બાબો કે બેબી?

બાબો કે બેબી?

–રમેશ સવાણી, I.G.P.

“તમે આ જુઓ!”

“શું છે?”

“જયોતીષાચાર્ય પંડીતની જાહેરખબર! બાબો આવશે કે બેબી તે અગાઉથી જ કહી દે છે!

“પણ પંડીતજીને કઈ રીતે ખબર પડે?”

“પતી–પત્નીની કુંડળી જોઈને! આપણે પંડીતજીને મળીએ!” રાધાબેને આગ્રહ કર્યો.

રાકેશભાઈ અને રાધાબેન બન્ને શીક્ષક હતાં. લગ્નજીવન સુખી હતું. બે દીકરીઓ હતી, ડીમ્પલ અને આશા.

પંડીતજી, હોટલમાં રોકાયા હતા. ફોન કરીને ઍપોઈન્ટમેન્ટ મેળવ્યા બાદ મળી શકાશે, તેમ જાહેરખબરમાં લખ્યું હતું. રાધાબેને ફોન કરી ઍપોઈન્ટમેન્ટ લઈ લીધી!

તારીખ 30 જાન્યુઆરી, 1977ને રવીવાર. રાકેશભાઈ અને રાધાબેન પંડીતજી પાસે પહોંચ્યા. વેઈટીંગ રુમમાં એક ભાઈ બેઠા હતા. તે ખુબ ખુશમીજાજમાં હતા. તેના હૈયામાં આનન્દ છલકાતો હતો. રાકેશભાઈ તેને તાકી રહ્યા. એ ભાઈ બોલ્યા : “પંડીતજી મહાન જયોતીષાચાર્ય છે! આજે હું એની પુજા કરવા આવ્યો છું. પંડીતજી બાબામાંથી બેબી અને બેબીમાંથી બાબો કરી શકે છે! મેં તેમને મારી જન્મ કુંડળી દેખાડી હતી. તેણે કહ્યું કે બેબી આવશે! મેં આગ્રહ કર્યો કે મારે બાબો જોઈએ છે! પંડીતજીએ રુપીયા છ હજાર લીધા અને વીધી કરી. તમે નહીં માનો, મારે ત્યાં બાબાનો જન્મ થયો!”

રાકેશભાઈ અને રાધાબેનને પંડીતજીમાં શ્રદ્ધા દૃઢ થઈ ગઈ!

થોડીવાર પછી પંડીતજીના અંગત મદદનીશે રાકેશભાઈ અને રાધાબેનને રુમમાં જવાની સુચના કરી. બન્ને રુમમાં દાખલ થયા. પંડીતજીનો ચહેરો ચમક્તો હતો. કપાળમાં અર્ધચંદ્રાકાર તીલક શોભી રહ્યું હતું. માથાના લાંબાવાળ ખભા ઉપર પથરાયેલા હતા. કાળા કપડામાં પંડીતજી તાન્ત્રીક જેવા લાગતા હતા. પંડીતજીએ પુછયું : “રાકેશભાઈ! બોલો, શું સમસ્યા છે?”

“પંડીતજી! કોઈ સમસ્યા નથી! અમને કુતુહલ થાય છે કે બાબો થશે કે બેબી?”

“રાકેશભાઈ! તમારી જે ઈચ્છા હશે તે થશે! પરન્તુ વીધી કરવી પડશે. તેનો ખર્ચ રુપીયા ત્રણ હજાર થશે!”

“પંડીતજી! ભલે ખર્ચ થાય!”

“રાકેશભાઈ! બાબામાંથી બેબી અને બેબીમાંથી બાબાની ટ્રાન્સફર કરવી હોય તો રુપીયા છ હજારનો ખર્ચ થશે!”

“પંડીતજી! અમારે એવી કોઈ ટ્રાન્સફર નથી કરાવવી! અમારે માત્ર જાણવું છે કે આ વખતે બાબો થશે કે બેબી?” રાધાબેને પુછયું.

