ભુતકાળનું ભુત

ભુતકાળનું ભુત

– સુબોધ શાહ

આપણી પ્રજાના માનસ ઉપર ભારતના ભવ્ય ભુતકાળનું ભુત સદીઓથી સવાર થઈને બેઠું છે – જાણે કે વીર વીક્રમની કાંધ પર વેતાલ! આખી દુનીયા જંગલી દશામાં હતી ત્યારે આપણા વડવાઓ સર્વાધીક સુસંસ્કૃત ને ખુબ આગળ વધેલા હતા, એવો પ્રામાણીક પણ ખોટો ભ્રમ, ઘણા બધા ભારતીયો ધરાવે છે. આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે: ‘આપણે મહાન છીએ, અનન્ય છીએ.’ હીટલરે આંચકો આપ્યો એ પહેલાં યહુદી પ્રજા પણ પોતાના વીશે એમ જ માનતી હતી ! અર્ધસત્યોની દુનીયામાં તટસ્થ સત્યો હમેશાં કડવાં લાગવાનાં; છતાં આ લોકપ્રીય માન્યતાની બીજી બાજુને નીરપેક્ષ ઐતીહાસીક ને વૈજ્ઞાનીક હકીકતો દ્વારા ચકાસવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે.

આપણો ભુતકાળ કીર્તીવન્ત હતો, એ બાબતમાં કોઈ બેમત નથી; પણ એ દોઢબે હજાર કે એથીય વધારે વર્ષ પહેલાંના અત્યન્ત પુરાતન ભુતકાળની વાત છે. વૈદીક સાહીત્ય અતી પ્રાચીન છે. ઉપનીષદ અને છ દર્શનશાસ્ત્રો એ કાળના વીચારોનાં મ્યુઝીયમ છે, પેઢી દર પેઢી મૌખીક વારસામાં ઉતરી આવેલાં આશ્ચર્યો છે. વ્યાકરણ, ગણીત, ખગોળ, તર્ક અને ઔષધ, એ વીષયોમાં હીન્દુ સમાજની પ્રગતી એ જમાનાના પ્રમાણમાં પ્રશંસનીય હતી. પરન્તુ ઘણા હોશીયાર ભારતીયો સુધ્ધાં નીચેની બાબતોમાં થાપ ખાઈ જતા જોવામાં આવે છે: આપણે ભુલી જઈએ છીએ કે :

1. માત્ર પ્રાચીનતા એ જ પ્રગતી કે મહાનતાનો માપદંડ નથી.
2.

આપણા પ્રાચીન ઈતીહાસનો ઘણો મોટો ભાગ કોઈ જાણતું નથી, જાણી શકે એમ નથી અને જે કાંઈ જાણીતું છે તેમાં ઘણુંબધું સુધારેલું, પાછળથી ઉમેરેલું ને અનધીકૃત છે. પુરાણો એ ઈતીહાસ નથી. રસાત્મક કાવ્યમાં વીંટાળેલી એ લોકભોગ્ય વાર્તાઓ છે, સત્યના સુક્ષ્મ બીજની આસપાસ ઉભારેલાં સ્વાદીષ્ટ ફળ છે.

3.

આજકાલ કેટલાક સજ્જનો મનાવવા માગે છે કે આર્યો બહારથી આવ્યા જ નથી. પરન્તુ (ટોઈન્બી જેવા) બધા જ પરદેશી અને લોકમાન્ય તીલક જેવા ઘણામોટા ભાગના હીન્દુ ઈતીહાસકારો સુધ્ધાં આવા સહેતુક પ્રચારને ભારપુર્વક નકારી કાઢે છે.

4.

જેમને નૃવંશશાસ્ત્ર, ભુસ્તરશાસ્ત્ર કે પુરાતત્ત્વશાસ્ત્ર એ કઈ જાતની બલા છે એની કલ્પના સુધ્ધાં નથી, એ લોકો આજે ભારતમાં કેટલાં લાખ વર્ષો પુર્વે સત્ય, દ્વાપર ને ત્રેતા યુગો હતા; અને એ કેવા ભવ્ય હતા; એ શીખવે છે ! આને કહેવાય આજની કરુણતાઓ ભુલવા, ગઈકાલ વીશેના ઝુરાપા (Nostalgia)નો ઉપયોગ.

