ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

07

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

–બી. એમ. દવે

[ગત અંક : 06 ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8/ )ના અનુસન્ધાનમાં..]

તારીખ : 12 ફેબ્રુઆરી, 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા મુળશંકર અંબાશંકર ત્રીવેદી નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત ભ્રમ ભાંગી ગયો. તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો ભ્રમ ભાંગી ગયો.

આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક મહર્ષી દયાનન્દ સરસ્વતી તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલીત અને સ્વીકાર્ય એવી મુર્તીપુજા અને બહુદેવવાદનો છેદ ઉડાડી દીધો હતો અને પ્રખ્યાત પુસ્તક ‘સત્યાર્થપ્રકાશ’ની રચના કરી હતી. એ સમયમાં રુઢીવાદી વીચારધારા સામે આવી વૈચારીક બગાવત કરવાથી ઘણાં સ્થાપીત હીતોનાં પેટમાં તેલ રેડાયું હતું અને ખોરાકી ઝેરની અસરથી તેમનું શંકાસ્પદ મરણ થયું હતું.

બાળક મુળશંકરની જેમ બીજાનો ભ્રમ ન ભાંગી જાય તેની ઘણી તકેદારી ધર્મના કહેવાતા રખેવાળો લેતા આવ્યા છે અને મહદંશે તેમાં સફળ પણ થયા છે. રુઢીગત માન્યતા મુજબનો ભ્રમ જળવાઈ રહે તેમાં દરેક ધર્મના રખેવાળોને તો રસ હોય જ છે અને શ્રદ્ધાળુઓને દોડવું હોય અને ઢાળ મળી જાય તેવી અનુકુળતા થઈ જાય છે. બન્ને પક્ષે ભ્રમને પંપાળવાનું વ્યવસ્થીત આયોજન સદીઓથી ચાલ્યું આવે છે. જો ક્રાંતીકારી વીચારોથી ભ્રમ ભાંગી જાય તો બન્ને પક્ષે ગેરફાયદો થવાની શક્યતા રહેલી હોય છે. ધર્મના રખેવાળો ને ભક્તોનો ભ્રમ ભાંગી જાય તો તેટલાં ઘેટાં–બકરાં તેમના ધર્મના વાડામાંથી ઓછા થઈ જવાની બીક લાગતી હોય છે. ભક્તોનો ભ્રમ ભાંગી ગયા પછી ધાર્મીકતાની શુગર–કોટેડ ટૅબ્લેટ ઉપરથી ખાંડનું પડ ઉખડી જાય છે, ત્યારે કડવાશરુપી વાસ્તવીક પરીસ્થીતીનો સામનો કરવાનું અસહ્ય બની જાય તેમ હોય છે; તેથી ભ્રમરુપી શુગર–કોટેડ ટૅબ્લેટ જ ગળી જવાનું વલણ અપનાવવામાં આવે છે.

સર્વસ્વીકૃત શાસ્ત્રોક્ત સીદ્ધાંતોની ઉપરવટ જઈ પોતાની મનપસન્દ માન્યતાઓને ભ્રમનું મહોરું પહેરાવી, આભાસી સલામતીનો આનન્દ માણવાની વ્યુહરચના સમજીએ, આ હેતુ માટે આપણને બધાને જોવા મળતી ચેષ્ટાઓનું પૃથક્કરણ કરીએ અને આવી ચેષ્ટાઓ પાછળ રહેલાં બેવડાં ધોરણોનો પર્દાફાશ કરીએ.

આ દીશામાં આગળ વધતા પહેલાં સર્વપ્રથમ ધર્મના હાર્દ તરીકે બુલન્દ અવાજે કહેવાયેલ અને શ્રદ્ધાળુઓ દ્વારા સ્વીકારાયેલ બાબતો ઉપર એક નજર કરી લઈએ :

(1)     વ્યક્તીનાં સુખ અને દુ:ખ તેમ જ જન્મ અને મરણ તેનાં કર્મફળ ઉપર આધારીત હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારના ઈશ્વરીય હસ્તક્ષેપને અવકાશ નથી. શ્રીરામનો વનવાસ તથા શ્રીકૃષ્ણનો પારધીના બાણથી દેહત્યાગ એ બન્ને આ સીદ્ધાંતના સમર્થનના સચોટ ઉદાહરણ ગણાવાય છે.

