સોનુ જોઈએ કસીને… માણસ જોઈએ ફસીને!

9

સોનુ જોઈએ કસીને… માણસ જોઈએ ફસીને!

ચારેક વર્ષ પુર્વેની એક ઘટનાનું સ્‍મરણ થાય છે. એક સુંદર યુવાન રોજ અમારા મીત્ર અરવીંદભાઈ જોડે બસમાં આવજા કરતો. યુવાન શાંત, ઠરેલ અને વીનમ્ર હતો. અરવીંદભાઈ જોડે તેને કોઈ વીશેષ પરીચય નહીં; પણ તે અરવીંદભાઈ માટે બસમાં જગ્‍યા રાખતો. તેના હાથમાં હમ્મેશાં કોઈ પુસ્‍તક રહેતું. કૉલેજની યુવતીઓ પણ એ બસમાં મુસાફરી કરતી; પરન્તુ યુવાન પુસ્‍તકમાં જ મગ્ન રહેતો. ભાગ્‍યે જ  છોકરીઓ તરફ તેનું ધ્‍યાન જતું. અરવીંદભાઈ મનોમન તેની પ્રતીભાથી પ્રભાવીત થયા હતા.

ત્‍યાર બાદ બન્‍યું એવું કે અરવીંદભાઈની બદલી થતાં યુવાન જોડેની મુલાકાતો બન્ધ થઈ. ચારેક વર્ષ બાદ અરવીંદભાઈની દીકરી શ્વેતાના લગ્ન માટે મુરતીયાઓ આવવા લાગ્‍યા. એક દીવસ અરવીંદભાઈના એક દુરના સમ્બન્ધી શ્વેતા માટે પેલા જ મુરતીયાને લઈને આવી ચડ્યા. અરવીંદભાઈને આશ્ચર્ય કરતાં સન્તોષ વધુ થયો. જોયેલો જાણેલો અને અનુભવેલો યુવાન હતો. થોડીક લગ્નવીષયક પુછપરછ કરી અરવીંદભાઈએ દીકરીના લગ્ન કરી દીધાં.

પણ લગ્ન બાદ સાસરેથી આવેલી શ્વેતાએ એવી એવી ફરીયાદો કરી કે અરવીંદભાઈ આઘાતના માર્યા દંગ રહી ગયા. છોકરાને રોજ રાત્રે ડ્રીંક કરવાની આદત હતી. ખાસ્‍સું દેવું થઈ ગયું હતું. ઘર ગીરવે હતું. થોડા ઉંડા ઉતર્યા તો એય જાણવા મળ્‍યું કે જુગારમાં એક બેવાર એ પોલીસ થાણે પણ બેસી આવ્‍યો હતો. સામા માણસને ઓળખવામાં ક્‍યારેક કેવી થાપ ખાઈ જવાય છે તેનું આ ઉદાહરણ છે.

આ કીસ્‍સો એ વીચારવા મજબુર કરે છે કે એકાદ સદ્‌ગુણથી જીવનની એકાદ ક્ષણ ઉજળી બની શકે છે. સમગ્ર જીવનને ઉજળું બનાવવા માટે સદ્‌ગુણોનો આખો ગુલદસ્‍તો જોઈએ. બસ પ્રવાસની થોડી મીનીટોમાં માણસ ડાહ્યો ડમરો જણાય તે બાબત તેના ફુલટાઈમ સજ્જન હોવાની સાબીતી હોતી નથી. અમારા એક દુરના માસી કહેતાં– ‘કાકડી ખરીદતી વેળા ચાખીને જાણી શકાય તે કડવી છે કે મીઠી; પણ મુરતીયાને ન ચાખી શકાય, ન માપી શકાય. એ તો નીવડ્યે જ વખાણ…!’ વાત ખોટી નથી. મુરતીયાના મામલામાં ગમે તેટલી છાનબીન કરીએ તોય તે કેવળ સપાટી પરનું ક્ષુલ્લક પરીક્ષણ બની રહે છે. કેરીની ભીતર જીવડું હોય તો તે કાપ્‍યા પછી જ ખબર પડે છે. મુરતીયાની અન્દર અપલક્ષણોના જીવડાં હોય તો તે કન્‍યાના વધેરાઈ ગયા પછી જ ખબર પડે છે.

‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ વસીનેએવી એક કહેવત છે. અમારા બચુભાઈ એને આ રીતે ઉચ્‍ચારે છે. ‘સોનુ જોઈએ કસીને અને માણસ જોઈએ ફસીને!’ જ્‍યાં સુધી પેલા મુરતીયાની જેમ માણસના દુર્ગણોનો પરચો ના મળે ત્‍યાં સુધી તેના વીશેની અસલી સચ્‍ચાઈ જાણવા મળતી નથી. સોનાનો હાર ગમે તે ગળામાં પહેરાય તેના કૅરેટ બદલાતાં નથી. માણસનું ચારીત્ર્ય  સંજોગો પ્રમાણે બદલાતું રહે છે. કૉલેજના એક ભુતપુર્વ વીદ્યાર્થીને નોકરી માટે સારી ચાલચલગતના સર્ટીફીકેટની જરુર પડી. તે કૉલેજના આચાર્ય પાસે ગયો. આચાર્યએ હળવાશમાં કહ્યું– ‘તું કૉલેજમાં હતો ત્‍યારે તારી ચાલચલગત સારી હતી; પરન્તુ કૉલેજ છોડ્યા પછી તેમાં કોઈ દુઃખદ પરીવર્તન આવ્‍યું હોય તો મને તેની શી રીતે ખબર પડે?’

વાત ભલે હળવાશમાં કહેવાઈ હોય પણ સાચી  છે. શૅરબજારમાં શૅરના ભાવ ગગડી ગયા હોય તે છાપા દ્વારા જાણી શકાય છે. માણસના ચારીત્ર્યમાં પરીવર્તન આવે તે ઝટ જાણી શકાતું નથી. હા, ક્‍યારેક દીકરાના ગગડેલા ભાવની જાહેરાત તેના બાપે છાપામાં આ રીતે આપવી પડે છે. ‘મારો દીકરો મારા કહ્યામાં નથી. તેની જોડે કોઈએ અમારા નામે લેવડદેવડ કરવી નહીં!’

અભ્‍યાસકાળ દરમીયાન ‘રામલીલા’ નામની એક હીન્‍દી વાર્તા વાંચવા મળી હતી. વર્ષો પુર્વે રામના પાત્રમાં જે કલાકારે ધુમ મચાવી હતી તે જ કલાકારે અમુક વર્ષો બાદ રાવણના પાત્રમાં અભુતપુર્વ વીક્રમ સ્‍થાપ્‍યો હતો. ‘જૅકીલ એન્‍ડ હાઈડ’ નામની અંગ્રેજી નવલકથા પરથી ‘ચહેરે પે ચહેરા’ નામનું એક હીન્‍દી ચલચીત્ર બન્‍યું હતું. તેનો સાર કંઈક ઉપર મુજબનો હતો. દીવસ દરમીયાન સજ્જન બની રહેતો માણસ રાત્રીના સમયે હેવાન બની અનેક ખુનો કરે છે.

ઘણીવાર સાંભળવા મળે છે– માણસમાં ફલાણો સદ્‌ગુણ હોવો જોઈએ. ઢીકણો સદ્‌ગુણ હોવો જોઈએ. એ માપદંડ અધુરો જણાય છે. થોડાં ઉદાહરણો જોઈએ. મને રૅશનલ વીચારધારાવાળા માણસો ગમે છે; પરન્તુ દુર્ભાગ્‍યે રૅશનાલીઝમ સાથે નમ્રતા, વીવેક વગેરે અભીન્‍નપણે સંકળાયેલા હોતા નથી. કોઈ રૅશનાલીસ્‍ટ અવીવેકી હોય, તોછડો હોય, વૈચારીક રીતે આતંકવાદી હોય તો તેનું રૅશનાલીઝમ શા ખપનું?  ઈશ્વરમાં શ્રદ્ધા રાખવામાં એટલો મોટો અનર્થ નથી જેટલો રૅશનલ હોવાનો દાવો કરીને ઝનુન દાખવવામાં થાય છે.

