મનની શાન્તી કઈ રીતે મળે ?

–યાસીન દલાલ

હમણાં હમણાં અધ્યાત્મ અને આધ્યાત્મીકતા, એ બે શબ્દો વારમ્વાર કાને અથડાય છે. ઠેરઠેર જાતજાતની અધ્યાત્મીક શીબીરો યોજાઈ રહી છે અને એમાં સેંકડો લોકો ભાગ લે છે. આત્માની ઉન્નતી અને મનની શાન્તી માટે લોકો જાણે એકાએક તલપાપડ બની ગયા છે. કેટલીક શીબીરોમાં તો કૉલેજના અભ્યાસના જે ત્રણ–ચાર તબક્કા હોય અને પહેલાં સ્નાતક અને પછી અનુસ્નાતકની ડીગ્રી મળે, એમ આત્માની ઉન્નતીના પણ તબક્કા પાડવામાં આવે છે અને એક શીબીર પુરી કર્યા બાદ બીજી ઉંચી કક્ષાની શીબીર યોજાય છે. આવા આધ્યાત્મીક સંવાદના અંગ્રેજી નામો અપાય છે અને એના વીષયે લોકો જાતજાતની વાતો સાંભળીને ‘ઈન્સ્ટન્ટ રીલીફ’ માટે એમાં જોડાવા ઉત્સુક બની જાય છે. પ્રશ્ન એ થાય કે, આ અધ્યાત્મ એ વાસ્તવમાં શું છે ? વીનોબા ભાવેએ એકવાર કહ્યું હતું, ‘આ વાતને જરા ઉંડાણથી સમજી લેવાની જરુર છે અને તેમાંયે હીન્દુસ્તાનમાં તો ખાસ. કેમકે અહીં અધ્યાત્મ વીશે જાતજાતના ખ્યાલો દૃઢ થઈ ગયેલા છે.’

અધ્યાત્મની વાત આવે એટલે તરત ધ્યાનની વાત આવે. વળી પ્રશ્ન થાય કે ધ્યાન એટલે શું ? વીનોબા ભાવેનો જ વીચાર જોઈએ, ‘એકવાર એક ભાઈએ મને કહ્યું કે, હું આધ્યાત્મીક માર્ગે આગળ વધવા માંગું છું, એટલા વાસ્તે હમણાં બસ ધ્યાન કરી રહ્યો છું. મેં એમને કહ્યું કે, ધ્યાનનો અધ્યાત્મ સાથે કોઈ ખાસ સમ્બન્ધ છે એવું હું નથી માનતો. કર્મ એક શક્તી છે, જે સારા–ખરાબ સ્વાર્થ, સારા–ખરાબ પરાર્થ અને પરમાર્થ એમ પાંચમાંથી કોઈપણ કામમાં આવી શકે છે. એવી જ રીતે ધ્યાન પણ એક શક્તી છે, જે આવાં પાંચેય કામોમાં આવી શકે છે. જેમ કર્મ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી, એમ ધ્યાન પણ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી.’

પણ, આપણે તો આ કહેવાતા ધ્યાનને આધ્યાત્મીકતા સાથે એવું જોડી દીધું કે બન્ને એકબીજાના પર્યાય જેવા બની ગયા. ગામેગામ ધ્યાનશીબીરો યોજાવા લાગી. જો ધ્યાન જ ધરવાનું હોય તો એની શીબીરમાં જવાની શી જરુર છે ? ઘરેબેઠાં પણ એ કરી શકાય ! મનની એકાગ્રતા કે શાન્તચીત્તે, મનને કેન્દ્રીત કરીને શુદ્ધ કરવાની પ્રક્રીયાને ધ્યાન ગણીએ તો એ વ્યક્તી પોતે પણ આપમેળે કરી શકે છે.

