ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

–રોહીત શાહ

પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.

નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.

થોડા વખત પહેલાં એક સજ્જન મળ્યા હતા. તેમનો નાનકડો પરીવાર સુખી હતો; પરન્તુ કોઈ ગુરુજીના સમ્પર્કમાં આવ્યા પછી એ સજ્જનની લાઈફમાં ખુબ અશાન્તી પેદા થઈ ગઈ હતી. ગુરુજીએ તેમને પાઠ ભણાવ્યા કે મોક્ષ પામવા માટે જ તને માનવજન્મ મળ્યો છે. જો તું, તને મળેલા માનવજન્મમાં મોક્ષ નહીં મેળવી શકે તો પછી ક્યારેય નહીં મેળવી શકે, ર્ચોયાસી લાખ યોનીમાં તું ભવોભવ ભટકતો રહીશ, પત્ની–સન્તાન અને પરીવાર આ બધી તો ફોગટની માયા છે, એમાં ફસાયેલો આત્મા ડુબી જાય છે. ગુરુજીની આવી વાતો સાંભળીને ભ્રમીત થઈ ઉઠેલા એ સજ્જન મને કહે, ‘રાત્રે ઉંઘ આવતી નથી. અજમ્પો રહ્યા કરે છે. આ માનવજન્મ ફોગટ જશે તો મારા આત્માની ગતી કેવી થશે?’

મેં એ સજ્જનને કહ્યું કે, ‘ભાઈ, ખોટી ચીંતા કરવાનું છોડી દો. સહજ જીવન જીવવા જેવું ઉત્તમ બીજું કશું નથી. પૃથ્વી પરનાં તમામ પશુ–પંખીઓ, તમામ જીવો કુદરતી જીવન જીવે છે. એમને સંઘર્ષ હોય છે; પણ અજમ્પો નથી હોતો. માણસે ‘દીમાગનું દહીં કરી નાખે’ એવા જ્ઞાનના અને શાસ્ત્રોના અને ધર્મના અને સ્વર્ગ–નરકના ઢગલા કરી નાખ્યા. એ ઢગલા નીચે હવે પોતે કચડાઈ–રીબાઈ રહ્યો છે. મારે મન તો મોજ એ જ મોક્ષ છે. મોહ છુટે એ જ મોક્ષ છે. મોક્ષનો મોહ તો સૌથી ખતરનાક છે. મોક્ષનો મોહ છોડવા જેવો છે, સંસારનો મોહ નહીં! ગુરુઓ આપણને ઉંધા રવાડે ચડાવે છે કે આ મીથ્યા છે અને આ સત્ય છે. પછી આપણું દીમાગ ગુમરાહ થઈ જાય છે. પેલા સજ્જન અત્યાર સુધી સુખી હતા. પરીવાર સાથે મસ્તીથી જીવતા હતા. હવે એ બધું તેમને મીથ્યા અને મોહરુપ લાગવા માંડ્યું. હવે મોક્ષથી ઓછું કશું તેમને ખપતું નહોતું એટલે ઉજાગરા વેઠતા હતા. તમે જોજો, ખાસ બારીકાઈથી નીરીક્ષણ કરજો. સંસારનો મોહ હશે એવા લોકો સુખી હશે, મોક્ષનો મોહ લઈને ફરનારા હાથે કરીને દુ:ખી થતા હશે અને બીનજરુરી તકલીફો વેઠ્યા કરતા હશે.

ગયા અઠવાડીયે એક મૉલમાં જવાનું થયું. એ મૉલમાં એક થીયેટર પણ હતું. એ થીયેટરમાં ફીલ્મ જોવા એક વૃદ્ધ દમ્પતી આવ્યું હતું. બન્નેની ઉમ્મર પંચોતેર કરતાં વધારે દેખાતી હતી. થીયેટરનો દરવાજો હજી ખુલ્યો નહોતો. એ વૃદ્ધ દમ્પતી બહાર ખુરશી પર બેઠું–બેઠું પરસ્પરને પ્રેમ કરતું હતું. બન્ને જણ એકબીજામાં એટલાં બધાં ખોવાયેલાં હતાં કે દુનીયાનું ન તો તેમને ભાન હતું કે ન તો તેમને દુનીયાની કશી પરવા હતી. એ વૃદ્ધ દમ્પતીને જોઈને કોઈ બોલ્યું ‘છે જરાય લાજશરમ! આટલી ઉમ્મરેય તેમને રોમૅન્ટીક બનવાનું સુઝે છે!’

