ગોવીન્દનો આત્મા જવાબ ન આપી શક્યો..!

ગોવીન્દનો આત્મા જવાબ આપી શક્યો..!

–રમેશ સવાણી

તારીખ 30 ડીસેમ્બર, 1990ને રવીવારે સાંજના પાંચ થયા હતા. ભાવનગર જીલ્લાના બગદાણા ગામે લોકશાળાના વીદ્યાર્થીઓનો નેશનલ સર્વીસ સ્કીમ(NSS)નો કેમ્પ હતો. ‘ઝેર તો પીધા જાણી જાણી’ના લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઉમ્મર : 76) ઉપસ્થીત હતા. ચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના ચતુરભાઈ ચૌહાણ (ઉમ્મર : 45) વીદ્યાર્થીઓ સમક્ષ ચમત્કારનો પર્દાફાશ કરી રહ્યા હતા. વીદ્યાર્થીઓ કુતુહલથી ચતુરભાઈના પ્રયોગો નીહાળી રહ્યા હતા. ચતુરભાઈએ વીદ્યાર્થીઓને કહ્યું : “તમારા મનમાં પ્રશ્નો ઉદ્ ભવતા હોય તો પુછો!

“ચતુરભાઈ! ચમત્કાર થાય છે કે નહીં?”

ચમત્કાર માત્ર ભણતરથી થાય! તમારામાંથી કોઈ ડૉક્ટર બનશે, એન્જીનીયર બનશે, કોઈ ઉચ્ચ અધીકારી બનશે, કોઈ મુખ્યમન્ત્રી કે પ્રધાનમન્ત્રી બનશે! ભણતર માણસને સારો નાગરીક બનાવે છે! ભણતર, માણસને જેલમાં જતા રોકે છે! આવું બને તે ચમત્કાર કહેવાય! બીજી કંઈપણ રીતે ચમત્કાર થઈ શકે નહીં.”

“ચતુરભાઈ! ભુત–પ્રેત છે કે નહીં? આત્મા ભટકતો રહે છે?”

“જુઓ. આ બધું અજ્ઞાની કે લાલચુ માણસોએ ઉભી કરેલી ભ્રમ જાળ છે. તન, મન અને ધનનું શોષણ કરવાના આ તરીકા છે! ભુવાઓ પોતાની ગરીબાઈનું ભુત કાઢી શક્તો નથી! એટલે કે પોતાની સ્થીતી સુધારી શક્તો નથી! વીંછીનું ઝેર ઉતારનારને વીંછી ડંખ મારે તો તે પોતાનું ઝેર ઉતારી શક્તો નથી! કેમકે તે જાણે છે કે પોતે ઝેર ઉતારવાનો ઢોંગ કરે છે!”

“પણ આપણે હકીકતમાં જોઈએ છીએ કે અમુકને વીંછીએ ડંખ માર્યો હોય અને ઝેર ઉતારનાર પાસે તેને લઈ જવામાં આવે તો ઝેર ઉતરી જાય છે! એવું કેમ?”

“વીંછીનું ઝેર ઉતરી જાય છે તે વાત સાચી; પરન્તુ તેમાં કોઈ મન્ત્ર–તન્ત્ર કામ કરતા નથી! સાયકોલોજી કામ કરે છે! અહીં મનુભાઈ પંચોળી બેઠા છે. કોઈ વીદ્યાર્થીને વીંછી ડંખ મારે તો તેને પહેલેથી કહેવું પડે કે મનુભાઈ ગમે તેવા વીંછીનું ઝેર ચપટી વગાડતા ઉતારી નાખે છે! પછી જ્યાં વીંછીએ ડંખ માર્યો હોય ત્યાં મનુભાઈ મન્ત્રોચ્ચારનો ઢોંગ કરતા–કરતા સ્પર્શ કરે તો વીંછીનું ઝેર ઉતરી જશે! તમે આ પ્રયોગ કરી શકો છો!”

