06
ભ્રમના ભણકારા
–બી. એમ. દવે
[ગત અંક : 05 ( https://govindmaru.wordpress.com/2017/05/19/b-m-dave-7/ )ના અનુસન્ધાનમાં..]
ભ્રમ ક્યારેક અલ્પજીવી, ક્યારેક દીર્ઘજીવી અને ક્યારેક ચીરંજીવી સ્વરુપે મનુષ્ય અને પશુ–પ્રાણીઓમાં પણ દેખાય છે. દીર્ઘજીવી ભ્રમના કીસ્સાઓમાં સતત ભ્રમના ભણકારા વાગ્યા કરે છે અને ભ્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તેમ જ મનનો સમ્પુર્ણ કબજો લઈ લે છે. ભ્રમ ક્યારેક હકારાત્મક સ્વરુપે તો ક્યારેક નકારાત્મક સ્વરુપે સમ્ભવી શકે છે.
પ્રથમ આપણે નકારાત્મક પ્રકારના ભ્રમની સમીક્ષા કરીએ :
આવા પ્રકારના ભ્રમનું સચોટ ઉદાહરણ જંગલી બાળક ‘મોગલી’નું ગણાવી શકાય. આ વીષયવસ્તુ ઉપર બોલીવુડ અને હોલીવુડમાં અલગ–અલગ નામથી ઘણી ફીલ્મો બની છે. મનુષ્યબાળ સંજોગાવશાત્ પશુઓની સાથે જંગલમાં ઉછરે છે અને પરીણામે તે પોતે પણ પશુબાળ હોવાના ભ્રમનો શીકાર બની જાય છે અને પશુબાળ જેવું જ વર્તન કરવા લાગે છે અને આશ્ચર્યજનક રીતે મનુષ્ય હોવા છતાં પશુઓ જેવી સાહજીક જીન્દગી જીવવા ટેવાઈ જાય છે અને પોતે મનુષ્ય છે તે હકીકત પણ વીસરી જાય છે. ભ્રમના ભયાનક ભરડાનું આ ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. જે કલ્પનાતીત ગણી શકાય.
આવા અન્ય એક ઉદાહરણ ઉપર દૃષ્ટીપાત કરીએ. તારીખ 24 જુલાઈ, 2016ની ‘દીવ્ય ભાસ્કર’ દૈનીક વર્તમાનપત્રની આવૃત્તીમાં એક સમાચાર પ્રસીદ્ધ થયા છે કે અમદાવાદની ફૅમીલી કૉર્ટમાં છુટાછેડાના ત્રણ વીચીત્ર કેસો ચાલી રહ્યા છે. છુટાછેડાના આ ત્રણ કેસોમાં પત્નીઓએ છુટાછેડાનું કારણ એવું દર્શાવ્યું છે કે તેમના પતીદેવો એકાંતમાં અને ખાસ કરીને રાત્રે મહીલાઓનાં વસ્ત્રો પહેરવાની આદત ધરાવે છે. તેઓ સ્ત્રી–શૃંગાર પણ કરે છે. પતીઓના આવા વીચીત્ર વર્તનથી ત્રાસી જઈ આ મહીલાઓએ છુટાછેડાની માગણી કૉર્ટ સમક્ષ કરી છે. નોંધપાત્ર હકીકત એ છે કે આ પતીદેવો સમ્પુર્ણ પુરુષ છે અને તેમને બાળકો પણ છે. આ ત્રણેય પતીદેવો સતત એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે તેઓનું શરીર પુરુષનું છે; પણ આત્મા મહીલાનો છે. આવા ભ્રમના ચક્કરમાં આ પુરુષો સ્ત્રૈણ ન હોવા છતાં; એકાંતમાં મહીલાનાં વસ્ત્રો ધારણ કરી પોતે મહીલા હોવાના ખ્વાબમાં રાચવાનો આનન્દ મેળવે છે.
