ચાર્વાક્–દર્શન
ન સ્વર્ગો નાપવર્ગો વા
નૈવાત્મા પારલૌકીક: ।
નૈવ વર્ણાશ્રમાદી ના
ક્રીયાશ્ચ ફલદાયિતા: ।।
–રમણ પાઠક (વાચસ્પતી)
વીશ્વમાં કોઈ સ્વર્ગ નથી, ક્યાંય મોક્ષ નથી, આત્મા નથી, તેમ કોઈ પરલોક પણ નથી… વર્ણાશ્રમ વગેરે ક્રીયાઓ અર્થહીન છે, તેથી કોઈ લાભ થતો નથી.
–ચાર્વાક્
નાસ્તીકતા (એથીઝમ) કે વીવેકબુદ્ધીવાદ (રૅશનાલીઝમ) એ કોઈ દેશ–કાળનો ઈજારો નથી, અર્થાત્ દેશેદેશે તથા યુગેયુગે નાસ્તીકો તેમ જ વીવેકબુદ્ધીવાદીઓ પ્રગટતા જ રહે છે; કારણ કે એ તો મનુષ્યની બુદ્ધી તથા વીવેકશક્તીનો જ એક સ્વાભાવીક; છતાં અસામાન્ય વીકાસ છે. અત્રે એને ‘સ્વાભાવીક’ ગણાવવા પાછળનો હેતુ એ કે, સંશય કરવો એ માનવચીત્તનો સ્વભાવ છે, જ્યારે નાસ્તીકતા–વીવેકબુદ્ધી ‘અસામાન્ય’ ગણાવવાનું કારણ વળી એ કે, મનમાં જામેલા સ્તરો ભેદીને સત્યની જ દીશામાં પ્રગતી કરવી, એવી વ્યક્તીઓ તથા ઘટના વીરલ છે. શુદ્ધ અને સત્ય તર્કસરણી સર્વસુલભ નથી; મનુષ્ય અવળા તર્કનો ભોગ સહેલાઈથી બની જાય છે અને સરળ યા કપોળકલ્પીત તારણોથી સન્તોષ માની લે છે. દા.ત., વીશ્વનું સર્જન કોણે કર્યું ? – એવું કુતુહલ પ્રત્યેક માણસના મનમાં જાગે; પરન્તુ તે એવા સરળ–કાલ્પનીક ઉત્તરથી મન મનાવી લે કે ઈશ્વર–પરમાત્મા નામક કોઈ મહાશક્તીશાળી તત્ત્વે; પછી સન્તોષ !
હકીકતે રૅશનાલીસ્ટ થવા માટે પ્રચંડ ચીન્તનશક્તી તથા સબળ, શુદ્ધ તર્કશક્તી જોઈએ. દા.ત., આ દુનીયા જો ઈશ્વરે જ બનાવી હોય તો પછી આમ કેમ, તેમ કેમ ? – એવો સંશય જેના ચીત્તમાં પ્રગટ્યા જ કરે અને શુદ્ધ લૉજીક તથા સાક્ષાત્ અનુભવ દ્વારા પુર્ણત: સત્ય જ્યાં પ્રતીત ન થાય ત્યાં સુધી તે વીચારતો જ રહે; ત્યારે જ તેનાથી રૅશનાલીસ્ટ બની શકાય. હું આવી પ્રગતીને, સત્ય પ્રતીની ગતીને રૉકેટ–ઉડ્ડયન સાથે સરખાવું છું. પ્રથમ તો, આ પૃથ્વીનાં બન્ધન ત્યજી અવકાશને આંબી શકવા માટે ચોક્કસ વેગવાળો પ્રાથમીક ધક્કો અનીવાર્ય રહે. એ પછી વીવીધ સ્તરો ભેદતાં આગળ ને આગળ ગતી કરવી પડે, જેવા કે હવામાનના સ્તરો–સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે જે હોય તે. અન્તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનુંય પડ ભેદીને જ્યારે રૉકેટ બહાર નીકળી જાય, પછી તે મુક્ત અવકાશમાં અનાયાસ ગતીપ્રગતી કરી શકે. માનવચીત્તમાં જામેલા સ્તરો તે વારસાગત સંસ્કાર, ધાર્મીક માન્યતાઓ, શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓ, અસત્ય કેળવણી વગેરે.. એ ભેદાય તો જ સત્યની, અર્થાત્ રૅશનલ અભીગમની અવકાશી મુક્તી પ્રાપ્ત થાય.
