પ્રગતીનો પાયો : શંકા…!

પ્રગતીનો પાયો : શંકા…!

– હરેશ ધોળકીયા

આપણા ભારતીયોને જેટલો ઈતીહાસ કે પરમ્પરામાં રસ છે, તેટલો વીજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શીવાજી, પ્રતાપ કે કોઈ ઋષીને ઓળખીએ છીએ, તેટલા ડૉ. સી. વી. રામન, રામાનુજમ કે જગદીશચન્દ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણીતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. પશ્ચીમનું જગત તેના પર ફીદા છે. રામાનુજમે બનાવેલ ગણીતનાં સુત્રો પર કામ કરે છે, અને આપણને આ રામાનુજમ કોણ હતા તેની જરા પણ પડી નથી. આપણને તો બીફ ખાવું કે નહીં કે બાર ડેન્સ ચાલવા જોઈએ કે કેમ એવી વ્યર્થ બાબતોમાં સમય બગાડવામાં રસ છે.

આપણી પ્રજાને વીજ્ઞાનમાં રસ નથી તેનું બીજું કારણ એ છે કે આપણને ક્યારે પણ શંકા કરતાં શીખવવામાં નથી આવતું. આપણને બાળપણથી શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવે છે. શ્રદ્ધા કેળવવાથી સારા ભક્ત થઈ શકાય (જો કે તે પણ શંકા છે!). પણ સારા વીજ્ઞાની તો ક્યારે ન થઈ શકાય. વીજ્ઞાની તો કેવળ શંકાની ટેવ કેળવવાથી થઈ શકાય. આપણે ત્યાં તો કોઈ શંકા કરે તો તેની ખબર લઈ નખાય છે. તેને નાસ્તીક જાહેર કરી દેવામાં આવે છે. તેમાં પણ જો પરમ્પરા, રીવાજો, મહાન લોકો પર શંકા કરાય, તો તો – હવે તો – મારી નાખવા સુધી પગલાં લેવાય છે. આજે પણ બુદ્ધીનીષ્ઠરૅશનલ – લોકોને સહન કરવામાં આવતા નથી, તેમને ખુબ હેરાન કરાય છે અને ક્યારેક – દાભોલકર જેવાને – મારી પણ નખાય છે.

મજાની અને કરુણ વાત તો એ છે કે ભારતીય–સંકુચીત શબ્દ વાપરીએ તો હીન્દુ–સંસ્કૃતીનો પાયો જ શંકા છે. ભારતીય સંસ્કૃતીના પાયાના ગ્રંથ બે : ઉપનીષદો અને ગીતા. આ બે ના જબરદસ્ત આલોચક શંકરાચાર્ય! અને આ બધાનું પાયાનું શીક્ષણ શંકા કરવી! ઉપનીષદમાં ક્યાંય માની લેવાની વાત નથી કરી. શરુઆતમાં શંકા અને પછી પ્રયોગ. એટલે નથી આસ્તીક થવાનું, નથી નાસ્તીક થવાનું, અજ્ઞેયવાદી થવાનું છે. અજ્ઞેયવાદી એટલે માનું છું એમ પણ નહીં, નથી માનતો એમ પણ નહીં, તપાસ કરીશ, પ્રયોગ કરીશ અને સબીત થશે તો માનીશ એ વલણ. ગીતામાં ચોખ્ખી સુચના છે કે ગુરુને સતત સવાલો કરો. (પરીપ્રશ્નેન સેવયા.) આખી ગીતા કહ્યા પછી કૃષ્ણે તે પાળવાની આજ્ઞા ન કરી. તેમણે કહ્યું કે – મેં તને કહેવું હતું તે કહી દીધું. હવે તારી ઈચ્છા પ્રમાણે કર. (યથા ઈચ્છસી તથા કુરુ.) અને શંકરાચાર્ય તો દરેક બાબતમાં એક જ સવાલ પુછે છે – ‘તતઃ કીમ?’ પછી શું અને તેના ભક્તો કહે છે – ‘માની લો.’ ‘શંકા ન કરો’ ‘શંકા કરનાર નાસ્તીક છે.’ પણ વીકાસ કરવા માટે શંકા જ ઉપયોગી છે. જે પશ્ચીમને આપણે ભોગવાદી કહી ગાળો આપીએ છીએ, તેણે જ શોધેલ બધી સગવડો આપણે ભોગવીએ છીએ. આપણે તો પ્રાઈમસની પીન પણ શોધી શક્યા નથી. હા, એવાં બણગાં ફુંકીએ છીએ કે પ્રાચીન જમાનામાં આ દેશમાં વીજ્ઞાનીઓ હતા. હશે; પણ આજે તો આપણે દરેક બાબતમાં પશ્ચીમ પર જ આધારીત છીએ. આપણે એક શોધ પણ નથી કરતા. હા, પશ્ચીમ જે શોધ કરે છે, તેની નકલ ઉત્તમ રીતે કરી શકીએ છીએ; પણ મૌલીક શોધ? રામ રામ કરો! કનૈયાઓને ગાળ આપવામાંથી ઉંચા આવીએ તો કરીએ ને? આપણા દેશનાં વીદ્યાર્થી સંગઠનો યુનીવર્સીટીમાં સગવડો નથી તેની ફરીયાદ કરે છે, પણ કોઈ વીદ્યાર્થી સંગઠન યુનીવર્સીટીમાં સંશોધનની સગવડો વધારવી જોઈએ એવી માગણી કરે છે? એક પણ નહીં !

