ચાર્વાકદર્શનના પ્રશંસક મહાનુભવો

મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ગુરુ બૃહસ્પતી (ચાર્વાક)માં સદ્ ગત હીમ્મતલાલ જોશી અતાઈ બહુ જ રસ ધરાવતા હતા. એટલું જ નહીં ‘ચાર્વાકદર્શન’ મુજબનું જીવન જીવી જનારા આતાદાદાને ઈ.અંજલી રુપે ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક અર્પણ કરીને આ સાથે ઈ.બુક પ્રગટ કરવામાં આવે છે.

‘ચાર્વાકદર્શન’ ઈ.બુક ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books/ માંથી ડાઉનલોડ કરવા સર્વમીત્રોને વીનન્તી છે. જે કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેઓ મને પોતાના નામ, સરનામું અને ફોન નમ્બર સાથે મેલ લખશે તો તેમને હું ઈ.બુક મોકલીશ.

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

લો, હવે વાંચો આજનો લેખ ‘ચાર્વાકદર્શનના પ્રશંસક મહાનુભવો’ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

ચાર્વાકદર્શનના પ્રશંસક મહાનુભવો

કૌટીલ્ય :

ચાણક્ય એ જ કૌટીલ્ય. ખ્યાતનામ અર્થશાસ્ત્રના રચયીતા. જેને કૌટીલ્યનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ચાણક્યનું મુળ નામ વીષ્ણુગુપ્ત હતું. જગમશહુર તક્ષશીલા વીદ્યાપીઠના તેઓ વીદ્યાર્થી, અધ્યાપક અને આચાર્ય પણ રહી ચુક્યા હતા. ‘શીક્ષક કદી સાધારણ હોતો નથી’ એવું એમનું વીધાન આજે પણ આપણા વીદ્વાનોના હૈયે અને હોઠે રમતું જોવા મળે છે. કૌટીલ્યે એક ભારતીય મુળના ક્ષત્રીય અને મુરા નામની દાસીથી ઉત્પન્ન ચન્દ્રગુપ્તને ખાસ વીશેષ પ્રશીક્ષણ આપી નન્દવંશના ધનનન્દનો તેના દ્વારા નાશ કરાવી મગધનો એવો શાસક બનાવ્યો કે જે સમગ્ર ભારતનો સૌપ્રથમ ચક્રવર્તી સમ્રાટ બન્યો. વીદેશી ગ્રીકોને હરાવનાર પણ એ પ્રથમ શુરવીર હતો. મુરા નામની દાસીનો તે પુત્ર હોવાથી તેનો વંશ મૌર્યવંશ તરીકે ઓળખાય છે. Ashok the great ‘મહાન અશોક આ ચન્દ્રગુપ્તનો પૌત્ર અને બીન્દુસારનો પુત્ર હતો. તેણે બૌદ્ધધર્મ સ્વીકારી તેને દેશ અને દુનીયામાં પણ ફેલાવ્યો તેમ જ ભારતમાં અભુતપુર્વ ધાર્મીક, સામાજીક, રાજનૈતીક, આર્થીક અને શૈક્ષણીક ઉત્કર્ષ સાધી સદાચાર અને સમભાવનું શાસન સ્થાપ્યું. જેના વીશે સ્વામી વીવેકાનન્દજી લખે છે કે ‘બુદ્ધયુગમાં આવા (ચન્દ્રગુપ્ત અને અશોક જેવા) પૃથ્વીપતીઓએ સાર્વભૌમ સત્તા ચલાવીને ભારતને કીર્તીને શીખરે પહોંચાડ્યું હતું એવા સમ્રાટો ભારતના સીંહાસન ઉપર કદી આવ્યા ન હતાં.’

ભારતના ઈતીહાસકારો લખે છે કે ચન્દ્રગુપ્તનું રાજ્ય ભારતનું સર્વપ્રથમ કલ્યાણ રાજ્ય હતું. જે વાસ્તવીક અર્થમાં પ્રથમ રાષ્ટ્રીય સમ્રાટ હતો.’ અશોકની પ્રશંસા કરતા આ ઈતીહાસકારો લખે છે કે ‘ઉદ્યમશીલ, પ્રજ્ઞાવંત અને વાસ્તવીકતાના ભાનવાળા, આદર્શવાદ સહીત અનેક સદ્ ગુણો ધરાવતો અશોક જગતના સર્વોચ્ચ રાજવીઓની પંક્તીમાં પ્રથમ સ્થાન ધરાવે છે, જેનું અંગત જીવન સાધુ જેવું અન્તીમ કાળે ભીક્ષુ જેવું જીવન હતું. 40 વર્ષ સુધી ધર્માનુશીલન અને ધર્માનુશાસન દ્વારા ‘દેવોના પ્રીય’ પ્રીયદર્શી અશોકે માનવ ઈતીહાસમાં ચીરસ્મરણીય રાજર્ષીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.’

