અગીયો ભુત!

અગીયો ભુત!

–રમેશ સવાણી

 “કેમ ઉદાસ છો? તારી સાસુએ કાંઈ કીધું છે?” બાવીસ વર્ષની ગીતાને તેની માતા કૈલાસબહેને પુછ્યું.

“ના મમ્મી! મારી સાસુએ કાંઈ કીધું નથી!”

કૈલાસબહેનનું મન માનતું ન હતું. ગીતા મનમાં ને મનમાં મુંઝાતી હોય તેમ લાગતું હતું! ગીતા સાસરેથી પીયરમાં મળવા આવી હતી.

કૈલાસબહેનની ચીંતા સાચી પડી. ત્રીજા દીવસે. કૈલાસબહેન અને ગોરધનભાઈ ચૌધરી વાડીમાં કામ કરતા હતા ત્યાં ચીસ સાંભળી! વાડીમાં ઘર પાસે કુવો હતો ત્યાં પાણીની કુંડીમાં ગીતા ભયભીત થઈને પડી હતી! કૈલાસબહેન અને ગોરધનભાઈ દોડતા આવ્યા. પુછ્યું, “ગીતા! શું થયું તને? તારો ચણીયો સળગેલો કેમ છે?”

ગીતા કશું બોલી નહીં. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કુવા પાસેના મકાનોમાં જઈને જોયું તો ચાદર, ગોદડાં પણ સળગેલાં હતા!

કૈલાસબહેને પતીને કહ્યું, “ગીતા બોલતી નથી, પણ તેના હૈયામાં મુંઝવણ જરુર છે! એને કંઈક થઈ ગયું હોય તેમ મને લાગે છે! આપણે ડૉક્ટરને દેખાડીએ!”

માતા–પીતા ગીતાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, “ગીતાને કંઈ થયું નથી! એને હુંફની જરુર છે!”

ગીતા સુનમુન રહેતી હતી. એના ચહેરા ઉપર માતા–પીતાને ઉદાસી દેખાતી હતી. કૈલાસબહેનને થયું કે કોઈની નજર લાગી હશે! એટલે મરચાંના ધુપથી નજર ઉતારી! છતાં ફેર ન પડ્યો. કૈલાસબહેને માતાજીની માનતા માની! એ પછી પણ ગીતાના ચહેરા ઉપર ખીલખીલાટ જોવા ન મળ્યો!

થાકી હારીને માતા–પીતા ગીતાને બાજુના ગામમાં ભુવા પાસે લઈ ગયા. ભુવાએ દીપ–ધુપ કર્યા. જુવારના દાણા પટમાં ફેંકયા. ગણતરી કરી, પછી કહ્યું : “જુઓ, ગોરધનભાઈ! તમારી દીકરી ગીતા ઉપર આગીયા ભુતની નજર પડી છે! ગીતાને આગીયા ભુત સતાવે છે!”

“ભુવાજી! ભુતને ભગાડો!”

“એ માટે વીધી કરવી પડશે! માતાજી એક બોકડાનું બલીદાન માગે છે!”

“ભુવાજી! બોકડાનું બલીદાન એટલે હીંસા કહેવાય. અમારા કારણે નીર્દોષ પશુની હીંસા થાય, એવું હું ઈચ્છતો નથી! બીજી કોઈ વીધી કરો!”

“જુઓ, ગોરધનભાઈ! હું માતાજીને વીનન્તી કરીશ. માતાજી રાજી થશે તો બીજી વીધી કરીશ!”

ભુવાજીએ શરીર ધ્રુજાવ્યું. દાણા નાખ્યા. ગણતરી કરી અને કહ્યું : “ગોરધનભાઈ, રુપીયા દસ હજાર થશે! માતાજીનો માંડવો કરવો છે! જમણવાર થશે!”

“ભલે ભુવાજી!” ગોરધનભાઈએ ભુવાજીને પૈસા આપ્યા.

