અદ્ ભુત અરીસો!

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

અદ્ ભુત અરીસો!

–રમેશ સવાણી, I.G.P.

 “અબ્દુલભાઈ! મારા ઘરમાં ચોરી થઈ છે. કોઈ ચોર ઘરમાંથી પચાસ હજાર લઈ ગયો છે. પોલીસમાં ફરીયાદ કરી પણ પોલીસ પણ ચોર શોધી શકી નથી. મારા પૈસા કયારે પરત મળશે?”

“સરોજબહેન! તમે ચીંતા છોડો. આ સંગીતા ચોરને શોધી કાઢશે!”

“અબ્દુલભાઈ! સંગીતા તો નાની છોકરી છે. બાળક કહેવાય! એ કઈ રીતે ચોરનું પગેરું મેળવી શકે?”

“સરોજબહેન! સંગીતાએ અગાઉ કેટલાય ચોરોની માહીતી આપી છે! થોડાં સમય પહેલાં પોલીસ કમીશનર ઓફીસમાંથી બે પોલીસ અધીકારી આવ્યા હતા. તેઓ ઘરફોડીયાને શોધતાં હતા પણ એનું પગેરું મળતું ન હતું. સંગીતાએ તરત જ ઘરફોડીયાના નામ–ઠેકાણાં કહી દીધાં!”

સરોજબહેનના ચહેરા ઉપર આશાનું કીરણ ફરી વળ્યું. અબ્દુલ કાદર શેખે (ઉમ્મર : 50) સંગીતાને કહ્યું : “બેટી સંગીતા! આ સરોજબહેનના ઘરમાંથી ચોરી કરનાર કોણ છે? હાલએ કઈ જગ્યાએ છે?”

સંગીતાએ અરીસામાં જોઈને કહ્યું : “ચોર દેખાય છે! પાંચ ફુટ ઉંચાઈ છે. શરીરનો રંગ કાળો છે!”

સરોજબહેન સંગીતાને થોડીવાર તાકી રહ્યાં, પછી પુછયું : “સંગીતા! મને તો અરીસામાં કંઈ દેખાતું નથી. તને કઈ રીતે દેખાય છે?”

“સરોજબહેન! આ અરીસો ચમત્કારીક છે. અબ્દુલચાચા છ મહીના પહેલાં અજમેરથી લાવ્યા છે. આ અરીસામાં બીજા કોઈને કંઈ દેખાતું નથી. અબ્દુલચાચાને પણ કંઈ દેખાતું નથી. માત્ર મને જ બધું દેખાય છે!”

“સંગીતા! ચોરનું નામ શું છે? હાલએ કઈ જગ્યાએ છે?”

“સરોજબહેન, ચોરનું નામ છગન છાટકો છે. એની ઉમ્મર પચ્ચીસ વર્ષની છે. હાલ તે કામરેજ ચાર રસ્તાએ ઉભો છે. તેના ખીસ્સામાં ચાલીસ હજાર છે! તેણે કાળું પેન્ટ અને કાળો શર્ટ પહેરેલો છે! સરોજબહેન તમે તાત્કાલીક કામરેજ ચાર રસ્તા પર પહોંચો! ચોર ત્યાં બે કલાક રોકાવાનો છે!”

સરોજબહેન તરત જ રીક્ષામાં બેસી કામરેજ ચોકડી તરફ રવાના થયા.