રાજા–મહારાજાઓની પ્રશંસા કરી શકાય કે આદર આપી શકાય એવું કશું જ નથી હોતું એવું માનનાર અને એમને ઉતારી પાડવાનો વધારે પડતો શોખ ધરાવનાર પંડીત જવાહરલાલ નહેરુએ પણ ‘જગતના ઈતીહાસનું સંક્ષીપ્ત રેખાદર્શન’માં ચન્દ્રગુપ્ત અને અશોકની બે મોઢે પ્રશંસા કરતા લખ્યું છે કે ચન્દ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એ ઈતીહાસમાં હીન્દુસ્તાનમાં ઉદ્ ભવેલા બળવાન અને વીસ્તૃત સામ્રાજ્યોનું પ્રથમ દૃષ્ટાંત છે’ અને એવા સામ્રાજ્યની સ્થાપના માટે એમણે ચન્દ્રગુપ્તના સાથી અને ગુરુ એવા કૌટીલ્ય તથા તેના અર્થશાસ્ત્રની ભુમીકાને જવાબદાર ગણી છે.

વાસ્તવમાં મૌર્ય સામ્રાજ્યકાળ એ ભારતનો સાચો સુવર્ણકાળ હતો. ભારતની સર્વાંગી પ્રગતીની સુવાસ ત્યારે સમગ્ર વીશ્વમાં ફેલાઈ ચુકી હતી. જેનું મુખ્ય કારણ કૌટીલ્યના અર્થશાસ્ત્ર પ્રેરીત સુશાસન–પ્રશાસન હતું. કૌટીલ્યનો આવીર્ભાવ બુદ્ધ પછી લગભગ 300 વર્ષે થયો છે. તેથી કહી શકાય કે ત્યાં સુધીમાં તક્ષશીલામાં બુદ્ધ વીચારધારાના પ્રશીક્ષણની શરુઆત ખુબ પ્રભાવક રીતે થઈ ગઈ હશે, તેથી કૌટીલ્ય અને ચન્દ્રગુપ્ત બન્નેનું શીક્ષણ તક્ષશીલામાં થયું હોવાથી બન્ને પર બુદ્ધ અને મહાવીરની વીચારધારાનો પ્રભાવ હોય એ સ્વાભાવીક છે. બુદ્ધનો પ્રભાવ એટલે વર્ણવ્યવસ્થા, તદ્જન્ય ક્રીયાકાંડો અને માન્યતાઓનો અભાવ એ સ્પષ્ટ છે, અને જોઈ પણ શકાય છે કે મૌર્યસમ્રાટો પુરોહીતોની સર્વોપરીતા અને એકાધીકારને માન્ય ન કરવા ઉપરાંત યજ્ઞયાગાદી ક્રીયાકાંડોને અનુસરનારા પણ નહોતા. ઈતીહાસ કહે છે કે પુરોહીતોની વીના પરીશ્રમની આજીવીકાના કર્મકાંડો મૌર્યકાળમાં યા બુદ્ધકાળમાં લગભગ સમાપ્ત થઈ ગયાં હતાં.

કૌટીલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં શુદ્ર–ગુલામોના ઉત્કર્ષ માટે જે ઉપાયો અને સુધારાઓ સુચવ્યાં છે, તે પણ આ બાબતની સાક્ષી પુરનારાં છે. ધર્મશાસ્ત્રે જેને ગુલામ ગણી માત્ર ઉપરના વર્ણોની સેવા કરવાના જ હુકમો કર્યા હતા તેમને માટે કૌટીલ્યે ભુમીહીન શુદ્રો માટે ભુમી, પશુ, ખેતીનાં સાધનો, જમીનનો ભોગવટાનો અધીકાર આપ્યો હતો. શુદ્રોને ગુપ્તચર, લશ્કર અને સંદેશાવાહક જેવાં ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર મુક્યા હતાં તેમ જ શુદ્ર–સ્ત્રીઓને પણ ગુપ્તચર વીભાગમાં મુકવાનો તે હીમાયતી હતો. આ બાબતો પણ કૌટીલ્ય વર્ણાશ્રમધર્મનો વીરોધી હોવાનું પુરવાર કરે છે.

