ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન

ગુરુઓનું અજ્ઞાન…

ધર્મનું મોટું ભયસ્થાન

– દીનેશ પાંચાલ

એકવાર એક ધર્મગુરુએ ભક્‍તોની મોટી મેદની વચ્‍ચે કહેલું : ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્‍ત્રીસંગ કરવો એ પાપ છે !’ ત્‍યાં બેઠેલા લાખો શ્રદ્ધાળુઓ અન્દરખાનેથી એ વાત સાથે સમ્મત નહોતા; પણ ગુરુની વીચારધારાનો કોઈ વીરોધ કરતું નહોતું. ધર્મ અને શ્રદ્ધામાં સંશયને સ્‍થાન હોતું નથી. બહુધા આસ્‍તીકો ગુરુવાણીને ઈશ્વરવાણી સમજી તેનો ચુસ્‍તપણે અમલ કરે છે. કદાચ કોઈ શ્રદ્ધાળુ શંકા ઉઠાવે તો બીજા લોકો તેનો વીરોધ કરીને ગુરુના અજ્ઞાનને છાવરવાની કોશીશ કરે છે. આજ પર્યન્ત લઠ્ઠો પીને કેટલા મર્યા તેના આંકડા અખબારોમાં પ્રગટ થયા છે; પણ લઠ્ઠા જેવી અન્ધશ્રદ્ધાથી કેટલાં સામુહીક મરણ થાય છે તેના આંકડા છાપામાં જોવા મળતાં નથી. અમુક નુકસાન દુષીત વાયરસ જેવાં હોય છે– તે દેખાતાં નથી ભોગવવા પડતાં હોય છે.

સોનોગ્રાફી વડે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણી શકાય; પણ એ સુવીધાનો દુરુપયોગ કરીને ભૃણહત્‍યા કરવામાં આવે તે ઠીક ન ગણાય. કોઈ વીજ્ઞાનવાદી પણ જો એ ભુલને છાવરવાની કોશીશ કરે તો તે વીજ્ઞાનમાં અન્ધશ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય. ધુરન્ધર નાસ્તીકનો પણ કોઈ વીચાર ખોટો હોઈ શકે. પણ તે તેના મીત્રો તેને છાવરવાની કોશીશ કરે છે. એ જેટલી મોટી ભુલ છે તેટલી જ મોટી ભુલ આસ્‍તીકો ધર્મગુરુઓને છાવરે તે પણ ગણાય. આપણે ચાના કપમાં તરતી માખીને કાઢીને ફેંકી દઈએ છીએ; પણ ગુરુની નબળાઈઓને ગળી જઈને તેમને સાષ્ટાંગ વન્દન કરીએ છીએ. સાચી વાત એ છે કે આસ્‍તીકો ધર્મચાહક હોય છે સત્‍યચાહક નથી હોતા. ધર્મના સ્‍વાંગમાં કેટલીક અધાર્મીક બાબતો (ચામાં પડેલી માખી જેવી) છે, તેને તેઓ જીવનભર પમ્પાળતા રહે છે. નાસ્‍તીકો દ્વારા તેમની ભુલોનું ભાન કરાવવામાં આવે ત્‍યારે અહમ્‌ કે મમત ખાતર તેનો વીરોધ કરવામાં આવે છે. પરન્તુ યુદ્ધ–ઝઘડા–વાદ–વીવાદ કે કલહ કુસમ્પથી ધર્મની જ નહીં; આખા સમાજની તન્દુરસ્‍તી કથળે છે. એ સત્‍ય સ્‍વીકાર્યા વીના ચાલે એમ નથી. બોલનાર કોણ છે તેનું મહત્ત્વ નથી; પણ તે શું બોલે છે તેનું મહત્ત્વ અંકાય છે. માણસ આસ્‍તીક હોય કે નાસ્‍તીક પણ તેણે તટસ્‍થપણે એવું વલણ દાખવવું જોઈએ કે દાઉદ ઈબ્રાહીમ શાન્તી જાળવવાની અપીલ કરે તો તેનું સ્‍વાગત કરવાનું હોય અને ગાંધીજી ખુન કરવાની સલાહ આપે તો તેનો  વીરોધ જ કરવો જોઈએ.