આપણે બીજી પ્રજાઓના ઈતીહાસનું વાચન બહુ કરતા નથી; આપણા પુર્વજોએ ઈતીહાસનું લેખન નહીંવત્‌ કર્યું છે. આપણા પ્રાચીન સુપ્રસીદ્ધ મહાપુરુષોની અને બનાવોની તારીખો સો–બસો વરસ આમ કે તેમ – કોઈક વાર એથીય વધારે – ચર્ચાસ્પદ હોય છે. ભગવાન રામ અને કૃષ્ણના જન્મદીવસો આપણે જરુર ઉજવીએ છીએ; પણ જન્મનાં વર્ષો તો ઠીક, કઈ સદીમાં એ જનમ્યા હતા એ પણ કોઈને ખબર નથી ! આપણી સાચી ને ખાતરીલાયક તવારીખ ગૌતમ બુદ્ધ, અશોકના શીલાલેખ અને ગ્રીક આક્રમણથી શરુ થાય છે. દુનીયાના ઈતીહાસની પુરી સાબીત થયેલી નીચેની ટુંકી તવારીખ તપાસી જવા જેવી છે :

(ક)

ભારતમાં (અનાર્ય સમયની) સીન્ધુ સંસ્કૃતી મોહન–જો–ડેરો (ઈ.સ.પુર્વે 2500) સૌથી પ્રાચીન છે. એનાથીય પહેલાં, ઈ.સ. પુર્વે 2613 થી 2494 દરમીયાન ઈજીપ્તના પીરામીડો બન્ધાયા હતા. એનાથી અનેક સદીઓ પહેલાં સુમેરીયન (ઈ.સ.પુર્વે 4300–3100) અને એસીરીયન સંસ્કૃતીઓ દરમીયાન ભાષા–લેખનની શરુઆત થઈ હતી.

(ખ)

ઈ.સ.પુર્વે 1500 આસપાસ આર્યો મધ્ય એશીયાથી ભારતમાં આવ્યા. આજે પ્રવર્તે છે તે પૌરાણીક હીન્દુ ધર્મનું સમગ્ર સાહીત્ય એ પછીનું છે. ભારતમાં રામાયણ અને મહાભારત (ઈ.સ.પુર્વે 1400—1000) એ પછી રચાયાં. હોમર અને ગ્રીક મહાકાવ્યોનો યુગ એના નજીકના સમયગાળામાં આવે છે. આપણો ઈતીહાસ તો એ પછીની અનેક સદીઓ પછી રચાતો થયો. ચીનની સંસ્કૃતીના ઉદયનો સમય (ઈ.સ.પુર્વે 1500–1027) પણ લગભગ એ જ છે. એ બધાંનીય પહેલાં ઈ.સ.પુર્વે 1792 થી 1750માં બેબીલોનનો જાણીતો સેનાપતી હમ્મુરાબી થયો હતો.

(ગ)

ભારતમાં ઈ.સ. પુર્વે 550–480 બુદ્ધ અને મહાવીરનો સમય છે. ઈરાનમાં થયેલા અષો જરથુષ્ટ્ર (ઈ.સ. પુર્વે 628–521)નો અગ્નીપુજક પારસી ધર્મ એ બન્ને કરતાં જુનો છે. ચીનમાં કોન્ફ્યુશીયસ (ઈ.સ.પુર્વે 551–479) અને લાઓ–ત્સે (ઈ.સ.પુર્વે 570–517) સહીત આ બધા ધર્મસંસ્થાપકો લગભગ સમકાલીનો હતા.