કૌટીલ્ય માત્ર બૌદ્ધ વીચારધારાનો જ નહીં; પરન્તુ બૃહસ્પતીની લોકાયતવાદની નાસ્તીક વીચારધારાનું પણ તેણે સમર્થન કરેલું જણાય છે. તેણે સાંખ્ય, યોગ, અને લોકાયતની ત્રીપુટીને આન્વીક્ષીકી વીદ્યા કહી છે. આન્વીક્ષીકી એટલે અન્વેષણ કરનારી વીદ્યા અર્થાત્ સંશોધન કરનારી વીદ્યા. કૌટીલ્ય માને છે કે ધર્મ, શાસન–પ્રશાસન અને લોકજીવન વ્યવહારમાં સત્ય–અસત્યનું પરીક્ષણ આન્વીક્ષીકી દ્વારા જ થઈ શકે છે. કૌટીલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં લખે છે કે ‘ત્રયીમાં ધર્મ– અધર્મનું, વાર્તામાં અર્થ– અનર્થનું અને દંડનીતીમાં નય અને અપનયનું વીવેચન હોય છે. આન્વીક્ષીકી એ તર્કથી ત્રયી, વાર્તા અને દંડનીતીના બળાબળનું પરીક્ષણ કરે છે, તેથી તે લોકો માટે ઉપકારક થાય છે. આપત્તી અને સમ્પત્તીના કાળે તે લોકોની બુદ્ધીને સ્થીર રાખે છે તેમ જ લોકોને પ્રજ્ઞા, ભાષા અને ક્રીયાની બાબતમાં નીપુણ બનાવે છે, તેથી આન્વીક્ષીકી સર્વવીદ્યાઓની માર્ગદર્શક છે. સર્વકર્મોનું સાધન છે, સર્વધર્મોનું (કર્તવ્ય અને નીયમોનું) આશ્રયસ્થાન છે.’

સ્પષ્ટ છે કે બૃહસ્પતીની લોકાયત (ચાર્વાક) વીચારધારાના કૌટીલ્ય જબરા સમર્થક છે. એ જ રીતે કૌટીલ્ય રાક્ષસરાજ હીરણ્યકશીપુના વંશના પણ જબરા પ્રશંસક જણાય છે; કારણકે આથર્વણવીધી કહેતી વખતે તેમણે કહ્યું છે કે ‘હું વીરોચનપુત્ર બળીને વન્દન કરું છું’ તેમ જ તેની સાથે ઈતર અસુરોને વન્દન કરવાની વીધી પણ કહી છે. પ્રશ્ન એ છે કે કહેવાતાં રાક્ષસો પ્રત્યે કૌટીલ્યને આટલો બધો લગાવ શા માટે હશે ? સ્પષ્ટ છે કે આ બધાં રાક્ષસ રાજાઓ લોકાયતવાદના પુરસ્કર્તા હશે. લોકાયતવાદનો સમ્બન્ધ હમ્મેશાં રાક્ષસો, દૈત્યો, દાનવો, અસુરો કહેવાતાં લોકો સાથે જ રહ્યો છે, તે સર્વવીદીત છે. મહાભારતમાં દુર્યોધનનો મીત્ર ચાર્વાક રાક્ષસ કહેવાયો છે. રાક્ષસો, અસુરો આદી ભારતના મુળનીવાસી ક્ષત્રીયો હોવાથી તેઓ આર્યોના વર્ણાશ્રમ, યજ્ઞો, ઈશ્વરવાદ અને આપખુદશાહીના વીરોધી હતાં. લોકાયતદર્શન લોકસીદ્ધરાજાને જ ઈશ્વર માને છે. લાગે છે કે ચન્દ્રગુપ્ત અને અશોક કૌટીલ્યના માર્ગદર્શન તળે જેમ પ્રજાવત્સલ પ્રજાપ્રેમી બન્યાં હતાં તેમ બૃહસ્પતીની લોકાયતદૃષ્ટીના માર્ગદર્શન દ્વારા અસુર રાજાઓ પણ એમના જેવા જ પ્રજાપાલક હશે, તેથી જ કૌટીલ્ય વીરોચન પુત્ર અર્થાત્ હીરણ્યકશીપુના પુત્ર પ્રહલાદના પૌત્ર બલીને વન્દન કરે છે. બલીરાજાની યાદ આજે 3000 વર્ષ પછી પણ ભારતવાસીઓના હૃદયમાં જળવાઈ રહી છે, તે જ તેની લોકપ્રીયતા અને સદ્ ગુણો તથા મહાનતાનો પુરાવો છે (બલીરાજાની લોકપ્રીયતાની વીગતો આ પુસ્તકના પ્રારમ્ભના પ્રકરણમાં આવી ગઈ છે) તેથી અહીં તેનું પુનરાવર્તન આવશ્યક નથી.)