વીજ્ઞાનનો પાયો છે ‘શા માટે?’ સવાલ! કોઈ પણ ઘટના શા માટે બને છે, કોઈ પણ વર્તન શા માટે ઉભું થાય છે, એટલે કે તેના મુળમાં જવું એ કામ વીજ્ઞાન કરે છે. આપણા દેશમાં ક્યાંક પુર આવે છે, ક્યાંક દુકાળ પડે છે, ક્યાંક આગ લાગે છે. તેને થીગડાં મારવાના પ્રયાસો થાય છે; પણ આ બધું સતત કેમ થાય છે અને તેના કાયમી ઉપાયો શું હોઈ શકે તે બાબતે આપણે ક્યારેય નથી વીચારતા. આ કામ કેવળ વૈજ્ઞાનીક મગજ જ કરી શકે.

વીજ્ઞાન માત્ર ‘શા માટે’નો જ વીચાર નથી કરતું. તે શોધ્યા પછી તે ‘કેમ’નો પણ વીચાર કરે છે. દાખલા તરીકે ગરમી કે ઠંડી શા માટે પડે છે તેનાં કારણ શોધે છે (શા માટે) અને પછી તેને હળવાં ‘કેમ’ કરી શકાય તેના પણ ઉપાય શોધે છે. આપણે તે સહન કરીએ છીએ અને પાછા વટ પડાવીએ છીએ કે આપણે બહુ સહનશીલ છીએ. ગરમી–ઠંડી સહન કરી તપસ્યા કરીએ છીએ, હકીકતે આપણે ઉપાય શોધતા જ નથી. શોધી શકતા નથી; પણ વીજ્ઞાની ચીત સહન ન કરે. ઉપાય શોધે. તે તપસ્યા ચોક્કસ કરે; પણ ઉપાય શોધવાની. એટલે જ આજે યોગ, અધ્યાત્મ, ધ્યાન જેવી બાબતોમાં પશ્ચીમમાં ઉંડાં સંશોધનો થાય છે. આપણે કેવળ ધ્યાનમાં બેસવાનો ઢોંગ કરીએ છીએ. સ્વામી યોગાનંદ, સ્વામી રામ વગેરે જેવા આપણા ઉત્તમ યોગીઓને પણ સંશોધન કરવા અમેરીકા જવું પડ્યું. અહીં શક્ય ન હતું. અહીં તેમની પુજા થઈ શકે, મન્દીર બાંધવા થોકબન્ધ પૈસા મળે, પણ તેમને પ્રયોગશાળા બાંધવા પૈસા ન મળે.

