ભારતીય સંસ્કૃતી વીરુદ્ધ આર્ય સંસ્કૃતી

એન. વી. ચાવડા

આશ્ચર્યની વાત એ છે કે આજના આધુનીક જ્ઞાન–વીજ્ઞાનના યુગમાં પણ આપણા મોટાભાગના પ્રબુદ્ધ વીદ્વાનો પણ આર્ય સંસ્કૃતીને જ ભારતીય સંસ્કૃતી માને છે. અર્થાત્ બન્ને સંસ્કૃતીને એક જ સંસ્કૃતી માને છે; પરન્તુ વાસ્તવીકતા તો તદ્દન જુદી જ છે; કારણ કે હકીકતમાં ભારતીય સંસ્કૃતી અને આર્ય સંસ્કૃતી પરસ્પરથી ભીન્ન જ નહીં; પરન્તુ વીપરીત પણ છે. વાસ્તવીકતા એ છે કે લગભગ છેલ્લાં સાડા ત્રણ હજાર વર્ષ કરતાંયે વધારે સમયથી બન્ને સંસ્કૃતીઓ પરસ્પરનો સંઘર્ષ અને સમન્વય કરતાં કરતાં જ સાથે જ વીકસતી રહી, અસ્તીત્વ ધરાવતી રહી છે, જેને કારણે આટલા બધા પ્રલમ્બ સમય દરમીયાન બન્ને સંસ્કૃતીઓનાં તત્ત્વો પરસ્પરમાં ભળી ગયાં હોય, કેટલાંક તત્ત્વો એકદમ ઓતપ્રોત પણ થઈ ગયાં હોય, કેટલાંક અર્ધા–પર્ધા એકબીજામાં ભળ્યાં હોય અને કેટલાંક તત્ત્વો અલગ પણ રહી ગયા હોય, તેથી તેમની વચ્ચેના ભેદો આજે જલદીથી માલુમ ન પડે એવું પણ બની શકે. પરન્તુ ઝીણવટથી અભ્યાસપુર્ણ નજરે જોવામાં આવે તો એ બે સંસ્કૃતીઓ વચ્ચેના ભેદો અવશ્ય નજરમાં આવી જાય છે. પ્રારમ્ભમાં આ બે સંસ્કૃતીઓ વચ્ચે અનેક સ્પષ્ટ ભેદો હતા જેમાંના કેટલાક ભેદો આ પ્રમાણે ગણાવી શકાય એમ છે :

(1) બુદ્ધી અને શ્રમનો સમન્વય :

