આ કેવી અન્ધશ્રધ્ધા!
– રમેશ સવાણી
તારીખ 31 મે, 2015ને રવીવાર. દાહોદ જીલ્લાના ઝાલોદ સરકારી દવાખાનામાં અરેરાટી ફેલાઈ ગઈ! સીત્તેર વર્ષના મેનચીબેન મનજીભાઈ નીનામા રાતે સુતા હતા ત્યારે તેના શરીર ઉપર કુહાડીના ઘા કોઈએ ફટકાર્યા હતા. હાલત ગમ્ભીર હતી. તે બોલી શક્તા ન હતા. સવારે આઠ વાગ્યે તેના ખોળીયામાંથી જીવ નીકળી ગયો!
મેનચીબેનના શરીર ઉપરના ઘા જોઈને ઝાલોદ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી. એ.આર.ગઢવી ધ્રુજી ઉઠ્યા. મેનચીબેનનો ડાબો કાન કપાઈ ગયો હતો અને કાન નીચે અઢી ઈંચ પહોળો અને ચાર સેન્ટીમીટર ઉંડો ઘા હતો. જમણા ખભા ઉપર બે ઘા હતા. બન્ને ઘા સાડા ત્રણ ઈંચ લાંબા અને ત્રણ સેન્ટીમીટર ઉંડા હતા. જમણા સાથળ ઉપર ત્રણ ઈંચ પહોળો અને છ સેન્ટીમીટર ઉંડો ઘા હતો. હાડકું કપાઈ ગયું હતું. જમણા પગની પીંડી ઉપર એક ઘા હતો અને હાડકું તથા નસો કપાઈ ગઈ હતી. ડાબા પગની પીંડી ઉપર અઢી ઈંચ લાંબો અને ચાર સેન્ટીમીટર ઉંડો ઘા હતો. હાડકું તથા નસો કપાઈ ગઈ હતી.
મેનચીબેનના 35 વર્ષના પુત્ર રાજુભાઈના નામે ફરીયાદ નોંધાવી. પી.એસ.આઈ. શ્રી. ગઢવીએ પુછ્યું : “શું લાગે છે, રાજુભાઈ હત્યા કોણે કરી હશે?”
“સાહેબ! મને ખબર નથી!”
“તમારી માતાને કોઈની સાથે બોલાચાલી થયેલી? જમીનનો કે ઘરનો ઝઘડો હતો? કોઈ વેરઝેર હતું?”
“સાહેબ! એવું કોઈ કારણ ન હતું.”
“મને આખી વાત કરો.”
“સાહેબ! ઝાલોદ તાલુકાના પડીમહુડી ગામે નીનામા ફળીયામાં અમે રહીએ છીએ, પાંચ વીઘા જમીન છે. ખેતી અને મજુરી કરું છું. મારા પીતા મનજીભાઈ, હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા. મારે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. સૌથી મોટા શકલીબેન, પછી માનસીંગભાઈ, રસલીબેન, બલ્લુ, જહુતીબેન અને રાકેશ છે. હું સૌથી નાનો છું. મારા લગ્ન ઝાલોદ તાલુકાના વગેલા ગામની શીલ્પા (ઉમ્મર : 26) સાથે ચાર વર્ષ પહેલાં થયેલા છે. બલ્લુ, રાકેશ અને હું સાથે જ રહીએ છીએ.
