શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

12

શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

– દીનેશ પાંચાલ

એક રૅશનાલીસ્‍ટ મીત્ર દાઢી વધારી ફરતા હતા. એક બહેને તેમને કારણ પુછ્યું. પેલા મીત્રે કહ્યું– ‘મારી નાની દીકરીને મહારાજ આવ્‍યા છે!’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે…! શું વાત કરો છો…? તમે અને મહારાજ? તમે આવી અન્ધશ્રદ્ધામાં માનતા ક્‍યારથી થઈ ગયા? તમે તો પાક્કા નાસ્‍તીક છો!’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે? એવી દલીલો કરીને મેં દાઢી કરી હોત તો તેઓ મન દુભવીને બેસી રહ્યાં હોત; પણ કદાચ દીકરીનું મોત થાય તો તેનું સાચું કારણ ગમે તે હોય; પણ મારા શીરે જીન્દગીભરનો બટ્ટો લાગ્‍યા વીના ના રહે…! અને તેમનો વહેમ વધુ દૃઢ બને તે વધારાનું નુકસાન. બહેનજી, જીવનમાં બુદ્ધી કરતાં લાગણીનું સ્‍થાન મુઠી ઉંચેરું હોય છે!’

મીત્રની વાત સાચી છે. શ્રી. ભગવતીકુમાર શર્મા કૃત– ‘નખદર્પણ’ની એક પંક્‍તીમાં લાગણીની વાત સુપેરે વ્‍યક્‍ત થઈ છે–

                                        લાગણી લખાવે તો લાખ વાર લખવું છે,

                                        બુદ્ધી બુમ પાડે તો પણ ધરાર લખવું છે.

એ મીત્રે આગળ કહ્યું– ‘પત્‍નીને કંઈકે સમજાવી શકાય, પણ 80ની આસપાસ પહોંચેલા મારા માબાપને હું આ ઉમ્મરે રૅશનાલીઝમના પાઠો ક્‍યાં ભણાવવા બેસું? એ તો સાઈકલ ભાંગીને તેમાંથી ઍરોપ્‍લેન બનાવવાની કામગીરી હાથ ધરવા જેવી ભુલ ગણાય. આ ધરમકરમવાળા દેશમાં ભણેલા ગણેલાઓ પણ દોરા ધાગા કે માદળીયાં બાંધીને ફરે છે, અરે! ખુદ ડૉક્‍ટરોના ક્‍લીનીક પર લીંબુ અને મરચું બાંધેલા હોય છે ત્‍યાં ચાર ચોપડીય નહીં ભણેલા મારા માબાપની અન્ધશ્રદ્ધાને વખોડવા બેસું તો મારું રૅશનાલીઝમ લાજે. જડપણે રૅશનાલીઝમને વળગી રહેવા કરતાં સમજદારીપુર્વક થોડીક અન્ધશ્રદ્ધાને નભાવી લેવી એ વધુ ઉચીત ગણાય એમ હું માનું છું.’

વાત અન્ધશ્રદ્ધાની નીકળી છે ત્‍યારે થોડી અંતરંગ વાતોય કરી લઉં. કેવળ લખવા ખાતર લખતો નથી. સમાજમાં વીરોધ કે વીસ્‍ફોટ જગાવવાય લખતો નથી. મારા લખાણને કેટલાંક સ્‍વાનુભવોનું સમર્થન છે. નાના છોકરાની બાબરી, વાસ્‍તુપુજા, શ્રાદ્ધ, હોમહવન, યજ્ઞ, જપ–તપ, માળા, પુજાપાઠ કે મન્દીરમાં જઈ દેવદર્શન જેવું કાંઈ જ કરતો નથી; છતાં અમે અત્યન્તત સુખી છીએ. સ્‍વજનોની લાગણી જાળવવા એકાદ વાર સત્‍યનારાયણની કથા જેવાં કેટલાંક કર્મકાંડ કરાવવા પડ્યા હતાં, પણ એ માબાપનું મન જાળવવા માટે જ… બાકી જીવનની અમુક મહેચ્‍છાઓ પુર્ણ થાય તે માટે બાધા આખડી કે દોરા ધાગામાં ક્‍યારેય પડ્યો નથી.