પોતાની આવી હરકતોથી દામ્પત્ય જીવન ખંડીત થઈ રહ્યું હોવાની ખાતરી હોવા છતાં આ પુરુષો પોતાના પાળેલા ભ્રમમાંથી મુક્ત થઈ શકતા નથી અને છુટાછેડાના ભોગે પણ પોતાની આવી માનસીક વીકૃતીને વળગી રહેવા માગે છે. કેટલાક પુરુષો જન્મથી સ્ત્રૈણ હોય છે અને મહીલાઓના હૉર્મોન્સ ધરાવતા હોય છે. આવા પુરુષો મેડીકલ સાયન્સના સહારે જાતીપરીવર્તન કરાવી સ્ત્રીમાં રુપાંતરીત થઈ શકે છે; પણ આ ત્રણેય કીસ્સામાં આવી હકીકત નથી. ભ્રમના ભણકારા માનવીને આ હદે પણ લઈ જઈ શકે છે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે.
મારી વીચારધારાના સમર્થનમાં મારા વતનના ગામમાં મારા બાળપણ દરમીયાન મેં પ્રત્યક્ષ જોયેલ એક સત્યઘટના પ્રીય વાચકો સાથે વહેંચવા માગું છું.
મારા માદરેવતન સોલડીમાં કસ્તુરભા કરીને એક વીધુર વૃદ્ધ રહેતા હતા. આ કસ્તુરભાને શરુઆતમાં આખા શરીરે ખજવાળ આવવાની ચામડીની બીમારી થઈ. ડૉક્ટર પાસે લઈ જઈ યોગ્ય સારવાર કરાવી અને ડૉક્ટરે કોઈ ગમ્ભીર બીમારી ન હોવાનું કહી દવાઓ આપી; પરન્તુ ફાયદો થયો નહીં અને તકલીફ વધતી જ ગઈ. વાસ્તવમાં તેમને કોઈ પણ પ્રકારની ચામડીની શારીરીક તકલીફ હતી જ નહીં; પરન્તુ મનમાં એવો ભ્રમ પેસી ગયેલો કે મારા આખા શરીરમાં જીવાત પડી ગઈ છે. આ ભ્રમ એટલો દૃઢીભુત થઈ ગયો કે એક પ્રકારની મનોવીકૃતીમાં ફેરવાઈ ગયો.
પછી તો તેમણે દીવસ અને રાત દરમીયાન જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી બન્ને હાથનાં નખ વડે આખા શરીરને સતત ખજવાળવાનું શરુ કરી દીધું. ખજવાળીને હાથમાં જાણે જીવાત આવી ગઈ હોય તેમ ખંખેરતા જાય. આપણે નજીક જઈએ તો ચેતવણી આપે : ‘આઘા રહેજો, નહીંતર હું ખંખેરું છું તે જીવાત તમારા શરીરે ચડી જશે.’ આખા શરીરે ખજવાળીને જીવાત ખંખેરવાનો કાર્યક્રમ નૉનસ્ટોપ ચાલુ જ રહે. તેઓ જીવ્યા ત્યાં સુધી આવી ભ્રમીત અવસ્થામાં રહ્યા.
કહેવાનું તાત્પર્ય એ છે કે નકારાત્મક ભ્રમના ભણકારા જ્યારે સતત વાગ્યા કરે તેવી અવસ્થાએ કોઈ વ્યક્તી પહોંચી જાય ત્યારે આવી મનોવીકૃતી આવી જતી હોય છે, જે ચીરકાલીન સાબીત થાય છે.
વાચકમીત્રો! આવો, હવે આપણે હકારાત્મક ભ્રમના ભણકારા વીશે વીચારીએ :
દુનીયામાં ઘણી વ્યક્તીઓને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર બીરાજેલી આપણે જોઈએ છીએ. રાજકારણમાં, સંગીત અને કલાના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં તેમ જ શીક્ષણજગતમાં ઘણી વ્યક્તીઓ પોતાના સમકાલીન કરતાં ઘણી આગળ નીકળી ગયેલી દેખાય છે. આમ છતાં આ મહાનુભાવોએ કંઈક ગુમાવેલું પણ હોય છે, જેની પીડા અન્દરથી અનુભવાતી હોય છે. આવી હસ્તીઓ મહાન હોવા છતાં જે સુખથી વંચીત રહી હોય તેનો અભાવ ખટકતો હોય છે.
