ભ્રમની ભૌતીક અસરો

asv-00102

ભ્રમની ભૌતીક અસરો

–બી. એમ. દવે

[ગત અંક : 01 https://govindmaru.wordpress.com/2016/12/23/b-m-dave/ ના અનુસન્ધાનમાં..]

ભ્રમનો જન્મ મનુષ્યના મસ્તીષ્કમાં થાય છે; પણ તેનો પગપેસારો આખા શરીરમાં થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રમની ભૌતીક (physical) એટલે કે શારીરીક અસરો એટલી હદ સુધી થાય છે કે પ્રથમ દૃષ્ટીએ આપણા માનવામાં પણ ન આવે.

થોડાં દૃષ્ટાંતોની મદદથી આ હકીકતને સાબીત કરવાની કોશીશ કરું છું.

માનસીક ભ્રમની શારીરીક અસરોનું પરીક્ષણ કરવા વર્ષો અગાઉ રશીયન વૈજ્ઞાનીકોએ એક પ્રયોગ કર્યો હતો. કોઈ પણ દવાને બજારમાં મુકતાં પહેલાં તેની અસરકારકતાની ચકાસણી પશુ–પક્ષીઓ અને માનવશરીર ઉપર કરવામાં આવતી હોય છે. આવા પરીક્ષણ માટે સ્વેચ્છાએ માધ્યમ બનનાર (ગીની પીગ) વ્યક્તીને યોગ્ય આર્થીક વળતર ચુકવવામાં આવતું હોય છે. રશીયન વૈજ્ઞાનીકોએ વર્તમાનપત્રમાં જાહેરાત આપી કે દાઝવા ઉપર લગાવવાના નવા ઉત્પાદીત એક મલમની અસરકારકતા ચકાસવા માટે કોઈ વ્યક્તીની જરુર છે અને અમુક રુબલ(Russian currency) વળતર તરીકે ચુકવવામાં આવશે. આ જાહેરાત વાંચી એક જરુરતમન્દ વ્યક્તી પ્રયોગનું માધ્યમ બનવા તૈયાર થઈ.

વૈજ્ઞાનીકોએ આ વ્યક્તીને સમજાવ્યું કે તમારે ટેબલ ઉપર ઢાંકીને રાખવામાં આવેલ એક સ્ટીલના ગ્લાસને જમણા હાથથી પકડવાનો છે.  સ્ટીલના ગ્લાસમાં સળગતા અંગારા રાખેલા હશે, જેથી તેને પકડતાં તમારા હાથ દાઝી જશે અને ફોલ્લા પડી જશે. ત્યારબાદ કમ્પની દ્વારા ઉત્પાદીત રુઝ આવવા માટેનો મલમ લગાવવામાં આવશે અને રુઝ આવવા અંગે મલમની અસરકારકતાની ચકાસણી કરવામાં આવશે.

પ્રયોગ માટે તૈયાર થનાર વ્યક્તીએ મગજમાં ધારી જ લીધું કે, પ્રયોગ માટે ચુકવવામાં આવનાર વળતર સામે આટલી પીડા સહન કરવાની જ છે અને તે પણ મલમ લગાડવાથી મટી જશે. થોડા દીવસ માટે દાઝ્યાની પીડા સહન કરવા સામે મળનાર વળતર ધ્યાને લેતાં આ તકલીફ સામાન્ય ગણાય. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તી આ રીતે પોતાના મનને સમજાવીને માનસીક રીતે તૈયાર થઈ ગઈ.

વૈજ્ઞાનીકોએ પ્રયોગશાળામાં બધી પુર્વતૈયારી કરી રાખી હતી. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીને ટેબલ પર રાખવામાં આવેલ સ્ટીલનો ગ્લાસ હાથમાં પકડવાનું કહેવામાં આવ્યું અને સમજાવવામાં આવ્યું કે ગ્લાસમાં સળગતા અંગારા હોવાથી દાઝી જવાશે. તમારે ડરવાનું કોઈ કારણ નથી; કારણ કે તરત જ નવનીર્મીત મલમ વડે તેનો ઉપચાર કરવામાં આવશે. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીએ દાઝી જવાની પુરી માનસીક તૈયારી સાથે ટેબલ પર રાખેલો ગ્લાસ હાથ વડે પકડ્યો અને ચીસ પાડી ઉઠ્યો. વૈજ્ઞાનીકોની સુચના અનુસાર તેણે તરત જ ગ્લાસ ટેબલ ઉપર ફરીથી મુકી દીધો.