(ઘ)

ભારતનું પ્રથમ મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય (ઈ.સ.પુર્વે 323–185) હતું. એ વીશ્વવીજેતા સીકંદરની ચડાઈ પછી સ્થપાયું. પણ એસીરીયન સામ્રાજ્ય (ઈ.સ.પુર્વે 744–609) અને ઈરાનમાં સમ્રાટ દરાયસ ચન્દ્રગુપ્ત મૌર્યથી ઘણા વહેલા હતા. ઈ.સ.પુર્વે 800–700નાં ગ્રીસનાં શહેરી ગણરાજ્યો, આપણા વૈશાલીથી ઘણાં પહેલાં થયાં હતાં

(ચ)

ભારતના ઈતીહાસનો સર્વશ્રેષ્ઠ (‘સુવર્ણયુગ’) તે ગુપ્ત વંશના રાજાઓનો સમય (ઈ.સ. 320–520) હતો. મહાન રોમન સામ્રાજ્ય એનાથી ત્રણસો–ચારસો વર્ષ પહેલાં થઈ ગયું. ચીનનું વીખ્યાત હાન સામ્રાજ્ય પણ ઈ.સ. પુર્વે 202ની આસપાસ વીસ્તર્યું હતું. આપણા મહાન દીગ્ગજ વીદ્વાનો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમીહીર અને ભાસ્કરાચાર્ય ગુપ્તકાલીન હતા. પાયથાગોરસ, સોક્રેટીસ (ઈ.સ.પુર્વે 570), પ્લેટો (ઈ.સ.પુર્વે 427–347), એરીસ્ટોટલ (ઈ.સ.પુર્વે 384–322) ને આર્કીમીડીસ (ઈ. સ. પુર્વે 287–212 – એ બધા જ આપણા આ વીદ્વાનો કરતાં હજારેક વર્ષો પહેલાં થઈ ગયા.

વાત દીવા જેવી સ્પષ્ટ છે કે આપણે એક, અદ્વીતીય કે પ્રથમ ન હતા. ઘણીબધી પ્રજાઓએ આપણા જેવી જ અથવા તેથીય ઉંચી સીદ્ધીઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં હાંસલ કરી હતી. પ્રાચીન યુગમાં જ્યાં જ્યાં સરીતા–સંસ્કૃતીઓનો ઉદય થયો હતો ત્યાં ત્યાં સમાન સમયે સમાંતર કક્ષામાં માનવજાતીએ પ્રગતી કરી હતી.

ગ્રીસ, રોમ, ઈજીપ્ત, ચીન, ભારત, બધી જ પ્રજાઓ પ્રાચીન સમયમાં અનેક દેવોમાં માનતી હતી. એમની પુરાણકથાઓમાં આશ્ચર્ય પમાડે એટલું અપરમ્પાર સામ્ય છે. હીન્દુઓનો દેવ ઈન્દ્ર, રોમન દેવ જ્યુપીટર અને ગ્રીક દેવ ઝીયસ, ત્રણે સરખા લાગે. આપણા પ્રેમના દેવ કામદેવની જેમ જ રોમન દેવ ક્યુપીડ ધનુષ્યબાણ ધરાવે છે. જેમ આપણા રામ દસ માથાંવાળા રાક્ષસ રાવણને મારે છે, તેમ એમનો દૈવી વીરપુરુષ હરક્યુલીસ નવ માથાળા હાઈડ્રા નામના રાક્ષસને મારે છે. કુંતીએ પોતાના નવા જન્મેલા પુત્ર કર્ણને નદીમાં તરતો છોડી દીધો હતો; મોઝીઝને એની માતાએ એમ જ કર્યું હતું. એમનો સેતાન, આપણો કલી; તેમના નોઆહની આર્ક બોટ, આપણા મનુની હોડી.

ફીલસુફીઓમાં પણ એવું જ છે. આત્માના કલ્યાણ માટે દેહદમન કે તપશ્ચર્યાની વાત ફક્ત જૈન લોકોનો આગવો વીચાર નથી, Stoics નામના પંથને પશ્ચીમની ફીલસુફીમાં (આપણા સીવાય!) બધા જાણે છે. સાહીત્યમાં એક બાજુ કાલીદાસ ને ભવભુતી, તો બીજી બાજુ ગ્રીક સોફોક્લીસ, યુરીપીડીસ, એશ્ચીલસ, વગેરે બધા એમનાથી વહેલા. ગણીતમાં એક બાજુ આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય, બીજી બાજુ યુક્લીડ ને પાયથાગોરસ, બન્ને એમનાથી પહેલાં. ઔષધમાં આપણા ચરક–સુશ્રુત, એમના હીપોક્રેટીસ. એમના ઈતીહાસકારો પ્લીની ને હીરોડોટસ, આપણામાં કોઈ નહીં. વીજ્ઞાનમાં એમનો આર્કીમીડીસ, આપણામાં નામ દેવા ખાતર પણ કોઈ નહીં !

