લોકશાહી : પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી

જન્મ : 15/04/1921 અવસાન : 15/01/2017

સદ્ ગત હીમ્મતલાલ જોશી ‘અતાઈ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા ‘અભીવ્યક્તી બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક અર્પણ કરીને ‘અભીવ્યક્તી’ પરીવાર તેમને ઈ.અંજલી આપશે.

લોકશાહી : પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી

–એન. વી. ચાવડા

આપણા સામ્પ્રત સમયના રાજકારણ અને સમાજજીવનના ક્ષેત્રમાં બંધારણીય કાયદા–કાનુનના ભંગ અને નીષ્ફળતાની કોઈક અઘટીત ઘટના બને છે ત્યારે કેટલાક લોકો તરત જ બોલી ઉઠે છે કે આવું બધું લોકશાહીને કારણે બની રહ્યું છે. ભારતમાં લોકશાહી ચાલે જ નહીં, કારણ કે ભારતની એ શાસન પદ્ધતી નથી. ભારતમાં તો રાજાશાહી જ ચાલે, કારણ કે રાજાશાહી (કેટલાકને મન તો લાખો) વર્ષ પુરાણી છે. અર્થાત્ ભારતમાં રાજાશાહી જ હોવી જોઈએ વગેરે વગેરે.

આજના જ્ઞાન–વીજ્ઞાનના જમાનામાં પણ આપણા લોકોને ખબર નથી કે આજથી ત્રણથી સાડાત્રણ હજાર વર્ષ પહેલાં આપણા દેશમાં સર્વત્ર લોકશાહી શાસન પ્રવર્તતું હતું જે સીંધુઘાટીની મોહેં–જો–દડો અને હડપ્પા જેવાં અનેક નગરોમાં વસતી સુસભ્ય લોકોની સંસ્કૃતીની પરમ્પરાનું વીકસીત શાસન હતું. આજથી અઢી હજાર વર્ષ પહેલા ઈ.સ. પુર્વે. છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો ત્યારે દેશમાં 16 રાજાશાહી અને 9 લોકશાહી રાજ્યો હતાં. જે દર્શાવે છે કે આર્યોએ 16 રાજ્યોને ત્યાં સુધીમાં હરાવીને ત્યાં પોતાની રાજાશાહી સ્થાપવામાં સફળતા મેળવી લીધી હતી. બુદ્ધના પીતા રાજા શુદ્ધોદન કપીલવસ્તુ નગરીના ચુંટાયેલા રાજા હતા. શુદ્ધોદન શાક્ય વંશના હોવાથી તેમનું રાજ્ય શાક્યગણ કહેવાતું હતું. બુદ્ધના જીવનમાં ઘટેલી એક ઘટના દર્શાવે છે કે તે સમયે કેવી સુવ્યવસ્થીત લોકશાહી ભારતના પ્રવર્તમાન હતી. જે આ પ્રમાણે છે.

શાક્યોનો જે સંઘ હતો તેના નીશ્ચીત નીયમો હતાં. સીદ્ધાર્થ ગૌતમ વીસ વર્ષના વયસ્ક થયા ત્યારે તેમને સંઘમાં પ્રવેશ આપવા માટે કપીલવસ્તુના સંથાગાર (સભાગૃહ)માં સંઘની બેઠક બોલાવવામાં આવી જેમાં નીયમાનુસાર સંઘમાં પ્રવેશનો પ્રસ્તાવ ત્રણ વખત સેનાપતીએ મુક્યો. ત્રણેય વખત કોઈએ વીરોધ ન કર્યો. ત્યારે સીદ્ધાર્થ ગૌતમને સંઘના સદસ્યના કર્તવ્યો બતાવવામાં આવ્યા. જેમાં, (1) કોઈ પણ બેઠકમાં અનુપસ્થીત નહીં રહેવાય. (2) જો શાક્યોના આચરણમાં તમને કોઈ દોષ દેખાય તો ભય અને પક્ષપાત વીના રજુ કરવો. (3) જો તમારા પર કોઈ દોષારોપણ થાય તો ક્રોધ કર્યા વીના દોષી હોય તો તેનો સ્વીકાર કરવો અને નીર્દોષ હોવ તો નીર્દોષતા પુરવાર કરી બતાવવી.

સીદ્ધાર્થ ગૌતમને સંઘના સભ્યપદથી વંચીત કરવાના નીયમો પણ બતાવ્યા જેમાં, (1) જો તમે બળાત્કાર કરશો (2) હત્યા કરશો (3) ચોરી કરશો, અને (4) જુઠી સાક્ષી આપશો તો સંઘના સદસ્ય રહી શકશો નહીં. ભારતીય સમાજનું 2500 વર્ષ પહેલાંનું આ ઐતીહાસીક ચીત્ર છે, જે આર્યોની રાજાશાહીથી તદ્દન વીપરીત છે. સમાનતા અને સદાચાર એ મુળ ભારતીય જીવનનો આધારસ્તમ્ભ હતાં. જ્યારે આર્યોનો જીવનમન્ત્ર, જુઠ, લુંટ અને ભોગનો હતો. (ભારતમાં આજે સૌ ભારતીય છે, કોઈ આર્ય નથી એ સત્ય અહીં ખાસ યાદ રાખવું આવશ્યક છે.)