આજનો સરેરાશ નાગરીક સતત બેચેની અને અજમ્પો અનુભવે છે. આ અજમ્પાનાં કારણો અનેક હોઈ શકે. કોઈને નોકરીમાં મજા આવતી નથી. કોઈને ધંધો ફાવતો નથી. કોઈને ઘરમાં પત્ની સાથે મેળ પડતો નથી, તો કોઈને સન્તાનો સાથે અન્તર પડી જાય છે. કોઈ રાજકારણી તો વળી ઈચ્છીત પદ કે હોદ્દો ન મળે એનાથી બેચેન થઈ જાય છે. મનગમતો મીત્ર કે મનગમતું પ્રેમપાત્ર ન મળે એ પણ અજમ્પાનું મોટું કારણ હોઈ શકે. આવા લોકો બેચેનીનો ઈલાજ પોતે શોધી શકતા નથી અને પરીણામે આધ્યાત્મીક ગુરુઓને ચરણે જઈને આળોટે છે. આટલી મોટી સંખ્યામાં મનની શાન્તીની માંગ હોય તો પુરવઠો પણ મોટો જ હોવો જોઈએ. પરીણામે આજે તો ધર્મ અને અધ્યાત્મ પણ ધંધો બની ગયા છે. જાતજાતના ગુરુઓ જાતજાતની શીબીરો ગોઠવે છે અને જાતજાતના નુસખાનો પ્રચાર કરે છે. મારા એક મીત્ર એવા છે જેનો ક્યાંય પત્તો ન લાગે તો આવી એકાદ શીબીરમાંથી એ જરુર મળી આવે! પણ, આટલી બધી શીબીરોમાં ગયા પછી એમનો માનસીક અજમ્પો હતો ત્યાં ને ત્યાં જ છે. ઘણા લોકોને પોતાની મુશ્કેલીઓનું કાળજીપુર્વક જતન કરીને ઉછેરવાની ટેવ હોય છે. આવી રીતે જ્યાં ત્યાં મનની શાન્તી માટે ભટકવાથી એ મળી જતી નથી. ઉલટું, મનના ગુંચવાડામાં વધારો જ કરે છે.

આપણે કદાચ કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રુપાળું નામ આપી દીધું છે. કોઈપણ કામ કરવું હોય તો શરીર અને મન બન્નેને કષ્ટ આપવું પડે છે. કારખાનામાં કોઈ માણસ મશીન પર બેઠો હોય તો એણે મશીનના જુદા જુદા ભાગો તરફ નજર કરવી પડે, પોતાનો હાથ મશીનમાં આવી ન જાય એની કાળજી રાખવી પડે અને મશીનમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ બરોબર થઈ રહી છે કે નહીં એ પણ જોવું પડે. આમ, તન અને મન બન્નેને કાર્યરત રાખવાં પડે. ઑફીસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે. સન્દર્ભો જોવા પડે, કોઈને પત્રનો જવાબ આપવો હોય તો પણ જે પત્રનો જવાબ આપવાનો છે, એના સન્દર્ભ નંબર ટાંકવા પડે, એનો વીષય અને એની વીગત જોઈ જવી પડે, કવર બનાવવું પડે, એની ઉપર ટીકીટ ચોંટાડવી પડે. આ બધાં કામો કરવામાં જેને આળસ થતી હોય અને કોઈપણ કામ કરવામાં જ મન ન ચોંટતું હોય તો આસાન રસ્તો આધ્યાત્મીક બની જવાનો છે. નીષ્ક્રીય બનીને ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓ સાંભળ્યા કરવી અને આંખો મીંચીને ધ્યાન ધરતા રહેવું, એમાં આપણને જીવનની સાર્થકતા દેખાય છે અને ખેતરમાં કામ કરવું, રસ્તા બનાવવા, ઘરને સાફ કરવું એ બધામાં આળસ થાય છે. વીનોબા નાના હતા ત્યારે ખેતરમાં કોદાળી ચલાવતા, કાંતણ, વણાટની સાથે રસોઈ કરતા અને ઘરમાં દીવાલ રંગવાનું કામ પણ કરતા. વીનોબાજી લખે છે ; ‘પણ, એ બધાં કામ કરતી વખતે મારી એ જ ભાવના હતી કે, હું ઉપાસના કરી રહ્યો છું…’ આમ, જીવનમાં ઘરના, ઑફીસના નાનાં–મોટાં કામ કરવાને વીનોબા જેવા લોકો ‘ઉપાસના’નો દરજ્જો આપે છે, ત્યારે આપણે આવાં કામોને તુચ્છ ગણી, એમાં નાનમ અનુભવીને આપણી એ આળસ કે અભીમાનને છુપાવવા માટે કહેવાતી આધ્યાત્મીકતા અપનાવી લઈએ છીએ. વીનોબા ચરખો કાંતવાને કે ખેતરમાં કામ કરવાને ‘આધ્યાત્મીક કર્મ’ કહે છે.