ભારતીય સંસ્કૃતી બુદ્ધીપુર્વકના શારીરીક શ્રમમાં વીશ્વાસ રાખે છે, જ્યારે આર્ય સંસ્કૃતી શારીરીક પરીશ્રમમાં માનતી નથી. આર્યો રખડતી, ભટકતી, અસભ્ય પ્રજા હતી. પ્રારમ્ભમાં તે ચોરી, લુંટ–ફાટ, ધાડ અને લડાઈ–ઝઘડા કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હતા. લાંબા સમય પછી બન્ને સંસ્કૃતીઓ વચ્ચે સમાધાન અને સમન્વય તથા સમ્બન્ધ થતા તેઓએ પોતાની કામચોરીના લુંટમારના ધંધાઓનું બાહ્ય સ્વરુપ બદલવું પડ્યું. તે માટે તેમણે વર્ણવ્યવસ્થા સ્થાપી. હોમ, હવન, યજ્ઞો, પ્રાયશ્ચીત્ત, મરણોત્તર ક્રીયાકાંડો આદી દ્વારા તેમણે શારીરીક શ્રમ વીનાની પોતાની આજીવીકાના ધંધાઓનું નીર્માણ કર્યું. આર્યોએ પોતાના માટે ભીક્ષુક વૃત્તીને પણ ધર્મશાસ્ત્રો દ્વારા પવીત્ર અને શ્રેષ્ઠ બનાવી દીધો. જ્યારે ભારતીય પ્રજા આખો દીવસ તનતોડ મહેનત કરશે; પરન્તુ કદાચ ‘મરતે દમ તક’ ભીખ નહીં માગે. અલબત્ત ભીક્ષુક વૃત્તી એ ભારતીય પ્રજાની ક્યારેક મજબુરી હોઈ શકે; પરન્તુ આર્યપ્રજાની તો તે માનસીકતા યા ધર્મ છે. આર્ય પ્રજા શારીરીક શ્રમને નીમ્ન, અધમ અને અપવીત્ર ગણે છે. ખેતી, કલાકારીગરી અને વૈદ્યના દવા–દારુના ધંધાઓને પણ તેમણે નીમ્ન અને ત્યાજ્ય ગણ્યા છે. જ્યારે ભારતીય પ્રજા પોતાની બુદ્ધી સાથે શારીરીક શ્રમ કરીને ખેતી, પશુપાલન, શીલ્પ–સ્થાપત્ય, હુન્નર–કળાઓના ધંધાઓમાં પારંગત હતી. મોહેં–જો–દડો અને હડપ્પાની સંસ્કૃતી તેનું પ્રમાણ છે. અલબત્ત આ બાબતમાં પણ બન્ને સંસ્કૃતીની પરસ્પરમાં ભેળસેળ થઈ છે. તેમ છતાંય જોઈ શકાય છે કે આજે પણ આપણા ઘણા ભારતીય બન્ધુઓ આર્ય માનસીકતા ધરાવતા હોવાથી શારીરીક પરીશ્રમ વીના કેટલાક ધંધાઓમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું છે અને કાયમ જમાવી રાખવા પણ માંગે છે. આજે પણ ભારતીય માનસ ધરાવતી દીકરીઓ અને માતાઓ મહેનત મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવશે; પરન્તુ પરીશ્રમ વીનાનો પૈસો લાવવાનો વીચવાર સુધ્ધાં નહીં કરે. ભારતીય સંસ્કૃતી બુદ્ધી સાથે શ્રમનો ઉપયોગ કરે છે, જ્યારે આર્ય સંસ્કૃતી બુદ્ધી દ્વારા છળકપટનો ઉપયોગ પણ કરે છે, શ્રમથી દુર ભાગે છે.

(2) સ્ત્રી–પુરુષ સમાનતા :

સીંધુઘાટીની સંસ્કૃતીના અવશેષોમાં સ્ત્રી–પુરુષ સમાનતાનાં લક્ષણો જોઈને તેના એક સંશોધક સર જ્હૉન માર્શલ લખે છે કે, ‘The female element appear to be equal with, if not predominate over the male’  અર્થાત્ ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા દેખાય છે; છતાંય તે સ્ત્રી તત્ત્વનું વર્ચસ્વ ધરાવતું નથી.’

ભારતીય અનાર્ય પ્રજામાં સ્ત્રી–પુરુષ સમાનતા નજરે પડે છે. જીવનના દરેક ક્ષેત્રમાં યાને ખેતી, પશુપાલન, કલા–કારીગરી, મહેનત–મજુરી, ધંધા–ઉદ્યોગમાં સ્ત્રી અને પુરુષ સાથે કામ કરતા જોવા મળે છે. જ્યારે આર્યોની સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી નથી, ઓઝલ–પડદામાં રહે છે. માત્ર રસોઈ, ઘરકામ અને બાળકોને જન્મ આપવાના કામ સીવાયનું કોઈ કામ તે કરતી નથી, તેથી તે પરતન્ત્ર છે. પુરુષની ગુલામ છે, જ્યારે ભારતીય સ્ત્રી સ્વતન્ત્ર છે. પુરુષની જેમ તે બહારનાં કાર્યો કરી શકે છે, તેમ તે પુરુષની જેમ બીજી વાર લગ્ન પણ કરી શકે છે. આર્યોમાં પુરુષો અનેકવાર ‘મરતે દમ તક’ પુનર્લગ્ન કરી શકે છે. સ્ત્રીને પુનર્લગ્નની મનાઈ છે. તેને પતી પાછળ સતી થવાની યા આજીવન વૈધવ્ય પાળવાની ફરજ પાડવામાં આવે છે. આર્યપ્રજામાં દીકરીનો જન્મ અપશુકનીયાળ ગણાય છે. પ્રાચીનકાળમાં આર્યો દીકરીને દુધપીતી કરતા હતા અને આજે કન્યાભ્રુણ હત્યા કરે છે. ભારતીય પ્રજામાં કેટલીક સ્ત્રીઓ સ્વેચ્છાએ વીધવા રહે છે (અર્થાત્ પતીના મૃત્યુ પછી પુનર્લગ્ન નથી કરતી) અને મહેનત–મજુરી કરીને પોતાના સન્તાનોને ઉછેરે છે. ભારતીય પ્રજામાં દહેજ પ્રથા નથી. આર્યોમાં દહેજ પ્રથા આજે પણ વીકરાળ છે. દહેજને કારણે પુત્રવધુઓને ત્રાસ અપાય છે અને જીવતી સળગાવી મુકવામાં પણ આવે છે.