સાહેબ! બલ્લુભાઈ પણ એકાદ મહીના પહેલા ભાગીને ઢાઢીયા ગામે તેના સાઢુભાઈના ઘેર ગયા હતા. રાકેશભાઈ અને તેની પત્ની આણંદ ખાતે મજુરીએ ગયા હતા. મારી સાસરીમાં લગ્ન હોવાથી હું અને શીલ્પા વગેલા ગામે ગયા હતા. ઘેર મારી માતા એકલા જ હતા! આજે સવારે સાત વાગ્યે મારા ભત્રીજા સંજયનો ફોન મારા સાળા યોગેશ ઉપર આવ્યો. સંજયે મને કહેલું કે તમારો ફોન બન્ધ કેમ આવે છે? મેં કહ્યું કે મોબાઈલ ફોનની બેટરી ઉતરી ગઈ છે! સંજયે કહ્યું કે રાતના અઢી વાગ્યે, મેનચીબેને બુમાબુમ કરી. અમે દોડીને ગયા. જોયું તો ઘરની બહાર ખાટલામાં મેનચીબેન લોહીલુહાણ હાલતમાં હતા. કણસતા હતા. અમે 108 બોલાવી. રાતના ચાર વાગ્યે ઝાલોદ સરકારી દવાખાને લઈને આવ્યા છીએ. તમે જલદી પહોંચો! એટલે હું અને શીલ્પા અહીં દવાખાને આવ્યા.”
“તમને કોઈના ઉપર શક–વહેમ છે?”
“ના, સાહેબ!”
શ્રી. ગઢવીએ ફરીયાદ રજીસ્ટર થવા પોલીસ સ્ટેશને મોકલી. પી.એસ.ઓ. હેડ કોન્સ્ટેબલે આઈ.પી.સી. કલમ – 302 હેઠળ ગુનો રજીસ્ટર કર્યો. સી.આર.પી.સી. કલમ – 157 હેઠળનો રીપોર્ટ કર્યો અને આગળની તપાસ માટે કાગળો પી.એસ.આઈ.ને મોકલી આપ્યા.
પોલીસે મેનચીબેનની લાશનું ઈન્કવેસ્ટ પંચનામું કર્યું. લાશ પોસ્ટ મોર્ટમ થવા મેડીકલ ઑફીસરને સોંપી. ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ને સંદેશો પાઠવ્યો.
તપાસ અધીકારી શ્રી. ગઢવી ગુનાવાળી જગ્યાએ પહોંચ્યા. બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું. હત્યા થઈ ત્યાં લોહીવાળી કુહાડી પડી હતી, તે કબજે કરી. મેનચીબેનની બુમો સાંભળીને જે લોકો દોડી આવ્યા હતા તેમના નીવેદનો નોંધ્યા. બાતમીદારોને સતર્ક કર્યા. જાણીતા ગુનેગારોને ચેક કર્યા. ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ. દ્વારા તપાસ થઈ; પરન્તુ હત્યાની કોઈ કડી ન મળી.
ચોથા દીવસે, જીલ્લા પોલીસ વડા શ્રી. મયંકસીંહ ચાવડાએ ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી. ગુનેગારને શોધી કાઢવા તાકીદ કરી. તપાસ અધીકારી શ્રી. ગઢવીના મનમાં શંકાઓ ઉભી થઈ : “મેનચીબેનનાં શરીર ઉપરથી કે તેના ઘરમાંથી કોઈ ચીજવસ્તુ ગઈ ન હતી! ચોરી કે લુંટના ઈરાદે મેનચીબેનની હત્યા થઈ ન હતી. મેનચીબેનને કોઈની સાથે વેરઝેર ન હતું! હત્યાનું કારણ શું હોઈ શકે? હત્યાથી કોને ફાયદો થાય?’’
પોલીસે દરેક એંગલથી તપાસ કરી પણ હત્યારાનું પગેરું ન મળ્યું. ફરીયાદી રાજુભાઈ ખરેખર તેની સાસરી વગેલા ગામે ગયા હતા કે કેમ, તેની પુછપરછ શરુ કરી, રાજુભાઈને પુછ્યું : “હત્યા થઈ ત્યારે તમે સાસરીમાં જ હતા, તેનો પુરાવો છે?”
“સાહેબ! તમે તપાસ કરી શકો છો!”
પોલીસે આ દીશામાં તપાસ કરી, રાજુભાઈના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ્સ તપાસી. સાહેદોની પુછપરછ કરી. હત્યાના સમયે રાજુભાઈનું લોકેશન વગેલા ગામે જ હતું!
