ચાર્વાકદર્શન : પ્રાચીન ભારતીય લોકધર્મ

એન. વી. ચાવડા

બૃહસ્પતીચાર્વાકદર્શનની વીચારધારા યા પ્રેરણા અસુરો પાસેથી લીધી એવું પુરાણો કહે છે. બૃહસ્પતીની આ ઘટના મુળે પૌરાણીક ઘટના છે. કોઈ કહેશે કે પુરાણમાં વર્ણવેલ ઘટનાઓને ઈતીહાસ કેવી રીતે માની લેવાય ? પુરાણમાં તો મીથકો છે, રુપકકથાઓ છે, બોધકથાઓ, કલ્પના કથાઓ છે વગેરે વગેરે.. પરન્તુ વાસ્તવીકતા એ છે કે આપણાં પુરાણો, રામાયણ, મહાભારત, વેદો અને ધર્મગ્રંથોમાં ઈતીહાસ છે જ. જો એમાં ઈતીહાસ નથી એમ કહેવામાં આવે તો રામ, કૃષ્ણ, રાવણ, કૌરવ, પાંડવ, કપીલ, વ્યાસ, બુદ્ધ અને મહાવીર આદી તમામને આપણે કાલ્પનીક માનવા પડે. એ બાબત ઈતીહાસકારને કે સામાન્ય જનતાને પણ માન્ય થઈ શકે એમ નથી જ. અલબત્ત, આ બધા ગ્રંથોમાં જેવો લખાયેલો છે એવો બેઠ્ઠો ઈતીહાસ હોઈ શકે નહીં; પરન્તુ તેથી તેમાં ઈતીહાસ બીલકુલ નથી એમ તો કહી શકાય એમ જ નથી. વાસ્તવીકતા એ છે કે આપણી પાસે ધર્મગ્રંથોના સ્વરુપમાં જે કંઈ લેખીતસામગ્રી છે તેમાં ઈતીહાસ છે જ. આવશ્યક્તા છે એમાંથી સાચો ઈતીહાસ શોધી કાઢવાની દૃષ્ટીની. જેની પાસે સત્ય પ્રત્યે અને ઈતીહાસ પ્રત્યે નીષ્ઠા હોય અને તર્કદૃષ્ટી હોય તો તે વ્યક્તી આ ધર્મગ્રંથોમાંથી પણ ઈતીહાસ અવશ્ય શોધી શકે છે. આ ધર્મગ્રંથોમાં સીધે સીધો ઈતીહાસ – ઈતીહાસ જેવો ઈતીહાસ – કેમ લખવામાં નથી આવ્યો ? એ પ્રશ્ન પણ સંશોધનકારની તીવ્ર દૃષ્ટીમાં સતત રમતો રહે અને ઈમાનદારીથી દરેક ઘટનાનું તાર્કીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ મુલ્યાંકન થતું રહે તો જ તેમાંથી સાચો ઈતીહાસ સાંપડી શકે અથવા સાચા ઈતીહાસની વધુમાં વધુ નજીક જઈ શકાય.

બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની પ્રેરણા અસુરો પાસેથી લીધી હતી. તો પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે આ અસુરો એટલે કોણ ? ઈતીહાસના વીષયમાં એવું જ છે કે જેમ એક નાના સરખા બીજમાં એક આખું વીશાળ વૃક્ષ છુપાયેલું હોય છે તેમ એક નાનકડા શબ્દમાં પણ વીશાળ ઈતીહાસ સમાયેલો હોય છે. શબ્દમાં મહાન શક્તી ગુપ્તરુપે અંતર્નીહીત હોય છે. જેમ ચપ્પુનો ઉપયોગ કેવો કરવો એ જેના હાથમાં હોય છે તે એની ઈચ્છા અને મનોવૃત્તી ઉપર આધાર રાખે છે, તેમ શબ્દશક્તીનો ઉપયોગ પણ તેના પ્રયોગકાર ઉપર આધાર રાખે છે.