આપણું જીવન બહુ સંકુલ છે. જીન્દગી એટલે બે અને બે ચારનો સરવાળો નથી. જીવનની ગાડીમાં ઘણા ફાંટા આવે છે. જીવન ગુંચવાડા ભર્યું છે. આ ગુંચવાડામાંથી માર્ગ કાઢવા માટે આત્મવીશ્વાસ અને દૃઢ મનોબળ જેવી કોઈ બીજી દવા નથી. પણ, દર્દીને ખબર જ નથી કે એને શો રોગ થયો છે, પરીણામે રસ્તા પર બેઠેલા ઉંટવૈદો એને ભરમાવે છે. ધર્મને નામે, અધ્યાત્મને નામે, ત્યાગ અને બલીદાનને નામે, મોક્ષને નામે એને અવળે રસ્તે ચડાવે છે. એક ભાઈ એક મનોવીજ્ઞાની ડૉક્ટર પાસે ગયા. ફરીયાદ એ હતી કે, આખો દીવસ ખોટા વીચારો આવે છે, મનને શાન્તી મળતી નથી, મન ભટકે છે, ઉંઘમાં સપનાં આવે છે. ડૉક્ટરે પુછ્યું કે, ‘કામ શું કરો છો?’ ત્યારે ખબર પડી કે કોઈ સરકારી ખાતામાં નોકરી કરે છે. ડૉક્ટરે પુછ્યું, ‘અત્યારે તો તમારી નોકરીનો સમય છે; તો પછી અહીં કઈ રીતે આવ્યા?’ જવાબ મળ્યો, ‘સરકારી નોકરી છે. સમયસર જવું જરુરી નથી. ન જઈએ તો કોઈ પુછતું નથી. ઑફીસમાં બધા આમ જ કરે છે.’ ડૉક્ટરને જવાબ મળી ગયો. એણે કહ્યું, ‘તમે ઑફીસમાં બરોબર હાજરી આપો. તમારી ફરજ પુરી નીષ્ઠાથી બજાવો. અરજદારોના કામ પતાવો. આવા એક અરજદારનું કામ તત્પરતાથી પતાવ્યા પછી જે માનસીક સન્તોષ મળશે એ જ તમારી દવા છે. પછી તમારું મન ક્યાંય નહીં ભટકે…’

ઉર્દુમાં એક સરસ શેર છે, ‘કભી કીસી કો મુકમ્મીલ જહાં નહીં મીલતા, કહીં જમીં તો કહીં આસમાં નહીં મીલતા’… દરેક માણસને એની ઈચ્છીત વસ્તુ મળી જતી નથી. દરેકના જીવનમાં કશુંક ખુટે છે એ જ આપણે મેળવવું છે. અધુરપ પુરવાની આ ઝંખનામાં માણસ મનની સમતુલા ગુમાવી બેસે છે અને પછી અહીંતહીં ભટકવા માંડે છે. કહેવાતા ‘ગુરુઓ’ આવા ગુમરાહ લોકોની જ રાહ જોતા હોય છે. કોઈ મઠ કે આશ્રમમાં લઈ જઈને એમને આધ્યાત્મીકતાનાં ઈંજેક્શન આપવાનું શરુ થઈ જાય છે. આવા ગુમરાહ લોકોમાં આજકાલ બહુ પૈસાદાર લોકો વધુ જોવા મળે છે. સાચાખોટા માર્ગે પૈસો ખુબ બનાવી લીધો, પણ પછી અન્દરનો ખાલીપો ખખડવા માંડે ત્યારે સમજાય છે કે પૈસો એ પરમેશ્વર નથી. ગુજરાતીઓ પાસે પૈસો વધી ગયો એટલે આધ્યાત્મીકતાની દુકાનોમાં એમની ઘરાકી વધી ગઈ છે. આવા લોકો કોઈ ગુરુ પાસે દોડી જવાને બદલે થોડો સમય પોતાની જાત સાથે સંવાદ કરેતો ઘણા પ્રશ્નોના જવાબો આપોઆપ જ મળી જાય.

