સાધુ વાણીયો બીજા જન્મે અમેરીકામાં

સાધુ વાણીયો બીજા જન્મે અમેરીકામાં

–નવીન બેન્કર

એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમીષારણ્યમાં રહેનારા શૌનકાદી ઋષી, સમ્પુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે ‘શ્રુતેન! ‘તમસા કીં વા પ્રાપ્યતે વાંચ્છીતં ફલમ્’ એટલે કે વાંછીત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરીકામાં મીલીયન્સ ડૉલરના સ્વામી કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.

શૌનકાદીનો પ્રશ્ન સાંભળીને સુતમુનીએ કહ્યું કે કોઈ કાળના વીષે, દેવ ઋષી નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે, ભારતવર્ષના નૈમીષાનન્દ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષી નારદે, આ નૈમીષાનન્દ ભારતી ક્યાં મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરીકાના ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઈને પણ પુછવાથી આ નૈમીષાનન્દ ઉર્ફે નીત્યાનન્દ ભારતી ઉર્ફે નીત્યસહસ્ત્રલીલાનન્દ એવા અનેકવીધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.

દેવર્ષી નારદ અને સુત મુનીને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.

સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણીયાની વાત આવે છે તે સાધુ વાણીયો બીજા જન્મમાં, ડૉલર કમાવા માટે અમેરીકાના એક શહેરમાં આવ્યો હતો. કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.

આ બીજા જન્મમાં, સાધુ વાણીયો, ડાકોરના રણછોડરાયજીના મન્દીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.

કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઈ કથાકાર કથા કહેવા આવે કે મોરારીબાપુ જેવા રામકથા સમ્ભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચન્દ્ર જાગુષ્ટેની ધાર્મીક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મીક ગનાન (જ્ઞાન નહીં) તો હતું જ.

કોમર્શીયલ એરીઆમાં, ઑફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વીદ્વાન આચાર્ય, એક કાળા પથ્થરને શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અન્ધશ્રદ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મન્દીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વીદ્વાન આચાર્ય બહારના શ્રદ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષીણા મેળવતો. મન્દીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.

હવે અનુભવે સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વીધી, જેવી પુજાઓ સ્વતન્ત્રપણે કરાવતો થઈ ગયેલો. પેલા વીદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરુ કરી દીધી. મુળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મુર્તી તો રણછોડરાયજીની જ પાણપ્રતીષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મુર્તીઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુન્દડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઈબાબા, જલારામબાપા, શનીમહારાજ વગેરે વગેરેની મુર્તીઓની ધામધુમથી પ્રાણપ્રતીષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મન્દીર બાંધી દીધું. મન્દીરની કમીટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મન્દીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.

અમેરીકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દીવસ અલુણું ભોજન કરે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ જયા–પાર્વતીનું વ્રત રાખે એવા અન્ધશ્રદ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મન્દીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરીકામાં મીલીયોનેર થવા માટે કાં તો મન્દીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઈ વર્તમાન પત્ર શરુ કરી દઈને, સાહીત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનીટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહીના અહેવાલો ફોટાઓ સહીત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહીત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરુરી પણ નથી. 

કોઈ પણ વાર–તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદીષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દીવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઈન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઈડ અને ફુડકુપનો તો લેવાની જ.

ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી બનાવડાવી દીધી. કલાવતી–લીલાવતી હજુ દર મહીને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુના પાછા આવવાની રાહ જુએ છે.

બોલો… શ્રી. સત્યનારાયણ ભગવાનની જય…

આ કથા અંગે જે કોઈ સંશય કરશે તે અઘોર પાપનો અધીકારી બનશે. કોઈ પ્રશ્ન થાય તો પેલા ઋષીમુની, સુતજી કે નારદમુનીને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમીષાનન્દ ભારતી, નીત્યાનન્દભારતી કે નીત્યસહસ્ત્રલીલાનન્દ સ્વામીજીને ઈ–મેઈલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી સ્માર્ટફોન કે વોટ્સએપથી પરીચીત નથી.