        આપણે 2050માં શ્રેષ્ઠ દેશ થવું હોય, તો દેશનાં બાળકોને વીજ્ઞાનમાં રસ લેતાં કરવાં પડશે. તેમને શંકા કરતાં શીખવવું પડશે. શ્રદ્ધા ચોક્કસ શીખવવાની છે; પણ કેવળ પોતા પર રાખવાની. આત્મશ્રદ્ધા! બાકી દરેક બાબતમાં શંકા શીખવવાની છે. તેમાં પણ ધર્મ, પરમ્પરા, રીવાજો, જ્ઞાતી, જાતી – આ બધા પર તો ભયંકર શંકા કરતાં શીખવવાનું છે. તો જ તેમનું મગજ સાફ થશે. તો જ સમાજ સ્વસ્થ થશે.

અલબત્ત, તેની શરુઆત તો થઈ ગઈ છે; પણ હજી સેંકડો માઈલ ચાલવાનું છે. જ્યારે પ્રગતીશીલ બળો આવવા પ્રયત્ન કરે છે, ત્યારે રુઢીચુસ્ત બળો ખળભળી ઉઠે છે અને તેના પર તીવ્ર હુમલો કરે છે. અત્યારે આપણે તે જ જોઈ રહ્યા છીએ.

અત્યારે ચારે બાજુ પછાત બાબતોનો જબરો ફેલાવો થતો દેખાય છે. જ્ઞાતીવાદ, જાતીવાદ, ધાર્મીકતા વધતી દેખાય છે. અરે, ટી.વી.ની સીરીયલો જોઈએ તો તેમાં પછાત બાબતો, રુઢીચુસ્તતા, ખાનદાનવાદ, દેવી દેવતાઓની ભરમાર વધતી દેખાય છે. આ બધાને નામે સ્ત્રીઓને દબાવવાની સીરીયલો કેટલી ચાલે છે. રુઢી સાચવવાની હાયવોયમાં કુટુંબને ખેદાનમેદાન કરતાં દેખાડાય છે. કેવળ ટી.આર.પી. વધારવા પછાત બાબતોને ચગાવવામાં આવે છે. તો છાપાંઓ પણ રુઢીચુસ્તો જે વ્યર્થ અને નુકસાનકારક કામો કરે છે કે બડબડ કરે છે, તેને પહેલા પાને આપે છે. જે લોકો કે સંસ્થાઓ પરમ્પરાહનન કે રુઢીને પડકારતાં કામો કરે છે, તેને નાના અક્ષરે છાપે છે. ટી.વી. પર આવતી ચર્ચાઓમાં પણ રુઢીચુસ્ત બળોને વધારે મહત્વ અપાય છે.

આ બધું આધુનીકતા, વૈજ્ઞાનીકતાને નુકસાન કરે છે. હવે તો શીક્ષણમાં કેવળ વૈજ્ઞાનીકતાને જ મહત્વ આપવાનું છે. શંકા કરવાનાં શીક્ષણને જ મહત્વ આપવાનું છે. ભુતકાળને સતત પડકારતાં શીખવવાનું છે. શંકા પર જ શ્રદ્ધા રાખતાં શીખવવાનું છે. કેવળ શંકા, પ્રશ્નો જ પ્રશ્નો, પડકાર જ વીદ્યાર્થીને બુદ્ધીનીષ્ઠ બનાવી શકશે. માત્ર વીશાળતા, વૈશ્વીકતા જ તેને આગળ વધારી શકશે. હા, તેનાથી રુઢીચુસ્તો, પરમ્પરાવાદીઓ ભુંરાટા થશે, બમણો હલ્લો કરશે; પણ છતાં એ જ કામ કરવાનું છે. ભુતકાળનું ગૌરવ લઈ રાજી થવાનું નથી. ભવ્ય વર્તમાન કાળ ઉભો કરવાનો છે. નવા ઋષીઓ, નવા વીજ્ઞાનીઓ ઉભા કરવાના છે.