ધર્મ અને અધ્યાત્મની વ્યાખ્યા જ બદલવી પડે એવો માહોલ સર્જાયો છે. વ્યવસાયમાં છેતરપીંડી ન કરે, કરચોરી ન કરે, ભેળસેળ ન કરે એવા વેપારીને દર્દીને લુંટે નહીં એવા ડૉક્ટરોને કે ઑફીસમાં આવેલ ફરીયાદીનું અપમાન ન કરે એવા સરકારી કર્મચારીને હવે આધ્યાત્મીક કહેવો પડશે. આપણા એક ચીન્તક તો એવું કહી ગયા કે મનને એટલી હદે એકાગ્ર કરી નાખવું કે એ વીચારહીન સ્થીતીમાં આવી જાય! વીચાર જ જતા રહે અને માણસ વીચારહીન બની જાય તો એના જીવનનો શો અર્થ? પછી તો જીવનની દરેક પ્રવૃત્તી જ નીરર્થક બની રહે ! પણ, આપણે ત્યાં એવો ખોટો ખ્યાલ ઘુસી ગયો છે કે કામ તો સંસારની હાયવોય જેને હોય એ કરે, અને એ હાયવોય છોડીને આંખો મીંચીને બેઠો રહે એ માણસ આધ્યાત્મીક કહેવાય. કેટલાક માણસો એકસાથે અનેક ચીજો તરફ ધ્યાન આપી શકતા હોય છે અને સફળતાપુર્વક આપી શકતા હોય છે. આવા માણસોને એકાગ્ર બનીને એક જ મુદ્દા પર ચીત્તને કેન્દ્રીત કરવાની જરુર જ નથી. આવી તીક્ષ્ણ બુદ્ધી વીકસાવી શકાય છે. સફળ ઉદ્યોગપતી કે સફળ વહીવટકર્તામાં આ ગુણ હોય છે.

આપણને આજે સૌથી વધુ જરુર ઉત્પાદકતા અને શ્રમની છે. એ ભુલીને આપણે આળસ અને અકર્મણ્યતા ઉપર પડી ગયા છીએ. આધ્યાત્મીકને જો ચીન્તન અને મનન ગણીએ તો એ માણસ માટે જરુરી છે. માણસના જીવનમાં કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ ફીલસુફી હોવી જોઈએ. વીશ્વના શ્રેષ્ઠ વીચારકોનું ચીન્તન એણે ભણવું જ જોઈએ. પોતાના જીવનમાં પ્રગતી અને સફળતામાં એ ખુબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે. પણ, આધ્યાત્મીકતાને નામે આત્મા, પરમાત્મા અને સ્વર્ગ-નર્ક જેવી અગમ્ય બાબતોમાં એ પડી જાય તો એ માણસ પછી કામ કરતો જ બંધ થઈ જશે અને પરાવલમ્બી બની જશે. આર્થીક ઉન્નતી માટે સાહસ અને કુશળતા જોઈએ અને સખત પરીશ્રમ જોઈએ. જે માણસ જીવનને મીથ્યા માનશે એની મહત્ત્વાકાંક્ષા મરી જશે અને એ કામ કરવા જ નહીં પ્રેરાય. માણસમાં મહત્ત્વાકાંક્ષા હશે તો એ પુરી કરવા માટે મથશે. પણ જો અગમનીગમની માયાજાળમાં પડી જશે તો જીવનમાં એને રસ જ નહીં રહે. માણસ બધું મેળવ્યા પછી સાદાઈ અપનાવે એ એક વાત છે અને પોતાની પાસે કંઈ હોય જ નહીં એટલે સાદાઈ અપનાવવી પડે એ બીજી જ વાત છે. જે માણસની પાસે વીચારનો આન્તરીક વૈભવ છે, એણે મનની શાન્તીની શોધમાં અહીંતહીં ભટકવું પડતું નથી.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 30મે, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/05/2016 

