દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર ન કરે ?

દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર ન કરે ?

–રોહીત શાહ

કોઈ પણ વ્યક્તીની ધાર્મીક લાગણી ક્યારે દુભાય? અત્યાર સુધીની લાગણી દુભાયાની સેંકડો–હજારો ઘટનાઓનો સ્ટડી કર્યા પછી કહી શકાય કે જે વ્યક્તીને ધર્મમાં પુર્ણ શ્રદ્ધા ન હોય અને જે વ્યક્તીને લાગણી એટલે શું એની કશી ગતાગમ ન હોય એવી વ્યક્તીની જ લાગણીઓ દુભાતી રહી છે. જો તમારી ધાર્મીક લાગણી દુભવવી હોય તો તમારી પાસે મીનીમમ આ બે ક્વૉલીફીકેશન્સ કમ્પલ્સરી હોવી જોઈએ : ધાર્મીક અજ્ઞાન અને સમજણમાં શુદ્ધ જડતા. આ બે બાબતો વગર તમે ઈચ્છો તોય તમારી ધાર્મીક લાગણી નહીં દુભવી શકો.

તમે જો શંકરાચાર્ય, સ્વામી વીવેકાનન્દ, બ્રહ્માકુમારીજી, શ્રીમદ્ રાજચન્દ્ર, મોહમ્મદ પયગમ્બર, ગૌતમ બુદ્ધ, અશો જરથુસ્ટ્ર જેવા મહાત્માઓની લાગણી કદીયે દુભાઈ હોય એવું તમને જાણવા નહીં જ મળે. તે દરેકની સામે પ્રખર વીરોધીઓ હતા, તેમનો અનાદર અને તેમનું ઈન્સલ્ટ કરનારા અનેક લોકો હતા છતાં તે સૌની સામે આ મહાત્માઓનું સૌજન્ય અણનમ રહ્યું હતું. ગાંધીજીની લાગણી ન દુભાય, તેમના પાખંડી અનુયાયીઓની લાગણી જ દુભાય! ધોબી ગમે તે કહે છતાં રામની લાગણી ન દુભાય; પરન્તુ આપણે જો રામ વીશે કાંઈ વીરોધી મંતવ્ય રજુ કરીએ તો રામભક્તો વીફર્યા વગર ન રહે!

એક બીજી વાત પણ છે. મોટે ભાગે ધાર્મીક લાગણી દુભાવાનાં ત્રાગાં એવા લોકો જ કરે છે જેઓ કાયદાનો ટેકો લઈને કોઈ સાચી વાત કહેનારને દબાવી દેવા માગતું હોય. સપોઝ તમે કોઈ એવું સત્ય ઉચ્ચારી રહ્યા છો જેના કારણે કોઈ વ્યક્તી કે સમુહનું સ્થાપીત હીત જોખમાતું હોય કે એની નકલી પ્રતીષ્ઠા ભોંયભેગી થવાની હોય – એવા સંજોગોમાં તે વ્યક્તી કે સમુહ પોતાની ધાર્મીક લાગણી દુભાયાના બહાને તમને પજવશે. તમારી સામે ઝનુન બતાવશે. તમારી સામે કોર્ટમાં કેસ કરશે. તમારા પર સ્ટે લાવશે. તમે કોર્ટનાં ચક્કર કાપતા થઈ જાઓ અને પેલા ઢોંગીઓની સામે ન પડો એ માટેની ફીક્સ પેંતરાબાજી કરશે.

તાજેતરમાં એક સમાચાર વાંચ્યા કે સસરાજીની તબીયત સારી થાય એ માટે પુત્રવધુએ પોતાના માથાના વાળનું મુંડન કરાવવાની બાધા રાખી હતી. આ સમાચાર આનન્દપ્રેરક પણ છે અને આઘાતપ્રેરક પણ છે. આનન્દપ્રેરક એ માટે કે સમાજમાં સસરા પ્રત્યે આટલો છલોછલ આદરભાવ રાખનારી પુત્રવધુ આજના યુગમાં પણ છે ખરી! આઘાત એટલા માટે થાય કે આવા ન્યુઝ વાંચીને લોકો પોતાના સ્વજનની બીમારી દુર કરવા માટે પોતાના વાળ ઉતરાવવા તૈયાર થઈ જશે.