વૈજ્ઞાનીકોએ હાથનું પરીક્ષણ કરતાં હાથમાં ફોલ્લા ઉપસી આવ્યા હતાં, તે વ્યક્તી આ પીડાથી કણસતી હતી. બધાના આશ્ચર્ય વચ્ચે વૈજ્ઞાનીકોએ સ્ટીલના ગ્લાસ ઉપરનું આવરણ હટાવી અન્દર રાખવામાં આવેલા બરફના ટુકડાઓ બતાવ્યા. પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તી સ્તબ્ધ થઈ ગઈ. તેને હજુ પણ સમજાતું ન હતું કે બરફના ટુકડાથી ભરેલો ગ્લાસ પકડવાથી કઈ રીતે દાઝી શકાય? આમ છતાં પોતે દાઝી ગયો હતો તે પણ હકીકત હતી.

વૈજ્ઞાનીકોએ પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તીને પ્રયોગ કરવા પાછળનું સાચું કારણ અને રહસ્ય સમજાવતાં કહ્યું : ‘માનસીક ભ્રમની અસર કઈ હદ સુધી શારીરીક અસરમાં પરીણમી શકે છે તે જાણવા માટેનો આ એક પ્રૅક્ટીકલ પ્રયોગ હતો અને આ પ્રયોગમાં ધારેલું પરીણામ મેળવવામાં વૈજ્ઞાનીકો સફળ થયા.’ આ પ્રયોગ દ્વારા વૈજ્ઞાનીકોએ સીદ્ધ કર્યું કે ગ્લાસમાં સળગતા અંગારા હોવાનો ભ્રમ, ધારણા અને માનસીકતા સાથે બરફના ટુકડાથી ભરેલા ગ્લાસને પકડવાથી પણ આટલી હદ સુધી શારીરીક અસર થઈ શકે છે.

આ સન્દર્ભમાં અન્ય એક વાસ્તવીક ઘટના પણ નોંધનીય છે. આપણા ગુજરાતી ભાષાના જાણીતા કવી શ્રી. દલપતરામના સુપુત્ર કવી શ્રી. નાનાલાલ વઢવાણની હાઈસ્કુલમાં ગુજરાતી ભાષાના શીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એક દીવસ એક વર્ગના વીદ્યાર્થીઓને ટીખળ કરવાનું સુઝ્યું અને બધાએ એક પ્લાન બનાવ્યો. આ પ્લાન મુજબ શીક્ષકશ્રી પીરીયડ લેવા વર્ગમાં આવે અને ભણાવવાનું શરુ કરે પછી દસેક મીનીટ બાદ પહેલી બેન્ચનો એક વીદ્યાર્થી સાહેબને પુછે : ‘સાહેબ! આજે મજા નથી કે શું? તબીયત બરાબર લાગતી નથી. તાવ આવ્યો હોય તેવું લાગે છે.’ થોડી વાર પછી ત્રીજી હરોળનો અન્ય એક વીદ્યાર્થી સાહેબને પુછે : ‘સાહેબ! આપના ચહેરા ઉપરથી લાગે છે કે આપની તબીયત બરાબર નથી. આંખો લાલ થઈ ગઈ હોય તેમ લાગે છે.’

ત્યારબાદ થોડી મીનીટો પછી પાછળની બેન્ચ ઉપરથી અન્ય એક વીદ્યાર્થી પુછે : ‘સાહેબ! આજે આપનો ઑરીજીનલ મુડ દેખાતો નથી. અવાજમાં ધ્રુજારી આવતી હોય તેવું લાગે છે. આપની તબીયત આજે નરમ તો લાગે જ છે. એવું હોય તો આજે આરામ કરો, સાહેબ!’