 

16 Comments

  1. Yasin bhai khub saras lekh.
    Hamnaj surat ma ek shibir dar 2/3 mahine thai chhe teni ek shibir free hoi chhe pachhi paheli shibir 7000 rupeeya thi sharu thai ne 3,50,000 sudhini chhe ane te chalavnar guru ( GHANTAL ) pachho 28 varasno yuvan ane tya bhega thanar murkh 15 varas thi lai ne 80 varas na kahevay chhe ke te guru ( GHANTAL ) pase 400 caror karta vadhare ni property chhe chhataye lokoni aankh nathi khulti zukane vala chahiye murkha zukne ke liye line me shisht baddh khade hai.

    Liked by 1 person

  2. દલાલ સાહેબે સારી સારી અને લાંબી લાંબી ઘણી વાતો કરી. માનવ જીવનમાં જાત જાતની સમસ્યાઓ આવતી જ હોય છે. જેમને એ સમસ્યાઓનો ઉકેલ ન જડતો હોય એવા ડિપ્રેશ કે હતાશ માણસો આવી શિબિરોમાં પહોંચી જાય છે.
    આપણાં ઘણાં ચિંતક લેખકગુરુઓની જેમ જ આ શિબિર ગુરુઓ પણ પ્રભાવી શબ્દ છલનામાં નિષ્ણાત હોય છે.
    માનસિક શાંતિ એ પણ મોટી ભ્રમણા જ છે.

    માનવ મન એક પણ ક્ષણ વિચાર વિહિન હોતું જ નથી. ડિપ્રેશ માનવોએ પોતાને ગમતા વિષયો તરફ વિચારો અને પ્રવૃત્તિને વાળવાની જરૂર છે. મને મુશ્કેલીઓ આવી છે, મેં જાતે જ માર્ગ ખોળ્યો છે. હતાશા કે ડિપ્રેશનનો અંગત અનુભવ નથી એટલે કોઈ ગુરુ કે ધ્યાન શિબિર કે યોગા શિબિરનો પણ અનુભવ નથી.

    પણ એક વાત મને કદીયે સમજાતી નથી કે આ ગુરુઓમાં એવું તો શું છે કે એલોકો લાખ્ખોના ટોળાં ભેગા કરી શકે છે, જો દલાલ સાહેબ શિખામણ આપવાના હોય તો માંડ પાંચ હજાર શ્રોતાઓ પણ ભેગા કરવા અઘરા પડે.

    અને મારી વાત ….જવા દોને…કોઈ તો શું!…ઘરના પણ ના સાંભળે….દોસ્તો…આવા ગુરુઘંટાલના તો કેટલા બધા ચેલાઓ છે. મારા, તમારા કેટલા?

    Like

  3. ટૂંકું ને ટચઃ એ ટલું જ કેઃ
    “જો ધ્યાન જ ધરવાનું હોય તો એની શીબીરમાં જવાની શી જરુર છે ? ઘરેબેઠાં પણ એ કરી શકાય ! ”
    ” જે માણસની પાસે વીચારનો આન્તરીક વૈભવ છે, એણે મનની શાન્તીની શોધમાં અહીંતહીં ભટકવું પડતું નથી.”