ઈતીહાસની બાબતમાં બીજી મહત્ત્વની બાબત એ છે કે એ ઈતીહાસ કોના દ્વારા, ક્યારે, કયા સંજોગોમાં અને કયો હેતુ સીદ્ધ કરવા માટે લખવામાં આવ્યો છે, તેની વીચારણા અત્યન્ત આવશ્યક બાબત છે. સામાન્ય રીતે ઈતીહાસ હમ્મેશાં જીતેલા પક્ષ દ્વારા લખાય છે, જીતેલા પક્ષના શાસનકાળમાં લખાય છે, તેથી એ ઈતીહાસ જીતેલા પક્ષની તરફેણમાં જ હમ્મેશાં લખાય છે. જેથી તેમાં જીતેલા પક્ષે જીત મેળવવા માટે જે કુડ–કપટ, અનીતી, અન્યાય, દગો અને વીશ્વાસઘાત આચર્યા હોય તેને છાવરવામાં આવ્યા હોય એટલું જ નહીં; તેમાં હારેલ પક્ષ ઉપર જ એવા આરોપો લગાવ્યા હોય અને તેની બદબોઈ કરવામાં આવી હોય તે પણ સ્વાભાવીક છે. તેથી ઈતીહાસના સંશોધનકાર પાસે શબ્દશક્તીની જાણકારીની સાથે તટસ્થતા, સચ્ચાઈ અને પ્રામાણીકતા જો ન હોય તો એવું સંશોધન વ્યર્થ જ નહીં; પરન્તુ આત્મઘાતક પણ પુરવાર થાય છે.

બૃહસ્પતીએ લોકાયતદર્શનની પ્રેરણા અસુરો પાસેથી લીધી એ વીધાનમાં મહાન વીશાળ ઈતીહાસ છુપાયેલો હોઈ શકે છે. એટલું જ એક ‘અસુર’ શબ્દ પણ એવો જ ભવ્ય ઈતીહાસ ધરાવતો હોઈ શકે છે. આ વીધાન કોના દ્વારા, ક્યારે, શા માટે લખાયું હશે, એ પણ અત્યન્ત મહત્ત્વની વીચારણીય બાબતો છે.

એ હકીકત છે કે પુરાણો, રામાયણ, મહાભારત આદી ધર્મગ્રંથો ‘બ્રાહ્મણ’ તરીકે ઓળખાતા આર્યપંડીતો દ્વારા લખવામાં આવ્યા છે. જેમણે પોતાના પક્ષને સુર અને વીરોધી તથા વીજીત પક્ષને ‘અસુર’ તરીકે તેમાં વર્ણવ્યા છે. વળી, એ હકીકત ઈતીહાસ પ્રસીદ્ધ છે કે સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં ભારતમાં આવેલ યુરેશાઈ આર્ય પ્રજાએ ભારતની મુળ નીવાસી પ્રજાને હરાવીને એમને ગુલામ બનાવીને અહીંની શાસક બની ગઈ. ત્યાર બાદ તેમણે ભારતીય પ્રજાને કાયમ ગુલામ બનાવી રાખવા માટે ‘વર્ણવ્યવસ્થા’ સ્થાપી અને તેને ‘ધર્મ’નું નામ આપ્યું. તેમ જ તદ્જનીત યજ્ઞસંસ્કૃતી દ્વારા, વીના પરીશ્રમની પોતાની આજીવીકાને પણ ધાર્મિક સ્વરુપ આપ્યું. સ્પષ્ટ છે કે આર્ય પંડીતોએ વેદાદી ધર્મશાસ્ત્રોમાં જેમને ‘અસુર’ કહ્યા છે તે ‘ભારતના મુળ નીવાસીઓ’ છે. બૃહસ્પતીએ અસુરો પાસેથી લોકાયતદર્શનની પ્રેરણા લીધી એનો અર્થ એવો થાય કે તેમણે ભારતની પ્રજા પાસેથી લોકાયતદર્શનની પ્રેરણા લીધી. અર્થાત્ તે સમયે ભારતની પ્રજામાં જીવન જીવવાની જે સ્વાભાવીક અને પારમ્પરીક પ્રણાલી હતી તેને બૃહસ્પતીએ અપનાવીને, તેમાં સુધારા–વધારા કરીને, તેમણે આર્યોના વૈદીકદર્શન સામે ભારતના લોકોનું દર્શન મુક્યું હતું. લોકાયતદર્શન એવું તેનું નામ જ દર્શાવે છે કે તે લોકોનું યાને ભારતના લોકોનું દર્શન છે. અલબત્ત, તે પહેલાં તે ગ્રંથકારે નહીં જ હોય; પરન્તુ ભારતના લોકોના જીવનવ્યવહારમાં તે ઓતપ્રોત હશે. બૃહસ્પતીએ તેને સુત્રના રુપમાં ઢાળીને પ્રથમવાર ગ્રંથનું સ્વરુપ આપ્યું. વીદ્વાનોએ તેને ‘બ્રાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ યા ‘બ્રાર્હસ્પત્યસુત્ર’ કહ્યું છે. ત્યારબાદ તે ક્રમશ: તેના અનુયાયીઓ અને વીરોધીઓ દ્વારા પણ તે ‘લોકાયતદર્શન’ અને ‘ચાર્વાકદર્શન’ને નામે પ્રચલીત બન્યું છે.

