હું રૅશનાલીસ્ટ ખરો કે નહીં ? ચાલો, જાતને પ્રશ્ન પુછીએ….

હું રૅશનાલીસ્ટ ખરો કે નહીં ? ચાલો, જાતને પ્રશ્ન પુછીએ….

–જનક નાયક

રૅશનાલીસ્ટનો અંગ્રેજી શબ્દકોશનો સામાન્ય અર્થ છે, સમજદાર, વીવેકી, સુઝ ધરાવનાર. સાર્થ જોડણીકોશમાં વીવેકનો અર્થ છે, સભ્યતા, વીનય. ને વીવેકબુદ્ધીનો અર્થ છે, સારાસાર છુટો પાડવાની–સમજવાની બુદ્ધી. ભગવદ્દગોમંડળમાં વીવેકના ઘણા અર્થ આપ્યા છે, એમાં એક અર્થ છે, ખરું–ખોટું જાણવાની શક્તી, સારાસાર સમજવાની બુદ્ધી, સમજશક્તી, બુદ્ધીતારતમ્ય. (ગાંધીજી લખે છે કે : જીવનમાં મને અનુભવ થયો છે કે, એકલી ભલાઈ બહુ કામ આવતી નથી. આધ્યાત્મીક હીમ્મત અને ચારીત્ર્યની સાથે સંકળાયેલો સુક્ષ્મ વીવેકનો ગુણ હરેક જણે કેળવવો જોઈએ. કોઈ પણ કટોકટી ભરેલી પરીસ્થીતીમાં ક્યારે બોલવું અને ક્યારે મુંગા રહેવું, ક્યારે કંઈક કરવું અને ક્યારે કંઈ પણ કરવાનું માંડી વાળવું એનું જ્ઞાન આવશ્યક છે. આવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વીરોધી નથી રહેતાં, કર્મ તે જ અકર્મ, અને તે જ કર્મ બને છે.) બીજો એક અર્થ છે, ચાતુર્ય, ડહાપણ. બીજો અર્થ : પરીગ્રહનો ત્યાગ, અતી પ્રીય વસ્તુને તજવી તે, બોધ, જ્ઞાન, વીનય, સુશીલતા, શીષ્ટતા, સભ્યતા. (ઉપનીષદ્‌ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુઃખની માત્રા જ વધુ હોવાથી વીવેકીઓએ નીર્ણય કર્યો છે કે, આ દુઃખના મહાનર્કમાંથી છુટવાને માટે આત્મજ્ઞાન સીવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વીવેક સીવાય ઉપજતું નથી અને વીવેક વીચારમંથન સીવાય પ્રકટતો નથી.)

બસ, આજે મારા પર વીવેક અને તેની સાથે સંકળાયેલી વીવેકબુદ્ધીનું ભુત વળગેલું છે. ભુત શબ્દથી રખે એવું માનતા કે હું ભુત–બુતમાં માનું છું. કેટલાક વખતથી મને સતત પ્રશ્ન સતાવી રહ્યો છે, હું રૅશનાલીસ્ટ ખરો કે નહીં ? સાથે સાથે રૅશનાલીસ્ટની સાચી વ્યાખ્યા શોધવાની મથામણ કરી રહ્યો છું. માત્ર ઈશ્વરનો વીરોધ એ જ ‘રૅશનાલીસ્ટ’પણું ? કે રૅશનાલીસ્ટના વીશાળ અર્થમાં એથી પણ વીશેષ સમાયું છે ? રૅશનાલીસ્ટ એટલે મનુષ્યત્વની વધુ નજદીક જવું એવું ખરું ? ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ સુન્દરમની કાવ્યપંક્તીમાં રૅશનાલીસ્ટનો અર્થ છુપાયો છે એવું ખરું ? નરસીંહ મહેતાની ઈશ્વરભક્તીની નીરીશ્વરવાદીઓ ભલે ઠેકડી ઉડાડે, પણ ‘વૈષ્ણવ જન તો તેને કહીયે’ ભજન કે પદ કે ગીત જે કહો તે; પણ આ ભજનમાં સાચો રૅશનાલીસ્ટ કેવો હોઈ શકે તેની સમજ અપાઈ છે એવું મારું માનવું છે. આપણે તો ભજનમાં ‘વૈષ્ણવ જન’ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ‘રૅશનાલીસ્ટ’ શબ્દ મુકી દેવાનો છે. રૅશનાલીસ્ટ તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભીમાન ના આણે રે’ બસ, પછી આખું ભજન રૅશનાલીસ્ટ’ શબ્દ મુકીને ગણગણ્યા કરવાનું. રૅશનાલીસ્ટ કોણ એ અતી સરળતાથી સમજાવા માંડશે. તો ચાલો, આપણે રૅશનાલીસ્ટ કોણ એને સમજવાની કોશીશ કરીએ.