ભારતીય સ્ત્રી ઈચ્છાવરને પરણી શકે છે. ઈચ્છીત યુવાન સાથે ભાગી જઈને યા પોતાને ભગાડી જવા માટે ઈચ્છીત યુવાનને ઉશ્કેરીને પણ; તેની સાથે ભાગી જઈને લગ્ન કરી લે છે, જ્યારે આર્યોમાં કુળ, ગોત્ર, જાતી અને જન્મકુંડળી વગેરે જોઈને કુટુમ્બની ઈચ્છા પ્રમાણે જ તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જ તે પરણી શકે છે અને દીકરી વીરુદ્ધમાં જાય તો તેને મારી નાખવામાં આવે છે યા કાયમ માટે સમ્બન્ધ કાપી નાખવામાં આવે છે.

કૃષ્ણ રુકીમણીનું, અર્જુન સુભદ્રાનું, અર્જુનપુત્ર અભીમન્યુ સુરેખાનું, કૃષ્ણપૌત્ર અનીરુદ્ધ બાણાસુરની પુત્રી અક્ષયાનું હરણ કરીને લગ્ન કરે છે, તેમ જ દુષ્યન્ત અને શકુન્તલા ગાંધર્વલગ્ન કરે છે. આ બધાં ભારતીય મુળનીવાસી અનાર્ય ક્ષત્રીયો હતાં. આ બાબતમાં આજે પણ બન્ને સંસ્કૃતીઓનાં લક્ષણો પરસ્પરમાં થોડાઘણા અંશે ભેળસેળ થઈ ગયેલાં જણાય છે. ભારતીય સંસ્કૃતી લગ્નબાહ્ય સમ્બન્ધોમાં માનતી નથી, જ્યારે આર્ય સંસ્કૃતી લગ્નબાહ્ય સમ્બન્ધો પણ માન્ય રાખે છે.

(3) દત્તક પ્રથા :

ભારતીય દમ્પતી સંજોગવશાત ની:સન્તાન રહી જાય તો તે કોઈ પણ અન્યના બાળકને દત્તક લે છે, જ્યારે આર્ય સંસ્કૃતીએ નીયોગપ્રથા સ્થાપી છે. જેમાં ની:સન્તાન સ્ત્રીને પોતાના જ કુળના જેઠ યા દીયર સાથે યા પોતાના કરતાં ઉંચા વર્ણના કોઈ પણ પુરુષ સાથે (બહુધા બ્રાહ્મણ સાથે) દેહસમ્બન્ધ કરાવી બાળક પેદા કરાવવામાં આવે છે. આર્ય પ્રજામાં પ્રત્યેક સ્ત્રી માટે પણ આ નીયોગપ્રથા ફરજીયાત છે. સ્ત્રી વીધવા હોય કે સધવા; પરન્તુ તેને નીયોગ માટે ગમે ત્યારે ફરજ પાડી શકાય છે. અર્થાત્ આર્ય પંડીતોએ પોતાના વ્યભીચારને પોષવા માટે આ નીયોગપ્રથા સ્થાપી હતી; પરન્તુ ભારતીય પ્રજાએ તે કદીયે સ્વીકારી નથી. તેનું જ્વલન્ત ઉદાહરણ એ છે કે ભારતીય બન્ધારણમાં હીન્દુ કોડ બીલ ઉમેરીને તેના દ્વારા કોઈ પણ ભારતીય સ્ત્રીને પણ માત્ર પુત્ર જ નહીં; પરન્તુ પુત્રીને પણ દત્તક લેવાની ભવ્ય સુવીધા કરી આપીને પ્રાચીનકાળની વ્યભીચારી નીયોગપ્રથામાંથી કાયમ માટે છોડાવી દીધી છે. ભારતીય બન્ધારણનું એ અભુતપુર્વ અને ક્રાન્તીકારી પગલું છે.