માણસ પાસે એકાદ સદ્‌ગુણ હોય તે પુરતું નથી. સદ્‌ગુણોનો ગુલદસ્‍તો હોવો જરુરી છે. લીંબુના રસનું એક ટીપું આખી તપેલીના દુધને દહીંમાં ફેરવી નાખે છે તે રીતે એક નાનો દુર્ગુણ માણસના સો સદ્‌ગુણો પર પાણી ફેરવી દે છે. દરેક સદ્‌ગુણની એક સરહદ હોય છે. એ સરહદની વીસ્‍તાર મર્યાદામાં જ તેની અસર થાય છે. તે પછી થતી નથી.

આસ્‍તીક્‍તા એ સદ્‌ગુણ છે એમ કલ્‍પી લઈએ. પણ આસ્‍તીક માણસ સ્‍વભાવે લુચ્‍ચો હોય, જુઠાબોલો હોય, દગાખોર હોય તો તેની આસ્‍તીક્‍તાની કોઈ કીમ્મત રહેતી નથી. કોઈ માણસ પ્રેમાળ હોય, નમ્ર અને વીવેકી હોય તો તે સારી બાબત લેખાય; પરન્તુ તેનામાં બુદ્ધીનો અભાવ હોય તેને જીવન વ્‍યવહારની કશી ગતાગમ ના હોય તો તેની નમ્રતા કે પ્રેમાળતાની કોઈ શ્રેયકર ફલશ્રુતી પ્રાપ્‍ત થતી નથી. માણસ બુદ્ધીશાળી હોય પણ તે દુષ્ટ હોય, ખંધો હોય, મનનો મેલો હોય, હેવાન જેવી મનોવૃત્તી ધરાવતો હોય તો બુદ્ધી બાપડી એકલી શું કરે? કાગડાની ટોળી વચ્‍ચે એક કબુતર દુઃખી થઈ જાય છે તેમ ઘણાં દુર્ગુણો વચ્‍ચે એકાદ સદ્‌ગુણ પુરના તણખલાની જેમ તણાઈ જાય છે.

તાત્‍પર્ય એટલું જ માણસ ભલે ‘માસ્‍ટર ઓફ ઑલ’ ના હોય શકે. તેનું ‘જેક ઓફ ઑલ’ હોવું જરુરી છે. ફરીથી એક જ વાત સામે આવે છે. માણસમાં સદ્‌ગુણોનું ગોડાઉન ભલે ના ભર્યું હોય, થોડાંક સદ્‌ગુણોનો નાનકડો ગુલદસ્‍તો જરુર હોવો જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી – 12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–11–2017

14 Comments

  1. good evening maruji,what is the real in the all alives?the golden moments
    or to sleeping in golden moments?give a little sign by our writing to
    readers,as per lord Karnas
    words…………………………………………………………………….i,never
    feed to a hunger but i directed to a hunger,there is a free food
    festival?go there/this sign giving the light on to give the food to
    hunger?the mountains of the moments forced us weak up before the sun rising
    and we become a looser!alas!

    Liked by 1 person

  2. This analysis is not enough to know a person. The basic honesty in every walks of life is required. No body is perfect in this world.