પંડીતજીએ જન્મ કુંડળીનો અભ્યાસ કર્યો પછી કહ્યું : “રાધાબેન! ખુશ થાવ! તમારે ત્યાં બાબો આવશે!”

રાધાબેન અને રાકેશભાઈની તમન્ના પુરી થવાની હતી. બન્ને ખુશ–ખુશ થઈ ગયાં. બન્નેએ નાની પાર્ટીનું આયોજન કર્યું. સગા તથા મીત્રોને બોલાવ્યા. સૌને ઉત્સાહથી કહ્યું કે અમારે ત્યાં બાબો આવી રહ્યો છે!

બન્યું ઉલ્ટું. રાધાબેન બેબીની માતા બની! સૌએ પુછ્યું, આમ કેમ થયું? રાધાબેન અને રાકેશભાઈને આઘાત લાગ્યો. બેબી આવી તેનો વસવસો ન હતો; પરન્તુ જયોતીષાચાર્ય પંડીતજીએ પોતાની સાથે ઠગાઈ કરી હતી, એની વ્યથા હતી!

રાકેશભાઈએ, મીત્ર ડૉ. જેરામભાઈ જે. દેસાઈ(સેલફોન : 87803 85795 અને 99259 24816)ને ને સઘળી વાત કરી. જેરામભાઈ સરદાર પટેલ યુનીર્વીસટી, વલ્લભવીદ્યાનગરના ફીઝીકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હતા. તેઓ નડીયાદમાં ‘વહેમ, અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’ ચલાવ છે. જેરામભાઈએ પુછયું : “રાકેશભાઈ! તમે બન્ને શીક્ષક છો, તમે જયોતીષાચાર્ય પંડીતની વાત માની કેમ લીધી?”

“જેરામભાઈ! તમે પણ એને માનવા લાગો! એવું એણે અમારી સાથે કર્યું હતું!”

“શું કર્યું હતું?”

“જેરામભાઈ! અમે પંડીતજીને મળવા ગયા. વેઈટીંગ રુમમાં એક ભાઈ બેઠા હતા. તેણે કહ્યું કે પંડીતજી બેબીમાંથી બાબો કરી દે છે!”

રાકેશભાઈ! આવા માણસો વેઈટીંગ રુમમાં જ નહીં, સમાજમાં પણ ફરતા હોય છે, એ બધાં એજન્ટ હોય છે!”

“જેરામભાઈ! અમે પંડીતજીને મહાન માનતા હતા. કેમ કે અમારી સામે તેમણે એક ચીઠ્ઠીમાં બાબો કે બેબી આવશે, એમ લખી એક કવરમાં ચીઠ્ઠી મુકી અને કવર બંધ કરી દીધું. કવરને સીલ કર્યું. કવર ઉપર અમારી બન્નેની સહી લીધી. પંડીતજીએ પણ સહી કરી અને કવર તીજોરીમાં મુકી દીધું. પછી કુંડળીનો અભ્યાસ કર્યો અને અમને કહ્યું કે બાબો આવશે! પંડીતજી અમને બનાવી ગયો! ત્રણ હજાર રુપીયા લઈ ગયો! એ ઠગને પકડવો છે!”

રાકેશભાઈ! ઠગનું પગેરું ભાગ્યે જ મળે! તમારા ત્રણ હજાર રુપીયા ગયા જ સમજો! તમે અન્ધશ્રધ્ધાનો ભોગ બન્યા છો! તમે પંડીતજી પાસે ગયા તે પહેલાં મને વાત કરી હોત તો હું તમારી સાથે આવત અને એ ઠગનો પર્દાફાશ કરત!”

“જેરામભાઈ! મારે એને સીધો કરવો છે!”

“રાકેશભાઈ! છેતરાઈ ગયા પછી, ઠગને સીધો કરવાની દરેકને તીવ્ર ઈચ્છા થતી હોય છે! ફરી કોઈ વખત વલ્લભવીદ્યાનગરમાં પંડીતજી આવે તો મને જાણ કરજો. હું તમારી સાથે આવીશ!”

