નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

– કામીની સંઘવી

સચીન તેંડુલકરે આખરે નીવૃત્ત લઈ લીધી. તેની લાસ્ટ સ્પીચ લોંગ તો હતી જ; પણ સાથે સાથે લોંગ લાસ્ટીંગ પણ હતી. જીન્દગીની શરુઆત એટલે કે પાપા પગલી ભરતા જ જે કામ કર્યું હોય, તે કામ આમ છોડી દેતા જીવ કળીએ કળીએ કપાય તેમાં કશું અજુગતુ તો નથી જ; પણ અજુગતી વાત તે લાગી કે સચીને કહ્યું : ‘‘તેણે જીન્દગીમાં ક્રીકેટ સીવાય કશું કર્યું કે વીચાર્યું નથી એટલે તેને ખબર નથી પડતી કે હવે શું કરવું.’’ સચીન સ્ટાર છે. લોકો તેને ક્રીકેટનો ગૉડ કહે છે. પણ આ ગૉડ ખુદ પોતાના ભવીષ્ય વીશે અન્ધકારમાં છે. એટલે કે નીવૃત્ત થઈને શું કરવું. સુનીલ ગવાસ્કરની જેમ ક્રીકેટ કૉમેન્ટર બની જવું કે પછી રવી શાસ્ત્રીની જેમ માઈક લઈને મેદાનમાં ઉતરી પીચ તપાસતા–પ્રેઝેન્ટેશન સેરેમની હેન્ડલ કરતા પ્રેઝેન્ટર–કમ–એન્કર બની જવું. નો ડાઉટ સીચનને ઘણું ઘણું કામ મળી રહેશે, કારણ કે તે ક્રીકેટનો ગૉડ છે; પણ આશ્ચર્યની વાત એ છે કે કયારેક તો તમારે નીવૃત્ત થવાનું જ છે તે નગ્ન સત્ય સ્વીકારતા ગૉડને પણ કેમ વાર લાગે છે?  છેલ્લાં બે–ચાર વર્ષથી તો મીડીયામાં પણ સચીન નીવૃત્તી લેવી જોઈએ તે વીશે ચર્ચા થતી હતી. કેમ ક્રીકેટનો ગૉડ ગણાતો સીચન પણ નીવૃત્તીના ભયથી થરથર કાંપે છે? કેમ હકીકત સામે હોવા છતાં હવાતીયા મારવાની ટેવ માનવી છોડી શકતો નથી?