આશ્ચર્યની વાત એ છે કે મહાભારતમાં પાંડુ, ધૃતરાષ્ટ્ર, વીદુર તથા પાંડવોને તથા રામાયણમાં રામાદી બાંધવોને નીયોગ દ્વારા ઉત્પન્ન થયેલાં બતાવ્યા હોવા છતાં; તેમ જ આધુનીક સમાજસુધારક મહર્ષી દયાનન્દે નીયોગપ્રથાની ભરપુર તરફેણ કરી હોવા છતાં; ઈન્દ્ર અને અન્ય દેવો અને અમુક ઋષી–મુનીઓના મુક્ત યૌન પ્રસંગો ધર્મશાસ્ત્રોમાં વર્ણીત હોવા છતાં; ભારતની મુળ નીવાસી પ્રજા મુક્ત વ્યભીચારની પ્રથાઓ સાથે સમ્મત નથી થઈ.

(4) સ્ત્રી અને પૃથ્વી બન્ને માતા :

ભારતીય સંસ્કૃતી સ્ત્રીને માતા માને છે. માતૃપુજક અને માતૃસત્તાક સમાજવાળી તે પ્રજા છે. તેમની માતા કોઈ દીવ્ય કે અલૌકીક નથી; પરન્તુ એમની માતાઓ એવી પુર્વજ સ્ત્રીઓ છે જે દુશ્મનો સાથે લડવામાં શહીદ થયેલી યા પરાક્રમી યા સેવાભાવી છે. આર્ય સંસ્કૃતીમાં સ્ત્રી માત્ર માદા છે. ભારતીય સંસ્કૃતીમાં સ્ત્રી અને પૃથ્વી બન્ને માતા છે, (અને ચન્દ્ર ‘ચાંદામામા’ છે) જ્યારે આર્ય સંસ્કૃતીમાં આ બન્ને ‘ભોગ્યા’ છે. ‘વીર ભોગ્યા વસુંધરા’ એ આર્ય સંસ્કૃતીનું પ્રખ્યાત સુત્ર છે. આર્યોના ગ્રંથોમાં અમુક રાજાઓએ ‘અમુક વર્ષો સુધી રાજ કર્યું’ એમ લખવાને બદલે તે રાજાઓએ ‘પૃથ્વીને ભોગવી’ એમ લખેલું જોવા મળે છે. ખુદ ગીતામાં પણ અર્જુનને કહેવામાં આવ્યું છે કે ‘જો તું માર્યો જઈશ, તો સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ’ (અધ્યાય : 2–37). ધરતીનો ભોગ કરવાની વાત ભારતીય સંસ્કૃતી કદી વીચારી પણ ન શકે.

એવી જ રીતે ભારતીયજનને દરેક સ્ત્રી પોતે, માતા, બહેન, ભાભી, પુત્રવધુ, દાદી, નાની, માસી, કાકી, ભાણેજ, ભત્રીજી, પુત્રી, દોહીત્રી વગેરે અનેક સમ્બન્ધોથી બન્ધાયેલી છે. દરેક સમ્બન્ધનું અલગ–અલગ મુલ્ય, માન, આદર અને શુદ્ધતાનો અલગ મહીમા છે. જ્યારે આર્યોમાં સ્ત્રી કેવળ સ્ત્રી યા માદા છે. એ સીવાય કોઈ સમ્બન્ધને આર્ય પ્રજા જાણતી નહોતી. આજે આ સંસ્કૃતીમાં બન્ને પક્ષમાં ભેળસેળ દ્વારા વીકૃતી આવી ગઈ છે; છતાંય બહુધા પ્રેમાદરનો આ ભાવ પણ જળવાઈ રહેલો પણ જોઈ શકાય છે.