આપણે સખત રૅશનલ, તીવ્ર બુદ્ધીવાદી થવાની તાતી જરુર છે. સતત ‘શા માટે’ અને ‘કેમ’ની સાધના કરવાની છે. સતત ‘તતઃ કીમ’ પુછતા રહેવાનું છે. કશું પણ માની ન લેતાં તેના પ્રયોગો કરતાં શીખવાનું છે. આપણે આ વાક્ય યાદ રાખવાનું છે :કેટલાક લોકો વસ્તુઓ જુએ છે અને પુછે છે શા માટે… હું તો એવી બાબતોનાં સ્વપ્ન જોઉં છું જે ક્યારે ન હતી અને સવાલ પુછું છું શા માટે નહીં !’ અજ્ઞાતની શોધ જ જીવનનો હેતુ હોવો જોઈએ. તે માટે જ જીવવાનું છે.

– હરેશ ધોળકીયા

લેખક સમ્પર્ક :  શ્રી. હરેશ ધોળકીયા, ન્યુ મીન્ટ રોડ, ભુજ – 370 001 (કચ્છ) ફોન : (02832) 227 946 મેઈલ : dholakiahc@gmail.com

‘ફેસ ટુ ફેસ’ સામયીકના જુન, 2016ના અંકમાંથી… લેખકશ્રીના અને ‘ફેસ ટુ ફેસ’ સામયીકના સૌજન્યથી સાભાર…

શુભેચ્છકમીત્ર અને નીવૃત્ત આચાર્ય શ્રી. સુનીલ શાહે ‘ફેસ ટુ ફેસ’ સામયીકનો આ લેખ ખાસ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે મોકલ્યો તે બદલ સુનીલભાઈનો આભાર..

19 Comments

  1. It is a very nice and full of truth. We all should ask one question “Why”.

    Thanks for such a good article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. આપણાં ભગવાનોની મુર્તીઓ અને ચીત્રોમાં તેમની આંખો પર ચશ્માં હોતા નથી કારણ કે તે જમાનામાં પણ આપણે કોન્ટેક્ટ લેન્સ વાપરતા હતા. ખરી વાત તો એ છે કે કોન્ટેક્ટ લેન્સની શોધ ભારતમાં થઈ છે અને પશ્ચીમના લોકો તે ચોરી ગયા છે. બોલો ‘ભારત મેરા મહાન’ અને ‘મીથ્યાભીમાન કી જય હો’.

    Liked by 1 person

  3. THIS IS THE BEST ARTICLE. THANK YOU HARESH DHOLAKIYA.
    વિજ્ઞાન અને વૈજ્ઞાનિક માનસ- આ બંનેની વિશાળ આવશ્યક્તા છે. પરંતુ, બી.એસ.સી. બી.એડ ભણેલો વિજ્ઞાનનો શિક્ષક જ ભૂવાપણુ કરતો હોય તો!!!!!!!!!! હા, એવા પણ છે. એવા શિક્ષકો આરતી જ શિખવાડશે ને! HOW અને WHY સતત પેદા થતા રહેવા જોઇએ. ભગવાનનો ભય અને ભૂવાનો હાઉ ઠોંસીને ભરેલો હોય એ વ્યક્તિ ક્યારેય વિજ્ઞાનને ભગવાન નહીં બનાવી શકે. વિજ્ઞાન એ દરિયો છે, અને શાસ્ત્રો ખાબોચીયા છે. દરિયાનુ જ્ઞાન જ્યારે ખાબોચીયાના જ્ઞાન કરતા વધારે પ્રાપ્ત થશે ત્યારે જ વાસ્તવિક્તા સમજાશે. બાકી, નારીયેલને ચાર રસ્તે રમતુ મુકી દેવાથી, સુખ નહીં થાય, એનુ સફેદ કોપરુ ખાવાથી જ મજા આવશે. જરૂરીયાત એ શોધોની જનની છે. એ ઉક્તિ મુજબ, સતત નવુ વિચારવાવાળા જ વૈજ્ઞાનિક બની શકે છે. અને, ત્યારે જ માનવ જીવન આજે પહેલા કરતા બહેતર સુવિધાઓથી સજ્જ થયુ છે. બાકી, નવરા બેસેલાને કહેતા હોઇએ છીએ કે- મંજીરા વગાડો, ભાઇ! મંજીરા!!!
    ” આપણે સખત રૅશનલ, તીવ્ર બુદ્ધીવાદી થવાની તાતી જરુર છે” લેખનુ આ વાક્ય સનાતન સત્ય છે. ચાલો તે તરફ આગળ વધીએ અને સાથે બીજાઓને જોડીએ, ગોવિંદભાઇની જેમ,,,,,,,,,,,,,,,,,,
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર(સાબરકાંઠા)મો. 94267 27698