ઉપર મુજબનો પ્લાન બનાવી શીક્ષકશ્રી વર્ગમાં દાખલ થયા પછી દસેક મીનીટ બાદ તેનો અમલ શરુ કર્યો. પ્રથમ વીદ્યાર્થીને તો શીક્ષકશ્રીએ મક્કમતાથી જવાબ આપ્યો : ‘મારી તબીયત ઑલરાઈટ છે. કોઈ તકલીફ નથી. તમે છાનામાના ભણો.’ પણ જ્યારે બીજા વીદ્યાર્થીએ પુછ્યું ત્યારે તેઓ થોડા વીચલીત થઈ ગયા. પોતાની જાતે શરીર ઉપર હાથ ફેરવી તાવ છે કે કેમ તેની ખરાઈ કરવા લાગ્યા. થોડી માનસીક અસર થઈ કે વીદ્યાર્થીઓ કહે છે તો તેમાં કંઈ તથ્ય હશે; છતાં મન મક્કમ રાખી ભણાવવાનું ચાલુ રાખ્યું.

પરન્તુ જ્યારે ત્રીજા વીદ્યાર્થીએ પણ ટીખળના ગેમપ્લાન મુજબ પુછ્યું ત્યારે અને અન્ય વીદ્યાર્થીઓએ પણ પોતાનો સુર પુરાવ્યો ત્યારે સાહેબને આંશીક રુપે થયેલી માનસીક અસર શારીરીક અસરમાં પરીણમી અને તેઓને પોતાને તાવ આવ્યો હોવાનો અહેસાસ થવા લાગ્યો.  તેઓ એ દીશામાં વીચારવા લાગ્યા, માથું દુ:ખવા લાગ્યું અને અસુખ જેવું જણાવા લાગ્યું. પીરીયડ પુરો થયા પછી તેઓ રજા મુકીને આરામ કરવા ઘરે જતા રહ્યા. આ કીસ્સામાં ખરેખર કોઈ બીમારી ન હોવા છતાં વીદ્યાર્થીઓની ટીખળના કારણે માનસીક અસરનું શારીરીક અસરમાં રુપાન્તર થયું અને તાવ આવ્યો હોવાની અનુભુતી પણ થઈ.

બીનઝેરી સાપે કોઈ વ્યક્તીને દંશ દીધો હોય તો આવી વ્યક્તી કોઈ સારવાર ન કરે તો પણ જીન્દગીનું જોખમ ઉભું થતું નથી. આમ છતાં બીનઝેરી સાપના દંશથી કોઈ વ્યક્તીનું મરણ થયું હોય એવા કીસ્સાઓ મેડીકલ સાયન્સમાં નોંધાયા પણ છે. આવા કીસ્સાઓમાં મરણ સાપના ઝેરથી નહીં; પણ મને સાપ કરડ્યો છે એટલે હવે હું મરી જઈશ તેવા ભ્રમના કારણે હૃદય બન્ધ પડી જવાથી મરણ થાય છે. પોસ્ટમૉર્ટમ રીપૉર્ટમાં આ હકીકતની પુષ્ટી પણ થાય છે. માનસીક ભ્રમની શારીરીક અસર મૃત્યુ નીપજાવવા સુધીની પણ હોઈ શકે છે.

કેટલાંક આસ્થાનાં સ્થળો ઉપર જવાથી કે તેમની બાધા–માનતા રાખવાથી અમુક પ્રકારનાં શારીરીક દુ:ખ–દર્દ દુર થતાં હોવાની વ્યાપક માન્યતા ફેલાયેલી હોય છે. દૃઢીભુત થયેલી ભ્રમણા એટલે આસ્થા કે શ્રદ્ધા.

આવી શ્રદ્ધા રાખનાર વ્યક્તીના મનમાં આવો લાભ થવાની પાકી ભ્રમણા હોય છે. આવી ભ્રમણા એટલી હદ સુધી દૃઢીભુત થયેલી હોય છે કે તેના પરીણામસ્વરુપ હકારાત્મક માનસીક અસરો ઉદ્ભવે છે. આ માનસીક અસરો આખરે શારીરીક અસરમાં પરીણમી શકે છે. આવી આવી વશીભુત થયેલી વ્યક્તીને દુ:ખ–દર્દમાં રાહત થઈ શકે છે. આવા કીસ્સાઓમાં કોઈ દૈવી શક્તી કે ચમત્કાર નહીં; પરન્તુ દૃઢીભુત થયેલી માનસીક ભ્રમણાની શારીરીક અસરો જ હોય છે.