–નવીન બેન્કર

લેખક સમ્પર્ક : 

NAVIN BANKER, HOUSTON, TX – 77001 – USA  

E-Mail: navinbanker@yahoo.com

Phone: 001-713-818-4239  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 17/11/2017 

 

26 Comments

 1. મારુ હસવા નું બંધ નથી થતું…..

  સર્વપ્રથમ: હવેલી ની વાત માં મને એમ થયું કે હવેલી રેસ્ટોરન્ટ જે શાકાહારી/માંસાહારી છે એના બાકડા પર બેસી ને……

  ..પરંતુ અહીંયા મને એ પણ ખબર છે અને મેં આજ સુધી માં ૩ વાર સામાજિક સમૂહ માં હવેલી માં ગયો છું એ છે વલ્લભ પ્રીતિ સમાજ હવેલી…… અઇયા ભગવાન ના દર્શન માટે દૂરબીન નો ઉપયોગ થઇ છે એ જીવન માં પેહલી વાર જોયું……

  …હવે મુદ્દા ની વાત : જો તમારે ચારધામ ની યાત્રા/જાત્રા કરવી હોઈ તો ભારત જવાની જરૂર નથી…આવો હમારા હુસ્ટન માં ….. અતિયાર સુધી માં ૭૨ મંદિરો બની ગયા છે અને બીજા કેટલા બનવા ના છે એ તો એમનો ભગવાન જાને……

  હા : અમેરિકા માં કિયા તો મંદિર બનાવો (અને બનાવા ની જરૂર પણ ના પડે, કોઈ નાની ખાલી જગુય ભાડે લો અને ૨-૫ ફોટા મૂકી ડો )..સવાર-સાંજ આરતી પૂજા કરો અને આખો દિવસ બીજા વ્યસનો માં મશગુલ રહો…. આ ના થઇ તો પછી જ્યોતિસી કે વાસ્તુશાસ્ત્ર ના નામે ઠોકો …..

  એક સીધો દાખલો આપું તો ..મારા સશુજી ૨૦૧૦ માં ગુજરી ગયા તો મારે પૂજારી ને વિધિ માટે લેવા અને મુકવા જવાનું હતું… ૨૦૧૬ માં મારા સદુભાઇ ગુજરી ગયા તો આ પૂજારી બોલે કે એડ્રેસ આપો હું પહોંચી જઇશ.. આ ભાઈ તો મુસ્ત $૬૦૦૦૦ ની ગાડી માં સમયસર આવી ગયા…. ૬ વર્ષ માં આ એમનો વિકાસ ……

  Liked by 1 person

 2. મુર્ખાઓના ગામ કે દેશ જુદા હોતા નથી. ઈશ્વરની માફક એ સર્વત્ર હોય છે.

