મેળવ્યું હશે તો કેવળ મહોલ્લામાં ગોળચણા અને તુલસીનાં પત્તાં વહેંચતા રહેવાથી કદી કોઈનો ‘શુક્કરવાર’ વળતો નથી.’

દુ:ખદ સ્થીતી એ છે કે તરેહતરેહનાં વ્રત–ઉપવાસોમાં ગળાડુબ રહેતી મહીલાઓને ક્યારેય પ્રશ્ન થતો નથી કે વીકસીત દેશોની સ્ત્રીઓ કદી એવાં વ્રત–ઉપવાસો કરતી નથી; છતાં સુખી છે. જ્યારે આ દેશની સ્ત્રીઓ અલુણાંથી શરુ કરી મૃત્યુપર્યંત અનેક પ્રકારનાં વ્રત–ઉપવાસો કરતી રહે છે; છતાં તે દુનીયાના કોઈ પણ દેશની સ્ત્રી કરતાં વધુ દુ:ખી કેમ છે ? સ્ત્રીને જીવતી બાળી નાખવાનું પાપ આ ધરમકરમ વાળા દેશમાં જેટલું થાય છે તેટલું બીજા કોઈ દેશમાં થતું નથી. અરે ! સંતોષીમાના વ્રતથી સ્ત્રીનો સંસાર સુખી થઈ શકતો હોત તો આ દેશમાં આટલી મોટી સંખ્યામાં નારીસંરક્ષણગૃહો સ્થાપવાં પડ્યાં હોત ખરાં ? કોઈ પણ નારીસંરક્ષણગૃહ એટલે સંતોષીમાતાનાં વ્રતની નીષ્ફળતાનું મુર્તસ્વરુપ એમ કહેવું ખોટું નથી. પણ જવા દો વાત… દુ:ખપુર્વક નોંધવું રહ્યું કે સ્ત્રીઓને કુદરતે સૌન્દર્ય તો ખોબલે–ખોબલે આપ્યું છે, પણ… ?

આપણે રૅશનાલીઝમની વાત લઈ બેઠા છીએ ત્યારે એક ઘટનાનું સ્મરણ થાય છે. અમદાવાદના એક લેખકમીત્ર આમ તો પુરા રૅશનાલીસ્ટ છે; પણ તેમને એવી ટેવ કે લેખ શરુ કરતાં પહેલાં ઉપર મથાળે ‘શ્રી નાગદેવતાય નમ:’ લખે પછી જ લેખની શરુઆત કરે. અમે કારણ પુછયું તો એમણે સ્પષ્ટતા કરી : ‘વાત એમ છે કે મારા પીતાજી નાગદેવતાના જબરા ઉપાસક હતા. તેમણે અમારા આખા કુટુમ્બને એવા સંસ્કાર આપેલા કે કોઈ પણ કામની શરુઆત કરતાં પહેલાં નાગદેવતાનું સ્મરણ કરવું. પરીક્ષામાં હું સપ્લીમેન્ટરીમાં પણ ‘શ્રી નાગદેવતાય નમ:’ લખતો. જો કે તેમ કરવાથી પેપરો સારાં જતાં એવું નહોતું. નાનપણમાં હું ઘણીવાર નાપાસ થયો છું; પણ પીતાજીના સંસ્કાર લોહીમાં ભળી ગયેલા એટલે અમે કુટુમ્બનાં બધાં જ બાળકો એ પ્રમાણે કરતાં. આજે હવે પીતાજી રહ્યા નથી અને મનેય અનેકવાર સમજાયું છે કે, ક્યારેક ‘શ્રી નાગદેવતાય નમ:’ લખવાનું ચુકી જવાય તો પણ; લેખ તો સરસ જ બને છે. પણ એ આદત માનસીક રીતે એવી પ્રગાઢ બની ચુકી છે કે એવું ન લખું તો મનમાં કશુંક અસુખ લાગે છે. કશુંક ચુકી ગયો હોઉં એવો અપરાધ જાગે છે અને તેની અસર લેખન પર પડે છે. એથી નથી માનતો તોય એ કુટેવ છુટતી નથી. એમ કહો કે બાપદાદાએ રોપેલો આંબો ખાટી કેરી આપતો હોય તોય તેને કાપી નાખવાનો ઝટ જીવ ચાલતો નથી. બાકી ઘરમાં ઘુસી ગયેલો નાગ મારા પરીવારને ડંખ દે એવી શક્યતા હોય તો હું નાગને મારતાંય નહીં અચકાઉં.’