મધ્યયુગમાં આપણને હરાવનાર મુસ્લીમ હુમલાખોરો કરતાં આપણે આગળ વધેલા હતા એવું માનવા માટે કોઈ કારણ નથી. એક બે ઉદાહરણો તપાસો: ચીની પ્રજા પાસેથી કાગળ અને દારુગોળો બનાવવાની કળાઓ શીખીને મુસ્લીમો આપણા દેશમાં લઈ આવ્યા હતા. બાબર પોતે કવી ને લેખક હતો. મહમદ ગઝનવી ફીરદૌસી અને અલ–બેરુની જેવા અનેક વીદ્વાનોનો આશ્રયદાતા હતો. આપણે ફા–હીયાન અને હ્યુ–એન–ત્સંગ વીશે જેટલું જાણીએ છીએ એટલું અલ–બેરુની કે ઈબ્ન બતુતા વીશે જાણીએ છીએ? દુનીયાના ઈતીહાસની આવી બધી વીગતો આપણે સામાન્ય ભારતીયો જાણતા હોતા નથી; એટલે એનું સ્વાભાવીક પરીણામ શું આવે છે? આપણી મહાન પરમ્પરા વીશેની અનેક કપોળકલ્પીત વાતો ગળચટી લાગે છે, એટલે તરત આપણને સૌને ગળે ઉતરી જાય છે.

‘ભવ્ય ભુતકાળ’? અલબત્ત, જો 2000 વર્ષ પહેલાંના જમાનાને જ યાદ રાખીએ અને છેલ્લાં 1000 વર્ષની ગુલામી ભુલવા માગીએ, તો આપણો ભુતકાળ જરુર ભવ્ય હતો. આપણને જુનું યાદ છે, તાજું ભુલાય છે. ભુતકાળનું ભુત સુરાપાન કરાવી આપણને ભરમાવે છે – દારુ જેટલો જુનો તેટલો સારો. આપણાં વીચીત્ર ચશ્માં બહુ દુરનો ભવ્ય ભુતકાળ સ્પષ્ટ રીતે જોઈ શકે છે; પણ પગ નીચેની પૃથ્વી એને દેખાતી નથી. એક પ્રકારના સામુહીક આલ્ઝ્હેઈમર (Alzheimer) રોગ જેવું તો કંઈક નહીં હોય આ? જુની યાદદાસ્તને ચાળણીમાં ચાળી સહન થાય તેટલી જ યાદોને આપણે જુદી પાડીએ છીએ, એમને મનગમતો સોનેરી ઢોળ ચઢાવીએ છીએ; અને પછી એને ‘ઈતીહાસ’ ગણીએ છીએ.

આપણે આપણી જાતને કહ્યે રાખીએ છીએ કે ગ્રીસ ને રોમ નાશ પામ્યાં છે, જ્યારે આપણે હજી જીવન્ત છીએ. ‘નાશ પામ્યાં’ એટલે શું? એ દેશો હયાત છે, એમનો વારસો જીવે છે. એરીસ્ટોટલ ને પ્લેટોની સર્વદેશીય વીચારધારાઓના પાયા ઉપર તો પશ્ચીમની સમસ્ત આધુનીક ઈમારતો રચાયેલી છે. આ બધા વીશેનું ભારોભાર અજ્ઞાન ‘સારે જહાં સે અચ્છા, હીન્દોસ્તાં હમારા’ જેવાં ગાંડાંઘેલાં કથનોના મુળમાં ભર્યું છે. અને આપણા અતીડાહ્યા પંડીતો એ કથનોને દોહરાવ્યે જાય છે. ખરેખર તો આપણને એ વાત અભીપ્રેત છે કે હીન્દુ ધર્મ સંસ્કાર હજી જીવન્ત છે. પરન્તુ જેમ હીન્દુ, તેમ યહુદી ધર્મ સંસ્કાર પણ જીવે છે. ખ્રીસ્તી સમાજ અને સંસ્કૃતી બે હજાર વર્ષથી જીવે છે ને આખી દુનીયામાં પ્રસરેલાં છે. ઈસ્લામ આજે પણ પ્રસરી રહ્યો છે. જે લોકો માત્ર આપણા જીવતા રહેવા માટે જ અભીમાન લે છે તેઓ ભુલી જાય છે કે આપણે 1000 વર્ષ પરતન્ત્ર અને નીર્ધન થઈ મરવાને વાંકે જીવતા રહ્યા; પીઝા આરોગી, જીન્સ પહેરી, પશ્ચીમની કેળવણી પામી, એમનું અનુકરણ કરતા થયા; એ સ્વમાન, સદ્‌ગુણ કે ડહાપણની સાબીતી તો નથી જ. પુરાતન ભારતીયતાનો શ્વાસોચ્છ્વાસ જરુર ચાલુ છે, પણ એ ક્યારનોય અર્ધમૃત દશામાં છે.

