ચોપડાવાળા ચમત્કારી ભુવાજી!

ચોપડાવાળા ચમત્કારી ભુવાજી!

– રમેશ સવાણી

તારીખ 02 સપ્ટેમ્બર, 2001ને રવીવાર. ભુવાજીએ મહીલાને પુછ્યું : “તમારું નામ?”

“ભુવાજી! મારું નામ બેરોઝબેન દારુવાલા!”

“બોલો! શું તકલીફ છે?”

“ભુવાજી! મારા પતી એક મહીલા પાછળ ગાંડા થઈ ગયા છે! એનું ગાંડપણ દુર થાય તે માટે હું અહીં આવી છું!”

“બેરોઝબેન! ચીંતા ન કરો. વીધી કરવી પડશે! ખર્ચ થશે!”

“ખર્ચ માટે હું તૈયાર છું; પણ મારા પતીને સારું તો થઈ જશે ને?”

“સો ટકા ગેરેન્ટી! મારી પાસે આવનાર હજુ સીધી નીરાશ થઈને પરત ગયા હોય એવું બન્યું નથી!” ભુવાજીએ એક ચોપડો ખોલ્યો અને તેમાં બેરોઝબેનની મુંઝવણ ટપકાવી લીધી, પછી કહ્યું : “બેરોઝબેન! આવતા રવીવારે આવજો. ત્યાં સુધીમાં માતાજી આ ચોપડામાં પ્રવેશ કરીને તમારી મુંઝવણ દુર કરી દેશે!”

બેરોઝબેન દારુવાલાના ચહેરા ઉપર ખુશી દોડી ગઈ! ભુવાજીનું નામ હતું અરવીંદ મોહનલાલ ભગત (ઉમ્મર : 55 વર્ષ). મુળ ભરુચના; પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં હેલ્થ વીભાગમાં રોજમદાર હતા એટલે સુરતમાં વેડ રોડ ઉપરની બહુચરનગર સોસાયટીમાં રહેતા હતા. અભ્યાસ અગીયાર ધોરણ સુધીનો. ભુવાજીએ પોતાના ઘેર જ માતાજીની બેઠક ઉભી કરી હતી. મંગળવાર અને ગુરુવારે સાંજના છ થી આઠ અને રવીવારે સવારના આઠથી સાંજના આઠ સુધી ભુવાજીના ઘેર ધમધમાટ રહેતો હતો. 1973થી તેણે લોકોના દુઃખ દર્દ દુર કરવાનું શરુ કર્યું હતું. બહુચરનગર સોસાયટીની આજુબાજુની સોસાયટીઓમાં ભુવાજીની સેવાની સુગંધ ફેલાઈ ગઈ હતી! તેનો પહેરવેશ જોતાં જ તેનામાં દૈવી શક્તી હોય તેવું લોકોને લાગતું હતું! રેશમી સ્લીવલેસ ઝભ્ભો, નીચે પોતડી, ગળામાં માળાઓ, કપાળમાં ટીલાં ટપકાં, લાંબા વાળ, લાંબી દાઢી વગેરે ભુવાજીની આભા વધારતા હતા!

બેરોઝબેન ભુવાજીને તાકી રહ્યા. દરમીયાન એક યુવકે ભુવાજીના પગ પકડી લીધા અને કહ્યું : “ભુવાજી! મારા દસ લાખ રુપીયા ફસાઈ ગયા છે! કંઈક કરો!”

“યુવક! ઉભો થા! તારું નામ?”

“ભુવાજી! તમે બધું જાણો છો! ત્રીકાળ જ્ઞાની છો! મારા નામની તમને ખબર જ હોય! હોય કે નહીં?”

“અરે યુવક! તું નશો કરીને આવ્યો છે? માતાજીની બેઠકમાં શીસ્ત રાખવી પડે!”

“ભુવાજી! મેં નશો નથી કર્યો. અમારું કામ લોકોને, અજ્ઞાનના નશામાંથી બહાર કાઢવાનું છે!”