(2)     પાપ અને પુણ્ય બન્નેનાં અલગઅલગ ફળ ભોગવવાનાં રહે છે. પુણ્યકર્મથી પાપકર્મ સરભર થતું નથી.

(3)     ઈશ્વર કોઈના ઉપર કૃપા કે મહેરબાની કરતા નથી અને તેથી જ તેમના પરમ ભક્તો પણ કર્મફળના કારણે ઘણી વાર ખુબ દુ:ખી દેખાય છે. ઈશ્વર સાક્ષીભાવે તટસ્થ રીતે બધું નીહાળે છે તેવું વેદોમાં પણ કહેવાયું છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં પણ આ વાત ગાઈ–વગાડીને કહેવામાં આવી છે.

ઉપરોક્ત સર્વસ્વીકૃત હકીકતોનો સ્વીકાર કર્યા પછી પણ કોઈ વ્યક્તી તેની સાથે સુસંગત ન હોય તેવી વીરોધી માનસીકતા દાખવે તો તેને બેવડાં ધોરણ દ્વારા પંપાળીને પોષેલો ભ્રમ જ કહી શકાય ને?

વાચકમીત્રો! આપણે આવાં બેવડાં વલણ દ્વારા આચરવામાં આવતી કેટલીક ચેષ્ટાઓને ચકાસીએ :

  1.      સુવર્ણાક્ષરે કોતરાયેલ પંક્તી ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ બધા જ શ્રદ્ધાળુને કબુલ છે. મહર્ષી વસીષ્ઠ દ્વારા જોવામાં આવેલ શુભ મુહર્ત પછી પણ જો અવતારી પુરુષ શ્રીરામ સાથે આવી ઘટના ઘટી શકતી હોય, તો આપણા જેવા પામર મનુષ્યો દ્વારા પ્રત્યેક શુભ કાર્યો માટે જોવામાં આવતાં મુહુર્તોનું ઔચીત્ય કેટલું? શુભ મુહર્ત જોયા પછી પણ ભયંકર અઘટીત ઘટનાઓ ઘટતી આપણે સૌ જોઈએ છીએ, તેમ છતાં મુહુર્તના ભ્રમમાંથી બહાર નીકળવાની હીમ્મ્ત કેળવાતી નથી; કારણ કે કાલ્પનીક સલામતીનું આશ્વાસન રહે છે. આ એક મસમોટો ભ્રમ જ છે ને?

  2.      યાત્રાએ જતાં યાત્રાળુઓનાં થતાં કમોત, ધરતીકમ્પ, સુનામી અને પુર જેવી કુદરતી આફતોમાં થતાં હજારોનાં મૃત્યુ તેમ જ ભુખમરાથી થતાં મોત જેવી ઘટનાઓ અંગે શ્રદ્ધાળુઓ ઈશ્વરીય તત્ત્વની વકીલાત કરતાં કહે છે કે આવી ઘટનાઓ કર્મફળ પર આધારીત પુર્વનીશ્ચીત હોય છે.

કોઈ પણ વ્યક્તીના કોઈ પણ પ્રકારનાં મૃત્યુ માટે ઈશ્વરની કોઈ ઈચ્છા કે ભુમીકા હોતી જ નથી, એટલે કોઈ પણ મનુષ્યના મૃત્યુ માટે ઈશ્વરને જવાબદાર ગણવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. હવે આવું કહેનાર શ્રદ્ધાળુઓ તેમનાં સ્નેહીજનો ગુજરી જાય ત્યારે શ્રદ્ધાંજલીમાં એવું છપાવે છે કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું’. મૃત્યુની ઘટના અંગે ઈશ્વરની કોઈ ઈચ્છા કે અનીચ્છા હોતી જ નથી તેવું કહેનાર અહીં પ્રભુને ગમવાની વાત વચ્ચે કેમ લાવે છે? એમ પણ કહેવાય છે કે ફલાણા કે ફલાણીને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા અને તેમનાં ચરણોમાં ચીર શાંતી આપશે. એક બાજુ એમ કહેવાનું કે મૃત્યુ માટે ઈશ્વરને ક્યાંય વચ્ચે લાવી શકાય નહીં અને બીજી બાજુ આશ્વાસન મેળવવા ઈશ્વરને વચ્ચે લાવીને ભ્રમ સેવવાનો મતલબ શો? આવાં બેવડાં ધોરણો આઘાતને પચાવવાનો બાલીશ પ્રયાસ ગણી શકાય અને ઈરાદાપુર્વક સેવવામાં આવેલો ભ્રમ ગણાય.