સીદ્ધાર્થ ગૌતમના સંઘપ્રવેશને આઠેક વર્ષ થયાં ત્યારે એક એવી ઘટના ઘટી કે સીદ્ધાર્થે ઘર – પરીવાર છોડીને પરીવ્રાજક બનવું પડ્યું, જે ઘટના આ પ્રમાણે છે. શાક્યગણ અને કોલીયગણ વચ્ચે રોહીણી નદી વહેતી હતી. જેનાથી બન્ને ગણરાજ્યોની ખેતીની સીંચાઈ થતી હતી. દરેક મોસમમાં રોહીણી નદીમાંથી પ્રથમ પાણી કોણ લેશે એ બાબતમાં વાદ–વીવાદ થતો રહેતો હતો. તે વર્ષે આ બાબતમાં બેય ગણોના સેવકો વચ્ચે ઝઘડો થયો અને હાથાપાઈ પણ થઈ. તેથી શાક્યો અને કોલીયોએ યુદ્ધ દ્વારા આ ઝઘડાનો કાયમી નીકાલ કરવાનો વીચાર કર્યો. એ માટે સેનાપતીએ શાક્યસંઘની સભા બોલાવી. તેમાં યુદ્ધનો પ્રસ્તાવ ત્રણ વાર મુકવામાં આવ્યો માત્ર સીદ્ધાર્થે જ યુદ્ધનો વીરોધ કર્યો. વીરોધના કારણો દર્શાવતા સીદ્ધાર્થે કહ્યું કે ‘યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. યુદ્ધથી આપણો હેતુ સરવાને બદલે તે ભવીષ્યના બીજા યુદ્ધનું બીજ બનશે. લડાઈ–ઝઘડામાં આપણા માણસો પણ દોષીત છે જ, તેથી હું પ્રસ્તાવ મુકું છું કે બન્ને પક્ષના બબ્બે માણસોનું પંચ નીમી એ પંચ જે ન્યાય કરે તે મુજબ આપણે સમસ્યાનું સમાધાન કરીએ.

સીદ્ધાર્થ ગૌતમના પ્રસ્તાવને સમર્થન પણ મળ્યું; પરન્તુ સર્વસમ્મતી પ્રાપ્ત ન થવાથી ચુંટણી થઈ. જેમાં બહુમતીથી સીદ્ધાર્થના પ્રસ્તાવનો અસ્વીકાર થયો. પરીણામે યુદ્ધ કરવાનો નીર્ણય થયો. છતાંય સીદ્ધાર્થે યુદ્ધના નીર્ણયનો વીરોધ ચાલુ રાખ્યો. તેથી ગણના નીયમ પ્રમાણે સીદ્ધાર્થને સજા ફરમાવવામાં આવી. જેમાં સીદ્ધાર્થ સામે ત્રણ વીકલ્પો હતાં. (1) યુદ્ધમાં ભાગ લેવો (2) દેશનનિકાલ યા મૃત્યુદંડ, અને (3) સહકુટુમ્બ સામાજીક બહીષ્કાર, એ ત્રણમાંથી સીદ્ધાર્થે દેશનીકાલનો વીકલ્પ સ્વીકારી કુટુમ્બનો ત્યાગ કરી સાધુ બની જવાનો સંકલ્પ કર્યો. છતાંય જતાં પુર્વે સીદ્ધાર્થે પુન: કહ્યું કે શાક્ય અને કોલીય બન્ને પરસ્પર સમ્બન્ધી છે, તેથી યુદ્ધ કોઈના હીતમાં નથી. ઉપરાંત ગણરાજ્યોની આપસી લડાઈથી તેઓ નબળાં પડે છે, તેથી નૃપતન્ત્રો (રાજાશાહી)ને ફાયદો થાય છે, તેથી યુદ્ધ વીષે હજીયે પુન: વીચારણા કરવાની આવશ્યક્તા છે.