આર્યપંડીતોએ પોતાને સુર અને ભારતના મુળ નીવાસીઓને અસુર કેમ કહ્યા હશે ? તે પ્રશ્ન પણ વીચારણીય છે જ. આર્યો સુરા યાને સોમરસ પીતા હતા, તેથી તેમણે પોતાને સુર અને ભારતના મુળ નીવાસીઓને યાને અનાર્યો (જે આર્ય નથી તેઓ) સુરા યાને મદીરા પીતા નહોતા, તેથી તેમને અસુર કહેવામાં આવ્યાં હોય એવું બની શકે. સુરનો અર્થ દેવ પણ થાય છે, તેથી આર્યો પોતાને સુર એટલે દેવ અને અનાર્યોને અસુર એટલે જે ‘દેવ નથી તે’ કહેતા હોય એવું પણ બની શકે. ઉપરાન્ત દેવ–દેવી અને ઈશ્વરાદી અલૌકીક શક્તીમાં વીશ્વાસ રાખનારા તે સુર અને અનાર્યો આવી કોઈ અલૌકીક શક્તીઓમાં આસ્થા કે શ્રદ્ધા રાખતા નહોતા, તેથી પણ તેમને અસુર કહ્યા હોય એવું બની શકે.

આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં વસનારી પ્રજા આત્મા–પરમાત્મા, પરલોક, સ્વર્ગ–નરક, પ્રારબ્ધ અને પુનર્જન્મ જેવી અલૌકીક ધારણાઓમાં વીશ્વાસ ધરાવતી નહોતી. ઉપરાન્ત વર્ણવ્યવસ્થા જેવી અસમાનતાયુક્ત સમાજવ્યવસ્થા પણ ભારતીય પ્રજામાં નહોતી. માનવમાત્ર એક જ કુળના અને સમાન હોવાની તેમની ધારણા હતી. આ બાબત ચાર્વાકદર્શનના જે ગણ્યા–ગાઠ્યા શ્લોકો આર્યપંડીતો પાસેથી તેમના લખેલા ગ્રંથોમાંથી ઉપલબ્ધ થયા છે, તેમાં જોઈ શકાય છે.

ઋગ્વેદમાં રુદ્ર(શીવ) અને કૃષ્ણને પણ અસુર કહેવામાં આવ્યા છે. આ બન્ને આર્યોની વર્ણવ્યવસ્થા અને યજ્ઞ સંસ્કૃતીના પ્રખર વીરોધી અને બળવાન ગણનાયકો હતા. અર્થાત્ રુદ્ર(શીવ) અને કૃષ્ણ બન્ને અનાર્ય હતા યાને આર્ય નહોતા; પરન્તુ ભારતની મુળ નીવાસી પ્રજાના પ્રીય અને પ્રભાવશાળી નાયકો હતા. આ ઐતીહાસીક ઘટના પણ દર્શાવે છે કે અસુર એ ભારતની મુળ નીવાસી અનાર્ય પ્રજાને ઓળખવા માટે આર્યોએ પ્રયોજેલો શબ્દ હતો.

અસુરની જેમ જ સમય–સમય પર આર્યપંડીતોએ ભારતના લોકો માટે રાક્ષસ, દૈત્ય, દાનવ જેવા શબ્દો પણ પ્રયોજ્યાં છે. અલબત્ત, પ્રારમ્ભમાં એ શબ્દો ખાસ વીશીષ્ટ અર્થ ધરાવતા હતા; પરન્તુ બાદમાં આર્યપંડીતોએ એ શબ્દોને તીરસ્કારજનક બનાવી દીધા હતા. રાક્ષસનો અર્થ થાય છે, ‘રક્ષણ કરનારા.’ અનાર્યો પોતાના સમાજ, જમીન અને ધનસમ્પત્તી તથા ધર્મ–સંસ્કૃતીનું આર્યોથી રક્ષણ કરતા હતા તેથી આર્યોએ તેમને ‘રાક્ષસ’ સંજ્ઞા આપી. પોતાને મનુના વારસદારો તરીકે માનવ કહ્યા ત્યારે અનાર્યોને દાનવ કહ્યા. અનાર્યોની મુળ ઓળખ ભુલાવવા માટે તેમને દીતીના પુત્ર તરીકે ‘દૈત્ય’ સંજ્ઞા આપી.