વાચકમીત્રો! આનાથી ઉલટું કોઈ વ્યક્તી હતાશામાં સરી પડે અને નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આવા નકારાત્મક વીચારોની માનસીક અસર પણ શારીરીક અસરમાં પરીણમી શકે છે અને દૃઢીભુત થયેલી ભ્રમણા મુજબનાં શારીરીક દુ:ખ–દર્દ ઉદ્ભવી શકે છે. દા.ત. કોઈ વ્યક્તી સવારે ઉઠતાંવેંત મને આજે માથું દુખશે તેવો ભ્રમ સતત સેવે તો માથું દુખવાનું શરુ થઈ શકે છે. તેવી જ રીતે રાત્રે પથારીમાં પડતાં આજે ઉંઘ નહીં આવે તેવા ભ્રમને કોઈ વાગોળ્યા કરે તો ખરેખર ઉંઘ ન આવે તેવું બની શકે છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા ક્રીકેટરો જાતજાતના ભ્રમથી પીડાતા હોવાનું ઘણી વખત બહાર આવ્યું છે. આવા ભ્રમની હકારાત્મક અને નકારાત્મક અસરો તેમની રમત ઉપર પડતી હોય છે.

વીંછી કે સાપ ઉતારવાના અને આધાશીશી મન્તરવાનાં ધતીંગો ઘણી જગ્યાએ ચાલે છે. આવાં ધતીંગોમાં પણ ક્યારેક સફળતા મળતી હોવાના દાવા થાય છે. પરન્તુ તેમાં કોઈ ચમત્કાર કે પરચો નથી હોતો; પણ આ થીયરી જ કામ કરતી હોય છે અને તેનો ખોટો યશ ધતીંગબાજોના નામે ચડી જતો હોય છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ.65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 14થી 18 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર–385001 સેલફોન : 94278 48224

26 Comments

  1. સરસ ઉદાહરણથી લેખ સમજી શકે એ રીતે લખ્યો છે…..
    હકારાત્મક ભ્રમના ફાયદા ઘણા છે…. માનવજાતને ઉત્સાહજનક નીવડી શકે અને પ્રગતિશીલ થઇ શકે ….. જો એની પાછળ કોઈ નકારાત્મક ભ્રમના હોઈ તો….
    સાપના કરડવામાં માનવને મોટે ભાગે હૃદય પર હુમલો થઇ છે અને તે પણ ભય થી….. અને મૃત્યુ પામે છે.
    થિન્ક પોઝિટિવ . .બી પોઝિટિવ

    Liked by 1 person

  2. It is a good analysis. Actually, it is a mental belief. You can believe anything.

    I appreciate author for a such a good article.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  3. હંમેશ મુજબ દવે સાહેબના લેખ લોજીકમાં સબળ અને રસપ્રદ હોય છે. વિજ્ઞાનના નિયમોના પાયા ઉપર લખાયલા એમના લેખ ખરેખર માણવા જેવા હોય છે.