આ ઘટનાથી મુખ્ય ત્રણ બાબતો ઉજાગર થાય છે. (1) અઢી હજાર વર્ષ પુર્વે આપણા દેશમાં કેવી ભવ્ય શીલ અને સદાચાર પર આધારીત સુચારુ લોકશાહી પ્રવર્તમાન હતી. (2) સીદ્ધાર્થ ગૌતમ યુદ્ધના સખત વીરોધી હતા. કોઈ પણ સમસ્યાનું સમાધાન શાંતીમન્ત્રણા દ્વારા સાધવાના તેઓ પ્રખર હીમાયતી હતા, અને (3) સીદ્ધાર્થનો ગૃહત્યાગનો જે ઈતીહાસ આપણા શાળા–કૉલેજના પાઠ્યપુસ્તકો દ્વારા ભણાવવામાં આવે છે તે કાલ્પનીક અને બનાવટી છે; કારણ કે 29 વર્ષની વય સુધી અને એક બાળકના પીતા બનવા સુધી સીદ્ધાર્થ રાજમહેલમાંથી કદી બહાર જ ન નીકળે અને તેમણે મૃત, રોગી, વૃદ્ધ અને સંયાસી વ્યક્તી કદી જોયા જ ન હોય કે એ વીષે કંઈ જ્ઞાન જ ન હોય એવું કદીયે બનવાજોગ નથી.

ઈ.સ. પુર્વે પાલી ભાષામાં લખાયેલી બુદ્ધની જાતકકથાઓમાં એવો ઉલ્લેખ છે કે સીદ્ધાર્થ તક્ષશીલા વીદ્યાપીઠમાં ભણ્યા હતા, એટલું જ નહીં તેમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. જાતકકથાઓમાં એવાં પણ ઉલ્લેખો છે કે સીદ્ધાર્થ પોતાના પીતાની સાથે ખેતીકામ માટે પોતાના ખેતરોમાં પણ જતા હતા અને ખેતમજુરોની ગરીબી અને શોષણ વીશે પોતાના પીતા સાથે ચર્ચાઓ પણ કરતા હતા. બુદ્ધના ગૃહત્યાગની ઉપરોક્ત ઘટના પણ બુદ્ધની જાતકકથાઓમાંથી જ સંશોધન કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના વીશાળ અને અન્તીમ ગ્રન્થ ‘બુદ્ધ ઍન્ડ હીઝ ધમ્મ’માં લખેલી છે.

બુદ્ધના ગૃહત્યાગની ઘટનાને ઈતીહાસકારોએ ‘મહાભીનીષ્ક્રમણ’ની ઘટના કહી છે; કારણ કે આ ઘટના પછી બુદ્ધે ભારતીય સમાજમાંથી વર્ણવ્યવસ્થા નાબુદીનું મહાઅભીયાન છેડ્યું છે અને તેમાં તેમણે અસાધારણ સફળતા પણ મેળવી છે. બુદ્ધનું આ મહાઅભીયાન વાસ્તવમાં આર્યોની સંસ્કૃતી યાને વર્ણધર્મની અસમાનતા, પુરોહીતોની સર્વોપરીતા અને એકાધીકાર, પશુબલીવાળાં યજ્ઞો, સુરાપાન અને દુરાચાર સામે ખુલ્લો બળવો હતો. બુદ્ધના આ વીદ્રોહનો હેતુ આર્યસંસ્કૃતી હટાવી તેની જગ્યાએ ભારતની મુળ સંસ્કૃતી જે શીલ, સદાચાર અને પ્રજ્ઞા ઉપર આધારીત એવી વીજ્ઞાનવાદી અને માનવવાદી સંસ્કૃતીની સ્થાપનાનો હતો, જે વેદકાલીન બૃહસ્પતી (ચાર્વાક) અને તેની આગળ–પાછળના અનેક આચાર્યો દ્વારા ભારતમાં સદાય પ્રવર્તમાન હતી તે જ સંસ્કૃતીનું પુન:સ્થાપન કરવાનું બુદ્ધનું મહાન ધ્યેય હતું.

ચીની યાત્રી હ્યુ–એન–ત્સાંગે પોતાની નોંધપોથીમાં લખ્યું છે કે ‘બુદ્ધ પ્રથમ ચાર્વાકના વીચારોથી પ્રભાવીત થયા હતા અને તેમના જ વીચારોને પોતાનો અલગ દૃષ્ટીકોણથી લોકો સમક્ષ મુક્યાં. ત્યારબાદ બૌદ્ધભીક્ષુકોએ આ જ્ઞાનને તીબેટ અને ચીનમાં ફેલાવ્યું.’ પ્રખ્યાત ચીની યાત્રીની આ નોંધ ઐતીહાસીક હોવાથી વીચારણીય છે. જાણીતા પશ્ચીમી વીદ્વાન અને ઈતીહાસકાર મેક્સમુલરે પણ નોંધ્યું છે કે બુદ્ધનું એક નામ ‘ચાર્વાક’ પણ હતું. હ્યુ–ઐન–ત્સાંગ અને મેક્સમુલર એ બન્નેની આ નોંધ દર્શાવે છે કે બુદ્ધ અને ચાર્વાક વચ્ચે વીચારધારાનો સમ્બન્ધ અવશ્ય છે. હકીકતો પણ એની સાક્ષી પુરે છે. બુદ્ધ અને ચાર્વાક વચ્ચે વીચારધારામાં અદ્ ભુત સામ્ય પણ છે. બન્નેએ વેદપ્રામાણ્ય, આત્મા–પરમાત્મા, વર્ણવ્યવસ્થા, યજ્ઞાદી ક્રીયાકાંડો, સ્વર્ગ–નરક, પરલોક, મરણોત્તર ક્રીયાકાંડો, ચમત્કારો અને અન્ધશ્રદ્ધાઓના કટ્ટર વીરોધીઓ પણ છે.