આ ઈલાજથી ગીતાને સારું થઈ જશે, પહેલાં જેવો ખીલખીલાટ પાછો આવશે, તેવી આશાથી માતા–પીતા રાહ જોવા લાગ્યા!

થોડાં દીવસ પછી વીચીત્ર ઘટના બની. કૈલાસબહેન ગામમાં ગયા હતા. ગોરધનભાઈ રજકામાં પાણી વાળતા હતા. ત્યાં સુકી જુવારની ગંજી સળગી! આગની મોટી–મોટી જવાળાઓ અને ધુમાડો દેખી ગામલોકો દોડી આવ્યા. સૌએ પ્રયત્નો કર્યા પણ આગ બુઝાણી નહીં. પચ્ચીસ હજારની જુવારની કડબ ખાખ થઈ ગઈ!

ગીતા, કૈલાસબહેન અને ગોરધનભાઈ ત્રણેય ખુબ જ ગભરાઈ ગયા. ભુવાજીની વાત સાચી પડી હતી. આગીયા ભુતનું આ કરતુત હતું, એમ માની ત્રણેય જણા ભુવાજી પાસે પહોંચ્યા. ભુવાજીએ કહ્યું : “આગીયો ભુત ખુબ શક્તીશાળી છે, એને બાંધવા માટે મોટી વીધી કરવી પડશે!”

“ભુવાજી! તાત્કાલીક વીધી કરો. આગીયો ભુત ગીતાનો જીવ લેશે! ગીતાનું ખાવું, પીવું, ઉંઘવું હરામ થઈ ગયું છે. તેને ચીત્તભ્રમ થઈ ગયુ છે! તેને કંઈ યાદ રહેતું નથી! અભરાઈ ઉંધી પાડે છે!” કૈલાસબહેને ભુવાજીના પગ પકડીને વીનન્તી કરી.

ભુવાજીએ વીધી કરી. થોડાં દીવસ ગીતાને સારું રહ્યું, પણ એક દીવસ ગીતાના માથે જાણે આકાશ તુટી પડયું!

ગીતાની તબીયત થોડી સારી રહેતાં કૈલાસબહેને જમાઈ સુરેશને ફોન કર્યો : “ગીતાને તેડી જાવ! હવે સારું છે!”

સુરેશે કહ્યું કે મારી મમ્મી સાથે વાત કરો. કૈલાસબહેને સુરેશની મમ્મી સવીતાબહેનને ફોન કર્યો : “સવીતાબહેન! ગીતાને હવે સારું રહે છે. તમે તેડી જાવ!”

“કૈલાસબહેન! તમારી ગીતાને પુછો. તે પ્રથમ વખત સાસરે આવી ત્યારે ત્રણ મહીનાનો તેને ગર્ભ હતો! આવું કઈ રીતે બને! ગીતાનો પગ કુંડાળામાં પડી ગયો છે! ગીતાને તમારે ઘેર જ રાખો. અમારે જોઈતી નથી!”

કૈલાસબહેનને હવે સમજાયું કે ગીતા કેમ સુનમુન રહેતી હતી! કૈલાસબહેન ગીતાને પુછતા, પણ ગીતા મૌન રહેતી હતી. કશું કહેતી ન હતી. આવું થયું હોવાની તો કલ્પનાય નહોતી કરી. કૈલાસબહેનને ગીતા ઉપર ભરોસો હતો. ગીતાનો પગ ક્યારેય કોઈ કુંડાળામાં ન પડે તેની ખાતરી હતી. પણ વાસ્તવીકતા જુદી હતી. ગીતાને પુછયું તો વાત સાચી નીકળી. ગીતા ગર્ભવતી હતી અને સાતમો મહીનો જતો હતો.

કૈલાસબહેન અને ગોરધનભાઈ ચીંતામાં પડી ગયા. બન્ને ગીતાને લઈને ભુવાજી પાસે ગયા. ભુવાજીએ દાણા જોયા અને કહ્યું : “આ બધું આગીયો ભુત કરે છે!”

