સાકરીયા બાપુ!

સાકરીયા બાપુ!

– રમેશ સવાણી

ભાવનગર જીલ્લાના પાલીતાણા પાસે શેત્રુંજી નદી ઉપર ડેમ છે. ડેમથી થોડે દુર એક નાનો આશ્રમ હતો. તેમાં એક સ્વામીજી (ઉમ્મર : 40) રહેતા હતા.

તારીખ 29 ડીસેમ્બર, 1992. મંગળવાર. સવારના અગીયાર વાગ્યા હતા. રોજની માફક, બાજુના ગામનો રઘુ રબારી (ઉમ્મર : 25) સ્વામીજી માટે દુધ લઈને આશ્રમમાં આવ્યો. સ્વામીજીને દુધ આપ્યું પછી રઘુએ શરમાઈને પુછયું : “બાપુ! મારે સંતાનમાં કંઈ નથી! તમારી કૃપા થાય તો હું બાપ બનું!

સ્વામીજી રઘુને થોડીવાર તાકી રહ્યા. પછી આશ્રમની રુમમાં ગયા. થોડીવારે બહાર આવ્યા અને રઘુને પુછ્યું : “ભક્ત! તારે ખરેખર સંતાન જોઈએ છે?”

“હા, બાપુ! કૃપા કરો!”

સ્વામીજીએ હવામાં હાથ ઉંચાનીચા કર્યા, મંત્રોચ્ચાર કર્યા અને વીજળી વેગે ખાલી હથેળીમાં સાકરનો ગાંગડો આવી ગયો! રઘુ સ્વામીજીને તાકી રહ્યો પછી પગે પડી કહ્યું : “સ્વામીજી તમે તો ચમત્કારી છો!”

“ભક્ત! લે આ સાકરનો ગાંગડો. તારી પત્નીને ખવડાવી દેજે. તારું કામ થઈ જશે!”

સાકરના પ્રસાદના કારણે કેટલાક લોકોને સંતાનપ્રાપ્તી થઈ હતી. તેથી સ્વામીજીની લોકપ્રીયતા વધતી જતી હતી. લોકો સ્વામીજીને સાકરીયા બાપુ તરીકે ઓળખતા હતા!

સ્વામીજીના આશ્રમથી થોડે દુર અક્ષરાનન્દ સ્વામી ઉર્ફે સનતભાઈ કવીની વાડી હતી. તે આર્ય સમાજી હતા. તેમના ધ્યાને સાકરના પ્રસાદની વાત આવી. અક્ષરાનન્દને ખાતરી કરવાની ઈચ્છા થઈ. એક દીવસ તે સાકરીયા બાપુના આશ્રમે પહોંચ્યા, અને કહ્યું : “સ્વામીજી! તમે હવામાંથી સાકર કાઢો છો, એવી ખબર પડતા હું અહીં આવ્યો છું!”

સાકરીયા બાપુએ હવામાં હાથ ઉંચાનીચા કર્યા, મંત્રોચ્ચાર કર્યા ખાલી હથેળીમાં સાકરનો ગાંગડો પ્રગટ થયો! અક્ષરાનન્દ સાકરીયા બાપુને તાકી રહ્યા! સાકરનો પ્રસાદ લઈ અક્ષરાનન્દ પહોંચ્યાચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના અગ્રણી ચતુરભાઈ ચૌહાણ (સેલફોન : 98982 16029) (ઉમ્મર : 47) પાસે. અક્ષરાનન્દે કહ્યું : ‘‘ચતુરભાઈ! તમે પાલીતાણામાં બોર્ડ લગાવ્યા છે કે ચમત્કાર કરી બતાવો અને ત્રણ લાખ રુપીયા જીતો! તમે બોર્ડ ઉતારવી લો!

“કેમ શું થયું?”

“મેં મારી સગી આંખે ચમત્કાર જોયો! જુઓ આ સાકરનો ગાંગડો! સાકરીયા બાપુએ હવામાંથી પ્રગટ કરીને મને આપ્યો છે! તમે બોર્ડ ઉતરાવી નાખો નહીં તો ત્રણ લાખ રુપીયા ગુમાવશો!”

“જુઓ! અક્ષરાનન્દ! જાદુગરના ખેલ આપણે જોઈએ છીએ. સગી આંખે ચમત્કાર દેખાય છે! પરન્તુ તેમાં કોઈ ચમત્કાર હોતો નથી, કરતબ હોય છે, ચાલાકી હોય છે!

“સાકરીયા બાપુને તમે જાદુગર કહો છો?”