બુદ્ધે ચાર્વાકના વીચારોને પોતાના અલગ દૃષ્ટીકોણથી સમાજ સમક્ષ મુક્યાં એવું હ્યુ–એન–ત્સાંગનું કથન પણ સાચું લાગે છે; કારણ કે ચાર્વાકની વીચારધારામાં પંચશીલ અને પ્રજ્ઞા તથા કાર્યકારણ નીયમનો સીધો ઉલ્લેખ નથી. જ્યારે બુદ્ધે પોતાના ઉપદેશમાં પંચશીલ અને પ્રજ્ઞા તથા કાર્યકારણના નીયમને મુખ્ય સ્થાને મુક્યા છે. આમ બુદ્ધનો પંચશીલ અને પ્રજ્ઞાનો ઉપદેશ એ ચાર્વાકદર્શનનું વીશેષ સંશોધીત સ્વરુપ કહી શકાય.

બુદ્ધ અને ચાર્વાક વચ્ચે સમ્બન્ધ હોવાનું ત્રીજું અગત્યનું કારણ એ છે કે જેમ ચાર્વાક અને તેના દર્શનને નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, તેમ જ સીંધુઘાટીની સંસ્કૃતીનો નાશ કરી તેને જમીનમાં દાટી દેવામાં આવી છે તેમ બૌદ્ધધર્મને પણ ભારતમાં સમ્પુર્ણ નષ્ટ કરી તેને પરદેશમાં ભાગી જવાની ફરજ પાડવામાં આવી તેમ જ અનેક બૌદ્ધમન્દીરોને નષ્ટ કરી તેના પર વર્ણવ્યવસ્થાધર્મના દેવોના મન્દીરો બનાવી દેવામાં આવ્યાં છે. બુદ્ધની અસલીયત છુપાવવા માટે બુદ્ધને વીષ્ણુના નવમાં અવતારનું સ્થાન આપવામાં આવ્યું છે. વીષ્ણુનો એક અવતાર કૃષ્ણ વર્ણવ્યવસ્થાનો સ્થાપક હોય અને ત્યાર પછીનો અવતાર વર્ણવ્યવસ્થાનો વીધ્વંસક હોય એ કેવી રીતે બની શકે ? કહેવાય છે ને કે અસત્યને હાથ–પગ (યાને કોઈ આધારો) હોતાં નથી.

સ્વામી સદાનન્દજીનું સંશોધન આ વીષયમાં અનોખું અને વીસ્મયકારક છે. જે વાંચીને આપણને આનન્દના એક આંચકાનો આહ્લાદક અનુભવ થાય છે. તેઓ લખે છે કે બૃહસ્પતી (ચાર્વાક)ની લોકાયત પરમ્પરામાં બુદ્ધ 12માં આચાર્ય છે, જે લોકાયતોનો ક્રમ આ પ્રમાણે છે. (1) બૃહસ્પતી (2) ચાર્વાક (3) અજીત કેશકમ્બલી (4) મક્ખલી ગોસાલ (5) પાયાસી (6) કાશ્યપ (7) સંજય (8) ચાર્વાક બીજો (9) રાવણ (10) બૃહસ્પતી બીજો (11) ચાર્વાક ત્રીજો (12) બુદ્ધ. લોકાયતવાદના અનુયાયીઓ ચાર્વાક કહેવાતા હતા, તેથી બુદ્ધ 12મા ચાર્વાક હતા. બુદ્ધ પહેલાના બધાં આચાર્યો બ્રાહ્મણ હતાં.

ઈ.સ. પુર્વે લખાયેલી બુદ્ધની જાતકકથાઓમાં એવો ઉલ્લેખ મળે છે કે, બુદ્ધ કાયમ કહેતા કે, ‘હું પ્રથમ નથી તેમ જ અંતીમ પણ નથી, મારા પહેલાં મારા જેવા અનેક બુદ્ધ થઈ ગયાં છે, અને મારા પછી પણ અનેક બુદ્ધો થશે.’ 