‘વૈષ્ણવ જન’ આખું ભજન એક નહીં; પણ અનેક વખત વાંચીને પછી એને સમજવાની કોશીશ કરીએ. પ્રથમ દૃષ્ટીએ અત્યન્ત સરળ લાગતું આ ભજન જ્યારે વ્યવહારમાં અમલમાં મુકવાની કોશીશ કરીશું ત્યારે લોઢાના ચણા ચાવવા જેટલું અતી મુશ્કેલ લાગશે. શું છે આ ‘વૈષ્ણવ જન’માં ? બીજાઓના દુઃખને પોતાનું ગણનારો, બીજાઓ પર ઉપકાર કરીને અભીમાન ન કરનારો, બધાને નમ્રતાપુર્વક વન્દન કરનારો, કોઈની નીન્દા ન કરનારો, મન–વચન–કર્મથી શુદ્ધ રહેનારો, ઉંચ–નીચના ભેદભાવ ન રાખનારો, તૃષ્ણા–વાસનાનો ત્યાગ કરનારો, પરસ્ત્રીને માતા સમાન ગણનારો, કદી અસત્ય ન બોલનારો, બીજાઓની ધન–સમ્પત્તી પર નજર ન બગાડનારો, મોહ–માયાથી અલીપ્ત રહેનારો, વૈરાગ્યભાવને દ્રઢતાથી વળગી રહેનારો, રામનામ ને બધા જ તીર્થ હૃદયમાં રાખનારો, લોભ અને કપટ જેના મનમાં નથી અને કામ–ક્રોધ પર વીજય પ્રાપ્ત કરનારો માણસ સાચા અર્થમાં ‘વૈષ્ણવ જન’ અથવા ‘રૅશનાલીસ્ટ’ હોઈ શકે.

‘વૈષ્ણવ જન’ જેમ જેમ વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું તેમ તેમ મારા રૅશનાલીસ્ટ હોવા પર સ્વયંભુ પ્રશ્નો થતા ગયા. જાત પર પ્રશ્નો કરી શકાય એટલી વીવેકબુદ્ધી મારામાં છે એનો સન્તોષ ખરો. બાકી, હું બુદ્ધીવાદી ખરો, તર્કના જાળામાં ગુંચવાઈને જીવનારો ખરો પણ રૅશનાલીસ્ટ થવા માટે મારે ભારે પરીશ્રમ કરવાનો છે એટલું તો મને સમજાઈ ગયું હતું. થોડા પ્રશ્નો જે મને સતાવી રહ્યા છે એ અહીં મુકું છું. મારી તો ઉંઘ ઉડી ગઈ છે. મને ખાત્રી છે, રૅશનાલીસ્ટ હોવાનો કૉલર ઉંચો કરીને ફરનારા ઘણાની ઉંઘ ઉડી જશે.