“ભુવાજી! આગીયા ભુતને ખતમ કરો!”

“ગોરધનભાઈ! ભારે વીધી કરવી પડશે!”

“ભુવાજી! અતી ભારે વીધી કરો!”

“ગોરધનભાઈ! ચીંતા છોડો. આગીયો ભુત ભાગી જશે! અમેરીકા જતો રહેશે!”

ગોરધનભાઈએ ભુવાજીને પૈસા આપ્યા. ભુવાજીએ વીધી શરુ કરી. ભુવાજીનુ આખુંય શરીર ધ્રુજવા લાગ્યું. ભુવાજીએ બુમબરાડા શરુ કર્યા. ગીતાને ચોટલેથી પકડીને આમતેમ ફંગોળી અને કહ્યું : “સાલા આગીયા ભુત! તારે જવું છે કે તારું ગળુ દબાવી દઉં?”

ગીતા રડવા લાગી. એના પેટમાં હલચલ મચી ગઈ. ભુવાજીએ કહ્યું : “ગોરધનભાઈ! હવે આગીયો ભુત ગીતાને હેરાન નહીં કરે. મેં એને ભગાડી મુક્યો છે!”

કૈલાસબહેન અને ગોરધનભાઈ ભુવાજીના પગે પડી ગયા!

થોડા દીવસ પછી, અધુરા મહીને ગીતા માતા બની! તેને દીકરી જન્મી. એકવીસમા દીવસે આગીયા ભુતે ન કરવાનું કર્યું! દીકરીને રાતે કોઈ ઉઠાવી ગયું! ગામમાં ચકચાર મચી ગઈ. એકવીસ દીવસની દીકરીને કોણ લઈ ગયું હશે, શા માટે લઈ ગયા હશે, તેની અટકળો વહેતી થઈ ગઈ! ગીતા ગાંડા જેવી થઈ ગઈ. કૈલાસબહેન અને ગોરધનભાઈ આગીયા ભુતને દોષ દેવા લાગ્યા. બન્નેને આમાં ભુવાજીનો જ વાંક દેખાતો હતો, વીધીના નામે પૈસા પડાવી લીધા, પણ નીરાકરણ ન કર્યું! બીજા દીવસે બાજુના ખેતરમાં, અવાવરુ કુવામાંથી મૃત હાલતમાં નવજાત દીકરી મળી આવી, પારણ જીલ્લાના ધીણોજ ગામમાં વાતોનો વંટોળ ચડયો!

ગામમાં હાઈસ્કુલ હતી. તેના આચાર્યને આગીયા ભુત અંગે શંકા ગઈ. તેણે ચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના ચતુરભાઈ ચૌહાણ(સેલફોન : 98982 16029)ને આખી ઘટનાની જાણ કરી. ચતુરભાઈએ તારીખ 22 ફેબ્રુઆરી, 1984ના રોજ ધીણોજ ગામની મુલાકાત લીધી. હાઈસ્કુલમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ રજુ કરી લોકજાગૃતી કેળવી. હાઈસ્કુલના એક શીક્ષીકાબહેન મારફતે ચતુરભાઈએ ગીતાને સમજાવી. કૈલાસબહેન અને ગોરધનભાઈને સમજાવ્યા.

ચતુરભાઈએ ગીતાને પુછયું : “ગીતા! સંકોચ રાખ્યા વીના જે સાચું હોય તે કહે!”

“સાહેબ! મારો પતી સુરેશ શીક્ષક છે. સુરેશ મને સાસરે તેડી ગયો. ત્યારે મેં મારી સાસુને કહ્યું કે મારે ત્રીજો મહીનો જાય છે. ત્યારે મારી સાસુએ આગળ મારી વાત સાંભળ્યા વીના જ મને કહી દીધું કે તું અમારા ઘરમાં ન શોભે! તું એક વર્ષ પછી સાસરે આવી છો અને ત્રણ મહીનાનો ગર્ભ શી રીતે હોય! એમ કહેતાં મારી સાસુએ મને મારી!