આ લેખકમીત્રનો પ્રસંગ અત્રે અકારણ ઉલ્લેખ્યો નથી. સમાજમાં ખુણે ખુણે આવી સંસ્કારગત અન્ધશ્રદ્ધાઓ છવાયેલી છે. કમ્પ્યુટર બનાવતી ફેક્ટરીની મશીનરી સાથે પણ લીંબુ અને મરચું લટકાવેલું જોવા મળે. હમણાં એક ડૉક્ટરના દવાખાનામાં અમે ઘોડાની નાળ લગાવેલી જોઈ. એમ. એસસી.માં ગોલ્ડમેડલ મેળવનાર એક યુવતી એના રડતા બાળકને કોઈની નજર લાગી છે, એમ માની તેના પરથી મીઠું અને મરચું ઓવારી ચુલામાં નાખે છે. શોધવા નીકળો તો કૉલેજમાં સાયન્સ શીખવતો કોઈ પ્રોફેસર બાવડે માંદળીયું બાંધીને પીરીયડ લેતો મળી આવે. અમે એક એવા નોનમૅટ્રીક યુવકને ઓળખીએ છીએ જે માથે ફુલ ઓવારીને ભગતને બતાવે છે અને પુછે છે, ‘મને નોકરી ક્યારે મળશે ?’

ગામ ત્યાં ઉકરડાના ન્યાયે આ બધું સર્વત્ર છે. પરન્તુ ખરું દુ:ખ એ જાણીને થાય છે કે ખુદ વીજ્ઞાનીઓ પણ ઉપગ્રહ છોડતી વેળા શુભમુહર્ત અને ચોઘડીયાં જુએ છે. અન્ધશ્રદ્ધાના વાયરસથી વીજ્ઞાનીઓ પણ બાકાત નથી. સમાજમાં લાખો અન્ધશ્રદ્ધાળુઓ ભેગા મળે ત્યારે અશ્વમેધયજ્ઞ શક્ય બને છે. માણસના આવા આંતરબાહ્ય વીરોધાભાસને કારણે પ્રજાનો યોગ્ય વીકાસ થઈ શક્યો નથી. દેશમાં પ્રતીવર્ષ મનુષ્ય ગૌરવદીવસ ઉજવાય છે. આમ તો એ અનુત્પાદક ઉજવણી છે. છતાં મનુષ્ય ગૌરવદીવસ ઉજવાતો રહે તે ઈચ્છનીય છે. ઘરમાં ફુલદાની હશે તો તેમાં ક્યારેક ફુલો મુકવાની આપણને ઈચ્છા થશે.

કહેવાનું એટલું જ કે મનુષ્યગૌરવ દીવસ ઉજવ્યા પછી એક ડગલું આગળ વધીને હવે આપણે મનુષ્યને ગૌરવ મળતું થાય તે દીશામાં સક્રીય થવું જોઈએ. શું અનેક વહેમો, અન્ધશ્રદ્ધાઓથી ખદબદતો માણસ ગૌરવશાળી હોઈ શકે ખરો ? માદળીયાં બાંધીને ફરતા માણસ માટે આપણને માન ઉપજે ખરું ? ભગત–ભુવાઓનું મંડળ આપણું સન્માન કરે તો આપણને આનન્દ થાય ખરો ? આજના અન્ધશ્રદ્ધાળુ માણસને તો આપણે જેમતેમ વેઠી લઈશું; પણ ભવીષ્યમાં એમના પૌત્રો અને પપૌત્રોથી બનેલો સમાજ એવો ન રહી જાય તે માટે, આજથી જ શાળા મહાશાળાઓમાં રૅશનાલીઝમનો વીષય દાખલ કરવો જોઈએ. આજનાં બાળકોને ગળથુથીમાંથી જ એવું શીખવવામાં આવશે કે સાપનું ઝેર કદી ભગતથી ઉતરતું નથી, માંદળીયું બાંધવાથી કદી નોકરી મળી શકતી નથી અને પ્લેગ થાય તો તે યજ્ઞ કરાવવાથી નહીં; દવા કરાવવાથી જ મટી શકે છે, તો એવું રૅશનલ શીક્ષણ મેળવેલો વીદ્યાર્થી કદી અન્ધશ્રદ્ધા નહીં આચરે. બલકે તે પોતાનાં સંતાનોનેય એવો રૅશનલ વીચાર વારસો આપશે. અને તે સંતાનોય વળી મોટા થઈ તેમનાં સંતાનોને એ પ્રકારની સમજ આપશે. આમ રૅશનાલીઝમની એક અતુટ સાંકળ ચાલુ થશે અને કાળક્રમે એવા કરોડો વીદ્યાર્થીઓથી બનેલો ભાવી સમાજ, આજના અન્ધશ્રદ્ધાળુ સમાજ કરતાં વધુ સુદૃઢ અને સ્વસ્થ બનશે.