    Liked by 1 person

  4. We are people of ‘past’ , we had great past but don’t believe in making future bright.we have to teach the child to ask Why . Curiosity to learn & know has to be developed in children.

    Liked by 1 person

  5. જીયા જ્ઞાન જેવું કાંઈ રહીયુ જ નથી તીયા વી ને કેવી રીતે ઉમેરીએ અને વિજ્ઞાન બનાવીયે ?….
    આપણે લોકો એટલે હાલતા ચાલતા ઝિરોક્ષ મશીન…… અને જયારે બી નાપાસ ઠયીએ તીયારે ભગતાવળુ ……

    Liked by 1 person

  6. જીવનનો હેતુ જો મોક્ષ મેળવવાનો જ હોય તો વિજ્ઞાનની શી જરૂર? મોક્ષઘેલા આપણે વિજ્ઞાનમાં આગળ ના જ વધી શકીએ.

    Like

  7. Thanks for sharing a very good article. Should be widely circulated, especially in teaching institutes.
    ‘WHY & HOW’ are the points to be emphasised in educating children from young age.

    Liked by 1 person

  8. Very nice article.
    Leave aside the ignorant and the illiterate people— even the scientists among us, in daily life, largely go by Faith, not by Reason. They memorize the facts of science, but don’t cultivate the scientific attitude. Why?
    We need to study and find out why and how our society developed such deep rooted dislike for Skepticism.
    Thanks. –Subodh Shah, USA.

    Liked by 1 person

  9. When and if you talk about the elite educated young minds of India, regret, the monetary benefits of IT education underscores the fact that exactly opposite is true. The education of sciences has taken a lead at the cost of study of humanities (like history- i am mot talking about just Indian history but the world history, philosophy, arts ETC,). Indian elite schools are producing technocrats/robots without the primer of a well- rounded education. This has resulted in creating people who can copy/reproduce but can not think critically. The emphasis is on making a quick buck, not on free thinking and on fundamental research. This is why we do not produce Bill Gates, Surge Brins, Zuckerburgs, and Steven Jobs of the world.