મારો પતી સુરેશ વચ્ચે ન પડ્યો. એ ચુપચાપ બાજુના ગામે શાળાએ જતો રહ્યો! સાહેબ, ખરેખર આગીયો ભુત છે જ નહીં!”

“ગીતા! ભુવાજીએ આગીયા ભુત માટે બે વખત વીધી કરી ત્યારે તું કેમ કંઈ બોલી નહીં?”

“સાહેબ! હું બધું જાણતી હતી, ભુવાજી ખોટું બોલતા હતા! પરન્તુ મારા પીતાને સન્તોષ થતો હતો! એટલે હું ચુપ રહી!”

“ગીતા! આગ કેમ લાગતી હતી?”

“સાહેબ! હૈયામાં આગ હોય તો ભડકો થાય જ! હું રોતી કકળતી પીયર આવી હતી. ગામમાં સૌ આડાઅવળી વાતો કરતા હતા! મેં આપઘાતનો નીર્ણય કર્યો. મેં શરીર ઉપર કેરોસીન છાંટ્યું! દીવાસળી ચાંપી! ચણીયો સળગ્યો, ગોદડા સળગ્યા! હું મોતથી ડરી ગઈ. હું વીજળી વેગે પાણીની કુંડીમાં પડી! મોત પાછું ફરી ગયું! પછી એક દીવસ હું કપડાં ધોતી હતી. પીતા રજકામાં પાણી વાળતા હતા. માતા ગામમાં ગઈ હતી. પીતાના ઝભ્ભામાંથી દીવાસળીનું બાકસ નીકળ્યું. મેં નજીકની ઘાસની ગંજી સળગાવી અને તેમાં કુદી પડવા તૈયારી કરી પણ છેલ્લી ઘડીએ હું ડરી ગઈ! એ પછી તો મારું પેટ બહાર દેખાવા લાગ્યું. હું કંઈ વીચારી શક્તી ન હતી. મને કંઈ યાદ રહેતું ન હતું. મારું શરીર ધ્રુજતું! હું અભરાઈ ઉપરથી વાસણ લેવા જાઉં તો આખી અભરાઈ હેઠી પડે! મારા શરીર અને મન ઉપર કાબુ ન રહ્યો! વીધી કરતી વખતે ભુવાજીએ મને આમતેમ બહુ પછાડી. એટલે સાતમા મહીને હું માતા બની. મારા દુઃખનું કારણ મારી દીકરી હતી, એવું માની મેં દીકરીને દુધ પીતી કરી અને રાતે પાડોશીના કુવામાં એને મેં ફેંકી દીધી!’’

“ગીતા! તેં માતા થઈને દીકરીની હત્યા કરી?”

સાહેબ! શું કરું? આગીયા પતીને કારણે હું મજબુર હતી! હું સાચું કહું છું. મારો પતી સુરેશ નોકરીએ જાય ત્યારે પહેલાં મારા ગામે આવતો. મારી સાથે મોજ કરીને પછી નોકરીવાળા ગામે જાય. આ વાત મારા સાસુ જાણતા ન હતા! અમારી વાડીમાં કુવા પાસે નાનું મકાન છે, ત્યાં અમે મળતા અને દુનીયાને ભુલી જતા! મારી દીકરી મારા પતીની જ હતી! પરન્તુ મારો પતી, તેની મમ્મીને કંઈ ચોખવટ ન કરી શક્યો કે ન તેણે મારો બચાવ કર્યો!”

