પુજા કરવાને બદલે ધનને વહેતું રાખવાની પ્રતીજ્ઞા કરો

પુજા કરવાને બદલે ધનને વહેતું રાખવાની પ્રતીજ્ઞા કરો

– રોહીત શાહ

ધન અને સમ્પત્તી આપણાથી છુટતાં નથી. કહેવાતા ત્યાગીઓ અને વીતરાગીઓ પણ બે હાથે જાહેરમાં ધન–સમ્પત્તીનો ત્યાગ કરે છે; પણ પછી ખાનગીમાં બાર હાથે ભેગું કરે છે. ધનની શક્તીનો આપણને ખ્યાલ નથી હોતો ત્યાં સુધી જ આપણને એનું વળગણ નથી રહેતું. ધનની શક્તી જાણ્યા પછી આપણે એના શરણે રહીને જીવવામાં જ સેફ્ટી અનુભવીએ છીએ.

આપણે ધન–સમ્પત્તીનું ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કરનારી પ્રજા છીએ. આપણી પાસે વધારાના પૈસા હોય તો આપણે સોનું ખરીદી લઈશું, વધારાના પૈસા હશે તો જમીન ખરીદીશું. જમીન અને સોનું ખરીદ્યા પછી એના ભાવ વધતા રહે એનાં પલાખાં માંડતા રહીએ છીએ. આપણને જે ચીજની જરુર ન હોય એવી ચીજ ખરીદીને એને માત્ર મુકી જ રાખીએ તો એ ડેડ–ઈન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. કેટલાક લોકો હીરાના પથરામાં મુડી–રોકાણ કરતા હોય છે. પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ શેમાં કરવું જોઈએ? જેમાં પૈસો સતત ફરતો રહે, જેમાંથી સતત વધારે કમાણી થતી રહે એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

ભારત દેશ ગરીબ નથી, કીન્તુ એની પાસે ધનને વહેતું રાખવાની આવડત નથી. ધનને એ પકડી રાખે છે. ફીક્સ્ડ ડીપોઝીટ કરવામાં આપણે ઉત્સાહી હોઈએ છીએ. બસ, મળ્યું એટલું ધન પકડી રાખો, બાંધી રાખો. એ છટકી ન જવું જોઈએ. તીજોરી તગડી હોવી જોઈએ.

બૅન્ક–અકાઉન્ટ છલકાતું હોવું જોઈએ. આપણી આવી દાનતને કારણે જ આપણો દેશ ગરીબ છે.

આપણા ધનની ઉત્પાદકતા પર નીયન્ત્રણ આવી જાય પછી એનું રીઝલ્ટ ગરીબી અને ભુખમરા અને બેકારી અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ હોયને! બે નમ્બરની કમાણી વીદેશની બૅન્કોમાં દફનાવી દેવાય છે. જે માણસ ખેતી કરતો જ નથી એ માણસ જમીનો ખરીદ્યા કરે છે. સોનું–ચાંદી અને હીરા ખરીદ્યા પછી એને બૅન્કના લોકરમાં સડવા માટે પુરી રાખવામાં આવે છે.

શૅર–માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો શૅરના ભાવ ઘટે તો નુકસાન થાય એટલે આપણે વેચતા નથી અને જો ભાવ ઉંચકાય તો હજી ઓર ભાવ ઉંચકાશે અને આપણને વધારે બેનીફીટ થશે એવી લાલચમાં આપણે શૅરને પકડી રાખીએ છીએ. પૈસો ફરતો રહેવો જોઈએ એવું ઈકૉનૉમીક્સ કહે છે. ઈકૉનૉમીક્સ તો આગળ વધીને એમ પણ કહે છે કે જે લોકો પૈસાને ફરતો રાખતા નથી એ લોકોનો સર્વનાશ થઈ જાય છે. પ્રોગ્રેસ માટે પૈસાને વહેતો–ફરતો રાખવો કમ્પલ્સરી છે. જાડીયા (તગડા) આદમીને આપણે તન્દુરસ્ત નથી કહેતા. તન્દુરસ્ત આદમી તો એ છે જે એકીશ્વાસે બે કીલોમીટર દોડી શકે છે. અથવા તો જરાય અટક્યા–થાક્યા વગર પચાસ પગથીયાં ચડી શકે છે.