નાસ્તીકતા યા રૅશનલ અભીગમ એ કોઈ એક જ દેશ યા ચોક્કસ વીસ્તારના દેશોનો જ ઈજારો નથી. આપણે ખોટી રીતે માની લઈએ છીએ કે, વીજ્ઞાનમાં આગળ વધેલા દેશો, જેમ કે પશ્ચીમના દેશોની પ્રજા વૈજ્ઞાનીક માનસવાળી, વીવેકબુદ્ધીવાદી જ હોય. એથી ઉલટું, જો તમે યુરોપ–અમેરીકામાં સજાગ ચીત્તે ફરો, તો જોઈ શકશો કે ત્યાં પણ આપણા જેટલી જ મુર્ખાઓની બહુમતી છે. હા, શીક્ષણાદીના પ્રસારને કારણે થોડોક ફરક પડે, જે બહુધા તો વળી જીવનરીતીનું જ પરીણામ હોય; રૅશનલ અભીગમનું નહીં. જીવનરીતીનો આવો ભેદ તે શું ? – એ વીશે વીગતે વળી ક્યારેક લખીશું; છતાં દાખલો ટાંકી લઉ : અમેરીકામાં એક બાજુ કરન્સી નોટ પર છાપવામાં આવે કે ‘અમને ઈશ્વરમાં શ્રદ્ધા છે’ અને બીજી બાજુ વળી સજાતીય સમ્બન્ધ માટે કાયદેસરની માન્યતા મેળવવાનાં આંદોલનોય ચાલતાં હોય !
કાળની વાત કરી તો ગ્રીસમાં આજથી પુરાં ત્રેવીસસો વર્ષ વહેલાં (ઈ.સ.પુ. 342–270) એપીક્યુરસ નામનો એક નાસ્તીક વીચારક થઈ ગયો, જેણે જાહેર કરેલું કે ‘જીવન ખાઈ–પીને આનન્દ કરવા માટે જ છે. દેવોની ચીન્તા ન કરો ! તેઓ કશુંય કરી શકતા નથી’ વગેરે… હજી વીસમી સદીના અન્ત ભાગેય હજી આજેય આપણે કથાપારાયણોમાં, કૃતજ્ઞતા સમારોહોમાં, ધ્યાન–શીબીરોમાં તથા લક્ષચંડી અને કોટીચંડી યજ્ઞોમાં લાખોનાં ટોળાં જમાવી, તનમનનું પ્રદુષણ ફેલાવીએ છીએ; ત્યારે છેક અઢારમી–ઓગણીસમી સદીમાં અંગ્રેજ લેખક–વીચારક એસ. ટી. કોલેરીજે ઘોષણા કરેલી કે : ‘નાસ્તીક થવા માટે મનની જ પ્રચંડ શક્તી તથા હૃદયની જે ઉદારતા જોઈએ તે હજારમાંથી ભાગ્યે જ એકાદ વ્યક્તીમાં જોવા મળે !’ એ જ પ્રમાણે આપણા ભારતવર્ષમાં જ આશરે ત્રણેક હજાર વર્ષ પુર્વે એક નાસ્તીક મહર્ષી થઈ ગયો : ચાર્વાક્; જેણે આરંભે ટાંકેલ શ્લોક અનુસારની નીરીશ્વરવાદી ફીલસુફી પ્રર્વતાવી કે ઈશ્વર નથી, આત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી… વગેરે (ચાર્વાક્ નો જીવનકાળ ચોક્કસ રીતે મને મળી શક્યો નથી, તો ક્ષમાયાચના) ટુંકમાં, નાસ્તીક તથા વીવેકનીષ્ઠ (રૅશનલ) અભીગમ એ કેવળ કાળનું, યુગબળનું જ પરીણામ નથી; ખરેખર તો મનુષ્યની વીચારશક્તી તથા તર્કશક્તીનું જ એ પરીણામ છે. અલબત્ત, વીજ્ઞાનની અદ્ભુત તથા અકલ્પ્ય શોધોએ ઈશ્વરવાદની ભ્રમણા નષ્ટ કરવામાં અતીબળવાન ફાળો આપ્યો છે, જે અર્વાચીન યુગની જ મહાન દેન છે; છતાં એ સ્વીકારનારા આજે કેટલા ઓછા ?