તારીખ 31 જુલાઈ, 1977ને રવીવાર. અખબારમાં જયોતીષાચાર્ય પંડીતની જાહેરખબર હતી! વલ્લભ વીદ્યાનગરમાં તેમનો કેમ્પ હતો!

રાકેશભાઈ અને જેરામભાઈએ બન્ને પહોંચ્યા પંડીતજી પાસે. જેરામભાઈએ કહ્યું : “પંડીતજી! તમે આ રાકેશભાઈને બાબો આવશે, તેમ કહ્યું હતું અને આવી બેબી! આવું કેમ થયું?”

“જેરામભાઈ! કુંડળીઓ પ્રમાણે સાચું છે!”

“કેવી રીતે સાચું છે?”

“જેરામભાઈ! આ તીજોરીમાં કવર પડયું છે. આ કવર ઉપર રાકેશભાઈ અને રાધાબેનની સહી છે. મારી સહી પણ છે. કવર ઉપર સીલ છે. તમે કવર ખોલો!”

રાકેશભાઈએ કવર હાથમાં લીધું. પોતાની અને રાધાબેનની સહીની ખરાઈ કરી. સહીઓ બરાબર હતી! તેણે કવર ખોલ્યું. અંદરથી ચીઠ્ઠી નીકળી. ચીઠ્ઠીમાં લખ્યું હતું: “બેબી આવશે!”

રાકેશભાઈને વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પંડીતજીને તાકી રહ્યા, પછી પુછ્યું : “પંડીતજી! બેબી આવશે તેવું તમે અગાઉથી જાણતા હતા તો શા માટે તમે જુઠું બોલ્યા?”

“રાકેશભાઈ! ઉગ્ર ન થાવ! મેં ચીઠ્ઠીમાં જે લખ્યું છે તે મુજબ થયું છે! મેં તો તમારા સંતોષ ખાતર બાબો આવશે, તેમ કહ્યું હતું!”

જેરામભાઈના મનમાં ગુસ્સો પ્રગટ્યો! તેણે આંખો બંધ કરીને મન્ત્રોચ્ચાર શરુ કર્યા! પંડીતજી જેરામભાઈને તાકી રહ્યા, પુછ્યું : “જેરામભાઈ! તમે શું કરી રહ્યા છો?”

પંડીતજી! હું જયોતીષવીદ્યા જાણું છું! તમારે જેલયાત્રાનો યોગ છે! સાચું બોલવું છે કે?

“પંડીતજી તરત જ જેરામભાઈના પગે પડી ગયો! રાકેશભાઈ પંડીતજીને તાકી રહ્યા. જેરામભાઈએ કહ્યું : “પંડીત! હવે ઉભો થા! રાકેશભાઈને તારી જયોતીષવીદ્યા સાચી લાગે છે! એને સમજાવ કે તેં કઈ રીતે જયોતીષ વીદ્યાનો ઉપયોગ કર્યો હતો?”

જેરામભાઈ! રાકેશભાઈ! મને માફ કરો. મારે જેલયાત્રાએ જવું નથી! સાચી હકીકત એ છે કે જ્યારે કોઈ પતી–પત્ની કુંડળીઓ જોવરાવવા આવે ત્યારે હું ચીઠ્ઠીમાં કાયમ લખતો કે બેબી આવશે! ચીઠ્ઠી કવરમાં મુકી, કવરને સીલ કરતો અને પતી–પત્નીની સહી લેતો! હું જેમનું જયોતીષ જોતો તેમાં પચાસ ટકાને બાબો આવતો! બાબાના જન્મના કારણે તેઓ ખુશખુશાલ થઈ જતા અને મારા આશીર્વાદ લેવા પડાપડી કરતા! ચીઠ્ઠીને ભુલી જતા! જેમને ત્યાં બેબી અવતરે, તેમાંથી ભાગ્યે જ કોઈ મારી પાસે આવતા! હું એમની નજર સામે જ કવર ખોલતો. ચીઠ્ઠીમાં લખ્યું હોય, બેબી આવશે! એટલે તેઓ, મને મહાન જયોતીષી માનીને મારા ચરણસ્પર્શ કરી, મને ધન્ય કરે! જયોતીષવીદ્યા બાબામાંથી બેબી કે બેબીમાંથી બાબો કરી શકે નહીં! મારે સાત દીકરીઓ છે! જયોતીષવીદ્યા મને ઉપયોગી નથી થઈ, તો બીજાને કઈ રીતે ઉપયોગી થાય?”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ડૉ. જેરામભાઈ જે. દેસાઈ(સેલફોન : 87803 85795 અને 99259 24816)ને તેમ જ મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/  પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(17, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