  1.      ગુરુજનો ગાઈ–વગાડીને કહે છે કે કોઈની ‘પાંચમની છઠ’ થતી નથી, અર્થાત્ જન્મતાંની સાથે જ મૃત્યુનાં પ્રકાર, સમય અને સ્થળ પુર્વ–નીશ્ચીત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તીના આયુષ્યમાં કોઈ પણ રીતે ફેરફારને અવકાશ જ નથી, તો બીજી તરફ બેવડું વલણ અપનાવીને ગુરુજનો અને વડીલો આશીર્વાદ આપતાં કાયમ કહે છે : ‘ભગવાન તમને સો વર્ષના કરે!’ કોઈના જન્મદીવસની શુભેચ્છામાં કહેવાય છે : ભગવાન આપને તન્દુરસ્ત અને લાંબું આયુષ્ય આપે.’ મહીલાઓને તો કાયમ ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદનો વરસાદ વરસતો હોય છે. એક બાજુ કોઈની પાંચમની છઠ નથી તેમ સ્વીકારવું અને બીજી બાજુ આવા આશીર્વાદ આપવાની ઔપચારીકતા કરવાની માનસીકતા શું દર્શાવે છે? આવા ભ્રમ સાથે જીવવાનું એકમાત્ર પ્રયોજન મૃત્યુના ભય સામે સુરક્ષાની કાલ્પનીક લાગણી અનુભવી રાહત મેળવવાનો છે.

  2.      ભાગ્યની વાત વટાવી ખાવાની માનસીકતા પણ ભ્રમનો એક પ્રકાર છે. મોટા ભાગના માણસો જીન્દગીની તમામ નાનીમોટી બાબતોને ભાગ્ય સાથે જોડી દે છે અને ‘આમ લખ્યું હશે’ અથવા ‘આમ નહીં લખ્યું હોય’ તેમ માની મન મનાવવા કોશીશ કરતા જ રહે છે. થોડી વાર શાંત અને સ્વસ્થ ચીત્તે વીચારીએ તો પણ આ ભ્રમ ભાંગી જાય. દુનીયાની લગભગ સાત અબજની વસ્તીના સમગ્ર જીવનની ક્ષણેક્ષણની તમામ ગતીવીધીઓની સ્ક્રીપ્ટ ક્યાંક અગાઉથી લખાયેલી હોય અને તે મુજબ બની રહ્યું હોય તેવી વાત ગળે ઉતારવા મગજ ઉપર અમાનુષી અત્યાચાર કરવો પડે તેમ છે. મજાની વાત એ છે કે આવી તમામ બાબતોને પણ એક ત્રાજવે તોળવામાં આવતી નથી.

એક ઉદાહરણની મદદથી મારા ખ્યાલો સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું :

મગનભાઈને અગત્યના ધંધાકીય કામસર બહારગામ જવાનું હોવાથી બસની રીઝર્વેશન ટીકીટ બુક કરાવે છે. છગનભાઈને પણ તે જ દીવસે તે જ જગ્યાએ જવાનું હોય છે; પરન્તુ બસ ફુલ થઈ જતાં ટીકીટ મળતી નથી, એટલે નીરાશ થાય છે અને પ્રાર્થના કરે છે : ‘‘હે ભગવાન! મને પણ ટીકીટ મળી જાય તો મારું કામ થઈ જાય! દયા કરજો, પ્રભુ!’’

પ્રવાસના આગલા દીવસે યોગાનુયોગ મગનભાઈ અચાનક બીમાર પડી જાય છે અને પ્રવાસ રદ કરવો પડે છે. તેમની ટીકીટ કૅન્સલ કરાવે છે. આ કૅન્સલ થયેલી ટીકીટનો લાભ છગનભાઈને મળી જાય છે અને તેઓ ખુશ થઈ જાય છે અને શ્રદ્ધાળુ હોવાથી ભગવાનનો આભાર માનતાં કહે છે : ‘‘હે પ્રભુ! તમે મારી પ્રાર્થના સાંભળી ખરી!’’

હવે આ બસમાં મગનભાઈની કૅન્સલ થયેલી ટીકીટ ઉપર ફાળવવામાં આવેલ સીટ ઉપર છગનભાઈ ખુશ થતાં–થતાં મુસાફરી કરે છે અને આ બાજુ મગનભાઈ પોતાના નસીબને દોષ દેતા સમસમીને બેસી રહે છે.