વીજ્ઞાનના પ્રદાનની થોડી વાત કરીએ તો ઓગણીસમી–વીસમી સદીમાં ત્રણ ભીન્ન ભીન્ન ક્ષેત્રે જે ત્રણ મહાન વીજ્ઞાનીઓ પાક્યા એમણે ઈશ્વરની મીથ (કલ્પના–પુરાણકલ્પના) લગભગ છીન્નભીન્ન કરી નાખી, એ ત્રણે મહાનુભવો તે ડાર્વીન, ફ્રૉઈડ અને માકર્સ.
♦ ડાર્વીને મનુષ્ય ઈશ્વરનું વીશીષ્ટ, દીવ્ય સર્જન છે (ગોડ ક્રીયેટેડ મેન ઈન હીઝ ઑન ઈમેજ) એ ખ્યાલનો સદન્તર છેદ એના ઉત્ક્રાન્તીના સીદ્ધાન્તની સ્થાપના દ્વારા ઉડાવી દીધો.
♦ ફ્રોઈડે મનુષ્ય પણ આખરે ભીતરથી તો પશુ જેવું પશુ જ છે – લગભગ 98 ટકા એમ સુક્ષ્મ–વ્યાપક માનસ સંશોધન દ્વારા સીદ્ધ કરી આપ્યું;
♦ જ્યારે માર્ક્સે આર્થીક મનુષ્ય તથા આ પૃથ્વીપટે માણસ જ સર્વનો કર્તાહર્તા છે, એમાં ઈશ્વરનું કોઈ સ્થાન જ નથી. ધર્મ કેવળ શોષણનું સાધન, અજ્ઞાનજનોને બેહોશ રાખવા માટેનો અફીણી નશો છે ઈત્યાદી..
એમ આ ત્રણે ભૌતીક સત્યો પ્રકાશીત કરીને, ધર્મ તથા ઈશ્વરની આવશ્યકતાનો જ બહીષ્કાર કરી દીધો. વાસ્તવમાં આ ત્રણનો ફાળો પરમ્પરાગત કઠોર ભોંય ભાંગી નુતન માર્ગ કંડારવાનો છે; બાકી અન્ય અનેક સમર્થ વીજ્ઞાનીઓનો ફાળો પણ નાનોસુનો તો નથી જ. હકીકતે છેલ્લાં પાંચસો વર્ષથી વીજ્ઞાન અને ચર્ચ (ધર્મ) વચ્ચેનું જે યુદ્ધ ચાલતું હતું, એમાં ઓગણીસમી–વીસમી સદીના વીજ્ઞાનીઓએ ચર્ચને સમ્પુર્ણ પરાજીત કરી બતાવ્યું. જો કે સમગ્ર માનવજાત એ સ્વીકારે એ માટે તો હજી પ્રલમ્બ મજલ કાપવી બાકી છે.
નીરીશ્વરવાદ તથા વીવેકબુદ્ધીવાદના પ્રચારમાં આમ વીજ્ઞાનનો પરોક્ષ ફાળો પાયાનો તથા મહાન છે; પરન્તુ એના આધાર પર આ સત્યનીષ્ઠ વીચારણાને સીદ્ધાન્તબદ્ધ કરવામાં તથા સામાન્ય જનની સમજમાં આવે એ રીતે એને પ્રસ્તુત કરવામાં તો જે નીરીશ્વરવાદી, રૅશનાલીસ્ટ તત્ત્વચીંતકોએ સમર્થ કામગીરી અદા કરી છે તેઓ જ ઘણા વધુ યશના અધીકારી છે; કારણ કે વીજ્ઞાન પણ સબળ છતાં સરળ દલીલો દ્વારા લોકમાનસમાં ઉતારવું પડે. દા.ત., હજી આજેય એવા ગાંગડું માણસો – શીક્ષીતો સુધ્ધાં – અનેકાનેક છે કે જેઓ ડાર્વીનવાદને બીલકુલ સ્વીકારતા નથી, કદાચ સમજી જ શકતા નથી ! આ સમજવું અર્થાત્ ગળે ઉતારવું કે ગ્રહણ કરવું – એ સમસ્યા જ ઘણી દુષ્કર છે; કારણ કે હજીય એવા લોકો પ્રશ્ન ઉઠાવે જ છે કે ‘જો વાંદરામાંથી જ માણસ બન્યો હોય, તો આજે કેમ એ બનતો નથી ?’ ખેર, ઉપર જણાવ્યું તેવા મહાન નાસ્તીક રૅશનાલીસ્ટ ચીંતકોનાય થોડાં નામ ગણાવી લઈએ : બર્ટ્રાન્ડ રસેલ, ડૉ. અબ્રહામ કૉવુર, ઈન્ગરસોલ, આઈન રેન્ડ, ટૉમસ પેઈન, સ્પીનોઝા, વોલ્ટેર, માર્ક ટ્વેઈન, નીત્શે વગેરે..
