ઈશ્વર : દુનીયાનું એક અઘરું ઉખાણુ!

5

ઈશ્વર : દુનીયાનું એક અઘરું ઉખાણુ!

ઈશ્વર વીશે દુનીયાભરના ચીંતકો સદીઓથી બૌદ્ધીક વ્‍યાયામ કરતાં આવ્‍યા છે. જેને જે સમજાય તે કહે છે. ઈશ્વર વીશેની માન્‍યતાઓ સાથે તેનો તાળો મળતો નથી. સત્‍ય જોડે એનો મેળ ખાય તોજ એ વીચારવલોણું સાર્થક થયું લેખાય. જો કે અન્તીમ સત્‍ય ક્‍યાં છે એ મુદ્દો હમ્મેશાં વીવાદાસ્‍પદ રહ્યો છે. કહેવાય છે કે માન્‍યતાઓના વાદળો ઓથે સત્‍યનો સુરજ ઝાઝીવાર સુધી છુપો રહી શકતો નથી; પણ માન્‍યતા અને સત્‍ય વચ્‍ચે ક્‍યારેક સાપ અને દોરડા જેવું સામ્‍ય હોય છે, તો ક્‍યારેક હાથી અને હરણ જેવો તફાવત! સત્‍ય એવાં વીવીધ અન્તીમો વચ્‍ચે કયાંક છુપાયેલું છે. ઈશ્વરના અસ્‍તીત્‍વ વીશે થોકબન્ધ લખાયા પછીય એ રહસ્‍ય વણઉકેલ્‍યું જ રહ્યું છે. એમ કહો કે ઈશ્વરનું અસ્‍તીત્‍વ એ આ દુનીયાનું સૌથી અઘરું ઉખાણું છે.

વીશ્વના બધાં  દેશોમાં ઈશ્વર વીષેના ચીંતન મનન થતાં રહ્યાં છે. થોડાંક વર્ષોથી આપણે ત્‍યાં રૅશનલ વીચારધારાનો વીકાસ થતાં ઈશ્વર વીશેનો નુતન દૃષ્ટીકોણ અમલમાં આવ્‍યો છે; પણ તેનું પ્રમાણ સીંધુમાં બીન્‍દુ સમુ અલ્‍પ છે. આપણું ભારતીય જનજીવન ધાર્મીક સંસ્‍કૃતીના આધ્‍યાત્‍મીક રંગે રંગાયેલું છે. અહીં ઈશ્વરની ભક્‍તી પાછળ બેહદ સમય, શક્‍તી અને નાણા વેડફવામાં આવે છે. પશ્ચીમના દેશોમાં એવું થતું નથી. ત્‍યાં રોજ મન્દીરે જઈ મુર્તીની ફરતે પ્રદક્ષીણા ફરવાનો કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો કોઈ પાસે સમય હોતો નથી. છતાં તેઓ આપણાં કરતાં અનેક રીતે ચડીયાતી પ્રજા છે.

આસ્‍તીક્‍તા– નાસ્‍તીક્‍તા એ વૈચારીક સ્‍વાતન્ત્ર્યનો મુદ્દો છે. તે અપરાધ નથી; પરન્તુ આસ્‍તીક્‍તાનો અતીરેક જાહેર જનજીવનમાં અપરાધકીય પરીણામો સર્જતો હોય તો તેને સામાજીક અપરાધ ગણવો જોઈએ. આપણી પ્રજાના લોહીમાં વધુ પડતી આસ્‍તીક્‍તા ભળી ગઈ છે. કમળામાંથી કમળી થઈ જાય એમ અહીં ભક્‍તીમાંથી ભવાઈ થઈ ગઈ છે. શીક્ષીતોય તેમને ગળથુથીમાંથી પ્રાપ્‍ત થયેલ ભક્‍તીના સંસ્‍કારોમાં ગળાડુબ હોય છે. વીજ્ઞાન ભણાવતો શીક્ષક હનુમાનજીની ખફા દૃષ્ટી વહોરવી ન પડે તે માટે શનીવારે હજામત કરાવતો નથી. ઘણાં ડૉક્‍ટરો પોતાના દવાખાનાની બારસાખે લીંબુ અને મરચું લટકાવે છે. અરે! કૉમ્‍પ્‍યુટરની ઈન્‍સ્‍ટીટયુટમાં લીંબુ અને મરચું લટકતું મેં જોયું છે. આ દેશમાં ઉપગ્રહ છોડતી વેળા સાયન્‍ટીસ્‍ટો નારીયેળ ફોડે છે.