કોઈ કામ અનન્તકાળ સુધી તમે કરી શકતા નથી. તેની સમજણ આમ તો કુદરત જન્મતા જ તમને આપી દે છે. બાળક જન્મે ત્યારે સો ટકા માને આધીન હોય છે. ખાવું–પીવું–નહાવું–ધોવું તેમ બધી જ ક્રીયામાં તે પરાવલમ્બી હોય છે; પણ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ સ્વાલમ્બી થતું જાય છે. એક પછી એક વસ્તુ છુટતી જાય છે. પહેલાં બોલતાં–ખાતાં–પીતાં–હરતાં–ફરતાં તેમ ક્રમબધ્ધ બધી વસ્તુ શીખાતી જાય છે. એટલે માણસ સતત કશું પામવા માટે કશુંક ગુમાવતો રહે છે. જેમ કે સ્તનપાન કરતું બાળક બોટલથી કે ગ્લાસથી દુધ પીવે ત્યારે માની નીકટતા ગુમાવે પણ સ્વાલમ્બન બનવા માટેનું પહેલું ચરણ તે માંડી રહ્યો છે તે એટલી જ સાચી હકીકત છે. માનું દુધ ન છોડવા માટે બાળક રડે છે–ધમપછાડા કરે છે; પણ ધીરે ધીરે ટેવાઈ જાય છે, શીખી જાય છે કે હવે સ્તનપાન કરવાની ઉમ્મર ગઈ, હવે ગ્સાલથી દુધ પીવાની ઉમ્મર થઈ છે. તે જ રીતે પહેલું ડગ માંડતા બાળકને પીતા કાળજીથી ડગલું ભરતા શીખવે છે; પણ બાળક ચાલતા શીખે તે માટે થોડા ડગલાં ચલાવીને પણ પીતા તેનો હાથ છોડી દે છે. તેથી જ બાળક ચાલતા શીખે છે. પછી જીવનનો બીજો તબક્કો આવે છે. બાળકની સ્કુલે જવાની ઉમ્મર થાય છે ત્યારે ફરી બાળક ઘરનો સુરક્ષીત માહોલ છોડીને અજાણ્યા માહોલમાં જતા ગભરાય છે, રડે છે. જીવન જીવવા માટે જરુરી શીક્ષા મેળવવા માટે પણ શીક્ષણ મેળવવું જરુરી છે તે માતા–પીતા સમજે છે. એટલે જ રડતા બાળકને સ્કુલે મુકીને મન મક્કમ કરીને ઘરે પાછા જતા રહે છે. બાળક ધીરે ધીરે ટીચર્સ અને બીજા સ્ટુડન્ટ સાથે તાદાત્મીયતા કેળવે છે. સહેજ બે–ચાર વર્ષ વીતે અને પછી પ્રાથમીક શાળા છુટે છે અને મીડલ સ્કુલ શરુ થાય છે. નવા ટીચર, નવા લેશન નવા સબ્જેક્ટ. નવું શીખવાની એક નવી મંઝીલ પણ જુનું છોડીને! વળી નવા ટીચર, નવા વીષય કંઈક નવું શીખવાની પ્રીક્રીયા ચાલે છે. મીડલ સ્કુલ પછી હાઈ સ્કુલ. હવે સબ્જેક્ટની પસન્દગી સાથે તમારું ભવીષ્ય પણ જોડાય છે. પસન્દગી કરતા પહેલા તમે પ્રેકટીકલ બનો છો. અને હાઈ સ્કુલ પાસ કરી કે સ્કુલ લાઈફનો જીવનભર માટે અન્ત. ફરી શીક્ષકો, મીત્રોને છોડતા હૈયું રડે છે પણ સ્કુલની ડીસીપ્લીન્ડ લાઈફમાંથી છુટીને કૉલેજના મુક્ત વાતાવરણમાં સહચરવાનો આનન્દ સ્કુલ છોડ્યાના દુ:ખને કંઈક હળવું કરે છે; પણ આખરે તો કુછ ખોને કે લીયે કુછ પાના પડતા હે. તે હકીકત તો સતત તમને સાવચેત કરતી જ રહે છે. વળી બે–ચાર વર્ષ વીતે અને કોલેજ લાઈફ પુરી થાય. ફરી પાછો જીન્દગીનો એક નવો આયામ જ શરુ થાય. અત્યાર સુધી મૉમ–ડૅડના પૈસે જલસા કર્યા હોઈ હવે તમારી કમાણીમાંથી તેમના સપના પુરા કરવાનો સમય આવે. એટલે વળી જોબ માટે કે સપનાને હકીકત બનાવવા માટેની દોટ ચાલુ થાય ને ગામ–નગર–શહેર અને માતા–પીતાને છોડીને નવો વસવાટ શરુ થાય. સ્વને શોધવાની, પોતાના હુન્નરને ખોજવાની ખોજ આરમ્ભાઈ જાય. તેમાં પણ કાઁરવે બનતે ગયે ઓર કાફીલે ગુજરતે રહે તેવો ઘાટ ચાલ્યા જ કરે. તમારા વર્ક પ્લેસ પર પણ પ્રમોશન, ટ્રાન્સફર, રીટાયરમેન્ટ બધું ચાલ્યા જ કરે. જુના માણસો જાય, નવા આવે છે. તે બધાં સાથે તમે ફરી પાછા અનુકુલન શોધો છો. તમે ઘડી બે ઘડી તે વીશે વીચારો ન વીચારો અને આગળ વધતા રહો. તે દરમીયાન ફેમીલી બને, પછી તેને નીભાવવાની–સાચવવાની જવાબદારી વધતી જાય. જે રસ્તો પાર કરીને તમે મંઝીલે પહોંચ્યા છો તે જ રસ્તે તમારા બાળક ચાલતા થાય. તમે તે બધામાં ભાગીદાર બનો પરન્તુ તમારી મંઝીલ અન્ત તરફ ઝડપથી ધસી રહીં છે તે વાત તમે સ્વીકારી શકતા નથી કે પછી આંખમીચામણાં કરો છો. ત્યાં સુધી કે એક દીવસ અચાનક નીવૃત્તી સામે આવીને ઉભી રહે અને અસલ સચીનની જેમ તમે હેબતાઈ જાવ. નીવૃત્ત થઈને શું કરીશ? ક્યાં જઈશ? મેં તો ક્યારેય વીચાર્યું જ ન હતું કે હું નીવૃત્ત થઈશ!