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (03, ઓગસ્ટ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–11–2017

9 Comments

  1. આવું આપણા દેશમાં જ થાય અને આપણે ત્યાં જ થાય. આપણે લોકોને આપણી સ્ત્રીઓની કે સ્ત્રી દાક્ષિણ્યની કોઈ પડી નથી. આપણે ત્યાં સ્ત્રીઓને હડધૂત કરવી,
    એમને ના ભણાવવી પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આપણાદેશનું આ કલંકિત પ્રકરણ છે જેમાં કોઈને સ્ત્રીઓની કઈ પડી નથી. મજબૂરી, લાચારી અને દબાવીને રાખવામાં આપણા પુરુષો હોશિયાર છે.
    સ્વામી વિવેકાનંદે એકવાર એવું કહ્યું કે ભારિતય સ્ત્રીઓ હાથ કેમ મિલાવતી નથી તો એટલા માટે કે ઇંગ્લેન્ડની રાણી જેમ હાથ મિલાવતી નથી એ જ રીતે આમારી સ્ત્રીઓ રાણી સમાન છે. આનાથી વધુ મૂર્ખતા ભર્યું વિધાન બીજું શુ હોય શકે?
    આપણે ત્યાં કઈ જ્ઞાતિ, કયો ધર્મ, કઈ ભાષા એને સ્ત્રીઓના સ્ટેટ્સ સાથે કોઈ સંબંધ નથી. બધે જ પીડા છે. અને આ લાચારી આપણી બિચારી સ્ત્રીઓને કોઠે પડી ગઈ છે. જેમ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કાજોલની માતા એવું કહે છે કે ભારતીય સ્ત્રીના જીવનનની સાચી હક્કીત એ જ છે કે જેમ પતિ કહે કે પિતા કહે એમ કરવું। આપણે ત્યાં ગીતો પણ એવા બને કે “દીકરીને ગાય દોરે ત્યાં જાય” હવે દીકરીને મનુષ્ય નહિ પણ ઢોર સાથે સરખાવવી એનાથી વધુ પાપ બીજું કયું? અને આ વાસ્તિવકતા સ્ત્રીઓએ સ્વીકારી લીધી છે. જો અંગ્રેજો ના આવ્યા હોત તો હજુય ભારતીય સમાજ કેવી પરિસ્થતિમાં હોત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણે ત્યાં કોઈ જ નવી ટેક્નોલોજી અને નવીન પ્રકારના ઉદ્યોગો કે કઈ હોત નહિ. અને અંધશ્રદ્ધા અને મુર્ખામીમાં રાચતો સમાજ હજુયે બળદ ગાડે ફરતો હોત. આનાથી વધારે કાળજું કંપી જાય એવી ઘટના બીજી શું હોઈ શકે? એક વાર ડો. શરદની વાર્તામાં વાંચ્યું હતું કે એક સુકાઈ ગયેલી બહેન મને મળવા આવી અને કહેતી હતી કે મારે તમને કૈક વાત કરાવી છે. ત્યારે ડો.ને એવું થયું કે આ વાતમાં દુઃખ, દર્દ અને પીડા થી વધી ને કે હોઈ ના શકે. ભારતીય નારી પીડાના સદ્ સિવાય કોઈ બીજી વાત જણાવી શકે એ શક્ય જ નથી. આપણો સમાજ આટલો કલંકિત છે કે આવો આ સમાજ મારો છે એવું કહેતા મને —- આવે છે.