15 Comments

 1. પન્ડીતજી જેવા તકસાધુઑ દરેક જગ્યાઍ ફેલાયેલાછે. તેમના ધંધા ની રીત આ પ્રમાણે હોય છે:

  દસ સુવાવડી સ્ત્રીઓને “તમને બાબો જ આવશે” ની વધામણી આપીને હજારો રૂપિયા વસુલ કરી લેશે. તેમાંથી જો ૪ સ્ત્રીઓને બાબો આવશે, તો તે ૪ સ્ત્રીઓ બીજી ૪૦ સ્ત્રીઓને તકસાધુ પન્ડીતજી પાસે ખેંચી લાવશે. બાકી ની ૬ સ્ત્રીઓ પોતાના નસીબને જ દોષ આપશે.

  આ છે આવા તકસાધુઑના ધંધા ની રીત., જેના થકી તેમનો ધંધો ચાલી રહ્યો છે.

  કાસીમ અબ્બાસ

  Liked by 3 people

 2. “રાકેશભાઈ! આવા માણસો વેઈટીંગ રુમમાં જ નહીં, સમાજમાં પણ ફરતા હોય છે, એ બધાં એજન્ટ હોય છે!”
  આ વાતમાંનુ ઉપરનુ વાક્ય જ મહત્વનુ લાગે છે. આપણી આસપાસના આવા લે ભાગુ એજન્ટોના પ્રતાપે આવા પંડીતો, અરે પંડીતો નહીં, પાખંડીઓ ફાવી જાય છે. જૂઠ્ઠાઓની જમાત મળશે અને સાચાઓની સંખ્યા સમિતિ જેટલી હશે. શું થાય, બહુમતીમાં બહુરૂપીયા ઠગો છે અને તેમના બદમાશ ભક્તો છે. એક ખોટી વાતને વારંવાર કહેતા રહેવાથી જેમ સાચી લાગવા માંડે તેમ સાચી વાતને વારંંવાર કહેવાતી નથી. કારણ એ જ કે, સાચી વાત કહેનારા લઘુમતીમાં હોય છે અને સજ્જન હોય છે. ” જૂઠ્ઠુ બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો” આ સુત્ર કહેવાય છે કે કોઇ રાજકીય પાર્ટીએ લઇ લીધુ છે !!!! અને એટલે જ પ્રજાને બધુ સાવ સાચુ લાગવા લાગે છે!!!! ભાઇ, આ ભારત છે, ઝૂકાનેવાલા ચાહીએ. બાબાઓનો પ્રભાવ જેટલો વધતો જશે તેટલા જ પાખંડીઓ વધતા જશે. બેબીઓએ જાગવાની જરૂર છે. અંધશ્રધ્ધાના જનકોની પોલ ખોલવાની હિંમત કરવી પડશે. જૂઠ્ઠાઓના જડીયા ઉખેડી નાખો. છેતરાયેલાના અનુભવો વહેંચો. ચાલબાજીથી સફળ થયેલા ઢોંગીઓના વિરુધ્ધમાં ઢોલ પીટો. બાકી, ધૂતારાઓ વાવાઝોડાની માફક ફેલાઇ રહ્યા છે. અટકાવવાની શરુઆત મારે અને તમારે , આપણે સૌ રેશનાલીસ્ટોએ જ કરવી પડશે.
  જાવ, જલ્સા કરો કાલે સાંજે 4-00 વાગે વરસાદ આવશે!!!! સાચુ પડે તો નાહી લેજો!!!!!!!!!!!!!!!!(સ્વામી કર્માનંદની આ ભવિષ્યવાણી છે!!!)
  લેખકશ્રી રમેશ સવાણી અને બ્લોગર ગોવિંદભાઇ મારુ કે હું ક્યારેય કોઇનાથી છેતરાવાના નથી.
  @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
  રોહિત દરજી” કર્મ “, હિંમતનગર