    Liked by 2 people

  4. યાસીનભાઇના આ લેખનું કર્તવ્ય મનની શાંતિ શોઘવાનું છે.
    સવાલ છે કે મનની શાંતિ કેવી રીતે મળે ?
    અેનો અર્થ અે થયો કે, આ સવાલનો જવાબ જીવનમાં મુકીઅે અેટલે મનની શાંતિ મળે કે મળવી જોઇઅે.
    પરંતુ….
    મનની શાંતિ અેટલે શું? અેની કોઇ ડેફીનેશન તો હશે ને ? અેવું પણ બને કે દરેક ઇન્ડીવિજ્યુઅલ માણસની પોતાની ડેફીનેશન હોય. ટૂંકમાં દરેક વ્યક્તિ કે જે મનની શાંતિ શોઘે છે તે પોતાના મનને ગમે ,ફાવે, ખુશી આપે તેવી કોઇક વસ્તુ શોઘે છે.લોજીક વાપરીઅે તો અા શોઘ કોઇક ગમતી વસ્તુની છે…અેટલે કે હું અે વસ્તુ મેળવવાને હજી સુઘી લાયક નથી…અને અેટલે શોઘી રહ્યો છું.
    આ વાત સમજવા માટે અેક શેર યોગ્ય છે…માર્ગચીંઘક છે……જરુરતની જગ્યાઅે શબ્દો બદલીને વિચારવું.
    બુરા દેખન મેં ચલા, બુરા મીલા ના કોઇ,
    જબ દેખા અપને આપકો, મુજસે બુરા ના કોઇ.
    તું જ તારા દુ:ખનો જનેતા છે…..તું જ તારા સુખનો જનેતા છે…..દુ:ખ અેટલે અશાંતિ અને સુખ અેટલે શાંતિ. તારી જાતનો બેલેન્સ મગજથી ન્યાયપૂર્ણ રીતે અભ્યાસ કર…તારા સવાલનો જવાબ મળી જશે. ત્રાહિત વ્યક્તિને પોતાનો અંગત સ્વાર્થ હોય છે.

    અા વિશ્વમાં અેક જ ઘર્મનું રાજ્ય ચાલે છે…(હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તિ, બૌઘ, જૈન, કે બીજા કોઇ ઘર્મનું રાજ ચાલતું નથી ) અને તે છે ‘ સ્વાર્થ ઘર્મ‘…યુનિવર્સલ છે. માટે તું તારું જો.

    શાંતિ મેળવવામાં કેટલી અશાંતિનો ભોગ થવું પડે છે તે તો તેમાંથી પસાર થયા હોય તેને પૂછો.
    વિનંતિ છે કે…મને પૂછતાં નહિં…મને શાંતિ મેળવવાનો રસ્તો મળી ગયો છે.

    અમૃત હઝારી.
    જેને પોતાનામાં વિશ્વાસ નથી તે ફાંફા મારનારો બને છે. આત્મવિશ્વાસ અને કાંઇક કરી બતાવવાની લગન…તમે જીતી ગયા.

    Liked by 1 person

  5. As long as we desire anything including peace of mind, we will remain in disturbed mode of life. Accept the world and people as they are. it will bring in your life.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  6. In 1992-93 their was a book title “Mind over Matter” written by Dipak Chopra. Today he is well known in Hollywood and western world for preaching mind over matter. It is Human nature who is looking for this kind of thing. As long as there is customer demand, there will always be a supplier. Supplier like 28 years old in Surat.
    Shahstri Saab, Aapne wrong business ma chhiye….. etle aapnu koi nahi saanbhre!
    Yes, Vimalaji, One can accomplish on their own if they want to….. pan black money ne kharchavaa kiya javoo pachhi?

    Liked by 1 person

  7. The following is a very truthful observation : “આપણે — કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રુપાળું નામ આપી દીધું છે.”
    Our productivity is one of the lowest in the world. Glorification of laziness lies at the root of India’s poverty. Thanks for a good article. — Subodh Shah —

