અન્ધશ્રદ્ધાનું મનોવીજ્ઞાન

06

અન્ધશ્રદ્ધાનું મનોવીજ્ઞાન

જરા ઝીણવટથી અન્ધશ્રદ્ધાનું અવલોકન કરીશું તો સમજાશે કે કોર્ટમાં ગીતા પર હાથ મુકીને સાચું બોલવાના સોગન્દ ખાવા એને પણ અન્ધશ્રદ્ધા કહી શકાય. સોગન્દનું મુળ ગોત્ર જ અન્ધશ્રદ્ધા છે! કેટલીક બાબતો બાલ્યકાળની ગળથુથીમાં ઘુંટાઈને માનવપ્રકૃતીમાં એવી જડાઈ જાય છે કે શીક્ષીત માણસો પણ ક્યારેક સોગન્દનો સહારો લેતા હોય છે.

ગ્રામીણ ધરતી પર જન્મીને મોટો થયો છું એટલે– ‘અમાસને દીવસે ખીચડી ન રંધાય’થી માંડી ‘દીકરીથી બુધવારે સાસરે ના જવાય…!’ જેવી તમામ અન્ધશ્રદ્ધાનો મને સુપેરે પરીચય છે. બાળપણમાં હાથે માદળીયાં બાંધીને ફર્યો પણ છું. જો કે એ અન્ધશ્રદ્ધામાં મારો કોઈ હાથ નહોતો. (કેવળ મારો હાથ વપરાયો હતો!) મારે કહેવું જોઈએ આ એકવીશમી સદીમાં પણ અમારા વતનમાં  ભગત–ભુવા, બાધા–આખડી, દોરા–ધાગા કે જન્તર–મન્તરની બોલબાલા પ્રવર્તે છે. કેટલાંક ભગતોની તો અઠવાડીયા અગાઉથી ઍપોઈન્ટમેન્ટ લેવી પડે છે. (લુંટાવા માટે ય લોકો લાઈન લગાવીને ઉભા રહે છે!)

એક પ્રસંગ યાદ આવે છે. માણસ પોતાના દુઃખના નીવારણ અર્થે ભગત ભુવા પાસે જાય એ વાત નવી નથી; પણ અમારા ગામનો એક ડ્રાઈવર પોતાની ટ્રક લઈ ધરમપુર, ભગત પાસે એવી ફરીયાદ લઈને ગયો હતો કે ટ્રકને કોઈ ભુતપ્રેતના વળગાડની અસર છે. તેમાં પુરાવેલું પેટ્રોલ ભુત પી જાય છે. અને ટ્રક રાત્રીના સમયે અટકીને રોડ પર ઉભી રહી જાય છે. ભગતે તેને લીંબુ અને મરચું મન્તરી આપી ટ્રકના આગળના ભાગે બાંધેલું રાખવાની સલાહ આપી છે. (મીત્રો, લીંબુ અને મરચું બાંધેલી કોઈ ટ્રક તમારી નજરે પડે તો નક્કી જાણજો તે અમારા ગામની ‘પ્રેતશક્તીવાળી ટ્રક છે.)

આ વાત જાણવા મળી ત્યારે અમારા બચુભાઈએ કહ્યું– નર્મદ જીવીત હોત તો તેને આ જાણી એટલો આઘાત લાગ્યો હોત કે તેણે એ ટ્રકના પૈંડા નીચે કચડાઈને આત્મહત્યા કરી લીધી હોત! એમ કહો કે અન્ધશ્રદ્ધાની વેદી પર વધેરાઈ જઈને તેણે કમળપુજા કરી હોત!’

આજકાલ લગ્નની મોસમ ચાલે છે. કંકોતરીઓનો અભ્યાસ કરીશું તો જણાશે કે દશમાંથી સાત કંકોતરીઓ એવી હશે જેમાં નીમન્ત્રક તરીકે મૃત વડીલોના નામ છાપવામાં આવ્યા હોય. અહીં પ્રથમ નજરે પ્રશ્ન થઈ શકે દુનીયામાં જેનું અસ્તીત્વ જ નથી એ મૃત વ્યક્તી કોઈને આમન્ત્રણ શી રીતે આપી શકે? પણ આ મુદ્દો જરા જુદી રીતે વીચારવો પડશે. ઘણીવાર અન્ધશ્રદ્ધાને ય તેનું એક પોતીકું વજુદ હોય છે. વાજબીપણું હોય છે.

