ભ્રમના ભેદભરમ

04

ભ્રમના ભેદભરમ

–બી. એમ. દવે

[ગત અંક : 03 ( https://govindmaru.wordpress.com/2017/03/10/b-m-dave-5/ )ના અનુસન્ધાનમાં..]

એક પ્રચલીત કીર્તનના શબ્દો સાંભળો :

તમે નાહકના મરો બધા મથીમથી રે,

કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે !

ભારતીય પરમ્પરામાં વૈરાગ્યવાદી અને પલાયનવાદી વીચારસરણીને પોષવા માટે પહેલાથી જ ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને તેમાં મહદંશે સફળતા પણ મળી છે. આ હેતુ સીદ્ધ કરવા માટે એક સૌથી અસરકારક હથીયાર ‘કોઈ કોઈનું નથી’ નામનું વન–લાઈનર છે ‘કોઈ કોઈનું નથી’ અથવા છે તે નક્કી કરવાના માપદંડો કયા? આ થીઅરીના પુરસ્કર્તાઓ પોતાના ટેકામાં ઉક્ત કીર્તનની નીચેની પંક્તીઓનો સહારો લે છે :

મુઆની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે!

અર્થાત્ મરનારની સાથે કોઈ મરતું નથી, એટલે ‘કોઈ કોઈનું નથી’ તેવું અનુકુળ અર્થઘટન કરવામાં આવ્યું છે.

અરે, ભાઈ! રાજા રામમોહન રાયે કેટલી મહેનત કરીને માંડમાંડ સતીપ્રથા બન્ધ કરાવી છે તે ફરીથી ચાલુ કરાવવી છે? ‘કોઈ કોઈનું છે’ એવું સાબીત કરવા માટે મરનારની સાથે તેનાં તમામ સગાંવહાલાંઓએ મરી જવું જરુરી છે? અને દલીલ માટે માની લઈએ કે ‘કોઈ કોઈનું નથી’, તો શું કરવાનું? બધાએ બાવા બની જવાનું? ઘર છોડીને સંયાસ લઈ લેવાનો? ઈરાદાપુર્વક આવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે અને તેની ઝપટમાં હજી પણ ઘણા હૈયાફુટાઓ આવી જાય છે.

એક બાજુ શાસ્ત્રો આધારીત નીચે મુજબની વાતો વ્યાસપીઠ ઉપરથી ગાઈ–વગાડીને સતત કહેવાતી રહે છે :

 1. દરેક આત્મા સ્વતન્ત્ર અને અલગ છે, પરન્તુ પુર્વ ભવના ઋણાનુબન્ધ અનુસાર જુદાજુદા સાંસારીક સમ્બન્ધોથી જોડાય છે.

 2. ઋણાનુબન્ધ પુરો થતાં મૃત્યુના માધ્યમથી દરેક આત્મા છુટો પડે છે અને પોતાના કર્મફળ મુજબ ગતી કરે છે.

આ હકીકત સ્વીકાર્યા પછી બીજી બાજુ ‘કોઈ કોઈનું નથી’ તેવી બે મોઢાંની વાતો કરી ચકરાવે ચડાવવાનું પ્રયોજન શું હશે? આવા ભ્રમના ચક્કરમાં આવી સંસારથી વીમુખ થઈ વધુમાં વધુ માણસો મન્દીરો તરફ દોટ મુકે અને ભગવાં વસ્ત્રો તરફ વળે તેવું વાતાવરણ ઉભું કરવાનું પ્રયોજન હોવાનો વહેમ પડે છે.

મારા બાળપણના વતનના ગામમાં એક સાધુ આવતા ત્યારે આ થીઅરીના સમર્થનમાં એક દૃષ્ટાંતકથા સંભળાવતા, જે વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

ગામડાના ભોળા ભક્તો સમક્ષ વીજેતા યોદ્ધાની અદામાં તેઓ કહેતા કે વર્ષો અગાઉ એક ગામની બહાર વગડામાં ઝુંપડી બાંધીને તેઓ રહેતા હતા. ગામમાંથી કોઈ ભાવીક જમવાનું આપી જાય તે જમતા અને શ્રદ્ધાળુઓ ઝુંપડીએ આવે તેમને ઉપદેશ આપતા હતા. ઉપદેશમાં સંસાર અસાર છે અને ‘કોઈ કોઈનું નથી’ એ મુદ્દાઓ મુખ્ય રહેતા. શ્રદ્ધાળુઓમાં એક ત્રીસેક વર્ષની ઉમ્મરનો ભાવુક યુવાન મહારાજથી વધુ પ્રભાવીત થયો હતો. મહારાજ એ યુવાન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી તેમનો ઉપરોક્ત ઉપદેશ ગળે ઉતારવા બહુ મથતા અને આગ્રહપુર્વક કહેતા કે સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ; કારણ કે આ મનુષ્યદેહ સંસાર ભોગવવા માટે નહીં, પણ ઈશ્વરપ્રાપ્ત માટે મળ્યો છે.