હવે મુસાફરી દરમીયાન બસને ગમખ્વાર અકસ્માત નડે છે, જેમાં પાંચ મુસાફરોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થાય છે. આ પાંચ માણસોમાં છગનભાઈનો સમાવેશ પણ થાય છે. હવે બદલેલી પરીસ્થીતીમાં મગનભાઈ અને છગનભાઈ બસની જેમ જ પલટી મારી દેશે અને બન્નેનાં સ્ટૅન્ડ બદલાઈ જશે. પ્રવાસ રદ થવાથી નારાજ થયેલા અને પોતાના નસીબને કોસતા મગનભાઈ એમ કહેશે : ‘‘હે પ્રભુ! તારી લીલા અકળ છે! બીમારીનું નીમીત્ત બનાવી મને અકસ્માતમાંથી ઉગારી લીધો! તારી કરુણાનો કોઈ પાર નથી!’’ આ બાજુ છગનભાઈનો પરીવાર, જે છેલ્લી ઘડીએ ટીકીટ મળી જવાથી ભગવાનનો આભાર માનતો હતો તે પલટી મારીને દોષનો ટોપલો નસીબ પર ઢોળીને કહેશે : ‘‘જે લખ્યું હોય તે મીથ્યા થતું જ નથી. આ પ્રમાણે આપણાં નસીબમાં લખ્યું હશે.’’ એમ કહીને ભગવાનને ક્લીન ચીટ આપીને, ચીત્રમાંથી ભગવાનને હટાવી દેશે.

વાચકમીત્રો! કોઈની પાંચમની છઠ થતી નથી તેવી હકીકતનો સ્વીકાર કર્યા પછી પણ શ્રદ્ધાળુઓની અડુકીયા–દડુકીયાની જેમ પોતાનું સ્ટૅન્ડ બદલતા રહેવાની માનસીકતા સ્પષ્ટપણે સાબીત કરે છે કે નક્કર વાસ્તવીકતાનો સ્વીકાર કરવાને બદલે મનને આશ્વવાસન અને સમાધાન મળી રહે તેવા ભ્રમમાં રાચવાનું વધુ ગમે છે. આ કીસસામાં મગનભાઈને બીમારીનાં કારણોસર પ્રવાસ રદ કરવો પડે છે ત્યારે ઈશ્વરને વચ્ચે લાવતા નથી અને પોતાના નસીબને દોષ આપે છે; જ્યારે પ્રવાસ રદ થવાથી બચી જાય છે ત્યારે તેનો યશ નસીબને આપવાને બદલે ઈશ્વરને આપે છે. છગનભાઈને છેલ્લી ઘડીએ ટીકીટ મળે છે ત્યારે તેનો યશ નસીબને આપવાને બદલે ઈશ્વરનો આભાર માને છે અને અકસ્માતમાં મૃત્યુ થાય છે ત્યારે તેનો અપયશ ઈશ્વરને આપવાને બદલે નસીબને આપે છે. આવાં બેવડાં ધોરણો કઈ માનસીકતા છતી કરે છે તે નક્કી કરવાનું સુજ્ઞ વાચકો ઉપર છોડી દઉં છું.

  1.     કળીયુગના શુકદેવજી તરીકે પ્રતીષ્ઠા પામેલા મહાન કથાકાર શ્રી. ડોંગરેજી મહારાજને જીભનું કૅન્સર થયું હતું. જે જીભથી આખી જીન્દગી ઈશ્વરનું નામ લીધું એ જીભે આવા મહાન પ્રભુભક્તને કૅન્સર કેવી રીતે થઈ શકે? શ્રદ્ધાળુઓનો જવાબ હોય છે કે પુર્વજન્મનાં કર્મફળ ભોગવવામાંથી ભગવાનના ગમે તેટલા મહાન ભક્તને પણ મુક્તી મળી શકે નહીં, તો પછી પ્રશ્ન થવો જોઈએ કે આપણા જેવા સાધારણ અને પામર મનુષ્યને તો કોઈ દુ:ખ–દર્દમાંથી મુક્તી મળવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી, તેમ છતાં જાતજાતની પ્રાર્થના અને બાધા–માનતા માનવાનું ભુત કેમ ઉતરતું નથી? લાગે તો તીર નહીંતર થોથું એવી ગણતરી હશે? શ્રી. ડોંગરેજી મહારાજનું દૃષ્ટાંત ધ્યાને લીધા પછી નીચે મુજબનાં ભજનકીર્તન ભાવવીભોર થઈને લલકારવાનો મતલબ શો હશે?