“ના, તે જાદુગર નથી! જાદુગર સાચા હોય છે. જાદુના ખેલ શરુ કરતાં પહેલાં જ તે જાહેર કરે છે કે આ ખેલ છે, તેમાં કોઈ ચમત્કાર નથી! જ્યારે સાકરીયા બાપુ જેવા કહેવાતા બાવા–બાપુઓ બહુજન સમાજની શ્રદ્ધાનો ગેરલાભ લઈ, ચમત્કાર બતાવી; લોકોના તન, મન, ધનનું શોષણ કરે છે! ચમત્કાર કરનાર લોભી, લુચ્ચા, વીલાસી, દમ્ભી, ફરેબી હોય છે! ચમત્કારની શક્તી વડે તેનાં બધાં જ દુર્ગુણો ઢંકાઈ જાય છે, અને તે પવીત્ર–પુજનીય બની જાય છે!

“ચતુરભાઈ! તમે પણ ચમત્કારમાં વીશ્વાસ કરતા થઈ જશો! એક વખત સાકરીયા બાપુને મળો! બાપુના આશ્રમે લોકોનું કીડીયારું ઉભરાય છે!”

“અક્ષરાનન્દ! હું તમને થોડાં પ્રશ્નો પુછું. તમે ઉત્તર આપશો?”

“જેટલાં પ્રશ્નો પુછવા હોય તે પુછો!”

“અક્ષરાનન્દ! મને કહો કે તમે રામાયણ વાંચી છે? સાંભળી છે?”

“વાંચી છે અને કથા પણ સાંભળી છે!”

“રામ માટે દુઃખદ પ્રસંગ કયો હતો?”

“સીતાનું રાવણ દ્વારા અપહરણ!”

“રામે સીતાને પરત મેળવવા પરીશ્રમ કર્યો હતો કે ચમત્કાર?

“પરીશ્રમ કર્યો હતો!”

“મને કહો. અક્ષરાનન્દ! રામે ચમત્કાર કરીને સીતાનું અપહરણ કેમ અટકાવ્યું નહીં?

“ચતુરભાઈ! તમારી વાત તાર્કીક છે, પણ તમે સાકરીયા બાપુને મળો!”

અક્ષરાનંદ! કૃષ્ણએ કંસનો વધ કર્યો. કૃષ્ણએ ચમત્કાર કરીને કંસનું હૃદય બંધ કેમ ન કરી દીધું?

“ચતુરભાઈ! તમારી વાત સાચી પણ તમે એક વખત સાકરીયા બાપુને મળો!”

“ભલે. હું સાકરનો પ્રસાદ લેવા જરુર જઈશ!”

બીજા દીવસે ચતુરભાઈ ચૌહાણ અને પ્રાથમીક શાળાના શીક્ષક મનુભાઈ માળી સાકરીયા બાપુના આશ્રમે પગેરું મેળવવા પહોંચ્યા. બાપુને પ્રણામ કરી ચતુરભાઈએ કહ્યું : “સ્વામીજી! સાકરનો પ્રસાદ લેવા આવ્યો છું!”

“પ્રસાદ માટે પાત્રતા હોવી જોઈએ!”

“એટલે? હું સમજ્યો નહીં!”

“ભક્ત! ત્રણ શુક્રવાર સુધી અહીં આશ્રમે આવવું પડે! ચોથા શુક્રવારે પ્રસાદ મળે!”

ચતુરભાઈ અને મનુભાઈ માળી ચોથા શુક્રવારે સાકરીયા બાપુના આશ્રમે પહોંચ્યા. ચતુરભાઈએ કહ્યું : “સ્વામીજી! મારી સાથે મનુભાઈ માળી છે. એને સંતાન નથી. કૃપા કરો!”

સાકરીયા બાપુ થોડીવાર બન્નેને તાકી રહ્યા. પછી તેણે હવામાં હાથ ઉંચાનીચા કર્યા. આંખો બન્ધ કરી, મંત્રોચ્ચાર કર્યા અને જમણા હાથની ખાલી હથેળીમાં સાકરનો ગાંગડો પ્રગટ્યો!

સાકરીયા બાપુએ મનુભાઈને સાકરનો ગાંગડો આપી કહ્યું : “ભક્ત! તારી પત્નીને ખવડાવી દેજે! કામ થઈ જશે!”

ચતુરભાઈએ સાકરીયા બાપુની કરામત બારીકાઈથી નીહાળી અને કહ્યું : “સ્વામીજી! મારે સંતાન નથી! મને પણ સાકરનો ગાંગડો આપો!”

“ભક્ત! ચમત્કારમાં શક્તીનો વ્યય થાય છે! તું કાલે આવજે!”

“ના, સ્વામીજી! મને આજે જ સાકરનો પ્રસાદ આપો!”