તો હવે, ચાર્વાક્ દર્શનની ચર્ચા પર આવતાં પુર્વે આ મહાન વીચારકોના રૅશનલ ચીંતનનાં થોડાંક અવતરણો અત્રે પ્રસ્તુત કરું; જેથી વચ્ચેના સમયગાળામાં વાચક મીત્રોનેય ચીંતન કરવાની ભુમીકા પ્રાપ્ત થાય :
♦ રસેલ લખે છે કે ઈશ્વર જો સર્વશક્તીમાન હોય તો એણે આ સૃષ્ટીમાં સીધું જ માનવીનું સર્જન કરી દેવું જોઈતું હતું અને પછી માનવના અસ્તીત્વ માટેની તમામ અનીવાર્યતાઓ સર્જી દેવી જોઈતી હતી. સર્વશક્તીમાનનું શ્રેષ્ઠ સર્જન, જે તેના જ સ્વરુપમાં સર્જવામાં આવેલ એવો જો માનવી જ હોય તો પછી, ઉત્ક્રાન્તીના સુદીર્ઘ તથા અટપટા ક્રમની આવશ્યક્તા જ ક્યાં રહી ? અમીબા કે ડાયનાસોરથી શરુઆત કરવાની જરુર જ શી ? વળી, અનીષ્ટો અને દુષ્ટતા કેમ પ્રવેશી ગઈ ? શા માટે ? (અરવીંદવાદીઓ વળી ચેતનાની ઉત્ક્રાન્તીમાં માને છે ! અરે મીત્રો, જો તમારી જ માન્યતા મુજબ ઈશ્વરની જ આવી યોજના હોય, તો પછી એ માટે આટલી લાંબી, આડીઅવળી અને અનીષ્ટસભર યાત્રા–પ્રક્રીયા શા માટે ? વાયરસ, બૅક્ટેરીયા કે અળસીયાનું સર્જન વળી કયા હેતુસર ?)
♦ માણસને ધીક્કારવો અને ઈશ્વરને ભજવો – એ જ સર્વ ધર્મનો સાર છે. (ઈંગરસોલ).
♦ દીવ્ય અનુભવ અર્થે ધ્યાનની લાંબી કંટાળાજનક ક્રીયા અનીવાર્ય જ નથી. બરાબર એવી જ માનસીક ભ્રમણાઓ નશીલાં દ્રવ્યોના સેવનથી, સંગીતના ઉન્માદથી, મન્ત્રના રટણથી, નાચવાકુદવાથી તથા હોર્મોન કે વીટામીનોની ઉણપથી થતા રોગો દ્વારા પણ અનુભવી શકાય છે. (ડૉ. કૉવુર).
♦ શું વધુ હાનીકારક છે ? ઝનુન કે નાસ્તીકતા ? જવાબ છે : ઝનુન. ઝનુન જ ખરેખર હજારોગણું જીવલેણ છે; કારણ કે નાસ્તીકતા કોઈનુંય રક્ત રેડવાની ઉત્તેજના પ્રેરતી નથી. નાસ્તીક વ્યક્તીઓ માટે ગુનાખોરી અનીવાર્ય નથી, જ્યારે ઝનુનીઓ ગુનાખોર કૃત્યોને જ નોંતરે છે (વોલ્ટેર).
♦ હું માનું છું કે જો ઈશ્વર સર્વશક્તીમાન હોય તો પ્રજાઓને તે વીનાશક યુદ્ધો ન જ ખેલવા દે અને નીર્દોષ મનુષ્યોને મરણશરણ થતાં નીરાધાર ન જ છોડી દે… (ટૉમસ પેઈન)
ક્રમશ: – આવતા સપ્તાહે આ લેખ પુરો થશે.