  Liked by 1 person

 3. વાહ !…નવીનભાઇ તમે અભિવ્યક્તિને પણ નવી રાહ બતાવી. વાચકોને જાગૃતિ આપી. તમારી સંદેશો આપવાના …પ્રેઝન્ટેશનની મેથડ ખૂબ ગમી. ઘાર્મિક નામો અને ઘાર્મિક કથાઓના નામોના સહારે વાચકને …ખાસ કરીને સિનિયરોને….પોતાના મનનું ખવડાવીને તમારી બનાવેલી દવા હસાવતાં હસાવતાં પાઇ દીઘી. અભિનંદન.
  પરંતું અમેરિકાના હિન્દુઓ ભારતના હિન્દુઓ ની કોમ્પીટીશનમાં છે. હમ નહિ છોડેંગેં……અને છોડતા નથી જ. અેટલે તો વેપાર ઘમઘોકાર ચાલે છે.
  સંજય…સ્મિતા ગાંઘીઅે લખેલી હરેક વાત સો ટકા સાચી છે. ન્યુ જર્સીમાં અેક ડોક્ટરે સાંઇ સેન્ટર….હાં…સેન્ટર બનાવ્યુ છે. મંદિર નહિ. અને તે કોઇપણ જવાબદારી વિના અેટલું કમાયો કે તેણે રોકેલો પુજારી હેબતાઇ ગયો. હું કેમ પાછો પડું ? મારી મહેનત અને ડાક્ટર ઘરે બેસીને મઝા કરે ? પૈસા…વગર ટેક્ષના….ભેગા કરે ? તેણે રાજીનામુ આપી દીઘું અને પોતાનું સાંઇ સેન્ટર …નવું સેન્ટર ખોલી દીઘું…આજે તે પણ માલેતુજાર છે.
  અમેરિકન બની ગયેલાં અહિંના નાગરિક બનેલાં વેપારી બુઘ્ઘિ ચલાવનારાઓ હવે મંદિરો બાંઘવાના વેપારમાં બુઘ્ઘિ દોડાવી રહ્યા છે. ખોટનો ઘંઘો જ નહિ……….
  તેના સેન્ટરનાં ઉદઘાટન વખતે ગુજરાત દર્પણના માલિક સુભાષભાઇ અને હું જસ જોવા ગયેલાં….અને અમને સાલ ઓઢાવી દીઘેલી. ચાલ્લો પણ કરેલો. આશિર્વાદ પણ અપાવેલાં.
  અહિં સૌથી વઘારે સાઉથ ઇન્ડીયાનાં કોમ્પ્યુટરના યુવાનો જોવા મળે છે.
  નવીનભાઇઅે જે સીક્વેન્સમાં લેખ લખ્યો તે પરફેક્ટ છે. અહિં જે રીતે મંદિરો બને છે કે પૂજા પાઠ કરાવાય છે કે મુરારી બાપુ જેવાની કથા થાય છે તે બઘુ જ વેપાર છે….ઓછા ખર્ચે વઘુ નફો. સિનિયરો પછીની બીજી પેઢી પણ હાલે તો રંગાયેલી છે પરંતું તે પછીની પેઢી થોડી જાગૃત થશે અેવું લાગી રહ્યુ છેં નવીનભાઇને મારાં હાર્દિક અભિનંદન….
  અમેરિકા આવનાર અભણ, ઓછું ભણેલાં કે ખૂબ ભણેલાં ઓછી મહેનતે, ઓછી લાગવગે, ઓછા અનુભવે…અને નોકરી છુટી જવાની બીક વિના જો પૈસાવાળા થવાની ખેવના ઘરાવતાં હોય તો જરુરથી મંદિરનાં પુજારીની ટરેનીંગ લઇને આવજો. અને…અથવા…મુરારી બાપુ…રમેશભાઇ ઓઝા કે ….પંડયા…કે ….કથાકાર બનીને જ આવજો….તમારા ભગવાન જરુરથી તમારું ભાવી ઉજ્જવળ બનાવી દેશે તેમાં કોઇ શંકા નથી.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. અખાના ચાપકા જેમ આ લખાણનો સમય થઈ ગયો છે! કૃષ્ણભગાવાને ક્યાંક સૌને કહ્યુ’તુ કે પાપ વધી જશે ત્યારે એ જન્મ લેશે! એ જન્મી ચૂક્યા હોય તો આ લેખમાં ચિતરેલી પરિસ્થિતિમાં પુરાયેલી આમ પ્રજા કેવી રીતે જોઈ શકે? એવું બને કે, આ લેખકના મગજમાં ભગવાન પ્રવેશીને આ લખાવી રહ્યા હોય! બીજી એક વાત. ‘લાઈક’ કરી વાંચકો એમનો સમય બચાવી લેશે તો આ લેખક એકલા હાથે સમાજમાં સુઘારો કેવી રીતે લાવી શક્શે? શું એમની પાસે બે શબ્દો લખવા જેટલો સમય પણ નથી? લાઈક કરીને તમે આ લેખકની સમાજ સુધારક ચળવળમાં જોડાઈતો ગયા છો! તો જો તમારા દિમાગમાં શબ્દો સરવળવા લાગ્યા હોય તો એને બહાર લાવવાનું કામ કરી શકવા સમર્થ નથી? ચાલો ત્યારે…શેઠની શિખામણ…..!!!!! જતાં જતાં…. આ લેખક્ને આજ નહિ તો ભાવિમાં જનતા યાદ કરશે જો એમણે ચીતરેલી આ પરિસ્થિતિ આમ જ ચાલ્યા કરશે તો, અને તમે સહુ એ જોઈ,જાણીને પાછા જીવ બાળ્યા જ કરશો. લેખકને દિલથી અભિનંદન.