ચતુરભાઈનો પ્રસાદ લેવાનો હઠાગ્રહ ચાલુ રહ્યો. સ્વામીજી મુંઝાયા. થોડીવાર તે આશ્રમની રુમમાં ગયા. કમાડ ખડખડતો હોય તેવો અવાજ ચતુરભાઈને સંભળાયો! સ્વામીજી બહાર આવ્યા. હવામાં હાથ ઉંચા કર્યા, મંત્રોચ્ચાર શરુ કર્યા ત્યાં ચતુરભાઈએ સ્વામીજીના હાથ પકડી લીધા. સ્વામીજીની બગલમાં સાકરનો ગાંગડો છુપાવ્યો હતો તે નીચે પડી ગયો! સ્વામીજીએ ગુસ્સે થઈને કહ્યું: “ભક્ત તે મને સ્પર્શ કેમ કર્યો? તારા સ્પર્શના કારણે સાકરનો ગાંગડો હથેળીમાં પ્રગટ થવાને બદલે બગલમાંથી પ્રગટ્યો!”

ચતુરભાઈએ પોતાના બન્ને હાથ હવામાં આમતેમ ફેરવ્યા પછી સ્વામીજીને બન્ને હથેળીઓ બતાવીને પુછ્યું: “સ્વામીજી! મારી હથેળીમાં કંઈ છે?”

“ના. ભક્ત! તારી હથેળી ખાલી છે!”

ચતુરભાઈએ ફરી હવામાં હાથ આડાઅવળા ફેરવ્યા, મંત્રોચ્ચાર કર્યા તેણે કહ્યું : “સ્વામીજી! જુઓ. આને ચમત્કાર કહેવાય!”

ચતુરભાઈના હાથમાંથી કંકુ ખર્યું : સ્વામીજી ફાટી આંખે તાકી રહ્યા! થોડીવાર પછી સ્વામીજી ચતુરભાઈને રુમની અન્દર લઈ ગયા અને પુછ્યું : “ભક્ત! ખાલી હથેળીમાંથી કંકુ કઈ રીતે કાઢ્યું? આ ચમત્કાર તો મારે શીખવો છે!

“સ્વામીજી! હાથમાંથી કંકુ ખરે તે ચમત્કાર નથી! કરતબ છે!”

“ભક્ત! પણ મારે એ કરતબ શીખવું છે!”

“શા માટે?”

“ભક્તોને આંજી નાખવા!”

“એક શરત છે!”

“કઈ શરત છે?”

“સ્વામીજી! પાલીતાણામાં આવી જાહેરમાં સાકરીયા પ્રસાદનો પ્રયોગ તમે કરો તો હું ખાલી હથેળીમાંથી કંકુ કાઢવાનો કરતબ તમને શીખવું!”

આ સમય દરમીયાન રઘુ રબારી દુધ લઈને આશ્રમમાં આવ્યો હતો અને તેણે ચતુરભાઈનો કંકુનો પ્રયોગ જોયો. રઘુએ કહ્યું : “ચતુરભાઈ! સાકરીયા બાપુએ મને ઘણા સાકરના ગાંગડા આપ્યા અને તે બધાં મારી પત્ની ખાઈ ગઈ છતાં પરીણામ ન આવ્યું! ત્રણ વરસથી બાપુ માટે દુધ લઈને હું આવતો હતો પણ હવે પછી અહીં દુધ લઈને ક્યારેય નહીં આવું!

ચતુરભાઈ અને તેના મીત્ર મનુભાઈ માળી અક્ષરાનન્દની વાડીએ પહોંચ્યા. મનુભાઈના હાથમાં સાકરનો ગાંગડો હતો. તે જોઈને અક્ષરાનન્દે કહ્યું : “ચતુરભાઈ! તમે સગી આંખે ચમત્કાર જોયો ને? તમારા બોર્ડ ઉતરાવી નાખો! ત્રણ લાખનું ઈનામ આપવાની તૈયારી કરો!”

અક્ષરાનન્દ! સાકરીયા બાપુ આવતી કાલે આશ્રમમાં હશે તો બોર્ડ ઉતરાવીને હું પાલીતાણા છોડીને જતો રહીશ!

ચતુરભાઈએ અક્ષરાનન્દને બધી વાત કરી. બીજા દીવસે અક્ષરાનન્દ સાકરીયા બાપુના આશ્રમે ગયા. તેને ચમત્કાર દેખાયો : સાકરીયા બાપુ અદૃશ્ય થઈ ગયા હતા!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(23, નવેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

18 Comments

  1. જગત્ ના અનેક દેશો, ઉત્તર અમેરીકા સહિતમાં આવા ઢોંગીઓ અસ્તિત્વ ધરાવે છે. અંધશ્રદ્ધાળુઓ તેમને પોષી રહ્યા છે. પ્રજામાં જાગૃતિ આવે તો જ આવા ધતીન્ગો રોકી શકાય છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. સરસ આર્ટીકલ ગોવીંદભાઈ. “બીજા દીવસે અક્ષરાનન્દ સાકરીયા બાપુના આશ્રમે ગયા. તેને ચમત્કાર દેખાયો : સાકરીયા બાપુ અદૃશ્ય થઈ ગયા હતા!” આ વાક્ય વાંચી હસવું ખાળી શકાયું નહીં. મઝા આવી. હાર્દીક આભાર અને અભીનંદન.