(5) લોક પ્રમાણ :

ભારતીય સંસ્કૃતી લોકને યા લોકોના તર્ક અને અનુભવને પ્રમાણ માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી ધર્મગ્રંથને યા ગુરુને પ્રમાણ માને છે. વેદાદી અનેક ધર્મગ્રંથોને પ્રમાણ માને છે. જ્યારે બૃહસ્પતી, ચાર્વાક, બુદ્ધ, મહાવીર, કબીર, નાનક, રૈદાસ(રોહીદાસ), જ્ઞાનેશ્વર, તુકારામ આદી ભારતીય સંસ્કૃતીના તમામ જ્યોતીર્ધરોએ વેદપ્રામાણ્યનો નકાર કર્યો તેમ જ સંસ્કૃત ભાષાનો પણ ઈનકાર કરીને લોકભાષામાં જ સદાચાર અને ધર્મનો પ્રચાર કર્યો. બુદ્ધે કહ્યું, ‘અપ્પ દીપો ભવ’તારો દીવો તું જ થા. તો અખાએ કહ્યું – ‘તારો ગુરુ તું જ થા’.

(6) સામાજીક સમાનતા :

ભારતીય સંસ્કૃતી સામાજીક સમાનતા અને એકતામાં માને છે. કોઈ સમાજ, જાતી, વંશ, કુળ કે વર્ણ ઉંચો યા નીચો નથી. બધા સમાન છે. જ્યારે આર્ય સંસ્કૃતી ચતુવર્ણવ્યવસ્થામાં માને છે. તે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર આદી ક્રમશ: ઉંચનીચની શ્રેણીમાં ખરાબ રીતે વીભાજીત કરે છે. આર્ય બ્રાહ્મણ પોતાને સર્વથી શ્રેષ્ઠ, મહાન, પુજનીય, પવીત્ર, પૃથ્વી પરના દેવ અને બધાના માલીક માને છે. અને પોતાના સીવાયનાને નીમ્ન, અધમ, અપવીત્ર અને નીચયોની માને છે. જગતનું તમામ જ્ઞાન ફક્ત બ્રાહ્મણો પાસે જ છે અને જગતને તે જ કેવળ માર્ગદર્શન કરી શકે છે. પોતાના સીવાયનાનેએવો અધીકાર કે બુદ્ધી યા ક્ષમતા નથી એમ તેઓ માને છે, એવું કહેતી વખતે તેઓ એ ઈતીહાસ ભુલી જાય છે કે હજારો વર્ષ સુધી ભારત ઉપર અનેક લુંટારાઓ હુમલા કરી ભારતને ઘમરોળતાં અને હરાવતાં તથા લુંટતાં રહેતા હતા ત્યારે એમનું માર્ગદર્શન ક્યાં ગયું હતું ? બે હજાર વર્ષની ગુલામી વખતે એમનું માર્ગદર્શન ક્યાં ગયું હતું ? શકો, હુણો, આરબો, મોગલો આ દેશના શાસકો બન્યા ત્યારે તેમના દીવાન, મન્ત્રી, કુલકર્ણી અને પાટીલ વગેરે બનીને એમને એવું માર્ગદર્શન કોણ આપતું હતું કે જેથી ભારતની પ્રજાનું ત્યારે સર્વાંગી શોષણ હજારો વર્ષ સુધી થતું જ રહ્યું ? છતાંય આજે આર્ય સંસ્કૃતીના રંગે રંગાયેલા કેટલાક લોકો હજી પણ પોતાને શ્રેષ્ઠ અને પોતાના સીવાયનાને નીમ્ન માની રહીને ભારતીય પ્રજાની સમાનતા અને એકતાને ગમ્ભીર નુકસાન પહોંચાડી રહ્યાં છે.