    Liked by 1 person

  2. મનોજકુમારના મુવીમાં એ એમ કહે છે કે ભારત મારો દેશ છે અને મને ગમે છે. ત્યારે પ્રાણ એને એમ કહે છે આપનો દેશ દેવામાં ડૂબેલો અને ભીખ માંગતો દેશ છે જેને મને માહરો દેશ કહેતા શરમ આવે છે. ત્યારે મનોજકુમાર કહે છે કે આપણે ઝીરોની શોધ કરેલી જેના આધારે બીજી શોધો થયેલી એવું બધું। આપણે લોકો આજે પણ મિથ્યાભિમાનમાં રાચીએ છીએ. આજે પણ ભારતની મહાન સંસકૃતીના ગીતો ગાઈએ છીએ. પણ તેથી આજે શું? એમ કહે છે કે મહાભારતમાં બ્રહ્માસ્ત્ર હતું જે મિસાઈલ હતું। તો અર્જુનને ચકલીની આંખે તાકવાની શી જરૂર? આપણા લેખકો એ ભારતને બઢાવી ચઢાવીને દેશનું દુષકલ્યાણ કર્યું છે. મહાભારત સમયમાં પ્લેન, ટીવી, અણુ બૉમ્બ, એવી બધી ભારામક વાતો ફેલાવીને લોકોનું બ્રેઈન વોશ કરે છે. એ બધી ટેક્નોલોજી આજે ક્યાં ગઈ? જો ગીતા સચવાઈ રહી તો આ બધું ચ્યોં જતું રયુ? આવા ભયાનક ગપ્પા મારીને આપણી પ્રજા અન્દોરોઅંદર લડી મારવાની છે. પચાસ વર્ષમાં ભારતમાં થી અત્યારે જેટલા રાજ્યો છે એમાંથી બીજા પાંચ-છો ઓછા થઇ જવાના છે. અરુણાચલ પ્રદેશ તો 2018માં જ જશે. કાશ્મીર અને થોડા ઘણા પશ્ચિમી વિસ્તારો બીજા દસેક વર્ષમાં। અને આમ કઈ નવું નથી. સહુથી પહેલા ઈરાન અને અફઘાનિસ્તાન જે ભારિતય પ્રદેશો કહેવાય એ ગયેલા છે પછી પાકિસ્તાન, પછી બાંગ્લાદેશ અને એમ. એટલે આ કઈ નવી વાત નથી. આપણા લોકો ત્યારે ય શૂન્યની શોધ, સોને કી ચીડિયા, વીર અર્જુનના ગાંડીવ એવા બધા વિચારોમાં દીવાનાપાનની જેમ વિહરતા હશે. અને પેલી બાજુ ચીન સિક્કિમ, આસામ અને સમજો ને પચ્છિમ બંગાળ પર પણ દાવો કરવા માંડશે। અને તમે માનશો નહિ, પશ્ચિમ બંગાળના મોટા ભાગના લોકો સામ્યવાદી ચીન આવાથી ખુશ થઇ જશે. ભારત છેવટે આજના મધ્યપ્રદેશ જેટલું થઈને રહેશે। જ્ઞાતિ વાદ , સ્ત્રી અસમાનતા, આ બધું આપણા ડીએનએ માં છે. આપનો સમાજ આટલો કલંકિત છે એને મારો સમાજ કહેતા મને —- આવે છે.

    Liked by 2 people

  3. It is a good article and a true story. We all should do self analysis of our mistakes and wrong beliefs. I fully agree with Pran Saheb’s comments in Purab and Pachim movie. He was the only actor who had courage to speak this dialogue. Thanks to author for writing this such a good article for us.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  4. પાખંડી ભુવાઓના કહેવા અનુસાર હિંદુઓમાં “ભુત” વળગે છે, તેમ પાખંડી મુલ્લાઓ, બાબાઓ, પીરો વગેરે ના કહેવા અનુસાર મુસ્લિમોને “જિન્નાત” વળગે છે, અને તે જ અનુસાર ખ્રિસ્તીઓમાં “ઘોસ્ટ” જ વળગતું હશે. આ છે અન્ધ્શ્રદ્ધાળુઑ પાસેથી નાણા કઢાવવાનો નુસ્ખો, જેમાં. આવા પાખંડીઑને ઘીકેળા થાય છે.

    પ્રશ્ન ઍ ઉભો થાય છે કે બીજા ધર્મો જેવા કે જૈન, પારસી, શીખ, બુદ્ધ, યહુદી ધર્મમાં કોણ વળગતું હશે? કોઈ વાંચક આ વિષે પ્રકાશ પાડશે ?