જીન્દગી ખરા અર્થમાં તમારો જન્મ થતાં જ તમને કશાને કશામાંથી નીવૃત્ત થવાના પાઠ શીખવતી હોય છે; પણ આપણને આંખ આડા કાન કરવા ગમે છે. જેમ બાળકને કડવી દવા પીતા જોર આવે તેમ આપણને નીવૃત્ત થતાં કે તે વીશે વીચારતા જોર આવે છે. આખરે સાજા–નરવા રહેવા માટે જેમ કડવી દવા પીવી જરુરી બને છે તેમ જીવન ટકાવવા માટે પણ નીવૃત્ત થવું જરુરી છે. નીવૃત્તી જીન્દગીનો એક એવો હીસ્સો છે જેની કોઈ અવગણના કરી શકતું નથી. જેમ જીવન તેમ મૃત્યુ, તેમ જ જેમ પ્રવૃત્તી તેમ નીવૃત્તી. જેમ જન્મ મરણ ટાળી નથી શકાતા; તેમ પ્રવૃત્તી પછીની નીવૃત્તીને પણ ટાળી શકાતી નથી. હા પણ નીવૃત્તીમાં પણ જે પ્રવૃત્તીમય રહીં શકે તે જ સાચી નીવૃત્તી લઈ શકયો છે તેમ જાણવું. મહેશ ભટ્ટની સારાંશ ફીલ્મમાં નીવૃત્તીમાં કઈ રીતે જીવનનો સારાંશ શોધી લેવો તેનું બહુ સરસ રીતે વર્ણન થયું હતું. નીવૃત્ત શીક્ષકના એકના એક દીકરાનું અમેરીકામાં મોત થાય છે. તે હકીકતને નીવૃત્ત શીક્ષક એટલે કે તે દીકરાનો પીતા સ્વીકારી નથી શકતો. દીકરાનું મોત થયું હવે જીવન કડવું ઝેર જેવું લાગે છે. કેમ જીવવું? ત્યારે તેનો મીત્ર કહે છે, ‘મૈને જબ મેરી પત્ની કો ખોયા તબ લગા થા શેષ જીવન કૈસે બીતાઉંગા. લેકીન મૈંને રોજ ભાભી કે લીયે સુબહ મેં દુધ કા પેકેટ લાને મેં અપને જીવન કા અર્થ ઢુંઢ લીયા, તું ભી જીવન જીને કા અર્થ ઢુંઢ લે.’

જીવન હરેક રુપમાં જીવવું પડે છે. તે જીવન મેળવતા જ મળેલી પ્રકૃત્તીની પહેલી શરત છે. પછી તમે હવે દેવળ જુનું થયું છે એટલે નથી જીવવું તેમ હાથ ખંખેરી નાંખો તે ન ચાલે. શરીર–મન ઘસાઈ ગયા હોય તો પણ જીવવું પડે. અન્ત સુધી. કોઈ એસ્ક્યુઝ નથી અને કોઈ એસ્ક્યુઝડ પણ નથી. તો પછી બહેતર છે કે નીવૃત્તીને પણ સ્વીકારતા શીખો. કોઈ એવી પ્રવૃત્તી શોધી કાઢો કે જીવન– જીવન લાગે મરણ નહીં. જીવ પરોવો, એકવાર સોયમાં દોરો પરોવાઈ ગયો તો જીવન આપોઆપ સંધાતું જશે. હકીકતથી ભાગવું તે કાયરતા છે. તમે તમારી અત્યાર સુધીની લાઈફ હીરોની જેમ જીવ્યા છો તો પછી બાકીનું જીવન શું કામ ઝીરોની માફક જીવવું? હકીકતનો સ્વીકાર કરવામાં હીરોઈઝમ છે, હકીકતથી ભાગવામાં નહીં. એટલે નીવૃત્તીનો પ્લાન જયારે પ્રવૃત્ત હો ત્યારે જ કરો. જેથી કરીને નીવૃત્ત થવાના શોકમાંથી બચી શકો.