વારમ્વાર એક વાત સામે આવે છે. જેમણે કર્મને જ સાચો ધર્મ ગણ્‍યો છે એવાં પશ્ચીમીના લોકો  સર્વ ક્ષેત્રે આપણાં કરતાં આગળ છે. આપણે ૩૩ કરોડ દેવી દેવતાઓ વચ્‍ચે જીવીએ છીએ. છતાં અનેક યાતનાઓ અને દુર્ગુણોના દલદલમાં ખુંપ્‍યા છીએ. આપણા ધાર્મીક દેશમાં કર્મકાંડોની બોલબાલા રહી છે. દેશમાં ચોમેર કથા–કીર્તન, હોમ–હવન, પુજા–પાઠ, યજ્ઞો વગેરે થતાં રહે છે. સરકારી ઑફીસોથી માંડી ગાડીના ડબ્‍બામાં પણ સત્‍યનારાયણની કથા થાય છે; પણ લોકોની વ્‍યથામાં એક મીલીગ્રામનો ય ફરક પડ્યો નથી. ક્રીકેટનો વર્લ્‍ડકપ આપણને મળે તે માટે યજ્ઞો કરાવવામાં આવે છે. અમીતાભ બચ્‍ચનની તન્દુરસ્‍તી માટે ધાર્મીક વીધીઓ થાય છે. સલમાન ખાન કે સંજય દત્તે જેલ નહીં જવું પડે તે માટે લોકો પુજાપાઠ કરાવે છે. વીશ્વની શાન્તી માટે આજપર્યંત હજારો વીશ્વશાન્તી યજ્ઞો થઈ ગયા; પણ વીશ્વ તો શું, દેશમાં પણ શાન્તી સ્‍થપાઈ શકી નથી.