પેલો યુવાન પોતાનાં માતા–પીતા, ભાઈ–બહેન અને પત્ની–બાળકો સાથે સુખેથી રહી સંસાર માણતો હતો. મહારાજનો વધતો જતો હઠાગ્રહ જોઈ એક દીવસ યુવાને મહારાજને કહી દીધું : ‘‘તમોએ સંસાર જાણ્યો કે માણ્યો નથી, એટલે તમને સાચી ખબર નથી, એટલે જ સંસાર વીરુદ્ધ આટલું બધું બોલો છો. મારા સીવાય મારાં માતાપીતાનું કોઈ નથી. મારી પત્ની મારા વગરની કલ્પના પણ ન કરી શકે. મારી બહેન મારા વગર રાખડી કોને બાંધે? ‘કોઈ કોઈનું નથી’ એ વાત ખોટી છે. બધાં જ મારાં છે અને મારા વગર જીવી શકે નહીં.’’

સાધુમહારાજે દાવની સોગઠી બરાબર મારતાં જવાબ આપ્યો : ‘‘તારા પરીવાર વીશે તું જે માને છે તે ભ્રમ છે. ખરેખર ‘કોઈ કોઈનું નથી’ તેની ખાતરી કરવી હોય તો હું કહું તેમ કર. આવતી કાલે સવારે તારે હું બહારગામ જઉં છું તેમ કહી ધરેથી નીકળી જવાનું અને ઘરનાં સભ્યો આઘાંપાછાં થાય એટલે છાનામાના ઘરમાં પ્રવેશી, અનાજની કોઠીમાં સંતાઈ જવાનું અને બધો ખેલ જોવાનો.’’

આ યુવાન પોતાની માન્યતા ઉપર મુસ્તાક હતો. તેણે સાધુમહારાજની સુચના મુજબ અમલ કર્યો. તે કોઠીમાં સંતાઈ ગયો. પછી થોડી વારે સાધુમહારાજ આ યુવાનના ઘરે આવ્યા અને પરીવારને ચોંકાવનારી વાત કરી : ‘‘તમારો દીકરો મારી ઝુંપડીએ આવી રહ્યો હતો ત્યારે ખેતરમાં સર્પે દંશ દીધો છે અને ઝુંપડીએ મૃત્યુની ઘડીઓ ગણી રહ્યો છે.’’ સમગ્ર પરીવારમાં રોકકળ મચી ગઈ. બધા માથાં પછાડી કહેવા લાગ્યાં : ‘‘ગમે તે ઉપાયે દીકરાને બચાવો, નહીંતર અમે કોઈ જીવી શકીશું નહીં.’’ સાધુમહારાજે કહ્યું : ‘‘દીકરાને બચાવવાનો એક જ ઉપાય છે. તેનું આયુષ્ય પુરું થઈ ગયું છે, એટલે તમારામાંથી કોઈ એક વ્યક્તી પોતાનું આયુષ્ય તેને આપી દે તો દીકરો બેઠો થાય અને આયુષ્ય આપનારનું મરણ થાય. મારી પાસે કોઈ વ્યક્તીને આવી રીતે બચાવવાની વીદ્યા છે.’’

સમ્પુર્ણ પરીવાર મહારાજે બતાવેલ ઉપાય સાંભળી સ્તબ્ધ અને ની:શબ્દ બની ગયો. મહારાજે સહુ પહેલાં મા–બાપ સામે જોઈ કહ્યું : ‘‘તમોએ ઘણું જીવી લીધું છે, એટલે દીકરાને બાકીનું આયુષ્ય બક્ષી જીવતદાન આપો.’’ મા–બાપે માથું ખજવાળીને કહ્યું : ‘‘તમારી વાત તો સાચી છે, પણ અમારે હજી એક દીકરો અને એક દીકરી પરણાવવાનાં બાકી છે. દીકરીને અમારા વગર કન્યાદાન કોણ આપે? બીજું તમે ગમે તે કહો તે કરવા તૈયાર છીએ.’’ યુવાનનાં ભાઈ–બહેનને પુછતાં તેમણે જવાબ આપ્યો : ‘‘અમે તો હજી સંસાર માણ્યો જ નથી. અમારાં તમામ સ્વપ્ન આટલી નાની ઉમ્મરે કેવી રીતે રોળી શકીએ?’’

