આપણી આસપાસની દુનીયા કુદરતી કે માનવસર્જીત ?

આપણી આસપાસની દુનીયા

કુદરતી કે માનવસર્જીત ?

–મુરજી ગડા

આપણા જીવનમાં કુદરતી કેટલું છે અને માનવસર્જીત કેટલું છે એની વાત કરીએ તે પહેલાં કુદરત વીશે થોડું જાણવું જરુરી છે. અહીં કુદરત એટલે ભૌતીક જગતની ચર્ચા કરવામાં આવી છે. આધીભૌતીક (Metaphysical) એટલે કે ભૌતીક ન હોય એવા આધ્યાત્મીક જગતની ચર્ચા કરવામાં આવી નથી.

સાવ સાદી ભાષામાં કહેવું હોય તો, આપણી આસપાસ જે પણ કઈં દેખાય છે એમાંથી જે માનવસર્જીત નથી તે બધું કુદરતી છે. કુદરતને આપણે ઓછામાં ઓછા ચાર સ્વરુપે તો જાણીએ અને અનુભવીએ છીએ. પહેલું સ્વરુપ પદાર્થનું છે. એમાંથી ઘણું આપણને દેખાય છે અને ઘણું દેખાતું નથી. ન દેખાવાનું કારણ આપણી દૃષ્ટીમર્યાદા છે. અતી સુક્ષ્મ હોય કે અતી દુર હોય તે પદાર્થ આપણી દૃષ્ટીમર્યાદાની બહાર હોવાથી આપણા માટે તે અદૃશ્ય બની જાય છે. જો કે નવા શોધાયેલા યંત્રો વડે ઘણી અદૃશ્ય વસ્તુઓ હવે દૃશ્ય બની રહી છે, છતાં ઘણી વસ્તુઓ આપણા માટે હજી પણ અદૃશ્ય છે. બીજું સ્વરુપ ઉર્જાનું છે. એમાંથી એક પ્રકાશ દૃશ્ય છે. ગરમી, અવાજ, વીજ–ચુમ્બકીય વગેરે બીજા ઉર્જાના સ્વરુપ છે જે દૃશ્ય નથી; પણ અનુભવી શકાય છે. જનસામાન્યમાં ઓછાં જાણીતાં કુદરતનાં બીજા સ્વરુપો છે, પદાર્થો અને ઉર્જાના ગુણધર્મ,  કુદરતના નીયમો, એને લીધે સર્જાતાં બળ વગેરે. આ બધું ભૌતીક જગત છે. આ સીવાય હજી થોડાં કુદરતી તત્ત્વો અને શક્તીઓ છે એમાં આપણે અત્યારે ન જઈએ.

ભારતમાં ઘર કરી ગયેલી બેહદ અન્ધશ્રદ્ધા પાછળનું મુખ્ય કારણ વૈજ્ઞાનીક માહીતી અને એને લીધે આવતી વૈજ્ઞાનીક વીચારસરણીનો અભાવ છે. વીજ્ઞાન એ કુદરતને, એમાં નીયમીત, અવારનવાર તેમ જ ક્વચીત બનતી કુદરતી ઘટનાઓને, તેમ જ એમની પાછળના કારણોને, એની શક્તીને, એના અનાદરના પરીણામોને સમજવાનું શાસ્ત્ર છે. એ બધું જ્યારે બરાબર સમજાઈને મગજમાં ઉતરવા લાગે છે ત્યારે આપણામાં વૈજ્ઞાનીક અભીગમ આવ્યો એમ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે અન્ધશ્રદ્ધા આપોઆપ ઓછી થતી જાય છે. અને આપણી આસપાસની ભૌતીક દુનીયા સાચે જ કેવી છે, શું છે વગેરે સમજાવા લાગે છે. એનું સૌથી પહેલું એક સારું પરીણામ એ આવે છે કે દૈવી શક્તીઓ ધરાવવાના દાવા કરતા લેભાગુઓથી આવી વ્યક્તી પોતાને બચાવી શકાય છે.