આ લાંબા લેખના બે ભાગ કર્યા છે. અહીં પહેલો ભાગ પુરો થાય છે. આવતા શુક્રવારે આ લેખના છેલ્લા ભાગમાં લેખકે ચાર્વાક્ ના પ્રાપ્ય સુત્રોના સાર સમજાવ્યા છે. …ગો. મારુ…
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, જનાબ યાસીન દલાલ તેમ જ શ્રી. ઉત્તમ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1993; પાનાં : 380 મુલ્ય : રુપીયા 200) તે પુસ્તક ‘મધુપર્ક’ના પ્રકરણ : 11માનાં પૃષ્ઠ ક્રમાંક : 223થી 230 ઉપરથી, લેખક અને સમ્પાદકોના સૌજન્યથી સાભાર… …ગોવીન્દ મારુ…
લેખક–સંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..
…ગોવીન્દ મારુ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 07/10/2016
Balpan ma aapvama aavela sanskar viruddh vicharavu keevu kain vanchavama ke sambhalava ma aave, e swikarvu, e khub chintan mangi letu, himmatbharyu kam chhe. Etle e javalle j jova male.
LikeLiked by 1 person
બીજા ભાગની રાહ જોઈશું. સદ્ગત શ્રી રમણભાઈની અભિવ્યક્તિ ખૂબજ વિચારવા અપનાવવા જેવી જ અને તાર્કિક છે એમાં શંકાને સ્થાન નથી.
**********
હવે સ્વભાવગત એક સળી….
ઈશ્વર છે. દેવતા છે. દાનવો છે. સ્વર્ગ છે. નર્ક છે. બધું જ છે; અને કશું જ નથી.
ચાર્વાકના ભેજામાં કશું જ નથી. મારા જેવા ડફોળ લોકોના ભેજામાં તો બધું જ છે.
વાસ્તવમાં જે નથી તેની કલ્પનાનું એક અનોખું વિશ્વ છે. તે છે માનવ મન. આંખ બંધ કર્યા વગર પણ માનવી પોતાના મગજમાં કાલ્પનિક થ્રી ડાય્મેન્સન વિડીયો સર્જ્યા કરતો હોય છે. ગોવિંદભાઈ ભલે નવસારીમાં હોય અને પેરિસ ગયા જ ના હોય તો પણ એફિલ ટાવરની કલ્પ્ના કરી શકે છે. મેં ચાર્વાકનો ફોટો ના જોયો હોય પણ એક દાઢીવાળા ઋષિની કલ્પના કરી શકું. તાજમહાલની અંદર પણ કૃષ્ણની રાસલીલા સર્જી શકું છું. બસ આવી જ ધર્મની કલ્પનાઓ સાથે માનવી જીવન જીવે છે અને જીવન સમાપ્ત થાય છે. જેમ જેમ વિજ્ઞાન, વાસ્તવિકતાને અનાવૃત કરે તેમ તેમ માનવી સત્ય સમજતો થાય છે. તેમ છતાં સત્ય સમજવું અને કાલ્પનિક જગતનો આનંદ માણવો એ ક્રિયા સાથોસાથ અબજો માનવી કરતા જ રહે છે.
મેં આગળ લખ્યું તેમ રેશનાલિઝમ તો માત્ર રમણ પાઠક જ વ્યાજબી કહેવાય. છતાં યે મેં લખી દીધું. “સદ્ગત”.સદ્ ની શું જરૂર. એકલુ ગત ના ચાલે? આગળ શ્રી પણ લખ્યું. વિવેકવિચાર તો કદાચ આની પણ ના પાડે! છતાં જ્યાં મને ઠીક લાગે ત્યાં હું તો “સ્વ.” પણ લખતો રહીશ.
હું રમણભાઈને મળ્યો છું. એમના વિચાર અને વિદ્વત્તા માટે મને માન છે.