છેલ્લે યુવાનની પત્નીને સાધુમહારાજે પુછ્યું તો તેણે કહ્યું : ‘‘મારે નાનાંનાનાં બે બાળકો છે, તેમને મોટાં કરવાનાં છે. મા વગરનાં બાળકોનું કોણ? મા એ મા બીજા બધા વગડાના વા. માની જગ્યા બાપ ક્યારેય લઈ શકે નહીં.’’ આમ, આ રીતે યુવાનના પરીવારમાંથી તેને જીવતદાન આપવા કોઈ તૈયાર ન થયું. યુવાન કોઠીમાં સંતાઈને બધું સાંભળી રહ્યો હતો. સાધુમહારાજે તેને કોઠીમાંથી બહાર નીકળવા હાકલ કરતાં એ બહાર આવ્યો. તેને જીવતો જોઈ ઘરનાં બધાં સભ્યો ખુબ જ રાજી થઈને ભાવવીભોર બની ગયાં અને યુવાનને વળગી પડવાની કોશીશ કરવા લાગતાં, યુવાને હડસેલો મારીને બધાંને દુર કરી દીધાં અને તે બોલ્યો : ‘‘આ બધું નાટક હવે બન્ધ કરો. મેં બધું મારી સગી આંખે જોઈ લીધું છે અને મારો ભ્રમ ભાંગી ગયો છે.’’ યુવાન સાધુમહારાજના પગમાં પડી બોલ્યો : ‘‘તમે સાચા છો. સંસારમાં ‘કોઈ કોઈનું નથી’ તેની ખાતરી મને થઈ ગઈ છે અને હવે હું સંસારમાં રહેવા માગતો નથી. મને આપની સાથે લઈ ચાલો.’’

વાચકમીત્રો! આ બોધકથા ઉપરથી આપણી ચર્ચા અન્વયે શું તારણ નીકળે છે? અને શું સાબીત થાય છે? મારા વ્યક્તીગત મન્તવ્ય અનુસાર ‘કોઈ કોઈનું નથી’ એ વાક્ય ખરેખર સમ્પુર્ણ સત્ય નથી; પરન્તુ અર્ધસત્ય છે. કોઈ કોઈના વગર જીવી ન શકે તેટલી હદે કોઈ કોઈનું નથી એમ કહેવું સાચું છે, એટલે સંસાર છોડવાનો નીર્ણય કરનાર યુવાનની અપેક્ષા વધારે હોવાનો ભ્રમ ભાંગી જતાં તેને આઘાત લાગ્યો. એ પ્રશ્ન પણ થઈ શકે કે આ યુવાનને પોતાનાં સ્વજનો માટે પોતાનો જીવ આપવો પડે તેવા સંજોગો સર્જાયા હોત તો તે પોતે આવું બલીદાન આપી શક્યો હોત? સંસાર છોડતાં પહેલાં આ પ્રશ્ન યુવાને પોતાની જાતને પુછવો જોઈતો હતો. જો આમ કર્યું હોત તો તેનો ભ્રમ કદાચ અકબન્ધ રહી જાત. ‘કોઈ કોઈનું નથી’ તેમ માનનારે પોતાની જાતને પુછવું જોઈએ કે હું કોઈનો કેટલો છું? ‘કોઈ કોઈનું નથી’ એ વાક્યને અર્ધસત્ય એટલા માટે કહી શકાય કે ‘કોઈ કોઈનું નથી’ની સાથોસાથ કોઈ કોઈનું હોવાનો અહેસાસ પણ સંસારમાં અવારનવાર થતો રહે છે, એટલે કે બન્ને હકીકતોનું સહ–અસ્તીત્વ છે. જવલ્લે જ બનતા બનાવોમાં પ્રીય પાત્રની વીદાયના આઘાતમાં મૃત્યુને વહાલું કરવાના કીસ્સાઓ નોંધાય છે. તેમ જ પોતાના પ્રીયપાત્રની વીદાયના આઘાતમાં આપોઆપ જીવ નીકળી જવાના કીસ્સાઓ પણ બને છે. પોતાનાં સ્વજનોની આયુષ્યરેખા લમ્બાવવા માટે પોતાનાં અંગોનું દાન કરવાના બનાવો ઠેરઠેર બને છે.

એમ લાગે છે કે આ વન–લાઈનર દ્વારા સંસાર અસાર છે તેવો ભ્રમ ઉભો કરી, બૉર્ડરલાઈન ઉપર ઉભેલાને બૉર્ડર લાઈન ક્રોસ કરાવી ભગવા કે સફેદ વસ્ત્રો તરફ ધકેલવાનો પ્રયત્ન છે. બાળદીક્ષા જેવા મુદ્દાઓ તો હવે ન્યાયની કસોટીએ પણ ચડવા માંડ્યા છે. આ બધાના મુળમાં આ વન–લાઈનરની ભુમીકા ચાવીરુપ છે. સસાંર છોડી સંન્યાસ લીધા પછી તેનો ભ્રમ ભાંગી જવાની શક્યતા પણ રહેલી જ છે.