તપાસ અધીકારી શ્રી. ગઢવીએ છ વખત પડીમહુડી ગામે જઈને વીશેષ પુછપરછ કરી પણ દર વખતે નીષ્ફળતા મળી. શ્રી. ગઢવીના મનમાં એક વીચાર રોપાયો કે રાજુભાઈના લગ્ન થયાને ચાર વર્ષથી વધુ સમય થયો છે; છતાં તેમને સંતાન કેમ નથી? તપાસ કરતાં પડીમહુડી ગામમાંથી બાતમી મળી કે રાજુભાઈ અને તેની પત્ની શીલ્પાબેન મુનખોસલા ગામના ભુવાજી બાલુભાઈ દલસીંગભાઈ ભાભોરને ત્યાં વીધી કરાવવા ગયા હતા!
પોલીસે ભુવાજીને બોલાવ્યા અને પુછ્યું : “રાજુભાઈ અને શીલ્પાબેન તમારી પાસે આવેલા?”
“દોઢ વર્ષ પહેલાં બન્ને મારી પાસે આવ્યા હતા. તેમણે મને કહેલું વીધી કરી આપો!”
“પછી શું થયું?”
“મેં રાજુભાઈને કહ્યું કે પાંચ રવીવાર ભરો. કલાજી મહારાજની દયા હશે તો તમોને વસ્તાર જરુર થશે! તેમણે એકાદ રવીવાર ભરેલો પણ પછી આવ્યા જ નથી.”
તપાસમાં આ વાત પણ સાચી નીકળી.
પડીમહુડી ગામે પોલીસે બાતમીદારો રોક્યા. ગામમાંથી વાત બહાર આવે તેવી શક્યતા હતી. તારીખ 22 જુન, 2015ના રોજ પોલીસે રાજુભાઈ અને શીલ્પાબેનને પોલીસ સ્ટેશને બોલાવ્યા. બન્નેની અલગ–અલગ પુછપરછ શરુ કરી. શીલ્પાબેનને પુછ્યું: “તમે તમારા સાસુ મેનચીબેન અંગે શું જાણો છો? તમારા માતા–પીતા તમારી ખબર પુછવા આવતા ત્યારે તમારે ઘેર રાત રોકાતા ન હતા, એ વાત સાચી?”
“સાહેબ! મારા લગ્ન થયા પછી, એકાદ વર્ષ પછી અમારા ફળીયાના માણસોથી મને જાણવા મળેલું કે મેનચીબેન ડાકણ છે! તે તેના પતીને ખાઈ ગયેલા! મારા જેઠ માનસીંગભાઈ અને જેઠાણી રમીલાબેનને ખાઈ ગયેલા! જેઠ બલ્લુભાઈના સસરાને ખાઈ ગયા! મારા મા–બાપ મને મળવા આવે તો હું તેમને કહેતી હતી કે રાતવાસો કરતા નહીં, મારા સાસુ ડાકણ છે!”
પોલીસે રાજુભાઈને પુછ્યું: “તમારી માતા ડાકણ હતા, એવું તમે જાણતા હતા?”
“સાહેબ! મારી માતા ડાકણ હતા, એની મને ખબર નથી. હું કંઈ જાણતો નથી!”
“તમારો ચહેરો વાંચીને કહું છું કે તમે બધું જાણો છો!”
“સાહેબ! તમારે મને જેટલો મારવો હોય તેટલો મારો! મને કંઈ ખબર નથી!”
પોલીસે યુક્તીપ્રયુક્તી અજમાવી. રાજુભાઈને રુમ બહાર કાઢી શીલ્પાબેનની પુછપરછ કરી. શીલ્પાબેનને અવળે મોઢે ઉભા રાખ્યા અને રાજુભાઈને બોલાવીને પુછ્યું: “રાજુ! સાચું બોલ! રાજુભાઈમાંથી તને રાજુ કહું છું, તું સમજી જા! શીલ્પાબેનને કેટલી વખત ગર્ભ રહેલો?”