યાદ રાખીએ કે ગળથુથીમાંથી જે સંસ્કારો પ્રાપ્ત થાય છે એની અસર બહુ પ્રબળ અને ચીરકાલીન રહે છે. નાગનું ઝેર ઉતરી જઈ શકે; પણ નાગદેવતાના નામે જે અન્ધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તે નીવારવાનું કઠીન છે. અમારા લેખકમીત્ર રૅશનાલીસ્ટ હોવા છતાં લેખને મથાળે ‘શ્રી નાગદેવતાય નમ:’ લખે છે. કેમ કે એમના દીમાગના કમ્પ્યુટરમાં બાળપણથી એ પ્રોગ્રામ ફીટ કરવામાં આવ્યો છે. મીત્ર તો બૌદ્ધીક છે. ‘શ્રી નાગદેવતાય નમ:’ ન લખવાથી કોઈનું ભલું થઈ શકે એમ હોય તો તેઓ અચુક તેમ કરી શકે. પરન્તુ જેઓ અશીક્ષીત અને ગમાર છે, તેમની અન્ધશ્રદ્ધા કેવી ખતરનાક સાબીત થાય છે તેનાં બે ઉદાહરણો બસ થશે.

    થોડા સમયપુર્વે જામનગરના ધનુડા ગામે જેસીંગ નામના એક દુધમલ યુવાને સ્વહસ્તે પોતાનું મસ્તક વધેરી કમળપુજા કરી હતી. (તે સફળ ન થયો તો બાપે તેનું ડોકું કાપવામાં મદદ કરી) એવી જ બીજી ઘટના ખેડા જીલ્લાના હરીયાણા ગામે બની હતી. જેમાં બાપે પોતાનાં ત્રણ સંતાનોને સ્વહસ્તે વધેરી મેલડી માને બલી ચઢાવ્યો હતો. પશ્ચીમના દેશોમાં મૃત માણસને જીવીત કેમ કરી શકાય તેના વીજ્ઞાનલક્ષી પ્રયોગો ચાલી રહ્યા છે; જ્યારે આજના રૉકેટ યુગમાંય અહીં લોકો મુર્ખતાભરી જીવલેણ અન્ધશ્રદ્ધામાં રાચે છે. જો ગળથુથીમાંથી જ એ માણસોને રૅશનલ શીક્ષણ આપવામાં આવ્યું હોત તો આવી ક્રુર દુર્ઘટનાઓ ન બની હોત. હજીય મોડું થયું નથી. ઉપર્યુક્ત બન્ને કરુણાંતીકા વીશે પુરી ગંભીરતાથી વીચારી આપણું શીક્ષણતન્ત્ર અભ્યાસક્રમોમાં રૅશનાલીઝમનો એક વીષય દાખલ કરશે તો તે થકી આપણી ભાવી પેઢીનું કલ્યાણ થશે. ‘સત્યશોધક સભા’એ પણ અન્ધશ્રદ્ધાના કીસ્સાઓને છુટકછુટક પડકારતા રહેવાને બદલે અભ્યાસક્રમોમાં રૅશનાલીઝમનો વીષય દાખલ થઈ શકે તે માટે સક્રીય થવું જોઈએ. અર્થાત્ માટલે–માટલે જંતુનાશક દવા નાખવાને બદલે સીધી કુવા–તળાવમાં જ દવા નાંખવાનું વીશેષ બુદ્ધીગમ્ય લેખાય. મુલો નાસ્તી કુતો શાખા ?