આ તમામ ભ્રમનું સમાધાન કરવા માટે તથાગત્ બુદ્દનું જીવનચરીત્ર ઉદાહરણીય છે. સંસારમાં સુખની સાથે દુ:ખ પણ છે તેવી પ્રતીતી થતાં દુ:ખનીવારણના ઉપાયની શોધમાં અર્ધી રાત્રે તેઓશ્રીએ પત્ની અને બાળકને ઉંઘતાં મુકી ગૃહત્યાગ કર્યો હતો. બુદ્ધત્વ પામ્યા પછી પોતાના ઘરે આવે છે ત્યારે પત્ની યશોધરા તેઓશ્રીને બે પ્રશ્નોના જવાબ આપવા વીનન્તી કરે છે :

 1. રાત્રે અમને ઉંઘતા મુકીને ગૃહત્યાગ કરવાનું કારણ શું હતું? જવાની રજા હું ન આપત એવો ભય હતો?

 2. જંગલમાં જઈને તમોએ જે કાંઈ મેળવ્યું છે તે અહીં સંસારમાં રહીને ન મેળવી શક્યા હોત?

તથાગત્ બુદ્ધે બહુ નીખાલસતાથી પ્રત્યુત્તર આપતાં જણાવ્યું : હા, મને તમે રજા ન આપત તેવો ભય હતો અને તેથી અર્ધી રાત્રે ગૃહત્યાગ કર્યો હતો. મેં જંગલમાં જઈ જે  મેળવ્યું છે તે અહીં સંસારમાં રહીને પણ મેળવી શક્યો હોત તેવું અત્યારે લાગે છે; પણ ગૃહત્યાગ કર્યો ત્યારે એવો ભ્રમ હતો કે સંસારમાં રહીને ન મેળવી શકાય.’’ ગુજરાતના ક્રાંતીકારી સન્ત તરીકે જાણીતા અને સન્માનીય એક સન્તનો ઈન્ટરવ્યુ થોડાં વર્ષો અગાઉ એક ગુજરાતી ન્યુઝ ચૅનલ ઉપર જોયેલો. જાણીતા પત્રકાર સ્વામીજીને મુલાકાતને અન્તે છેલ્લો પ્રશ્ન પુછે છે : ‘‘આટલાં વર્ષોના સંન્યાસ પછી કોઈ અહેસાસ કે અસંતોષ ખરો?’’ સ્વામીજીએ ખુબ જ નીખાલસતાપુર્વક ઉત્તર આપ્યો હતો : ‘‘સંન્યાસ લીધાનાં 55 વર્ષ પછી અત્યારે લાગે છે કે સંન્યાસ લેવાની જરુર ન હતી.’’ મીડીઆ સમક્ષ કેટલા સન્તો આવી કબુલાત કરી શકે? આ સન્તને કોટી–કોટી વન્દન!

વાચકમીત્રો! મને વીશ્વાસ છે કે મારી વીચારધારાના સમર્થનમાં કરેલ ઉપરોક્ત બે દૃષ્ટાંતો મારી દલીલોને હાથીછાપ સીમેન્ટ જેવી મજબુતાઈ બક્ષશે.

ભ્રમ ભાંગી ગયા પછી જીન્દગીમાં હકારાત્મક વળાંક હોય તેવો કીસ્સો સન્ત કવી તુલસીદાસજીના જીવનનો છે. તેઓશ્રી તેમનાં ધર્મપત્નીને અતીશય પ્રેમ કરતા હતા. તેમના વીરહમાં તેમને મળવા માટે વરસાદી રાત્રે તેમના પીયર ખાતે પહોંચી ગયા. દરવાજો બન્ધ હોઈ એક દોરડી પકડીને ઉપરના માળે ચડી ગયા. હકીકતમાં એ દોરડી નહીં; પણ સાપ હતો તેવું ઈતીહાસમાં નોંધાયું છે.

બાકી તો તુલસીદાસજીની જેમ સરપ્રાઈઝ આપવા જતાં ઘણાં દમ્પતીઓનો ભ્રમ ભાંગી જવાના અને તેને કારણે હાડકાં ભાંગી જવાના અને ઘર પણ ભાંગી જવાના સમાચારો આપણે ઘણી વખત વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ.

વાચકમીત્રો! આવો, આપણે ભેદભરમની દુનીયામાં વધુ એક ડોકીયું કરી લઈએ.

આપ સૌને જાતઅનુભવ હશે જ કે વૃદ્ધ માવતરો અને ખાસ કરીને બીમારીથી ગ્રસ્ત હોય તેવાં વૃદ્ધ માવતરો અવારનવાર એવું કહેતાં સંભળાય છે : ‘‘હવે તો ઉપરવાળો દોરી ખેંચી લે તો સારું.’’ બીજાં સમવયસ્ક પાછાં આશ્વાસન આપતાં હોય તેમ કહેશે : ‘‘ભાઈ! આપણા હાથમાં ક્યાં છે? આ બાજી તો કુદરતે પોતાના હાથમાં રાખી છે.’’ હું આવા સંવાદો સાંભળું છું ત્યારે મારા મનમાં પ્રશ્ન થાય અને પુછવાનું પણ મન થાય કે કુદરતે આ બાજી તમારા હામાં રાખી હોત તો શું કરત? ઈચ્છામૃત્યુ શક્ય બને તો કેટલા માણસો તેનો ‘લાભ’ લે? હકીકતમાં કોઈને ક્યારેય મરવું નથી હોતું, છતાં આવા ભ્રમની જબરી બોલબાલા છે.