આપણા શરીરની રચના પણ આપણને આ રહસ્ય સમજાવે છે. કુદરતે દરેક બૉડીમાં બ્લડ રાખ્યું છે અને એ બ્લડને નૉન–સ્ટૉપ ફરતું રાખ્યું છે. બ્લડનું સક્યુર્લેશન ડીસ્ટર્બ થાય એ રૉન્ગ કહેવાય. જો બ્લડ–સક્યુર્લેશન અટકી જાય તો માણસ મૃત્યુ પામે છે. કુદરતે એથી પણ મહાન વ્યવસ્થા તો એ કરી છે કે શરીર પર જ્યારે કોઈ ઘા (ઈજા) થાય ત્યારે ત્યાંથી વહેતું લોહી થોડી જ સેકન્ડોમાં થંભી જાય છે. શ્વેતકણો (પ્લેટલેટ કાઉન્ટ્સ) ઘામાંથી વહેતા લોહીને રોકવા માટે ત્યાં થીજી જવાનું કામ કરે છે. બ્લડ વ્યર્થ વહી ન જાય એ માટેની એ પ્રાકૃતીક વ્યવસ્થા છે. બ્લડ વહેતું રહે કીન્તુ વ્યર્થ વેડફાઈ ન જાય એવી સુન્દર યોજના કરીને કુદરતે આપણનેય મૌન ઉપદેશ આપ્યો છે.

પાણી વહે છે, પણ જ્યારે એ થીજી જાય છે ત્યારે એનું વહન અટકી જાય છે. બરફથી ખેતી ન થઈ શકે, બરફમાં સ્ટીમરો ન દોડી શકે, બરફની નહેરો બનાવીને સીંચાઈયોજના ન કરી શકાય, બરફથી પ્યાસ પણ ન બુઝાવી શકાય. એ માટે તો વહેવાની ક્ષમતાવાળું પાણી જ જોઈએ. જે પાણી વહેતુંય નથી અને થીજી જતું પણ નથી એ પાણી બન્ધીયાર બનીને ગંધાઈ ઉઠે છે. રોગચાળો ફેલાવે છે.

પાણી અને લોહીની જેમ પૈસા પણ વહેતા રહે તો જ સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થાય.

કરોડો–અબજોનાં મન્દીરો બનાવવાને બદલે જો એટલું ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે થાય તો દેશનું ઉત્પાદન વધે, બેકારોને રોજી મળે, દેશની મુડી વીદેશોમાં ઘસડાઈ જતી અટકે. આ વાત એટલી સીમ્પલ અને સરળ છે કે મુરખનેય તરત સમજાઈ જાય.

આપણે ધનને વહાલ કરવા મંડી પડીએ છીએ એટલે એને વહેતું રાખવાનું ભુલી જઈએ છીએ. ધનની શક્તીને કારણે આપણે એની પુજા કરીએ છીએ. પુજા હમ્મેશાં શક્તીની અને સામર્થ્યની જ થાય. કાયરતા–નપુંસકતાની પુજા થતી ક્યાંય ભાળી છે? ઉર્જાની પુજા થાય, ઓજસની પુજા છાય, મેધાની પુજા થાય, પ્રજ્ઞાની પુજા થાય. આ બધી શક્તીઓ છે. ધન બહુ બડી શક્તી છે. આજના યુગમાં તો કહેવાય છે કે ધન–સમ્પત્તી હોય તો જગતમાં આપણે જે ઈચ્છીએ એ બધું જ કરી શકીએ!

સમ્પત્તી હોય તો તમે સમ્રાટનેય ખરીદી શકો અને સત્તાને ગુલામ બનાવી શકો. સમ્પત્તી હોય તો આજકાલ ન્યાય અને ધર્મ પણ ખરીદી શકાય છે. તમારે મન્દીરમાં પુજા–આરતી કરવાં હોય તો એ માટે ચડાવા બોલીને તગડી રકમ ચુકવવાની તાકાત હોવી જોઈએ. વીદ્યા મેળવવા માટેય ડોનેશનના નામે ભ્રષ્ટાચાર કમ્પલ્સરી આચરવો જ પડે છે. રોગ મટાડવો હોય કે યોગ કરવો હોય, ધન વગર આપણે એક ડગલુંય ચાલી શકતા નથી.