    Liked by 1 person

  10. હરેશભાઇઅે સરસ પ્રયત્ન કર્યો…વિજ્ઞાનને પ્રાઘાન્ય આપવા માટે. અને તેમણે અેક શબ્દ વાપર્યો….‘ શંકા ‘. વિજ્ઞાન…..વિશેષ જ્ઞાન મેળવવા માટે કોઇઅે શંકાશીલ થવાની જરુરત નથી….પરિતું ઇન્ક્વીઝીટીવ ( જીજ્ઞાસુ ) કે ક્યુરીઅસ ( કુતુહલ કરીને સવાલો પુછીને જ્ઞાન મેળવવું.)…મારે મતે ‘ શંકા‘ શબ્દ અસ્થાને છે.
    ભારતમાં ખાસ કરીને હિન્દુ ઘર્મના અનુયાયીઓ બાળકોને સવાલ પૂછવાની ના પાડે છે…અને સવાલ કરવા વિના ..જે કાંઇ કહેવાતા ઘર્મગ્રંથો કે સાઘુ કે કથાકાર કહે તે માની લેવા કહે છે. જ્યારે વેસ્ટર્ન વર્લડ બાળકોને કુતુહલ બનીને કાંઇ પણ માની લેવાની ના પાડે છે…જીજ્ઞાસુ બનીને સવાલ પૂછવાનું શીખવાડે છે….How ? , Why ? , What ? , Who ? , ભારતના છોકરાઓ અમેરિકામાં ભણતા છોકરાઓ જ્યારે ઘરમાં દાદા, દાદીને ઘર્મની વાર્તાઓ માટે સવાલ પૂછે છે ત્યારે દાદા, દાદી….કહે છે કે , દિકરા કે દિકરી…ભગવાનની વાતમાં શંકા ના કરાય…પાપ લાગે…અને જ્યારે છોકરું પૂછે કે દાદા, પાપ લાગે અેટલે શું ?….દાદા કહેશે….જો હવે તારું લેશન કર…ભગવાનમાં શંકા કરશે તો નરકમાં જશે અને છોકરું પૂછશે કે દાદી, આ નરક શું છે ત્યારે દાદી કહેશે…ઓ ભગવાન તું આ છોકરાઓને માફ કરજે કારણ કે તેઓ નથી જાણતાં કે તેઓ શું કરી રહ્યા છે………
    ફક્ત બાળકો જ નહિ પરંતુ. તેમના દાદા, દાદી, નાના, નાની…..અને મા, બાપે પણ….Curious and Inquisitive બનવાની જરુરત છે.
    વિજ્ઞાનની દરેક નવી શોઘ માટે અેટલીસ્ટ ‘ અે તો ભગવાનના આશીર્વાદ છે….ના ગણાવે…..
    ‘ પ્રભુ ઇચ્છા વિના આ પૃથ્વિ ઉપર અેક પાંદડું પણ ખસતું નથી.‘…….????????
    જે….જે……
    ભગવાન તમારું ભલું કરે…….
    ?????????????????????????????????????????

    અમૃત હઝારી.

    Liked by 1 person

  11. બીજુ……
    આર્ટીકલ લખાયો છે..‘ પ્રગતીનો પાયો : શંકા…. અને
    લેખમા. અેક વાક્ય લખ્યુ ંે…‘ વીકાસ કરવા માટે શંકા જ ઉપયોગી છે. ‘….????
    શક કે શંકા ને માટે બીજો શબ્દ જે વપરાય છે તે છે…વહેમ અથવા ડાઉટ કે સસપીશન…
    શંકા : સંદેહ, વહેમી માન્યતા, કુદરતી હાજત, શંકિત, શંકાશીલ, વિ….
    હું ભૂલ શોઘવા આ કોમેંટ નથી લખતો પરંતુ જે કાંઇ કહેવું છે તેને વાચક સુઘી ખરા અર્થમાં પહોંચાડવા માટે શબ્દોપયોગ માટે લખું છું.
    ખોટુ ન લગાડો તે વિનંતિ છે.
    આભાર,
    અમૃત હઝારી.

    Liked by 1 person

  12. શંકા પર શ્રધ્ધા રાખવાથી વૈજ્ઞાનીકોએ મોટી શોધો કરી છે એ વાત સત્ય છે.
    શ્રધ્ધા રાખવી એ ખોટુ નથી પણ અંધ શ્રધ્ધા રાખવી એ ખોટું છે.

    Liked by 1 person

  13. Reblogged this on and commented:
    શ્રી હરેશભાઈના આ સુંદર લેખને મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. ધન્યવાદ અને આભાર !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘પ્રગતીનો પાયો : શંકા…!’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

Leave a comment