તાત્પર્ય એ છે કે બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની જે વીચારધારાની પ્રસ્થાપના એક દર્શનશાસ્ત્ર તરીકે કરી તે વીચારધારા મુળભુત રીતે જ ભારતની પ્રજાની જીવનકળા છે, જેનું સૌથી મોટું અને પ્રબળ પ્રમાણ એ છે કે 5000 વર્ષ પુરાણી સીંધુખીણની સંસ્કૃતીનાં જે અવશેષો 1922માં આપણને મળ્યાં છે, તે અવશેષોમાં ચાર્વાકદર્શનની વીચારધારાના પ્રમાણો મળી રહે છે. અર્થાત્ સીંધુખીણની સંસ્કૃતીમાં ઋગ્વેદ, ઋગ્વેદની છાંદસ ભાષા, ઋગ્વેદના રાજા–મહારાજાઓ અને ઋગ્વેદની વર્ણવ્યવસ્થા, રાજાશાહી તથા ઈશ્વરવાદી ધર્મ–સંસ્કૃતીના કોઈ અવશેષો જોવા મળતાં નથી. તેનાથી પુરવાર થાય છે કે સીંધુખીણની સંસ્કૃતી ઋગ્વેદ કરતાં પુરાણી છે અને ઋગ્વેદની સંસ્કૃતી કરતાં તદ્દન ભીન્ન છે. સ્પષ્ટ છે કે આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં આ સીંધુખીણની સંસ્કૃતી પ્રવર્તમાન હતી, જેમાં મોહેં–જો–દડો અને હડપ્પા જેવાં આધુનીક સુખ–સગવડવાળાં નગરો અને સુસભ્ય, સુસંસ્કૃત અને વીકસીત પ્રજા તેમાં વસતી હતી. આર્યોએ આ સીંધુઘાટીની સભ્યતાનો નાશ કર્યો છે એના પણ પ્રબળ પુરાવા એમાંથી જ પ્રાપ્ત થયાં છે.

સીંધુખીણની સંસ્કતીમાં 5000 વર્ષ પહેલાં જીવનારી ભારતની પ્રજા વીકસીત, સાધન–સમ્પન્ન, સુખી, શાન્ત અને આધુનીક નગરોમાં વસનારી હતી. તેનો અર્થ એમ થાય કે એ ઈહલોકમાં માનનારી અર્થાત્ પરલોક, સ્વર્ગ–નરક આદીમાં નહીં માનનારી પ્રજા હતી. ધરતી પર જ સ્વર્ગ બનાવનારી પ્રજા હતી. જે ચાર્વાકદર્શનના સુત્રોમાં જોઈ શકાય છે. જેમ કે જ્યાં સુધી જીવો, સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીઓ, મૃત્યુ પછી દેહ ભસ્મીભુત થઈ ગયા પછી તેનો પુનર્જન્મ થવાનો નથી, સ્વર્ગ નથી, નરક નથી, પરલોકમાં જનારો કોઈ આત્મા નથી, વર્ણાશ્રમધર્મની ક્રીયાઓનું કોઈ ફળ મળતું નથી, વગેરે વગેરે..

એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ.50/-)માંનો આ 06ઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 29 થી 32 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક : 

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે,  વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14/05/2016 

 

15 Comments

 1. હાલમાં જ मूल भारतवासी और आर्य પુસ્તક, લેખક ભિક્ખુ બોધાનન્દ, મારા વાંચવામાં આવ્યું. એમાં ભાઈશ્રી ચાવડાએ એમના આ લેખમાં જણાવેલી ઘણી વીગતો છે. જો મુળ ભારતવાસીઓની વર્ણવ્યવસ્થા વીનાની, સહુને સમાન ગણવાની સંસ્કૃતી કહેવાતા આર્યોએ નષ્ટ ન કરી હોત તો ભારતની સ્થીતી આજે જે છે તેવી ન હોત એમ પણ એમાં કહેવાયું છે. જ્ઞાતીપ્રથાએ બહુ ભારે નુકસાન પહોંચાડ્યું છે.
  ખુબ સરસ લેખ. હાર્દીક ધન્યવાદ ભાઈ શ્રી ચાવડાને તથા ગોવીંદભાઈને.