    Liked by 1 person

  4. મુરબ્બી શ્રી ગોવિંદભાઈ, બી એમ દવેભાઈનો લેખ ખરેખર સત્ય જાહેર કરે છે. મનની અસર શરીર ઉપર અવશ્ય પડે છે. આ પ્રકારના ઘણા લેખો મેં વાંચેલા છે જે સામાન્ય નહિ પણ વૈજ્ઞાનિક તથા ડોક્ટર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મેં જે જે લેખો વાંચ્યા છે તેમના એક છે Dr Nicolas Holmes (Washington University). એમના ઓટો સજેશનથી જીવલેણ રોગોથી પીડાતી વ્યક્તિઓ સાજી થયેલી છે. એક બાળક કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતું તેને પંદર દિવસ સુધી ઓટો સજેશાનથી સંપૂર્ણ તંદુરસ્ત બનાવ્યો હતો. એમાં બાળકને startrek ફિલ્મ ના પાત્રનીજેમ કેન્સરનું ચિત્ર બતાવવામાં આવે છે અને હાથમાં બંધુક આપીને કેન્સરને મારવામાં આવે છે અને બન્ધુકથી કેન્સરના ફૂચે ફુરચા ઉડતા બતાવવામાં આવે છે. આવું પંદરેક દિવસના પ્રયોગથી આ શક્ય બન્યું હતું. આવોજ પ્રયત્ન મેં મારા ઉપર કરીને સફળતા મેળવી છે. મને ચામડીનો એક પ્રકારનો રોગ છેલ્લા અઢારેક વર્ષથી હતો જે અમેરિકાના સારામાં સારા સ્કીન spesiyalist ની tritment છત્તા મટતો નહોતો. મેં એકાદ મહિના સુધી શાંતિથી બેસીને ચામડીના ભાગ ઉપર દ્રષ્ટી રાખીને એમજ વિચાર્યે રાખ્યું કે ધીરે ધીરે ઓછું થતું જાયછે, સારું થતું જાય છે. મનમાં પણ એવુજ અનુભવતો કે ખરેખર સારું થતું જાયછે. નવાઈ લાગશે પણ એકાદ મહિના પછી મારી ચામડી સામાન્ય થઇ ગઈ છે અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. આજે એ વાતને લગભગ બે વર્ષ થવા આવ્યા છે. મેં એમ પણ વાંચેલું કે નિરાશા, એકલતા અને સંતાપ જેવા ભાવો ભેગા થાય ત્યારે જીવનમાં ઘાતક રોગો થાય છે. અને આજે જે હાય બીપી, હૃદય વગેરે જેવા રોગો થાય છે એ આવા માનસિક સંતાપનું પરિણામ તો નહિ હોય ?

    Liked by 1 person

  5. Reblogged this on માનવધર્મ and commented:
    વિષયવસ્તુના સાતત્યને સાંકળવા માટે લેખના પ્રારંભે આપેલા લિંક થકી પ્રથમ ભાગ પહેલો વાંચવાની ભલામણ કરવામાં આવે છે. : રી-બ્લોગર

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘ભ્રમની ભૌતીક અસરો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  6. સરસ લેખ. ભ્રમણા જો સેવવી જ હોય તો શરીરને લાભકારક હોય તે જ સેવો, નુકસાનકારક નહીં.
    ભ્રમણાથી મૃત્યુ પણ થઈ શકે તેવો એક પ્રયોગ મારા વાંચવામાં આવ્યો છે. એક ગુનેગારને ફાંસીની સજા થઈ હતી, તેના પર એ પ્રયોગ કરેલો. એના સાંભળતાં એને કેવી રીતે મૃત્યુદંડ દેવો એની વાતચીત કરવામાં આવેલી. એના ગળા પાસેની ધોરી નસ કાપી બધું લોહી કાઢી નાખવાથી એ મૃત્યુ પામશે. અને ખરેખર ધોરી નસ પર માત્ર સહેજ કાપ મુકી, ગળા આગળથી લોહીના ઉષ્ણતામાન જેવું હુંફાળું પાણી નીચે રાખેલા વાસણમાં પાડવામાં આવ્યું હતું, અને એ માણસનું મૃત્યુ થયું હતું.

    Liked by 1 person

  7. Bhram or Illusion can arise from several sources:
    1. An old Sanskrit story in our Panch Tantra is very well known: Three Thugs (cheaters) approached a Brahmin one by one. Each one told him that the goat he was carrying was not a goat —it was a dog. He left it and the Thugs took the goat away.
    2. Optical illusions are well known. The latest may be Virtual Reality.
    3. A popular English proverb says: “Think of the Devil, and, he is there !”
    So also, keep thinking of God (or Soul) and you will see him !
    Some people like to call it meditation.

    Thanks for a good article. —Subodh Shah —

    Liked by 1 person

  8. સરસ ઉદાહરણથી લેખ સમજી શકે એ રીતે સરસ લેખ લખ્યો છે…… દવે સાહેબના લેખ લોજીકમાં સબળ અને રસપ્રદ હોય છે. વિજ્ઞાનના નિયમોના પાયા ઉપર લખાયલા એમના લેખ ખરેખર માણવા જેવા હોય છે.