ગ્રીન ચીલી

Don’t think of retiring from the world until the world will be sorry that you retire. I hate a fellow whom pride or cowardice or laziness drive into a corner, and who does nothing when he is there but sit and growl. Let him come out as I do, and bark.  – Samuel Johnson

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ તા. 10 એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271 39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ,  કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03–11–2017

 

 

 

 

18 Comments

  1. સરસ લેખ છે કામીનીબેનનો. નિવૃત્તિમાં વાંચન, વ્યાયામ, ગ્રુહકાર્યમાં મદદગારી, સિનિયર્સની પ્રવ્રુત્તિઓમાં તથા સેવાકીય સંસ્થાઓની પ્રવ્રુત્તિઓમાં સામેલગીરી િવગેરે દ્વારા આનંદમય જીવન જીવી શકાય છે.

    Liked by 1 person

  2. True thing ,Man never retired until end of life , we accept every day is good starting of work ,we are all busy with work routine but it will change day to day
    Thanks

    Liked by 1 person

  3. સરસ લેખ છે કામીનીબેનનો. નિવૃત્તિમાં વાંચન, વ્યાયામ, ગ્રુહકાર્યમાં મદદગારી, સિનિયર્સની પ્રવ્રુત્તિઓમાં તથા સેવાકીય સંસ્થાઓની પ્રવ્રુત્તિઓમાં સામેલગીરી િવગેરે દ્વારા આનંદમય જીવન જીવી શકાય છે.

    Liked by 1 person

    1. વહાલા સુરેશભાઈ,
      ‘નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!!’ લેખને આપના છાપે ચઢાવ્યો તે બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  4. નીવૃત્તી અે ઝીરો નહી હીરો છે. ? Retirement is…નીવૃત્તીમય જીવન.

    ડીક્શનરીમાં ( ગુજરાતી) સ્પેલીંગ : નિવૃત્તિ છે. અર્થો : વૃઘ્ઘાવસ્થામાં સુખચેનથી જીવવા માટે ફારેગ થવું તે. નિષ્કરિયતા…ઇનઅેક્ટીવીટી., સમાપ્તિ, અંત.

    નિવૃિત્ત હિરો કેવી રીતે બને ?
    લેખ લખવાની સ્ફુરણા સચીન ટેંડુલકરની દુવિઘામાંથી જન્મી ? તેને દુનિયામાં ક્રિકેટ શીવાય બીજું કાંઇ જ દેખાયુ? તેના મા…બાપ…કાકા…કાકી….મામા…મામી….ફોઇ…ફૂઆજી…..કોઇ નહિ? તે સૌ રીટાયર થયેલા જ હશે ને ? નિવૃત્તિમાં પ્રવૃત્તિ તેની પોતાની અાજુબાજુ થતી જોઇ જ નહિ હોય ?
    કદાચ અેટલાં પૈસા ભેગા થઇ ગયા હશે અેટલે નાના મોટા કેવા કામો કરવા જોઇઅે તેનો ખ્યાલ આવ્યો નહિ હોય . હોસ્પિટલમાં જઇને ઘરડાંઓની સેવા કરવી…..ઘણા ગરીબોને મોટી ઉમરની માંદગી આવી હોય તેમને માટે સસ્તા ભાવની હોસ્પીટલ ખોલીને દરરોજ તેમાં છ કલાક કામ કરે…મેનેજમેંન્ટ કરે…..
    સામાન્ય પૈસાવાળા બઘાને નિવૃતિમાં પ્રવૃત્ત કેવી રીતે રહેવું તે કોદરતી રીતે આવડી જ જાય છે. થોડા અેવા ટકા હશે જ જેને તેની સમજ ના પડે. ખૂબ પૈસાવાળાને માટે ખરેખર નિવૃત્તિમાં પ્રવૃત્ત કેવી રીતે રહેવું તે મોટો પ્રશ્ન બની જાય છે.
    શ્રઘ્ઘા અને અને અંઘશ્રઘ્ઘાના વિષયમાંથી ક્યાં નવે રસ્તે ચઢી ગયા ?
    ૫૦ વરસો પહેલાં કદાચ નિવૃત્તિમાં પ્રવૃત્ત કેવી રીતે રહેવું તે મોટે ભાગના વડીલો માટે પ્રશ્ન બની જતો. ત્યારે પણ ઘણા લાયબ્રેરીમાં જતાં. ચાલવા જતાં. સાંજે મીલન..મુલાકાત કરતાં. ૨૧મી સદીમાં આજુબાજુ અેટલી બઘી પ્રવૃતિ મળી રહે છે કે મન હોવું જોઇઅે. પેસાની ઓઠે નાના કામમાં શરમ જો અાવી તો પછી ?
    સચીનને સંદેશો પહોંચે કે મન હશે તો હજારો પ્રવૃતિ …લોકસેવાની પ્રવૃતિ આંખ સામે દેખાશે. અને મન દઇને તે કર્મ કરશો તો તેમાં અેવાં ડૂબી જશો કે ઘરે જવાનો સમય પણ નહિ મળે.
    દરેક વ્યક્તિને આ નિયમ લાગુ પડે છે.
    હું આ લખુ છું કારણ કે હું તેવાં કર્મમાં ડૂબેલો છું.