    Thanks for the article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  3. કોઈ રૅશનાલીસ્‍ટ અવીવેકી હોય, તોછડો હોય, વૈચારીક રીતે આતંકવાદી હોય તો તેનું રૅશનાલીઝમ શા ખપનું? ઈશ્વરમાં શ્રદ્ધા રાખવામાં એટલો મોટો અનર્થ નથી જેટલો રૅશનલ હોવાનો દાવો કરીને ઝનુન દાખવવામાં થાય છે.
    सरस !

    Liked by 1 person

  4. Rationalism is one’s personal belief but it can’t be forced upon some body else. & there is nothing wrong to believe in God. The problem with rationalists is that they boast about & think that believers are ignorant.

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      આપના બ્લોગ પર ‘સોનુ જોઈએ કસીને… માણસ જોઈએ ફસીને!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  5. સમગ્ર જીવનને ઉજળું બનાવવા માટે સદ્‌ગુણોનો આખો ગુલદસ્‍તો જોઈએ
    very true–1 naliyer nee pan kehavat che–tyodya vagar -we donot know what is inside.
    human nature is really very very difficult to know–and changes abruptly 180 degree. Samay Varte Savdhan…

    Liked by 2 people

  6. The example given here is a very common problem in many arranged marriages. You cannot know somebody well enough in one or two meetings. Deeper acquaintance is always required.

    If a man is really rational, he will use his own Reason and judgment to understand that he needs to make common sense inquiries and obtain good information before he forms an opinion about anybody.

    One virtue or many virtues— that is irrelevant. You need to use your own Reason to find out whether it is there or not. Why blame others for your own lack of common sense intelligence? — Subodh Shah.

    Liked by 1 person

  7. એકાદ સદ્‌ગુણથી જીવનની એકાદ ક્ષણ ઉજળી બની શકે છે. સમગ્ર જીવનને ઉજળું બનાવવા માટે સદ્‌ગુણોનો આખો ગુલદસ્‍તો જોઈએ.
    શ્રી દિનશભાઈની આ વાત સો ટકા સાચી છે . ઉજળું એટલું સોનું એવું માનવાની ભૂલ ઘણી વાર થતી હોય છે એ હ્કિકત છે.

    Liked by 1 person

  8. રેશનાલીઝમ્મોમાં મને તો મહત્તમ વિનયી વિવેકી અને સદવર્તનના જ અનુભવો થયા છે. જયારે અંધશ્રધ્ધાળુઓ અને આસ્તીકોને એમની ગેર માન્યતા , વેવલાપન કે સાધુ બાવતા કે ગુરુ મહારાજો બાબતે સહેજ પણ સત્યઘટના રજુ કરતા એવાઓના બેહુદા વર્તનને ધિક્કારવા મારી પાસે યોગ્ય શબ્દો જ નથી.

    Liked by 1 person

  9. દરેક વાતમાં intuition કે પ્રથમ દૃષ્ટિએ જે લાગ્યું તેના ઉપર આધાર ન રખાય,અને તેથી જ માણસ ફસીને ઓળખાય।Arranged marriages માં બધી જ વાતનો વિચાર કરવો આવશ્યક છે. રેશનાલીઝમ ની વાત કરીએ તો માણસને બધાજ તર્ક થી તોળવો પડે અને એમાં જો જોડું બંધ બેસે,તો જ સંબંધ આગળ વધારાય, એવા સાધુને મળ્યો છું કે જે ઘણાબધા તર્કનો જવાબ તર્ક થી જ આપતા હતા,ફક્ત એમના માં અને મારામાં ફેર એટલો જ હતો કે તેઓ પરમતત્વ જે તર્ક બહારની વાત છે એમાં શ્રદ્ધા ધરાવતા હતા,(1989માં એમને દેહ ત્યાગ્યો અને પોતાના દેહનું મેડિકલ કોલેજને દાન કર્યું,)
    માણસને એના પ્રથમ સ્વરૂપમાં જોઈને એ અંગે કાયમી અભિપ્રાય બાંધવો એ અયોગ્ય છે એવું મારું માનવું છે,

    Liked by 1 person

Leave a comment