(1) નાનો હતો ત્યારે ભાગ્યે જ મન્દીરે ગયો છું. હા, પ્રસાદ ખાવાની લાલચે હોંશે હોંશે મન્દીરમાં ગયો છું ખરો. મહાકાળી ને અમ્બાજીના મન્દીરના પરીસરમાં ખુબ તોફાન કર્યા છે. કીશોરાવસ્થામાંથી યુવાનીના પ્રવેશ સમયે પણ મન્દીરોના પરીસર જ મદદે આવ્યા હતા એય મને આજે યાદ આવે છે. અમારા રેખાબહેન શાહને બજાજ સ્કુટર પર બેસાડીને મહાકાલીના મન્દીરે લાવતો. રેખાબહેન શ્રદ્ધાપુર્વક મન્દીરમાં પ્રવેશતાં, ને હું અશ્રદ્ધાપુર્વક મન્દીર બહાર બેસી રહેતો. ઈશ્વરમાં મને સ્હેજેય શ્રદ્ધા નહોતી; પણ ત્યારેય મેં કદી રેખાબહેનની ઈશ્વર પ્રતીની અપરમ્પાર શ્રદ્ધાની ઠેકડી ઉડાડી નહોતી. આજે મને થાય છે કે એ અર્થમાં ત્યારે પણ હું  રૅશનાલીસ્ટ હતો, ને આજે પણ હું બીજાઓની માન્યતાઓનો વીરોધ કરતો નથી. દરેક પોતે સ્વતન્ત્ર છે એવું હું માનું છું. મને કે બીજાઓને એની સ્વતન્ત્રતા નડતી ન હોય તો માત્ર ઈશ્વરમાં એ વ્યક્તી માને છે એટલે એનો વીરોધ ન કરું. શ્રદ્ધા જ્યારે અન્ધશ્રદ્ધાની સીમામાં પ્રવેશે ત્યારે સર્જાતા પ્રશ્નો વીશે સમજાવું ખરો. પણ એમાંય આક્રમકતા તો નહીં જ.

(2) હું ઘણી વખત મારી માન્યતા વીરુદ્ધ વર્તે, બોલે તો તરત સામો વીરોધ નોંધાવું છું. મારી ઈચ્છા વીરુદ્ધ હું આક્રમક થઈ જાઉં છું. ‘હું જ સાચો’ એ સાબીત કરવાની મને ચડ ઉપડે છે ત્યારે હું મારો જ કક્કો ખરો કરવાની લ્હાયમાં એટલો તો આવેશમાં આવી જાઉં છું કે સારાસારનું મને ભાન રહેતું નથી. ત્યારે હું રૅશનાલીસ્ટ હોતો નથી. કીન્તુ ક્યારેક ક્યારેક સામી વ્યક્તીની માન્યતાઓ વીશે મારી વાત રજુ કરું છું ખરો; પણ એ માટે વીવેકબુદ્ધી વાપરીને મારી જ વાત સાચી એ સાબીત કરવા માટે આક્રમક વલણ અખત્યાર કરતો નથી ત્યારે લાગે છે, હું સાચા અર્થમાં રૅશનાલીસ્ટ છું. દુર્ભાગ્યે આ પ્રકારના પ્રસંગો બહુ ઓછા આવે છે. ત્યારે લાગે પણ છે, રૅશનાલીસ્ટ બનવા મારે ખાસ્સી મહેનત કરવી પડશે.

(૩) ઘણી વખત હું મારા વીશે જ વીચારતો રહું છું. હું જયાં પણ હોઉં ત્યાં ફોક્સમાં, અર્થાત કેન્દ્રમાં તો હું જ હોવો જોઈએ એ માટેના સતત પ્રયાસો કરતો રહું છું. વીવેકબુદ્ધીથી વીચારું તો મને ખબર છે, નીઃસ્વાર્થ કર્મોથી મારી લાઈન તો મારે જ મોટી કરવાની છે. પણ વ્યવહારમાં જ્યારે વર્તુ છું ત્યારે જાણ્યે–અજાણ્યે મારી લીટી મોટી કરવાને બદલે સામી વ્યક્તીની લાઈન નાની કરવાના મરણીયા પ્રયાસ કરતો રહું છું. જાતને રૅશનાલીસ્ટ (?) માનું છું એટલે મારી આ વર્તણુંક રાતે સુવા દેતી નથી. ખોટું કરી રહ્યો છું એ જાણું છું તોય મારી વર્તણુંકમાં બદલાવ લાવી શકતો નથી. એનું દુઃખ મને પીડે છે, એનો સ્ટ્રેસ પણ ખાસ્સો છે. બોલો, અહીં ક્યાં મારું ‘રૅશનાલીસ્ટ’પણું આવ્યું ?