ધનની પુજા સાથે નવો સંકલ્પ

એક જમાનામાં ‘ધનતેરસ’ પર્વ ‘ધણતેરસ’ના નામે ઉજવાતું હતું (ધણ એટલે ગાયોનો સમુહ), આજે ધનની પુજા કરીને વધુ ધનવાન બનવા સૌ કોઈ ઝંખે છે. ધનની પુજા કરીને આપણે ભલે એના સામર્થ્યનો આદર કરીએ, કીન્તુ માત્ર એવા આદરથી કશું નહીં વળે. ધનને વહેતું રાખવું પડશે, એની ઉત્પાદન–ક્ષમતા વધારવી પડશે. ધનને વાપરવાનું છે. વાપરતા રહીશું તો વધારે કમાવાની જરુર પડશે. વધારે કમાવા માટે વધારે દોડીશું. એથી ઉત્પાદન વધશે અને વીકાસ થશે. ઘણા લોકોની પાસે સમ્પત્તી હોય છે પણ શારીરીક ક્ષમતા નથી હોતી. એવા લોકો તેમની સમ્પત્તી એવી જગાએ રોકે છે, જેમાંથી વ્યાજ મળતું રહે. એ વ્યાજની રકમમાંથી એ લોકોનો નીર્વાહ થતો રહે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષરુપે પણ ધનને વહેતું રાખવાની આ વ્યવસ્થા છે. ભારતની ગરીબી ટાળવી હોય તો ધનની પુજા કરવાનું છોડીને એને વહેતું રાખવા સંકલ્પબદ્ધ થવું પડશે. રુપીયો ગગડતો–રગડતો રહેશે તો એની ચમક ઓર વધશે, જો એ ગગડતો અટકી જશે તો તરત ગબડી પડશે. ગબડી પડેલો રુપીયો ગરીબી જ આપશે. ધનતેરસ આપણા સૌનું પ્રીય અને પર્મનન્ટ પર્વ છે. આ દીવસે, હવેથી આપણે ધનને વહેતું રાખવાની નીષ્ઠાથી એની પુજા કરીશું. ઈન ફૅક્ટ, જો તમે ધનને વહેતું રાખો તો એ જ એની પુજા છે, પછી તમારે કંકુ–અબીલ વડે પુજા કરવાની જરુર નહીં પડે.

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

7 Comments

  1. સ..રસ… ઉત્તમ વિચાર…..!! પણ.. ભવિષ્ય માં જયારે આપણે પરવશ…. લાચાર થઈ જઈએ અથવા મારી જેમ પ્રાઈવેટ કમ્પની માં.. હોય & ઉમર શરીર ને લીધે જોબ છોડી દેવી પડે..તો.. શું કરવું?? ધન ને વેહ્તું કેવીરીતે રાખી શકાય?? બેકાર અને સેલેરી આવતી ના હોય તો??? જેથી અમારા જેવા ને બેંક માં બેલેન્સ રાખવું પડે ને? અને પાછલી જતી ઝીંદગી માં બીમારી.. દવા કે ઘર ચલાવા જોઇએ ને? રૂપિયા હશે તો… બીજા અમારી સેવા કે કામ લાગશે.. ના હોય તો શું કોઈ નિસ્વાર્થ સેવા ભાવી હોય શકે?? “”ઘરડા ઘર” માં પણ.. પેહલા લક્ષ્મી ધરવી પડે ત્યારે…….. તો પછી…???? અને બેંક માં વ્યાજ ઘટતું જાય છે.. જેથી.. જમીન કે સુવર્ણ માં રોકવું પડે છે.. બાકી તેને સાચવવામાં કેટલી ઝંઝટ..? પણ.. બેંક કરતા સારું ને? અને.. ખાસ્સ….. હવે લખવું નથી કેમ કે.. પાછું કોઈ વિચારશે કે આ ભાઈ તો.. એક જ વિચાર ચાલે છે.!! પણ…. મેં દરેક જગ્યા એ “”માર્ક”” કર્યું કે.. ખાસ લોકો ના તેહવારો માં જ લોકો જ્ઞાન લાધે!! બાકી અન્યો ના તેહવારો માં કેમ્મ????????? અમુક તેહવારો આવે ત્યારે જ… બધી પાબંધી.. સલાહ સૂચન.. ત્યારે પ્રકૃતિ ની યાદ ગ્લોમ્બ્લ વોર્મિંગ યાદ આવે.. જયારે બીજા વ્યક્તિ કે દેશ કે ત્યાની સંસ્થાઓ કરે ત્યારે ….?? શું કરીએ..?? અમને તો અમારી સન્સ્કૃતિ માટે માન છે જ.. પણ “ખોદતા” નથી.. જુઓ બીજા ધર્મો કે લોકો માં.. તેઓ કોઈ દિવસ તેમના તેહવારો કે પ્રસંગો એ વણમાંગી સલાહ આપી છે.? તેઓના તેહવારો ઉજવણી વખતે ત્યાં જઈને સલાહ આપી જુઓ..!!!