મારા મંતવ્યના ટેકામાં એક સત્યઘટના રજુ કરું છું. એક નાના ગામડામાં વૃદ્ધ દમ્પતી રહેતાં હતાં. દાદાને વૃદ્ધાવસ્થાને લગતી ઘણી શારીરીક તકલીફો હતી; પણ દાદીની તન્દુરસ્તી પ્રમાણમાં ઘણી સારી હોવાથી દાદાની ખુબ સમ્ભાળ રાખતાં હતાં. બન્ને વચ્ચે પ્રેમભાવ પણ ખુબ જ હતો. દાદી અવારનવાર દાદાને કહેતાં : ‘‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને સદાય અખંડ સૌભાગ્યવતી જ રાખે અને તમારી પહેલાં લઈ જાય.’’ દાદા આવી ભાવના જોઈ રાજી થાય અને મજાકમાં કહે : ‘‘તું જતી રહે તો મારી સેવા કોણ કરે?’’

રાત્રે દાદા અન્દરના ઓરડામાં સુએ અને દાદી બહાર ઓસરીમાં સુએ. એક રાત્રે દાદા પાણી–પેશાબ કરવા ઉભા થયા અને દાદીના ખાટલા પાસે ઉભા રહી ભાવથી નીરખવા લાગ્યા. બરાબર આ જ સમયે દાદીને ગાઢ નીદ્રામાં એવું સ્વપ્ન આવ્યું કે તેમનું આયુષ્ય પુરું થયું છે અને મૃત્યુને નજર સમક્ષ જોઈ ગભરાઈ ગયાં અને ઉન્ઘમાં જ બબડવા લાગ્યાં : ‘‘તમારી કાંઈક ભુલ થતી લાગે છે. માંદાનો ખાટલો તો અન્દર છે.’’ દાદા આ બબડાટના શબ્દો સાંભળી ગયા અને દાદીના સ્વપ્નની દુનીયાનો તાળો મેળવી લીધો અને તે સાથે જ બધો ભ્રમ ભાંગી ગયો અને આંખો ખુલી ગઈ.

ભ્રમ ભાંગી ગયા પછીની સ્થીતીને જીરવવાની ક્ષમતા વ્યક્તીએ–વ્યક્તીએ અલગ–અલગ હોય છે. સ્થીતપ્રજ્ઞ સ્વભાવ ધરાવતી વ્યક્તીઓ ગમે તેવી વીકટ પરીસ્થીતીને પણ પચાવી શકે છે; પરન્તુ અત્યન્ત સંવેદનશીલ અને ભાવુક વ્યક્તીઓ ભ્રમ ભાંગવાના સૌથી ભયાનક ભયસ્થાન, એટલે કે આત્મહત્યા સુધી પણ પહોંચી શકે છે. આવા સમાચારો અવારનવાર મીડીઆમાં પ્રસીદ્ધ થાય છે. જીવનના કોઈ પણ તબક્કે જ્યારે જીવવાનું અઘરું લાગે અને મરવાનું સહેલું લાગે ત્યારે માણસ જીવન ટુંકાવવાનું પગલું ભરે છે. મરવાના વાંકે જીવવું પડે તેવી વાસ્તવીક સ્થીતી હોય ત્યારે આવું પગલું થોડેઘણે અંશે પણ વાજબી ઠરાવી શકાય; પરન્તુ ભ્રમીત અવસ્થામાં લેવાયેલું આત્મઘાતી પગલું ગાંડપણ ગણાય. પ્રતીકુળ સંજોગોના કારણે પતીએ પીયર જવાની કે પીક્ચર જોવા જવાની ના પાડતાં પત્ની આવું અન્તીમ પગલું ભરી લે તેવા બનાવો બને છે.

જીવનમાં આવેલ અણધાર્યા અને અનપેક્ષીત વળાંકના કારણે ઉભી થયેલ ભ્રમીત અવસ્થા લાંબો સમય ચાલુ રહે તો ગમ્ભીર પ્રકારના માનસીક રોગો થવાની શક્યતા પણ રહેલી છે. યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો માનસીક સમતુલા ગુમાવવાના સંજોગો પણ ઉભા થઈ શકે છે.

આ રીતે ભ્રમના ભેદભરમ બહુ ઉંડા છે. હવે આપણે અહીં અટકી જઈએ. વધુ ઉંડી ડુબકી મારવાથી આપણો ભ્રમ પણ ભાંગી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી!