“ચતુરભાઈ! માણસ જીવતો હોય ત્યારે પોતાનો ઉદ્ધાર કરી શક્યો ન હોય અને તેના મરણ પછી તેના આત્માનો ઉદ્ધાર થાય? તેને સ્વર્ગમાં સ્થાન મળે?”

“જુઓ, વીદ્યાર્થી મીત્રો! એવું કહેવાય છે કે સ્વર્ગમાં કશીય મહેનત કર્યા સીવાય બધી સુખ–સગવડો મળે છે. રંભા, ઉર્વશી, મેનકા, તીલોત્તમા વગેરે રુપાળી અપ્સરાઓ સેવામાં હાજર રહે છે! એને સ્વર્ગ કહેવાય કે અડ્ડો?  માણસનો ઉદ્ધાર ભણતર, વીવેકબુદ્ધી અને પરીશ્રમથી થાય, મન્ત્ર–તન્ત્રથી ન થાય! પરલોકમાં સ્વર્ગ છે કે નહીં, તેની ખબર નથી; પરન્તુ આ લોકમાં સ્વર્ગ જરુર ઉભું કરી શકાય છે!”

“ચતુરભાઈ! મૃત્યુ પછી માણસનો આત્મા ભટકતો રહે છે, એ વાત સાચી?”

“મરણ પછી આત્મા ભટકે છે કે નહીં તેની ખબર નથી; પરન્તુ ભટકતા આત્માની શાંતી માટે જે વીધીઓ આપણે કરીએ છીએ તે સાવ ખોટી છે!”

“ચતુરભાઈ! તમે ક્યા આધારે કહો છો કે મરણ પાછળની વીધીઓ ખોટી છે?’’

“ગાય અને ભેંસને આત્મા હોય કે નહીં?”

“દરેક જીવને આત્મા હોય! શરીરમાંથી આત્મા જતો રહે એટલે મૃત્યુ થાય! શરીર નાશવન્ત છે, આત્મા અમર છે! આત્મા બીજો જન્મ ધારણ ન કરે ત્યાં સુધી ભટકતો રહે છે. મનુષ્ય જેવા કર્મો કરે તેવો આત્માનો નવો જન્મ થાય. સારા કર્મો કર્યા હોય તે પુણ્યાત્મા, પાપ કર્યા હોય તે પાપાત્મા અને જેની વાસના, ઈચ્છા અધુરી રહી જાય તે પ્રેતાત્મા બને! ચોરાશી લાખ જન્મ લેવા પડે! એવું કથાકારો, શાસ્ત્રીઓ, સ્વામીઓ, બાપુઓ રટણ કર્યા કરે છે, તે સાચું છે?”

વીદ્યાર્થી મીત્રો! આ બધી ભ્રમજાળ છે. આત્માની શાંતી માટે ખર્ચાળ વીધીઓ, પુજાપાઠ, મન્ત્રજાપ, તર્પણ, શ્રાદ્ધ, નારાયણબલી વગેરેમાં ધન વેડફાય છે. ગાય અને ભેંસના મરણ પછી તેના આત્માની શાંતી માટેની કોઈ વીધી કરતું નથી! શું ગાય–ભેંસના આત્માને શાંતીની જરુર ન પડે? શું ગાય–ભેંસના આત્માના મોક્ષ માટે નહીં ને આપણા જ માટે વીધીઓ કરવી પડે? આત્માના મોક્ષ માટે આપણે જે વીધીઓ કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ! આત્માના સંતોષ માટે નહીં!”

“ચતુરભાઈ! માની લઈએ કે માતાજી નથી, ભગવાન નથી, પુનર્જનમ નથી, કર્મ મુજબનું ફળ મળતું નથી તો માણસે સારો વ્યવહાર શા માટે કરવો જોઈએ! નીતી મુજબ શા માટે જીવવું જોઈએ!”