કોઈનું વ્યક્તીગત ઉદાહરણ આપ્યા સીવાય નોંધવા માગું છું કે આપણા દેશમાં અલગઅલગ ક્ષેત્રમાં આવી કેટલીય સન્માનીય વ્યક્તીઓ છે, જેમણે જીન્દગીમાં પદ, પ્રતીષ્ઠા અને પૈસો – બધું જ હાંસલ કર્યું છે અને જીવન્ત દન્તકથા સમાન વ્યક્તીત્વ છે. આમ છતાં આવી ઘણી હસ્તીઓ દામ્પત્યજીવનના સુખથી વંચીત છે. પ્રસન્ન દામ્પત્ય જીવન ભોગવતી તદ્દન સાધારણ વ્યક્તીના દૃષ્ટીકોણથી આવી હસ્તીઓની ગમે તેવી ઝળહળતી કારકીર્દી પણ ઝાંખી ગણાઈ શકે છે.
દામ્પત્યજીવનના સુખથી વંચીત મહાનુભાવો આવું સુખ ગુમાવવાના રંજથી બચવા માટે એવા હકારાત્મક ભ્રમનું આવરણ ઓઢી લે છે કે તેઓએ જે મેળવ્યું છે તેની સરખામણીમાં જે ગુમાવ્યું છે તે તુચ્છ અને નગણ્ય છે. આવા ભ્રમના પરીણામે વંચીતતાના દુ:ખને ઉપલબ્ધીના સુખથી ઓવરટેક કરી સફળતાના નશામાં રહેવાની કળા તેમને આવડી જાય છે.
વાચકમીત્રો! આપણી ચર્ચાના મુદ્દા અન્વયે એક સત્યઘટનાનો સન્દર્ભ ટાંકી મારા મંતવ્યને વધુ સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું.
કોઈ પણ યુવાન પચ્ચીસીમાં પ્રવેશે એટલે તેની જીન્દગીમાં મુખ્ય બે લક્ષ્યાંકો હોય છે : (1) સારી નોકરી અને (2) સારી છોકરી. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનની લાયકાત અનુસાર આ બન્ને લક્ષ્યાંકોની પ્રાપ્તી થાય છે.
બે યુવાન મીત્રો ઉપરોક્ત બન્ને લક્ષ્યાંકોની તલાશમાં છે. એક મીત્ર અત્યન્ત તેજસ્વી શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે; પરન્તુ ફૅમીલી બૅકગ્રાઉન્ડ નબળું છે. બીજા મીત્રની શૈક્ષણીક કારકીર્દી નબળી છે; પરન્તુ ફૅમીલી બૅકગ્રાઉન્ડ તમામ રીતે ચઢીયાતું છે.
જે યુવાન તેજસ્વી શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે તેને જલદી સારી નોકરી મળી જાય છે; પરન્તુ સાધારણ દેખાવ અને નબળા ફૅમીલી બૅકગ્રાઉન્ડને કારણે છોકરી મળવામાં વીલમ્બ થાય છે.
બીજો યુવાન તદ્દન સાધારણ શૈક્ષણીક કારકીર્દી ધરાવે છે, એટલે નોકરી મળી શકતી નથી; પરન્તુ પોતાની આઉટસ્ટૅન્ડીંગ પર્સનાલીટી અને સમૃદ્ધ ફૅમીલી બૅકગ્રાઉન્ડના જોરે નોકરી કરતી છોકરી મળી જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે નોકરીના આધારે છોકરી મળવાની શક્યતા છે; પણ છોકરીના આધારે નોકરી મળવાની શક્યતા નથી. આમ છતાં આ બન્ને મીત્રોનાં કુટુમ્બો સાત્વીક ભ્રમનું સેવન કરી કેવી રીતે આશ્વાસન મેળવે છે તે રસપ્રદ છે.
જેને સારી નોકરી મળી ગઈ છે તે મીત્રનો પરીવાર એમ કહેશે કે સારી નોકરી મળી ગઈ છે એટલે આજે નહીં તો કાલે છોકરી મળવાની જ છે. લગ્નો તો સ્વર્ગમાં ગોઠવાય છે. દરેકને યોગ્ય પાત્ર મળી જ જતું હોય છે. નોકરીમાં બઢતી મળશે અને પ્રગતી થશે એટલે સારી–સારી છોકરીઓનાં માગાં સામેથી આવશે.