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 27થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક :

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

13 Comments

 1. દુનિયાના બધા ધર્મના બાવાઓની મહેચ્છા હોય છે કે તેમને કેટલાક શિષ્યો હોય અને તે શિષ્યો “આ દુનિયામાં કોઈ કોઈનું નથી” એ બ્ર્હ્મ સત્ય (ભ્રમસત્ય)ને માની પોતાના મા બાપને છોડી પોતાની સેવા કરે.
  દુનિયાના સંબંધો મિથ્યા છે. મૃત્યુ પછીનું જીવન સત્ય છે. એટલે આ જે પ્રત્યક્ષ અનુભવી શકાય છે તેવા જીવનને મિથ્યા સમજી જે કોઈએ જોયું નથી અને અનુભવ્યું નથી અને જેનું કોઈ પ્રમાણ નથી તેને માટે આ જીવનના આનંદને ફના કરો.
  સ્વર્ગ, નર્ક, પુનર્જન્મ વિગેરે ના અસ્તિત્વને લગતી ધારણાઓ સત્યને નામે ફેલાવવામાં આવે છે. આતંકવાદ, અને પોતાનો ધર્મ સાચો ઉદ્ધારક છે અને સૌને તેમાં આવરી લેવા ની વૃત્તિ આમાંથી જ ઉત્પન્ન થયા છે.

  Liked by 2 people

 2. હવે બાવા-જોગીઓની સરકાર આવી છે, આવા ભ્રમમાં ભરચક વધારો થશે. તમારૂં આ બધું અરણ્યરુદન જેવું લાગશે.

  Liked by 2 people

 3. સ્થિતપ્રજ્ઞ સ્વભાવવાળા ભ્રમ ભાંગવાથી ચલિત થતા નથી. આવો સ્વભાવ યોગ્ય વાંચનથી કેળવી શકાય છે.@

  Liked by 2 people

 4. કોઇ કોઇનું નથી રે……કેટલું નીગેટીવ થીંકીંગ ? ભજનીકોઅે ભજનો પણ અસાર સંસાર અને પાપ, પૂણયોની જાળ ઉભી કરી દીઘી છે.
  જ્યારે વેસ્ટર્ન વર્લડમા કહે છે કે…You are not alone.

  મોટાભાગે હિન્દુઓની જીવવાની ફીલોસોફી નીગેટીવ થીંકીંગ ના માળખામા રચાયેલી મળે છે.નાનો પ્રશ્ન ઉભો નથી થયો ને ‘ ભગવાન બચાવે‘ ‘ ભગવાન મેં મારી જીંદગી તારે સહારે છોડી દીઘી છે…મારજે કે તારજે તે તારી મરજી.‘ જો તારો ભગવાન તારે માટે બઘુ કરવાનો હોય તો તું શું કરવાનો ? ગીતામાં આપેલા વચનને પાળીને દરેક ચુસ્ત હિન્દુ….ભગવાનના અવતરીને દુનિયા પરના પાપો દૂર કરવાની રાહ જોતા જોતા મરણને શરણ થઇ જાય છે….તેના દિકરાના દિકરાના દિકરા પણ અગ્નિસંસ્કાર પામી જાય છે પરંતું…યદા યદા માંથી બહાર આવતો નથી…તે તેના ભ્રમમાં જ જીવતો રહેછે અથવા મરણની રાહમાં ભયભીત થઇને જીવતો રહે છે. કોઇઅે સરસ વાત કહી છે કે….હિન્દુઓ અેક કમાલની ચીજ છે…જ્યાં ગરીબ મંદિરની બહાર ભીખ માંગે છે અને અમીરો મંદિરની અંદર ભીખ માંગે છે. ટૂંકમાં બઘા જ ભીખારી. કોઇ પોતે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશીશ ના કરે….આ ઘરમના ગુરુઓ પણ ભગવાનની બીક બતાવતાં બતાવતાં અમીર થઇ જાય અને સાઘુના રુપે સાંસારિક ભોગો ભોગવે….
  .Western world do believe in God…but they are not dependent entirely on Him. They say..”.The best way to predict the future is to create yourself.”

  પેલાં સાઘુ, સન્યાસી, ગુરુઓ, ( મોટેભાગેના) માટે સરસ વાત કહી છે….‘ સંસાર સે ભાગે ફીરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે…..ઇસ લોગ કો ભી અપના ના શકે…ઉસ લોગમેં ભી પછતાઓગે…‘ પાપકર્મ, પુન:જન્મ, જેવી બીકોઅે લોકોને પાંગળાં બનાવી દીઘા છે….અને તે પાપના ચક્કરમાંથી છુટવા પૂજા પાઠ અને ભોગ ઘરાવવાના બીઝનેસમાં અમુક લોકો ઘનીક બની ગયા અને તેમની સેવા લઇને સ્વર્ગમાં જવાની ખેવનાવાળા ગરીબ થઇ ગયા. પરાવલંબી થઇ જાય છે.
  Osho said, ” The real question is not whether life exists after death….The real question is whether you are alive before death.”