(4) ‘જીહ્વા થકી અસત્ય ન બોલે’ એ સન્દેશ શીર આંખો પર. પણ કાયમ ક્યાં સત્યના પક્ષે રહી શકું છું ? સાચું જાણતો હોવા છતાં ઘણી વખત સદન્તર જુઠ્ઠું બોલું છે ને ઘણી વખત ‘નરો વા કુંજરો વા’ કરું છું. તો ઘણી વખત મેં માની લીધેલા સત્યનો ઝંડો લઈને ફરું છું ત્યારે ભુલી જાઉં છું કે ઘણાં સત્ય સાપેક્ષ પણ હોઈ શકે. તેથી મારું સત્ય બીજાનું સત્ય ન હોઈ શકે અથવા બીજાનું સત્ય મારું ન પણ હોઈ શકે. તો પણ મારા સત્યને સર્વવ્યાપી કરવા હું કાયમ આક્રમકતાથી ધમપછાડા મારતો હોઉં છું. મારા ઘણા ઝઘડા, વીખવાદો સત્ય બીજા પર થોપવાને કારણે છે એ હું જાણું છું, પણ એને જીવનમાં ઉતારવા માટે લાચાર છું. સર્વ સામાન્ય માણસ ખરો, પણ ‘રૅશનાલીસ્ટ નથી થયો તું રે’ એવો ભીતરનો ધીમો ધીમો સાદ મારી શાંતી હરી લે છે.

(5) ભય, ઈર્ષ્યા, અભીમાન, દ્વેષ, ગુસ્સો, મરવા–મારવાની વૃત્તી, જીદ વગેરે નકારાત્મક પણ માનવસહજ લાગણીઓ વીશે વીવેકબુદ્ધીથી વીચારું ત્યારે લાગે કે એનાથી છુટવું જોઈએ. કીન્તુ વ્યવહારમાં કશીક એવી ઘટના બને છે કે આ નકારાત્મક લાગણીઓ હાવી થઈ જાય છે ને માણસમાંથી રાક્ષસમાં ક્યારે મારું રુપાંતરણ થઈ જાય છે એની જ ખબર નથી રહેતી. ‘મન અભીમાન ન આણે રે’, ‘મોહ–માયા વ્યાપે નહીં જેને’, ‘વણ લોભી ને કપટ રહીત છે’, ‘કામ ક્રોધ નીવાર્યા રે’, આ બધું તો ઈચ્છા હોવા છતાંય થઈ શકતું નથી. આ બધી નકારાત્મક લાગણીઓ એક સીમામાં અનુભવાય તો તો ઠીક. એ માનવસહજ છે. ત્યાં સુધી તો રૅશનાલીસ્ટ હોવાની કોઈ શંકા નથી. રૅશનાલીસ્ટ વ્યક્તી પણ માણસ છે, એ કંઈ ભગવાન નથી. કીન્તુ મને ખબર છે અસંખ્ય વખત હું આવેશમાં લાગણીઓ વ્યક્ત કરવામાં અતીરેક કરી બેસું છું, ત્યારે સાચું કહું? મારા રૅશનાલીસ્ટ હોવા પર મને શંકા જાગે છે.