પછી મીનાબહેન, દક્ષાબહેન, સમજુબહેન, યાસ્મીનબહેન, સતારભાઈ, પરેશભાઈ, ભુપતભાઈ, શંકરભાઈ, ગુલાબભાઈ વગેરેએ સંગીતાને પ્રશ્નો પુછયા. સંગીતાએ અરીસામાં જોઈને જવાબો આપ્યા! કોઈએ એક પ્રશ્ન પુછયો, તો કોઈએ પન્દર પ્રશ્નો પુછયા. પ્રશ્નદીઠ એકતાલીસ રુપીયા અરીસા પાસે  મુકવાની પ્રથા હતી. છેલ્લા પાંચ મહીનાથી અરીસા પાસે રુપીયાનો ઢગલો થતો હતો! સુરત શહેરમાં જ નહીં; પણ દુરદુર સુધી અદ્ ભુત અરીસાની ચર્ચાએ જોર પક્ડ્યું. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો અબ્દુલભાઈના ઘેર આવવા લાગ્યા. સુરતના રુદરપુરા વીસ્તારમાં, બોમ્બે કોલોનીમાં પોતાના પરીવાર સાથે અબ્દુલ શેખ રહેતા હતા. બાજુમાં બચુભાઈ શર્મા રહેતા હતા. સંગીતા (ઉમ્મર : 11) બચુભાઈની દીકરી. અબ્દુલભાઈનો અરીસો અને તેમાં માત્ર સંગીતાને ખોવાયેલ વસ્તુઓ, ખોવાયેલ વ્યક્તીઓ દેખાતી હતી, એનું અચરજ સૌને થતું હતું!

તારીખ 03 ફેબ્રુઆરી, 2002ને રવીવાર. બપોરના 12:30 થયા હતા. અબ્દુલભાઈના ઘેર એક બહેન આવ્યા. અબ્દુલભાઈએ પુછયું : “બહેન, તમારું નામ?”

“મારું નામ ઝહોરાબહેન સાયકલવાળા છે!”

“શું સમસ્યા છે? આ સંગીતા અરીસામાં જોઈને સચોટ જવાબ આપશે!”

ઝહોરાબેને સંગીતા તફર જોયું. સંગીતાનો નીર્દોષ ચહેરો મરક–મરક હસતો હતો. ઝહોરાબેને પુછયું : “સંગીતા! મારી સમસ્યા જુદી છે!”

“જે હોય તે કહો. આ અરીસો અદ્ભુત છે. જે કંઈ પુછવું હોય તે પુછો તેનો ઉકેલ તે બતાવે છે!”

“સંગીતા, મારા પતીનું નામ ફીરોઝ છે. સાલો દારુડીયો છે! મને મારઝુડ કરે છે! આ મારઝુડ બન્ધ થઈ જાય એવી કોઈ તરકીબ છે?”

સંગીતા ગમ્ભીર બની અરીસાને તાકી રહી. તેના ચહેરા ઉપર હાવભાવ ફરતા રહ્યા. થોડીવારે સંગીતાએ કહ્યું : “જુઓ, ઝહોરાબહેન, ઉપાય સાવ સરળ છે. રસ્તા ઉપર હોય તેવી કોઈપણ દરગાહ ઉપર શુક્રવારે સફેદ ફુલ ચડાવશો તો મારઝુડ સાવ બન્ધ થઈ જશે!”

ઝહોરાબહેન સંગીતાને તાકી રહ્યા, પછી પુછ્યું : “સંગીતા! તારી આટલી નાની ઉમ્મરમાં તને આવું બધું કોણે શીખવ્યું છે?”

“કોઈએ મને શીખવ્યું નથી. આ તો અરીસાની કમાલ છે. મારી દૃષ્ટી અરીસા ઉપર પડે એટલે મને દેખાય છે!”

ઝહોરાબહેન વધુ પ્રશ્નો પુછવા માંગતા હતા પણ અબ્દુલભાઈએ તેમને રોક્યા અને કહ્યું : “ઝહોરાબહેન, બીજા પ્રશ્નો માટે આવતા રવીવારે આવજો. આજે ભીડ વધુ છે. બીજાનો વારો આવવા દો!”

“અબ્દુલભાઈ! હું કલાકથી બેઠો છું. હવે મારો વારો!” ગુણવંતભાઈ ચૌધરી વચ્ચે બોલી ઉઠયા.

“ગુણવંતભાઈ, બોલો તમારી સમસ્યા શું છે? “અબ્દુલભાઈએ સૌને શાંત રહેવા ઈશારો કર્યો. છ–સાત માણસો સંગીતાને તાકી રહ્યા હતા.