આનો સીધો અર્થ એ થાય છે કે વીશ્વશાન્તીના ઉપાયો પુજાપાઠ કે કર્મકાંડોમાં નહીં; પણ કઠોર પરીશ્રમ, ઈમાનદારી, સમજદારી અને માનવતામાં રહેલા છે. ધર્મ માણસ માટે ચા જેવી એક આદત માત્ર છે. જીવવા માટે ચા પીવી ફરજીયાત નથી. ચા ન પીનારા મૃત્‍યુ નથી પામતા; પણ ધર્મને નામે અધર્મનું આચરણ થાય છે ત્‍યારે ચાના કપમાં દારુ કે લઠ્ઠો પીરસવા જેવી ઘટના બને છે. વીદેશી લોકો કામને જ પુજા ગણે છે. એ કર્મમન્ત્રને કારણે તેઓ ચન્દ્ર પર પહોંચી શક્‍યા છે. પ્રત્‍યેક ક્ષેત્રમાં તેમનો હરણફાળ વીકાસ થઈ શક્‍યો છે. નાસ્‍તીકો અને ખાસ તો વીજ્ઞાનવાદીઓ વીજ્ઞાન અને ટૅક્‍નોલૉજી વડે માણસને સુખી કરવાની કોશીશ કરે છે તે સાચી દીશાનું પગલું છે. શ્રદ્ધા એ માણસની અંગત વીચારધારા છે. પણ સમાજમાં સાયન્‍સ અને ટૅક્‍નોલૉજી વડે સુખસમૃદ્ધીનો સુરજ ઉગાડી શકાય છે. નાસ્‍તીકો અન્ધશ્રદ્ધાનો પર્દાફાશ કરે છે તે ઘટના, નગરપાલીકાના માણસો મચ્‍છરનો નાશ કરવા માટે ડીડીટીનો છંટકાવ કરે તેવી આવકારદાયક બાબત છે. શ્રદ્ધાથી ફંડફાળા ભેગા કરીને ધર્માદા દવાખાના ખોલી શકાય. એટલું જ સુન્દર કામ વીજ્ઞાન વડે થાય છે. શ્રદ્ધાળુઓ દીવસમાં પા અડધો કલાક ઈશ્વરની ભક્‍તી કરે છે. તેમને થોડીક માનસીક શાન્તી મળે છે. પણ વીજ્ઞાનીઓ રાત દીવસ સંશોધનની સાધનામાં મંડ્યા રહે છે. અને કરોડો લોકો સદેહે ભોગવી શકે તેવી સેંકડો શોધખોળો કરે છે. વીજ્ઞાન માણસની દરેક મીનીટ અને સેકન્‍ડને સુખમય બનાવવાની કોશીશ કરે છે. આપણે સ્‍વીકારવું જોઈએ કે એક ભગવાધારી ધર્મગુરુ કરતાં એક સાયન્‍ટીસ્‍ટ સમાજને વધુ ઉપયોગી છે. ગુરુ સ્‍વર્ગનાં સપનાં દેખાડે છે; પણ સાયન્‍ટીસ્‍ટો જીવતાજીવત આપણી આસપાસ જ સ્‍વર્ગ ઉભું કરી આપે છે. મેડીકલ સાયન્સ કીડની, હૃદય, કેન્‍સર વગેરેની દવા શોધે છે. શ્રદ્ધાના માધ્‍યમથી કેન્‍સરનું ઑપરેશન મફત થઈ શકે એવી ધર્માદા હૉસ્‍પીટલો બન્ધાવી શકાય છે. શ્રદ્ધા હીન્‍દુ અને  મુસ્‍લીમ માટે જુદા જુદા  ધર્મો ઘડે છે. વીજ્ઞાન જ્ઞાતી–જાતીના ભેદભાવ વીના સૌનાં દુઃખો દુર કરવા કમર કસે છે. હીન્‍દુના ઈંજેક્‍શનો જુદા અને મુસ્‍લીમોના જુદા એવો ભેદભાવ વીજ્ઞાનમાં નથી હોતો. આસ્‍તીકો સર્વધર્મ સમભાવના બણગા ફુંકે છે. વીજ્ઞાન અક્ષરશઃ એ ભાવનાનું પાલન કરે છે. મેડીકલ સાયન્‍સ માણસનાં સર્વ દુઃખો ઝડપથી દુર કરવાની કોશીશ કરે છે. બલ્‍બની સ્‍વીચ પાડો પછી અજવાળા માટે રાહ જોવી પડતી નથી. એનેસ્‍થેસીયાનું ઈંજેક્‍શન આપો પછી દરદી બેહોશ થાય તે માટે રાહ જોવી પડતી નથી. પણ શ્રદ્ધાના આયુર્વેદીક ઉપાયની અસર મોડી થાય છે. (મોટે ભાગે તો થતી જ નથી અથવા થયેલી દેખાય તો તે માત્ર અકસ્‍માત અથવા આભાસમાત્ર હોય છે) શ્રદ્ધાળુઓ માને છે કે આ ભવમાં પુણ્‍ય કરો તો આવતા જન્‍મે તેનું ફળ મળે છે. આવતો જન્‍મ કોણે જોયો? પુર્વજન્‍મ કે પુનર્જન્‍મની એક પણ સત્‍યઘટના સમાજ સમક્ષ આવી નથી. (એક સુવીખ્‍યાત મેગેઝીનમાં એકવાર એક બાળકને પુર્વજન્‍મ યાદ હોવાની ઘટના છપાઈ હતી; પરન્તુ ‘સત્યશોધક સભા’એ તે બાળકના માતાપીતાની મુલાકાત લેતાં આખી વાત બોગસ હોવાનું જાણવા મળ્‍યું હતું)