LikeLiked by 1 person
વાહ…વાહ…વાહ… ગોવિંદભાઇ તમે આજે ખૂબ જ સરસ લેખ મૂક્યો છે. ભાઇ! રેશનાલીઝમના ભીષ્મ રમણ પાઠકનો લેખ હોય એટલે પૂછવાનુ જ શુ હોય? એમના લેખની કોમેંંટ કેવી કરવી એ જ વિચારવુ પડે. લેખના મથાળે ચાર્વાકના શ્લોકમાં જે લખ્યુ છે તે તદ્દન સત્ય છે. આ સત્ય જાણનારા આપણે મૃત વ્યક્તિના નામ આગળ શુ લખીએ છીએ? સ્વ. સ્વ. એટલે સ્વર્ગસ્થ. જો સ્વર્ગ જ ના હોય તો મરી જનારને સ્વર્ગસ્થ કેવી રીતે કહેવાય? બીજી વાત, મરી જનાર તમામ સ્વર્ગસ્થ જ કેવી રીતે હોય? કોઇ ન. એટલે નર્કસ્થ ના હોય? સ્વ. ને બદલે ન. લખવા કોણ તૈયાર છે?
મેં હવેથી નક્કી કર્યુ છે કે કોઇ પણ મૃત વ્યક્તિનુ જ્યારે પણ મારે નામ લખવાનુ થાય ત્યારે ક્યારેય સ્વ. લખીશ નહીં. કરો તમે પણ આવી શરુઆત.
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ”, હિંમતનગર
LikeLiked by 2 people
The all confusion is due to false understanding on consciousness.
As per Advait, every thing is living thing. It is the product of nature of the cosmic entity which produces by the multiple combinations and recombinations of superstrings (or super particle or super membrane or you call it by any name) quarks, electrons, protons, neutrons, atoms, molecules …. bacteria, amoeba, …. plants, arthropoda, reptiles, humans etc… depending upon atmosphere and relative positions.
There is no reason to believe that living things can be produced from non-living things by accumulating non-living things in whatsoever quantity and whatsoever manner.
LikeLike
ખુબ સુંદર લેખ ગોવીંદભાઈ. બીજા ભાગની આતુરતાથી રાહ જોઉં છું. મેં પણ રમણભાઈને જોયા છે, ૧૯૬૬માં જ્યારે શર્વરીબહેનને દસમા ધોરણનું ગણીત ભણાવવા એમના ઘરે જતો ત્યારે.
ગોવીંદભાઈ, તમારા લેખો વાંચીને મને રૅશનાલીઝમની વધુ જાણકારી મળી. આમ પણ મારો અભીગમ વૈજ્ઞાનીક તો હતો જ. ખાસ કરીને રમણભાઈના લેખો વાંચવાથી એને ઘણી પુષ્ટી મળી.
ફરીથી આભાર ગોવીંદભાઈ.
LikeLiked by 1 person
શ્રી વાચસ્પતી જ્યારે ચાર્વાકના જીવનમર્મને સમજાવે ત્યારે તે વિષે શું કહેવાનું હોય ? પહેલ કરવી અે જ મોટો ગુનો બની જાય. શ્રી રમણભાઇના લખેલા અેક અેક શબ્દ મારા દિલોદિમાગને મંજુર છે…. દુનિયાને મંજુર હોય કે ના હોય કે તેને સવાલ હોય… આઇ ડોન્ટ કેર…….. શ્રી વાચસ્પતી અને શ્રી ચાર્વાકને મારા અંતરના પ્રણામ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
મિત્રો,
શ્રી ગાંડાભાઇ,
શર્વરીબહેન ન્યુ જર્શીમાં જ રહે છે. ગુજરાત દર્પણની સાહિત્યસભામાં શ્રી રમણભાઇ સાથે આવેલાં. તે પછી પણ બેત્રણ વાર તેમને મળી શકાયુ હતું.
શ્રી રમણભાઇ સાહિત્યસભામાં મળેલાં તે વખતે તેમના અને સરોજબેનના પુસ્તકોના અવલોકનો કરેલાં તે ડરની સાથે તેમને આપેલાં…હાથની લખેલી પુરી પ્રત તેમણે જ્યારે માંગી હતી ત્યારે થોડી ‘ હાસ‘ થઇ હતી….આ મહાન પ્રતિભાને સાભળીને આનંદ થયેલો.
અાજે પ્રવિણભાઇની ‘સળી‘ અે વઘુ જગાડી દીઘો. હસતા હસાવતા થોડો સીરીયસ અને જાગૃત પણ બનાવી દીઘો……આભાર પ્રવિણભાઇ. આભાર ગોવિંદભાઇ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Reblogged this on dineshpanchalblog and commented:
ગોવિદભાઈ, લેખ વાંચી સવાર સુધરી ગઈ. લોકો વિશે આપણે ક્યારે લખી શકીશું કે પ્રજા સુધરી ગઈ…???