જેને નોકરી કરતી છોકરી મળી ગઈ છે તે મીત્રનો પરીવાર એમ કહેશે કે હવે ભાઈને નોકરીની જરુર જ ક્યાં છે? નોકરી કરતી છોકરી મળી તે ઓછું છે? આખી જીન્દગી બેઠાં–બેઠાં ખાય તો પણ ન ખુટે તેટલી મીલકતનો ભાઈ વારસદાર છે. નોકરીની ગુલામી કોણ કરે?
વાચકમીત્રો! ભારપુર્વક સ્પષ્ટતા કરવાની કે આ ઘટના કાલ્પનીક નથી; પણ વાસ્તવીક છે અને હું તેનો સાક્ષી છું. હકીકતમાં વાસ્તવીકતા શી છે તેની બન્ને કુટુમ્બોને પાકી ખબર હોવા છતાં દમ્ભી ભ્રમના ઘેનમાં રહીને ‘છે’ના પ્રભાવ હેઠળ ‘નથી’ના અભાવને અતીક્રમી જવાની આ બૌદ્ધીક બદમાશી કહી શકાય.
કોઈ પણ ચીજના અભાવના વસવસાને હળવો કરવાનો અસરકારક ઉપાય ભ્રામક ચશ્માં પહેરીને તેને નજરઅંદાજ કરવાનો છે.
‘નથી’ના અભાવ ઉપર ‘છે’નો પ્રભાવ હાવી થઈ જાય એટલે હીસાબ સરભર થઈ ગયો હોવાના ભ્રમના ભણકારા વાગવા લાગે છે, જે આશ્વાસનરુપ બની રહે છે. પ્લસ પૉઈન્ટના પ્રકાશમાં માઈનસ પૉઈન્ટને ઝાંખો પાડી દઈ રાજી રહેવાની આ કળા કાબીલેદાદ છે. આવો સાત્ત્વીક ભ્રમ હતાશાને દુર રાખી શકે છે અને આત્મવીશ્વાસની બૅટરી ચાર્જ કરતો રહે છે; પરન્તુ આવા ભ્રમનો અતીરેક થાય તો ચકલી ફુલેકે ચડી શકે છે. આવા ભ્રમનો ઢાલ તરીકે સદુપયોગ થાય ત્યાં સુધી વાંધાજનક ન ગણાય; પરન્તુ તલવાર તરીકે દુરુપયોગ થાય તો સરવાળે નુકસાનકારક સાબીત થઈ શકે છે.
આ તથ્યને ચરીતાર્થ કરતી એક હાસ્યાસ્પદ સત્યઘટના પ્રીય વાચકમીત્રોના મનોરંજન અર્થે રજુ કરું છું :
મારા બાળપણમાં એક મન્દીરમાંથી ભગવાનનાં સોનાચાંદીનાં આભુષણોની ચોરી થઈ. પોલીસે કેટલાક શકમંદોને પકડી આગવી ઢબે પુછપરછ કરી. એક ચોરે ચોરી કબુલી લીધી. પોલીસે બાકીનાને છોડી મુક્યા. પોલીસનો પ્રસાદ ખાઈને પોલીસસ્ટેશનથી બહાર નીકળેલા એક શકમંદને ગ્રામજનોએ મજાક કરીને પુછ્યું : ‘કેમ, બાકી પોલીસે કેવી સરભરા કરી?’ આ શકમંદે આપેલો જવાબ મારી વાતને કેટલી વજનદાર બનાવે છે તે જુઓ. તેણે કહ્યું : ‘ભલે માર ખાધો, પણ ફોજદાર તો ભાળ્યો ને!’
આ ઉપરાંત વંચીતતાના વસવસામાંથી રાહત મેળવવા માટે પ્રયોજાતી પ્રખ્યાત કહેવત ‘આ દ્રાક્ષ તો ખાટી છે’નાં મુળ પણ આ પ્રકારની માનસીકતામાં રહેલાં છે. ઘણી વખત એવું લાગે છે કે માણસજાત બીજાને છેતરવા કરતાં પોતાની જાતને છેતરવાના પેંતરા વધારે કરે છે; કારણ કે મોટા ભાગનો હીસાબ–કીતાબ વ્યક્તીએ પોતાની જાત સાથે જ કરવો પડતો હોય છે. પોતાને છેતરવામાં સફળ થતી વ્યક્તી આભાસી આનન્દ માણવામાં મશગુલ રહે છે.