“યુવક! તું શું કહેવા માંગે છે?”

“ભુવાજી! મારી સાથે અહીં કોણ કોણ આવ્યા છે, તેના નામોની તમને ખબર છે!”

“યુવક! હું બધું જાણું છું! પણ એ બધું તને કહેવાનો અર્થ નથી! માતાજીને બધું જ કહીશ!”

“ભુવાજી! માતાજી તમારું સાંભળે છે?”

“બીલકુલ મને સાંભળે છે!”

“ભુવાજી! તમે ચમત્કારી છો! અમને પણ એકાદ ચમત્કાર બતાવો!”

“યુવક! ચમત્કાર જોવા માટે પાત્રતા હોવી જોઈએ! તારી પાત્રતા જણાતી નથી!”

ભુવાજી નારાજ થઈ ગયા. માતાજીની બેઠકમાં બીજા ભક્તો પણ બેઠા હતાં. એક ભક્તે કહ્યું : “યુવક! ભુવાજી ચમત્કારી છે! તું ભુવાજીની પરીક્ષા લેવા માંગે છે? ભુવાજીએ અસંખ્ય લોકોના દુઃખ–દર્દ દુર કર્યા છે! ભુવાજી લોકોના તારણહાર છે! ભુવાજીની વીધીના કારણે કેટલીય મહીલાઓને  સંતાનપ્રાપ્તી થઈ છે! ભુવાજીના ગળામાં બે રક્ષાપોટલી છે, બન્ને બાવડા ઉપર ચાર–ચાર રક્ષાપોટલીઓ છે, તે માતાજીએ બાંધેલી છે! ભુવાજી વળગાડ કાઢે છે. ભુતપ્રેત, ચુડેલ, મામાપીરને ભગાડે છે! શક્તીપાત કરે છે. કુંડલીને જાગૃત કરે છે! ભુવાજી જપ, તપ, મન્ત્ર, તન્ત્ર, ક્રીયાકાંડ, હોમહવન, ગ્રહદોષ, મેલીવીદ્યા, વાસ્તુશાસ્ત્ર, વશીકરણ વગેરેના નીષ્ણાંત છે! ભુવાજીએ અસાધ્ય રોગો દુર કર્યા છે! ભુવાજી સુરતરત્ન છે! ભુવાજીનું સન્માન કરવું જોઈએ!”

“બરાબર છે! ભુવાજી સુરતરત્ન છે!” દસબાર ભક્તો એક સાથે બોલી ઉઠયા.

ભુવાજીને ગન્ધ આવી ગઈ. યુવક સાથે બીજા માણસો હતા. સ્થાનીક ટીવી ચેનલના વીડીયોગ્રાફર પણ હતા. યુવકે કહ્યું :ભુવાજી! તમે કશું જાણતા નથી! બધું જાણો છો તેવો ઢોંગ કરો છો! મારું નામ તમે જાણી શક્યા નહીં! ભુવાજી! મારું નામ સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) છે. મારી સાથે મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234),  ખીમજીભાઈ કચ્છી(સેલફોન : 98251 34692),  ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374),  એડવોકેટ જગદીશ વક્તાણા(સેલફોન : 94261 15792 ), પરેશ લાઠીયા(સેલફોન : 98257 70975), મહેશ જોગાણી(સેલફોન : 98241 22520), અને બેરોઝબેન દારુવાલા છે! બેરોઝબેન હજુ અપરણીત છે, છતાં તેના પતીનું ગાંડપણ દુર કરવા તમે સો ટકા ગેરંટી આપો છો! ભવીષ્યમાં શું થશે, તેની વાતો કરી ભક્તોને અન્ધ બનાવો છો; પણ વર્તમાનમાં તમારી સાથે કોણ છે, એ તમે જાણી શક્તા નથી! અમે ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છીએ તમારો પર્દાફાશ કરવા અહીં આવ્યા છીએ!”