આજના હીન્દુ સમાજનાં બે વર્તનો તપાસો :

1. કોઈ પરદેશી વ્યક્તી હીન્દુઓ વીશે સાવ સાચી તોય અણગમતી વાત તરફ ધ્યાન ખેંચે ત્યારે આપણે કેવા ઉકળી ઉઠીએ છીએ?
2. ભારતના ઈતીહાસને સાફસુથરો (white washed) બનાવી દેખાડવા આપણે ત્યાં કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? આ બન્ને પ્રકારનાં વર્તનનાં મુળ આપણી ઐતીહાસીક ગુલામીથી ઘડાયેલી ગુપ્ત માનસ ગ્રંથીઓમાં મળશે.

આપણે બીજા સમાજો સાથે મેરેથોન દોડવાની હરીફાઈમાં છીએ, પણ પગમાં ભુતકાળની સાંકળ બાંધેલી છે. નજર સામે નથી, પાછળ છે; અને દીલ ચોંટેલું છે એવા જરીપુરાણા જગતમાં, જેને આખી દુનીયા ક્યારનીય વટાવીને આગળ નીકળી ચુકી છે. મુળીયાંમાંથી સાવ ઉખડી ગયેલ સમાજ સ્થીર ન હોય. પણ માત્ર મુળને જ ચપોચપ વળગી રહે, એના સાંકડા વર્તુળને છોડી જ ન શકે, એવો સમાજ પુખ્ત કે પરીપક્વ બનીને પ્રગતી કરી શકે નહીં. કોણ કયા મુળનો માલીક છે એના વીતંડાવાદમાં કાયમ અટવાતો રહેતો સમાજ સુર્યપ્રકાશને ચુકી જશે. ભુતને ભવીષ્ય તરીકે જોવાથી નહીં; કેવા હતા એ પરથી નહીં; પણ કેવા છીએ, એ પરથી આપણી ઓળખ બન્ધાવી જોઈએ. સત્ય તો એ છે કે દુનીયા શબ્દોથી, ભાવનાઓથી, ધારણાઓથી નહીં; આપણાં કાર્યોથી આપણને ઓળખે છે. પરન્તુ, આપણે હવે એ નક્કી કરવાનું છે કે ભુતના ભવ્ય વારસાનો ગર્વ જોઈએ છે, કે સ્વશક્તી નીર્મીત ભાવીનું સન્માન? ભુતકાળની મુડી પર જીવ્યા કરવું એના કરતાં વધારે સારું ધ્યેય એ છે કે ઉજ્જ્વળ ભવીષ્યનું સ્વયં નીર્માણ કરવું. ભુતકાળને અતીક્રમીને એને ઝાંખો પાડી બતાવવો એ જ એને અર્પેલી આપણી શ્રેષ્ઠ અંજલી હોય.