મેં તેને કહ્યું, ‘પ્યારની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. વળી પ્રેમ કરવામાં લાજ–શરમ શાની? માણસને પ્રીયપાત્ર સાથે પ્રેમ કરવાનીયે છુટ નહીં? તમે જાહેરમાં ગાળાગાળી કરી શકો, તમે જાહેરમાં મારામારી કરી શકો, તમે જાહેર રસ્તા પર થુંકી શકો–કચરો નાખી શકો, તમે જાહેર રસ્તા પર ઘોંઘાટ કરી શકો, તમે ગમે ત્યાં શૌચક્રીયા કરી શકો, તમે જાહેરમાં લાંચ લઈ શકો, તમે ખુલ્લેઆમ બોલેલું ફરી જઈ શકો, તમે ખુલ્લંખુલ્લા વીશ્વાસઘાત કરી શકો –એમ કરતી વખતે લાજ–શરમ આવવી જોઈએ.  વૃદ્ધ દમ્પતી તરફ તો ઉલટાનો અહોભાવ થવો જોઈએ ને!’

પરન્તુ આપણે મુળથી વ્યવસ્થા જ ખોટી ઉભી કરી બેઠા છીએ. વૃદ્ધ દમ્પતી પરસ્પરને વહાલ કરે એમાં શું પાપ હતું? એમાં કયું હલકું કામ હતું? આપણે કોઈ પ્રસંગે મોડા પહોંચીએ તો શરમાવાનું હોય, આપણે કોઈને આપેલું વચન પાળી ન શકીએ તો શરમાવું પડે. પ્રેમ કરવામાં વળી લાજ–શરમ શાની? વળી, એ વૃદ્ધ દમ્પતી કંઈ જાહેરમાં સેક્સ નહોતાં માણતાં, ચુમ્મા–ચુમ્મી નહોતાં કરતાં. એ બન્ને જણ પરસ્પરને અડીને બેઠાં હતાં. એક જ ડીશમાંથી નાસ્તો કરતાં હતાં. હસી–હસીને વહાલની વાતો કરતાં હતાં અને વચ્ચે–વચ્ચે એકબીજાના ગાલ ઉપર પ્રેમથી ચુંટી ભરતાં હતાં. એ જોઈને રાજી થવાનું હોય. આપણને દમ્ભ અને પાખંડ ફાવી ગયાં છે. કોઈ યુવાન માણસ બ્રહ્મચર્યની ફાલતુ બડાશો મારે તો વાંધો નહીં; પણ એક વૃદ્ધ દમ્પતી ખુણામાં બેઠું–બેઠું કોઈને નડ્યા વગર પરસ્પરને વહાલ કરતું હતું એમાં વાંધો પડી જતો હતો! આમ પાછા આપણે વૅલેન્ટાઈન્સ ડે ઉજવતા હોઈએ અને આમ, ત્યારે આવા વૃદ્ધ દમ્પતીનું સન્માન કરવાને બદલે એની ટીકા–નીંદા કરવા માંડીએ છીએ?

હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.