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલના 50 ચુંટેલા લેખોનો સંગ્રહ ‘સંસારની સીતાર’ (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2214 4663  ઈ.મેઈલ : goorjar@yahoo.com)  પ્રથમ આવૃત્તી : મે 2015,  પૃષ્ઠ સંખ્યા : 12 + 212, મુલ્ય : 200/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખકનાં અન્ય પુસ્તકો:

(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ચાલો, આ રીતે વીચારીએ !’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત – 395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ : www.sahityasangam.com  ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com)  તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ – 400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ : www.imagepublications.com  ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના  નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2213 2921  વેબસાઈટ : www.navbharatonline.com  ઈ.મેઈલ : info@navbharatonline.com)   અને બાકીનાં આઠ પુસ્તકો (1) શબ્દોનો સ્વયંવર (2) ઉરે ઉગ્યો અરુણ’ (3) બોલો, ઈશ્વર છે કે નથી ? (4) સ્ત્રી: સંસારલક્ષ્મી’ (5) તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત(7) ‘હૈયાનો હસ્તમેળાપ’ અને (8) ધરમકાંટો’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com) તરફથી પ્રગટ થયાં છે.

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445  સેલફોન : 94281 60508

અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/ માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ :વીવેકવલ્લભઅનેવીજયવીવેકપણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડનવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04/09/2015

10 Comments

  1. I fully agree with Dineshbhai Panchal’s views. It happens because of lack of education. It is a god article.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. Ek dam sachot upai andhshraddha nabud Karva mate ek kahevat kumlu zad jem vadiye tem vade ane aa kam pan prajaej sarkarne samjavava padse karanke deshma 90/95% neta pote andhshraddhalu chhe teo school ma aa vishay dakhal na kare anamat andolan ni jem vidhyarthio e aa prashna upadvo joiye ane school ma dharmik tahevaro par raja ghatadvi joiye .

    Liked by 1 person

  3. We just have to continue doing what we are doing, and hope that someone (at least one person per day) will get our message and think twice before practicing their foolishness in name of religion.

    I do not think this world is ready to accept RATIONALISM as part of childhood education. It only can start with us ( parrents ).

    Liked by 1 person

  4. રેશનાલીઝમનો વિષય અને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવાનું સજેશન થીયરીમાં સુંદર લાગે છે.
    અમેરિકામાં અેક ગન લોબી અેક શક્તિશાળી લોબી છે. ખૂબ શક્તિશાળી છે જે બંદુકના વેપારને બંઘ કરાવનાર કે તેના નિયમો મજબુત કરવાના હિમાયતીઓને તેમના રસ્તામાંથી કાંકરાની જેમ બહાર ફેંકી દે છે.
    ભારતમાં સાઘુ બાવાઓ, પોલીટીશીયનો અને જેનાં ઘરો પૂજા પાઠ અને અંઘશ્રઘ્ઘાને પુષ્ટી આપીને જીવતાં હોય તેઓ રેશનાલીઝમના અભ્યાસ દ્વારા તેમના પેટ પર લાત મારવા નહિ દે. ટૂંકમા અા સજેશનનો અાંતરીક રીતે વિરોઘ થાય.
    પોતાના ઘરમાં દરેક મા બાપે અેક શિક્ષક બનીને જ આ પ્રશ્ન હલ કરવો રહ્યો. મા બાપ જેટલાં પોતાના શિક્ષકો બીજા કોણ હોઇ શકે.
    પેલા નાગદેવતાય નમ:વાળા લેખક…હં…લેખક કે જે દુનિયાને જ્ઞાન અાપવાનું કર્મ કરે અને તે જ પોતાના મનને કાબુમાં લાવી ના શકે તો તેના જેવો લેખક શા કામનો ? સવાલ છે કે તેના બાપાઅે તેને શીખવ્યુ અને તે ભૂલતો નથી પણ અેમ પણ નથી કહેતો કે મારી ભૂલ રિપીટ નહિ કરવાં મેં મારાં બાળકોને ગળથૂથીમાંથી શીખામણ અાપી છે અને તેઓ મારી ઇરીપેરેબલ ભૂલ રીપીટ નથી કરતાં.
    Socretes said, ” The secret of change is to focus all of your energy, not on fighting the old, but on building the new.” Tha wise writer has to follow the advise given by Socretes.
    Someone said, ” Where the mind goes, the body will follow.”
    જાત મહેનત ઝીંદાબાદ. દરેક ઘરમાં મા બાપે પોતાના છોકરાંઓને શીખવવાનું છે. પારકો જે પોતે જ અંઘશ્રઘ્ઘામાં જીવતો હોય તે શું અંઘશ્રઘ્ઘા દુર કરવામાં મદદ કરવાનો.
    કુવામાં હોય તે હવાડામાં આવે. જેમ કે પેલાં લેખક મહાશય.
    ખૂબ લખી શકાય….મારાં બીજા મિત્રો પણ ભાગ લે તેવી ઇચ્છા સાથે…..
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. Tamari aavi school ma mand be char vidhyarthi takshe!..Bije mahine j tala lagi jashe!Hazari Amrut bhai e khyu e pramane vadhu 30% loko bekar thai jay!..Gharnu shikshan j uttam.