પ્રત્યેક બાબતને બુદ્ધીની ફુટપટ્ટીથી માપવાની આપણને ટેવ પડી ગઈ છે. એથી વીજ્ઞાને ન પ્રમાણી હોય એવી દરેક બાબતને આપણે અન્ધશ્રદ્ધા ગણી વખોડી કાઢીએ છીએ. વીજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે માણસની કેટલીક વર્તણુક અન્ધશ્રદ્ધા ગણાય છે; પરન્તુ તેમાં ભારોભાર લાગણીનો અન્ડર કરન્ટ પ્રવાહ વહેતો હોય છે. આપણે ભાગ્યે જ તે વાતને રૅશનલી સમજવાની કોશીષ કરીએ છીએ. લાગણી એ જીવનનું અત્યન્ત અનીવાર્ય અંગ છે. હમણાં એવી એક કંકોતરી હાથમાં આવી. જેમાં કન્યાના અવસાન પામેલ પીતાનું નામ નીમંત્રક તરીકે લખવામાં આવ્યું હતું. કંકોતરી લાવનાર જોડે થોડી ઘનીષ્ઠતા હતી એથી તેમને પુછ્યું ‘કંકોતરીમાં સ્વર્ગસ્થ વ્યક્તીનું નામ ન લખ્યું હોત તો ન ચાલત? મૃત વ્યક્તી કેવી રીતે નીમન્ત્રણ આપી શકે?’

જવાબમાં મીત્રે કહ્યું : ‘કાકાજીને દીકરી પરણાવવાનો ભારે ઉમળકો હતો; પણ અચાનક તેઓ હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા. મર્યા ત્યારે એમની જબાન ચાલી ગઈ હતી. બોલી નહોતા શક્યા. પણ એમની આંખોમાં આભ ગજવી દે તેવું આક્રન્દ દેખાતું હતું. જાણે કહેતાં હતાં ‘અરેરે, હું મારી દીકરીનું કન્યાદાન ન કરી શક્યો!’ દીકરીના લગ્ન અંગે એમના દીલમાં  પ્રગાઢ લાગણી  હતી. એ વડીલને નામે જ કંકોતરી છપાય એવી ઘરના સૌની પ્રબળ ઈચ્છા હતી. એથી શ્રદ્ધા અન્ધશ્રદ્ધાનો ખ્યાલ બાજુ પર રાખી અમે કાકાજીના નામે કંકોતરી છપાવી. કાકાજી સુધી એ લાગણી પહોંચી હશે કે નહીં તે ભગવાન જાણે પણ ઘરનાં માણસોને આનન્દ થયો છે. તેમના દીલનો કોઈ ખુણો સચવાયો છે. સ્વજનના મૃતદેહ પર ફુલ ચઢાવવાથી કોઈ ફાયદો થતો નથી તે આપણે જાણીએ છીએ પણ તેમ કરવાથી દીલને સારું  લાગે છે. બુદ્ધી કરતાં આ લાગણીનો પ્રશ્ન વધુ છે!’

માણસ મરે છે ત્યારે તેનો નશ્વર દેહ નષ્ટ પામે છે પણ તેની યાદ, તેના સંસ્મરણો, તેની ઈચ્છા– અનીચ્છાઓ કે લાગણીભીના સમ્બન્ધોની સુગન્ધ નષ્ટ થઈ જતી નથી. પીંડ એક મીનીટમાં કપાઈ જાય છે. જીવનભરની લાગણીના સમ્બન્ધો એક મીનીટમાં કપાઈ જતાં નથી. એક મીત્રે વ્યંગ કર્યો : ‘તમે રૅશનાલીસ્ટો મુર્તીપુજાનો વીરોધ કરો છો એથી સીતાજીએ અશોક વાટીકામાં પોતાના આંસુમાંથી રામચન્દ્રજીની મુર્તી બનાવી પુજા કરી હતી તે બાબતનેય નીરર્થક લાગણીવેળા ગણાવી શકો છો. અથવા રામચન્દ્રજી વનમાં ગયા ત્યારે ભરતે અયોધ્યાની ગાદી પર બેસીને રાજ કરવાને બદલે રામની પાવડીની પુજા કરી હતી એ બાબતનેય સો ટકા અન્ધશ્રદ્ધા ગણી શકો. પરન્તુ આવા કીસ્સામાં સંડોવાયેલી એક પ્રચંડ શક્તીશાળી માનવીય સચ્ચાઈને નજરઅન્દાજ કરવા જેવી નથી. તે સચ્ચાઈનું નામ છે– લાગણી… ભાવના!’ વાત ખોટી નથી.