આપણે ભવ્યતા અને પવીત્રતાના ભ્રામક ખ્યાલોમાં ભટક્યા કરીએ છીએ. ભૌતીકવાદ સત્ય છે, એને ભ્રામક ગણવામાં આપણે શુરાતન બતાવીએ છીએ. અને જેનું કદાચ અસ્તીત્વ જ નથી એવા મોક્ષ અને સ્વર્ગને સત્ય સમજવાના ઉધામા કરીએ છીએ. આપણા અજમ્પા આપણે જાતે જ વધારતા રહીએ છીએ. મને તો પાકો વહેમ છે કે, જે લોકોને પરીવારનું સુખ નથી મળ્યું હોતું અથવા તો જે લોકોને પરીવારનું સુખ મેળવતાં આવડતું નથી હોતું એવા લોકો જ મોક્ષના ખ્વાબોમાં રાચતા રહે છે. જેને ફૅમીલીમાં સુખ મળી જાય છે, તેને મોક્ષ પણ ફોગટ લાગે છે. ફૅમીલી મારો ધર્મ છે, ફૅમીલી મારું અધ્યાત્મ છે, ફૅમીલી મારું મન્દીર છે, ફૅમીલી મારી મુર્તી છે, ફૅમીલી મારી પુજા છે, ફૅમીલી મારા માટે વ્રત–તપ છે.

સકલ તીરથ વન્દું કર જોડ

હમણાં વળી એક પંડીતજી શ્રોતાઓને ‘સકલ તીરથ’ સમજાવતા હતા. એક સ્તવન છે : ‘સકલ તીરથ વન્દું કર જોડ…’ એ સ્તવનમાં વર્ણન છે કે ફલાણી જગ્યાએ બત્રીસ લાખ મન્દીરો છે, ફલાણી જગ્યાએ સોળ લાખ… આપણે એ બધાં મન્દીરોમાં ન જઈ શકીએ એટલે અહીં બેઠાં–બેઠાં ભાવવન્દના કરીએ, આ રીતે લાખો મન્દીરો જુહારવાનો લાભ મળશે. પહેલો સવાલ એ છે કે લાખો મન્દીરો શા માટે જુહારવાનાં જ હોય? શ્રદ્ધા હોય તો એક જ મન્દીર ઈનફ નથી શું? બે વત્તા બે ચાર થાય એટલી ખબર હોય તો વારંવાર સરવાળા કરવા બેસવું ન પડે. પાંચસો વત્તા બસો બરાબર સાતસો જ થાય. તમે એક વખત ટોટલ કરો કે લાખ વખત ટોટલ કરો, શો ફરક પડે? લાખો મન્દીરો, લાખો મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શાના કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ(17 ફેબ્રુઆરી, 2014)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1811–2016

20 Comments

 1. it is 100% true. I hope that people should understand and start implementing in their life.

  Thanks,

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 2. લાખો મન્દીરો, લાખો મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શા માટે કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય. Aa per thi હમારા હુસ્ટન ૬૮ મંદિરો છે અને બીજા ૫-૬ બને છે ….. મારે એ જાણવૂં છે કે કયા મંદિર માં મને મોક્ષ મળશે?
  બે વીક પહેલા મારે ઇસ્કોન ના સ્વામીજી (એ લોકો ની માન્યતા મુજબ) નો ભેટો થઇ ગયો. ડીટેઇલ માં જવા વગર એટલું જરૂર થી કહીશ કે આ ધોળી ચામડી અને ભાગવા કપડા, હાથ માં માલા નો થેલી અને હરે કૃષ્ણ કરતા જાય એ લોકો જીવન શું છે, મોક્ષ શું શું છે, કૌટુંબિક સુખ શું છે એ કયાથી સમજવા ના?
  એક ૬ વરસ ના છોકરા માટે બોન મેરો ની જરૂર તો આ ભાઈ મને કહે કે શું કામ આ મેહનત કરો છો, એ તો જનમ્યો એટલે મારવાનો જ છે …..એના જવાબ માં મેં પુછયું કે ૬ વરસ નું બાળક જેને જિંદગી જોઈ નથી, જિંદગી માણી નથી તો શું આપણી ફરજ નથી કે એને મદદ કરીયે અને એનું જીવન બનાવીયે?
  આટલું સાંભળતા વાત ફેરવી નાખી અને કહે કે એમના પિતા ને શરણે થઇ જાવ….
  રોહિતભાઈ ની વાત સો ટકા સાચી છે … જયારે વ્યક્તિ એ સમજી જય કે મારી પત્ની કે મારો પતિ જ મારી જિંદગી અને મારા બાળકો જ મારી દુનિયા ત્યારે એને કોઈ મોક્ષ ની જરૂર નહિ પડે!