(6) આજે જીવનનો જાણે યુ ટર્ન આવ્યો છે. ભયાનક માંદગી, જીવન અંગે અનીશ્ચીતતા, સ્થગીતતા ને જગત તો દોડતું જ રહે, અસહનીય એકલતા, ભયાનક પીડા, બધું હાથમાંથી છુટી રહ્યું છેની તીવ્ર પીડાદાયક અનુભુતી. ત્યારે શું કરવું જોઈએ? એકલો માણસ ડુબતો હોય ત્યારે સામે જે આવે તે પકડી લે. મરવું નથી ને જીવવું છે એવી ઈચ્છા ધગધગતી હોય ત્યારે ડૉક્ટર્સ ને મેડીકલ સાયન્સ હવે કશું શક્ય નથી એવો જવાબ આપી દે તો શું કરવું જોઈએ? જે થવાનું છે એ થશે જ. એને કોઈ અટકાવી શકે નહીં એવું વીવેકબુદ્ધી કહેતી હોય છતાં આજે તો દુધ–દહીં બન્નેમાં પગ રાખ્યો છે. અર્થાત્ મેડીકલ સાયન્સને શરણે પણ છું, ને અધ્યાત્મ એટલે કે મેડીટેશન, વીઝ્યુલાઈઝેશન, દોરા–ધાગા, મન્ત્ર વગેરે પાસે પણ મારી જીવન પ્રતીની સકારાત્મક્તા ટકી રહે એ માટે શરણે ગયો છું. દરેક જીવનમાં ચમત્કાર ઝંખતો હોય છે, હું પણ ચમત્કારની તીવ્ર ઈચ્છા રાખું છું. જોકે વીવેકબુદ્ધી એવું તો સુચવે જ છે, ચમત્કાર કરવાનો છે મારે જ.

તાત્પર્ય એટલું કે રૅશનાલીસ્ટ કદી અનેક ચહેરાઓ સાથે જીવતો નથી. ઉપરોક્ત બાબતોના જવાબ જો વીવેકબુદ્ધીથી આપું તો મારા દાંભીક બધા ચહેરાઓ ખરી પડે. પણ હું જાણું છું, મને અનેક ચહેરાઓ સાથે જીવવાનું ફાવી ગયું છે. દ્રઢતાપુર્વક એવુંય લાગે છે, આ જન્મમાં તો કદી રૅશનાલીસ્ટ બની શકાય એમ નથી. ને પુનર્જન્મમાં તો હું માનતો નથી. તો એક જ રસ્તો છે જીવું ત્યાં સુધી સાચો રૅશનાલીસ્ટ બનવાનો પ્રયાસ કરું તો ખરો. ચમત્કાર (અન્ધશ્રદ્ધા તરીકે નહીં, પણ ભરપુર શ્રદ્ધાના અર્થમાં) થાય ને સાચી વીવેકબુદ્ધી જાગૃત થાય ને જીવતેજીવત રૅશનાલીસ્ટ તરીકે જાતને જોવાનો લ્હાવો મળે. અશક્ય તો કશું છે જ નહી એવું હું માનું છું. આશા અમર છે, દોસ્તો.

–જનક નાયક

લેખક સમ્પર્ક : શ્રી. જનક નાયક, સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલીની વાડી સામે, ગોપીપુરા, સુરત 395 001 ગુજરાત (ભારત) સેલફોન : 98251 12481 ફોન : (0261) 259 7882/ 259 2563  ઈ.મેઈલ :  janaknaik54@gmail.com

ગુજરાતી સાહીત્યના પ્રચાર–પ્રસાર અર્થે શ્રી. જનક નાયક દ્વારા સમ્પાદીત સંવેદન માસીક વર્ષ : 09, અંક : 109, ડીસેમ્બર, 2016 (વાર્ષીક લવાજમ : રુપીયા 180ને બદલે ફક્ત 50/- વીદેશ માટે : 24 ડૉલર અથવા 08 પાઉન્ડ સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલીની વાડી સામે, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com )ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, અને ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની દર્પણપુર્તી (તા. 23 નવેમ્બર, 2016)માં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મનના મઝધારેથી’માંથી, લેખકના, સંવેદનના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