ગુણવંતભાઈએ સંગીતાના માથા ઉપર હાથ મુકીને પુછયું : “દીકરી સંગીતા! મારી વીસ વરસની દીકરી પાયલ છેલ્લા ચાર દીવસથી ઘેર આવી નથી. 17 ફેબ્રુઆરીના રોજ પાયલના મેરેજ છે. હું કોઈને મોઢું દેખાડી શકું તેમ નથી! પાયલ કયાં છે? કોની સાથે છે?”

સંગીતા અરીસાને તાકીને કહ્યું : “ગુણવંતકાકા! ચીંતાનો વીષય છે. પાયલ બહુ જ દુઃખી છે. રડે છે!”

“સંગીતા, મને વીશ્વાસ છે કે પાયલ કયારેય રડે નહીં! સંગીતા, તને ઝાખું તો દેખાતું નથી ને? અરીસા ઉપર કપડું ફેરવ. કદાચ સ્પષ્ટ દેખાય!”

સંગીતાએ અરીસા ઉપર કપડું ફેરવી સફાઈ કરી, પછી કહ્યું : “ગુણવંતકાકા, પાયલ બહુ જ રડે છે! એનો અવાજ મને સંભળાય છે! એની બાજુમાં પાંચ ફુટ ઉંચો યુવાન છે. યુવાન શરીરે કાળો છે. તેણે જાંબલી કલરનો શર્ટ પહેર્યો છે. સુરતના રેલવે સ્ટેશને બન્ને બેઠાં છે. મુમ્બઈ જવાની તૈયારીમાં છે! પાયલ ઘેર પરત ફરે તેવું તમે ઈચ્છતા હો તો હાલ નવસારી પહોંચો. મેઈન બજારમાં દરગાહ છે, ત્યાં કાળો દોરો ચડાવો, એક કાળો દોરો તમારા જમણા કાંડે બાંધજો, પાયલ દોડતી–દોડતી ઘરે પરત આવી જશે!’’

એ સમયે, સમસ્યા લઈને આવનારાઓમાં મધુભાઈ કાકડીયા પણ હતા, તેમણે કહ્યું : અબ્દુલભાઈ, આ અરીસો ખરેખર ચમત્કારીક છે! મને પણ અરીસામાં ઘણું બધું દેખાય છે!

“મધુભાઈ! તમને તમારું પ્રતીબીમ્બ દેખાતું હશે!”

અબ્દુલભાઈ! મને તો આ અરીસામાં તમારા તરકટનું પગેરું દેખાય છે! તમે પાડોશીની દીકરીને પૈસા આપીને, એના ભોળપણનો લાભ લઈને તમે ધતીંગ શરુ કરેલા છે. શ્રદ્ધાળુ લોકોને લુંટવાનું બન્ધ કરો!”

“મધુભાઈ! વીચારીને બોલો. હું લોકોને આમન્ત્રણ આપતો નથી. સંગીતા જે કહે છે, તે સાચું છે! એને અરીસામાં જે દેખાય છે તે કહે છે!”

અબ્દુલભાઈ, સંગીતાને અરીસામાં કંઈ જ દેખાતું નથી. તમે જે શીખવ્યું છે તે સંગીતા બોલે છે! અરીસો કે સંગીતાની દૃષ્ટી ચમત્કારીક નથી! મારા ખીસ્સામાં સો રુપીયાની નોટ છે, તેના નંબર સંગીતા અરીસામાં જોઈને કહી દે તો તમારા અને સંગીતાના પગ ધોઈને, ચરણામૃત પીશ! બોલો છે તૈયારી?”