મગજને થોડી તસ્દી આપી વીચારજો અને કાંઈ સમજાય તો સમજાવજો.

  1.  અપરમ્પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી રે!

  2.  ગુના અમારા લાખો હે રાજ, બાનાની પત રાખો.

  3.  મારી નાડ તમારે હાથ, હરી સંભાળજો રે!

  4.  શામાળા લેજો સંભાળ, હોડી મારી દરીયે ઝુલે છે!

પોતાની જાત સાથે છેતરપીંડી કરવા ભ્રમ ઉભો કરવાનો કેવડો મોટો કીમીયો માણસજાતે શોધી કાઢ્યો છે! આવા નુસખાઓથી મળતી ભ્રામક સાંત્વના અર્થહીન છે. આવો વાણીવીલાસ એ મૃગજળ પાછળ દોડવા જેવું હોવા છતાં એનેસ્થેશીયા જેવું અસરકારક હોઈ છુટી શકે તેમ નથી.

  1.      અપ્રામાણીકતા, ભ્રષ્ટાચાર, છેતરપીંડી અને અનીતી આચરીને શ્રીમન્ત બની જતા શ્રદ્ધાળુઓને આ પાપકર્મની સજા અંગે જાણકારી નહીં હોય? છતાં આઘાતજનક હકીકત એ છે કે આવા લોકો પાછા એમ કહે છે કે ઈશ્વરની કૃપાથી અને પુણ્યકર્મોનો ઉદય થવાથી ભાગ્ય ફળી રહ્યું છે. હરામની કમાણી કરીને ભગવાનના નામ પર ચડાવવાની નાલાયકીને પોતાની જાતને છેતરવા માટે ઉભો કરેલો ભ્રમ જ કહીશું ને?

        ઘણા શ્રદ્ધાળુ આવી હરામની કમાણીમાંથી પ્રાયશ્ચીત કરતા હોય તેમ થોડાંઘણાં દાનપુણ્ય પણ કરી નાખે છે અને કહે છે : ‘‘આપણને તો ભગવાનની દયા છે.’’ કાળાં કામરુપી બન્દુક ભગવાનના ખભા ઉપર રાખીને ફોડવાની અને પોતે નીર્દોષ હોવાના ભ્રમમાં રહેવાની જબરી કળા ઘણા મોરલાઓ શીખી ગયા છે.

  1.      હીન્દુ ધર્મનાં શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછીની ગતી નીચે મુજબ થતી હોવાનું જણાવાયું છે :

()  ખુબ જ ઉંચી આધ્યાત્મીક અવસ્થાએ પહોંચી આત્મસાક્ષાત્કાર કરેલ ભક્તો મોક્ષ પામે છે.

()   ખુબ પુણ્ય કરેલ વ્યક્તી સ્વર્ગમાં જાય છે.

()    સરેરાશ મનુષ્ય કર્મ મુજબ પુનર્જન્મ ધારણ કરે છે.

()    પાપકર્મ કરનાર નર્કમાં જાય છે અથવા નીચ યોનીમાં જાય છે.

()    તીવ્ર વાસના સાથે મૃત્યુ પામનાર વ્યક્તી ભુતપ્રેતયોનીમાં જાય છે.

ઉપરોક્ત હકીકતથી તમામ શ્રદ્ધાળુઓ વાકેફ છે અને પોતાના કુટુમ્બમાંથી મૃત્યુ પામનાર સભ્ય ઉપરોક્ત પૈકી કઈ કૅટેગરીમાં આવે છે તેની પણ જાણ હોય જ છે, તેમ છતાં આ બાબતે સમાજનો અભીગમ ભ્રમ અને દમ્ભ ભરપુર જોવા મળે છે.