પ્રાચીન અને મધ્યયુગમાં આ ભૌતીક જગત વીષે બહુ ઓછી જાણકારી હતી. જે નરી આંખે દેખાતું હતું તેના પરથી જે દેખાતું નહોતું એના વીશે જાતજાતની, સાચી ઓછી અને ખોટી વધુ, એવી કલ્પનાઓ કરવામાં આવી હતી. બ્રહ્માંડની વીશાળતાનો ખ્યાલ ન હોવાથી એ બધી કલ્પનાઓ માણસની ત્યારની સમજ પુરતી મર્યાદીત હતી. વીજ્ઞાનના વીકાસ પછી આ બધું બદલાવા લાગ્યું છે. ખાસ કરીને છેલ્લા સો વરસમાં ભૌતીક જગત વીષે ઘણું વધારે જાણવા મળ્યું છે.

આપણા જીવનમાં કુદરતી અને માનવસર્જીત કેટલું છે અને શું છે એને થોડા ઉંડાણમાં તપાસીએ. મોટા શહેરોમાં નજર ફેરવો ત્યાં બધુ જ માનવસર્જીત હોય એવું જણાય છે. આપણા ઘરો, ઘરમાંના સાધનો, રસ્તાઓ, વાહનો વગેરે લગભગ બધુ જ માનવસર્જીત છે એ ખરું. જો કે એ સર્જન કુદરતી તત્ત્વો અને પદાર્થોમાંથી કરવામાં આવ્યું છે. એ બનાવવા માટેની જરુરી ઉર્જા પણ કુદરતી છે. એના ઉપભોગમાંથી થતો કચરો કુદરતી રચનાઓમાં ઠલવાય છે. આ બધુ જ કુદરતી છે તો પછી માનવસર્જીત શું છે?

આપણી આસપાસ જે પણ માનવસર્જીત છે એની શરુઆત માનવમગજમાં આવેલા વીચારથી થાય છે. માણસે પોતાની બુદ્ધી વાપરીને આ બધા કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરી પોતાનું જીવન વધુ સગવડવાળું કર્યું છે. આગળ જણાવેલી બધી વસ્તુઓ મુર્ત છે, એ વાસ્તવીક છે એટલે સત્ય પણ છે.

માનવ માત્ર મુર્ત વસ્તુઓ માટે જ પોતાનું મગજ વાપરે છે એટલું નથી. આપણા જીવન સાથે વણાયેલી કેટલીયે અમુર્ત બાબતો, દેખાતી ન હોય એવી બાબતો પણ માનવ મગજની જ પેદાશ છે. એમાંથી કેટલીક જરુરી છે, કેટલીક બીનજરુરી છે અને કેટલીક ચર્ચાસ્પદ છે.

અમુર્ત એવી જરુરી બાબતોની વાત કરીએ તો આપણા માટે ખુબ જરુરી એવી પૃથ્વી પરની સમયગણના, દીશાઓ વગેરે માનવ મગજનું જરુરી સર્જન છે, તે ઉપયોગી છે અને તેમાં કુદરતી પદાર્થ, ઉર્જા વગેરે કઈં વપરાયું પણ નથી. આ ઉપરાન્ત આપણા નૈતીક મુલ્યો, સમાજરચનાના નીયમ વગેરે ઘણુ બધુ અમુર્ત અને જરુરી સર્જન છે. આ બધુ કરનાર માણસોના આપણે ઋણી છીએ. જ્યારે બીજી બાજુ ઉંચનીચના ભેદભાવ, રંગ, જાતી, ધર્મ પર આધારીત ભેદભાવ સાવ બીનજરુરી છે. આ બધુ પોતાનો સ્વાર્થ સાધનાર લોકોની કરણી છે. તે સીવાય ઘણી વધારે બાબતો એવી છે જે ચોક્કસપણે જરુરી કે બીનજરુરી કહી શકાય એમ નથી. એમા આવે છે આપણી કેટલીક પરમ્પરાઓ, માન્યતાઓ, કલ્પનાઓ વગેરે વગેરે.