  Dale Carnegie said, ” Inaction breeds doubt and fear. Action breeds confidence and courage. If you want to conquer, fear, do not sit home and think about it. Go out and get busy.”

  આજે ઘણા યંગ હિંદુઓની આંખ ખૂલી ગઇ છે. તેઓ ‘ અપના હાથ જગન્નાથ‘ માં માનતા થઇ ગયા છે….‘મારા હાથ, મારો પોતાનો પરસેવો જ મારા ભગવાન છે……‘.
  પેલા યુવાને જ્યારે સાઘુને સવાલ પૂછયા ત્યારે સાઘુ સ્વાર્થમાં તે યુવાનને જુઠા ભયના વાતાવરણમાં ઢકેલી દે છે. સાઘુ જો સાચો સાઘુ હોત તો પોતાની જાતને પેલા યુવાનની જીંદગીમાં પોતાને જોઇને યુવાનને સાચો રસ્તો બતાવીને પોતે પણ સાચા રસ્તે જતે.
  રવિન્દ્રનાથ ટાગોરે લખેલું કે, ” Leave this chanting and singing and telling of beads ………..”
  Follow your heart, but take your brain with you…….

  Thanks.
  Amrut Hazari.

  Liked by 2 people

 5. Thanks for this interesting write. It tells much more than written here.
  If I may share,
  In present day, you see Chain mails – if you don’t forward this to 11 people, ….
  Or, if you forward it in next 2 minutes, there will be a miracle in your life.
  One should not send/entertain such messages. They weaken your mind.

  Liked by 1 person

 6. કોઈ કોઈનું નથી આ વાક્ય નો પ્રયોગ ઘણી બધી બાબતો માં થતો હોય છે. મૉટે ભાગે આ વાક્ય નો પ્રયોગ કર્મ ની બાબત માં વપરાય છે. કે સારા કે ખરાબ કર્મો નું ફળ વ્યક્તિ એ પોતાને જ ભોગવવું પડે છે. તેમાં કોઈ ઈચ્છે તો પણ સાથ ના આપી શકે. કોઈ કોઈનું નથી અને કોઈ કોઈ નું છે બંને ઉક્તિ પોતપોતાની જગ્યા એ યથાર્થ છે એમ મારુ માનવું છે,