વાચકમીત્રો! આપ સહુના ધ્યાનમાં હશે જ કે વર્તમાનપત્રમાં આવતી બેસણાની કે શ્રદ્ધાંજલીની જાહેરાતમાં અને મરણનોંધમાં જણાવ્યા અનુસાર મરણ પામનાર તમામ 100100 ટકા વ્યક્તીઓ ભગવાનના ધામમાં અને સ્વર્ગમાં જ જાય છે, અર્થાત્ ક, ડ અને ઈ કૅટેગરીમાં મરણ પામનાર પૈકી એક પણ વ્યક્તી જતી નથી. એનો અર્થ એ થાય કે આ બધી જગ્યાઓ બીલકુલ ખાલી અને સુમસામ હશે અને સ્વર્ગ તથા કૈલાસ, અક્ષરધામ, ગોલોક અને વૈકુંઠમાં સખત ગીરદી હશે અને પગ મુકવાની જગ્યા પણ નહીં હોય!

મરણ પામનાર દરેક વ્યક્તીની આગળ ‘સ્વર્ગસ્થ’ લખવાનો રીવાજ કેવડી મોટી આત્મવંચના ગણાય? ગુજરાતના કેટલાક વીસ્તારોમાં ફલાણા ભાઈ કે ફલાણા બહેન મરણ પામ્યાના પર્યાયવાચી શબ્દ તરીકે ‘ધામમાં ગયા’ તેવો શબ્દપ્રયોગ કરવાનો રીવાજ પડી ગયો છે. તદ્દન સાહજીકતાથી આમ બોલે છે અને મુંગેરીલાલ કે હસીન સપને જુએ છે. ખોટા–ખોટા રાજી થવા માટે કેવો ભ્રમ ઉભો કરી સાંત્વના મેળવવાની કોશીશ કરવામાં આવે છે!

વર્ષો અગાઉ એક નામચીન બદમાશ, જેનું નામ સાંભળતાં માણસો ધ્રુજતા (વીવાદ ટાળવા નામ નથી લખતો) અને જેની અર્ધી જીન્દગી જેલમાં ગઈ હતી તેવા એક ગુંડાને પ્રતીસ્પર્ધી ગૅંગ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. ખરેખર તો પૃથ્વી ઉપરથી ભાર હળવો થયો ગણાય; છતાં આ ગુંડાના પરીવાર દ્વારા વર્તમાનપત્રમાં છપાવવામાં આવેલ શ્રદ્ધાંજલી મારી યાદદાસ્ત અનુસાર નીચે મુજબ હતી :

આપની અણધારી વીદાય કાળજું કંપાવી ગઈ!

આપની ખોટ ક્યારેય નહીં પુરી શકાય!

આપ સમગ્ર પરીવાર માટે પ્રેરણારુપ હતા.

આપ આપણી જ્ઞાતી માટે ગૌરવરુપ હતા.

આપ ગરીબોના બેલી તથા તારણહાર હતા.

હે પ્રભુ! તારે ખજાને ક્યા ખોટ હતી કે

અમારો ખજાનો લુંટી લીધો?

હે પ્રભુ! પવીત્ર અને દીવ્ય આત્માને

આપના શરણમાં લેજો અને ચીર શાંતી આપજો.

–લી. શોકાતુર પરીવાર

વર્તમાનમાં છપાતી શ્રદ્ધાંજલી વાંચવાની મને ટેવ છે. મારું અવલોકન છે કે શ્રદ્ધાંજલીમાં છપાવવામાં આવતી વીગતો વાસ્તવલક્ષી હોવાના બદલે ભાવનાત્મક અને અતીશયોક્તીભરી હોય છે. શ્રદ્ધાંજલીની જાહેરાત હું વાચું ત્યારે એમ થાય કે આપણો આખો દેશ સજ્જનો, આદર્શ વ્યક્તીઓ, દેશભક્તો, ગુણીજનો અને મુઠ્ઠી ઉંચેરા માનવીઓથી ભરેલો છે; પરન્તુ સાથેસાથે મનમાં પ્રશ્ન ઉઠે છે કે જો દેશ–આખો આટલા ખાનદાન અને ગુણીયલ લોકોથી ભરેલો છે, તો પછી વર્તમાનપત્રના પાને–પાને ચમકતા ગુનાઓ કોણ કરી જાય છે? અને દેશની જેલો કોનાથી ઉભરાય છે? ખરેખર સમજાતું નથી કે આપણને ભ્રમ વગર જીવવાની મજા કેમ નથી આવતી?

