ચાર્વાક્–દર્શન (ભાગ – બે)

ચાર્વાક્–દર્શન

રમણ પાઠક (વાચસ્પતી)

ભાગબે

 ગયા સપ્તાહથી શરુ થયેલો આ લેખ, આ સપ્તાહે પુર્ણ થાય છે.

આગામી સપ્તાહે બન્ને ભાગની સળંગ પીડીએફ મોકલીશ.

હવે આગળ વાંચો

યાવત્ જીવેત્ સુખં જીવેત ઋણં કૃત્વા ઘૃતં પીબેત્ ।

ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત: ।।

જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખચેનથી જ જીવો, દેવું કરીને પણ ઘી પીઓ ! કારણ કે એક વાર ભસ્મીભુત થઈ ગયેલો આ દેહ પુન: કદાપી આ સંસારમાં આવી શકતો નથી.

-ચાર્વાક્

અગાઉ લખ્યું તેમ ચાર્વાક્ માને છે કે આ સૃષ્ટીમાં કોઈ અલગ કે સ્વતન્ત્ર એવો સજીવ–ચેતન આત્મા નથી, જે છે તે ફક્ત આ દેહ છે અને તે કદાપી મૃત્યુથી બચી શકવાનો નથી. (નાસ્તી મૃત્યોર્ ગોચર:) તો પછી આ જીવનમાં મનુષ્યે કરવાનું શું છે ? દેવું કરીને પણ ઘી પીવું એટલે કે, સુખચેનથી, આનન્દપ્રમોદમાં જીવન વ્યતીત કરવું; કારણ કે પુનર્જન્મ જેવું પણ કશું જ નથી. પ્રાણી માત્રના જીવનનું ધ્યેય ફક્ત એક જ છે અને તે સુખથી જીવવું – લાઈફ ઈઝ ફૉર લીવીંગ – જીવન જીવવા માટે જ છે એટલું જ નહીં; આનન્દથી જીવવા માટે જ છે – એવું વાસ્તવીક તથા સયુક્તીક જીવનધ્યેય આજથી ત્રણેક હજાર વર્ષ પુર્વે આ મહર્ષી યથાર્થ રીતે ચીંધી ગયો, કદાચ તેને વીશ્વનો પ્રથમ એક્ઝીસ્ટેન્શ્યાલીસ્ટ–અસ્તીત્વવાદી કહી શકાય. (જો કે એપીક્યુરસ ચાર્વાક્નીય પુર્વે થયો.)

આમ  ચાર્વાક્નીય પુર્વે સદીઓથી ભારતીય ચીન્તન ક્ષેત્રે યદૃચ્છાવાદ નામક સૃષ્ટીની ઉત્પત્તી વીશેનો એક મત પ્રચલીત હતો જ, જે અનુસાર એમ માનવામાં આવતું કે આ સમગ્ર સૃષ્ટી અકસ્માતોની હારમાળાનું જ પરીણામ છે, એ કોઈ શક્તી કે વ્યક્તીનું સભાન સહેતુક સર્જન નથી. આમ યદૃચ્છાવાદમાં પણ ઈશ્વરનો ઈનકાર કરવામાં આવ્યો છે. યદૃચ્છા એટલે અકસ્માત. આજે તો મોટા ભાગના વીદ્વાનો–વીજ્ઞાનીઓ ‘બીગ બેંગ’ના સીદ્ધાન્તનો સ્વીકાર કરે છે. ઉક્ત સીદ્ધાન્ત, ટુંકમાં નીચે મુજબ છે :

પન્દર–વીસ અબજ વર્ષો પુર્વે, અસીમ અવકાશમાં રજકણોનું જે સુવીરાટ વાદળ હતું તે સ્વકીય ગુરુત્વાકર્ષણના બળે જ નીરન્તર સંકોચાતું રહ્યું. વીજ્ઞાનના અફર નીયમાનુસાર સંકોચ ઉષ્ણતા જન્માવે છે, પરીણામે આ વાદળના કેન્દ્રભાગે પ્રચંડ ઉષ્ણતાનો ઉદ્ભવ થયો અને એના બળથી તે ફાટી પડ્યું. એ જ બીગ બેંગ, અર્થાત્ મહાવીસ્ફોટ, જેને પરીણામે અવકાશમાં ચોમેર અગણીત દ્રવ્ય પીંડો ફંગોળાયા, જે ગતીમાન હોઈ, એમાંથી વળી નાનામોટા અસંખ્ય પીંડો બંધાયા. એ જ આજના તારકો તથા ગ્રહો, ઉપગ્રહો વગેરે..