    Like

  2. Bhai, jyare aa desh ma Social security aavshe tyare dhan sangrah ni jarur nahi rahe. Ha… Mandiro ma to dhan no naryo vedfat j chhe.

    Liked by 1 person

  3. ગુજરાતીની કહેવતો “જર દેખી મુનીવાર ચળે” તથા “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો

    ગુજરાતીની કહેવતો “જર દેખી મુનીવાર ચળે” તથા “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ” અનુસાર પંડિત, મોલવી અને પાસ્ટર ને પૈસા ઍટલા વહાલા છે કે પૈસા ઈશ્વર, અલ્લાહ અને ગોડ ના નામે ઉઘરાવવામાં આવે છે. અને અન્ધ્શ્રદ્ધાળુઑ પૈસા આપીને સ્વર્ગ, જન્નતમાં જવા માટે ઈશ્વરને, અલ્લાહને કે ગોડને ઢગલાબંધ પૈસા મંદિરોમાં, દરગાહોમાં તથા મસ્જીદોમાં ચઢાવે છે. ઈશ્વરને કે અલ્લાહને કે ગોડને પૈસાની જરૂરત નથી. આજે પૈસાની જરૂરત દરિદ્ર લોકોને છે, જેઓ જીવવા માટે વલખા મારે છે.

    આ માટી નો બનેલો માનવી પૈસા થકી દરિદ્રોની મદદ કરીને, ધનનો સદઉપયોગ કરીને, તેમને પગભર કરીને આ જગતને સ્વર્ગ નથી બનાવવા માંગતો, પરંતુ જેને પૈસા ની જરૂરત નથી તે ઈશ્વરને પૈસા આપીને સ્વર્ગમાં જવાની આશા રાખે છે.

    મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ છલકાવવી
    તથા
    દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને પાણા ની કબરો પર ચાદરો ના ઢગલા ચઢાવવા
    આના થી વધી ને મોટું ગાંડપણ ક્યું હોય શકે?

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  4. This is only for those rich and greedy folks. Not everyone has that much wealth who can flow it to everyone. Because when you really need no one will give you. So calculate your need in the time of retirement so that you can live independently and happily without anyone’s obligation.

    Liked by 1 person

  5. ઇકોનોમીક્સ અથવા અર્થશાસ્ત્રનો ક્લાસ આ બઘુ સમજવામાં કામ લાગે. અમેરિકાની ઇકોનોમી અને ભારતની ઇકોનોમીનો ઊંડો અભ્યાસ કામ લાગે તેમ છે. પર કેપીટા ઇન્કમ જેવું પણ કાંઇક વિચારવાનું રહ્યુ. જોબની અવાઇલેબીલીટીનો વિચાર કરવો રહ્યો. જોબ વિનાના કેટલાં છે ? અેક ઘરમાં કમાનારા કેટલાં અને ખાનારા કેટલાં? ઘણું ઘણું વિચારવાનું હોય છે. દરેક પ્રશ્નને દસ બાજુ હોય છે. દરેક બાજુ અેક પ્રશ્ન. મુરખ કો તુમ રાજ દિયત હો…પંડીત ફીરત ભીખારી……અંઘશ્રઘ્ઘા…..રીલીજીયન…..તેને માટે રજાઓ……વિ…વિ……જાવક કરતાં આવક વઘુ હોવી જોઇઅે…..

    અમૃત હઝારી……

    Liked by 1 person

Leave a Reply to Bharat Acharya Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s