16 Comments

  1. શ્રધ્ધા જરૂરી છે, અંધશ્રધ્ધા નુકશાનકારક છે. ઈશ્વર છે કે નથી એ પ્રશ્ન મહત્વનો નથી, દુખમાં એને યાદ કરીને રાહત અનુભવાય છે કે નહીં એ વધારે મહત્વનું છે. ઈશ્વર દુખ દૂર કર કે નહીં એ મહત્વનું નથી, એ દુખ દૂર કરશે એવી આશામાં જીવવું થોડું આસાન બને છે કે નહીં એ વિચારવા જેવું છે. આઇનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ જ્યારે થાક્યા ત્યારે એમણે પણ ઇશ્વરને હવાલો આપી જાન છોડાવી!!!

    Liked by 1 person

  2. સાચા હૃદયથી અેક અેવા વિષયની જનકભાઇઅે ચર્ચા કરી છે કે જેની ખૂબ જરુરત હતી. અેક સાચા ન્યાયાઘીશ બનીને તેમણે અેમના મનને ઠાલવ્યુ છે. હાર્દિક અભિનંદન. ચર્ચાના અાખા વિષયને, તેમણે તોલી તોલીને …નિચોવી નિચોવીને છેલ્લા પેરેગ્રાફમાં ‘અમૃત ‘ રુપે પીરસ્યો. સુંદર.પ્રયત્ન કરવો અે અેક રેશનાલીસ્ટ બનનારની અંતરીક ફરજ છે. પરિસ્ભિતિ પોતાનો રોલ ભજવે. પરંતુ જેટલું પણ શક્ય હોય તેટલું કર્તવ્ય તરીકે આચરવું રહ્યુ. કોઇ કવિ કહી ગયેલાં કે, ‘ બુરા દેખન મેં ચલાં, બુરા મીલા ના કોઇ, જબ દેખા અપને આપકો મુજસે બુરા ના કોઇ.‘ તેવી જ અેક અનુભવોનો નીચોડ કહે છે કે , ‘ ઉદાહરણ અાપવું તો સહેલું છે પરંતુ,ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘ હું માનુ છું કે આપણા આ વિશ્વનો અેક જ ઘર્મ છે…અને તે છે ‘ સ્વાર્થ‘ ઘર્મ. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તિ, બૌઘ,શીખ, જૈન…વિ..વિ…તો કુવામાનાં દેડકાઓના ઘર્મો છે…ખરો આંતરરાષ્ટરિય ઘર્મ તો ‘ સ્વાર્થ ‘ ઘર્મ જ છે. રેશનાલીસ્ટનો સાચો અર્થ જો વિવેકબુઘ્ઘિ જ લેવો હોય તો ….પછી ???? સાચા જુઠાની…ખરા ખોટાની સમજ કેળવવી જ પડે અને આચરણમાં મુકવી જ પડે…પેલાં પ્રવચનકારી…બાબા…પંડિત,…બાપુ…બાકાત કરવા પડે. ..જનકભાઇનું કન્ક્લુઝન…સાચુ જ છે. તેમને અભિનંદન…અને ગોવિંદભાઇને પણ….

    અમુત હઝારી.

    Liked by 3 people

  3. SUNDER… ATI SUNDER VISHLESHAN… VAISHNAVA JAN NU AAVU SARAS ARTHGHATAN KARAVYA BADALL – ane GOVINDBHAI AAPNE KHUB KHUB ABHINANDAN…
    Shubhechchhao sah,
    Snehadhin,
    Navin Nagrecha (Pune) .