    Like

  6. ગોવિન્દભાઇ, નમસ્તે, તમારું રેશનાલિઝમ માત્ર જુની કે ધાર્મિક વિચારસરણી ઉપર ઘણા સરસ ક્ટાક્ષ કરે છે, પરંતુ કેટલીક વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ પણ હોય છે, જે ખુલ્લી પડે તો અમુકના ધન્ધા સારા ચાલે, અને અમુક રોડ પર આવી જાય, આનું તાજું ઉદાહરણ ‘મેગી’ છે! આપણે કેટલા વર્ષો સુધી બાળકો ને હોંશે હોંશે ખવરાવી હવે એકાએક ઝેરી બની ગઈ! હવે જ્યાં સુધી ‘પાતંજલ આટા નુડલ્સ’ માં કોઇ ઝેર સાબિત નહીં કરે ત્યાં સુધી ખાધા કરવાની છે!……
    આપણા PM જ્યારે CM હતા ત્યારે બાળકોની પરીક્ષા With Books આપી શકાય તેવો કન્સેપ્ટ લાવવા માગતા હતા પણ ગાઈડો અને અપેક્ષિતોના પ્રકાશકોની લૉબિએ આખી વાત ગુમ કરી દીધી….. યોગ એકદમ અંગત બાબત છે પણ આસન-પ્રાણાયમ વડે શરિર સ્વાસ્થ્ય સુધારી વાજિકરણ ઔષધિઓનું વેચાણ વધારવું તે યોગ સાથે કેટલું રીલેવન્ટ છે! યોગ બ્રહ્મચર્ય અને મેડીટેશન ને સમર્થન આપવાના પાયાના સિદ્ધાન્ત પર ચાલે છે.પણ બધા યોગાશ્રમો આયુર્વેદિક ફાર્મસી ધરાવતા હોય છે!અને ભક્તોને સ્વામીજીથી યાંત્રિક રીતે પ્રભાવિત કરવા સાંજના ભોજનમાં એલોપથિક Hallucination Drugs ય વાપરતા હોવાનું સાંભળ્યું છે!
    ઈશ્વર, પરલોક, પુનર્જન્મ, અવતાર, મોક્ષ, બધા ભ્રાન્ત તત્વો જ છે, કાલ્પનિક છે. જે છોડી દેવાથી કાંઈ ગુમાવવાનું નથી. શ્રીમંતોનું ધન અને દરિદ્રોનો શ્રમ પડાવવાનો ઉદ્યોગ છે જે મૂડીવાદ, સામ્રાજ્યવાદ,રાજાશાહીને ખૂબ જ અનુકૂળ છે.સામાન્ય પ્રજાને તો અસ્પષ્ટ, સંદિગ્ધ, રહસ્યમય, છલયુક્ત અને વિસ્તૃત શાસ્ત્રો-ઉપદેશોમાં ભરમાવી, સ્વર્ગની લાલચ અને નરકના ભયથી પરપીડન અટકાવવાના ઓઠાં નીચે, નિયંત્રણમાં રાખવાનો મનોવૈજ્ઞાનિક પ્રયોગ જગતના બધા ધર્મોએ સ્વીકારેલો છે.
    “ભક્તિ એટલે તમારા મગજના ચિન્તન ના બધાય દ્વાર બંધ કરી દ્યો!”
    અને “શ્રદ્ઘા એટલે બીજાનું સત્ય ક્યારેય સ્વીકારો જ નહીં!”…………
    આવી શ્રદ્ધા-ભક્તિવાળી પ્રજાના અભ્યાસક્રમ બદલાવવા કઠિન તો છે જ! કારણ કે આ બધું Genetic Virtue માં પરિવર્તિત થઈ ગયું છે! આશા છે હું કદાચ ખોટો પડું!!!!! ઈતિ શ્રેયમ્ ભૂયાત્ … ભવસુખ શિલુ.