કૌટીલ્ય વીશે એક ચીન્તનીય બાબત એ પણ છે કે વૈદીકકાળમાં બૃહસ્પતીએ જેમ અર્થશાસ્ત્ર લખેલું તેમ તેના હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ અર્થશાસ્ત્ર જ લખ્યું છે. (ચાર્વાકદર્શનનું મુળનામ બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર છે.) અર્થશાસ્ત્ર એટલે સમ્પત્તીશાસ્ત્ર, અર્થાત્ બૃહસ્પતી અને કૌટીલ્ય બન્ને અર્થશાસ્ત્રને જ પ્રથમ પુરુષાર્થ માને છે. કામશાસ્ત્રને બીજો પુરુષાર્થ માને છે. ધર્મ અને મોક્ષ એમને માટે કોઈ પુરુષાર્થ છે જ નહીં. બૃહસ્પતી અને કૌટીલ્ય પૃથ્વી પરના સુખને જ સ્વર્ગ માને છે અને મૃત્યુને મોક્ષ માને છે. ધર્મ યાને ઈશ્વરપુજા – પ્રાર્થનાથી જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. પૃથ્વી પર સુખ પ્રાપ્તી માટે સમ્પત્તી– અર્થ આવશ્યક છે. કામતૃપ્તી આવશ્યક છે. સ્વર્ગ, નરક, પરલોક અને પરમાત્માનો કોઈ પુરાવો નથી, એવું આર્યોના ગુરુવર્ય દેવર્ષી બૃહસ્પતી ચાર્વાકસુત્રમાં સ્પષ્ટ કહી ગયા છે જેની સત્યતા આજે આપણે આપણા તર્ક અને અનુભવ વડે પ્રમાણી શકીએ છીએ.

જ્યોતીબા ફુલે :

હીરણ્યકશીપુ અને અન્ય રાક્ષસોના સન્દર્ભમાં પુના–મહારાષ્ટ્રના અને ભારતના સર્વપ્રથમ આધુનીક ક્રાન્તીકારી એવા જ્યોતીબા ફુલેએ 1872માં લખેલા ‘ગુલામગીરી’ પુસ્તકમાં ભારતનો પ્રાચીન ઈતીહાસ સંશોધીત કરીને રજુ કર્યો છે તે આપણી હીન્દુપ્રજાને ચોંકાવનારો અને કાફી ચીન્તનીય તથા આપણા ઈતીહાસ વીશે પુન: વીચારણા કરનારો છે. જ્યોતીબા ફુલેએ પોતાના આ ગ્રન્થમાં સર્વપ્રથમ સ્પષ્ટ કર્યું છે કે બ્રહ્મા, વીષ્ણુ, સરસ્વતી, લક્ષ્મી, મત્સ્ય, વરાહ, વામન, નૃસીંહ, પરશુરામ વગેરે યુરેશાઈ આર્ય બ્રાહ્મણ હતા. પોતાના પુર્વજ બ્રહ્માના વારસદારો હોવાથી આર્યો પોતાને બ્રાહ્મણ તરીકે અને ભારતના મુળ નીવાસીઓને ક્ષત્રીય, રાક્ષસ અને દાનવ, દૈત્ય, અસુર આદી સંજ્ઞાઓથી ઓળખાતાં હતાં. જેમાંના હીરણ્યાક્ષ, હીરણ્યકશીપુ, પ્રહલાદ, વીરોચન, બલી, બાણાસુર વગેરે ભારતના મહાબળવાન અને સદ્ગુણી તથા સદાચારી  મહાનાયકો હતા. તેમને આર્યોએ દગાથી મારી નાખીને ભારતમાં પોતાનું રાજ સ્થાપી વર્ણવ્યવસ્થા, યજ્ઞસંસ્કૃતી અને ઈશ્વરવાદની સ્થાપના કરી અને બનાવટી ગ્રન્થોની રચના કરી, વર્ણવ્યવસ્થાને ઈશ્વરકૃત અને પોતાને વીશ્વના ગુરુ અને ઈશ્વરથી પણ શ્રેષ્ઠ જાહેર કર્યા. પોતાનો દગો, જુઠ અને ભોગવાદ છુપાવવા માટે તેમણે પોતાના બનાવટી ગ્રન્થોમાં ઈશ્વરના અવતાર અને ચમત્કારોની રચનાઓ કરી જેનો પ્રચાર આજે પણ ચાલુ છે.

સાચા ઈતીહાસના સંશોધન અને સમાજસુધારણા માટે જ્યોતીબા‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી હતી. જેમાં આપણા અનેક બ્રાહ્મણો પણ જ્યોતીબાને ખુબ સહાયક બન્યાં હતા. અંગ્રેજ સરકાર અને આપણા દેશના મહાનુભાવોએ સાથે મળીને જ્યોતીબાને મહાત્માની ઉપાધીથી વીભુષીત કર્યા હતા. જેમને માટે ગાંધીજીએ પણ કહેલું કે ‘સાચા મહાત્મા જ્યોતીબા ફુલે છે.’ સ્વામી સદાનન્દજી મહારાજ પોતાના ગ્રન્થ ચાર્વાકદર્શનમાં લખે છે કે ચાર્વાક એટલે પ્રાચીન ભારતના મહાત્મા ફુલે અને મહાત્મા ફુલે એટલે આધુનીક ભારતના ચાર્વાક.’ વૈદીક બૃહસ્પતી અને અર્વાચીન ફુલેની આ અન્યોઅન્યાશ્રયી ભવ્ય તુલના કરી સ્વામી સદાનન્દજીએ કમાલ કરી દીધી છે. જે આપણા માટે જેટલી આહ્લાદક છે, તેટલી જ આપણા ઈતીહાસ માટે પુન: વીચારણીય છે. સ્વામી સદાનન્દજી લખે છે કે જ્યોતીબા ફુલેએ ચાર્વાકદર્શનમાંથી પ્રેરણા લીધી હતી; કારણ કે જ્યોતીબા ફુલે બૃહસ્પતી નામનો અને વીચારધારાનો આદરપુર્વક ઉલ્લેખ કરતાં લખે છે કે ‘બૃહસ્પતી નામનો મહાવીદ્વાન શોધક આ દેશમાં હતો, તેણે જે કંઈ લખ્યું છે, તેમાંથી થોડુંક આ પ્રસંગે આપની જાણકારી માટે આપુ છું’. વધુ એક ઠેકાણે શ્રાદ્ધ પાછળનો હેતુ સ્પષ્ટ કરવા માટે તેઓ લખે છે કે ‘આ વીશે બૃહસ્પતી નામના મહાસત્પુરુષના ગ્રન્થમાંનો આધાર આપું છું.’ એમ કહીને તેમણે ‘તતશ્વ જીવનો પાયો’ વાળો ચાર્વાકનો મુળ શ્લોક સંસ્કૃતમાં ઉદ્ધૃત કર્યો છે.’