  Liked by 2 people

 5. મને જે સાચું લાગે છે એ હું લખી નાંખું છું. ક્યારેક દુશ્મનાવટ પણ થાય છે. પત્ની અને અન્ય સગાંસંબંધીઓ મને આ ‘લખારા’ કરવાનું બંધ કરવા પણ કહે છે. મારો લેખ ‘અમેરિકામાં અંધશ્રધ્ધા’ છપાયા પછી તો મને જાહેરમાં તમાચા મારવાની ધમકીઓ પણ આપવામાં આવેલી. લેકિન ક્યા કરેં ? દિલસે મજબુર હૈ /

  નવીન બેન્કર ( ૧૭ નવેમ્બર ૨૦૧૭)

  Liked by 2 people

 6. નવિનભાઈ, મોં ખોલવા કે ક્યાંક લખવા માટે કયા સમાજ સેવકને જનતાએ શરુમાં શરુમાં વઘાવ્યા હોય એવું વાંચવામાં આવ્યું નથી! પતિની પાછળ સતી થવાના રીવાજને પડકાર કરનારને શું ત્યારના સમાજે તુરતજ વધાવી લીધા હશે? એ રીવાજ અત્યારે સહુને કેવો બુધ્ધીહિન લાગે છે, પણ ત્યારે એક વ્યક્તિ (નામ યાદ આવતું નથી) સિવાય કેટલાઓને લાગેલો? સાચુ કહેનારો શરુ શરુમાં સૌને કડવો જ લાગવાનો! કઈ દવા કડવી નથી? તંદુરસ્તી સાચવવા સૌ એ કડવી દવા પૈસા ખર્ચી લે છે, એ જાણી કે એ પેટમાં જઈને ફાયદો જ કરવાની છે!
  એમ, આ કડવી વાત મીઠ્ઠી લાગતાં સમય લાગશે. આ કડવી વાત સમયસર જો કહેવામાં ન આવે તો પછી સમાજની તંદુરસ્તી કેમની સુધરવા પામશે?

  Liked by 2 people

  1. તમારી જાણ સારુ, બંગાળના સમાજ સેવક રાજા રામમહનરાયે સતી થવાનો રીવાજ બન્ધ કરાવ્યો હતો.

   Liked by 2 people

 7. નવીનભાઇ,
  તમારી બોટમાં હું પણ બેઠેલો છું. ઘરમાં જ વિરોઘીઓ જાગે છે અને અેક કાને સાંભળીને બીજા કાને બહાર…..
  વાંચનાર લોકોમાં પણ ગઢેરમાં ચાલવાવાળાઓના રીપ્રેઝન્ટેટીવો હોય છે.
  કયા સાચુ બોલનારને હાર તોરાં થયેલા છે ?
  તમો જે રસ્તે ચાલો છો તે ભલેને કાંટાળો હોય…ભલેને તમને અમાન્ય કરવાવાળાં મળતા હોય…..
  તારી હાંક સુની કોઇના આવે તો અેકલો જાને રે……