  Liked by 1 person

 7. જગદીશભાઈની વાત સૈધાંતિક રીતે સાચી છે. પણ સામાન્ય રીતે જેઓ નકારાત્મક વિચારો ધરાવતા હોય છે તેઓ આવું ઉચ્ચારણ વારંવાર કરતા હોય છે.
  દાવડાભાઈની વાત થોડી પૂર્વગ્રહ વાળી લાગે છે. પણ તેમાં તેમનો દોષ નથી કારણકે ફરેબી ધર્મનિરપેક્ષવાદીઓએ (સમાચાર માધ્યમો અને બીજેપી-વિરોધીઓએ) હવા જ એવી ફેલાવી છે કે આર એસ એસ વાળા અને બીજેપી વાળા ધાર્મિક કટ્ટરતા વાદીઓ છે. આદિત્યનાથ યોગી તો વળી નામે પણ યોગી છે અને કર્મે પણ ગૌશાળા ચલાવે છે એટલે ગૌરક્ષામાં માને છે એટલે એમને તો તમે બેધડક કટ્ટરતાવાદી કહી જ શકો.
  અમૃતભાઈએ સંત રજનીશમલના વિચાર વાક્યોને ઉદ્ધૃત કર્યા છે. સંત રજનીશમલ અને ઓશો આસારામમાં ખાસ ફેર નથી. તેઓ એક જ વહાણના પ્રવાસી છે. ઓશો આસારામે પોતાનું ક્ષેત્ર વધાર્યું એટલે જેલ ભેગા થયા. સંત રજનીશમલે પોતાનું ક્ષેત્ર અમુક પ્રકારના લોકો પૂરતું મર્યાદિત રાખ્યું અને વળી વહેલા ઉકલી ગયા એટલે બચી ગયા. તેમણે કરેલું ઉચ્ચારણ “સાચો પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. સાચો પ્રશ્ન એ છે કે તમે મૃત્યુ પહેલાં જીવો છો કે નહીં?” આવા તો અનેક ઉચ્ચારણો સંત રજનીશમલ કરતા રહ્યા છે. વિરોધાભાસી શબ્દોના વાક્યો બનાવવા, પછી ભલે તે વાસ્તવમાં અર્થહીન હોય એ કેટલાક વાણીવિલાસ કરનારાઓની સ્ટાઈલ છે. ફક્ત વાણીવિલાસ ઉપર નભનારા પૃથ્વી ઉપર બાવાઓ સહિત અનેક માણસો છે.
  હિન્દુધર્મમાં અનેક વિચાર પ્રવાહો છે. જેમને જે પસંદ પડે તેને માને. શિવમહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે સૌ પોતાની રુચી પ્રમાણે વર્તે છે. આ ચર્ચા બહુ લાંબી છે.
  મોટાભાગના ધર્મો જનતાને નર્કનો ભય અને સ્વર્ગની લાલચ આપે છે. પોતાનો ધર્મ તમને અચૂક સ્વર્ગ તરફ લઈ જશે તેની (પોતે ઈશ્વર પ્રમાણિત છે તેવી આધારહીન) ખાત્રી આપે છે. જો કર્મના ફળ મૃત્યુ પછી મળવાના હોય તો જે તે સમાજે કાયદા ઘડવાની અને ન્યાયાલયો સ્થાપવાની જરુર જ શી છે. મૃત્યુ પછી ઈશ્વર ન્યાય તો કરવાનો જ છે. તમે કાયદાઓ ઘડી અને ન્યાયાલયો સ્થાપી ઈશ્વરના કામમાં દખલ શા માટે કરો છો?
  પણ હિન્દુ ધર્મ આ બાબતમાં જુદો પડે છે. તે કર્મનો સિદ્ધાંત બતાવે છે. જો કે ગીતામાં સ્વર્ગની વાત ઘુસાડી છે તે સંશોધનનો વિષય છે. પણ કૃષ્ણ ભગવાન, ઈશ્વરના જે બ્રહ્માણ્ડ સ્વરુપનું વર્ણન કરે છે તેનાથી બીજા બધા વિરોધાભાસો નષ્ટ થાય છે.
  કર્મના ફળ બે જાતના હોય છે. તમે જ્યારે કર્મ કરો ત્યારે તમારા મનનું ઘડતર થાય છે. આ ઘડતર તે કર્મનું ફળ છે. ખરું ફળ આ જ છે. જો તમે કોઈને મદદ કરો અને પછી કહો કે હું કંઈ જેવો તેવો નથી. મેં તો આટલા આટલાને મદદ કરી છે. જો તમે તમારી સારપ જાહેર કરી ન હોત કે મનમાં પણ અહોભાવ ન રાખ્યો હોત તો તમારુ મનનુ ઘડતર અમુક સ્તરનું થાત. તમે તમારી સારપ જાહેર કરી તેથી તમારા મનનું સ્તર બદલાઈ ગયું.
  બીજું ફળ છે તે તમારા કર્મનું ભૌતિક ફળ. આ ભૌતિક ફળ ઉપર તમારો કન્ટ્રોલ (અધિકાર) નથી. ભૌતિક ફળ બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે. તમે ફક્ત તમારા કર્મને કન્ટ્રોલ કરી શકો છો. તમે તેના ફળને કન્ટ્રોલ કરી શકતા નથી. એટલે તમે તમારા ભૌતિક ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો. તમે કર્મ વગરના ન રહો. કર્મ કરવું તે તમારો ધર્મ છે.
  બાવજીઓના શ્રોતાઓ કંઈ એક જ સ્તરના ન હોય. એટલે બાવાજીઓ મોટાભાગના શ્રોતાઓને ગ્રાહ્ય થાય તેવું બોલે એવું પણ બને. અથવા બાવાજીઓ પોતાના સ્તરનું પણ બોલે.

  Liked by 1 person

 8. સંસાર માં રહીને પણ સાધુ જેવું જીવન જીવી શકાય છે.ભગવા વસ્ત્રો પહેરવાથી સાધુ નું લેબલ લાગે છે પણ ખરેખર મનથી સાધુ છે?પ્રખ્યાત યોગી શ્રીલહારીમહાશય સંસારી હતા અને પાંચ સંતાનો ના પિતા હતા છતાં ઉચ્ચ યોગી હતા.એટલે સાધુ થવા સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી.

  Liked by 1 person

 9. Reblogged this on and commented:
  ખૂબ જ સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. ધન્યવાદ બી.એમ. દવે થા ગોવિંદ ભાઈ ! અરવિંદ

  Liked by 1 person

  1. વહાલા અરવીન્દભાઈ,
   લેખકમીત્ર શ્રી. બી. એમ. દવે નો લેખ ‘ભ્રમના ભેદભરમ’ને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

   1. The….dedicated hand and a open heart is only the way of success…. If I believe in me…I will do good….and if I do good…I get good..as God grace…which is directly connected to me only

    Like

 10. भ्रम ना भेदभरम धार्मिक लोकोज वधु गुचवाडो करे छे । बाकि यूरोप अने पश्र्चिमि देशों मा व्यक्ति विशेष जीवन शैली छे।अने लोको अानद थि रहे जिवे- पन ते ने भोगवादि कहिने वगोवे ।अा बना धर्म वाला ना रोटला शेकवाना हथकन्डा छे ।

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s