ગ્રીક ચીંતક એપીક્યુરસની જેમ જ ચાર્વાક્ પણ પરમાણુવાદમાં માને છે, અર્થાત્ અવકાશમાં ગમેતેમ (રેન્ડમ) નીરુદ્દેશ ગતી કરતા પરમાણુઓ જ આ સૃષ્ટીનું મુળ કારણ છે. કણાદ મુનીનો પરમાણુવાદ તે જુદો. ચાર્વાક્ મત મુજબ પરમાણુઓના નૈસર્ગીક સ્વભાવ અનુસાર થતાં રહેલાં સંયોજનોથી જ આ વીશ્વ રચાતું ગયું છે. ચાર્વાક્ લખે છે કે જેમ અગ્ની ઉષ્ણ છે અને જળ શીતળ છે એમ પ્રત્યેક પદાર્થને એનો કુદરતી સ્વભાવ હોય છે, જે સ્વભાવના પ્રવર્તનથી જ સતત પરીવર્તનશીલ એવું વીશ્વ સર્જાતું રહે છે. નુતન સર્જન તથા વીનાશ જેવું કશું જ નથી. દ્રવ્ય જે હતું, છે; તે જ રહેશે. જડ–ચેતન જેવા પણ કોઈ મુળભુત ભેદો નથી. એ બધી લીલા રાસાયણીક સંયોજનોની જ છે, અર્થાત્ વીવીધ દ્રવ્યોના સંઘાતને પરીણામે જ જડ પદાર્થમાં ચેતન પ્રગટે છે. એમાં કોઈ સર્જક–સ્રષ્ટા હોવો અનીવાર્ય નથી. મતલબ, આ જગતનો કર્તા એવો ઈશ્વર હોવો શક્ય નથી, તેમ આવશ્યક પણ નથી; અર્થાત્ ઈશ્વર છે જ નહીં. જે છે તે કુદરત છે, પ્રકૃતી છે, એ અન્ધ છે. મતલબ કે એનામાં કોઈ વીવેકશક્તી નથી. તે તેના સ્વભાવ મુજબ જ અફર ગતી કરતી રહી છે. વીશ્વમાં આવાં અન્ધ પરીબળોનું જ અહેતુક સર્જન છે.

આવો નીરીશ્વરવાદ એ પણ મહર્ષી ચાર્વાક્ની મૌલીક શોધ તો નહોતી જ. તેઓની પુર્વે થઈ ગયેલા કપીલ મુની નીરીશ્વરવાદના મુળ પ્રણેતા ગણાય છે. જેઓએ સંભવત: યદૃચ્છાવાદથી પ્રભાવીત થઈને સાંખ્યદર્શનની રચના કરી હોવી જોઈએ. સાંખ્ય મતમાં ઈશ્વરના અનસ્તીત્વનું પ્રતીપાદન કરેલું છે કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ જ નથી. વીશ્વમાં વીચરણ કરતાં ભીન્ન ભીન્ન તત્ત્વો જ સૃષ્ટીની જ ઉત્પત્તીના કારણરુપ છે. કપીલ મુનીએ આ તત્ત્વોની સંખ્યા દર્શાવી માટે એને ‘સાંખ્યદર્શન’ કહેવામાં આવ્યું એવો પણ એક મત છે. જો કે ‘સાંખ્ય’નો એક અર્થ ‘જ્ઞાન’ એવો થાય છે. ગીતામાં જે ‘સાંખ્ય’ની ચર્ચા છે ‘સમ્યક્ જ્ઞાન’ના અર્થમાં જ છે.