કુદરતના નીયમ અફર છે. કોઈની ઈચ્છા પ્રમાણે પોતાના કે અન્ય કોઈના લાભ માટે તે જાદુ, મન્ત્ર, શ્રાપ કે આશીર્વાદથી બદલાવી શકાતા નથી. કુદરતના નીયમો સમજવાના શાસ્ત્રને વીજ્ઞાન કહે છે. એટલે વીજ્ઞાન એક સ્વતન્ત્ર વીષય બને છે. વીજ્ઞાનને બીજા કોઈ વીષય સાથે વીવાદ નથી. વીજ્ઞાન વીષે જે પણ વીવાદ ઉભા થયેલા છે તે અન્ય ક્ષેત્રના લોકો દ્વારા સમાજમા પોતાનું વીશીષ્ટ સ્થાન જાળવી રાખવાના હેતુથી ઉભા કરાયેલા વીવાદ છે.

વૈજ્ઞાનીક શોધખોળોમાં કેટલાંક ની:શક સાબીત થયેલાં તથ્યો અને નીયમો છે, જ્યારે થોડા હાયપોથીસીસ/અનુમાન પણ છે. જે અત્યાર સુધી મળેલી માહીતીના આધારે બાંધવામાં આવેલું અનુમાન છે. એમાં ક્યારેય પણ તુક્કા કે ગપગોળા નથી હોતા. વીજ્ઞાન પણ ઉત્ક્રાંતી પામી રહ્યું છે. એની પાસે દરેક વીષયનું સમ્પુર્ણ જ્ઞાન હોવાનો દાવો કોઈ કરતું નથી. જ્યારે નવી અને વધારે ચોક્કસ માહીતી મળે છે ત્યારે વૈજ્ઞાનીક જગત ખુલ્લા મને તેનો સ્વીકારે છે અને પોતાની જુની થીયરીમાં જરુરી ફેરફાર પણ કરે છે. સાથે એ રજુ કરનારનું યોગ્ય સન્માન થાય છે, એમનો વીરોધ નથી થતો. સત્યશોધનના રસ્તે જરુર પડ્યે જુની માન્યતાઓ છોડતાં જવું પડે છે. તો જ સાચું  જ્ઞાન પ્રાપ્ત થાય. એ તો એરણ પર ઘડાઈ સતત તીક્ષ્ણ થતું ઓજાર છે. એ નવા પ્રવાહોને પોતામાં સમાવતું વહેતું પાણી છે. બન્ધીયાર પાણી કરતાં કુદરતી રીતે વહેતું પાણી હમ્મેશાં વધારે શુદ્ધ હોય છે.

વીજ્ઞાનના નીયમોનો ઉપયોગ કરી આપણું જીવન સગવડભર્યું કરનારા સાધન બનાવવાની પ્રક્રીયાને ટૅકનોલોજી કહે છે. એનો લાભ આપણે સતત મેળવી રહ્યા છીએ છતાં પણ વીજ્ઞાનનો વીરોધ થતો રહે છે. આ એક દુ:ખદ બાબત છે.

–મુરજી ગડા

વડીલ શ્રી. મુરજી ગડાએ મારા અભીવ્યક્તી બ્લોગ માટે ખાસ આ લેખ મને મોકલ્યો તે બદલ હું એમનો ખુબ ખુબ આભાર માનું છું.   ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક :  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009  ઈ–મેલ : mggada@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

 