“વીદ્યાર્થીઓ! તમે તમારી જાતને પુછો. તમારી ચીજવસ્તુ કોઈ ચોરી જાય તો તમને ગમે? તમારી સાથે છેતરપીંડી થાય તો તમને ગમે? તમારી ઉપર હુમલો થાય, તમારો કોઈ તીરસ્કાર કરે, તમને કોઈ ખોટું કહે તો તમને ગમે? બીલકુલ ન ગમે! જે વર્તન આપણને ગમતું નથી, તેવું વર્તન આપણે બીજા સાથે પણ કરવું ન જોઈએ. આ થઈ નીતીમત્તા! આ નીતીમત્તા એ જ ધર્મ! આ નીતીમત્તા એ જ સંસ્કાર!”

“ગરીબો, વંચીતો, દલીતો(ભારતીય બંધારણ મુજબ : અનુસુચીત જાતી અને જનજાતી) તેના ગત જન્મના કર્મના કારણે દુઃખી થાય છે, એ સાચું?”

“તે બીલકુલ ખોટું છે! ગરીબો, વંચીતો, દલીતોના દુઃખનું કારણ શોષણ છે! તકનો અભાવ છે! અન્યાયી સમાજવ્યવસ્થા છે! અન્ધશ્રદ્ધા છે! ભણતરનો અભાવ છે!” ચતુરભાઈ અટક્યા; તેના કાને ડાકલાંનો અવાજ સંભળાયો! ગામમાં ડાકલાં વાગી રહ્યા હતા. વૈજ્ઞાનીક અભીગમ કેળવવાની ચર્ચા ચાલતી હતી એવા સમયે ડાકલાંનો અવાજ આવતા રમુજનું દૃશ્ય ખડું થયું!

મનુભાઈ પંચોલીએ કહ્યું : “ચતુરભાઈ! અન્ધશ્રદ્ધા આપણા ખભે ચડી ગઈ છે, એને પછાડવી જ પડશે! તમે લોકશીક્ષણનું ખરું કામ કરો છો!”

ચતુરભાઈ, થોડા વીદ્યાર્થીઓ સાથે લઈને ગામમાં જ્યાં ડાકલાં વાગતા હતા ત્યાં પહોંચ્યા. ચતુરભાઈએ પુછ્યું : “ભુવાજી! ડાકલાં કેમ વગાડો છો?”

“પવીત્ર પ્રસંગ છે! અરજણભાઈનો દીકરો ગોવીન્દ અઢાર વરસનો હતો. નવમા ધોરણમાં ભણતો હતો. કેન્સરના કારણે તેનું મરણ થયું. એની પરણવાની ઈચ્છા, અરમાનો અધુરા રહેવાથી, તેના આત્માને શાંતી મળે તે માટે લીલ પરણાવવી પડે!”

“ભુવાજી! ગોવીન્દની ઈચ્છા અધુરી રહી ગઈ છે, એની ખબર કઈ રીતે પડી?”

“ગોવીન્દનો આત્મા ભટકે છે! થોડા સમય પછી ગોવીન્દનો આત્મા કોઈના શરીરમાં પ્રવેશ કરશે. ગોવીન્દ ખુદ બોલશે!”

ચતુરભાઈ મુંઝવણમાં પડ્યા. ભુવાજીને સમજાવવાનો કોઈ અર્થ ન હતો. ચતુરભાઈએ ગોવીન્દના કુટુમ્બીજનોને સમજાવી જોયા પણ સૌએ કહ્યું : “ ભુવાજી કરે અને કહે તે સાચું!”

ભુવાજીએ ડાકલાંનો રમરમાટ શરુ કર્યો. કેટલાયના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ! ચતુરભાઈની મુંઝવણ વધી ગઈ. ભુવાજીનો પર્દાફાશ કઈ રીતે કરવો? ગોવીન્દના કુટુમ્બીજનોને કઈ રીતે સમજાવવા?

સૌ કુતુહલથી ભુવાજીને તાકી રહ્યા હતા. ગોવીન્દના આત્મા સાથે વાત કરવાની તાલાવેલી કુટુમ્બીજનોને હતી. ડાકલાંના અવાજથી વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ભુવાજીના વેશ, વાણી અને ડાકલાંને કારણે અગોચર તત્ત્વની ચર્ચા સૌ કરતાં હતા.