  Liked by 3 people

 2. “મૃત્યુ પછી દેહ ભસ્મીભુત થઈ ગયા પછી તેનો પુનર્જન્મ થવાનો નથી, સ્વર્ગ નથી, નરક નથી, પરલોકમાં જનારો કોઈ આત્મા નથી,” એમ સ્વીકારે તો ગોર-શાહુકારનું સહિયારું કેવી રીતે ચાલે? સીધા સાદા કરકસરથી રહેતા ખેડૂતો કે મજુરોને દેવાદાર બનાવવા માટે તેમને કહેવું પડે કે મરેલા બાપની પાછળ શ્રાદ્ધ નહિ કરો તો તેનો આત્મા નરકે જશે. પછી તે બિચારો પુત્ર દેવું કરીને પણ શ્રાધ્ધ કરે, બ્રાહ્મણો જમાડે. ભણવા તો દીધા જ નહિ તેથી વ્યાજ ચડાવી ચડાવીને તેને એવો બાંધી દે કે આખી જીંદગી ગુલામી કરે કે થોડી જમીન હોય તો તે પાણીના ભાવે શેઠીયાને આપી દે. પ્રજાની ગરીબી આવી રીતે વધતી જ જાય.

  Liked by 1 person

 3. Very good & thoughtful article — makes one thinking in a different way. Hats off to Shri Chavda for writing the article & Shri Govindbhai for sharing/spreading the thoughts —Navin Nagrecha, Pune (Maharashtra).

  Liked by 1 person

 4. ભાઈ શ્રી ચાવડા નો ‘અભિવ્યક્તિ’ પર રાખેલો લેખ વાંચ્યો. ખુબજ સરસ વિચારો અન ઍટલીજ સુંદર પ્રસ્તુતિ. રેશનાલિસ્ટ વિચારોને પ્રોત્સાહન આપનારો લેખ.

  ઍક અનુવાદક તરીકે આજ સુધી મેં ઘણા બધાં લેખો, વાર્તાઓનો અનુવાદ ઍક ભાષામાંથી બોજો ભાષાઓમા કર્યો છે. જો ક ઘણા સમયથી અનુવાદ કરવાનુ છોડી દીધું છે. પરંતુ આ લેખ વાંચીને અનુવાદકનો જીવ ફરી સળવળ્યો છે. આ લેખ ની હિન્દી મા અનુવાદિત કરીશ. ચાવડાભાઈના વિચારોને હિન્દીભાષી સમાજ તરફ લાઇ જવાનો પ્રયત્ન કરીશ.

  ભાઈશ્રી ગોવિંદ મારુ તો મારા મિત્ર છે. ચાપ્લુસિ ના ગણાય ઍ ડરથી ઍમના પ્રયત્નોની કદર કરવામા પાછી પાની નહીં કરું. ઍમના પ્રયત્નો ખરેખર સરાહનીય છે.

  ફિરોજ ખાન
  ટોરોઁટો, કેનેડા.

  Liked by 1 person

  1. વહાલા વડીલ ખાનસાહેબ,
   શ્રી. ચાવડાસાહેબના ‘ચાર્વાકદર્શન : પ્રાચીન ભારતીય લોકધર્મ’ લેખને હીન્દીમાં અનુવાદ કરીને હીન્દીભાષી સમાજ તરફ લઈ જવાના આપના ઉમદા વીચાર જાણીને ખુશી થઈ.
   ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ..