ભારતીય માનસને પ્રાચીનતાનો પ્રેમ, લગાવ કે વળગાડ, જે કહો તે, ઘણોબધો છે. જેટલું વધુ પ્રાચીન એટલું વધુ સારું. આપણા વીદ્વાનો એક પુરાણા શબ્દને પકડીને, તરડીને, મચડીને, માંજીને, મઠારીને, ગમે તે રીતે એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે કે આપણે ધારવા કરતાં વધુ પુરાતન છીએ. અનીશ્ચીતતા, અડસટ્ટો અને અન્દાજ સીવાયનો બીજો કોઈ પુરાવો જ્યાં હોય જ નહીં, ત્યાં થોડીક વધુ પ્રાચીનતાનો દાવો કરવો એ વીદ્વત્તા નથી, બીજું કંઈક છે. સ્વદેશપ્રેમના નામે સ્વપ્રશંસાના દાવાઓ બધા દેશો કરે છે. હારેલા હોય તે વધારે ને વધુ મોટા અવાજથી કરે છે. મહાનતા સાબીત કરવા આપણે શું શું નથી કરતા? જે હકીકત માટે આપણને શરમ આવવી જોઈએ, એ હકીકત માટે પણ આપણે બડાઈઓ હાંકીએ છીએ. દાખલા તરીકે: લાંબી ગુલામીની શરમ પર ઢાંકપીછોડો કરવા આપણે કહીએ છીએ કે ‘અમે કદી કોઈના ઉપર આક્રમણ કર્યું નથી’. પોતાનાં દુષ્કૃત્યનો પસ્તાવો થાય છે ત્યારે શેક્સપીયરમાં લેડી મૅકબેથ બોલે છે: “આખાય અરબસ્તાનનાં અત્તરો મારા આ નાનકડા હાથની દુર્ગંન્ધ હટાવી નહીં શકે”. પ્રાચીનતાનાં પુષ્પોની આપણી બધીય બડાઈઓ આજની દરીદ્રતાની દુર્ગંન્ધને ઢાંકી નહીં શકે. એ પુષ્પોને ઈતીહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સીંચન કરીએ, તો ભારતના ભાવીમાં તે વીશેષ ફળદાયી ન બને?

–સુબોધ શાહ

અમેરીકામાં 28 વર્ષથી પ્રખ્યાત સાહીત્યીક ત્રીમાસીક ‘ગુર્જરી ડાઈજેસ્ટ’ના એપ્રીલ, 2016ના અંકમાં તેમ જ શ્રી. દીપક ધોળકીયાના બ્લોગ ‘મારી બારી’ના 20 મે, 2016ના અંકમાં પણ આ લેખ પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી, ‘ગુર્જરી ડાઈજેસ્ટ’ અને ‘મારી બારી’ના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/10/2016

25 Comments

  1. It is a very nice and 100% true and full of facts article. I have enjoyed it and full agree with Subodhbhai. Thanks for your analysis.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. એ પુષ્પોને ઈતીહાસની અભરાઈ પર ચડાવી દઈ, વર્તમાનના વૃક્ષને આપણા પ્રસ્વેદનું થોડુંક પણ સીંચન કરીએ, તો ભારતના ભાવીમાં તે વીશેષ ફળદાયી ન બને? Perfect solution to our ‘Mithyabhimaan’ attitude. World can be very small if we accept everything with positive thinking, and give up our arrogant attitude.

    Also, History prevail that wherever, people think arrogantly, they have gone down. This is current case for USA, 17th -19th Century – British were same way and they are now nowhere…..

    Liked by 1 person

    1. Mukeshbhai,
      That is a very good question. The reply is too long in a blog. But if you are really interested in thinking deeper, please refer to Chapter 3 in my original book: “Culture Can Kill —How Beliefs Blocked India’s Advancement.”
      The title of that chapter is: “The Vintage Mirage— Vanity for a Vanished Age.” Thanks. —Subodh Shah — 732-392-6689.

      Liked by 1 person

  3. સુબોધભાઈને આ સુંદર અને સત્યધી ભરપુર લેખ લખવા બદલ અભિનંદન. અને ગોવીન્દભાઈને પણ અભિનંદન.