એક ભક્ત મહીલા ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું : “ભુવાજી! આ સત્યશોધક સભાના સભ્યોને પાઠ ભણાવો. મુઠ મારો. ચમત્કાર કરો. બધાંને લકવો થઈ જાય, તેવું કરો!”

ભુવાજીનું શરીર ધ્રુજવા લાગ્યું. ભક્તોને લાગ્યું કે ભુવાજીના શરીરમાં માતાજીએ પ્રવેશ કર્યો છે! ભુવાજીના આખા શરીરે પરસેવો વળી ગયો. મધુભાઈ કાકડીયાએ પુછ્યું : “ભુવાજી! છેલ્લી તક આપું છું. તમે એ કહી શકશો કે પોલીસ સ્ટેશનમાં?”

ભુવાજી સત્યશોધક સભાના સભ્યોના પગે પડી ગયા અને કહ્યું : “મને માફ કરો! પોલીસને બોલાવશો નહીં. હું ચમત્કારી નથી. તર્કટ કરું છું. ઘણા પોલીસ અધીકારીઓને મેં વીટીઓ આપી છે. તેમને ખબર પડશે તો મને ઝુંડી કાઢશે! અન્ધશ્રદ્ધાની ખેતી સરળ છે, અને ઉત્પાદન થોકબન્ધ ઢાળે છે! આ એવો ધન્ધો છે, જેમાં ઈન્વેસ્ટમેન્ટની જરુર નથી કે રૉ મટીરીઅલની જરુર પડતી નથી! મફ્તીયા ભક્તો શ્રમદાન કરે છે! હું માત્ર લણણી કરું છું! ઉપભોગ કરું છું! પરન્તુ આજથી અન્ધશ્રદ્ધાની ખેતી બન્ધ!

“ભુવાજી! કાયમી ધોરણે તમારું હૃદય પરીવર્તન થયું છે, એની કોઈ ખાતરી?” મધુભાઈ કાકડીયાએ પુછ્યું.

“મધુભાઈ! મારી પાસે ચાર ચોપડા છે. આ ચોપડા તમને આપું છું. આ ચોપડામાં તર્કટલીલા મેં નોંધી છે!”

“ભુવાજી! મને એ સમજાવો કે તર્કટનો હીસાબ રાખવાનું કારણ શું?”

“મધુભાઈ! મારી સેવાની ખ્યાતી એટલી ફેલાઈ ગઈ હતી કે લોકોનો ધોધ માતાજીની બેઠક તરફ વહેવા લાગ્યો. હું કેટલાં લોકોને યાદ રાખું? કોની કેવી સમસ્યા છે, એ યાદ રાખવાનું મુશ્કેલ બન્યું! મેં ચોપડામાં હીસાબ શરુ કર્યો. નામ, ઠેકાણું, સમસ્યાઓની નોંધ કરતો. ઉપાયની નોંધ કરતો, પછી રવીવારે, મંગળવારે કે ગુરુવારે લાલચુ ભક્તોને બોલાવતો અને સમસ્યાનું નીરાકરણ કરતો હતો! મધુભાઈ! પોલીસને બોલાવશો નહીં!”

“ભુવાજી! ચીંતા ન કરો. કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર અહીં આવી રહ્યા નથી. મેં તો હવામાં તીર છોડ્યું હતું, વાગે તો ઠીક નહીં તો કાંઈ નહીં! એ તો અમારી યુક્તીપ્રયુક્તી હતી! ભુવાજી! તમારા ધન્ધાની સફળતાનું રહસ્ય શું છે? શા માટે લોકો તમારી પાસે આવે છે?”