તાત્‍પર્ય એટલું જ કે શ્રદ્ધા અને સાયન્‍સ બન્‍ને નીર્જીવ માધ્‍યમો છે. તે સ્‍વયંસંચાલીત યન્ત્રોની જેમ એકલે હાથે કશુ કરી શકતાં નથી. માણસે વીવેકબુદ્ધીથી એનો ઉપયોગ કરવાનો હોય છે. બન્‍નેનાં સારાં નરસાં પરીણામનો આધાર માણસ એનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પર રહેલો છે. તમારી પાસે સ્‍કુટર હોય; પણ ચલાવતાં ન આવડે તો પગોને સુખ આપી શકાય નહીં. ઘરમાં પંખો છે; પણ તે સ્‍વીચ ઓન કરવાથી ચાલુ થઈ શકે એ વાત તમે નહીં જાણતા હો તો તમારે ગરમી સહન કરવી પડશે. તમારી પાસે રીવોલ્‍વર હોય; પણ બહારવટીયા આવે ત્‍યારે તમે નાળચું તમારા તરફ રાખી ફાયર કરો તો ધાડપાડુને બદલે તમારો જીવ જશે. ફરીફરી સમજાય છે કે દેશની દરેક સારીનરસી ઘટનામાં કોંગ્રેસનો પંજો નહીં; માણસનો હાથ રહેલો છે. ભાજપનું કમળ નહીં; માણસનું કર્મફળ ભાગ ભજવે છે. દારુગોળો એની જાતે નથી ફુટતો. બન્દુકો એની મેળે ગોળીબાર નથી કરતી. બોમ્‍બ સ્‍વયં જામગરી સળગાવીને હજારોની હત્‍યા કરતો નથી. વીશ્વની, સમાજની કે શેરીની શાન્તી માટે શ્રદ્ધા અને વીજ્ઞાન તો કેવળ રૉ–મટીરીયલ છે. માણસની મદદ વગર તે એકલે હાથે યુદ્ધ કે શાન્તી ઉભી કરી શકતાં નથી. માણસ આટલું સમજી લે તો વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવાની જરુર ના રહે. તાત્‍પર્ય એટલું જ કે : ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’ 

ધુપછાંવ

સંસારના સુખદુઃખનો આધાર ભગવાન પર નહીં ઈન્‍સાન પર રહેલો છે. માણસો હૉસ્‍પીટલો બનાવે છે અને માણસો જ હાથ બોમ્‍બ બનાવે છે. માણસો દયા કરે છે અને માણસો જ હત્‍યા કરે છે. ઉપર જાઓ તો ઈશ્વરનો ચોપડો ચેક કરજો. બાબરી મસ્‍જીદ તુટી, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તુટયું, કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?

– દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 14 સપ્ટેમ્બર, 2008ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી–396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : https://dineshpanchalblog.wordpress.com/

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે  સતત સક્રીય ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 21/10/2016

 

14 Comments

  1. મનુષ્યો ને ઉઠાં ભણાવવાની હરીફાઈ થાય તો, ધર્મગુરુઓને પહેલું ઈનામ મળે. પોતાના પેટનો ખાડો ભરવા માટે તેમને આ નઠારું કાર્ય કરવું પડે છે. કેટાલી નવાઈ ની વાત છે કે એક નઠારો મનુષ્ય નઠારા કર્યો કરી ને નઠારો જ કહેવાય છે, પરંતુ આ ધર્મગુરુઓ ધર્મને નામે નઠારા કર્યો કરીને પોતાને પરમેશ્વરના પ્રતિનિધિ કહેવડાવે છે.

    કાસિમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

  2. Intercourse was only to have a child was the belief of MK Gandhi too. This belief he had derived from Hindu. Hence it is not an ignorance.

    Hindu religion too believe in work is worship. That is why there is KARMA YOGA.

    Evils are everywhere in the world. The proportion depends upon social set up and financial condition.