વાચકમીત્રો! નીખાલસતાપુર્વક, ગમ્ભીરતાપુર્વક અને પ્રતીજ્ઞાપુર્વક નોંધુ છું કે મારી પોતાની શ્રદ્ધાંજલીનો મુસદ્દો મેં અત્યારથી જ તૈયાર કરી રાખ્યો છે. મારા મરણ પછી આમાં એક અક્ષરનો પણ ફેરફાર કર્યા વગર વર્તમાનપત્રમાં છપાવવા મારા પુત્રને સુચના આપી રાખી છે :

શ્રદ્ધાંજલી

અમારા પરીવારના અઘરા, આકરા અને આખાબોલા,

કડવા સત્યના આગ્રહી, પ્રામાણીકતાના પુજારી તેમ જ

ઈશ્વરને નહીં માનનારા; પણ ઈશ્વરનું માનનારા એવા

ભાઈ શ્રી ઘનશ્યામ ઉર્ફે ભાનુશંકર એમ. દવેનું

અવસાન તા. 00/00/0000 ના રોજ થયેલ છે.

તેમનું દેહદાન કરેલ હોઈ અંતીમવીધી કરેલ નથી.

તેમ જ તેમની ઈચ્છા અનુસાર બેસણું કે કોઈ પણ

પ્રકારની લૌકીક કે ધાર્મીક ક્રીયા રાખેલ નથી.

…દવે પરીવાર…

મોટા ભાગના માણસોને પોતે જેવા નથી તેવા દેખાઈને જીવવાનો શોખ હોય છે અને આ મુજબનું મહોરું પહેરીને જીવ્યા હોય છે; પરન્તુ કમસે કમ વ્યક્તીની વીદાય પછી તો જેવા હોય તેવા દર્શાવવામાં શો વાંધો હોઈ શકે? જીન્દગી–આખી દમ્ભ અને મર્યા પછી પણ દમ્ભ અને ભ્રમ?

(‘ભ્રમ ભાંગ્યા પછી…’ પુસ્તકનું છેલ્લું અને સાતમું પ્રકરણ લાંબુ હોવાથી, લેખકશ્રીની અનુમતી મેળવી, સાતમાં પ્રકરણનું વીભાજન કર્યું છે. 01 સપ્ટેમ્બર, 2017ને શુક્રવારે આ સ્થળે પુસ્તકનો અન્તીમ ભાગ વાંચવાની ધીરજ ધરવા વાચકોમીત્રોને ખાસ વીનન્તી છે. આ લેખ અંગે આપના પ્રતીભાવો તો અહીં જરુર લખવા વીનન્તી છે.   ગોવીન્દ મારુ)

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ‘ભ્રમ ભાંગ્યા પછી… (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 46થી 55 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

15 Comments

  1. It is very truthful article but we all live in mental fear in life. We always need some kind of support in life. We should be honest with ourselves. Thanks for such a good article.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. “કાળાં કામરુપી બન્દુક ભગવાનના ખભા ઉપર રાખીને ફોડવાની અને પોતે નીર્દોષ હોવાના ભ્રમમાં રહેવાની જબરી કળા ઘણા મોરલાઓ શીખી ગયા છે.” સચોટ વાત લખી છે.
    “ઈશ્વરને નહીં માનનારા; પણ ઈશ્વરનું માનનારા ” લાગે છે સારું પરંતુ જે છે જ નહિ તેનું માનવાની વાત ક્યાંથી આવી?