મધુભાઈ! ભુવાજી પાસે સમસ્યા લઈને આવનાર માનસીક રોગી હોય છે! પછી તે રોગી મટીને ભક્ત થઈ જાય છે! રોગી ભુવાજીને તબીબ માને છે! સાચી સમસ્યામાં ભુવાજી પાસેથી ઉકેલ મેળવવાની લાલચ કે આકાંક્ષા રાખવી તે રોગ છે! મધુભાઈ! સોળ વર્ષની દીકરી ઘેરથી જતી રહી હોય તો તેને શોધવી પડે. પોલીસને જાણ કરવી પડે. પરન્તુ દીકરીના ઠેકાણા માટે ભુવાજી કે મૌલવીને ત્યાં માબાપ જાય તો તે માનસીક રોગ છે! આવા રોગી ભુવાજી પાસે આવે ત્યારે ઘણાં રોગીઓ કંઈને કંઈ જોવડાવવા આવેલા હોય તેને જુએ છે, એટલે તે એવું માનવા લાગે છે કે દીકરીને શોધવા પોલીસની મદદ માંગનારા ગાંડા છે! દીકરીને ભુલ સમજાય અને ઘેર પાછી ફરે તો ભુવાજીની સફળતાના નગારાં વાગે! દીકરી મળી ન આવે તો ભુવાજી પાસે કારણો તૈયાર હોય છે. નડતર, મુઠચોટ, વશીકરણ, ગ્રહદશા, મેલીવીદ્યા! બે ત્રણ વર્ષ સુધી આવા કારણો ઉપર ધન્ધો ચાલે, છેવટે કહેવાનું– ગત જન્મના કર્મબન્ધન! આમાં ભુવાજીની કોઈ જવાબદારી જ ન આવે! ભુવાજી પાસે લોકો મન મુકીને છેતરાય! ભુવાજી તન, મન અને ધનનો ઉપયોગ કરે, તેમ છતાં લોકો ભુવાજીના આશીર્વાદ મેળવવા તડપતા રહે! કોઈ પણ ધન્ધો આની તોલે ન આવે! સમાજ માંદો રહેવા માંગે તેથી મારા જેવા ભુવાજી, સાધુ, બાપુ, મૌલવી, સ્વામીઓ સમાજને મળી જાય છે! ટુંકમાં માંગ છે, તો પુરવઠો હાજર છે!”

“ભુવાજી! તમારા આ ચોપડા અંગે સ્પષ્ટતા કરો!”

મધુભાઈ! આ ચાર ચોપડા જાન્યુઆરી, 2001થી શરુ થાય છે. આઠ મહીનાની નોંધ છે. કુલ 771 રોગીઓ મારી પાસે આવ્યા. તેમાં મહીલાઓ : 465 હતી અને પુરુષો : 306 હતા! 771 પૈકી સુરત શહેરના : 650, સુરત બહારના : 112 અને વીદેશના : 09 રોગીઓ હતા! રોજના ત્રણ નવા અને ત્રણ જુના રોગીઓ આવતા હતા. સુરત શહેરમાં 1,504 જેટલા ભુવાં, પીર, જ્યોતીષીઓ છે. રોજ 3,000 જેટલાં માણસો સુરત શહેરમાં સ્વેચ્છાએ રોગી બને છે! 771 રોગીઓમાં 675 હીન્દુ હતા, 71 મુસ્લીમ હતા, 20 જૈન અને 05 ઈસાઈ હતા! 771 પૈકી 600 રોગીઓ ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમન્ત વર્ગના હતા. તેમાં 10 એન્જીનીયર અને 05 ડૉકટર હતા! સમસ્યાઓની દૃષ્ટીએ વર્ગીકરણ કરીએ તો 771 પૈકી 307 કૌટુમ્બીક, 225 આર્થીક અને 239 શારીરીક રોગોની મુંઝવણી હતી! 771 પૈકી 77ને રાહત થઈ જાય તો તે 77 માણસો ભુવાજીની ચમત્કારીક શક્તીનો પ્રચાર કરે છે અને 694 રોગીઓ મુંગા રહે છે! રોગી દીઠ 1,000/- રુપીયાની ફી ગણીએ તો રુપીયા 7,71,000/– આવક થઈ! હું સ્વીકારું છું કે આ ઉપચાર નથી, છેતરપીંડી છે!