જો કે સાંખ્યદર્શનની સાથે સાથે જ કદાચ એનીય પુર્વેથી આપણા ભારતવર્ષમાં ‘લોકાયતવાદ’ નામક એક મત પણ પ્રચલીત હતો. ‘લોકાયત’ એટલે ‘ઈહલોકમાં જે પ્રવર્તમાન, વીસ્તરેલું છે તે’, અર્થાત્ આ મત મુજબ ઈહલોક એટલે કે આ સંસારથી પર એવું અન્ય કોઈ વીશ્વ કે તત્ત્વ નથી. પરીણામે ઈશ્વર પણ નથી જ. આ લોકાયતવાદના મુળ પ્રણેતા બૃહસ્પતી નામના ઋષી હોવાનું કહેવાય છે. બૃહસ્પતી વૈદીક ઋષીઓમાંના એક છે, જે અંગીરસ ઋષીના પુત્ર હતા અને મહાવીદ્વાન હતા, એથી દેવોના પણ આચાર્ય ગણાયા. એથી જ કદાચ ગુરુના ગ્રહને તેઓની સ્મૃતીમાં બૃહસ્પતી એવું નામ આપવામાં આવ્યું. મીથ્યા કર્મકાંડના કર્દમમાં ખુંપી ગયેલા ભારતીય આર્યોને, બૃહસ્પતીએ નાસ્તીકતાનો ઉપદેશ આપ્યો અને નીરીશ્વરવાદનો પ્રચાર કર્યો. એક માન્યતા મુજબ ચાર્વાક્ ઋષી બૃહસ્પતીના જ શીષ્ય હતા. એ ગમે તે હોય, ઉભય ઋષીઓ આત્માના અર્થાત્ ચૈતન્યના અલગ અસ્તીત્વને કે ઈશ્વરને સ્વીકારતા નથી એ હકીકત છે અને બૃહસ્પતી ચાર્વાકની પુર્વે થયા એથી તેને શીષ્ય અવશ્ય કહી શકાય. એક મત એવો પણ છે કે બૃહસ્પતી જ્યારે અનુમાન પ્રમાણથી ઈશ્વરનું અસ્તીત્વ સીદ્ધ કરવાનું શીખવતા : જેમ કે પ્રત્યેક વસ્તુનો કોઈ સર્જક હોય જ છે; તો પછી આ વીશ્વના સ્રષ્ટા તરીકે ઈશ્વરનું અનુમાન કરી શકાય. ત્યારે ચાર્વાકે આવા ગુરુ–ઉપદેશનો વીરોધ કરતાં દલીલ કરી કે, રાત્રે ધુળમાં કોઈએ વાઘનાં પગલાં ચીતર્યાં હોય એને આધારે એવું અનુમાન કરવું કે અહીં રાત્રે વાઘ આવ્યો જ હોવો જોઈએ, તો એ અસત્ય ઠરે છે. એ જ પ્રમાણે ઈશ્વર, સ્વર્ગ, નરક, આત્મા, પુનર્જન્મ આદી માન્યતાઓને અનુમાનને આધારે સીદ્ધ સત્ય ગણી શકાય નહીં. તેના મતે પ્રત્યક્ષ પ્રમાણ એ જ સત્ય પ્રમાણ ગણાય. કહે છે કે ગુરુ બૃહસ્પતી શીષ્યની આવી સુક્ષ્મ તર્કપ્રતીભાથી ખુબ જ પ્રભાવીત થયા હતા.

જો કે આ બધી કેવળ માન્યતાઓ યા તો કીંવદંતીઓ જ છે. ખરેખર તો ચાર્વાક્ મુનીનાં જન્મ કે જીવન વીશે કોઈ આધારભુત માહીતી મળતી નથી. તેમ તેઓના દર્શનનો મુળ ગ્રંથ પણ ઉપલબ્ધ નથી. માત્ર તેઓના દર્શનનું ખંડન કરતા ગ્રંથોને આધારે જ, એટલે કે એમાંનાં કેટલાંક વીધાનો ઉપરથી જ આપણને ચાર્વાક્ મતનો થોડોઘણો પરીચય પ્રાપ્ત થયો છે. ચાર્વાક્નો જન્મ યુધીષ્ઠીર સંવત 661માં થયો હોવાનો પણ ઉલ્લેખ છે. પરન્તુ યુધીષ્ઠીર સંવતની ગણના શંકાસ્પદ હોઈ, કદાચ એટલું જ કહી શકાય કે ચાર્વાક્ ઋષી તથાગત્ બુદ્ધની પુર્વે થઈ ગયા એ ચોક્કસ અને બુદ્ધ પણ નીરીશ્વરવાદી જ હતા એય અત્રે નોંધવું ઘટે. કીંવદંતીઓ મુજબ તો ચાર્વાક્ની માતાનું નામ સ્રગ્વીણી અને પીતાનું નામ ઈન્દુકાન્ત હતું. તેઓનો જન્મ અવંતી દેશમાં શંખોદ્વાર નગરમાં થયો વગેરે… આ બધી હકીકતોનું કોઈ ઐતીહાસીક પ્રમાણ નથી અને એની કશી જરુર પણ નથી. આપણે કેવળ ચાર્વાક્દર્શન જ જોઈએ :