    Liked by 1 person

  4. પ્રિય ગોવિંદભાઇ મારુ
    તમે મોકલેલ જનક નાયકનો લેખ મને ઘણો ગમ્યો .
    તમે બહુ ગમે એવા લેખો મોકલો છો . જે મને ઘણા ગમે છે .
    એક મને આ ઉંમરે આવા વિચારો પણ આવે છે . જેની મારી લાંબી કવિતાની એક કડી 127 મી આ પ્રમાણે છે .
    चिमला चिमलाके क्या हुवा जो फूल डालीसे गिर जाई
    क़ज़ा भी वो खूबसूरत होगी जो , जवानीमे आ जाई …१२७
    क़ज़ा = मोत પંચાણું વરસના “આતા ” ઈ પૌત્રના રોટલા ખાતા چملا چملاکے کیا ہوا جو فل دالیسے گر جائی
    قزا بھی وہ خوب صراط ہوگی جونمے آ جائی….١٢٧

    Liked by 1 person

  5. The writer has several good ideas on what a good man should be like. But I am sorry to say that he is a very confused thinker. Like most of us, he confuses personal goodness, morality or ethics with Rationality.

    Very briefly: Rationalism is not WHAT you think, it is HOW you think.
    It is a PROCESS of arriving at the right conclusion. It is not the conclusion itself, whether right or wrong. It is How you decide any issue.

    Rationalism means that you will use Reason, not Faith, to decide any issue. Using your own good Reason, if you think selflessness is justified, you try to become selfless. You don’t become selfless because Narasinh Mehta or Gandhiji is a good man and he has asked you to be selfless.

    Rationalism has nothing to do with belief or disbelief in God.

    Please excuse me for differing with a basically good writer and individual.
    Thanks. –Subodh Shah , USA.

    Liked by 1 person

  6. રૅશનાલીસ્ટ વ્યક્તી પણ માણસ છે, એ કંઈ ભગવાન નથી
    જનકભાઇ લેખ સારો છે. પરંતુ, ઉપરોક્ત વાક્ય આપે ફકરા નં- 5 માં લખ્યુ છે તેને રેશનાલીસ્ટો માને ખરા? ભગવાન એટલે શુ? જો ભ= ભૂમિ , ગ= ગગન, વ= વાયુ, અ= અગ્નિ અને ન= નીર એમ પંચમહાભૂત ભગવાન હોય તો વાત જુદી છે. ,,,,,,,,,,,,,,,,,,
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  7. Khub saras lekh aabhar Govindbhai ane Janak Naik sacha rationalist banava mate vicharva jevu.. Chhello fakro khub saras ane Rohit Darji ni vat pan vicharva layer chhe. Kayo bhagvan Rohitbhai kahe te hova joiye sachaarthma je karmakandi lokoe banavela bhagvan na anusandhanma lakhyu hoi to lekhno arth sarto nathi.

    Liked by 1 person

  8. i don’t understand the meaning of rationalism. does it mean that there is nothing like god (Ishvar) ? why the person boasts about being “rationalist” ? if i get some comfort in beliving in god then what is wrong about it ?

    Like

  9. आपणां वीचारो बळजबरी के चालाकीथी बीजानी उपर ठोकी बेसाडीए एटले समजवुं के ए रेशनलीस्ट नथी.

    दाखला तरीके चंद बारोटनो भाटाई दुहो. पृथ्वीराजनी साथे लडाई पछी मुहम्मद गोर दस वरस जीवतो हतो पण आखो देश दुहानी भाटाई याद करतो होय.

    आपणे अहींसामां मानीए बीजा देश उपर हुमलो नथी करता वगेरे वगेरे अने देशना लोको उपर अत्याचार जेमके दलीत अत्याचार, बाळको के बाल मजुर, अयोध्यामां बाबरीना ढांचाने तोडी पाडवुं, वगेरे वगेरे.

    जैनो अप्रीग्रह अने अहींसानो प्रचार करे अने जैन साधु गायना बच्चानुं दुध गाय पासेथी छीनवी आरोगे एना जेवुं.

    नरेन्द्र मोदीए नोट बंधी करी मुंबईमां शीवाजीना पुतळा बाबत पवीत्र नदीओना जळथी अभीषेक के अमेरीकाए लादेनने जीवतो के मरेलो पकडी अंतीम वीधी करी एना जेवुं.

    हवे नक्की करी लेवुं कोण रेशनलीस्ट छे…

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s