સરકસમાં ખેલ બતાવતો વાંદરો ખેલ પુરો થયા બાદ અન્‍ય સાધારણ વાંદરાથી અલગ વર્તન કરતો નથી. આપણો કહેવાતો શીક્ષીત માનવી એ સરકસીયા વાંદરાની પ્રતીમુર્તી છે. તેના વીચારો અને વર્તન વચ્‍ચે હાથી અને હરણ જેવો તફાવત છે. વૈચારીક રીતે તેનું સમ્પુર્ણ બૌદ્ધીક સ્‍વરુપ પ્રગટ થાય છે; પણ વાસ્‍તવીક્‍જીવનમાં તે અન્‍ય સાધારણ માનવી જેવી સેંકડો જડ વીચારધારાનો ગુલામ હોય છે.

સીનેમા હૉલમાં બે માણસો ફીલ્‍મ જોઈ રહ્યાં છે. એક માણસ શહેરી છે. તે તલ્લીન બની અઢી કલાક સુધી ફીલ્‍મની પુરી મજા માણે છે. બીજો માણસ ગામડીયો છે. તે પરદા પર દેખાતા રંગીન ચીત્રને અલૌકીક શક્‍તી માની હાથ જોડી પ્રણામ કરે છે. દુનીયાની વસ્‍તી બે પ્રકારના માણસોમાં વહેંચાઈ ગઈ છે. પ્રથમ વર્ગમાં બૌદ્ધીક માણસોનો સમાવેશ થાય છે. જેઓ દુનીયાની ફીલ્‍મ પુરી તન્‍મયતાથી માણે છે. બીજો વર્ગ એવા માણસોનો છે જેઓ દુનીયાની ફીલ્‍મ જોઈ ક્ષણે ક્ષણે એના સર્જકને યાદ કરે છે. તેની પુજા કરે છે. અને એ પ્રવૃત્તીમાં એવા ખોવાઈ જાય છે કે ન  ફીલ્‍મ માણી શકે છે ન ફીલ્‍મના સર્જકનું પગેરું શોધી શકે છે. દુનીયામાં આ બન્‍ને પ્રકારના માણસો આસ્‍તીક અને નાસ્‍તીકના મોરચામાં વહેંચાઈ ગયા છે.

એક વર્ગ માને છે – આ દુનીયાને સર્જનાર કોઈક છે. તે અદૃશ્‍યપણે કઠપુતળીની જેમ આ વીશાળ જગતનો કારોબાર ચલાવી રહ્યો છે. બીજો વર્ગ એવું વીચારે છે– ભગવાન, ઈશ્વર, ખુદા  એ બધી માનવીની મીથ્‍યા માન્‍યતાઓ છે. ઈશ્વરનું અસ્‍તીત્‍વ છે જ નહીં. આ દુનીયા કેવળ એક અકસ્‍માત છે. વીજ્ઞાનની મદદથી માણસ તેને ચલાવે છે. ઈશ્વર વીશેનું આ વૈચારીક યુદ્ધ વર્ષોથી ચાલતું આવ્‍યું છે. સત્‍ય જે હોય તે, પણ એટલું સ્‍પષ્ટ છે કે માનવીનો આ દુનીયા સાથેનો સમ્બન્ધ બુદ્ધીગમ્‍ય હોવો જરુરી છે. જગતના જનરેટરની સ્‍વીચ માનવીના દીમાગમાં આવેલી છે. યાદ રહે ફીલ્‍મના પરદાને પગે લાગતા જીવતા માણસ કરતાં ફીલ્‍મનું નીર્જીવ રીલ જગતને વધુ ઉપયોગી છે.