રામચન્દ્રજી લાગણીની વાત સમજતા હતા એથી શબરીના એંઠા બોર ખાવામાં એમને આરોગ્યશાસ્ત્રનો કોઈ બાધ નડયો નહોતો. (જો કે મારે એમને પુછવું હતું– લાગણીને સમજનારા રામચન્દ્રજીએ સીતાજીનો બબ્બેવાર ત્યાગ કર્યો હતો ત્યારે સીતાજીની લાગણીને તેઓ કેમ સમજી નહોતા શક્યા? પરન્તુ મુળ વાત અન્ધશ્રદ્ધાની હતી એથી એ વીવાદપ્રેરક પ્રશ્ન અસ્થાને હતો.)

તાત્પર્ય એટલું જ જીવનમાં ઘણીવાર લાગણીના પ્રવાહમાં તણાઈને અન્ધશ્રદ્ધાને શરણે થવું પડે છે. પુત્રકામેષ્ઠી યજ્ઞનો વીરોધ કરનારે ખુદ પુત્રપ્રાપ્તી માટે પત્ની જોડે મન્દીરના પગથીયાં ઘસવા પડે એવું બની શકે છે. સત્યનારાયણની કથામાં વીશ્વાસ ન ધરાવતા હોઈએ તો પણ દશ માણસો વચ્ચે બેઠાં હોઈએ અને કોઈ સત્યનારાયણનો પ્રસાદ આપે તો તેને ફેંકી દઈ શકાતો નથી. સામે પુજાની આરતી ધરવામાં આવે ત્યારે એમ કહી શકાતું નથી– ‘ના, હું આરતીમાં માનતો નથી!’ કદાચ એ જ કારણે આસ્તીક હોવા કરતાં નાસ્તીક હોવામાં વીશેષ જવાબદારી રહેલી છે. આસ્તીકો અલ્લાહ કે ઈશ્વરના નામ પર ખુન વહાવી શકે છે. બૌદ્ધીકોએ કોઈની લાગણીનું ખુન કરતાં પુર્વે દશવાર વીચાર કરવો પડે છે. 

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 26થી 28 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30–10–2017

 

10 Comments

  1. the truth having two side,we only follow the mass?the Geeta teach us ,that do not ask any help from others?follow the voice of your soul?in the past before 2500 yeas there is a qualifying examination for leaders,secerteries and any other responsible post for the national services! our vote is called holy?can we voting to the holy candidates?THE MASS MAKING MORE MISTAKES!the natural mass reaction bringing the new way of life!save water and tree for happy future!

    Like

  2. અંધશ્રદ્ધા તર્કહીન હોય છે. પણ બધી તર્ક હીન વાતોને આપણે અંધશ્રદ્ધા માનતા નથી. જોકે આપણે તર્કહીન છે એમ માન્યું હોય તો તેને પણ અંધશ્રદ્ધા માનવી જોઇએ.
    આપણા રાષ્ટ્રપતિને ૧૦૦ ઉપરાંત ઓરડાઓવાળું મકાન આપીએ જે તેઓને જરુરી તો નજ હોય પણ તેમના કાર્યકાળ દરમ્યાન તેઓ વાપરી તો શું પણ જોઈ પણ ન શકે. આને પણ અંધશ્રદ્ધા શા માટે ન માનવી? જે વસ્તુ/સગવડ/વેતન ને ઉચિત ન ઠેરવી શકીએ છતાં પણ તેને માનીએ અનુસરીએ તેને અંધશ્રદ્ધા જ કહીશું ને!!