    Liked by 1 person

  3. ‘ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’ Aa vaat aaj no naagrik samji sakto j nathi. Recently i did short blog in which i said that ‘j niraakaar chhe tene aapne aakaar aapi betha”. Aaakaar aapvaa thi aapne shrdhaa ni jagiya ye aandshrashaa ne janam aapiyo. Ane enaathi lobhiyaa laabh letaa thai giya jevaa ke Asharaam jevaa…

    Well said Dineshbhai. Every example hit sixer, yet, samaaj boundry ni bahaar jai ne pan aapni vaat roopi ball ne catch (out) kari dese……

    Liked by 1 person

  4. Reblogged this on and commented:
    સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું .

    Liked by 2 people

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  5. ‘ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’
    બાબરી મસ્‍જીદ તુટી, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તુટયું, કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?
    dinesh bhai…all points are valid and solid–appealing–worth re-blogging

    Liked by 2 people

  6. Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
    ‘ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’
    બાબરી મસ્‍જીદ તુટી, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તુટયું, કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      ‘ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  7. મારે કશું જ બોલવું નથી. જેમણે સ્કુલ કોલેજના સોળ અને સમજાયું થી અઢાર વર્ષનો અભ્યાસ કર્યો હોય, જીવનના ૨૨-૨૫ વર્ષમાં આજુબાજુ પોતાની દૃષ્ટિમાં જે આવ્યું અને સમજાયું હોય તે પ્રમાણે તેને જીવવાનો હક છે. એને ૨૫ વર્ષની ઉમ્મર પછી જરૂર હોય તો તે જરૂર માત્ર શૈક્ષણિ,ક જ હોય છે.
    બાવા-ગુરુઓ કે રસ્તા પરના મદારીઓ માત્ર એન્ટર્ટેનરો જ છે. નાનું મોટું, મફતિયું ટોળું ભેગું થાય અને તાળી પાડે. હુ કેર્સ ફોર સાચુંોભારત કે ખોટું? જે જાય તેઓ પોતાની મરજીથી આનંદને માટે જ જાય છે. બાવા-બાપુઓ વાત પણ શાની કરે છે? રામાયણ-મહાભારત કે પુરાણોની જ. અરે! એ તો સાહિત્ય છે સાહિત્ય. લોકો એના અર્થધટનનો આનંદ માણે છે એટલું જ. કોઈ કાંઈ શીખવા નથી જતું. મેં કોઈ ગુરુ નથી કર્યા. મને નથી લાગતું કે મારે મારા શેષ જીવન માટે શું કરવું, શું ન કરવું એને માટે ગુરુ કે સલાકારની જરૂર છે.
    જો મને સલાહની જરૂર નથી તો શું તમને મારી સલાહની જરૂર છે ખરી?
    માનસશાસ્ત્રની રીતે વિચારીયે તો ભલે આપણને ગુરુ ન ગમે; પણ વાતવાતમાં ગુરુ થવાનું તો ગમે જ. તમારે ગુરુની વાત ન માનવી એમ શોરબકોર કર્યા કરીએ ત્યારે આપણામાં ગુરુભાવ કે ગુરુ ગ્રંથી નથી આવતી?
    રેશનાલિઝમ એ પણ એક ધર્મ જ છે. આપણે સૌ ગુરુઓ છીએ કારણ કે આપણે સમાજને સુધારવા માંગીયે છીએ. આપણે પૈસાની ખેવના નથી કરતાં. અમને તો અમારી વાત વિચાર સરસ છે. સાચા છે એટલું કહીને તાળી પાડો એટલું જ જોઈએ છે. અમે પણ એક જાતના રસ્તા પરના મદારી જ છીએ.