LikeLiked by 1 person
વહાલા દીનેશભાઈ,
પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)નો લેખ ‘ચાર્વાક્–દર્શન’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike
મારા જેવા ડફોળ લોકોના ભેજામાં તો બધું જ છે.
પ્રવીણભાઇ શાસ્ત્રી…
આપ આવુ ના કહેશો સાહેબ….
તમે ન કહી શકો..
LikeLike
Liked the article. ધર્મ કેવળ શોષણનું સાધન, અજ્ઞાનજનોને બેહોશ રાખવા માટેનો અફીણી નશો છે.
LikeLiked by 1 person
તદદન છીછરો અને પશ્ચિમી સંસ્કૃતિ થી અભિભૂત લેખ.
ઈશ્વરવાદ અને સજાતીય સંબધ ને શુ લાગે વળગે…
બીજુ ચર્વાક ફિલોસોફી ૩000વર્ષ જૂની હશે…પણ તેના થી પણ પૂરાણા ભારતીય ગ્રંથો અને વેદો વાચ્યા વીના…ફકત ચર્વાક ફિલોસોફી નો દાખલો આપવો કેમકે આપણને બંધબેસે છે…એ તો નર્યુ છીછરાપણુ કેવાય્્્
ડાર્વીન ની શોધ પહેલા થી વાનર અને મનુષ્ય અએક સાથે રહેતા… રામાયણ મા…પણ તમે નહી માનો…હિન્દુ પુરાણોમાં જૈન ગ્રંથોમાં મા કહેલી ૮૪લાખ યોની માં વાનર અએક તિર્યંચ યોની નો જીવ છે….
માર્કસવાદ અનુસરતા દેશો કેમ આજે મૂડીવાદી મોડલ અપનાવી ને દેશ ને કટોકટી મા થી કાઢવા પ્રયત્નશીલ છે…..પણ તમે આજ મા જીવી લેવા ની પશ્ચિમી સંસ્કૃતિ થી અભીભુત છો….એટલે તમારી ભાષા મા સમજાવુ..
તમે આત્મા માં માનતા નથી… પણ એજ આત્મા વિના ના શરીર ને પાચ મિ.વધુ રાખતા નથી… બાળો છો કે દાટો છો..
આત્મા ને શરીર થી જુદો સમજી ને જે નાશવંત છે …તેનો મોહ છોડી જે અવીનાશી છે તેમા સતત ડૂબી જવાની અને સંસાર ના દરૅક વ્યવહાર પ્રત્યે સહજભાવે ઊદાસીન ભાવ…રાઞ ને દ્વેશ ભાવ યી મુકત થઈ…કેળવી પરમ તત્વ …જન્મ મરણ યી છુટી મેળવવા ભણી જવા નો પ્રયાસ કરવો એજ તો દરેક ધર્મ નુ અંતીમ લક્ષ છે.
વીજ્ઞાન ની શોધો મનુષ્યૅ પોતાના જીવન ધોરણ સુધારવા કરી છે..જેની આડકતરી અસર રૂપે ફ્કત અંધ શ્રદ્ધા ઓ જ તુટી છે..એને ઈશ્વર વિરૂધ્ધ ની લડાઈ ગણી ચાલતી નૈયા માં બેસી જવું એતો નર્યુ તકવાદી પણુ છે.
LikeLike
Beautiful!
LikeLiked by 1 person
Reblogged this on and commented:
સુંદર લેખ ગોવિંદભાઈ, મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !
LikeLiked by 1 person
વહાલા અરવીન્દભાઈ,
પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)નો લેખ ‘ચાર્વાક્–દર્શન’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike
Vedant does not describe GOD in a physical form but is Shape less, characterless and Omnipresent. Unless you consider GOD as creator of this infinite universe and beutiful world,you will end your life like animal.
Does any one of our learned readers want to end their life like animals such as Dog or a Bird If it is so let him follow CHARVARK and end his life and let others who have faith in GOD live like a humanbeing and be not misguided
LikeLike
ખૂબ જ સુંદર લેખ.
LikeLiked by 1 person
Kindly please use simple Gujarati language in simple words, not too high standard words, so people can undestand easy. Thus is so high for most public. Then many people can read, understand and apply in their life. So please do that favor. All your LEKH are really excellent. But make it easy.
Bank you Shree Govindji.
LikeLiked by 1 person