બુદ્ધ પરમ્પરાના બુદ્ધોને તથાગત કહેવામાં આવે છે. તથાગતનો અર્થ થાય છે ‘અગાઉના બુદ્ધ જે રસ્તે ગયા છે, તે રસ્તે જનારા અન્ય બુદ્ધ.’ ગૌતમ બુદ્ધ 25મા તથાગત હતા; પરન્તુ લોકાયત પરમ્પરા બુદ્ધને 12મા ચાર્વાક ગણે છે, તેથી બૃહસ્પતી પહેલાને આપણે 14મા બુદ્ધ યા તથાગત કહી શકીએ. અર્થાત્ વેદકાલીન બૃહસ્પતી (ચાર્વાક) પહેલાં આપણા દેશમાં એમના જેવાં 13 ચાર્વાક યા તથાગત થઈ ગયાં છે એમ કહી શકાય. વેદકાળ પહેલાંની આ 13 તથાગતોની શ્રેણી આપણને છેક 5000 વર્ષ પુરાણી આપણી સીંધુઘાટીની સંસ્કૃતીમાં પહોંચાડે છે જે દર્શાવે છે કે આ લોકાયતવાદ આપણા દેશમાં સીંધુઘાટીથી ચાલ્યો આવે છે. આ પુસ્તકમાં આ અગાઉ એવો ઉલ્લેખ આવી જ ગયો છે કે બૃહસ્પતીએ લોકાયતવાદના વીચારો અસુરો પાસેથી યાને સીંધુઘાટીમાં વસનારાં આપણા પુર્વજો એવા મુળનીવાસી ભારતીય પાસેથી લીધાં હતાં. સ્પષ્ટ છે કે લકાયતદર્શન યા ચાર્વાકદર્શનની વીચારધારા મુળમાં પ્રાચીન ભારતીય સીંધુઘાટીની સંસ્કૃતીના લોક–ધર્મની વીચારધારા છે. અલબત્ત અહીં જે ચાર્વાક અને તથાગતની શ્રેણીની ગણતરી રજુ થઈ છે તે એકદમ ચોક્કસ સમ્પુર્ણ અને અફર છે એવું હરગીઝ કહી શકાય નહીં; કારણ કે બન્ને પરમ્પરાવાળા પોતપોતાની મરજી મુજબ પોતાના પુર્વજ બુદ્ધો અને ચાર્વાકોની ગણતરી કરતાં હોઈ શકે. બન્ને પરમ્પરાવાળા કેટલાંક ચાર્વાકો અને બુદ્ધોને પોતાની પરમ્પરાના ગણતા હોય. વૈચારીક સમાનતા હોય છતાં કેટલીક લાક્ષણીકતાઓ અને વીશીષ્ટતાઓને કારણે એકબીજા પરસ્પરને ભીન્ન પણ ગણતા હોઈ શકે. ચાર્વાક અને તથાગતની કુલ સંખ્યા ગણવામાં આવે છે, તે પણ ભીન્ન ભીન્ન હોઈ શકે છે; પરન્તુ એક બાબતમાં કોઈ બે મત હોઈ શકે નહીં, એ બાબત એ છે કે લોકાયતવાદ યા ચાર્વાકદર્શનના મુળ સીંધુઘાટીની સંસ્કૃતીમાં છે. અર્થાત્ ચાર્વાકદર્શન એ મુળ ભારતીયજીવન પ્રણાલી છે.

સ્વામી સદાનન્દજીનું સંશોધન કહે છે કે લોકાયત પરમ્પરાના 11મા આચાર્ય ચાર્વાક ત્રીજો એ દુર્યોધનનો મીત્ર હતો. બુદ્ધ 12મા આચાર્ય ગણાતા હોવાથી એમ કહી શકાય કે દુર્યોધનના કાળમાં થયેલું કહેવાતું મહાભારતનું યુદ્ધ બુદ્ધ પહેલાના કાળમાં થયું હોવું જોઈએ. વાસ્તવમાં તે આર્ય–અનાર્ય સંઘર્ષ જ હશે; પરન્તુ આર્ય–અનાર્ય સંઘર્ષને યા સાચા ઈતીહાસને છુપાવવા માટે તેને બે ભાઈઓના રાજકીય સંઘર્ષમાં ખપાવવામાં આવ્યું છે. અલબત્ત આ યુદ્ધમાં બન્ને પક્ષના મોટાભાગના વીર અને વીદ્વાન યોદ્ધાઓનો નાશ થયો છે. અલબત્ત આર્યોએ ભારતના મુળનીવાસીઓને પરસ્પરમાં લડાવીને ખતમ કરી નાખીને દેશને ખુબ નીર્બળ બનાવી દીધો લાગે છે. તેથી મહાભારતના યુદ્ધ પછી ભારતમાં આર્યોનું અને તેમના વર્ણધર્મનું પ્રભુત્વ ખુબ વધી ગયું હોવું જોઈએ. દેશ–વીદેશના અનેક ઈતીહાસકારોએ નોંધ્યું છે કે બુદ્ધ પહેલાંના ભારતમાં આર્યોના પશુબલીવાળાં યજ્ઞો, ખુલ્લા વ્યભીચારો અને નશાખોરી સહીતના અનેક દુરાચારો અને અત્યાચારોએ માઝા મુકી દીધી હતી. તેમ છતાંય ભારતીય મુળ ધર્મ લોકાયતવાદના આચાર્યો સમગ્ર દેશમાં વીવીધ સ્થળે પથરાયેલાં હતાં જ, જેના પરીણામે જ આર્યધર્મના પરાકાષ્ઠાના કાળમાં બુદ્ધ અને મહાવીર જેવાં વૈદીક સંસ્કૃતીના વીરોધી તથાગતો અને જૈન તીર્થંકરોનો ઉદ્ ભવ શક્ય બન્યો હતો.