  આભાર…અને અભિનંદન. મનને સાચુ લાગે તે આપતા રહો…..થોડા સ્વિકારવાવાળા તો છે જ……
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. ખુબ જ સુંદર કાબીલેદાદ જડબેસલાક લેખ !!! તે સમયના કબીરજી, દયાનંદ સરસ્વતીજી, ડૉ. આબેડકરજી જેવા વિચારવંત કેટ કેટલા સમાજ સુધારકોએ પણ ત્યારે જાહેર કરેલા એમના ક્રાંતિકારી વિચારોને લીધે ખુબ ખુબ શહન કરવું પડેલું.
  માનવું રહ્યું કે એના લીધે જ કદાચ આજે સર્વ શ્રી ગોવિંદભાઈ મારું, દિનેશભાઈ પંચાલ,રમણભાઈ પાઠક અને નવીનભાઈ બેન્કર,સૂર્યકાંત શાહ(હકીકતો અને ભ્રમણાઓ) ,જયંતીભાઈ પટેલ( ઈશ્વર: એક હાનીકારક કપોળ કલ્પના ) અને બીજા પણ સમાજને મળ્યા .
  આવતા વર્શોમાં એવા કાર્તીકારી વિચારકો અનેક ઘણી મોટી સખ્યામાં મળશે જ એવી આશા અસ્થાને નથી. સમય મળે ઉપરની બન્ને નાની પુસ્તિકાઓ વાચી જવા વિનંતી.

  Liked by 1 person

 9. શ્રી નવીન બેન્કરે લખેલ લેખ ફક્ત અમેરિકા ને જ લાગુ પડતો નથી.અહી કેનેડા,ઇંગ્લેન્ડ,બલકે જ્યાં જ્યાં ઇન્ડિયનો વસવાટ કરેછે તે તમામ દેશ માં મંદિર બનાવી કમાણી કરવાનો એક વ્યવસ્થિત ધંધો બની ગયેલ છે.જ્યાં લોભિયા હોય,ત્યાં આવા બાવાજીઓ નો ધંધો ધમધોકાર ચાલતો હોય છે.શ્રી બેન્કરે લખેલ કટાક્ષ કથા વાસ્તવ માં હકીકત છે.અહી મને એક જોક યાદ આવી તેનો ઉલ્લેખ કર્યા વગર ચાલશે નહી.
  એક ચર્ચ ની ભાર એક રવિવારે બે ગુજ્જુભાઈ ડોનેશન લેવામાતે બેસી ગયા.એક ભાઈએ ઓમ નું ચિન્હ રાખેલ અને બીજાએ ક્રોસનું.ચર્ચ માંથી ભાર નીકળતા દરેક ભાઈ ક્રોસ વાલા ગુજ્જુને ૨,૫,૧૦ ડોલરની નોટ નાખી ધન્ય અનુભવતા હતા,કોઈ ઓમ વાળાને ડોનેશન આપતું નહી છેવટે સમય પૂરો થતા પાદરી ભાર નીકળતા જોયું કે ઓમ વાળનું પાથરણું ખાલી હતું તેથી તેને ઓમ વાળા ગુજ્જુને કહ્યું કે તને અહીંથી કઈ મળશે નહી કોઈ મંદિર પાસે જીને બેસીજા.આ સાંભળી ઓમ વાળા ગુજ્જુયે બાજુમાં બેઠેલા ગુજ્જુને કહ્યું ,મનસુખભાઈ આ પાદરીને શું ખબર છે કે ધંધો કેમ થાય. મતલબકે દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાળા ચાહિયે.આ જોક શ્રી બેન્કરે લખેલ લેખને બરાબર લાગુ પડેછે.મોટાભાગના લોકો આ જાતની માનસિકતા થી પીડાતા હોય છે તૂકે રસ્તે,વગર મહેનતે ટેક્ષ ભ્ર્યાવગર પઈસા દાર થવાની વૃતિ આમાં દેખાય છે.જાગૃતિ આપણે રાખવાની છે.