  Liked by 2 people

 3. મારી સમજ મુજબ : ૧૨ ગ્રહ અને બાર રાશિ એટલે કે દર ૧૨ માં વ્યક્તિ ને આ ગ્રહ અને મારી સમજ મુજબ : ૧૨ ગ્રહ અને બાર રાશિ એટલે કે દર ૧૨ માં વ્યક્તિ ને આ ગ્રહ અને રાશિ મળતા આવવા ના જ.
  કોઈ પણ વ્યક્તિ પેહલા એ જાણી લે કે માનવી ની સમસ્યા શું છે અને પછી બોલી દે કે આટલું થઇ જશે… થાય કે ના થાય એ વાત જુદી છે પણ રોકડા થઇ જાય….
  અહીંયા અમેરિકા માં પણ રોજ ટી વી પર આવા વિજ્ઞાપન આવે છે…. એ લોકો પણ પેહલા પૈસા મુકાવે અને પછી આગળ વાત….

  Liked by 1 person

 4. “Dunia jhukati hai, jhukanewala chahie”. All you need to do to cheat people is to have some agents to impress others. & in this short of story there is possibility of only two results. If your prediction is right the “client” is happy & if not he only feels being cheated & blames his luck..

  Liked by 1 person

 5. નાનપણમાં ઘણી કટુવચનવાળી કહેવતો સાઉથ ગુજરાતમાં સાંભળતાં. હું વલસાડનો છું. આ કહેવતો કટુવચની તો હોય જ છે પરંતું સચોટ હોય છે. પરિસ્થિતિની પુરે પુરી સમજ આપી દે. અેક કહેવત સાંભળી હતી….‘ જરુરતે ગઘેડાને પણ બાપ કહેવાવાળા હોય છે. ‘………
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. મોટે ભાગે જ્યોતિષીઓ ‘સામેથી પાડો અાવતો હોય ને કહી દે पाडा अघन्ति पोदरा:। મારો ભત્રીજો
  પોતે ડોકટર છે એટલે સુરતના જ્યોતિષિઓએ એમનો દીકરો ડોકટર થશે એવું વિધાન કરેલું પણ વાસ્તવમાં એ ઇંજિનિયર બન્યો ત્યારે મારા ભત્રીજાએ મને જણાવ્યું કે તમારા સિવાય કોઇએ કહ્યું ન હતું કે ઇંજિનિયર થશે અા બધું पाडा अघन्ति पोदरा:। વાળા જ્યોતિષમાં અાવે !

  Liked by 1 person

 7. Due social dogma, ill-advised traditions, mistreatment of women continues unabated, nothing will prevent folks from resorting to such non-sense and their desperate and futile attempts at any cost that normally would defy logic. I submit that, without a fundamental sea-change in the social behavior, any discourse or dialogue on the subject is mute and meaningless.