સ્વામી સદાનન્દજીએ આપેલી આ વીગતો જોતા લાગે છે કે મહાત્મા જ્યોતીબા ફુલેએ લખેલો આર્ય બ્રાહ્મણ અને ક્ષત્રીય અસુરો વચ્ચેના સંઘર્ષનો ઈતીહાસ (જેને ઈતીહાસકારોએ પણ બ્રાહ્મણ – ક્ષત્રીય સંઘર્ષ અને પુરાણકારોએ દેવાસુર સંગ્રામ કહ્યો છે) તે બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી સંશોધીત કરીને લીધો હોવો જોઈએ અને એવું અનુમાન બાંધવા પાછળ સ્પષ્ટ કારણ પણ છે કે જેમ આર્યપંડીતોએ ચાર્વાકદર્શનનો નાશ કર્યો છે, તેમ જ્યોતીબા ફુલે અને તેમની વીચારધારાની પણ ભારતના આધુનીક વર્ણવાદીપંડીતોએ અને શાસકોએ ઉપેક્ષા કરી છે. ભારતના લોકો જ્યોતીબા ફુલેના નામથી સાવ અપરીચીત છે; કારણ કે દેશની શાળા–કૉલેજોના ઈતીહાસના ગ્રન્થોમાં અને પાઠ્યપુસ્તકોમાં જ્યોતીબા ફુલે જેવા ભારતના પ્રથમ ક્રાંતીકારી મહાપુરુષનું નામ શોધ્યું જડતું નથી. આઝાદીના 50 વર્ષ પછી શરુ થયેલી નવજાગૃતીની ચળવળને કારણે હવે આપણા સમાજના અમુક લોકોમાં અને એમના દ્વારા મહાત્મા ફુલેનું નામ ઉજાગર થવા લાગ્યું છે. ગુજરાતના વીશ્વવીખ્યાત વીચારકો સ્વામી સચ્ચીદાનન્દજી(દંતાલી–કોબા) અને ડૉ. ગુણવન્ત શાહે પણ જ્યોતીબા ફુલેનું નામ પોતાની જીભ પર લેવાની કોશીશ કદી કરી નથી, તે માત્ર આશ્ચર્યજનક જ નહીં; પરન્તુ તેમને માટે લજ્જાસ્પદ અને આપણા માટે કમનસીબ બાબત ગણાય.