12 Comments

  1. સ્નેહીશ્રી મુરજીભાઇ,
    અર્ટીકલની શરુઆતનો તમારો સવાલ જ તમારા લેખને પુરો સમજાવી દે છે. આ સવાલ આજે સમાજ, ઘરમ, દેશ અને દુનિયાનો આજના રોજીંદા જીવનને સંબોઘીને અને તેના રેફરન્સમાં જ છે.
    મારા વિચારો.
    અા પૃથ્વિ ઉપર જ્યારથી જીવની ઉતપ્તી થઇ…અને માણસ બને તે પહેલાંના…ગોરીલાની જાતિ પ્રજાતિ સુઘીનો ઇતિહાસ જોઇઅે અને અાજે પણ તે જાતિ, પ્રજાતિ સુઘીના જીવનનો અભ્યાસ કરીઅે તો ચોખ્ખો જવાબ મળી જશે.
    પ્રાણિ કે વનસ્પતિ…બન્ને જીવ જ્યારે પૃથ્વિ ઉપર જન્મ્યા અને જીવી રહ્યા છે ( માણસની વાત નથી.) તેઓ ફક્ત ત્રણ કર્મો લઇને જન્મ્યા છે અને જીવી રહ્યા છે. ૧. ખાવું ૨. પીવું અને શારિરિક વૃઘ્ઘિ પામવી અને ૩. પ્રજનન કરો…..બસ….આટલું જ.
    વાંદરમાંથી વિકાસ પામેલા માણસે તે પછી મગજ અને બુઘ્ઘિના વિકાસની સાથે તેના ઉપયોગથી પોતાની જરુરીઆતો મુજબ દુનિયાને ઘડી અને ઘડતો રહ્યો છે…ત્યાં સુઘી કે તે પોતાના સંહાર માટે પોતાની શોઘો સાથે આજે તૈયાર બેઠો છે.
    તમારા સવાલનો જવાબ મારી સમજ મુજબ…કુદરતે જે આપેલું છે તેના વડે આજની ખાલતી ચાલતી દુનિયા બની નથી…માણસે અને માણસે જ ઘડી છે.
    વાંદર સુઘીના પ્રાણિ અને વનસ્પતિઓ હજી કુદરતે તેમને આપેલા જીવનના ત્રણ કાયદાથી જ જીવી રહ્યા છે……
    આ વિચાર લખતાં પહેલાં મેં લેખ હજી વાંચ્યો નથી. તમારા સવાલનો મેં લખેલો જવાબ મગજમાં રમતો હતો અેટલે લખી દીઘો. હવા લેખ વાંચીશ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. એક ચોખવટ. માનવી વાનરમાંથી વીકાસ પામીને થયો છે તેવી પ્રચલીત થયેલી માન્યતા બરાબર નથી. વાનર અને માનવીના પુર્વજ એક છે. આમ, વાનર માનવીના પુર્વજ નહીં પણ ‘પીતરાઈ છે. ચીપાન્ઝી માનવીના સૌથી નજીકના પીતરાઈ છે અને ગેરીલા સૌથી દુરના.

      Liked by 3 people

  2. વીજ્ઞાનના નીયમોનો ઉપયોગ કરી આપણું જીવન સગવડભર્યું કરનારા સાધન બનાવવાની પ્રક્રીયાને ટૅકનોલોજી કહે છે. એનો લાભ આપણે સતત મેળવી રહ્યા છીએ છતાં પણ વીજ્ઞાનનો વીરોધ થતો રહે છે. આ એક દુ:ખદ બાબત છે…….સુંદર અને સ્રર લેખ…

    મારી માન્યતા મુજબ …. એક વાર કુદરતી પદાર્થ કે ઉર્જા નો ઉપયોગ કરી એનાથી નવી પેદાશ સર્જાઈ તિયાર બાદ એ માનવસર્જિત જ ગણાય … દા ત માનવી એબી ની પેદાશ કરે છે, બીજ જમીન માં રોપી ની વનશપતિ ઉત્પ્ન્ન કરે છે કે પછી ધર્મ ના નામે ધતિંગ કરે ..આ બધું જ માનવસર્જિત ગણાય …..

    હા આપણા કોષરસ શરીર માં છે એ કુદરતી છે પરંતુ એ નો ઉપયોગ આપણે આપણી બુદ્ધિ થી કરીયે અને એમાંથી જે પરિણામ આવે માનવસર્જિત જ કહેવાય …….

    Liked by 1 person

  3. Dear Murjibhai,

    Enjoyed the article.