ભારતીય સંસ્કૃતી નીરીશ્વરવાદી, ઈહલોકવાદી, વીજ્ઞાનવાદી અને માનવવાદી છે, જ્યારે આર્ય સંસ્કૃતી ઈશ્વરવાદી, પરલોકવાદી, અન્ધશ્રદ્ધાવાદી અને માનવતાહીન છે. જે અન્ય મનુષ્યને નીચ અને અપવીત્ર ગણે એ સંસ્કૃતી માનવવાદી સંસ્કૃતી કહેવાય જ નહીં ને ? ભારતીય સંસ્કૃતી શીલ, સદાચાર, નૈતીકતા અને પ્રજ્ઞાને ધર્મ માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી વર્ણા–શ્રમને ધર્મ માને છે. ભારતીય સંસ્કૃતી પ્રાકૃતીક કાર્ય–કારણ નીયમનને માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી પ્રારબ્ધ અને નસીબને માને છે. ભારતીય સંસ્કૃતી પોતાના માનવીય કર્તવ્ય, ફરજ અને જવાબદારીને ધર્મ માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી ઈશ્વરપ્રાપ્તી અર્થે ઈશ્વર ભજનને ધર્મ માને છે. ભારતીય સંસ્કૃતી ‘બહુજન હીતાય બહુજન સુખાય’માં માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી ‘અલ્પજન (બ્રાહ્મણ) હીતાય અલ્પજન સુખાય’માં માને છે. ભારતીય સંસ્કૃતી માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો સ્વામી છે. જ્યારે આર્ય સંસ્કૃતી માને છે કે ‘તું દયાળુ, દીન હું, તું દાની, હું ભીખારી’ ભારતીય સંસ્કૃતીમાં લોક સ્વયં વીધાતા, જ્યારે આર્ય સંસ્કૃતીમાં સત્તાના શીર્ષ ઉપર બ્રાહ્મણ. ભારતીય સંસ્કૃતી લોકશાહીમાં માને છે, જ્યારે આર્ય સંસ્કૃતી રાજાશાહીમાં માને છે. ભારતીય સંસ્કૃતીનું મુળ સીન્ધુઘાટીની સંસ્કૃતી છે, જ્યારે આર્ય સંસ્કૃતી વીદેશી યુરેશાઈ મુળની છે. સીન્ધુ સંસ્કૃતી એ હીન્દુ સંસ્કૃતી છે, જ્યારે આર્ય સંસ્કૃતીવીદેશી સંસ્કૃતી છે. ભારતીય સંસ્કૃતી ત્યાગવાદી શ્રમણોની સંસ્કૃતી છે, જ્યારે આર્ય સંસ્કૃતી ભોગવાદી આર્યોની સંસ્કૃતી છે.

એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રીમન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન,ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ,પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ.50/-)માંનો આ 10મો લેખ, પુસ્તકનાં પાન 49થી 53 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..  ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક : 

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુhttps://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ગોવીન્દ મારુ

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/12/2016 

 

 

11 Comments

  1. શ્રી અેન. વી. ચાવડાના અૈતિહાસિક લેખો ખૂબ જ જ્ઞાનપરબ હોય છે. અહિં પણ તેમણે ઘણી સરસ માહિતિઓ આપી છે. તેઓ કહે છે કે ભારતિય સંસ્કૃતિ અે સિન્ઘુનદીની સંસ્કૃતિ છે. ( છેલ્લા પેરેગ્રાફમાં.). તો દ્રાવિડ જેવી સાઉથ ભારતની પ્રજા મૂળ ભારતિય પ્રજા ન્હોતી ? તેઓ આર્યો ભારતમાં આવ્યા તે પહેલેથી ભારતિય હતાં. આ પ્રશ્ન થયો. વઘુ આ પછી. આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. ખુબ સરસ લેખ…ઘણું જાણવા મળિયું …

    આલેખ વાંચતા એ એહસાસ થઇ છે કે આજે જે આપણી મુશ્કેલીઓ છે એનું જળ આર્ય સંસ્કૃતિ થી પેદા થયેલું લાગે છે…

    માર્સઅબ અગર આપણી પાસે કોઈ લેખ હોઈ જેમાં દ્રવિડ કિયાનથી અને કેવી રીતે આપણી સાસનસ્કૂતિ માં જોડાયા તો પીરસવા મેહરબાની…..