    Liked by 1 person

  8. મિત્રો,
    શરુઆતમાં હું દરેક વાચક અને લેખક અને બીજા સૌની માફી માંગીને કહેવાની હિંમત કરું છું કે…. લેખનું નામાભિકરણ ભૂલભરેલું છે. સાચી વાત તો અે છે કે… ‘ગુરુઓનું અજ્ઞાન ઘર્મનું મોટું ભયસ્થાન છે. તે મારે મતે આ હોવું જોઇઅે….. ‘ગુરુનું અજ્ઞાન… ફક્ત માનવ જ નહિ પરંતુ પૃથ્વિનું મોટું ભયસ્થાન છે.’
    અજ્ઞાન અેટલે જ વિનાશ.
    પૂજા પાઠ કે પારાયણમાં જનારાઓ માટે કદાચ ‘ઘેંટા’ શબ્દનો ઉપયોગ ઘણા કરે છે…. જેને પોતાની વિચાર શક્તિ નથી…. સાચુ… જુઠુ… ભલું… બુરું… ખરું…ખોટું…. લાયક… નાલાયક….. વિ… વિ…માં ઓળખની આવડત નથી… તેને માટે ઘણું ઘણું કહેવાયુ છે… અખાથી માંડીને બીજા હજારો ગુરુપદ ઘરાવતા શિક્ષકો… ટીચરો… આ બાબત સમજાવી ગયા છે; પરંતુ આજનો ભણેલો કે અભણ… હજી પણ હજારો સાલ પરાણું જીવન જીવે છે… ચાહે તે ન્યુયોર્કમાં રહે કે મુંબઇમાં… કે વલસાડમાં… કે ઘરમપુરમાં…. ભારતીયોની જ વાતો કરું છું. જરા ભૂલ ના કરતાં… ભારતીયોને માટે જ… સાચા શિક્ષકે અને ગુરુઓ વચ્ચે મોટો ફરક હોય છે…. શિક્ષક હોવું અેટલે દુનિયાનું અતિ આઘુનિક જ્ઞાન મેળવવું અને આપવું; નહિ કે સામે બેઠેલાંને ઘાંચીની ઘાણીના ચક્કરની જેમ તેની આંખે દાબડા પહેરાવીને ગોળ ગોળ ફરવ્યે રાખવો… અેકલવ્યનો અેકલાનો દાખલો જો કોઇ સમજદાર હશે તો સમજી જશે… બઘુ જ જે આ લેખમાં લેખક કહેવા માંગે છે… તે જો સમજ્યા તો દ્રોણની જરુરત નહિ પડે… જો અેક અાપણામાંનો જ ગુરુ ? બની શકતો હોય તો આપણે કેમ નહિ અેક સારા શિક્ષક ના બની શકીઅે ? બીજા ઉપર અાઘાર રાખીને સ્વર્ગની સીડી ચઢવા નીકળનારની સંખ્યા ઓછી નથી….!

    Voltaire said… “The comfort of the rich depends upon an abundant supply of poor.”

    Let us give it a new face… “The comfort of the Dharmik Guru depends upon an abundant supply of the people without thinking… or without brain.”

    અખાને વાંચો… કબીરને વાંચો… આંખ… કાન… નાક… મોઢું… હૃદય… મગજ… બઘુ જ ખુલી જશેં… જ્ઞાન મેળવો… વિજ્ઞાન મેળવો… વિ. અેટલે… વિશેષ જ્ઞાન મેળવો… જીવનની છેલ્લી ઘડી પણ નવું જાણવાની ટક હોય છે…. ગુરુની જરુરત નથી હોતી… ગુરુઓ… પોતાને ગુરુ સમજે છે; પણ મને તો શિક્ષકની જરુરત છે… ગુરુની નહિ.

    સૌને શિક્ષક મળે તેવી શુભેચ્છાઓ….

    અમૃત હઝારી.

    Liked by 1 person

  9. KHUB saras lekh dinesh bhai ane aabhar govindbhai amara sudhi pahodva mate . Moraribapu sacha arthma guru hata ( shikshak )pan te pan ?

    Liked by 1 person

  10. વીશ્વશાન્તીના ઉપાયો પુજાપાઠ કે કર્મકાંડોમાં નહીં; પણ કઠોર પરીશ્રમ, ઈમાનદારી, સમજદારી અને માનવતામાં રહેલા છે.
    Liked the article. Thanks.

    Liked by 1 person

  11. આવા જડબેસલાક વિચારો સાથેના જુદા જુદા લેખકોના લેખોની સતત જરૂરત છે. ધર્માંધ અને અંધશ્રધ્ધાળુઓને જુદા જુદા માધ્યમો દ્વારા આવા લેખો વાચવા મળતા રહેવા જોઇશે.આજનો ભણેલો મોટા ભાગનો યુવા વર્ગતો આ વાસ્તવિકતા સ્વીકારી અમલ કરવા લાગ્યો જ છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s