   Like

 5. આ લેખ પર જો બે વાર લાઈકનું થીંગડું મરાતું હોત તો હું બે વાર મારત; પણ એમ કરવામાં લાઈકનું ડિસલાઈક થઈ જાય એટલે એવું નથી કરતો. ખૂબ જ શાસ્ત્રીય લેખ એટલે એટલે આ ડફોળ શાસ્ત્રીને ગમે જ. અને એટલો બધો ગમ્યો કે હું ગોવિંદભાઈ ના આભાર સહિત રિબ્લોગ પણ કરવાનો જ..
  હવે ઇતિહાસ અને ઇતિહાસનું અર્થઘટન.
  આજે મને પોતાને મારી સાત પેઢી પહેલાના પૂર્વજોએ શું કર્યું, ક્યાં શું પ્રવૃત્તિઓ કરી, કોને પરણ્યા. કશું જ ખવર નથી. હા, શ્રી ચાવડાજીને તો એમના વંશના ઇતિહાસની વાત ખબર જ હશે જ. હું પણ વનરાજ ચાવડાની વાત ચોથા ધોરણના ઇતિહાસમાં શીખ્યો હતો. મારા જેવા અનેક અબુધોએ જે કાઈ લખાય એ જ વાંચવું. સમજવું અને સ્વીકારવું રહ્યું.
  હવે આપણે સૌ જાણીયે છીએ કે વિદ્વતાને નામે મૂળ સત્ય હકિકતો સામે અસંખ્ય ચેડાઓ થતાં રહ્યા, થાય છે અને થતાં જ રહેશે. એ જ વાત ભૂતકાળના વેદ પુરાણને પણ લાગુ પડે છે. ચાવડા સાહેબની એ વાત પણ તદ્દન સાચી છે કે જીતનાર પોતાની ગૌરવ ગાથાનો ઈતિહાસ પોતે રચે છે. એની સામે જ હારનાર પક્ષ પણ પ્રતિહાસ રચતો જ હોય છે. (પ્રતિહાસ એ મારો શબ્દ છે).
  આજના યુગમાં વર્તમાનકાળની વાત કરીયે તો બનતી ઘટનાઓ એક જ છે. પણ એ ઘટનાઓનું મૂલ્યાનકન જૂદી જૂદી વ્યક્તિઓ જૂદી જૂદી રીતે જ કરતા હોય છે. જૂઓને આજે મોદી કે સોનિયા જે કરે કે કહે તેનું અર્થ ઘટન કયો પત્રકાર કે પાર્ટીનો માણસ કઈ રીતે કરે અને કંઈક લખી જાય ભાવી પેઢી માટે એ ઈતિહાસ બની જાય. અને એ માન્યતાઓ સાચી જ છે એવા પુરાવા પણ છોડતા જાય. એમ જ આજની હકિકતનો ઇતિહાસ પણ એ ભાવી પેઢી માટે વિસંવાદી માન્યતાસ બની રહે (માન્યતાસ શબ્દ પણ મારો અંગત શબ્દ છે. હું સાહિત્યકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું)
  હું ઈચ્છું છું કે આજે દેવું કરીને ધી પીનારાઓ, દેવું કરીને બાપનું શ્રાધ્ધ કરતા હોય તો એમને જરૂરથી બ્રાહ્મણોના કલ્યાણાર્થે કરવા દેવા જોઈએ. આલ્યા માલ્યાઓ પણ ચાર્વાકને જ અનુસરે છે. પાછા ન આપવામાંજ ચાર્વાકવાદ સમાઈ જાય છે. મેં પણ ચાર્વાકવાદ વિશે લખ્યું જ છે. કોમેન્ટ લેખ કરતાં લાંબી ન જ બનવી જોઈએ એટલે હું અહીં જ વિરમું છું. ચાવડા સાહેબનો લેખ સરસ સંગ્રહ કરવા જેવો માહિતી પ્રધાન લેખ છે. ફરી એક વાર અભિવ્યક્તિ અને ચાવડાજીને ધન્યવાદ.

  Liked by 1 person

  1. વહાલા વડીલ પ્રવીણભાઈ,
   ‘ચાર્વાકદર્શન : પ્રાચીન ભારતીય લોકધર્મ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ..

   Like

 6. આપના તર્ક શુદ્ધ વિચાર અને તે દ્વારા ઉપસ્થિત કરેલા પ્રશ્નો ખરેખર વિચાર અને સંશોધન માગી લે છે. જો કે આપે લખેલા “વળી, એ હકીકત ઈતીહાસ પ્રસીદ્ધ છે કે સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં ભારતમાં આવેલ યુરેશાઈ આર્ય પ્રજાએ ભારતની મુળ નીવાસી પ્રજાને હરાવીને એમને ગુલામ બનાવીને અહીંની શાસક બની ગઈ.”

  અહીં મારા મનમાં એક સવાલ ઉભો થાય છે કે આપે સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં મધ્ય યુરોપમાંથી ભારતમાં આવેલા આર્ય પ્રજા વિશેની મૅક્સમુલર જેવા પાશ્ચાત્ય વિચારકોએ ખડી કરેલી Aryan Invasion Theoryને માન્ય કરી છે? આધુનિક સંશોધન દ્વારા આ માન્યતા ખોટી પૂરવાર થઈ છે એવું માનીએ તો વર્ણવ્યવસ્થા, અસૂર, રાક્ષસ, આર્ય – અનાર્ય જેવા જાતિ વિભાગમાં થયેલી વહેંચણી પાછળ કહેવાતા ‘આર્ય’ આગંતુકોની જોરતલબી નહિ પણ સામાજિક પરિબળો હોઈ શકે?
  રહી પુરાણોની વાત. જે ‘પૌરાણિક’ વાતોને આપણે myth માનતા આવ્યા છીએ, તેના અસ્તીત્વના પુરાવા હવે મળી રહ્યા છે, જેમ કે દ્વારકા તથા ખંભાતના અખાતમાં દરિયાના ઊંડાણમાં મળી આવેલા અવશેષો ૨૦-૨૫૦૦૦ વર્ષથી પણ જુના છે એવું કાર્બન ડેટિંગ પરથી જાણવા મળ્યું છે.
  આ બાબતમાં આપનું માર્ગદર્શન મળશે તો આભારી થઈશ. આ બાબતમાં કોઈ વાચન/સાહિત્યની સામગ્રી વાંચવા માટે સૂચન આપવા વિનંતી.