    Liked by 1 person

  3. THE ARTICLE IS BASED ON THE FAKE ASSUMPTION THAT ARYAN WAS A RACE AND THEY HAD COME FROM SOMEWHERE EAST EUROPE OR WEST ASIA. THIS THEORY IS CALLED ARYAN INVASION THEORY. THIS THEORY IS HAVING A LOT CONTRADICTIONs. THIS THEORY HAS RAISED MANY QUESTIONS AND THE QUESTIONS HAVE NEVER BEEN REPLIED.

    FORTUNATELY NOW THIS THEORY IS CONSIDERED A DEAD THEORY. MAX MULLAR THE PROMOTER OF THIS THEORY HAD REJECTED THE THEORY BEFORE HE DIED. BUT IT WILL TAKE TIME FOR THE GOVERNMENT TO INTRODUCE THE REAL HISTORY OF ANCIENT INDIA.

    Like

  4. I have request to all my friends, readers, Please enter ” Original Indian culture before Aryas” into the search and you will have many historical details, even for Dravidians…It will give great chunk of knowledge. Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

  5. Para 2,3ane 4 ma ghadik ma tame mahabharatna patro ne bhartiya sanskruti na patro tarike ullekya ane vali arya sanskruti na patro tarike pan ullekya ! Aa vadatovyagrat chhe.Ne Dravid sanskruti ne kyan mukasho?!

    Liked by 1 person

  6. My next request is to enter for search…..
    (1) What was pre-Aryan India -Like ?
    (2) Indo-Aryan migration Theory ….Wikipedia.
    (3) Dravidian People…
    (4) Original Indian Culture before Arya…Wikipedia.

    Thanks,
    Amrut Hazari.

    Liked by 1 person

  7. આખો લેખ બે વાર વાંચ્યો. જરા મારા બ્રેઈન માટે કોમ્પ્લિકેટેડ પણ લાગ્યો. ખાસ સમજ ના પડી. બે સંસ્કૃતિ જૂદી છે એટલું સમજ્યા પછી પાછું. ભેળસેળ થઈ ગયું એવું લાગ્યું. હું ગુંચવાયો કે લેખક પોતે જ ગુંચવાયા.

    ચાવડા સાહેબે દરેક વિધાન માટે રેફરન્સ સંદર્ભ આપ્યા હોત તો તે વધું અભ્યાસ યુક્ત ગણાતે. નિરાંતે ગુગલ કરી લેત.

    બાકી તો હજારો વર્ષ પહેલાની વાતો માટે બાવા બાપુઓ જેમ ગપ્પા મારે તેમ જ બે ચાર ગોરીયાઓ આડુ તેડું બોલે તેના આધારે, તેમના નામ સાથે, બીજાઓ ગપ્પામારુઓ પણ એમના વિરૂધ્ધમાં ઠોકવા માંડે.

    અરે મિત્રો હજારો વર્ષ પહેલાના ઈતિહાસ અને સંશોધન માટે ૨૫-૫૦ વર્ષનો અભ્યાસ ના ચાલે. ૨૫-૫૦ જીંદગી જોઈએ.

    પણ છે તો મજાની વાત. મટીરીયલ મારી વાર્તાઓ માટે કામ લાગશે.

    Liked by 1 person

    1. વહાલા વડીલશ્રી ગાંડાભાઈ,
      આ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  8. મને શ્રી એન. વી. ચાવડાનો લેખ વાંચવાથી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે માન થયું , અને મને ગમી . આ માટે એન. વી. ચાવડાને અને ગોવિંદભાઇ મારુને હું ધન્યવાદ આપું છું .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s