બીજું અનુમાન અહીં એ પણ થઈ શકે છે કે જો મહાત્મા જ્યોતીબા ફુલેએ બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી પ્રેરણા લીધી હોય તો બૃહસ્પતીની પોતાના અર્થશાસ્ત્રમાં ભુરીભુરી પ્રસંશા કરનાર કૌટીલ્યે પણ બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી એવી જ પ્રેરણા નહીં લીધી હોય ? આવા અનુમાનનું પણ પ્રબળ કારણ એ છે કે જેમ ચાર્વાક અને ચાર્વાકદર્શનનો નાશ કરવામાં આવ્યો છે અને જ્યોતીબા ફુલેની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે તેમ કૌટીલ્યના અર્થશાસ્ત્રની પણ એ જ હાલત કરવામાં આવી છે. બુદ્ધકાળ પછી યાને પુષ્યમીત્ર શૃંગ કાળથી તે ગ્રન્થ લુપ્ત થઈ ગયો હતો. કારણ કે ઈ.સ. પુર્વે 321ના અરસામાં નીર્માણ થયેલો અર્થશાસ્ત્ર નામનો કૌટીલ્યનો આ ગ્રન્થ થોડાક સમયાવધીમાં ભારતમાંથી લુપ્ત થયા પછી છેક 1909ની સાલમાં મૈસુરના આર. શ્યામ શાસ્ત્રીએ પ્રસીદ્ધ કરતાં સુધી સેંકડો વર્ષ સુધી તે ઉપલબ્ધ નહોતો. વળી અર્થશાસ્ત્રની આધુનીક આવૃત્તીમાં કૌટીલ્યનું મુળ અર્થશાસ્ત્ર, તેમાં પાછળથી ઉમેરાયેલો કચરો અને તેમાંથી કાઢી નાખવામાં આવ્યા હશે એવાં ભાગોનું સંશોધન પણ અધુરું છે. કારણ કે એમાં ભેળસેળ અને વીકૃતી થઈ હોવાની સમ્ભાવનાને બીલકુલ નકારી શકાય એમ નથી. તેથી મુળ ચાર્વાકદર્શનની જેમ જ મુળ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર કેવું હશે તેની આપણે કેવળ કલ્પના જ કરી શકીએ. પરન્તુ એવું લાગે છે કે આધુનીક કાળમાં જ્યોતીબા ફુલેએ પોતાના ‘ગુલામગીરી’ પુસ્તક દ્વારા ચાર્વાકદર્શન અને કૌટીલ્યના અર્થશાસ્ત્રની ખોટ પુરી કરી દીધી છે અને સામ્પ્રત સમયમાં સ્વામી સદાનન્દજીએ પણ પોતાના ચાર્વાકસુત્ર, ચાર્વાકદર્શન અને સમયસુત્ર નામના પુસ્તકો દ્વારા ચાર્વાક, કૌટીલ્ય અને જ્યોતીબા ફુલેની ખોટ ભરપાઈ કરી દીધી હોય એવું લાગે છે.

સન્દર્ભગ્રન્થોની યાદી

1.  ચાર્વાકદર્શન લેખક : પ્રો. સી. વી. રાવળ (એમ.એ.), તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને વીભાગાધ્યક્ષ, બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજ, જુનાગઢ પ્રકાશક : યુનીવર્સીટી ગ્રન્થ નીર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ–6 પ્રથમ આવૃત્તી : 1984

2. ચાર્વાકસુત્ર, ચાર્વાકદર્શન, અને ‘સમયસુત્ર’  લેખક : શ્રીમદ્ સ્વામી સદાનન્દજી પ્રકાશક : સનાતન સેવાશ્રમ, હારીજ – 384 240. જીલ્લો : પાટણ

3.ભારતીય દર્શનોલેખક : સ્વામી સચ્ચીદાનન્દ, ભક્તીનીકેતન આશ્રમ, પેટલાદ–388450 પ્રથમ આવૃત્તી : 1979

4.અધોગતીનું મુળ વર્ણવ્યવસ્થાલેખક : સ્વામી સચ્ચીદાનન્દ, ભક્તીનીકેતન આશ્રમ, પેટલાદ–388450 પ્રથમ આવૃત્તી : 1988

5.ભગવાન બુદ્ધ ઔર ઉનકા ધર્મલેખક : ડૉ. બી. આર. આંબેડકર અનુવાદક : ભદન્ત આનન્દ કૌશલ્યાયન, બુદ્ધભુમી પ્રકાશન, નાગપુર. બુદ્ધ વર્ષ : 2541-1997

6.સંશયની સાધના’ અને ‘મધુપર્ક’ (લેખસંગ્રહો) લેખક : પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) [અફસોસ : લેખક હયાત નથી].

7.ભારતદર્શન–1’ (ઈતીહાસ : આદીયુગ) લેખક : પ્રવીણચન્દ્ર ચી. પારેખ, સરદાર પટેલ યુનીવર્સીટી, વલ્લભવીદ્યાનગર પ્રકાશન : જાન્યુઆરી 1982

8.પ્રાચીન ભારતીય ભૌતીકવાદીસરીતા (હીન્દી માસીક) નવેમ્બર 1991

______________________________________________________________

આપણા દેશના ધર્મ અને સંસ્કૃતીનો ઈતીહાસ જોતાં કહી શકાય એમ છે કે ચતુર્વર્ણવ્યવસ્થા, તદ્જન્ય હોમ–હવન–યજ્ઞાદી ક્રીયાકાંડો અને માન્યતાઓ મુળરુપથી ભારતીય નથી. તેથી બગાડજનક મુર્તીપુજાઓ, દ્રવ્યયજ્ઞો, રુપાલની પલ્લી જેવા વ્યર્થ ક્રીયાકાંડો, ફળ જ્યોતીષ, દીશાફળ આધારીત વાસ્તુશાસ્ત્ર આદીને 4000 વર્ષ પુરાણી વીદ્યાઓમાં ખપાવી તેનો પ્રચાર–પ્રસાર કરી સમાજને છેતરનારા અને લુંટનારા લોકોને લોકમત દ્વારા કાયદો બનાવી અટકાવી શકાય છે. તેમ જ લોકહીત વીરુદ્ધ ચુકાદા આપનારા અદાલતી નીર્ણયોને પડકારી શકાય છે. એ માટે આવશ્યક્તા છે ચાર્વાકદર્શનના જ્ઞાન દ્વારા સાચા ભારતીય ધર્મ અને સંસ્કૃતી વીશે પ્રજાને માહીતગાર કરવાની. જે કાર્ય આજના રૅશનાલીસ્ટો (આધુનીક ચાર્વાકોએ) કરવાનું છે. ત્યારે જ આપણા સમાજમાંથી વહેમો, અન્ધશ્રદ્ધાઓ, નીર્બળતાઓ અને દુષણોને દેશવટો આપી શકાશે.