–બી. એમ. દવે
જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 40થી 45 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક :
શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224
It is very true. By becoming honest with ourselves , we can solve our problem.
It is a very good analysis. It can be very helpful for us.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
ભ્રમ???????????????????
LikeLiked by 1 person
ગઈ કાલે જ મેં ચક્કરાચાર્યના નામે ફેસબુક પર પંક્તી મુકેલી : ભ્રમ સત્ય; જગત મીથ્યા ! ભ્રમનીરસન થવું અઘરું છે.
LikeLiked by 1 person
Saras lekh Govindbhai ane B M Dave aabhar lekh gamyo.
LikeLiked by 1 person
Good article. Negative BHRAM is psychiatric disease called Obsession & positive may be called escapism or self rationalization for satisfaction.
LikeLiked by 1 person
“શિવલિંગ ઉપર ઉંદર ચડ્યો અને બાળ દયાનન્દ સરસ્વતીનો શિવ લિંગને શિવ માનવાનો ભ્રમ દૂર થયો.આવા ઘણા ભ્રમ કે વહેમ ભારતની જનતા રાખે છે.” આવી ઘણી વાતો ખૂટાડી ખૂટે તેમ નથી. પણ આવા પ્રકારના ભ્રમ અને વહેમ વિશ્વ વ્યાપી છે. એટલું જ નહીં પણ વિશ્વના દેશોની સરકારો પણ તેને માન્ય રાખે છે.
યુકેની રાણી કે રાજાની સવારી નિકળે ત્યારે સૈનિકોની એક ટૂકડી દંડૂકા અને ચામર ગોળ ગોળ ફેરવતા ફેરવતા નિકળતા હોય છે. તેની પાછળ ભૂતને ભગાડવાની માન્યતા (ભ્રમ) હોય છે. લગભગ તેવી જ પ્રણાલી આપણા રાષ્ટ્રપતિની સવારી નિકળે ત્યારે રાષ્ટ્રપતિની બગીની આગળ હોય છે. ઘોડેસવારો પણ ટૂકડી હોય છે. આ બગી અને ઘોડેસવારોનો જમાનો ગયો તો પણ ચાલુ છે.
શિવલિંગની ઉપાસના પાછળ એક તાત્વિક અને તાર્કિક માન્યતા છે કે શિવ એ વિશ્વમૂર્તિ છે. એટલે કે ભારતીય તત્વવેત્તાઓની માન્યતા છે કે વિશ્વ એ સજીવ છે. તેને કોસ્મિક કોન્સીયસ (વિશ્વાત્મા , પરમાત્મા) કહેવાય છે. તેનું એક પ્રતિકાત્મક સ્વરુપ કે જેના ઉપર ધ્યાન ધરીને યૌગિક અવસ્થામાં (યોગાનન્દ) પહોંચાય છે. ભક્તિ પણ એક આનંદ છે. શિવલિંગની પૂજા એ એક પ્રણાલી છે. પ્રણાલીઓ આનંદ માટે હોય છે.
જીંદગી આનંદ માટે છે અને ભારતીય સંસ્કૃતિમાં આવી અનેક પ્રણાલીઓ પ્રચલિત છે.
બાળ-દયાનંદ સરસ્વતી આ તત્વજ્ઞાન ન સમજી શકે તે સહજ છે.
ઈશ્વરને મન તો મનુષ્ય, ઉંદર કીડી, મકોડા બધા જ સરખા છે તે શા માટે ઉંદર ઉપર ગુસ્સો કરે? જો કે દયાનંદ સરસ્વતીએ વેદોનો મહિમા પૂનર્સ્થાપિત કર્યો અને અંધાકાર ગ્રસ્ત ભારતીય જનતાને પોતાની સંસ્કૃતિના પ્રકાશનું ભાન કરાવ્યું તે અચૂક અતિ પ્રસંશનીય છે. સાયણાચાર્ય, સતવળેકર અને દયાનંદ સરસ્વતી એ ત્રણેયના વેદના અર્થઘટનોને આપણે સૌથી વધુ ગ્રાહ્ય માનવા જોઇએ.
LikeLike