તો ખુબ જ મહત્વની, આજેય અનુકરણીય એવી તેઓની વાત તો એ કે :

અગ્નીહોત્ર કરવા, ભસ્મલેપન, ત્રીદંડ તથા માળાઓ ધારણ કરવી – એ ધર્મ નથી; પરન્તુ ધર્મને નામે બુદ્ધી તથા પૌરુષ વીનાના માણસોએ શોધી કાઢેલું આજીવીકા રળી ખાવાનું ધતીંગ માત્ર છે.

(આજે પણ આપણે ભગવાધારી ત્રીપુંડ–માલામંડીત બાવાસાધુઓથી આકર્ષાઈને મીથ્યા કર્મકાંડને જ ધર્મ માની પ્રભાવીત થઈએ છીએ ત્યારે ચાર્વાક્નું ઉપર્યુક્ત દર્શન યથાર્થ સમજવા જેવું છે. આ નાનામોટા સાધુગુરુઓએ તો પોતાનો રોટલો રળી ખાવા ખાતર જ આવો નાટકીય વેશ ધારણ કર્યો હોય છે. ટુંકમાં, ગુરુ બનવું ને અધ્યાત્મનો ઉપદેશ આપવો, ધ્યાનસાધનાની શીબીરો યોજવી, પ્રવચનો કરવાં, કથાપારાયણો ચલાવવાં, યજ્ઞયાગાદીના સમારોહ પ્રયોજવા, સ્વાધ્યાય–સત્સંગની સભાઓ ભરવી – આ બધું તો અમુક માણસોના કેવળ આજીવીકા રળવાના વ્યવસાયનાં જ વીવીધ પાસાં છે. આ ધર્મ નથી, તેમ તેનાથી તમારો ઉદ્ધાર પણ થઈ જવાનો નથી.)

યજ્ઞયાગાદી ક્રીયાઓના મીથ્યા કર્મકાંડ ઉપર કટાક્ષપ્રહાર કરતાં ચાર્વાક્ લખે છે :

યજ્ઞમાં પશુની હત્યા કરીને જો એને અગ્નીમાં હોમવાથી એ સ્વર્ગે જ જતું હોય, તો યજ્ઞનો યોજક યજમાન, શા માટે પોતાના પીતાને જ યજ્ઞની વેદીમાં હોમીને સીધા સ્વર્ગમાં મોકલી દેતો નથી ?

(ચાર્વાક્ તથા બુદ્ધના કાળ દરમીયાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞાદી ક્રીયાઓનાં ધતીંગ ખુબ ફુલ્યાંફાલ્યાં હતાં અને એ નીમીત્તે ભયંકર હીંસાચાર ચાલતો, પશુઓથી માંડીને નરમેધ સુધીના યજ્ઞો થતા અને હીંસા ઉપરાન્ત વીવીધ અશ્લીલ વીધીઓ પણ એમાં કરવામાં આવતી. દા.ત., અશ્વમેધમાં અશ્વ દ્વારા યજમાનપત્ની સાથે સંભોગ કરાવવો ઈત્યાદી.. ચાર્વાક્ના મત મુજબ આ કેવળ મીથ્યાચાર છે અને એની વાત સાચી જ છે; કારણ કે ભારતવર્ષમાં આજેય યજ્ઞો થાય છે – અનેક અને વીવીધ પ્રકારના. છતાં જ્યાં યજ્ઞો મુદ્દલે નથી થતા એવા પશ્ચીમી દેશોની અપેક્ષાએ આપણે અતીદરીદ્ર, અભાવગ્રસ્ત તથા દુ:ખગ્રસ્ત પ્રજા જ છીએ. બેએક વર્ષ પુર્વે અશ્વમેધ યજ્ઞો થયા અને ત્યારે એવી હૈયાધારણા અપાઈ હતી કે એથી ભરપુર વર્ષા થશે અને સમ્બન્ધીત પ્રદેશ ધનધાન્યથી છલકાઈ ઉઠશે. પરન્તુ આજે તો ગુજરાતમાં તથા જે નગરમાં આવા યજ્ઞો થયા એવા ખુદ રાજકોટમાં તો પીવાના પાણીનાંય ફાંફાં છે. હા, અશ્વમેધ યોજનારા મબલક નાણાં કમાઈ ગયા ખરા, એ ફલશ્રુતી સાચી !)