______________________________________________________________

–એન. વી. ચાવડા

લેખક–સમ્પર્ક :

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 66 થી 72 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

6 Comments

  1. સરસ લેખ.
    મુંબઇમા અંગ્રેજોના જમાનામાં ‘ક્રો ફોર્ડ’ માર્કેટ તરીકે જાણીતી હતી તે માર્કેટનું, મરાઠી પોલીટીશીયનોએ ‘મહાત્મા જ્યોતિબા ફુલે’ માર્કેટ તરીકે નામ પાડયુ હતું અને તે આજે તે નવા નામે પ્રખ્યાત છે. જ્યોતિબા મરાઠી હતાં, મરાઠીઓ તેમને ખૂબ માને છે.
    ચાવડા સાહેબે જ્યોતિબા ફુલેજીની જે વાત કરી તે પ્રથમ વખત મારા વાંચવામાં આવી. ખૂબ ગમી. ગીતાના ચોથા અઘ્યાયમાં શ્લોક ૧૩ માં કહેવાયુ છે કે…. ‘ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.’
    લેખમાં આર્યો દ્વારા શાસ્ત્રોમાં જે ફેરફારો કરવામાં આવેલાં તેનો ઉલ્લેખ છે. તો શું ગીતા પણ પાછળથી લખાઇ હતી ?
    મારે મતે આખો લેખ અેક ઇતિહાસના પાના અને કોઇક પ્રુફ નહિ કરાયેલો રેફરન્સ જ છે. લેખમાં જ ઘણી વાતો માટે કોઇ સાબિતિ નથી અેવું કહેવાયુ છે.
    જે કોઇ વાત સાબિતિને આઘારે કહેવાઇ હોય તે સમજી શકાય.
    રસપ્રદ રીસર્ચ. ગમ્યું.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. એ.આઈ.ટી. (આર્યન ઈન્વેઝન થીએરીની) વિરુદ્ધમાં ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આ એ.આઈ.ટી. થીએરીમાં ઘણા વિરોધાભાસો છે જે અનુત્તર રહ્યા છે.

    ભારતીય તત્ત્વજ્ઞાનમાં જે કંઈ સારું છે તે મૂળ ભારતી નથી. એવું કહેવાની એક ફેશન છે.

    નહેરુએ લખેલો ઇતિહાસ પાશ્ચાત્યકારો એ જે કંઈ લખું તેનું પુનઃપ્રસારણ છે.

    ચંદ્રગુપ્ત મૌર્ય વિદેશીઓને હરાવનાર પ્રથમ ભારતીય હતો એમ કહેવું બહુ સહેલું છે. કારણ કે પાશ્ચાત્ય ઇતિહાસકારો બુદ્ધના જન્મ પહેલાંના કાળને ઐતિહાસિક કાળ કહેતા જ નથી.

    વાયુપુરાણમાં એવા ઉલ્લેખો છે કે જેમાં ભારતીય રાજાઓએ વિદેશી સેનાને હરાવી હોય તેમજ વિદેશી પ્રદેશો કબજે કર્યા હોય.

    વાસ્તુશાસ્ત્રનું વર્ણન પ્રતિકાત્મક છે. તેને શબ્દાર્થમાં ન લઈ શકાય. તેને સુરુચિપૂર્ણ બનાવવા માટે દેવોને સામેલ કર્યા હોય અને દિવ્ય વાતો કહી હોય. ભારતનો ઇતિહાસ પણ આ જ રીતે લખાયો છે. રુપકો દ્વારા અને ભૂતસંખ્યાના ઉપયોગ દ્વારા શાસ્ત્રોને યાદ રાખવાની એક પ્રણાલી છે.

    જ્યોતિષ શાસ્ત્રનો ફલાદેશ તે એક આશિર્વાદ છે. જેઓ મહેનત પૂર્વક શાસ્ત્રો ભણ્યા, તેમના રોટલા પણ સમાજે આપવા જોઇએ. તેથી જન્મ સમયે કૂંડળી બનાવવી અને સાથે સાથે આશિર્વાદ પણ આપવા. જોકે આ ભાવના બધા લોકો સમજી ન શકે તે સ્વાભાવિક છે. અતિરેક ઉપર પણ લગામ રાખવી જોઇએ.