અબ્દુલભાઈ અને સંગીતા, મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234)ને તાકી રહ્યા. પછી બન્નેને પરસેવો વળવા લાગ્યો. મધુભાઈએ કહ્યું : “અબ્દુલભાઈ, આ ઝહોરાબહેન સાયકલવાળા(સેલફોન : 98257 05365), ગુણવંતભાઈ ચૌધરી(સેલફોન : 98251 46374), એડવોકેટ જગદીશભાઈ વક્તાણા(સેલફોન : 94261 15792), એડવોકેટ/નોટરી ભરતભાઈ શર્મા(સેલફોન : 98257 10011), અને મારી સાથેના કાર્યકરો ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છે. અમારું કામ, તરકટનો પર્દાફાશ કરવાનું છે. સરોજબેને સત્યશોધક સભા સમક્ષ ફરીયાદ કરી હતી એટલે અમે સૌ અહીં આવ્યા છીએ! તમે આ કુમળી છોકરીને અવળા રવાડે શા માટે ચડાવો છો?”

અબ્દુલભાઈએ હાથ જોડયા. ઝહોરાબહેન સાયકલવાળાએ કહ્યું : “અબ્દુલભાઈ, મેં લગ્ન જ નથી કર્યા! મારઝુડનો પ્રશ્ન જ નથી. વળી આ ગુણવંતભાઈ ચૌધરીને પાયલ નામની કોઈ દીકરી જ નથી! અદ્ ભુત અરીસો આવો હોય? આવું તુત તમને કઈ રીતે સુઝયું?”

ઝહોરાબહેન! મને માફ કરો. આ તુત આજથી બન્ધ કરું છું. લેખીત ખાતરી આપું! પૈસાની લાલચમાં આવીને મેં સંગીતાને કેવા પ્રશ્નોમાં શું બોલવું તે શીખવ્યું હતું! પ્રશ્નદીઠ 41/- રુપીયા હું લેતો હતો અને તેમાંથી પ્રશ્નદીઠ દસ રુપીયા સંગીતાને આપતો હતો!

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(01, માર્ચ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

16 Comments

  1. बहुत ही अच्छा और समाज उपयोगी काम कर रहे है सत्यशोधक मण्डल के साथी। उन सबको और मारुजीको अभिनंदन और सादर प्रणाम।
    हमारे पास अगर ऐसी कोई जानकारी आती है तो हैम आपको अवश्य जानकारी देंगे।
    अंधश्रद्धा निर्मूलन के कार्यके लिए शुभकामनाएं।

    Liked by 2 people

  2. પ્લાસ્ટિકની કોબીજ કોણ આયાત કરે છે? આ સવાલનો જવાબ અબ્દુલભાઇ આપે તો ખરા.

    Liked by 1 person

  3. સત્યશોઘક સંસ્થાના કાર્ય માટે મને આનંદ છે. તેમણે સુંદર કર્મ કરીને અેક દાખલો બેસાડયો છે. આપણા ભારતીય સમાજમાં ….આખા દેશમાં અેવા લોકો છે જેઓ પોતાની શ્રઘ્ઘા (?)ના વહેણમાં વહી જતા હોય છે. નાગપંચમી આવી….લોકોઅે દૂઘ પાયુ. (?) નાગે પીઘુ.(?) ઘણી સ્ત્રીઓઅે શીવના લીંગને દૂઘથી ઘોઇને તેની ફરતે વીટળાયેલા નાગની પૂજા કરી…….કરંડીયામાં નાગને લઇને બેઠેલાના નાગની પૂજા કરી નાગને દૂઘ પાયુ.નાગે પીઘુ.(?) ઘરનાં બાળકોના ભાગનું કદાચ તે દૂઘ હશે.
    વરસો પહેલાં સંત કબીર ( ૧૩૯૮ થી ૧૪૪૦ ) આ નાગપંચમીના વિષયે કહી ગયેલાં કે , ‘ માટી કા અેક નાગ બનાકે પુજે લોગ લુગાયા !
    જીંદા નાગ જબ ઘરમેં નિકલે, લે લાઠી ઘમકાયા !!
    જીંદા બાપ કોઇ ના પૂજે, મરે બાદ પુજવાયા !
    મુઠઠી ભર ચાવલ લેકે, કૌવે કો બાપ બનાયા !!
    અને
    નરસિંહ મહેતા કહી ગયેલા કે, ‘ અે સહુ પ્રપંચ પેટ ભરવા તણા….‘
    પરંતું છેલ્લે તો….પાણી વલોવવાનું કર્મ જ સાબિત થાય છે…..
    આજે મેં નાગપંચમીના તહેવારે ભારતનાં મંદિરોમાં યુવાનોને પૂજા પાઠ કરતાં જોયા..
    .ટી વી માં જોયા…….જય નાગદેવતા………
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. સત્યશોધકો આવા ડિંડવાણાઓને પકડે એ સરસ છ. પરંતુ મંદિરોમાં ચાલતાં ધતિંગોને પકડવા તેઓ શું કરે છે!?
    કે પછી મંદિરોનાં ધતિંગોને તેઓ માન્ય રાખે છે!?