  Liked by 2 people

 3. Dear Rohitbhai, CONGRTULTIONS !! Instead of making so many temples, make houses for people to live, make schools, feed people, make hospitals.

  Liked by 2 people

 4. પ્રિય ગોવિંદભાઇ મારુ
  રોહિત શાહનો લેખ વાંચ્યો. બહુ ગમ્યો . બહુ સમજવા જેવું લખ્યું છે. ગોવિંદભાઈ તમે બહુ સરસ સાહિત્ય પીરસો છો. તમારો અને રોહિત શાહનો હું આભાર માનું છું,
  શરીર એનું અંદર જીવ અને એની અંદર આત્મા મેં તો આવી જાદુઈ વાતો ઉપર ક્યારનીય ચોકડી મારી દીધી છે. મેં એક કવિતા બનાવી છે . કટકે કટકે બનતી જાય છે, આજે એક કડી બનાવી એટલે 121 કડિયોની થઇ. એમાંની એક કડી आपनी જાણ ખાતર લખું છું.
  भक्ति एक दिन काम आएगी बात अच्छी बतलाई
  परवश होक मरते देखे भक्ति न काममे आई
  संतो भाई समय बड़ा हरजाई

  Liked by 1 person

 5. રોહીતભાઈના લેખ ઘણા સરસ હોય છે. એમણે જે કહ્યું છે અને Sanjay-Smita Gandhiએ પણ ફરીથી ઉલ્લેખ કર્યો છે “ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.” એના અનુસંધાનમાં સંસ્કૃતમાં એક શ્લોકનું છેલ્લું ચરણ “यह स्मरेत्पुंडीकाक्षं स बाह्याभ्यंतरः शुचीः” જેનો અર્થ આમ તો ઘણા લોકો કરે છે, અને એ સ્વાભાવીક લાગે છે કે જે ભગવાનનું સ્મરણ કરે છે તેનું આંતરબાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે. હું એને રોહીતભાઈની વાત મુજબ કહીશ કે જેનું આંતરબાહ્ય શુદ્ધ અને પવીત્ર હોય તેણે માત્ર એક જ વખત, ખરેખરું નામસ્મરણ કર્યું હશે.
  સુંદર વાતોનો પરીચય કરાવવા માટે રોહીતભાઈ અને ગોવીંદભાઈનો હાર્દીક આભાર.

  Liked by 1 person

 6. Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
  હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.

  Liked by 1 person

  1. વહાલા મહેન્દ્રભાઈ,
   ‘ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ..