કોઈ બીમાર વ્યક્તીની તબીયત સુધરે એ માટે આવા ઉપાયો કરવાનું જરાય વાજબી ખરું? કોઈ સ્નેહીના વાળ સાથે કોઈ વ્યક્તીની બીમારીને વળી શી લેવાદેવા? એક વ્યક્તી વાળ ઉતારી નાખવાની ભાવના બતાવે એટલે કહેવાતી કઈ પરમ–દીવ્ય શક્તીને ગમતું હશે? આપણા ઉતરેલા વાળનું એ શું કરે? એ પરમ તત્વને આપણા ઉતરેલા વાળ જમા કરવાની કોઈ જરુર હોય ખરી?

આપણું કાંઈ સારું કે શુભ થાય તો એ સહજ ઘટના છે. આપણું કોઈ અહીત થાય – આપણને નુકસાન થાય તો પણ એ સ્વાભાવીક ઘટના છે. બાધા–માનતા રાખવાથી પરીણામ બદલાય એ વાત લૉજીકલ તો નથી જ. દેવ–દેવી લાંચ લીધા વગર ઉપકાર નથી કરતાં એવું આપણે પુરવાર કરીએ તો કોઈ દેવ–દેવી રીઝે ખરાં? ધર્મનો વીવેક પ્રજ્ઞા વડે જ થઈ શકે, અન્ધશ્રદ્ધા વડે નહીં – આ સત્ય જાણ્યા પછીયે તમારી લાગણી ન દુભાય તો નો પ્રૉબ્લેમ.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ(15 માર્ચ, 2014)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

8 Comments

 1. ધાર્મીક લાગણી દુભવવી હોય તો તમારી પાસે મીનીમમ આ બે ક્વૉલીફીકેશન્સ કમ્પલ્સરી હોવી જોઈએ : ધાર્મીક અજ્ઞાન અને સમજણમાં શુદ્ધ જડતા.
  बिलकुल साचु निदान.

  Liked by 1 person

 2. સરસ વાત કરી રોહિતભાઈ એ :

  હું માનુ છું અને કહું છું કે જો તમે બાધા – માનતા રાખો એટલે તમે તમારા માનતા દેવ-દેવી ની સાથે એક કરાર કરો અને એ કરાર માં જે પણ આપો એ તમારા તરફ થી લાંચ આપેલી બરાબર કેહવાઈ ……

  શું ખરેખર તમારા દેવ-દેવી ઓ ને લાંચ ની જરૂરત છે?

  Liked by 1 person

 3. જ્યારે મનુષ્ય કોઈ સાથે હૃદયથી બંધાયેલો હોય, ત્યારે તે કશું ત્યાગવા પ્રેરાય છે. પ્રેમના બંધનને પણ આજ બંધન કહેવાય છે. મોટા ભાગના લોકો માને છે કે ભગવાન સર્વ શક્તિમાન છે અને ભગવાન ધારે તે કરી શકે છે. એટલે કોઈ એમ વિચારે કે હું મારા પ્રિય સંબંધીને સ્વસ્થ કરવા શું કરી શકું? હું મારી પ્રિય વસ્તુનો ત્યાગ કરું તો કેવું? આમ વિચારી તે વ્યક્તિ પોતાના સૌંદર્યનો એક હિસ્સો ભગવાનને અર્પણ કરે છે. આ જાતની ભાવના ધાર્યું પરિણામ લાવે છે કે નહીં તે સંશોધનનો વિષય બની શકે. મનુષ્યની ભાવનાત્મક ઈચ્છાઓ કશી અસર કરે છે કે કેમ? અરવિંદ ઘોષે કહેલ કે ભારતની દરેક વ્યક્તિ જો તીવ્રતા પૂર્વક સ્વાતંત્ર્ય વિષે વિચારશે તો તેની અસર બ્રીટીશો ઉપર થશે અને તેઓ આ અસરથી ભારતને સ્વતંત્રતા આપી દેશે. દરેક વ્યક્તિની આસપાસ એક વૈચારિક ક્ષેત્ર હોય છે તેવું કેટલાક લોકો માને છે. આના માટેના સમીકરણો શોધાય તો તેને માન્યતા મળે.
  તીવ્ર ઈચ્છા અસરકારક ન જ હોઈ શકે તેવું માનવું ન જોઇએ.