    Like

  5. પણ જે સવાલના જવાબ સાચા પડ્યા તેનું શું? કે કોઈ જવાબ સાચા પડ્યા જ નથી? મેં તો કોઈ સવાલના જવાબ સાચા પડ્યા હોય તેવું સાંભળ્યું નથી.

    Liked by 1 person

  6. સત્ય શોધક સભા ખૂબ જોરદાર કામ કરે છે તેમને ધન્યવાદ

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      ‘‘અદ્ ભુત અરીસો!’’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  7. આદ. ગોવિંદભાઈ,
    મારે એક સમસ્યા થઈ છે. ખરેખર તો મારે મારા ‘માનવધર્મ’ બ્લોગ ઉપર આ આર્ટિકલ રીબ્લોગ કરવાનો હતો, પૂરતું ભૂલથી ‘William’s Tales’ ઉપર પ્રસિદ્ધ થઈ ગયો હતો. હવે તેને ત્યાંથી Delete કર્યા પછી ‘માનવધર્મ’ ઉપર પોસ્ટ થતો નથી. હવે મને લાગે છે કે મારે કોપી-પેસ્ટ કરીને તેને ત્યાં મૂકવો પડશે. આપના ત્યાંથી જ રીબ્લોગ થાય તેવો કોઈ માર્ગ ખરો?

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      નમસ્કાર..
      મારી સમજણ મુજબ વર્ડપ્રેસની સાઈટ પર આપશ્રી લોગ ઈન થાઓ.. બાજુમાં નવી ટેબ [કન્ટ્રોલ(Ctrl) + ટી(T)] ખોલીને ‘અદ્ ભુત અરીસો!’ લેખની ( https://govindmaru.wordpress.com/2017/07/28/igp-7/ ) પેસ્ટ કરો; ત્યાર પછી ‘અદ્ ભુત અરીસો!’ લેખને ‘માનવધર્મ’ બ્લોગ પર રીબ્લોગ કરશો તો જરુર સફળતા મળશે. જો તેમેય સફળતા ન મળે તો આખેઆખી વર્ડ કોપી–પેસ્ટ કરીને ‘અભીવ્યક્તી’ બ્લોગ ( https://govindmaru.wordpress.com/2017/07/28/igp-7/ )પરથી લેખ લીધો હોવાની માહીતી દર્શાવવા વીનન્તી છે.

      Like

  8. Govindbhai, You r doing wonderful work of awaikening people from blind faith. Such stories should be published in newspaper so it can reach to mass. This is a slow process of transformation, it will take time but will have certainly a tremendous effect.

    Liked by 1 person

  9. સત્યશોધકો સીવાયનાઓના સવાલોના જવાબો મળ્યા તે સાચા નહીં જ હોય છતાં એ જવાબો મેળવનારાઓમાંના કોઈએ આમાં ભાગ લેવો રહ્યો…..એ લોકો ગભરાઈને આગળ ન આવ્યા હોય તેવું બને…..સરસ પ્રસંગ.

    Liked by 1 person

Leave a comment