ભુસ્‍તરશાસ્‍ત્રીઓના મત મુજબ જાપાનની ભુગર્ભીય સ્‍થીતી એવી લાવાયુક્‍ત છે કે ત્યાં ધરતીકમ્પ વારંવાર થાય છે. જાપાનીઓએ એના ઉપાય તરીકે પુઠાંના ઘરો વીકસાવ્‍યાં છે. જે ધરાશાયી થાય ત્‍યારે કોઈની જીવહાની થતી નથી. કુદરત સાથેનું આવું બુદ્ધીગમ્‍ય તાદાત્‍મ્‍ય જ સાચી સમજ લેખાય. આપણે ત્‍યાં આવું થતું હોત તો તેને કુદરતનો પ્રકોપ માની લેવાતો હોત અને તેના ઉપાયરુપે પુજા–પાઠ, હોમ–હવન કે યજ્ઞો ચાલું થઈ જતાં હોત. સુરતમાં વર્ષો પુર્વે પ્‍લેગ ફાટી નીકળ્‍યો હતો ત્‍યારે કથા–કીર્તન, પુજા–પાઠ, હોમ–હવન વગેરે ચાલુ થઈ ગયા હતા. કદાચ મનની શાંતી માટે તેવું કરવામાં આવતું હોય તો વ્‍યક્‍તીની તે અંગત બાબત ગણી ક્ષમ્‍ય લેખાય..! પરન્તુ રોગમુક્‍તીઅર્થે જાહેરમાં આવા ધાર્મીક ક્રીયાકાંડો કરવામાં આવે છે. રમુજની વાત એ છે કે પ્‍લેગ ફાટી નીકળે એવી ચોમેરની ગન્દકી દુર કરવાનો આપણે કોઈ જાહેર પ્રયત્‍ન કરતાં નથી અને તેની નાબુદી માટે જાહેરમાં પુજા પાઠ કરાવીએ છીએ. વર્લ્‍ડકપની મૅચમાં ભારતની જીત થાય તે માટે પણ આપણે ત્‍યાં હોમ–હવન કે કથા વગેરે કરાવવામાં આવે છે. શ્રદ્ધાનો આવો અતીરેક ઉચીત નથી.

કોઈ શ્રદ્ધાળુ મન્દીરમાં બેસી ઈશ્વરભક્‍તી કરતો હોય અને મન્દીરનો ગુમ્બજ તેના મસ્‍તક પર તુટી પડે તો સૃષ્ટીનો કોઈ ભગવાન તેને લોહીલુહાણ થતાં બચાવી શકતો નથી. આપણે ત્‍યાં એવા કીસ્‍સામાં મન્દીરનું બાંધકામ કરનાર કોન્‍ટ્રાક્‍ટરને સજા કરવાને બદલે એમ માનવામાં આવે છે કે મન્દીરનું મોત કોના ભાગ્‍યમાં? ભગવાનના ચરણોમાં મર્યા એટલે સીધા સ્‍વર્ગમાં ગયા! માનવજીવનમાં ઈશ્વર પ્રત્‍યેની આસ્‍થાનું પ્રમાણ દાળમાં નમક જેટલું હોવું જોઈએ. ઈશ્વરને સમજ્‍યા વીનાની આંધળી આસ્‍તીક્‍તા અન્ધારામાં છોડાતા તીર જેવી હોય છે. શ્રદ્ધાના ગાંડપણ કક્ષાના અતીરેકથી માણસે બચવું જોઈએ. 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ(પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ પાચમો લેખ, પુસ્તકનાં પાન 23થી 25 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી–396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–10–2017

 

12 Comments

  1. ઇશ્વર અમારી સોસાયટીમાં રોજ સફાઈ કરવા આવે છે. એ જ મારો સાચો ઇશ્વર,ખરુ કે નહીં?
    @ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

    Liked by 1 person

  2. ઈશ્વર નું અસ્તિત્વ છે કે નહીં, તે ઉખાણા કરતા તેનાથી વધુ અઘરું અને ગુઢ ઉખાણુ ઍ છે કે સાચો ઈશ્વર ક્યો? કારણકે દરેક ધર્મ વાળાઑ પોતાની જ માન્યતા અનુસાર પોતાના જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.

    હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહુદી, શીખ, જૈન, બુદ્ધ વગેરે દરેક ધર્મ વાળાઑની માન્યતા અનુસાર જો આ બ્રહભાંડની વ્યવસ્થા કેવળ તેમના જ ઈશ્વર, પરમેશ્વર, પ્રભુ, ભગવાન, અલ્લાહ, ગોડ, ખુદાના અંકુશ માં છે, તો શું આ માનવું રહ્યું કે બ્રહભાંડની વ્યવસ્થા ખરેખર આ ૭ અનુપમ હસ્તીઓ સાથે મળી ને ચલાવી રહી છે? ઍક વસ્તુ ની વ્યવસ્થા જો ઍક સાથે ૭ વ્યક્તિ ને આપી દેવામાં આવે, તો શી પરિસ્થિતિ થાય? ચારે તરફ અંધેર અને અંધેર. સત્ય તો ઍ છે કે જો તે અનુપમ હસ્તી નું અસ્તિત્વ ખરેખર છે, તો દરેક ધર્મવાળાઑઍ તેને પોત પોતાની માન્યતા અનુસાર નામ આપી દેધેલ છે.

    આ પ્રકારના કોયડા અને ઉખાણાનો ઉત્તર ૧૦૦ ટકા સાચો કોઈ પણ મનુષ્ય નથી આપી શકતો. પરંતુ ઍ સત્ય છે કે સૌ પોત પોતાની માન્યતા અનુસાર પોતાના ઈશ્વર, પરમેશ્વર, પ્રભુ, ભગવાન, અલ્લાહ, ગોડ, ખુદાની સ્તુતિ પોતાના ધર્મ અનુસાર કરે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  3. લેખ વાંચ્યો.
    ઇશ્વર લેખમાં દેખાયો નહિ. રોજીંદી જીવનચર્યાની વાતો વાંચી. દીનેશભાઇઅે આખો લેખ અેક વાક્યમાં અટોપી લીઘો.
    ‘ શ્રઘ્ઘાના ગાંડપણ કક્ષાના અતીરેકથી માણસે બચવું જોઇઅે.ં
    મને અેવું હતું કે ફક્ત ‘ઇશ્વર‘ ઉપર જ લેખ હશે….જે અેક ખૂબ ઊંડો ઉખાણો છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. Friends,
    When we are thinking about existence of God, we have to dedicate our life in studying the unknown. I was reading one article….” What is God ?” Written by Tom Kirkpatrick. ( Under the title of ” Life, Hope & Truth.” ) I would like to present few thoughts presented by Tom….
    Is God a creation of the mind ? A comforting and consoling thought that may be there is someone who can help us in time of need? OR is God much more ?
    Did God create man in His own image or is it the other way around ? What do you know about this question ? Have you simply, perhaps even carelessly, accepted what other people have told you without really thinking about it ? If so, consider this question carefully, because the implications for your life are huge !
    Materialism and Humanism.
    In the world today, millions of people hold to the beliefs and conclusions of materialism and humanism. According to these ideas, physical matter and the laws of physics and chemistry that act on matter….are everything. As the famous astronomer, Carl Sagan summed it up, ” The cosmos is all that there is or ever was or ever will be. “…….
    રોજીંદા જીવનની સુખ…દુ:ખની વાતો માટે જો આપણને સવાલ પુછવો જ હોય તો , ઇશ્વરને દુનિયાના અેક ઉખાણા જેવો ના પૂછો. શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘ્ાનો વિષય અેક અલગ ચીજ છે.
    અેક વાત યાદ અાવી…..‘ ઇશ્વર બદલી ના શક્યો કોઇ માણસને આજ સુઘી……અને સેંકડો ઇશ્વર બદલી નાંખ્યા માણસોઅે આજ સુઘી…..‘
    અને સાહિલ.. કવિ સાહિલે સરસ વાત કરી છે…..
    ‘ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ‘,
    ભગવાન સે મિલનેકી આરઝું પે હંસી આતી હૈ.‘
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. Very Nice thoughts….જ્યા સુધી ખુદ ને મળાતુ નથી ત્યાં સુધી ખુદા પણ મળતા નથી….