  Liked by 1 person

 10. ધર્મસ્થળોની તો વાત જ જવા દો. કેનેડાના-ટોરેન્ટોમાં અમે રહીએ છીએ એ જગા ૨૦ વર્ષ પહેલા ઉજ્જડ હતી. એક હિંદુસભા મંદિર બંધાયું અને આજે એની ફરતે એક કીલોમીટરના ક્ષેત્રમાં માનવ વસતિની (ખાસ કરીને ભારતના) સાથે સાથે ગુરુદ્વારા, સત્યસાંઈ મંદિર, સનાતન મંદિર, વિષ્ણુ મંદિર, બાલાજી મંદિર અને એવા કંઈ કેટલાયે મંદિરોની જમાવટ થવા માંડી છે. પશ્ચિમના દેશોમાં પણ અંધશ્રદ્ધા કેડો મૂકતી નથી. પછી નૈમીષાનંદ ભારતીઓ અહીં આવી ઘી-કેળા જ કરે ને ?!

  Liked by 1 person

 11. It is very true and interesting article. People do not want to think and they get trapped by these sadhus.

  Thanks ,

  Pradeep h. Desai
  USA

  Liked by 1 person

 12. હ્યુસ્ટન નિવાસી હમ ઉમ્ર મિત્ર શ્રી નવીન બેન્કર એક સ્પષ્ટ વક્તા અને લેખક છે.જે સાચું લાગ્યું એને કોઈની પણ સાડા બારી રાખ્યા વિના લખે છે. એમની આવી નિખાલસતા આ લેખમાં સ્પષ્ટ દેખાય છે.અમેરિકામાં પણ મહારાજા બની રહેલ આજના મહારાજો વિષે એમની કટાક્ષમય શૈલીમાં કેટલું સાચું શબ્દ ચિત્ર એમણે દોરી આપ્યું છે ! નવીનભાઈને અભિનંદન.

  Liked by 1 person

 13. Bold & Factual article.According to Katja ex Supreme court judge, more than 90% people in India are foolish They remain same even settled in US.It is a big business with getting respect in society.Who cares !!! Tregic .

  Liked by 1 person

 14. હમણાં, એક ચલતાપુર્જા ઠ્ગભગતે, હ્યુસ્ટનમાં, એક જીવતા પણ ભગવાનનો પુનર્જન્મ ઠઠાડી દીધેલા માનવીનું મંદીર બનાવવાની ઝુંબેશ ઉપાડી છે. કેટલાક એક્ટીવીસ્ટોએ તેને સાથ આપ્યો છે. અને આજકાલમાં જ, જમીન દાનમાં મળતાં, ઉઘરાણું શરૂ કરી દઈને, કહેવાતુ મંદીર બંધાવું શરૂ થઈ જશે. પાર્વતીજીનો પુનરાવતાર ગણાવાતા બહેન તો મને કેટરીના જેવા દેખાય છે. ભાખરા નંગલ ડેમ નજીક તેમનો આશ્રમ હોવાની અને પોતાના પતિ અને બાળક સાથે રહેતા એ બહેનના નામનું મંદીર બનાવવાની ટહેલ નાંખવામાં આવે છે.મને એમના ફોટાનો ચરણસ્પર્શ કહેવાનું કહેવામાં આવતા મેં કહ્યું કે- મને તો આ ફોટો કેટરીનાનો લાગે છે અને મને ‘ક્લીક’ થાય છે.’ એટલે મને હડધુત કરીને કાઢી મુકવામાં આવ્યો. દાન આપનાર લખેશ્રીઓ છે. સમાજમાં આગેવાનો ગણાય છે. આ ચલતોપુર્જો પોતે તો ડીસએબિલીટી , મેડીકેઇડ અને ફુડકુપન પર જીવે છે.
  હવે એકવાર આ મંદીર શરૂ થાય પછી એનો રીપોર્ટ લખવા મને બોલાવશે ત્યારે હું એનો આંખે દેખ્યો અહેવાલ લખીશ. હ્યુસ્ટનમાં, આવા અહેવાલો ગુજરાતીમાં લખવા માટે હું એકલો જ ‘ઘાંયજો’ છું.
  નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૨૦ નવેન્મ્બર ૨૦૧૭)