હવે અન્તમાં, ચાર્વાક્દર્શનના કેટલાક શ્લોકોનું સીધું મુક્ત ભાષાતર જ ટાંકી વીરમું :

જો શ્રાદ્ધ કરવવાથી મૃતાત્માને અન્નાદી પહોંચતું હોય તો પ્રવાસે જનાર વાટભાથું શા માટે સાથે બાંધી જાય છે ? એનાં સ્વજનો ઘરબેઠાં જ તર્પણ કરે તો એને તે કેમ ન પહોંચી જાય ? માટે શ્રાદ્ધ, તર્પણાદી ક્રીયાકાંડો એ તો બ્રાહ્મણોએ પોતાની જ આજીવીકા પડાવી ખાવા માટે શોધી કાઢેલી ધુર્ત યોજના માત્ર છે. અશ્વનો યજમાનપત્ની સાથે સમાગમ જેવા અશ્લીલ વીધીઓ પ્રચલીત કરનારા તથા એ નીમીત્તે માંસભક્ષણ કરનારા માણસો ઋષીમુનીઓ નહીં; પરન્તુ ભાંડ, ધુર્ત કે નીશાચરો જ હોવા જોઈએ, જેઓ અગડંબગડં વીદ્યાઓની ગપ્પાંબાજી ચલાવીને લોકને લુંટતા રહ્યા છે.

ચાર્વાક્ કહે છે કે :

દુ:ખના ભયથી સુખનો ત્યાગ ન કરો ! સુખી થવું અને અન્યને સુખી કરવા એ જ પુણ્યકર્મ છે વગેરે..

(ગુજરાતમાં જ ચાર્વાક્દર્શનનો એક આશ્રમ ચાલે છે, જેનો સમ્પર્ક જીજ્ઞાસુઓ સાધી શકે : ‘સનાતન સેવાશ્રમ’, મુ. પો. હારીજ, જીલ્લો : પાટણ)

રમણ પાઠક (વાચસ્પતી)

સુરતનાગુજરાતમીત્ર દૈનીકમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને  શ્રી. રજનીકુમાર પંડ્યા, જનાબ યાસીન દલાલ તેમ જ શ્રી. ઉત્તમ ગજ્જરે મધુપર્ક ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1993; પાનાં : 380  મુલ્ય : રુપીયા 200) તે પુસ્તક મધુપર્કના પ્રકરણ : 11માનાં પૃષ્ઠ ક્રમાંક : 223થી 230 ઉપરથી, લેખક અને સમ્પાદકોના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..   

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/10/2016

 