    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. this is best said : “તમે તમારી અત્યાર સુધીની લાઈફ હીરોની જેમ જીવ્યા છો તો પછી બાકીનું જીવન શું કામ ઝીરોની માફક જીવવું? હકીકતનો સ્વીકાર કરવામાં હીરોઈઝમ છે, હકીકતથી ભાગવામાં નહીં. એટલે નીવૃત્તીનો પ્લાન જયારે પ્રવૃત્ત હો ત્યારે જ કરો. જેથી કરીને નીવૃત્ત થવાના શોકમાંથી બચી શકો.”

    Liked by 1 person

  6. Reblogged this on and commented:
    મેં પણ આવું જ વિચારી વહેલી નિવૃતિ લીધેલી છે અને ખૂબ જ મજા કરી છે અને રર્હ્યો છુ. મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. કામીનીબહેન અને ગોવિંદભાઈ ધન્યવાદ!

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  7. જીંદગી ના વિવિધ તબ્બકાઓ વિશે સરસ વાત કરી છે બહુ સરસ લેખ

    Liked by 1 person

  8. This is a very beautiful article for all of us. Enjoy every second of life. Life is a great gift from Lord. Live happily and help others who need help.

    Thanks so much to Kaminiben for such a nice article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  9. નિવૃત્તિનો આધાર પ્રવૃતિપૂર્ણ સમય સાથે વધુ છે,સચિન તેંડુલકર 20+વર્ષ સુધી ક્રિકેટ રામે અને નિવૃત્ત થાય તો ક્રિકેટમાં થી નિવૃત્ત થાય છે એના બીજા બધા શોખ/વ્યવસાય વ. માં એ પ્રવૃત્ત રહી શકે છે,જયારે 70 વર્ષ પછી નિવૃત્ત થનારે કોઈ નવા શોખ કે કામની જરૂર નથી સિવાય કે પોતે પોતાની અને પોતાનાની સાથે શાંતિપૂર્ણ સમય વિતાવી શકે,નિવૃત્તિ ઝીરો નથી તો હીરો પણ નથી,અવસ્થા પહેલાની નિવૃત્તિ એ કામના પ્રકારનો બદલાવ છે,
    પ્રશ્ન તો ત્યાં આવે છે કે અર્થપૂર્ણ કાર્યકાળની માફક જ જયારે નિવૃત્તિમાં જીવવાનું રાખો તો કુટુંબીજનોને અડચણ રૂપ બનો,પરિણામે થોડો ક્લેશ અને અવમાનના ભોગવવી પડે,અને એ પરિસ્થિતિ ન આવે માટે હું શ્રી કશ્યપ દલાલની લખેલી ચોપડી “વૃદ્ધ થતા શીખો” વાંચવાની ભલામણ કરું તો અસ્થાને નહિ ગણાય,

    Liked by 1 person

  10. નિવૃત્તિજીવન એટલે માળા લઈને બેસવું એવો અર્થ નથી આપણે આપણું કામ જાતેજ કરવું જોઈએ દીકરા દીકરીઓને વણમાગી સલાહ દેવી નહિ અગર સલાહ પૂછવા આવે તો યોગ્ય સલાહ આપવી પછી તેનો અમલ કરે ન કરે એવિશે કકળાટ ન કરતા શાંતિ રાખવી

    Liked by 1 person

Leave a comment