“સાહેબ! ત્રણ વખત!”
“ત્રણેય વેળાએ શું થયું?”
રાજુ તપાસ અધીકારી શ્રી. ગઢવીને તાકી રહ્યો. પછી તે રડવા લાગ્યો અને શ્રી. ગઢવીના પગે પડી તેણે કહ્યું : ‘‘સાહેબ! મને માફ કરો. મેં જ મારી માતાની હત્યા કરી છે! સાહેબ! શીલ્પાને ત્રણ વખત ગર્ભ રહેલો. ત્રણેય વખતે બગાડ થઈ ગયો! શીલ્પાને હાલે ત્રણ–ચાર મહીનાનો ગર્ભ રહેલો છે. મારી માતાને ખબર પડે તો, ચોથી વખત તે ગર્ભ ખાઈ જાય.’’
‘સાસરીમાં ફળીયામાં હું સુતો હતો. મેં નક્કી કર્યું! રાતે હું વગેલા ગામેથી ચાલતો અને દોડતો પડીમહુડી ગામે આવ્યો. મારો મોબાઈલ મેં બન્ધ કરી, ચાર્જ કરવા મેં વગેલા જ મુકી દીધો હતો! વગેલાથી પડીમહુડીનું અન્તર દસ–બાર કીલોમીટરનું છે. હું ઘેર પહોંચ્યો. મારી માતા ફળીયામાં સુતી હતી. કોઢમાં કુહાડી પડી હતી તે હાથમાં લઈ મેં પાંચ–છ ઘા ફટકાર્યા. કુહાડી ત્યાં જ ફેંકી દઈ, કોઈ મને જોઈ ન જાય તે રીતે, ચાલતો–દોડતો પાછો વગેલા ગામે આવીને સુઈ ગયો હતો! શીલ્પાને કે મારી સાસરીમાં આ અંગે કોઈને ખબર નથી!”
આ કેવી અન્ધશ્રધ્ધા!
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (01, ફેબ્રુઆરી, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, I.G.P.
10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267 e.Mail: rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24–11–2017
Yes… we still live in such an ignorance!!
People become so selfish that they become barbarian! Sad very sad.
LikeLiked by 1 person
આ વાંચીને ખુબ દુખ થયું. આ કેવા આંધળા, અજ્ઞાન અને મુર્ખ લોકો!! જે માને પોતાનો સૌથી નાનો પુત્ર બહુ જ વહાલો હોય છે તેણે જ માની હત્યા કરી!!!
LikeLiked by 2 people
આજ ના સમયમાં પણ આવું બને તે વાતનું જરા પણ નવીનતા જ નથી આ બધી વાતમાં ભણેલ કે અભણ બધાજ માનવા વાળા સરખા જ છે તેવું હું પ્રત્યક્ષ જોઉં છું ત્યારે મનમાં એવું લાગે કે આપણા માનવ સમાજે ક્યાં ને શું પ્રગતિ કરી ?
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
આપના બ્લોગ પર ‘આ કેવી અન્ધશ્રધ્ધા!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
very saddening case..we have still old era roots..and thx for writing such essay to awaken public time to time
LikeLiked by 1 person
સેલફોનને કેવી રીતે વાપરવો અને તેને કેવી રીતે પોતાના દુષ્કર્મ માટે ચાર્જ કરવા મુકીને માતાનું ખુન કરવા જવું આ બઘું ૨૧મી સદીમાં ભારત…ગુજરાતમાં થાય ત્યારે વિચાર આવે કે ભારતની આઝાદીને ૭૦ વરસો થયા પરંતુ જેટલી સરકારો આવી ને ગઇ તે બઘ્ઘીઅે શું ઘંઘા કર્યા ? ઇલેક્ટરોનીક જમાનો ઊંડા ગામડાઓમાં પહોંચી ગયો પરંતું ભણતર નહિ પહોંચ્યુ. સેલફોન કેવી રીતે પૌલીસને ઉલ્લુ બનાવવા વાપરવાની અક્ક્લ આવી પરંતું અંઘશ્રઘ્ઘા દૂર થઇ નહિ.