  Liked by 2 people

 7. શ્રીમદ્ ભગવદ્ ગીતા, મહાભારતના યુઘ્ઘના સમયે કપિઘ્વજ અર્જુન શ્રીકૃષ્ણને તેનો રથ બન્ને સેનાની વચ્ચે ઉભો રાખવા કહે છે ત્યાંથી શરુ થાય છે….તેને દુષ્ટ બુઘ્ઘિવાળા દુર્યોઘન તરફે લડવા આવેલાઓને જોઇ લેવા હતાં…જાણી લેવા હતાં ( અઘ્યાય : ૧)
  હિન્દુઓને માટે જીવનનો સંદેશો અહિથી શરુ થાય છે.( દુનિયાઅે પણ વાંચ્યો.) ત્રીજો અઘ્યાય, કર્મયોગ બન્યો. ચોથા અઘ્યાયની શરુઆતમા ભગવાન અર્જુનને કહે છે કે ‘ આ અવિનાશી યોગ મેં સૂર્ય ( વિવસ્વત)ને જહ્યો હતો. સૂર્યે મનુને કહ્યો હતો અને મનુઅે ઇક્ષ્વાકુને કહ્યો હતો.‘ (૧)
  આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ પરમ જ્ઞાન (યોગ)ને રાજર્ષિઓ જાણતા હતાં. તે જ્ઞાન લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યુ છે. (૨)
  તે જ આ પુરાતન જ્ઞાન આજે મેં તને કહ્યું છે, કેમ કે તું મારો ભક્ત અને મિત્ર છે. ખરેખર આ જ્ઞાન ઉત્તમ રહસ્ય છે. (૩)
  અર્જુન બોલ્યો: આપનો જન્મ હમણાંનો છે. અને સૂર્યનો જન્મ તો પહેલાનો છે : આથી હું કેવી રીતે સમજું કે અાપે આ જ્ઞાન પહેલાં કહ્યું હતું ?
  શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મો થઇ ગયા છે; અે બઘાને હું જાણું છું, પણ હે પરંતપ, તું જાણતો નથી. (૪)

  અહિં આપણને આત્મા અને પુનર્જન્મનો ખ્યાલ અપાતો હોય અેવું નથી લાગતું ?

  ચાલો હવે આગળ જઇઅે……( વિચારી કે માની લઇઅે કે આ કૃષ્ણ, પાંડવો અને કૌરવો આર્યો હતાં. અને ઉત્તર ભારતમાં ( દષીણમાં નહિં ) રાજ્ય કરતાં હતાં..(.દ્વારિકા સુઘી) ( લોજીકના ઉપયોગ વિના આગળ વઘવું મુશ્કેલ લાગે છે.)

  ચોથા અઘ્યાયના ૧૨માં શ્લોકમાં જઇઅે…અહિં કર્મનો સિઘ્ઘાંત સમજાવવામાં આવ્યો છે. અને ૧૩માં શ્લોકમાં કર્મને વર્ણ સાથે જોડી દઇને વર્ણાશ્રમની રચના ભગવાનશ્રી કરે છે તે લખ્યું છે. કહે છે કે…‘ ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. ( કૃષ્ણ ભગવાને). તના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.

  ટૂંકમાં વર્ણાશ્રમ કૃષ્ણઅે બનાવેલો હતો.

  હવે અઘ્યાય ૧૮ના શ્લોક: ૪૧ને વાંચીઅે.

  હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રના પણ કર્મ…સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. તે પછી શ્લોક નં: ૪૨,૪૩ અને ૪૪માં દરેક વર્ણોના કર્મો વર્ણવ્યા છે.

  વચ્ચે વચ્ચે ગીતામાં ‘ દૈત્ય‘ શબ્દનો પણ ઉપયોગ થયેલો છે. તો આ ‘દૈત્ય‘ કોણ છે ?