    Liked by 1 person

  4. Truth is in the each of the sentence. Congratulations to Subodhbhai & Govind Maru for publishing this great thought. Albert Einstein said, ” Learn from yesterday, live for today, hope for tomorrow. The important thing is to not stop questioning.”
    There is another statement I came across…” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.”
    Another….
    ” Dear Past,
    Thanks for the lessons.”
    ” Dear Future,
    I am ready.”
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

  5. અત્યારની અને ભાવી પેઢીની આંખ આ સત્ય હકીકત જાણીને ખુલશે? આપણે ઈચ્છીએ કે વહેલી તકે ખુલે અને સાચી પ્રગતીની દીશામાં આગળ વધીએ.
    ખુબ સુંદર લેખ. હાર્દીક અભીનંદન અને આભાર સુબોધભાઈ તથા ગોવીંદભાઈનો.

    Liked by 1 person

  6. ઉત્તમ લેખ બદલ શ્રિમાન સુબોધ શાહભાઈ અને શ્રિમાન ગોવિંદભાઈને અસંખ્ય ધન્યવાદ…..

    હુ તો બાર-પંદર વરસથી આ સત્ય જાણું છુ અને માનુ છું કે….

    આ મહાઅંધકારનું મુળ છે સત્તા અને સંપત્તિ લક્ષિત છળ અને દંભી કર્મકાંડી બ્રાહ્મણવાદ અને એમના દ્વારા થોપી બેસાડેલો જાતીવાદ છે. આજના આભાસીય પ્રગતિમય વર્તમાનમાં પણ આ “ભુતકાળનું ભુત” ઉતારવા કે સમજવા કોઈ ઈચ્છતુ નથી. જાતિવાદ દ્વારા સૌને માથે સજ્જડતાથી જડી દિધેલા મિથ્યા હિંદુવાદના મહાપાપનું ફળ બ્રાહ્મણોના કાંધે છે જે કોઈને સત્ય નથી શીખવતા કે નથી શીખવા દેતા. બ્રાહ્યણો એટલે કે બિલાડીના ટોપના જેમ બની બેઠેલા અને કહેવાતા પ.પુ.ધ.ધુ. બાબાઓ અને કર્મકાંડ પ્રિય બ્રાહ્મણો… શોધશો તો સત્ય ભારતની બહાર જ મળશે, ભારતમાં ફક્ત એની ઉઠાંતરી જ મળે છે.

    Liked by 1 person

  7. Very interesting, thought provoking, evidence-based write. Today, we want to rewrite the history without knowing what is real history. So called experts claim to know and issue statements just to show their knowledge (or, ignorance). It is sinful to teach such ignorance to our future generation. God save our children. Hop our leaders realize soon.

    Liked by 1 person

  8. આજના દરેક શિક્ષિત લલ્લુ-નથ્થુ જાણે જ છે કે પુરાણો એ ઈતિહાસ નથી જ. પણ પુરાણોએ એક જબ્બરજસ્ત સંસ્કૃતિનું સર્જન કર્યું છે એ હકીકત છે. વર્ણાશ્રમ સંસ્થાએ એનેક અનર્થો સરજ્યા છે એ પણ હકીકત જ છે.

    બ્રાહ્મણ જાતી વાદ હવે ખૂબ જ ઝડપથી નાબુદ થતો જાય છે એ હું જન્મે બ્રાહ્મણ તરીકે જાણું છું. પણ અતિઉત્સાહી મિત્રો એ સમજી શકતા જ નથી કે બધું જ બદલાઈ ગયું છે. એમને ડોન ક્વિક્ષોટની જેમ બ્રાહ્મણવાદ સામે ઠોકાઠોક કરવામાંજ મજા આવે છે.