    Liked by 1 person

  6. I also like last part ” શ્રદ્ધાના ગાંડપણ કક્ષાના અતીરેકથી માણસે બચવું જોઈએ. “

    Liked by 1 person

  7. ગણિતમાં વર્ગમૂળ કેવળ ઘન (પોઝિટિવ positive) સંખ્યાઓનું જ કાઢી શકાય. કારણકે બે ઋણ (નેગેટિવ negative) સંખ્યાઓને એક બીજા વડે ગુણીએ તો જવાબ ઘન જ આવે. છતાં ગણિતની એક શાખામાં કાલ્પનિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકાર વગેરે કરવામાં આવતા હોય છે. તેમાં ઋણ 1 ના વર્ગમૂળને i ( imaginary શબ્દનો પહેલો અક્ષર) સંજ્ઞા આપવામાં આવે છે. અને બધી ગણતરીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. √−1 વાહિયાત લાગે તો યે આ ગણિત વીજળીને લગતા સમીકરણો ઉકેલવામાં ઘણું ઉપયોગી થાય છે. તે સિવાય પણ બીજી ઘણી ગણતરીઓમાં તે વપરાય છે.

    ishvar નો પહેલો અક્ષર પણ i છે. જેવી રીતે -1 નું વર્ગમૂળ કાઢી શકાતું નથી તેવી રીતે ઈશ્વરનું મૂળ પણ કાઢી શકાતું નથી. છતાં ઘણા માનવોને તેમના વિકટ સંજોગોમાં ટકાવી રાખવા માટે કામ લાગે છે. આ કાલ્પનિક ઈશ્વરનો વેપાર ના થાય તેની તકેદારી રાખવી જોઈએ. પણ વધારે પડતા બુધ્ધિવાદમાં પડવાને બદલે ઈશ્વર નથી જ નથી તેવો આગ્રહ રાખવાની જરૂર નથી. બુદ્ધિનો પણ અતિરેક ના થવો જોઈએ.

    Like

  8. Shraddha ej andhshraddha ane bhakto ej andhshraddha kaho to jaraye khotu lagtu nathi ena badle aajno manushya je pragti kari rahyo chhe te self confidence ane shanka ne aabhari chhe aajni darek aadhunik sodh shanka ( scince) ane self confidence ( vaignyaniko no potani jat par no bharoso ) ne aabhari chhe. Ane andhshraddha ane andhbhakto nu parinam aapni samaksh chhe ASHARAM RAMRAHIM RAMPAL RADHEMA VAGERE VAGERE ASHANKHYA .

    Liked by 1 person

  9. ઈશ્વર વિષે વિચારવામાં આસ્તિકો તો ખરાજ પણ નાસ્તિકો પણ ગોથાં ખાય છે. જેમ સજીવ અને નિર્જીવ જેવા ભેદ નથી. પણ તે સમજવું ઘણાને માટે અશક્ય છે. જેમ ભૂતના અસ્તિત્વને શોધવા કેટલાક લોકો અંધારિયા ખંડેર માં વિદ્યુત ચૂંબકીય ઉપકરણો લઈ નિકળી પડે છે તેઓ પણ ભૂવાઓ જેટલાજ તર્કહીન વહેમી છે. ગીતા માં વિશ્વને જ ઈશ્વર કહ્યો છે અને તે પહેલાં વેદોમાં પણ વિશ્વને જ ઈશ્વર કહ્યો છે પણ આ વાત સમજવા કોણ તૈયાર છે. શિવોહમ શિવોહમ.

    સ્વર્ગ, નર્ક, આત્મા અને સર્વ શક્તિશાળી ઈશ્વરની કલ્પનાએ પારાવાર ખૂન ખરાબા કરાવ્યા છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s