  ગીતા આપણને જન્મો જન્મની વાતો કહે છે…આ જ્ઞાન અેક બીજાને કહીને…મોઢે મોઢે કહીને … કોઇ ભૂલે છે અને કોઇ બઘું યાદ રાખે છે.
  આજના બાળકો જેવા ઇન્કવિઝીટીવ બનીને હવે તો સવાલો જ પૂછવાના રહેશે. પરંતુ વર્ણવ્યવસ્થા આજે પણ કોઇ ને કોઇ સ્વરુપે આપણી સાથે જીવી રહી છે…અને તે સાબિતિ છે કે વર્ણવ્યવસ્થાનો જે ઉલ્લેખ ગીતામાં છે તે તે જમાનામાં હતો…પળાતી વર્ણવ્યવસ્થા હતી…..જેના ફળો આજે આપણે ભોગવી રહ્યા છીઅે…ગીતા કોણે કહી હતી તે કોઇ નથી કહેતું કારણ કે તે અેક ‘ ડાયલોગ‘ના સ્વરુપે આલેખાયેલી છે. મીનીંગ…કોઇ કવિઅે કે લેખકે કે કોઇ તે વખતના જ્ઞાનીઅે અથવા જ્ઞાનીઓઅે કહી છે…કહી છે…કહી છે….લખી ન્હોતી.
  સવાલો પુછવાનો વારો હવે દરેક વાચકનો આવ્યો છે અને તે સવાલોના જવાબો પણ તે સવાલ કરનારે જ શોઘવા રહ્યા….

  મેં તો ગીતામાં જે કાંઇ વાંચેલું છે તે જ લખ્યુ છે…મારું તો ઇન્કવિઝિટીવ વલણ જ છે. બે અઘ્યાયોની બંઘબેસતી કડીઓ જોડી જોઇ છે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. चावडा साहेब पोस्टमां बधुं स्पष्ट लखेल छे.

  राम कृष्ण तो नकली छे पण महावीर अने बुद्ध असली छे. महावीरना जमानामां महावीर पोते आत्मा, परमात्मा, जन्म एटले के पुनः के पुर्व जन्म न माननार हतो.

  महावीर पछी बे चार सो वरसो पछी शीष्योना पेटमां चुंक उपडी.

  लोकोने ठगाई करवा आत्मा परमात्मा दाखल करी नाखेल एटलुं ज नहीं महावीरनी बधी मान्यताओ फेरवी नाखी अने पत्थर पुजा, पुर्व के पुन जन्म, आत्मा, परमात्मा दाखल करी नाख्युं बधा एटले के हीन्दु, बौद्ध, बधा मुर्ती पुजामां मानवा लाग्या.

  बौद्ध वीहार, प्रार्थना स्थळ के मंदीरमां शरुआतमां मुर्ती पुजा न हती अने पछी दाखल थई गई.

  जैन नास्तीक के चार्वाक दर्शन छे पण मुर्ती पुजा अने आत्मा, परमात्मा, जन्म वीशेना बधा तुत शीष्योए दाखल करी नाख्या.

  मारुं एम चोक्कस मानवुं छे के महावीर अने चार्वाक बन्ने अलग अलग नथी पण एक ज छे. महावीर पछीना बे चारसो वरसमा शीष्योए तुत दाखल करेल अने महावीरना मृत्यु पछी अने 5-7 सो वरसमां दर्शन फेरवी नाखेल छे..

  Liked by 2 people

 9. Most of the Indians have heard and read about Dr Ambedkarji. He adopted Buddhism upon disappointment with Hinduism. However, he did a great service to Hinduism, in finding out about the Aryans and their origin.

  Max Muller, the authority on the RIGVEDA, stated that the RIGVEDA was the first book of the Aryans. He assumed, based on the expert’s statement, that the Book would provide some details relating to the Aryans’ origin as well as their culture and language.

  The Doctor went through every word of the RIGVEDA, that consists of many books. No information was found as to the origin, nor the use of the word ARYAN. He found the word ARYA used 30 plus times, in each case, as an adjective. He concluded that Hindus are being taken for a ride.

  Liked by 1 person

 10. “ઋગ્વેદમાં રુદ્ર(શીવ) અને કૃષ્ણને પણ અસુર કહેવામાં આવ્યા છે. ” If any hymn would be quoted in support of Shiva as an Asura, I can reply to the point.

  The continuity of one-ness of Fire-VishvaDeva-Rudra-Shiva is very clear through Veda-Upnishada and Vayu Puranam, the oldest Purana.

  The theory of Aryan invasion has been very well proved to be a fake one.

  Like

 11. શ્રી ચાવડા ભાઈનો લેખ મને બહુ ગમ્યો .શ્રી ગોવિંદ ભાઈ તમારો અને શ્રી ચાવડા ભાઈનો હું આભાર માનું છું . મને એમ લાગે છે કે બૃહસ્પતિની વાત લોકોને ગમશે ખરી .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s