    પુરાણોને ધાર્મિક સ્વરૂપ અપાયું અને એનો ધંધાકીય ઉપયોગ થયો. એ ધંધો મારા અને સૌ વાચકની હયાતી બાદ પણ ચાલુ જ રહેશે. બ્રાહ્મણોને બદલે પટેલો સ્વામિનારાયણ સંતો બનશે એટલે બ્રાહ્મણોને ગાળ ખાવામાંથી રાહત રહેશે. કથાકારો જશે અને ફિલ્મ પ્રોડ્યુસરો એ પોતપોતાના આર્થિક લાભમાટે ચાલુ રાખશે. પુરાણોનું અર્થઘટન તો અનેક પ્રવીણ શાસ્ત્રીઓ પોતાની મરજી મૂજબ નિર્બંધ કરતા જ રહેશે.
    મિત્ર શ્રી સુબોધભાઈએ ઐતિહાસિક તવારીખના સંધર્ભોની જે વાત કરી તે યોગ્ય જ છે. આપણા પૂર્વજોને આંકડાઓની અને સમયની નોંધણી અગત્યની છે એવું સમજાયું જ ન હ્તું. એમને સહ્ત્ર કે લક્ષમાં પણ કોઈ ફેર પડતો ન હતો. ચાલે, એતો એમ જ ચાલે.
    ગ્રાન્ડફાધરની કે ગ્રેટગ્રાન્ડ ફાધરની જન્મતારીખ કે જન્મસ્થળ કે તેમના લગ્નની તીથિ તારીખ પણ ભલા ક્યાં નોંધાયલી હોય. રામ તારું નામ. (અસલ જાત્રાએ જતાં ત્યારે પંડાઓ અડધું સાચું અડધું ખોટું નોધી રાખતાં).
    સુબોધભાઈ, ખૂબ સરસ અભ્યાસપૂર્ણ લેખ છે. બે વાર વાંચ્યો. જે ન જાણતો હતો તે ઘણું જાણવા મળ્યું. આનંદના તહેવારોની શુભેચ્છાઓ.

    ગોવિંદભાઈ, અભિનંદન અને શુભેચ્છાઓ.
    આ લેખ આપના અને સુબોધભાઈ આભાર સહિત રિબ્લોગ કરું છું.

    Liked by 1 person

    1. વહાલા વડીલ પ્રવીણભાઈ,
      ‘ભુતકાળનું ભુત’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  9. Very heartening and satisfying to read this kind of Article from the pen of Sri Subodhbhai Shah, and the comments that follow. Although this discussion, always happens among a few people, who I believe are Rationalists and also Skeptics to a certain extent, but I have always encountered problem dealing with friends and relatives regarding these ideas and thinking as they don’t know the true history of India or other parts of world. For many of Gujarati people, we are the center of earth and everything revolve around us.They believe in every word of Puranas, Ramayana and Mahabharat as real truth and if we say something different then call us ” Nastika” which we are, but then they don’t want to engage in further discussion, so we are not able to dispel their falsely held beliefs.
    One funny example is Diwali, which is common all over India. But what about the New year. Now New year is celebrated on different days and months in different parts of India.A common Gujarati person doesn’t know this so he says Sal Mubarak(and these are not Gujarati words) to everybody. One north Indian man asked me,Dinesh what is this, so ans so is greeting with happy new year, so I explained to him Gujarati or Kartiki new year starts the day after diwali.
    Any how while on the subject, like to wish Happy Diwali and a very Happy new year to all Gujarati people.

    Liked by 1 person

  10. The New Year for Hindus ( mostly in North) is known as Vikram Samvat…The record keeping started in the time of King Vikram. and today V.S. 2073 is celebrated. Corresponding Jesus / Christian year, is 2016…….Started being used considering the birth year of Jesus Christ…..

    Liked by 1 person

  11. પ્રિય ગોવિંદભાઇ મારુ મને તમારી મહેનત ગમે છે તમે બહુજ સરસ લેખો મેળવીને લોકોને વાંચવા આપો છો એ ખુશીની વાત છે . ભાઈ રોહિત શાહ એન વી ચાવડાના લેખો મને બેહદ ગમે છે . હું આપ સહુનો ઘણો આભાર માનું છું . . .

    Liked by 1 person

  12. પ્રિય ગોવિંદભાઇ મારુ તમારા તરફથી સુબોધ શાહનો લેખ વાંચ્યો કહું ગમ્યો . ઘણું જાણવા જેવું હતું .

    Liked by 1 person

  13. પ્રિય ગોવિંદભાઇ મારુ
    મને દિનેશ પંચાલનો લેખ ખુબ ગમ્યો. તેને ધન્યવાદ અને તમને પણ ધન્ય વાદ

    Liked by 1 person

Leave a comment