“ભુવાજી! લોકો કઈ કઈ સમસ્યાઓ લઈને તમારી પાસે આવતા હતા?”

“મધુભાઈ! હસવું આવે તેવી સમસ્યાઓ લઈને લોકો આવતા. કૌટુમ્બીક સમસ્યાઓમાં, દીકરીને સારું ઠેકાણું મળે, પતીની દારુ–જુગારની લત, પતીપત્ની વચ્ચે મનમેળનો અભાવ, પ્રેમીકાનું સમર્પણ, રખાતને દુર કરવી, વીરોધીને લકવો થઈ જાય, તેના ઝાડા–પેશાબ બન્ધ થઈ જાય, પતીપત્ની વચ્ચે મનમેળ તુટી જાય, પુત્રપ્રાપ્તી થાય વગેરેનો સમાવેશ થાય! જ્યારે શારીરીક રોગ અંગેની મુશ્કેલીઓ બીજા ક્રમે આવે છે. તેમાં મુખ્યત્વે સંતાનપ્રાપ્તીની ઝંખના, પેટનો દુઃખાવો, માથાનો દુઃખાવો, ઉંઘ ન આવવી, આપઘાત કરવાની ઈચ્છા વગેરેનો સમાવેશ થાય છે. આર્થીક મુંઝવણમાં મુખ્યત્વે કુટુમ્બના સભ્યો વચ્ચે મીલકતોની વહેંચણી, મકાનનું વેચાણ, ધન્ધો વધારવો, હરીફને પછાડવો, દેવું ભરપાઈ કરવું, ઉઘરાણી પતાવવી વગેરેનો સમાવેશ થાય છે! સંતાનપ્રાપ્તીની વીધીમાં મહીલાને હું એકાન્તમાં બોલાવતો હતો!”

“ભુવાજી! એવી કોઈ સમસ્યા તમારી સાથે આવી હતી કે જેમાં તમને સફળતા મળેલ ન હોય?”

“મધુભાઈ! બે સમસ્યા એવી હતી કે જેમાં મને સફળતા મળી ન હતી! એક કીસ્સામાં, એક યુવકે મારી પાસે ફરીયાદ કરેલી કે મારા ગળામાં વાયુ ભરાઈ ગયો છે, તેને કાઢી આપો! જયારે બીજા કીસ્સામાં, એક હીરાના વેપારીએ પાંચ હજાર આપીને કહેલ કે મકાન ઉપરનો પાણીનો ટાંકો રાત્રે ભર્યો હતો, જે સવારે ખાલી થઈ ગયો હતો, એનું કારણ શોધી આપો! આ ચારેય ચોપડાનો અભ્યાસ, સત્ય શોધક સભા કરશે, તો ઘણાં રહસ્યો જાણવા મળશે!”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(24, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–10–2017

10 Comments

  1. અતી સુંદર. સત્ય શોઘક સભાના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન. મળેલાં ચાર પુસ્તકોને શાળાઓમાં વર્ગોમાં પાંચમાં ઘોરણથી અઠવાડીઅે અેક ક્લાસમાં ભણાવવાનું શરું કરવામાં આવે તો અાવતી નવી પેઢીના વિચારો બદલી શકાય. ભુવાજીના ઘરાકોમાં ડોક્ટરો પણ હતાં અને તે ગુજરાતી સમાજની કક્ષા બતાવે છે. ગુજરાતની સરકારના અેજ્યુકેશન ડીપાર્ટમેંટના પ્રઘાન ભુવાજીમાં માને છે કે કેમ તે પહેલાં જાણવું જોઇઅે. અથવા તો ગુજરાત સરકારનાં કેટલાં પ્રઘાનો ભગત..ભૂઅામાં માને છે તે શોઘવું જોઇઅે…ખાનગીમાં……સત્ય શોઘક સભાને હાર્દિક અભિનંદન. સુરતમાં જેટલાં ભુવાજીઓ છે તેમનું સરઘસ કઢાવો…..રમેશભાઇ સવાણી અને ગોવિંદભાઇને અભિનંદન. રમેશભાઇને ખાસ કેમકે અેમણે જે રીપોર્ટ આપ્યો છે તે આંખ ઉઘાડનારો છે…અેનાલીસીસ રસ્તો ચીંઘનારું છે.