————————————–

ચતુર્વર્ણવ્યવસ્થા, યજ્ઞસંસ્કૃતી, ઈશ્વરવાદ અને રાજાશાહી મુળભારતીય નથી.

કૃષ્ણ ર્વર્ણવ્યવસ્થાના કર્તા કે સમર્થક નથી; પરન્તુ તેઓ આર્યસંસ્કૃતીના વીરોધી અને સીંધુઘાટીની ભારતીય સંસ્કૃતીના રક્ષક એવા અસુર–અનાર્થ મહાનાયક છે.

સીંધુઘાટીમાં વસનારા આપણા પુર્વજો પ્રકૃતી–પુજક, માતૃપુજક અને લીંગયોની પુજક હતાં. રુદ્ર (શીવ) એ અનાર્ય ગણનાયક હતાં. યજ્ઞસંસ્કૃતીના ધ્વંસક હતાં.

સીંધુ સંસ્કૃતી એ જ અસલ હીન્દુ સંસ્કૃતી છે. બુદ્ધ અને મહાવીરે આ અસલ હીન્દુ સંસ્કૃતીનું જ પુન:સ્થાપન કર્યું હતું. જે ચાર્વાકદર્શનનું જ વીશેષ સંવર્ધીત સ્વરુપ હતું.

————————————

–એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 60 થી 65 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

22 Comments

 1. અમારા મોસાળના ગામના શ્રી. એન. વી. ચાવડા નો લેખ
  અને
  આપનો ચાર્વાક દર્શન અંગે નો નિર્ણય ઘણો ગમ્યો
  દંભી કરતા નાસ્તીક અમને ગમે છે
  અમારા કુટુંબ સ્નેહીઓમા ઘણા સભ્યો પોતાની પાત્રતા સત્ય અહીંસા ચોરી ન કરવી…ઇ દ્વારા
  સાધવામા માને છે …
  ધન્યવાદ

  Liked by 1 person

 2. NO NEED TO HIGHLIGHT “ASTIK MATHI NASTIK THAI GAYA” EVERY TIME WHEN YOU QUOTE N V CHAVDA IN ANY ARTICLE.
  THIS SHOWS YOUR TEMPTATION TOWARDS ASTIK SAMAJ, WHERE AS ABHIVYAKTI IS OPEN TO ALL LIKE AS PERMITTED IN INDIAN CONSTITUTION.

  AWAITING CHARVAK e.book

  Liked by 1 person

  1. ‘અભીવ્યક્તી’ની મુલાકાતે આવનાર નવા વાચકમીત્રોની જાણ માટે લખવામાં આવે છે કે શ્રી. ચાવડાસાહેબ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. જે વાચકમીત્રે ચાવડાસાહેબનો પરીચય વાંચ્યો/જાણ્યો હોય તેઓએ ફરીથી પરીચય વાચવાનો રહેતો નથી.

   Like

 3. Himattlal Joshi (Aata) na avsan na samachar jani dhkh thayu. Chhata teo varso thi charvakvaad jivan jivi gaya ane aapna rational mitrone ek Uttam udaharan aapta gaya ke manushyoparjit bhagvan vagar pan sukhad jivan gujari shakai chhe. Aathi vishesh aapne rational mitrone biju su joiye Aata aapni vachche sadaye raheshe. Saras lekh aapva badal aabhar Govindbhai ane N V Chavda banneno.