12 Comments

  1. મિત્રો,
    ચાર્વાક દર્શન ભાગ ૧ની મારી કોમેંટમાં મારા વિચારોમાં લખેલું કે, ‘ગુરુ ચાર્વાક અને ગુરુ વાચસ્પતિ પોતાના સંશોઘનના નીચોડરુપ વિદ્વત્તાપૂર્ણ સમજ આપતા હોય તો તેમાં શું કહેવાનું હોય ?‘ બન્નેના સંશોઘનરુપ અૈતિહાસીક જ્ઞાન……..
    વિશ્વ, વિશ્વસર્જન, પૃથ્વિ…જીવ…..વિશે અાજના ભૌતિકશાસ્ત્રમાં હજારો વરસો પહેલાં અને બીગબેન્ગના નીયમમાં શું કહે છે તે ખૂબ જ માહિતિસભર છે…. સમજવા માટે અને આપણા પુરાણોમાં કહેલાં જ્ઞાન સાથે સાંકળવા માટે અેક સંદર્ભ અાપુ છું. ખૂબ મઝા આવશે…જ્ઞાન મળશે.
    Go to google. Enter, ” Conservation of Energy.” Open ” Wikipedia.”
    Go for Conservation of Energy.
    અેક માહિતિ છે… યુનિવર્સલ સિસ્ટીમ માટે લખે છે કે…A scholar name… Empedocles ( 490 – 430 BCE) believed that this universal system is composed of four roots… namely…. Earth, Air, Water and Fire….
    ( Our Vedas too have the same thinking…..)
    ફીઝીક્સ…. ભૌતિકશાસ્ત્ર….પણ વિશ્વસર્જન વિષે જે વિચારો આપે છે તે ચાર્વાકના વિચારો સાથે મોટે અંશે મળતા હોય તેવું લાગે છે.
    જ્ઞાન માટે પણ આ સંદર્ભ વાંચવા જેવો છે.
    રસાયણશાસ્ત્રમાં …. આપણે નવી શોઘોને કારણે જાણીઅે છીઅે કે પાણી… હાયડ્રોજન અને ઓક્ષીજનના સંયોજનથી બનેલું તત્વ છે……
    આજનું ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ચાર્વાકના નિયમના પુરાવારુપ જ્ઞાન છે…… જે કહે છે કે અેલીમેંન્ટસ્ ( પીરીયોડીક ટેબલ)….વસ્તુના નિર્માણમાં વપરાય છે….. વિજ્ઞાન પાણીને તેનાં મૂળ તત્વોમાં છુટા પાડી શકે છે અને જોડીને પાણીનું સર્જન પણ કરી શકે છે……
    ચાર્વાકે આપેલાં જ્ઞાનને સહારે આજનું વિજ્ઞાન પણ પ્રગતિ કરીને નિરિશ્વરવાદને સમજાવે છે….
    વઘુ વાંચન..સંદર્ભશોઘન અને તેની ઉપર વિચારો….સાચે રસ્તે દોરશે…….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. Liked.
    સમગ્ર સૃષ્ટી અકસ્માતોની હારમાળાનું જ પરીણામ છે.
    પુનર્જન્મ જેવું પણ કશું જ નથી.

    Liked by 1 person

  3. “અગ્નીહોત્ર કરવા, ભસ્મલેપન, ત્રીદંડ તથા માળાઓ ધારણ કરવી – એ ધર્મ નથી; પરન્તુ ધર્મને નામે બુદ્ધી તથા પૌરુષ વીનાના માણસોએ શોધી કાઢેલું આજીવીકા રળી ખાવાનું ધતીંગ માત્ર છે.”

    Liked by 1 person

  4. ભસ્મિભુત થયેલ દેહનું પુનરાગમન તો કોઈ પણ ધર્મ કહેતો નથી. ચાર્વકની વાત પણ દેહ વિષે જ છે. પણ વિભિન્ન વ્યક્તિનો જન્મ અનુકુળ અને પ્રતિકુળ પરિસ્થિતિ માં થાય તે માટે દોષ કોને માથે નાખી શકાય એ સમજાતું નથી.
    પુનર્જ્ન્મ સ્વીકારવાથી ફાયદો થયો છે. બહુજન સમાજ ની માનસિકતા સમાજ વ્યવસ્થા ઘડતી હોય છે.

    Liked by 1 person

  5. જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે .
    મર્યા પછી પાછું નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે .
    જગતના કેટલાય ધર્મો એવું માને છે કે એક દિવસ એવો આવશે કે બધા મૃત્યુ પામેલા માણસો જીવતા થઇ જશે . આ દિવસને ઇંગ્લીશમાં જજમેન્ટનો દિવસ કહે છે .

    Liked by 1 person

  6. Khub saras andhbhakto ane andhshraddhaluo ne vanchva jevo lakh. Aabhar Govindbhai ane Ramanbhai Pathakno je aaje aapni vacche nathi chhata seva kari rahya chhe.

    Liked by 1 person

  7. Reblogged this on and commented:
    મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર ! ગોવિંદભાઈ !
    અરવિંદ

    Liked by 1 person

  8. ખુબજ સુંદર અને માહિતીસભર લેખ. ઘણી નવી માહિતી મળી.

    Liked by 1 person

Leave a comment