    Liked by 1 person

    1. Khub saras vichar/vivechan bhavsukh shilu.
      Tame ek udaharan aapyu exam with books no concept ane guide apekshit vagere na prakashako e vat gumkari didhi.
      Have biji taraf aapna ej PM jyare CM hata tyare ASARAM ane RAMDEV bannena pag ma padta hata chutanijitva matejto aava neta hoi tya rationalism na vichar ne protsahan made evu ashakya lage chhe prajae jate Vivek buddhi thi rationalism school ma dakhal karavava mate rajuaat karvi pade aapne joiye chhiye indiragandhi dhirendrabhranchari ne manta hata modi ASARAM/ RAMDEV vagere ne mane 90/95% neta jena hathma deshnu bhavishya chhe te andhshraddhalu chhe aapna vadapradhan rashtriya yog divas jaher kare tema labh RAMDEV babane thai. Pratham rational day ujavo pachi rational week pachi rational mas ujavo to dhire dhire prajane khabar pade rationalism su chhe makkam manvala neta joiye aapna neta arabcountry ma namaj pan padhe ane nepal ma jai to 2.1/2 ton sukhad nu dan pan kare neta abhineta santo badha bhegamali ne desh ni dasha aavi kari chhe.

      Liked by 1 person

  7. રૅશનાલીઝમને ફેલાવવાનો સૌથી અસરકારક રસ્તો છે, જેમને નાના બાળકો હોય એવા યુગલોને સમજાવવાનો, ખાસ કરીને શીક્ષીત યુવાનોને જે વીજ્ઞાન થોડું ઘણું પણ સમજતા હોય એવાઓને. બાળકો સ્વાભાવીક રીતેજ માતા-પિતાને અનુસરતા હોય છે. જો મા-બાપજ અંધશ્રદ્ધાળુ હોય તો બાળકો પણ એવાજ થવાના.

    Liked by 1 person

  8. એકવાર મેં ટી.વી. માં બેજાન દારૂવાલાને એક દલીલ કરતા સાંભળેલા કે, “હા અમે જ્યોતિષ શાસ્ત્રના બહાને લોકોને વિના હકીકતની વાતો કહિયે છીયે, પણ એમને મુશ્કેલ સમય પાર કરવા કંઈક આશા આપીયે છીયે, અને એના માટે અમે અમારી ફી લઈયે છીયે. આમા ખોટું શું કરી રહ્યા છીયે?”
    લગભગ આવી જ વાત મને મુંબઈની જ્યોતિષ ઈન્દુમતિ ઠાકુરે પણ કહી હતી. એમણે કહ્યું હતું કે અમે મુદત આપીયે છીયે કે આટલા સમય બાદ તમારી મુશ્કેલીઓ ટળી જશે, આનાથી એ વ્ય્કતિને એટલો સમય પસાર કરવામાં થોડી રાહત મળે છે.
    આ બન્નેની દલીલમાં થોડું Logic તો છે. એ ધર્મ છે કે અધર્મ એ વાત અલગ છે.

    Like

  9. Jya deshna HRD minister abhan hoi deshna saheb bava bapuo na tantiya pakadta hoi ane darek vatma subh ashubh kriyakand karma kand karta hoi tya rationalism ni su apeksha rakhvi.

    Liked by 1 person

Leave a comment