    Liked by 1 person

  9. આ લેખમાં કોઈ નવી માહિતી નથી પરંતુ માત્ર ભ્રમથી જ આવી અસર થાય છે તેમ નથી. લગભગ દરેક માન્યતા શરીર પર અસર કરે જ છે. એટલુંજ નહીં, આપણું મન (માન્યતાઓ) આપણા શરીર એક મેક પર અસર કરે છે તે તબીબી વિજ્ઞાન તેમ જ મનોવિજ્ઞાન સહિતના વિગ્નાનોમાં સંપૂર્ણત: સ્વીકારાયેલી હકીકત છે. ફક્ત આ અસરો અગાઉથી જાણી શકાય તેવી ચોક્કસ નથી હોતી. કદાચ સો વ્યક્તિ પર દાઝવાના દાખલા વાળો પ્રયોગ કર્યો હોય તો એકાદ-બે વ્યક્તિ પર તેની અસર થાય અને તે પણ દર વખતે થાય તેમ નથી હોતું. જો ફરી સો વખત એ જ વ્યક્તિ-સમૂહ પર આ પ્રયોગ કરવામાં આવે તો એ જ એક-કે બે વ્યક્તિ ઉપર આ અસર નહીં જ થાય અને દરેક વખતે તો નહીં જ થાય. વળી મનુષ્યો પર પ્રયોગ કરવા શક્ય નથી હોતા, માટે આ બાબતને વૈજ્ઞાનિક સત્ય કહી શકાય તેમ નથી.

    Liked by 1 person

    1. માટે આ બાબતને વૈજ્ઞાનિક સત્ય કહી શકાય તેમ નથી.

      I agree with this statement.

      Liked by 1 person

  10. શરીર પણ મન પર અસર કરે છે અને તે અંગે પણ પ્રયોગો થયા છે. સાદો પ્રયોગ જે દરેક કરી શકે તે આ પ્રમાણે છે: જ્યારે તમે આનંદિત હો ત્યારે અરીસા સામે ઉભા રહી ને આંખો ઝીણી કરો, મુઠ્ઠીઓ વાળો (ખોલ બંધ કરો), ઝડપથી છીછરા શ્વાસ લો, અને દાંત કચકચાવો. થોડી જ વારમાં તમે ગુસ્સાનો અનુભવ કરતાં થઇ જશો. તે જ રીતે જ્યારે ગુસ્સામાં હો ત્યારે અરીસામાં જોઇને (મંદ-મંદ કે ખડખડાટ) હસો. થોડીક વારમાં જ તમારો ગુસ્સો ઘણો ઓછો થયેલો લાગશે.

    Liked by 1 person

  11. Reblogged this on and commented:
    ખૂબ જ સુદર લેખ ગોવિંદભાઈ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું.

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘ભ્રમની ભૌતીક અસરો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  12. અમૃત જાણી મીરાં પી ગયા, જેને સહાય શ્રી વિશ્વનો નાથ…

    રસાયણ રસાયણનું કામ કરે છે. શરીરે ફોલ્લા પડી જવા એ રાસાયણિક ક્રિયા છે. તેને મન સાથે કશું લાગતું વળગતું નથી.

    જો ફોલ્લા પડી જતા હોય તો, તેનાથી ઉંધી ક્રિયા પણ શક્ય બનવી જોઇએ.

    એટલે સળગતા અંગારા ઉપર અજાણતા ચાલવાથી ફોલ્લા ન પડવા જોઇએ.એટલે કે લોકલ એનેસ્થેશીયા આપી માણસની આંખે પાટા બાંધી, તેને કશી અગમચેતી આપ્યા વગર ચલાવવો જોઇએ. અને જો ફોલ્લા પડવાની ક્રિયા માનસિક હોય તો તેને પગે ફોલ્લા પડવા ન જોઇએ.

    એક વાત ખરી છે કે મન એટલે કે વિચારો આપણા શરીરમાં રાસાયણિક ફેરફારો કરે છે. જો મન નબળું હોય અને ભયભિત હોય તો તેની પ્રતિકાર શક્તિ ઘટી જાય છે. આપણા શરીરમાં શરીરના શત્રુઓ હાજર જ હોય છે. સર્પદંશ થાય તો ભયથી માણસ મરી જાય ખરો, ક્યારેક સાજો સમો માણસ મૃત્યુના ભયથી પણ મરી જાય છે. કારણ કે ભયથી પ્રતિકારાત્મક શક્તિ એટલી નબળી પડી જાય છે કે આવા મનુષ્યની કીડની પણ ફેઈલ થઈ જાય. ચિંતા અને ભય થી અનેક રોગ થઈ શકે છે.