    Liked by 1 person

  8. ડૉક્ટર યાસીન ભાઇ,
    સાવ સાચી વાતો કહી, પણ વાંચનાર વર્ગ ? આપડા જેવો જ…
    “લોભીયા હોય ત્યાં ધૂતારા હોવાના” અમે મુંબઇ માં ૧૯૯૪ સુધી એક સાચા પારસી એસ. એન. તવરીયા જોડે 3srb શીખેલા. તેઓ ૧૯૯૪ માં દેવલોક પામ્યા- એમનું ગ્રુપ બહુ નાનું હતુ -અને તેઓ પણ કહેતા કે મેડીટેશન આ મગજ કેવી રીતે કરી શકે- જેમાં ૩૩૦૦૦ ઇમ્પલ્સ પ્રતિ સેકન્ડ વહે છે અને તેમાં થી ૧૨૦ વિચાર પ્રતિ સેકન્ડ બ્રૈન માં વહે છે- તેથી મહર્શી પાતાન્જલી એ બાઇ વર્ડ ઓફ માઉથ બતાડેલી તેક્નીક – 3srb કરવા ની શ્વાસ પદ્ધતિ તેઓ શીખવતા – જે આપે લખ્યું તેમ ઘેર બેઠા કરવાની હોય છે. તેઓ કહેતા કે આ yoga without glamour છે અને આ social gathering કે picnic place નથી…
    અને ચર્ચા માં જેમ નામ વગર અમુક ગુરુ ની વાત આવી તેમ સમાજ નો બહોળો વર્ગ તે તરફ વળ્યો છે- જ્યાં ગુરુ કૃપા નું જ મહત્વ છે…
    આપની વાતો યુવાનો social media થી વધુ ને વધુ વાંચે તેજ સદ્ ભાવના..

    Liked by 1 person

  9. A very good article with all statements of truth, like – ‘Dharma ane adhyatma pan dhandho bani gaya chhe’ ; ‘Badha kam karati vakhate hun upasana kari rahyo chhun’ ; ‘Safala udyogpati ke safala vahivatkartaman aa gun hoy chhe’ ;, —-All these are statements of fact & reality experienced by all of us..
    Running away from one’s ‘karma’ (duty) will not give any ‘ shanti ‘ in life. As one of our co-walkers in garden this morning only said ‘no use going to spend time visiting temple; best is to do one’s daily work with sincerity & honesty. as Shri Vinobaji has said.Though a staunch Jain, this gentleman believes in doing work(duty first) rather than visiting temple every morning & wasting time.
    CONGRATS TO YASINBHAI & Shri GOVINDBHAI FOR WORTHY THOUGHTS .
    Navin Nagrecha

    Liked by 1 person

  10. ઉત્તમ લેખ છે. થોડું મારું પોતાનું ડહાપણ ડહોળું?

    મનની શાંતિ મેળવવાનો સહેલો ઉપાય એ છે કે અશાંતિ થાય તેવું કશું કરવું જ નહિ. બીજાઓએ શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવા વિચાર પણ નહિ કરવા જોઈએ કારણકે તેનાથી જાતે અશાંત થવા સિવાય બીજું કશું પરીણામ આવી શકતું નથી.

    આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તિ એવી ધાર્મિક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય.

    ધ્યાનમાં બેઠા બેઠા પણ તે પૂરું કરવાનો સમય થયો કે નહીં તે તો જાણવું જ પડે ને? ધ્યાનનો સમય પૂરો થયો છે કે નહિ તે કેવી રીતે જાણી શકાય? કે પછી કોઈ જગાડે નહીં ત્યાં સુધી ધ્યાન ધર્યા કરવાનું?