  Liked by 1 person

 4. અદ્દ્યતન લોકશાહી (Democracy) અને અમીરશાહી (Aristocracy) વચ્ચેનો ભેદ જાણવો અને સમજવો જરૂરી છે. રાજાની એકહત્તુ સત્તા અટકાવવાના હેતુથી સમાજનો ઉપલો વર્ગ રાજાપર બંધન નાંખવામાં ઘણે ઠેકાણે સફળ થયો છે. મધ્યયુગના બ્રીટનમાં મેગ્નાકાર્ટા નામનો કરાર થયો હતો એ વધુ જાણીતો અમીરશાહીનો દાખલો છે.
  અર્વાચીન કાળની પ્રથમ લોકશાહી USA, પણ ખરા અર્થમાં લોકશાહી નહોતી. શરુઆતમાં માત્ર પ્રોપર્ટી ઓનર્સનેજ મતાધીકાર હતો. (અમીરશાહી) લાંબા સમય સુધી સ્ત્રીઓ, કાળા લોકો વગેરેને મતાધીકાર નહોતો. પ્રાચીન રોમની સેનેટ કે પછી આપણા પ્રાચીન વૈશાલી ગણરાજ્યમાં પણ અમીરશાહીજ હતી, લોકશાહી નહોતી એવું વાંચવામાં આવ્યું છે. તો પછી શાક્યગણ અને કોલીયગણ માં લોકશાહી હતી કે અમીરશાહી એ બાબત વધારે જાણકાર વાચક આ વિષયપર સંદર્ભ સાથે વધુ પ્રકાશ ફેંકે તે જરુરી છે.
  ગળે ઉતરે એવું સત્ય બહાર આવે તો અમારા જેવા ખોટો પ્રચાર કરતા બચી શકે. જ્યારે ૯૫-૯૯ ટકા લોકો અશીક્ષીત હોય ત્યારે લોકશાહી શક્ય છે ખરી? વીચારવા જેવી વાત છે.

  Liked by 2 people

 5. આર્ય અનાર્ય એ આખી એક બનાવટી થીએરી છે. શિવને અનાર્ય કહેવા એ કહેવા અને લીંગ યોની ના એક જાતીય સ્વરુપમાં અર્થ ઘટન કરવું તે પણ એક અજ્ઞાનતા જ મને તો લાગે છે. અગ્નિ-રુદ્ર-ઇશાન-પશુપતિ-શિવ એ બધામાં એક ઐક્ય પણું સ્પષ્ટ દેખાય છે. જો વેદ-ઉપનિષદ (ઈશાવાસ્ય, શ્વેતાશ્વતર, યાજ્ઞ્યવલ્ક્ય વિગેરે) વાયુપુરાણ ને સામે રાખીને સાથે વાંચીએ તો આ વાત દિવા જેવી સ્પષ્ટ દેખાય છે.

  અમને જોકે એવું ભણાવવામાં આવેલ કે આર્યો (કહેવાતા આર્યો મધ્યએશિયાથી આવેલ) તેઓમાં લોકશાહી (ગણ રાજ્ય) હતી.

  અહીં તેમાંથી પીછે હઠ કરવામાં આવી લાગે છે અને ઉંધીવાત જ કહેવામાં આવી છે. [“આર્યોએ 16 રાજ્યોને ત્યાં સુધીમાં હરાવીને ત્યાં પોતાની રાજાશાહી સ્થાપવામાં સફળતા મેળવી લીધી હતી.]

  વાસ્તવમાં એઆઈટીના પ્રમોટરોએ તેમની થીયેરીથી જે નવા પ્રશ્નો ઉભા થાય છે તેના તર્ક બદ્ધ જવાબો આપવા જોઇએ. બાકી તો એવી થીએરી પણ આપી શકાય કે આર્યો ઓસ્ટ્રેલીયા થી આવ્યા હતા.

  સરસ્વતી સંસ્કૃતિ એ જ ભારતીય સંસ્કૃતિ છે અને આર્ય અનાર્ય જેવી કોઈ જાતિઓ જ ન હતી.

  Like

 6. I support M. Gada’s balanced views expressed above.

  Our real and authentic history starts from Buddha’s time period. What we call Sanatan Dharma or Hindu tradition today is based on the Puranas much older than Buddha’s time, which was 2500 years ago.

  Rational thinkers must guard against interesting but imaginary fantasies and stories of the ancient illiterate ages. These stories keep changing. People keep adding to them. Telling such tall tales without adequate proof will do no good to anybody. Thanks. — —Subodh Shah.

  Liked by 2 people

 7. Friends,
  The article written by Mr. N.V.Chada , created more interest to go into the details of democracy in India. The article refers to the time of Budhha…Gautam Budhha only.
  The article created in my mind ,more interest to study ” The Ancient Greek Democracy as a reference. I used http://www.google.com for info.
  The first info: Ancient Greek Democracy :
  In the year 507 B.C., the Athenian leader Cleisthenes introduced a system of political reforms that he called demokratia, or ” rule by the people.” The system was comprised of three separate institutions : The ekklesia, a sovern governing body that wrote laws and dictated foreign policy. The boule : a council of representatives from the ten Athenian tribes; and The dikastoria : the popular courts in which citizens argued cases before a group of lottery – selected jurors. Although this Athenian democracy would survive for only centuries, Cleisthenes ‘ invention was one of ancient Greek’s most enduring contributions to the modern world.
  This article I sent as a reference that we can use to study in details, the article appeared in ABHIVYAKTI.
  More references, for those who are interested in the history of democracy in the world..in ancient time.