    એટલે ભ્રમિત થવાય ખરું પણ ફોલ્લા પડી જાય તે ભ્રમ નથી.

    સંત રજનીશમલ પણ આવી “જંગલમેં મોર નાચા કિસીને ન દેખા” જેવા કપોળ કલ્પિત દૃષ્ટાંતો આપતા હતા.

    દા.ત. ગાંધીજી ની અહિંસા, એ અહિંસા ન હતી. તમે ચર્ચા કરો અને બીજાને હરાવી દો તેને અહિંસા ન કહેવાય. … ખરી અહિંસા તો આ છે. એક પ્રીસ્ટે દૂર રહ્યે રહ્યે પોતા્ની પરા શક્તિને આધારે એક માણસનું મન પરિવર્તન કર્યું.

    હવે આ ભાઈને અને પ્રીસ્ટને આપણે ગોતવા જાવા પડે. સંત રજનીશમલ પાસે આ બંને ભાઈઓના સરનામા ન હતા. હોય પણ ક્યાંથી?

    Liked by 2 people

    1. “એટલે ભ્રમિત થવાય ખરું પણ ફોલ્લા પડી જાય તે ભ્રમ નથી.”
      True.

      Laws of nature do not change only by thinking about it. One may believe that has happen, that is the “ભ્રમ”

      Liked by 1 person

  13. Very well explained article!
    In case of snake bite, there are only 6 types of snake which are venomous where as other 120 types are not.
    If one goes to BHUVA with a bite of non venomous snake, he would get the credit and monbey and if it is of venomous bite and man suffers, he is termed as sinner by BHUVA!
    Result of illiteracy !
    Strange but true!

    Liked by 1 person

  14. ખોટી વાત છે ,લેખક શ્રી!
    બરફ ભરેલા ગ્લાસને અડકવાથી ક્યારેય ફોલ્લા ના પડે. ચાહે વ્યક્તિ ભ્રમમાં હોય કે ના હોય. ભ્રમ એ બીજુ કશુ નથી , એ નબળા મનની નિશાની છે. એક જાતનુ પાગલપન છે. આત્મવિશ્વાસ વગરના માનવીઓ આવી ભ્રમની ભાંજગડમાં પડતા હોય છે. આવા લોકો અવાર-નવાર લોકોની વાતોમાં આવી જાય છે અને પોતે બીજાને સમર્પિત થાય છે. ધૂણવા મંડે છે, જોર જોરથી તાળીઓ પાડે છે, મોટા અવાજથી આરતી ગાય છે, અને મંદિરોમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. તર્ક કરતા નથી અને સ્વર્ગ-નર્ક ની વાતોમાં જીવન બરબાદ કરે છે. પોતાના અવતરણની ચિંતા કરવાને બદલે અવતારોની અવનવી વાર્તાઓમાં પોતે અને પોતાની પેઢીને બરબાદ કરે છે.
    સાહેબો ! આ સત્ય જ છે.રેશનાલીસ્ટો બોલો ! સાચી વાત કે ખોટી વાત ?
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 2 people

    1. “બરફ ભરેલા ગ્લાસને અડકવાથી ક્યારેય ફોલ્લા ના પડે. ” This is true.
      At the same time it is also true that long term exposure to a sub-zero temperature does burn the skin, which is called “frost bite.” Person can permanently lose his fingers or a toes. This is independent of the state of mind. Meaning ભ્રમ or no ભ્રમ

      Liked by 1 person

  15. ‘ મુન ઇલ્યુઝન‘…અે ‘ ઓપ્ટીકલ ઇલ્યુઝન‘ છે.અેટલે કે..‘.ચંન્દ્ર ક્ષિતિજ ઉપર મોટો દેખાય છે. ‘ આ અેક ખૂબ જ જાણીતી અને સમાજમાં વણાયેલી વાત છે.
    ભરમ કે ભ્રમ, ના પર્યાય કે બીજા શબ્દાર્થો….ભ્રામક ખ્યાલ, ભ્રાંતિ, સંદેહ, શંકા, વહેમ, Doubt, wrong notion, false conception, suspicion…
    Deluding, deceptive,
    To be eluded, To be deceived because of false conception…..

    સવાલ પૂછવા વિના કોઇ જે કહે તેને માની લેવું.