    યજ્ઞો પાછળનો ઉદ્દેશ પ્રકૃતિની પાસેથી કંઈ લીધું તો તેની પ્રત્યેની અહોભાવના વ્યક્ત કરવા તેને કંઈક પાછું આપો એ ભાવના છે. વેદોમાં બ્રહ્માણ્ડ એક સજીવ તરીકે નિરુપવામાં આવ્યું છે. તેનો ઉલ્લેખ વિશ્વદેવ કે જેને ત્રણ નેત્રો છે તે રુદ્રના સ્વરુપમાં કરવામાં આવ્યો છે જે પ્રણાલી રહી છે. ઈશાવાસ્ય વૃત્તિ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી બધું વ્યર્થ છે. વેદો, ઉપનિષદો અને પ્રાચીન પુરાણોમાં વિશ્વદેવની ભાવના નિહિત છે.

    આર્ય એ એક વિશેષણ છે. આર્યોએ કશો નાશ કર્યો નથી. ચાર્વાક મતનો પણ નાશ કર્યો નથી. પણ જે વાદ ચર્ચામાં ટકી ન શકે તે પ્રચલિત ન થાય. પ્રચલિત ન થાય એટલે તેના અવશેષો જ આપણને મળે. શંકરાચાર્યે તેમના સમયમાં પ્રચલિત બધા જ વાદોને પરાજિત કરેલા અને વેદ દ્વારા પ્રબોધિત અદ્વૈતવાદને પુરસ્કૃત કરેલો. આ માટે તેમણે ભારતયાત્રા કરેલી.

    દાનવ, દૈત્ય, રાક્ષસ એ બધા એકબીજાના સમાનાર્થી શબ્દ નથી. તે બધા વંશ છે. વાયુપુરાણમાં ક્યા કયા વંશો છે, યક્ષ, કિન્નરો અને ગાંધર્વો કોણ છે તે સમજાવ્યું છે. સુર અને અસુર કોણ છે, રુપકો કયા છે તે બધું વિસ્તાર થી સમજાવ્યું છે.

    Liked by 1 person

  3. આજે તો હિંદુ ધર્મને વખોડવાની “દે ધનાધન…દે ધનાધન..”એક ફેશન બની ગઈ છે. હિંદુ ધર્મગ્રંથોમાં જે પણ લખાયું છે, કહેવાયું છે તે બધુંજ ખોટું, ધરાર ખોટું… .!!! જે પણ વ્યક્તિ હિંદુ ધર્મને વખોડે, તેજ સામાન્ય પ્રજાજનોમાં જાણે સાચો ‘રેશનાલીસ્ટ” કે પોલીટીશ્યનોમાં તેજ સાચો સેક્યુલારીસ્ટ…. ભારતમાં તો આજ પ્રથા હાલમાં ચાલી રહી છે. આ બધાજ ધર્મગ્રંથોમાં આ ખોટું લખ્યું-તે ખોટું લખ્યું છે, આવું કે આવી વીધીઓ નહીં કરવાની, યજ્ઞ વગેરે ખોટા છે, અનાજનો-દુધ-ઘીનો બગાડ થાય છે, બસ આજ ઘીસીપીટી એકજ વાત આ રેશનાલીસ્ટો કે નાસ્તિકો કરતાં રહે છે…સારી વાત છે અને આ વાત સારી છે કે ખરાબ તે વાતમાં નથી પડતો, પણ ગરીબોને મફતમાં અનાજ વગેરે આપી આપીને તેમને વધારેને વધારે ગરીબ બનાવો છો, તેને બદલે અનાજ આપીને સાથે સાથે કોન્ડમ પણ વહેંચીને, ફરજીયાત અને ફરજીયાત વાપરવાનું અને સંતતિ નિયમન વિષે કહોને, ભલે લગન કરે, જાતીય સમાગમ પણ કરે, પણ, બાળકો પેદા ન કરે…… પછી તમે જોજોને, આજથી ૨0-૨૫ વરસ પછી, તમને કોઈ ગરીબ ગોત્યો નહીં જડે…!!! વસ્તી ઓછી થતાં બધી પ્રજાને ભણતર સુલભ થઈ જશે, નવી પ્રજા વધુ ભણશે અને ધર્મની બાબતમાં સાચા-ખોટાની વાતમાં વધુને વધું જાણકાર થઈ જશે… ભલે એ વખતે આપણે સીનીયર સીટીઝનો હયાત નહીં પણ હોઈએ, પણ આ લોકો તમને દુઆ તો દેશે કે તમે તેમને ગરીબી બહાર કાઢ્યા…!!!! અને તમારા કહેવા મુજબ, ધર્મમાં માનશેજ નહીં એટલે પછી ધર્મજ નહીં રહે…… આસ્તિક નાસ્તિક્નો ભેદજ ભુલાઈ જશે…

    Liked by 1 person

Leave a comment