    ધ્યાનનો મુખ્ય હેતુ ‘નિર્વિચાર’ અવસ્થા મેળવવાનો હોય છે કે જેથી મન પર કાબુ પામી શકાય. મન ના થાય તો કશું જ ન કરી શકાય, ધ્યાન પણ ના ધરાય. મન બન્યું છે વિચાર કરવા. નિર્વિચાર એટલે મનની મૂર્છા. તેને હિતાવહ માની શકાય?
    આ લખનારનો અનુભવ છે કે મન બે સ્વરૂપમાં કામ કરતું હોય છે, બાહ્ય મન અને આંતરિક મન. ઘણી વાર આ બે મન એક જ સમયે જુદાજુદા વિચાર કરતાં હોય છે. મનને વિચાર કરતું બંધ કરવાને બદલે એવી રીતે કેળવવું જોઈએ કે બંને મન એક સમયે એકી સાથે એક જ કામ વિષે વિચાર કરે અને તે પ્રમાણે તે કામ કરે. આને આપણે ‘એકવિચાર’ કહી શકીએ. અથવા આંતરમનને એવું કેળવવું જોઈએ કે તે સતત પ્રાર્થનામય રહે. સાંસારિક કૃત્યો તો કર્યા કરવા પડે. તેમાં બાહ્ય મન પરોવાયેલું રહે. પણ જયારે જયારે બાહ્ય મન નવરું પડે ત્યારે ત્યારે આંતરમન પ્રાર્થના કર્યા કરે. તેનો પણ અતિરેક ના થવો જોઈએ. આપણી જે કંઈ જવાબદારી હોય તે પ્રત્યે દુર્લક્ષ ના થવું જોઈએ. ‘નિર્વિચાર’ તો દિવસમાં થોડા કલાક જ કરી શકાય અને બાકીના સમયમાં દુર્વિચાર અને દુષ્કૃત્યો પણ કરી શકાય. જયારે સદ્વિચાર તો જાગૃત અવસ્થામાં સતત કરી શકાય અને કરતાં રહેવું જોઈએ કે જેથી સત્કૃત્યો કરતાં રહીએ.
    પંકજ મલીકના ગીતના શબ્દો છે “યે ના સોચો ક્યા ના પાયા એ કહો ક્યાં મિલ ગયા” તે યાદ રાખવા જેવા છે.

    Liked by 1 person

  11. A nice article by Mr. Yasin Dalal. I always tell my relatives and friends that ‘Peace of Mind’ is a death. ‘Action; is life. One has to be always busy in action. Sitting alone silently in a secluded place or with a crowd doing nothing is in no way considered to be Peace of Mind.

    Islam and all other major or minor religions give importance to action, ‘Karma.’ One can easily find it in doing something for others. helping others in any way gets one pleasure and peace of mind.

    Those who go to commercial and costly so called Shibirs to find peace of mind are, to put it bluntly, fools. Instead of spending money on such Shibirs and making individuals rich it would be much better if these wealthy people spend this money in serving poor in any way. Eliminating poverty, providing healthcare, education with your money and efforts gets peace of mind.

    To be very frank religion and seeking solace in it have become a big business. People have sacrificed their lives in educating masses but no tangible results are seen. I see more and more people running after Babas, Swamis, Bhagwans, Acharyas, Peer, Durgahs. Among them are doctors, lawyers, judges and many more professionals.

    Simply put seeking peace of mind by doing Dhyan, meaning doing nothing is misguided priority. Theis quest takes one to dhongi babas and swamis. We need more Kulkarnis, Pansares and Kalburgis to lay lives for making people aware of real peace of mind and the places where it can be available.

    Firoz Khan
    Journalist-Columnist
    Toronto, Canada.

    Liked by 2 people

  12. યાસીનભાઈ નો ખુબ જ સુંદર લેખ. ધ્યાન અને પ્રાણાયામ કરવાથી મનની શાંતી મેળવવામા ફાયદો થાય છે પણ એના માટે કોઈ સાધુ કે સંત પાસે જઈને સમય બગાડવાની જરુર નથી.

    Liked by 1 person

  13. ભાઈ યાસીન દલાલની વાત બહુ ગમી આત્મ વિશ્વાસ અને દૃઢ નિશ્ચય જીવનમાં ઘણું બધું લાવી શકે છે .કામ ક્રોધ વગેરે છ અંદરુની શત્રુ સાથે આળસ એક સાતમો શત્રુ ઉમેરવાની જરૂર હતી .

    Liked by 1 person

    1. એક સંસ્કૃત શ્લોક છે જ.

      आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपु: |
      न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ||

      આળસ જ માનવોના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. સુતેલા સિહના મોંમાં પશુઓ દાખલ થતા નથી.

      Liked by 1 person

Leave a comment