    Illusion distorts reality.

    ( 1) A thing that is or likely to be wrongly perceived or interpreted by senses.
    (2) An illusion is a distortion of the senses, revealing how the brain normally organizes and interprets sensory stimulation.

    જે હકીકતમાં નથી તેને ‘ છે‘ અેવું માની લેવું તે ભરમ…….( સવાલ પૂછવા વિના ‘ ભ્રમિત‘ થઇને માની લેવું )….( અસત્યને….સત્ય માની લેવું…તે…અને તે પણ સચ્ચાઇની ખાત્રી કરવા વિના….)

    આજનું અેજ્યુકેશન બાળકોને મોન્ટેસરી ક્લાસમાં જ સવાલ પૂછવાનું શીખવે છે……
    Why ?…When.?….How..?…Why not ….?…..Who ?…….આ સવાલો ‘ સચ્ચાઇ‘ શોઘવા માટે પૂછવામાં આવે છે.

    મહાભારત કે રામાયણના ઘાર્મિક પ્રવચનોમાં ( રવિશંકર મહારાજે આપેલી વ્યાખ્યા મુજબ ) ઘરેડમાં ચાલે તે ઘરડાંઓ…..આંખ મીચીને…કપાળે ભસ્મ લગાવીને…માથુ ઘૂણાવતાં ઘૂણાવતાં, તાળી પાડતાં પાડતાં…બને તો આંખમાંથી આંસુ પાડતાં પાડતાં…જે કહેવાયુ તેને સાચુ માનીને…( દર વરસે…) ઘરે જઇને પોતાના ગ્રાંડ ચીલ્દ્રનને રામ, લક્ષમણ, સીતા, હનુમાન….અર્જુન, દ્રોપદી , કૃષ્ણ, વિ..વિ…ની વાતો કરે અને બાળકો સવાલો કરે ત્યારે ઘમકાવીને કે પછી પ્રેમથી સમજાવે કે બેટા..દિકરી…દિકરા…ભગવાનની વાતો તો માની જ લેવાની હોય…સવાલ નહિ પૂછાય !

    લેખ વાંચ્યા બાદ રોજીંદા જીવનમાં પણે કેટલા ભ્રમમા જીવીઅે છીઅે અને નવી પેઢી…કેવી રીતે આ ભરમમાં પડવાથી દૂર રહેવું તે શીખી રહ્યા છે……..

    આ મારા વિચારો લેખમાંના જુના જમાનાના રોજીંદા જીવનના ભરમોને કેવી રીતે બની શકે અેટલું દૂર રહેવું તે કહેવા માટે છે…….
    અાભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  16. Nice article. Thanks. There is power of positive thinking, and power of negative thinking. There is power of knowledge, power of self thinking, and self analysis.

    Liked by 1 person

  17. Bhram ni asar sharirik hoi j na shake …e mansik j hoy.Ne man jagrut thay to enu nirasan pan tarat j thay …ne jo e babate jagrut na thay…to jindagibhar bhramit j rahe !…pan e badhi mansik asaro j hoy…e sharirik kadapi na j hoy.AAVI VAIGYANIKO NA PRAYOGO NA NAME GHANA GAPGOLA CHALATA HOY CHHE…JENA PRAMANBHUT ADHAR KYAREY MALATA NATHI.

    Liked by 1 person

  18. ‘ ભ્રમર‘ શબ્દની ઉત્પત્તિ કે વ્યુતપત્તિ ‘ ભ્રમ.‘..મૂળમાંથી થઇ હોય તો ? ભ્રમર કોણ ? જે ભમે છે તે ? કે જે ભ્રમમાં જીવે છે તે ?…ભમરાને શું કહેવું ?
    આ તો અચાનક જ વિચાર આવી ગયો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  19. Lekh rationalism vichar dharavnar mate nirasha janak kahevai. Rationalism etle bhay bhram thi bahar nikalvu aajna kahevata dha dhu pa pu o bhay ane bhram na jala rachi ne manavine daravine potano ullu sidho kare chhe ane rationalism etle bhay ane bhram mathi bahar nikline vastavikta no sweekar karine jivavu te. Rationalism nu biju nam aapvu hoi to 100 % vaignyanik abhigam.

    Liked by 1 person

Leave a comment