  Liked by 1 person

 15. આ કથાકારના વાક્યો, સમાજ સુધારણાના પ્રયાસો, ભવિષ્ય ભાંખનારા શાસ્ત્રીઓ અને વાસ્તુ શાસ્ત્રવિદો એ મને એમ લાગે છે કે આ પેઢિ અને ન જાણે આવનારી કેટલીય પેઢિઓ માટે શસ્ત્ર કરતાં પણ વધુ જોખમી છે. ખુબ સરસ પોસ્ટ સત્ય ને ઉજાગર કરતી…આમ તો સત્ય સ્વયં પ્રકાશિત હોય છે પણ આ કલીયુગમાં એનેય LED નુ બેક અપ જોઇએ……

  Liked by 1 person

 16. અમારા ત્યાં આવતા સાધુ સત્યનારાયણની કથા કરવા કલાવતીને સાથે આવે અને પૂજાના ફોટા પડતા જાય અને યજમાનને પૂછીને ફેસબૂક પર અપ લોડ પણ કરતા જાય .

  Liked by 1 person

 17. અમેરિકામાં રાહુ છું, આસ્તિક કહો તો નાસ્તિક છું,અને નાસ્તિકની વ્યાખ્યામાં બંધબેસતો નથી એટલે આસ્તિક છું, મંદિરમાં જાઉં છું,કારણ (1) પ્લાન કર્યા વગરનું સોશ્યિલ ગેધરિંગ (2) મંદિર ગામમાં જ હોવાથી થોડો સામાજિક કાર્યમાં ફાળો।
  એક વખત પુજારીશ્રીને પ્રશ્ન કર્યો “રામ શા કારણે ભગવાન કહેવાયા?” પૂજારી કહે “શ્રી રામ એક પત્નીવ્રત રાખતા હતા માટે”મારો બીજો પ્રશ્ન,”તો દશરથને ત્રણ પત્નીઓ હતી તો એ તો રાક્ષસ કહેવાય કે નહિ?” પરિણામ -મને કહે કે આપ મંદિરમાં આવશો નહિ, મારો ધંધો બગાડશો।
  એટલા ઉપરથી આપ સમજી શકશો કે પુજારીની ધાર્મિક હેસિયત અને જ્ઞાન કેટલા છે,અને આવા પૂજારી જ નહિ પણ વિઝિટિંગ ડિગ્નિટરીઝ જેવા મહાન સંતો પણ અવારનવાર મુલાકાત લે છે,મંદિરમાં એક એવા જ્ઞાની-મારી હેસિયત નથી કે એમને અંગે કઈ બોલી શકું કારણકે મને ધર્મની વાતોમાં રસ પડતો નથી,એમણે મને મહેર્બાનીની રાહે મારા માગ્યા વિના જ એમના રૂમમાં મુલાકાત માટે બોલાવ્યો,જયારે જાણ થઇ કે હું એક સામાન્ય નિવૃત્ત વ્યક્તિ છું, એમના હાવભાવ બદલાઈ ગયા,અને બધાને અપાતી કૃપાપ્રસાદી માંથી મને બાકાત રાખ્યો,
  આ અમેરિકાનો રોગ નથી,અમેરિકામાં પૈસા છે,અમેરિકન ભારતિયો દેશમાં મોટા ગણાતા માણસોને જોઈને ગાંડા બને છે,અને ઉઘાડી આંખે પૈસા ઉડાવે છે,ભલે પછી અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન થી માંડીને ગમે તે કક્ષાના અભિનેતા/નેત્રી હોય,ગુજરાતી સાહિત્યના કવિ/લેખક/વિવેચક હોય અને આવા સાધુઓ પણ હોય, જેમના અહીં સ્થાઈ થયેલા પુજારીઓ ધર્મધુરંધરો એમના એજન્ટ તારીકે કામ કરતા હોય છે,
  ફક્ત પૈસા આવ્યા માટે ખર્ચો અને બતાડો ની મેન્ટાલીટી આવા બધાને અહીં આવવા પ્રેરે છે,

  Liked by 1 person

 18. અખા કથા સુણી સુણીને ફૂટ્યા કાન તો ે આવ્યું બ્રહ્મજ્ઞાન પણ ઘેટા સમાન લોકો સમજતા નથી…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s