  Like

 4. અેક હસાવે અેવી અને સત્યનાં પારખાં કરાવે અેવી વાત વાંચી છે તે લખવા પ્રેરાયો છું. કોઇકે અેક બીજા ભાઇને પૂછયું, ‘ મરચાં ક્યારે લાગે. ? ‘ સામેથી જવાબ મળ્યો. ‘ અેની કોઇ સીઝન નથી હોતી………જ્યારે સાચુ બોલીઅે ત્યારે મરચાં લાગે છે.‘……અને આ મરચાં લગવાની પ્રક્રિયા તે..બીજા શબ્દોમાં ‘ લાગણી દુભાવી‘ કહેવાય.
  અજ્ઞાન કે સમજણમાં શુદ્ઘ જડતા…????????????????
  સાચું બોલનારને હંમેશા ખબર હોય છે કે જુઠું શું છે. અથવા તો જુઠું બોલનાર સાચું શું છે તે જાણીને પછી જ જુઠાની ડીઝાઇન કરી શકે છે. અને કોઇની જુઠાની સીક્રેટ ખોલો અેટલે મરચાં લાગે…….
  સ્થિતપ્રજ્ઞતા અેવી સ્થિતિ…માનસિક સ્થિતિ છે જે ‘ મરચાં ‘ મીઠાં કે તીંખા…..ં કોઇનો પણ છાયો પોતાની આસપાસ આવવા નથી દેતી.

  અમૃત હઝારી..

  Liked by 1 person

 5. મંદીરો, મસ્જીદો, દરગાહ, દેવળો વગેરેમાં પણ ભગવાન, અલ્લાહ, ગોડ માટે પૈસા ચઢાવવામાં કે આપવામાં આવે છે, તે પણ લાંચનો જ ઍક પ્રકાર છે. ક્યાંક તો ભારે ભરખમ સોનાની ચીજો પણ ચઢાવવામાં આવે છે કે તમે ભગવાન, અલ્લાહ, ગોડ ને પૈસા આપશો તો જ તમારી પ્રાર્થના, દુઆ, અરજ, પૉકાર કબૂલ થશે?

  શું ધર્મશાસ્ત્રોમાં કશું ઍવુ લખેલ છે?

  મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં કશું ઍવુ નથી લખેલ. નીચે મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં નો ઍક શ્લોક આ પ્રમાણે છે:

  “હે શ્રદ્ધાળુઑ, આ ગ્રન્થવાળાઑના ઘણાખરા વિદ્દદાનો અને સન્યાસીઓ ની હાલત ઍ છે કે તેઓ લોકો ની સંપતિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહ ના સત્ય માર્ગથી ચલીત કરી દે છે. ( ૯:૩૪ )

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 6. સ્નેહી શ્રી કાસીમભાઇઅે અેક સવાલ કરેલો છે કે, ‘ શું ઘર્મશાશ્ત્રોમાં કશું અેવું લખેલ છે ? મેં જે વાંચ્યું છે તેને કેવા સ્વરુપે મુલવી શકો તે દરેક વાંચનારની વિચારશક્તિ ઉપર આઘાર રાખે છે.શ્રીમદ્ ભગવત્ ગીતાના ત્રીજા અઘ્યાયના શ્લોક ૧૧ને વાંચો. તેનું ગુજરાતીકરણ આ રીતે કહેવાયુ છે. ‘ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે. આમ અેક બીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો.‘
  આ પછી શ્રલોક ૧૨નો અભ્યાસ કરવા વિનંતિ કરું છું. દરેક વાચક પોતાની રીતે આ શ્લોકને મુલવે તે કુદરતી છે.

  Liked by 1 person

 7. I like to make a general observation about the articles that are being published on this blog. Most of the observations have kind of redundancy. There seems to run a ubiquitous theme of repeating and reemphasizing the same message over and over again. Nothing is being done to eradicate the root causes of the the exploitation of masses. So my question is what is the point of all this?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s