    વેતન અને તેને આધારે નિવૃત્તિ વેતન અને તે પણ વિધાનસભા-સંસદ સદસ્યોને આપવામાં આવે તેમાં કશો તર્ક નથી. જેમનું ઉત્તરદાયીત્વ સુનિશ્ચિત રીતે નિયમબદ્ધ હોય તેમને જ વેતન મળી શકે. બાકીનાને ભૂગતાન/સગવડ રીઈમ્બર્સમેન્ટ અપાય. પેન્શનના તો તેઓ હક્કદાર બની જ ન શકે.
    રામના સીતા ત્યાગની વાત ભીન્ન છે. રામની પાસે તે માટે પ્રણાલીગત ઉચિતતા એ હતી કે જો કોઈ સ્ત્રી પરપુરુષને ઘરે રહી આવે તો તે સુચરિત્રતા વાળી ન કહેવાય. જો કે “કોઈ સ્ત્રીનો પર પુરુષ સાથે નો સંબંધ” તેને ઉચિત માનવો કે ન માનવો તે સમાજ નક્કી કરે છે. આજની તારીખમાં પણ જો કોઈ સ્ત્રી, પરપુરુષને ઘરે રહી આવે તો આજનું ન્યાયાલય તે પુરુષને છૂટાછેડા આપી શકે છે.
    મારા બ્લોગસાઈટમાં “ક્યાં ખોવાઈ ગયા હાડમાંસના બનેલા રામ” આ વિષે વિસ્તૃત ચર્ચા કરી છે.

    Like

  3. માણસને સોશીયલ પ્રાણિ કહેવાય છે. અેક ઘરમાં રહેતી પાંચ વ્યક્તિના વિચારો જુદા જુદા કારણો અને બેકગ્રાઉંડની અસર હેઠળ જુદા જુદા હોય છે. રેશનાલીઝમ પણ અેવો જ અેક વિષય છે. મા…બાપ…અને તેમનાં બે દિકરા અને અેક દિકરીના અગત વિચારો અને માન્યતાઓ જુદા જુદા હોય શકે છે. પરંતુ અેક જ કુટુંબમાં પ્રેમથી રહેવા માટે દરેકે કોઇ ને કોઇ જગ્યાઅે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. ખેંચી પકડવું પ્રેક્ટીકલ નથી બનતું…….શાંતિદાયક નથી બનતું….જ્યારે કૌટુંબિક કાર્યો માટે નિર્ણય લેવાનો હોય ત્યારે સર્વમાન્ય નિર્ણય માન્ય રાખવો રહ્યો જ્યારે ઇન્ડીપેન્ડન્ટ નિર્ણય લેવાનો હોય ત્યારે પોતાના વિચારોને અનુસરીને જ નિર્ણય લેવો જોઇઅે. હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ ખૂબ અગત્યનો છે.
    અેક વાત મને સતાવે છે. આપણે દિકરીને પરણાવવાની પ્રક્રિયાને ‘ કન્યાદાન ‘ કહીઅે છીઅે. શું આ દિકરીને પરણાવવાની રીત કે વહેવાર કે કર્મ અે દાન છે ? અેકવીસમી સદીમાં હિન્દુઓઅે કાંઇક નવું વિચારવું જોઇઅે. નવા જમાનાની દિકરીઓને જ પુછીઅે કે તમારા લગ્ન….તમારા પતિ બનવાવાળા પુરુષને દાન આપેલું ગણાય ?

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ના! નાસ્તિક હોવાનો કારણે કથાનો વિરોધી હોવા છતાં પ્રસાદ હું ક્યારેય ફેંકી ન દઉં, કારણ કે એટલું બધું ઘી અને સુકોમેવો તો ઘરના શીરામાં પણ નથી નંખાતો. હા, બાકી આરતીની થાળીમાં રૂપિયો નાંખીને બે પાછા જરૂર લઈ લઉં છું…. હા હા હા!

    Liked by 2 people

  5. આસ્તીક હોવા કરતાં નાસ્તીક હોવામાં વીશેષ જવાબદારી રહેલી છે. આસ્તીકો અલ્લાહ કે ઈશ્વરના નામ પર ખુન વહાવી શકે છે. બૌદ્ધીકોએ કોઈની લાગણીનું ખુન કરતાં પુર્વે દશવાર વીચાર કરવો પડે છે. Lekh ma aa vakyo 💯 % sacha lagya hriday ne sparshi gaya khub saras lekh aabhar govind bhai ane Dineshbhai panchal.

    Liked by 1 person

  6. વર્ષો પહેલા માન​વીને જરૂર પડી એટલે એણે ઈશ્વર બનાવ્યો અને ત્યારથી એ આપણને બનાવ્યા કરે છે.

    Liked by 1 person

Leave a comment