સરકાર…ગુજરાતની સરકાર અેક અેવું ડીપાર્ટમેંટ કેમ નથી ખોલતું જેમાં અંઘશ્રઘ્ઘા દુર કરનાર સંસ્થાઓને મીનીસ્ટર બનાવીને અંઘશ્રઘ્ઘા નિવારણના કરમો કરાવે ?
રાજુ અેકલો નથી બીજા હજારો રાજુ જીવતાં હશે…તેવીજ સ્ત્રીઓ પણ હજારો હશે જ…..
આવા કેસો તો રોજે મળશે અને આપણે તેની ઉપર દુખ પરદર્શિત કરીને બેસી રહીશું…..નિવારણનાં સખત પગલાં લેવાશે તો જ અંઘશ્રઘ્ઘા ને દૂર કરી શકાશે. ફક્ત ગામડાઓમાં જ અંઘશ્રઘ્ઘા છે તેવું કાંઇ નથી શહેરોમાં પણ ખૂબ છે.
કોઇઅે કહેલું સાચુ જ છે…કે…ગામડાનાં ગરીબોની સેવા કરતાં કરતાં ક્યારે લોકસેવકો પૈસાવાળા થઇ જાય છે તે તેમને પોતાને પણ ખબર નથી પડતી.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
માનનીય ગાંડાભાઈ વલ્લભભાઈ જેવા બીજા વિદ્વાનોની વેદના સમજી શકાય-અનુભવી શકાય પણ તે અંગે વધુ સંશોધન કરનારની વાત પર પણ વિચાર કરવો રહ્યો. એક સર્વેક્ષણમાં ડાકણોના એક સમૂહને પૂછવામાં આવ્યું કે, તેઓ લોકોને શું જણાવવા ઇચ્છે છે. તેઓનો જવાબ સંશોધક મોર્ગોટ ઍલ્ડર ટૂંકમાં કહે છે: “અમે દુષ્ટ નથી. અમે શેતાનને ભજતા નથી. વળી, અમે લોકોને હાનિ પહોંચાડતા નથી અને ગેરમાર્ગે દોરતા નથી. તેથી, અમે જરાય ભયરૂપ નથી. અમે પણ તમારી જેમ જ સામાન્ય લોકો છીએ. અમારાં કુટુંબો છે, અમે પણ નોકરી કરીએ છીએ, આશાઓ રાખીએ છીએ અને તમારી જેમ જ સ્વપ્નો પણ જોઈએ છે. જોકે, અમે કોઈ ધાર્મિક સંપ્રદાય નથી. છતાં, અમે વિચિત્ર લોકો નથી. . . . અમારાથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. . . . તમે ધારો છો એવા અમે નથી. તમારી અને અમારી વચ્ચે કંઈ જ ફરક નથી.”
અંગ્રેજી શબ્દ “વીચક્રાફ્ટ” એ “વીસ” અથવા “વીક્કા” જૂની અંગ્રેજીમાંથી આવે છે. આ શબ્દ “ડાકણ” એ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ પડે છે.
LikeLiked by 1 person
What is appalling to me is not just the Salem witch-hunt that is still being practiced but also it is a telling example of inapt and shoddy police work of total disregard for collecting taking fingerprints and other forensic evidence coupled with the fact that the superior had the gall to show up to the crime scene only after 3 days!
LikeLike
હવે ખરાબ કૃત્ય કરવા માટે સેલફોનનો સૌથી દુરુપયોગ થાય છે …પકડાઈ જવાય છે તે જુદી વાત છેહિંસાને ખુનામરકી વધતા જાય છે માણસ મટીને રાક્ષસ થતો જાય છે
LikeLiked by 1 person