  Liked by 1 person

 8. કદીપણ રૂબરૂમાં કે ફોન પર પણ મળ્યો નેથી તેવો કોઈ સામાન્ય માનવી કહે કે ‘ પી.એમ. શ્રી મોદી સાહેબ મને હેરાન પરેશાન કરે છે.” તો આ વાત કોઈ પણ સાચી નહિ માની હસી જ કાઢે. જ્યારે કરોડો માઈલો દુરનો નિર્જીવ અવકાશી ગ્રહ કોઈ પણ માનવીને કઈ રીતે શું નડતર રૂપ થવાનો કે બગાડી શકવાનો હતો??? હકીકત છે કે જે લોકો આવા ગ્રહો ઉપર જઈ ચઢ્યા છે તેવાને પણ તે ગ્રહો હેરાન કરી શક્યા નથી.
  જ્યાં સુધી ટુકી અક્કલના મુર્ખાલોકો, ભીખમંગા ક્રીયાકંડી બ્રાહ્મણ- પંડાઓ- પંડિતો- ધુતારા જ્યોતિષીઓ કે સાધુ બાવાઓ પાસે ગ્રહ શાતક કરાવતા અને રાશી ભવિષ્ય જોવડાવતા રહશે ત્યાં સુધી આ દુષણ હિન્દુમાંથી દુર થનાર નથી.
  પૃથ્વી પરના દરેક ધર્મના લોકોને જીવવા માટે હવા પાણી ઉઘ અને ખોરાક અનિવાર્ય છે તેઓને કેમ આ ગ્રહો નડતા કે હેરાન કરતા નથી???

  Liked by 1 person

 9. પહેલા શુક્રવાર ‘ સંતોષીમા ‘ નો હતો. આજે શુક્રવાર ગોવિંદભાઇ મારુ નો છે. અભિવ્યક્તિ બ્લોગ દ્વારા રેશનલ વિચારોની સરવાણીના સર્જક ગોવિંદભાઇની સેવા અવિસ્મર્ણીય રહેશે. અંધશ્રધ્ધા ,આડંબરો,ચમત્કારો વિ.વિ. આપણા સમાજને ખોખલો કરી રહ્યા છે તેવા સમયે આ બ્લોગ દ્વારા ઉધઇની દવા બનીને ઉધઇને અટકાવવાનો નમ્ર પ્રયાસ થઇ રહ્યો છે. સમાજની સાન ઠેકાણે લાવવાની આ પ્રવૃત્તિ સરાહનીય અને ક્રાંતિકારી ગણી શકાય. ગોવિંદભાઇ આપ આપની નિવૃત્તિને ખરેખર સજાવી રહ્યા છો. રેશનલ વિચારકોના લેખને બ્લોગના માધ્યમથી વિસ્તાર કરવા પાછળ આપની કુશળ મહેનત જવાબદાર છે. સતત સાપ્તાહિક સંપાદકીય સુંદર સાહિત્ય સજ્જનો સુધી સેન્ડ કરતા રહીને આપ સો સો સલામના દાવેદાર થયા છો.
  આજે આપને ફોન પર મળીને ખૂબજ આનંદ થયો. તે સમયે મનકી બાત ચાલુ હતી ત્યારે મને આપના મનની વાત જાણવાની મજા આવી. વિચારોના ભાથા સાથે આપની સાથે સૌ કોઇને ભાઇબંધી કરવી ગમે તેમ છે. આપની આ યાત્રા સાથે જોડાવાનો મને ખુબ જ આનંદ થાય છે. જીવન જીવવાની જડીબુટ્ટી આપે સૌને ધરી છે ત્યારે સમાજની સાથે સ્વથી શરુઆત કરવાની સૌ અભિવ્યક્તિ ફોલોઅર્સની ફરજ છે.
  ગોવિંદભાઇ તમે મારુ -તમારુ રાખવાવાળા નથી. દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવા આ રેશનલ યાત્રા આપને ખુબ જ બળ આપશે. KEEP IT UP. WE ARE WITH YOU.
  @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
  રોહિત દરજી ” કર્મ ”, હિંમતનગર મો. 94267 27698

  Liked by 1 person

 10. શ્રી ગોવિંદ ભાઈ,
  ધર્મ એક ધંધો છે.

  આવી જ ગોઠવણી ઘણી હોસ્પિટલમાં ચાલી રહી છે . બહુ વધારે તકલીફ હોય ત્યારે જ કોઈ ડોક્ટર (TOTALLY PROFESSIONALS) ને ત્યાં જવું.

  Liked by 1 person

  1. આપશ્રીના બ્લોગ ‘RKD-रंग कसुंबल डायरो’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s