ત્યાં ભુવાજીએ ત્રાડ પાડી. ગોવીન્દના ભાભી કાશીબેનનું (ઉમ્મર : 30) શરીર ધ્રુજવા લાગ્યું. ભુવાજીએ કાશીબેનને પુછ્યું : “કોણ છો?”

“હું ગોવીન્દ છું!”

“ગોવીન્દ! તું કયાં હતો?”

“ભુવાજી! હું કેટલાંય લોક ફરીને આવ્યો છું!”

“અહીં કેમ આવ્યો છે?”

“ભુવાજી! હું તમારો મહેમાન છું!”

“ગોવીન્દ! તારી કોઈ ઈચ્છા છે?”

“ભુવાજી! લીલ પરણાવવી પડશે! પરણવાની મારી ઈચ્છા અધુરી રહી ગઈ છે.”

“ગોવીન્દ! ચીંતા ન કર! લીલની વીધી જ થઈ રહી છે!”

“ગોવીન્દ! તારી બીજી કોઈ ઈચ્છા અધુરી રહી ગઈ છે?”

“ના ભુવાજી ના! બીજી કોઈ ઈચ્છા અધુરી નથી રહી!”

ચતુરભાઈ અચરજ પામી ગયા. કાશીબેનના શરીરમાં ગોવીન્દના આત્માએ પ્રવેશ કર્યો હતો, અને કાશીબેન ગોવીન્દ વતી બોલી રહ્યા હતા! સૌ કુટુમ્બીજનો કાશીબેનને પગે લાગી રહ્યા હતા! ભુવાજી ડાકલાંની તમતમાટી બોલાવી રહ્યા હતા. ચતુરભાઈ મનમાં ને મનમાં મુંઝાતાં હતા. ભુવાજીનું તર્કટ કઈ રીતે ખુલ્લું કરવું. ધતીંગનું પગેરું કઈ રીતે મેળવવું તે અંગે ચતુરભાઈ વીચારી રહ્યા હતા. વીદ્યાર્થીઓ ચતુરભાઈને તાકી રહ્યા હતા!

ચતુરભાઈએ કહ્યું : “કાશીબેન! હું પુછું તેનો જવાબ આપશો?”

“હું ગોવીન્દ છું! કાશીબેન નહીં! જે પુછવું હોય તે પુછો!”

કાશીબેન સતત ધુણી રહ્યા હતા. કાશીબેન બે ચોપડી જ ભણ્યા હતા. ચતુરભાઈએ પુછ્યું : “ગોવીન્દ! તું ભણવામાં હોશીયાર હતો?”

“હા, હું પ્રથમ નમ્બરે જ પાસ થતો!”

“ગોવીન્દ! તને એ.બી.સી.ડી. આવડે છે?”

“એ તો હું પાંચમાં ધોરણમાં શીખી ગયેલો!”

“ગોવીન્દ! તારા મોઢે મારે એ.બી.સી.ડી. સાંભળવી છે! એક વખત બોલી જા! મારી પાસે પુસ્તક છે. તેમાં એ.બી.સી.ડી. છે. તું જોઈને પણ બોલી શકે છે!”

ચતુરભાઈએ કાશીબેન સામે પુસ્તક મુક્યું. કાશીબેને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ તે એ.બી.સી.ડી. વાંચી શક્યા નહીં! કાશીબેનના શરીરમાંથી ધ્રુજારી તરત જ અલોપ થઈ ગઈ! ગોવીન્દનો આત્મા બોલતો બન્ધ થઈ ગયો!

ભુવાજીએ ડાકલાં બંધ કરીને ચતુરભાઈને કહ્યું : “તમારી જેવા નાસ્તીકની હાજરીના કારણે ગોવીન્દનો આત્મા નાસી ગયો!”

ચતુરભાઈએ ગોવીન્દના પરીવારજનોને સમજાવ્યા. ભુવાજીની સ્થીતી કફોડી થઈ ગઈ!