    May I elaborate on a few things

    The science is not just about nature. The definition of science is broader,
    its scope wider. According to OED (Oxford English Dictionary)- The science is “The intellectual and practical activity encompassing the systematic study of the structure and behaviour of the physical and natural world through observation and experiment”

    Superstition is faith based. I submit there is no such thing as blind faith and faith. Here i am talking about religious faith or beliefs. Social superstitions are
    many times bound and shackled by tradition, culture, ethnicity, prejudices, paranoia, ETC and not always based on education or the lack thereof. For one
    person it may be a superstition, while for another, it just might be the truth.
    Humans. societies, beliefs all evolve over generations,.over time. What is nonspiritual truth? In this context it has always been fluid.Yesterday’s truth can be today’s factoid. Today’s factoids can be tomorrow’s truth.

    So it is not easy to answer whether the world around us is a natural one or is it man made one. The world that we inhabit is and will always be both. We live among the gardens, the bloom and bust of flowers, the fluttering butterflies, and also toxic factories, the pollution, the chaos. The trick is to strike a balance
    and harmony between the nature and the science. You visit Tokyo and then you visit Kyoto or you visit tulip gardens of Amsterdam and gigantic shipyard of Rotterdam and you realize that such a delicate dance between the nature and
    the science is life is really all about.

    Liked by 2 people

  4. સરસ લેખ.
    વીજ્ઞાન મુજબ ઉર્જા માત્ર અદૃશ્ય છે. પ્રકાશ એ ઉર્જા છે, એ પણ અદૃશ્ય છે. માત્ર એ જેના પર પડે છે તે દૃશ્ય બને છે. શુન્યાવકાશમાંથી પ્રકાશ પસાર થાય તો એ પ્રકાશ દેખાશે નહીં. આમ પ્રકાશનો પણ અનુભવ જ થાય છે દેખાતો નથી. જેમ બીજી ઉર્જાઓનો અનુભવ થાય છે.

    Liked by 1 person

  5. Muljibhai has tried to explain science in simplified way.only important is to keep scientific approach which will help in understanding the Nature .

    Liked by 1 person

  6. સાવ સાદી ભાષામાં કહેવું હોય તો, આપણી આસપાસ જે પણ કઈં દેખાય છે એમાંથી જે માનવસર્જીત નથી તે બધું કુદરતી છે

    Liked by 1 person

  7. વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિ પર મનનીય લેખ. શ્રી મૂરજીભાઈની છણાવટ ગમી.
    જે બુદ્ધિજીવી છે, તેને સત્યની ખોજની ઇચ્છા રહેશે અને તેને હંમેશા જ્ઞાનની પિપાસા રહેશે. સત્ય વિવિધ માર્ગે શોધી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માનવીને સાચા રસ્તે દોરે છે. મૂર્ત કે અમૂર્ત, કાંઈ પણ સમજવા વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે. તેના વિના માનવી અંધ બની, દિશાહીન થઈ ભટકી જશે.
    વિવિધ માર્ગે સત્યની શોધ માનવીને વિચારશીલ અને પરિપક્વ બનાવે છે. એરિસ્ટોટલ અને
    ટોલેમીથી પંદરમી – સોળમી સદીના વૈજ્ઞાનિકોએ અલગ મત ન દર્શાવ્યો હોત, તો કદાચ વિજ્ઞાનના વિકાસના તબક્કાઓ જુદા હોત! માનવજીવનમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમને યથોચિત સ્થાન આપવું આવશ્યક છે.
    ભલે કોઈ મુદ્દાઓ પર આપણી વચ્ચે વિચારભેદ હોય, ગોવિંદભાઈ! પરંતુ સમાજને વિચારવંત કરવાની આપની ધગશને, લગનને, મિશનને હું સન્માનું છું. સમાજમાંથી અજ્ઞાન દૂર કરે તેવા અને સમાજમાં જાગરૂકતા આણે તેવા આપના બ્લૉગના લેખ આવકારદાયક છે.

    આપના વિચારો અને પ્રયત્નોમાં જે નિષ્ઠા છે તેને હું હ્રદયથી બિરદાવું છું.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s