    Liked by 1 person

  3. આમાં એકલા આવા બાપુને દોષ દેવાને બદલે લોકોએ અંધશ્રદ્ધામાં માનવું ના જોઈએ
    અંધ શ્રધા છે આંધળી વહેમના વંટોળે ચડે. માટે અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહિ. છતાય લોકો એટલા માટે અંધશ્રદ્ધામાં માને છે કે કદાચ મારું ભલું થાશે. લેખ ભલે સારો લાગતો હોય, પણ વિશ્વાસ કરવો કે નહિ તેનો આધાર આપણા પોતા ઉપર છે. કર્મના સિદ્ધાંતને સમજવું જરૂર છે.

    Liked by 1 person

    1. વહાલા પંકજભાઈ,
      આપના પ્રતીભાવનું સ્વાગત છે. આપને લેખ ગમ્યો અને લેખ શેર કરવાનો નીર્ણય લીધો તે જાણી આનન્દ થયો..
      લેખ પુરો થયા પછી જાહેરાતની નીચે Share this: ‘Share’ બટન પર ક્રશર લઈ જશો એટલે બીજા ચાર બટન આવશે તે ચારેય સોશીયલ મીડીયા પર તમે મારા બ્લોગ અભીવ્યક્તીના લેખો શેર કરવા વીનન્તી છે.
      ધન્યવાદ.
      ..ગો.મારુ

      Liked by 1 person

  4. CONGRATULATIONS to the writer Shri Rameshbhai & you too Shri Govindbhai for an eyeopening important article.

    Wish to share childhood experiences ( by the way, to day I am 80 years old ) ;

    That time we were in VADODARA & I used to go to Kalika temple with mother.BUT the Pujari of that temple was different than other commonly seen Pujaris; he was not allowing anyone to play foul games and ‘mataji ang ma avyana dhong chalavata nahi’; He will give us the children vessel full of water & ask us to throw water on the head of such persons.To increase our confidence, he will put little water from the temple’s ‘jari’ in that vessel full of water. Such persons would never come back to the temple again.

    Once a lady came and claimed to bring ‘kunku’ in her hand, the way it is mentioned in the above article. She had worn full sleeves’ blouse. To her surprise, we caught her having ‘kunku’ packet under her arms. She never returned to the temple.

    Another incident was of a lady who claimed to remain under a mound of salt for seven days which is not physically possible. After one-two day’s observation we found that she was sitting under a wooden cover which was actually covered with lot of salt and there was underground way to come out. She would come out every night and next morning will again sit below the wooden cover. We could open her this secret & she had to leave Vadodara soon within few days.
    Shri Govindbhai, I like to read your articles mainly because of such upbringing and appreciate your efforts to educate society from such ‘andhshraddha’.

    My learning in the temple was of ‘shradhha’ & not andhshradhha’. which got strengthened in place like PUNE – THE CITY OF DABHOLKAR.

    Best Wishes, — navin nagrecha.

    Liked by 2 people

  5. સાકરીયા બાપુ અદૃશ્ય થઈ ગયા હતા!- વાર્તાનો એન્ડ ગમ્યો.
    આવા ઢોંગીઓને ખૂલ્લા પાડો અને ભગાડો. સાકરના ગાંગડા એમના મોંમોં ભરી દો.
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  6. First of all thanks for true story . હુ્ં પણ રોહિતભાઈ અને મલયભાઈ સાથે સહમત છું , આવા કહેવાતા બાપુ અને મા જે સમાજ માં વધી ગયા છે તેવા બધા ને ખુલ્લા પાડવા જ જોઈઅે .
    Purvi Shah

    Liked by 1 person

  7. સત્યને બહાર કાઢવું અે જ સમાજસેવા છે. રમેશભાઇને હાર્દિક અભિનંદન.

    Liked by 1 person

  8. પછી હરણની સીતા થૈ કે નહીં ? અર્થાત, બાપુને કોઈએ ટીચ્યા કેમ નહીં ?!! ભોળી પ્રજા છેતરાયા પછી પણ શીક્ષા કરવામાં ન માને તેમાં જ ભવાડા વધતા રહે……સાકરના ગાંગડાથી જ મારવા જોઈએ.

    Liked by 1 person

  9. આવા બાપુને અદ્રશ્ય થોડા થવા દેવાય છે જેલ માં પુરાવીને પછી કઈ થઈ જાઓ હવે તમારી રીતે અદ્રશ્ય કરો ચમત્કાર

    Liked by 1 person

Leave a comment