ચતુરભાઈએ કહ્યું : “ભુવાજી! ભટકતા આત્માની ચીંતા કરવાને બદલે હવે પછી તમારા શરીરમાંથી આત્મા નાસી ન જાય તેની ચીંતા કરજો!”

–રમેશ સવાણી

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10–Jatin Banglo, B/h–Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

ગામડે ગામડે અને શહેરોની લાયન્સ ક્લબ, જેસીઝ ક્લબ અને સામાજીક સંસ્થાઓ, જ્ઞાતી મંડળો, મહીલા મંડળો અને સ્કુલ–કૉલેજોમાં જઈને શ્રી. ચતુર ચૌહાણ વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણના નીદર્શન–કાર્યક્મો કરે છે. તેઓનું પુસ્તક ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતો (પ્રકાશક અને સંકલનકર્તા : પીયુષ જાદુગર, એડવોકેટ, 4/એ, અચલ રેસીડેન્સી–2, કીર્તીધામ જૈન મન્દીર પાછળ, ચાંદખેડા, અમદાવાદ – 382 424. સેલફોન : 94260 48351 મુખ્ય વીતરક : શ્રી. નાથુભાઈ ડોડીયા, મન્ત્રી, આર્યસમાજ, નવાડેરા, ભરુચ – 392 001. સેલફોન : 99988 07256 પાનાં : 90, મુલ્ય : રુપીયા 20/–)માંનો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 19થી 23 ઉપરથી, તેમ જ આ લેખ ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી લેખકશ્રી રમેશ સવાણી, I.G.P.ની રૅશનલ કૉલમ ‘પગેરું’(તારીખ 28, સપ્ટેમ્બર, 2016)માં પણ પ્રગટ થયો હતો. ‘સંદેશ’ દૈનીકના તેમ જચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતોના પ્રકાશકશ્રીઓ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર..

11 Comments

  1. Very thought provoking article. Peaople must read this & follow the message.The “vidhees” or whatever we call them were propagated by so called “Bhuvas”to get their own bread & butter.

    Liked by 1 person

  2. ગોવિંદનો અાત્મા જવાબ ના આપી શક્યો!……
    સંવાદોના રુપે આ વાર્તાલાપ દ્વારા રમેશભાઇ જે મેસેજ આપવા ઇચ્છે છે તે શાળાના બાળકોને ઢંઢોળી શક્યો કે કેમ તે પ્રશ્ન જુદો છે.
    આખો મેસેજ ‘ આત્મા‘ ના વિષય ઉપર ચર્ચાયો છે.
    બાળકોની ક્યુરીઓસીટી ….કાંઇક નવું જાણવાની, સમજવાની તેમની ઇચ્છા પુરી થઇ કે નહિ તે જાણવું રહ્યું. જે જે પ્રશ્નો પુછાયા તેના જવાબો પણ ટૂંકમાં હતાં…વઘુ વિગતો અને દાખલાઓ સરસ રીતે સમજાવી શકતે.
    પરંતું ‘ આત્મા‘ વિષયે બાળકોને જે કાંઇ કહેવામાં આવ્યું તે ‘આત્મા‘ છે…ના બેઇઝ ઉપર સમજાવાયુ છે.
    અંઘશ્રઘ્ઘાનો પર્દાફાસ ત્યારે થાય કે જ્યારે ‘આત્મા‘ શું છે ? છે તો કેવો છે ? ક્યાં હોય છે ? જ્યારે મોત થાય છે ત્યારે અેવું તે શું છે જેને ‘આત્મા‘ કહી શકાય જે મરણ પામેલાં શરીરને છોડી જાય છે ? ક્યાં જાય છે ? પાછો ક્યારે અને ક્યાં આવે છે ? માણસના શરીરમાં ‘આત્મા‘ નું કાર્ય શું છે ? માણસના જીવતા જીવત ‘આત્મા‘ તેના શરીરમાં શું કાર્ય કરે છૈ ? માણસને જીવતો રાખે છે ?
    સારા કર્મો કરનારના શરીરનો ‘આત્મા‘ કેવો હોય ? ખરાબ કામ કરનાર માણસના શરીરનો ‘ આત્મા‘ કેવો હોય ? શું આત્મા સારો અને ખરાબ પણ હોઇ શકે ? ખૂનીનો આત્મા કેવો હોય. મોરારીબાપોુનો આત્મા કેવો હોય ? ટરમ્પ , પ્રેસીડન્ટનો આત્મા કેવો હોય? શાહરુખખાનનો આત્મા કેવો હોય ? અમિતાભ બચ્ચનનો આત્મા કેવો હોય ?
    અને લેખમાં જે સવાલ પૂછવામાં આવ્યો છે તે…ગાય…ભેંસ…કુતરા…વાંદર…ઘોડા…શીયાળ….ના આત્મા કેવા હોય જો હોય તો..કેવા હોય ?
    …બ્રાહ્મણ, ક્ષત્રીય , વૈશ્ય ,અને શુદ્રોના આત્મા જેવું કાંઇક હોય તો તે કેવા હોય ? જુદા જુદા આકારના હોય ? જુદા જુદા રંગના હોય ?
    શ્રીમદ્ ભગવત્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે આ ચાર વર્ણો તેમણે બનાવ્યા છે. ( અઘ્યાય..૪..શ્રલોક : ૧૩ ) તો પ્રભુ કૃષ્ણઅે દરેકની ઓળખાણ માટે જુદા જુદા આત્માનું ઘડતર કરેલું ?