  Use…www.google.com
  Subjects, Enter…
  1. History of Democracy. Article by Wikipedia
  2. History of democracy in Ancient India By. Rakesh Goyal and
  3. Democracy in Ancient India. By. Steve Muhlberger. ( Associate Professor of History, Nipissing University.)
  Hope the interested reade will have more info.
  Thank you.
  Amrut Hazari.

  Liked by 1 person

 8. Hajaro varsh pahela game te hoy ,e vagolya karava no arth nathi .Najik na bhutkalma ,etleke jyarthi aapnane authentic history ni jan chhe,tyar thi anhi rajashahi ,ne prajana nashibe gulamgiri j hati ,e to sarva swikarya chhe.Ne e j aapna lohima vanai gayu chhe.Hajaro varsha na vivadaspad bhavya bhutkal ne vagolya karvo,e vitandavad ma samay nast karavo,j chhe.

  Like

 9. પ્રમાણભૂત ઐતિહાસિક તથ્યો દર્શાવતો સરસ લેખ. ચર્વાક વિશેનું આપનું મંતવ્ય ગમ્યું.

  Liked by 1 person

  1. વહાલા ગાંડાભાઈ,
   લેખકમીત્ર શ્રી. એન. વી. ચાવડાનો લેખ ‘લોકશાહી : પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 10. સરસ માહીતી આપતો લેખ. હાર્દીક આભાર ગોવીંદભાઈ અને એના લેખક ભાઈ શ્રી. ચાવડાનો.
  ભારતના મુળ નીવાસીઓ અને આર્યો, જે ભારત બહારથી આવ્યા હોવાનું માનવામાં આવે છે, એ હકીકત કદાચ સાચી હોવી જોઈએ. અને તો સામાન્ય રીતે બને છે તેમ હારેલી પ્રજાને જીતેલી પ્રજા નીચી માને એ સમજી શકાય, ભલે પછી એ હારેલી પ્રજા પાસે જીતેલી પ્રજા કરતાં વધુ સારી સંસ્કૃતી કેમ ન હોય.

  Liked by 1 person

 11. આતાજી ને ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક અર્પણ કરીને ‘અભીવ્યક્તી’ પરીવાર તેમને ઈ.અંજલી આપશે એ નિર્ણય માટે અને આ રીતે અભિવ્યક્તિ આતા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરશે એ માટે આપને ધન્યવાદ.

  Liked by 1 person

  1. દર સપ્તાહે નવો લેખ મુક્યાની જાણ કરતી મારી મેલની સાથે તે અગાઉના સપ્તાહના લેખની પીડીએફ મોકલવામાં આવે છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘પીડીએફ્સ’ વીભામાં આગલા બધા જ લેખોની પીડીએફ્સ મુકવામાં આવી છે. અહીંથી જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

   Like

 12. Very good informative article.Came to know different thoughts requiring more detailed study / research.–Institutes like Oriental (prachya vidya vibhag, VADODARA University or Bhandarkar Institute, Pune can do some research & throws more light.
  Congratulations to both –the writer Shri Chavada & Yourself Shri Govindbhai for sharing enlightening thoughts. —Navin Nagrecha, Pune.

  Liked by 1 person

 13. Chavda bhai’s thought processes are driven by hate towards “aaryans” — whatever way he wants to define them and distinguish them from “native Indians” or “anaryas” :-). That is really ridiculous. Do you know that __all__ human beings (yes, ancestors of all 7 billions people) have migrated outside of Africa some 60,000 years ago. (Check out the DNA based research by National Geographic – https://genographic.nationalgeographic.com/human-journey/).

  But nope! “Rationalists” would like to differentiate and blame all bad things to pin on something or a set of people.

  It is funny how positive point of view and hate based point of view differs. Gunvant Shah’s booklet on Buddha highlights the fact that Buddha never criticised Vaidik thought processes. Similarly none of the Shankaracharya’s literature criticises Buddha. Gautam Buddhas whom traditional Hindus hated at the beginning gave him the honour of Vishnu’s avatar at later point. Gu. Shah notes it as a positive sign. Mr. Chavda sees this whole thing from the lens of hate. It is not a very good emotion, sir; and its deep origin is in fear. Remember Master Yoda? “Fear is the path to the dark side. Fear leads to anger. Anger leads to hate. Hate leads to suffering.” Ironically, I think that dialog of Master Yoda has its roots in Buddha’s thoughts.

  बुद्धम शरणं गच्छामि …

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s