    આભાર.

    અમૃત હઝારી

    Liked by 1 person

  2. વાત યાદ આવી. દિલ્હીની દેશની સરકારમાં પણ અેવાં અેવાં પ્રઘાનો છે જેઓ ભગત…ભૂઅા….ના ભક્તો છે અેવું ઘણા પેપરોમાં છપાયેલું વાંચેલું. પ્રઘાનપદ મેળવવા પણ ભગત…ભૂઅાને પૂજનારાનાં નામો પેપરોમાં અાવતાં હતાં…સાચુ…જુઠું તેમનો ભગવાન જાણે. પકડાયેલાં સાઘુઓને કયાં સુઘી જેલમાં બેસાડી મકશે ? તેમની મિલ્કતોનો ગરીબોને માટે સદઉપયોગ કરવાની બુઘ્ઘિ પણ આ પ્રઘાનોની મગજશક્તિ વાપરી શકે કે નહિ ?
    કેટલાં સાઘુઓને સરકારી પ્રોટેક્ષન મળે છે તે શોઘવું જોઇઅે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. “ચમત્કાર ને નમસ્કાર” કહેવત અનુસાર, ભોળા લોકો આવા ષડયંત્રોમાં ફસાઈ જાય છે. અમેરીકા જેવા પ્રગતિશીલ દેશમાં પણ ટેલીવીઝન પર આવા તરકટો થઈ રહ્યા છે. જ્યાં સુધી પ્રજામાં જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી આવા તરકટો થતા રહેશે. આ વિષે “સત્ય શોધક સભા”ના સભ્યો જે કંઈ કરી રહ્યા છે, તે દાદ ની પાત્ર છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  4. ભુવાજી પાસેના ચાર ચોપડાઓમાં જેટલાં કેસો છે તે બઘા અભ્યાસક્રમ માટે …બાળકોને શીખવવા માટે પુરું ભાથુ આપશે. જુદા જુદા કેસ અંઘશ્રઘ્ઘાના જુદા જુદા પ્રકારો પુરા પાડશે. સત્યશોઘક સભાના સભ્યો માટે અેક મોટા પાયે કર્મ કરવાનું મળશે. આ લેખ અને અા કોમેંટસ્ નરેન્દ્ર મોદીને કોઇ ઓળખાણવાળાની થ્રુ મોકલાતા હોય તો મોકલવા જોઇઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. બહુજ સરસ જાગૃતિ અભિયાન ને વેગ આપો છો આપ તમારા કાર્ય ની પ્રશંસા કરવા શબ્દ મળે તેમ નથી

    Liked by 1 person

  6. ખૂબ જ ઉપયોગી લેખ લાગ્યો.મનની નબળી દશાનો ફાયદો અંધશ્રધ્ધા કે ધર્મના ઓઠા તળે કરતા લોકો માટે ચેતવા જેવો છે. ખૂબ જ ઉપયોગી લેખ…દેશને કોમામાં રાખતા આવા નોર્મલબાબાઓ સમોસા ખવડાવવાનું બંધ કરશે તો ખૂબ ગમશે…મનની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવનમાં બદલાવ આવે જ છે.સમાજને મોટીવેશનની અને સાચા શિક્ષણપ્રણાલીની ખૂબ જ જરૂરી છે..શિક્ષક,ડૉક્ટર ભૂવા-ભવાડા પાસે જાય તો આ દેશનું ભવિષ્ય કેવું ????

    Liked by 1 person

  7. મનોવીજ્ઞાનથી ચોપડાવાળા ભૂવાજીને સમજવા સરળ લાગ્યા.સત્યશોધક સભ્યોને અભિનંદન..

    Liked by 1 person

Leave a comment