   Like

 7. ગોવિંંદભાઇ, લેખની પસંંદગી ને સામાજિક જાગૃતિ માટે ઉતમ લેખ.એને વાચા આપવા માટે રોહિતભાઇને ધન્યવાદ. તમારી વાત સાચી છે, રોહિતભાઇ, સત્ય, અહિંસા કે બ્રહ્મચર્યના આર્દશો વ્યવહારુ નહોય તો સામાન્ય માણસો એમ જ
  સંતોષ માની લે છે કે એતો મોટા કે મહાન લોકો જ આવા આર્દશ પાળી શકે.આપણે તો સાંભળીને સંતોષ માનવાનો. એટલે જ આપણે જીવનભર રામાણય સાંભળીએ છીએ ને રામ જેવા પુત્ર કે ભાઇની આશા રાખીએ છીએ પણ સમય કે એવા સંજોગો ઉભા થાયતો મહાભારત જ રચીએ છીએ. શ્રવણ જેવા પુત્રની આશા દરેક માબાપને હોય છે. પણ વખત આવે ત્યારે આપણા માબાપ સાથે શ્રવણ જેવુ વર્તન કરી શકતા નથી. એ જ તો વિચાર ને આચારનો તફાવત છે. સાધુની રોટલી સંસારીના ચુલે પાકે છેએટલે એ અપરિગ્રહની વાતો કે સંપતિના મોહને છોડવાની વાતો આસાનીથી કરી શકે છે. ખાસ તો પ્રજા પેદા કરીને એકલી સ્ત્રી ઉપર બધો બોજો નાખીને વૈરાગ્યના નામે જવાબદારીમાથી છટકી જનારા ઢોંગી બાવાઓ તરફ મને બહુ નફરત છે. જે સંપ્રદાયોમાં કુમળા બાળકોને કેજેને સંસાર શું છે એની જાણ પણ નથીએને સંસાર ને સ્ત્રીઓ તરફ કે જાતિય જીવન તરફ જે ખોટા વિચારો ઉભાકરી વૈરાગ્ય તરફ ધકેલવામાં આવે છે, એમાંથી ધર્મમાં સડો પેદા થાય છે ને જે સરવાળે સમાજ ને વ્યકિત બન્નેનુ અધપતન કરે છે. હુ એમ કહુ કે જે માના પેટે જનમ લો ને પાળીપોષીને મોટા કરે એને તમે ‘નરકની ખાણ કહો?જે સંસારી તમને નિભાવે, તમે તો તંબુરો લઇને રાગડા તાણવાના. એ સંસારને તમે સાર ગણો, અજ્ઞાની કહીને ઉતારી પાડો,? અરે તમે તો જે ડાળ બેઠા છૌ એને કાપવાની ભૂલ કરોછો,

  Liked by 1 person

 8. ખુબજ સરસ અને પ્રેરણા લેવા જેવો લેખ !!
  મોક્ષ મોક્ષ …મોક્ષ, જે કોઈએ પણ જોયો, જાણ્યો કે અનુભવ્યો જ નથી !! તે મેળવવાના અભરખા છોડી દઈ , શુખેથી નીર્દોશ આનદથી આ જીવન કેમ નાં જીવીએ.
  “અભરખાઓ -ઈચ્છાઓ બાકી રહી જાય, અને શ્વાસ પુરા થાય તે ‘મોત’ !
  જ્યારે શ્વાસ બાકી રહે, અને અભરખાઓ-ઈચ્છાઓ કઈ નાં રહે તે “મોક્ષ ” !!

  Liked by 1 person

 9. રોહિતભાઈ,

  જય ભાઈ નો લેટેસ્ટ લેખ અને આપનો “પરિવારધર્મ” બંને સાથે સરખામણી કરવા જેવા છે

  વધુ જૈનિઝમ માં “પરપરિવારવાદ” પ્રમાણે પુરા વિશ્વ ને એક પરિવાર ગણ્યો છે જ। ..

  બીજું અભિવ્યકતી માં આપશ્રી એ જે સકલ તીર્થ સ્તવન વિષે લખ્યું છે તે આ દ્રષ્ટિએ જોવાનું છે.

  સ્વ માં પરમ તત્વ ના દર્શન એજ ભીતર થી સ્વ ના દર્શન। ..તમે સ્તવન નો શબ્દાર્થ પકડી એક સારા ભાવ ને વિભાવ તરીકે મુલવ્યો છે.

  પરિવાર એજ સંસાર, અને સંસાર ના દરેક સબંધ દરેક દ્રષ્ટિએ સ્વાર્થ થી જ જોડાયા છે.
  અને છેલ્લે કર્મ / પાપ પુણ્ય ની ફિલોસોફી આપણને ના સમજાય એટલે “શાસ્ત્રો ના ઢગલા” ના જ કહેવાય।

  એમ તો એન્જિનિરીંગ ના અને ડોક્ટરી ના 1000/2000 પાનાંના ચોપડા મને ના સમજાય એટલે એક રીતે તો તે પણ મારા માટે ઢગલા જ છે.

  Like

 10. ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે… સાચી વાત.. સુંદર લેખ.

  Liked by 1 person

  1. વહાલા વીનોદભાઈ,
   લેખકમીત્ર શ્રી. રોહીત શાહનો લેખ ‘ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s