    રમેશભાઇઅે આત્મા છે…ના પાયા ઉપર આખી ચર્ચા કરી છે ,તેમણે આત્માના હોવા ઉપર અેક પણ પ્રશ્ન નથી પુછયો અને તે. અેક પ્રશ્ન ઉભો કરે છે. તો જ તો તેઓ કહે છે કે ‘ ગોવિંદનો અાત્મા જવાબ ના અાપી શક્યો…….અેવું પણ કહેવાય છે કે વિજ્ઞાને પણ આત્માની હાજરીના પુરાવાઓ આપ્યા છે. કોઇ આ વાત દાખલાઓ આપીને સમજાવશે તો વઘુ જ્ઞાન મળશે.
    મેં આ બઘુ લખ્યુ છે ફક્ત ચર્ચા કરવા માટે જ…..ચર્ચા ચાલુ રાખીઅે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  3. ગીતાના બીજા અધ્યાયમાં કૃશ્ણ કહે છે, “આત્માને શસ્ત્રો છેદતા નથી, અગ્ની બાળતો નથી, પાણી ભીંજવતું નથી અને પવન સુકાવતો નથી. વળી તે નીત્ય, બધે વ્યાપ્ત, સ્થીર, અચળ તથા સદાનો છે”.
    સ્પશ્ટ છે કે જેની ઉપર કશાયની અસર પડતી ન હોય તેવા અવીનાશી આત્માને અશાન્ત કરી શકે તેવી કોઈ પણ શક્તી કે ઘટના હોતી નથી.
    મૃત્યુ પામેલી વ્યક્તીના અશાન્ત થાય જ નહીં તેવા આત્માને માટે “ઈશ્વર તેમના આત્માને શાન્તી આપે” તેવી પ્રાર્થના કરનારાઓને ગીતાના કથનમાં આસ્થા હોતી નથી.

    Liked by 1 person

  4. આવી અંધશ્રદ્ધા ની બાબત માં ભુવા દ્વારા થતા શોષણ ની સામે સમાજે જાગૃત થવા ની જરૂર છે.

    Liked by 1 person

  5. Good article.This type of articles are required in our educational books.Most of people still believe in this type of miracles.They get spread very fast now by social medias.

    Liked by 1 person

  6. Je deshna netao ane te pan PM na hodda na karmakand ma manta hoi agau congress ni sarkare ek bava na kevathi jamin mathi sonu kadhvani koshish kareli te deshna samanya nagrik ma farak lavavo bahuj kathin chhe.

    Liked by 1 person

Leave a comment