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  5. હું , વીરેન શાહના વિચારો સાથે સંપુર્ણ સહમત છું.અહીં, અમેરિકામાં પણ આવા અંધશ્રધ્ધાળુઓને હું જોઉં છું ત્યારે મને પોતાને પણ શરમ આવે છે. મંદીરોમાં, સિનિયર સિટીઝન્સ એસોસિયેશન્સની મીટીંગો વખતે ઘણી બહેનોને આવી વાતો કરતા જોવા મળે છે. સ્ત્રીઓની સ્થિતિ તો આજે ય, લાચાર અને મારખાઉ જ રહી છે. આવતીકાલે, ચીન અને પાકિસ્તાન ભેગા મળીને ભારતને ખોખરૂ કરી મુકશે અને આપણા વાણીશૂરા નેતાઓ યુનો પાસે ભીખ માંગ્યા સિવાય કશું કરી શકશે નહિં.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન )

    Liked by 1 person

  6. મિત્રો,

    આપણે હજી પણ જુની પુરાણી વાતોના વડા તરતાં રહીઅે છીઅે. જુની વાતોની મહાનતા કે ખોટાપણું કે આજની તારીખમાં ઉપયોગમાં લેવું….આ બઘું પાણી વલોવવા જેવું થઇ રહ્યુ છે.

    ૨૧મી સદીની ભારતીય યુવાન દિકરીઓ પોતાનામાં..આત્મવિશ્વાસ કેળવતી થઇ ગઇ છે. તેને પોતાનું રક્ષણ કરવાની હિંમત આપવાની જરુરત છે. ખાસ કરીને મા..બાપે. અેટલું જોતા રહેવું પડે કે તેને આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં નહિ પરિણમે.

    ગામડા અને શહેરો વચ્ચેની લીમીટ હવે ખૂબ નાની થઇ ગઇ છે. સ્ત્રીઅે ખાસ કરીને પોતાની જાતને સાચવવાની અાવડત કેળવવી જોઇઅે. જેથી કરીને આજના લેખના જેવો કેસ ઉભો નહિ થાય.

    દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ હોય છે. દરેક કેસ અેક મેકથી જુદો જ હોવાનો. દરેક સ્ત્રી પોતાની રીતે પોતાનું જીવન જીવવાની કળા કેળવે છે. પરંતું ઘણા કદાચ આજના લેખની સ્ત્રીના જેવી પરિસ્થિતિમાં સપડાય ત્યારે જો સ્વબચાવની માનસિક તૈયારી કરાવવામાં આવી હોય તો આના જેવા કેસ દૂર કરી શકાય.

    નવા જમાનાની બાલીકાઓને શાળામાં તેમના ઘોરણ સાતમાંથી જ તેમના શરીરની રચનાનું જ્ઞાન આપવું જોઇઅે અને તેઓ કેવા સંજોગોમાં સપડાઇ શકે છે તેનું જ્ઞાન આપવું જોઇઅે. કોઇપણ અજુગતી વાતો ના બને તેને માટે સ્વબચાવની રીતો પણ શીખવવી જોઇઅે.

    વાતોના વડા બનાવવાના બંઘ કરીને દિકરીઓને મા..બાપે યોગ્ય શિક્ષણ આપવાની શરુઆત ઘરમાંથી જ કરવી જોઇઅે. મા..બાપ સાથે ખુલ્લા મનથી વાતો કરતાં શીખવવું જોઇઅે. વાત બઘી કરવાની પરંતું સાચવીને મર્યાદામાં રહીને કરવાની જ.
    બીજે પગથીઅે શાળામાંનું શિક્ષણ. શાળાનાં પુરુષ શિક્ષક ઉપર નજર તો રાખવાની જ….દરેક ખરાબ નથી હોતા પરંતું દરેકના કપાળે સિક્કો પણ મારેલો નથી હોતો.
    ઘણું લખી શકાય.
    વાંચનાર દિકરીના મા..બાપને ઇન્વાઇટ કરો તેમના વિચારો લખવા માટે…..

    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment