ચમત્કારીક સ્પર્શ!
–રમેશ સવાણી, I.G.P.
“સીધ્ધાર્થભાઈ! પાદરીજી ચમત્કાર કરે છે! તમે નહીં માનો, મચ્છર મારવાના સ્પ્રેનો છંટકાવ માંદા માણસ ઉપર કરે છે, તો તે સાજો થઈ જાય છે! તરત ઈલાજ! કોઈપણ મુશ્કેલી દુર થઈ જાય! મન્ત્રશક્તી વડે પેટ્રોલને પાઈનેપલ જ્યુસમાં બદલી નાંખે છે! પોતાના ભક્તોને પથ્થર ખવડાવે તો પણ તે રોટલીમાં પરીર્વીતત થઈ જાય છે! ગર્ભવતી મહીલાઓના પેટ ઉપર પગ રાખીને, આવનાર બાળકને ખરાબ આત્માઓના પડછાયાથી બચાવે છે! લોકોના પગ પાણીમાં મુકાવે છે, ત્યારે પાણી લાલ રંગનું થઈ જાય છે! પગમાંથી લોહી નીકળે છે, તેની સાથે નડતર પણ નીકળી જાય છે!”
“મધુભાઈ, કોણ છે આ પાદરી?”
“સીધ્ધાર્થભાઈ, સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે ત્રણ દીવસના કેમ્પનું આયોજન થયેલું છે. પાદરી રજા સફાના સ્પર્શ કરીને અસાધ્ય રોગ ભગાડવાના છે! કેન્સર, ડાયાબીટીસ, અન્ધાપો, પંગુતા, શારીરીક ખોડખાંપણને દુર કરવાના છે. લોકોના ટોળેટોળાં ઉમટવાના છે! પત્રીકા અને પોસ્ટર દ્વારા કેમ્પનો પ્રચાર થઈ રહ્યો છે! જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ હાજર રહેવાના છે!”
“આપણે પીપળકુવા ગામે જઈશું. પાદરીજીના આશીર્વાદ ગ્રહણ કરીશું અને પેટ્રોલમાંથી પાઈનેપલનું જયુસ બનાવશે તો મોજથી પેટ ભરીને પીશું!”
તારીખ 19 માર્ચ, 2000ને રવીવાર. સુરતની ‘સત્યશોધક સભા’ના કાર્યકર સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234) અને ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374)સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સવારના દસ વાગ્યા હતા. મધુભાઈએ પોલીસ ઈન્સ્પેક્ટર પવારને કહ્યું : “સાહેબ! અમારે પાદરીજીને સ્પર્શ કરવો છે! તેમનો રોગ અમારે દુર કરવો છે! અમને મંજુરી આપો!”
“પાદરીજી ખુદ બીજાના રોગ મટાડે છે. ત્રણ દીવસનો કેમ્પ છે. એમનો રોગ દુર કરવાની ચીંતા તમને કેમ છે?”
“સાહેબ! પાદરીજીના કારણે જાહેર આરોગ્ય જોખમાય છે! લોકો વીશ્વાસમાં રહે છે કે રોગ મટી જશે! પરન્તુ રોગ વકરે છે! માંદા લોકોની સ્થીતી વધુ ખરાબ થઈ જાય છે! પાદરીજી અન્ધશ્રદ્ધાના ડૉઝ આપે છે! ચમત્કારની વાતો ફેલાવી, પોતાનો ઈરાદો પાર પાડવાનો એને રોગ વળગેલો છે. અમે, એનું પગેરું મેળવવા માંગીએ છીએ!”
“મધુભાઈ, તમે પાદરીજીના કેમ્પ ઉપર જાવ તો ત્યાં બખેડો થાય. ત્યાં પાંચ–છ હજાર લોકોની મેદની હશે. તમે ત્યાં જઈને પાદરીજીનો વીરોધ કરો તો શ્રદ્ધાળુ લોકો તમારી ઉપર હુમલો કરે. અમે તમને ત્યાં જવાની મંજુરી આપી શકીએ નહીં.”
“સાહેબ! અમને પાંચ–છ પોલીસનો બન્દોબસ્ત આપો. અમે પાદરીજીને આજે સ્પર્શ કરવા ઈચ્છીએ છીએ!”
“મધુભાઈ, તમે સમજો. શ્રદ્ધાળુ લોકો પાદરીજીને ગૉડ માને છે! અને તમે એને માણસ બનાવવા જાવ તો મોટી અવ્યવસ્થા સર્જાય! ભયંકર ગડબડ થાય! એવી બબાલ હું ઈચ્છતો નથી.”
“સાહેબ! અમારી સાથે એક દર્દી છે. એ મુંગો છે. એને પાદરીજી બોલતો કરી આપે તો અમે પાદરીજીના શીષ્ય બની જઈશું! આ પત્રીકા જુઓ. પાદરીજીએ હજારો મુંગા લોકોને બોલતા કર્યા છે, એવો દાવો કર્યો છે!”
“મધુભાઈ, તમારી જેમ હું પણ રૅશનલ મીજાજ ધરાવું છું. પરન્તુ હું તમને ત્યાં નહીં જવા આગ્રહ કરું છું. ઉપરાંત હું તમારી સાથે પોલીસ પણ મોકલી શકું નહીં. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે!”
“સાહેબ! કોઈ રસ્તો કાઢો. અમારે પાદરીજીને મળવું જ છે!”
“મધુભાઈ, હું વ્યવસ્થા કરું છું. પાદરીજીની સભા પુરી થયા પછી, તેમના ઉતારે તમે તમારા દર્દી સાથે મળી શકો, તે માટે હું ગોઠવણ કરી આપીશ. રાત્રે નવ વાગ્યે મારો સમ્પર્ક કરજો!”
સત્યશોધક સભાની ટીમ બપોરે એક વાગ્યે સુરત પરત આવી. એ સમયે પીપળકુવા ગામેથી ફોન આવ્યો : “સીધ્ધાર્થભાઈ! પાદરીજીએ ચમત્કારનું વાવાઝોડું ઉભું કર્યું છે! લોકોની લાંબી–લાંબી લાઈન થઈ ગઈ છે. પાદરીજીનો સ્પર્શ થતાં જ લોકોની તકલીફોનો અન્ત આવી જાય છે!”
“આને માસ–હીસ્ટેરીયા કહેવાય! સામુહીક ગાંડપણ!”
“સીદ્ધાર્થભાઈ! તમે શું કહેવા માંગો છો?”
“જુઓ. કોઈ કથાકારની સભામાં પાંચ લાખ લોકો બેઠાં હોય તો, એ મેદની જોઈને જ લોકો અંજાઈ જાય છે! પછી તે કથાકાર ભલે રાજાશાહી–સામન્તશાહી સામાજીક મુલ્યોનું રટણ કરતા હોય! એવાં મુલ્યો સમાજને પછાત બનાવતા હોય, સમાજને અવળી દીશામાં ધકેલતા હોય! લોકો વીશાળ ભીડ જોઈને વીચારવાનું બન્ધ કરી દે છે! સૌ એમ માને છે કે આટલા બધાં લોકો એકઠાં થયા છે, એટલે કથાકારમાં ઉચ્ચકોટીનું સત્ત્વ જરુર હશે! કથાકાર કલાકાર હોય છે, ભાષા ઉપર પ્રભુત્વ હોય છે. વશીકરણ માટે આટલું પુરતું હોય છે. કથાકારમાંથી મહાત્મા બનવા માટે કથાકારે માત્ર કપાળમાં કાળું તીલક અને ખભે કાળી–પીળી કામળી નાખવાની રહે! પાદરીજીએ કથાકારની જેમ કોઈ વેશભુષા ધારણ કરેલી છે?”
“હા, વેશભુષા ઉત્તમ છે! ગળાથી લઈને પગ સુધીનો સફેદ કોટ પહેર્યો છે. માથે સફેદ ટોપી ધારણ કરેલી છે! હાથમાં ધાર્મીક પુસ્તક છે. મન્ત્રોચ્ચાર કરે છે. સ્પર્શ કરે છે અને ચમત્કાર થાય છે!”
“તમે જાતે ચમત્કારનો અનુભવ કર્યો છે?”
“ના. સીધ્ધાર્થભાઈ! લોકો વાતો કરે છે!”
“બીલકુલ સાચું! ચમત્કાર ક્યારેય થતો નથી, પણ તેની ચર્ચા બહુ થાય છે!”
રાત્રીના દસ વાગ્યા સુધી, સોનગઢ પોલીસ સ્ટેશનના ફોનની રાહ જોઈ, છેવટે સીધ્ધાર્થભાઈએ પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કર્યો : “સાહેબ! પાદરીજી ઉતારાના સ્થળે અમને મુલાકાત આપવાના હતા, શું થયું?”
“સીધ્ધાર્થભાઈ! પાદરીજીના પી.એ. સાથે વાતચીત ચાલે છે. તમે સુરતથી રવાના થઈ સોનગઢ પોલીસ સ્ટેશને આવો. હું તમારી સાથે આવીશ!”
સત્યશોધક સભાની ટીમ પર્દાફાશ માટે તૈયાર બેઠી હતી. દર્દી તરીકે કોણે, કેવો ઢોંગ કરવો, તેનું રીહર્સલ થઈ ગયું હતું. સોનગઢ જવા રવાના થયા ત્યાં પોલીસ ઈન્સ્પેક્ટર પવારનો ફોન આવ્યો : “સીધ્ધાર્થભાઈ! તમે ચમત્કાર કર્યો છે! પાદરીજી અદૃશ્ય થઈ ગયા છે! તમારે તો સ્પર્શ કરવાની પણ જરુર ન પડી!”
–રમેશ સવાણી, I.G.P.
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(08, માર્ચ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, I.G.P.
10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267 e.Mail : rjsavani@gmail.com
આવા પાદરી ને પેટ્રોલ પીવડાવી દેવું જોઈએ
LikeLiked by 1 person
સુંદર. સત્યશોઘકના નામમાત્રમાં પણ ચમત્કાર…વાહ. પાદરી ઘાર્મિક પુસ્તક સાથે રાખે અને મંત્રોચ્ચાર કરે ? પાદરી ને મંત્રોચ્ચાર ? ચાલો જે હશે તે પણ સત્યશોઘક સંસ્થાને પેલો પાદરી તો ઓળખેતો છે. આખા ગુજરાતમાં ચમત્કારી બાબા, પાદરી, ભૂઅા, કેટલાં અને ક્યાં ક્યાં કાર્ય કરે ? આખા ગુજરાતમાં અંઘશ્રઘ્ઘાળુ કેટલાં ? અને સત્યશોઘકો કેટલાં ? હવે આખા ભારત દેશમાં આ બઘાં કેટલાં ? જે દેશમાં ૨૦૧૭ના વરસમાં દેશના વાહકો, ચાલકો, પોલીટીશિયનો આવાં આસારામ કે રામરહીમના ચેલા બની તેમને પગે લાગતાં હોય કે તેમના ચર્ણામૃત પીતા હોય અથવા ચૂટણી જીતવા વોટબેંક કબજે કરવાં ચમત્કાર કરાવતાં હોય તે દેશમાં સત્યશોઘકો આવશે અને જશે પરંતુ ચમત્કારીઓ અને અંઘશ્રઘ્ઘાળુઓ વઘતા રહેશે ઓછા નહિ થાય. જ્યાં જીવન જીવવાની હાડમારી લોકોને લાચાર બનાવતી હોય ત્યાં અેક લાખ સત્યશોઘક પણ આવશે તેની કોઇ અસર નહિ થાય. પ્રયત્નશીલ રહો અને જીવનના છેલ્લા દિવસ સુઘી પ્રયત્નો કરતાં રહો…છેલ્લે…અમે તો અમારું કર્તવ્ય કર્યુ….બસ તેનો આનંદ લઇને જઇઅે છીઅે… અભિવ્યક્તિનો જે મૂળ સંદેશો છે તે સંદેશો દરેક વખતે કોઇપણ આર્ટીકલની શરુઆતમાં દર વખતે છાપો. ઓલ ઘી બેસ્ટ….તે સંદેશો પોતે અંઘશ્રઘ્ઘા દૂર કરનારો છે…જો તેને જીવનમાં ઉતારીઅે…ઘીરજને પણ સમય મર્યાદા હોય છે…….સત્યશોઘકને પણ ઘર હોય છે…ફેમીલી હોય છે…..લોકોમાં અંઘશ્રઘ્ઘાળુ ગુંડા પણ હોય છે……ભારતની વસ્તી પરમ્યટેશન કોમ્બીનેશનના નિયમ પ્રમાણે કુદકે ને ભૂસ્કે વઘી રહી છે. વઘેલી અને વઘતી વસ્તી તો પોલીટીશીયનો માટે પ્રોટીન છે……..બેસ્ટ વીશીશ…..
અમુત હઝારી.
LikeLiked by 1 person
લોકો નું માનસ ચમત્કાર ઈચ્છે છે એ માનવ મન ની સ્વાભાવિકતા છે દુર્બળતા છે એટલે લોકો ચમત્કાર પાછળ દોડ્યા જાય છે વળી લોકો કોઈક ચમત્કાર કરીને કલ્યાણ કરી દે તેવી મનોવૃત્તિ પણ ધરાવે છે કોઈ સાચું કહે તો પણ સમજવા માંગતા હોતા નથી આ બધું એટલે ચાલે છે
LikeLiked by 1 person
આવા ઢોન્ગી બાબાઑ જગત માં ચારે તરફ ફેલાઈ ગયેલ છે, અને દરેક ધર્મ માં જોવા મળે છે.
દુખ તો ઍ વાત નું છે કે “ચમત્કાર નૅ નમસ્કાર” અનુસાર ભોળા ભકતો વગર વીચાર્યે આવા ધતિન્ગ તરફ આકર્ષાય જાય છે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
પોલીસ ઈન્સ્પેક્ટર પવારનો ફોન આવ્યો : “સીધ્ધાર્થભાઈ! તમે ચમત્કાર કર્યો છે! પાદરીજી અદૃશ્ય થઈ ગયા છે! તમારે તો સ્પર્શ કરવાની પણ જરુર ન પડી!”
સિધ્ધાર્થભાઈએ વગર સ્પર્શે પાદરીને ચમત્કાર ચખાડયા,વાહ.
અભિવ્યક્તિના લેખોની જેમ શ્રી દિનેશભાઈના લેખોની પણ ચાહક છું.
હવે અભિવ્યક્તિપર એમના પુસ્તક્ના લેખો પ્રકાશિત થશે તે સોનામાં સુગંધ પ્રસરશે.
આ સ્તુત્ય પગલાને આવકાર છે.
________________________________
LikeLiked by 1 person
this is perfect — people mass hypnotizing must be made open in public–however difficult it may be–thx to satyashodhak team
LikeLiked by 1 person
.આવા ઢોંગી સાધુ બાવા અને પાદરીઓ એ જ આ દેશની પત્તર ઠોકી છે…..
LikeLiked by 1 person