    Liked by 2 people

  3. સરસ સમજ આપતો લેખ. ગમ્યો. અહિં બી.અેમ. દવેજીઅે જીવનની ફીલોસોફીની જે વાતો કરી છે તેનો સંપૂર્ણ સંદર્ભ હિન્દુ ઘર્મ જ છે. જો કે ઘર્મો…બઘા જ અને કોઇપણ ઘર્મ માણસોનું અેક ઝુંડ જ હોય છે. હઇશો….હઇશો….હઇશો….તેમનો મંત્ર…..બની રહે છે…..આગેસે ચલી આતી હૈ તો સચ હી હોગી….તેમની સચ હોય છે. અને અેક બીકની સાથે જ જીવતાં હોય છે…અથવા તો તેમને સૌને બીકના વાતાવરણમાં જ જીવવાની ફરજ પાડી દેવામાં આવેલી હોય છે. અને આ બીકના પરિણામોથી દૂર રહેવા માણસ ‘ શાહમૃગ નિતિ‘ અપનાવીને જીવતો થઇ જાય છે. વાડાબંઘી….કોઇક વિરલો જ્યારે તે શાહમૃગના માથાને રેતીના ઢગલાંમાંથી બહાર કાઢવાની કોશીશ કરે છે ત્યારે તે અેકલાને પેલાં શાહમૃગો ગાંડામાં ખપાવીને ‘વિરોઘી‘ ગણે છે. આ પ્રક્રિયા હંમેશા નવા વિચારવાળાને દુ:ખ પહોંચાડવામાં પરિણમે છે. દરેક શાહમૃગને પહેલેથી ખબર તો હોય જ છે કે સત્ય શું છે. બીકનો મારેલો તે બીચારો બનીને પોતાની જાતને જ છેતરતો થઇ જાય છે. કોઇકે સરસ વાત કહી છે કે, ‘ હું અેકલો હતો અેટલે હારી ગયો તે સત્ય નથી. પરંતુ સામેના પક્ષે મારા પોતાના ઘણા હતાં…તે કારણ બની રહ્યુ હતું.‘ જ્યાં અભણતા વિશાળ પ્રમાણમાં હોય અને પેઢી દર પેઢી ગળથૂથીમાં જ ઝેર પીવડાવાયુ હોય તેમાં તરત સુઘારો અશક્ય છે. કદાચ પેઢી ઉપર પેઢીઅે શહાદત વહોરવી પડે. અભણતાની વાત તો છોડો…હિન્દુ ઘર્મમાં આજની યુવા પેઢી પણ ગળાડૂબ કહેવાતી ઘાર્મિક બની ગયેલી છે…શાહમૃગ બની રહી છે….બની ગઇ છે. બેસ્ટ વિશીશ…..ઓલ ઘી બેસ્ટ……ડોન્ટ સે…..ભગવાન તમને સદબુઘ્ઘિ આપે…..કારણ કે તું જ તારો જીવનદાતા છે અને તું જ તારો મારક છે……….
    અમૃત હઝારી…..

    Liked by 2 people

  4. વર્સો પુરાણ થી માનવજાત એક ‘ભય’ ના પગલે જીવી રહીયો છે…. અને જીયા સુધી આ ‘ભય’ નો એહસાસ જીવન રહેશે તિયાં સુધી માનવ સમજવા છતાં પણ આવી અંધશ્રધા માં રચૈયો-પચીયો રહેશે…..

    હે માનવ: જન્મ મળિયો છે તો મૃતિયું પણ મળશે જ..પરંતુ એના ભય થી જીવન જીવવું એ એક એની જાત ની ગુલામી જ છે. શ્રી દવે સાબ સરસ રીતે આ વાત નું ઉલ્લેખન આપિયું ……

    Liked by 1 person

  5. The article takes you to the bottom of reasons of our misery and backwardness as we have stopped thinking rationally and scientifically and logically. When we will come out of this couches of religious mafia.

    Liked by 1 person

  6. Good ideas presented quite effectively.
    We try to fulfill our own psychological needs in the name of God and religion. So, we are not able to notice inconsistencies in our own beliefs and actions.

    The only way out is to try to develop a truly scientific or rationalistic mindset. That, is quite a difficult thing to do, even for a scientist; because, after all, scientists themselves are also human ! But everyone can certainly try to be reasonable, rational and consistent in his own thoughts and actions.

    Congratulations for an excellent article ! —Subodh Shah, USA.

    Liked by 1 person

  7. Saras lekh aabhar govind bhai ane dave saheb ( mari manyata mujab dave etle brahman ma aavo ) kash badha brahmano ( karma kandi samajvu ) aava vicharo dharavta hoi aaje deshne karmakand vala nahi karma vala brahmano joiye chhe jarur chhe sachchidanana lakhe chhe tem samulgi kranti ni je aava kranti kari vicharo thij shakya chhe.

    Liked by 1 person

  8. Reblogged this on and commented:
    શ્રી ગોવિંદભાઈ,
    શ્રી બી.એમ.દવે ભાઈનો આ લેખ મારાં વિચારો સાથે અદભૂત સામ્યતા ધરાવતો હોય શ્રી દવે ભાઈને ધન્યવાદ સાથે મારાં બ્લોગ ઉપર રીબ્લોગીંગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ભ્રમને ભેદવાનાં ભયસ્થાન’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

    1. આપશ્રીના બ્લોગ ‘RKD-रंग कसुंबल डायरो’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Liked by 1 person

Leave a comment