સેંકડો લોકો આ પ્રકારનું જીવન જીવે છે. તે સર્વના કોઈ કામ અટક્‍યાં નથી. કેટલાંક મુસ્‍લીમ મીત્રો વર્ષોથી નમાઝ નથી પઢતા છતાં તેઓ સુખી છે. આટલા અનુભવ બાદ સમજાયું છે કે મન્દીરમાં ન જાઓ, દીવા દીવેટ ના કરો, માળા ના કરો તો કશું જ અટકતું નથી; પણ જીવનમાં ડગલેને પગલે ખોટાં કામો કરો, અપ્રમાણીક્‍તા આચરો કે બીજા જોડે દુષ્ટતાથી વર્તો તો આખો સમાજ દુઃખી થાય છે. છેલ્લા ચાળીશ વર્ષોથી મારો બુદ્ધીવાદ અને પત્‍નીનો શ્રદ્ધાવાદ એક છત તળે સમ્પીને રહે છે. કારણ એટલું જ કે પત્‍નીએ કદી મારા રૅશનાલીઝમને અવગણ્‍યો નથી. અને મેંય  તેના શ્રદ્ધાવાદને પુરો આદર આપ્‍યો છે. ઘરમાં એક નાનું મન્દીરીયું છે. જે વળી મેં જ પત્‍નીને ભેટમાં આપ્‍યું છે. મજાકમાં હું તેને ભગવાન જોડે વાતો કરવાનું ટેલીફોન બુથ કહું છું. પત્‍નીના આગ્રહથી હુંય ક્‍યારેક મુકપણે એ મન્દીરીયા સામે હાથ જોડી ઉભો રહું છું. ભગવાનની આંખોમાં આંખ પરોવી પ્રશ્નોની ઝડી વરસાવું છું– ‘બૉસ, તારી આ દુનીયામાં આટલા દુઃખદર્દો અને રડારોળ કેમ છે? તારી ભક્‍તીમાં રાતદહાડો મગ્ન રહેતાં ભક્‍તોને અહીં ચોધાર આંસુડે રડવું પડે છે અને તને કદી ન ભજનારા મારા જેવા માણસો આટલાં સુખી કેમ છે? તારી કાર્યપદ્ધતી સમજાતી નથી. ક્‍યાંક તું ઉંધુ તો નથી વેતરી રહ્યો ને? ‘

એક ખાસ ઘટના કહું તે સાંભળો. ‘બોલો, ઈશ્વર છે કે નથી?’નામના મારા પુસ્‍તકમાં મેં એ લખી છે. એક ગામમાં થોડાંક આસ્‍તીકો અને નાસ્‍તીકો વચ્‍ચે ઈશ્વરના અસ્‍તીત્‍વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્‍યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્‍તીકો અને નાસ્‍તીકો ત્‍યાં દોડી ગયા. સૌએ ધક્કો મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારના બધાં જ માટલાં ભાંગી ગયા હતા. નુકસાન જોઈ ગરીબ કુંભારની આંખોમાં આંસુ આવી ગયા. આસ્‍તીક નાસ્‍તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી તેનું નુકસાન ભરપાઈ કરી આપ્‍યું.

કુંભારે સૌનો આભાર માન્‍યો. પછી જીજ્ઞાસા ખાતર પુછ્યું– ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્‍યો– ‘અમે અહીં ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું– ‘પછી શું થયું? કોઈ નીવેડો આવ્‍યો?’ જવાબ મળ્‍યો : ‘ના… ચર્ચા હજુ ચાલુ છે!’ કુંભારે સંકોચપુર્વક કહ્યું– ‘તમે બધાં વીદ્વાન છો. હું તો બહું નાનો માણસ છું પણ મને એક પ્રશ્નનો જવાબ આપો.’ કહી કુંભારે આસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે મારી મદદે આવ્‍યા તે શું વીચારીને આવ્‍યા?’ આસ્‍તીકોએ કહ્યું– ‘અમે એવો વીચાર કર્યો કે મુશ્‍કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્‍યાં શો જવાબ આપીશું?’

કુંભારે નાસ્‍તીકોને પ્રશ્ન કર્યો– ‘તમે તો ભગવાનમાં નથી માનતા. તમે કેમ મારી મદદે આવ્‍યા?’ નાસ્‍તીકોએ કહ્યું– ‘ભાઈ, તું સાચું કહે છે. અમે માનીએ છીએ કે માણસ જ્‍યારે મુશ્‍કેલીમાં આવી પડે છે ત્‍યારે એને મદદ કરવા આકાશમાંથી કોઈ ભગવાન આવવાનો નથી. માનવતાના નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ!’ કુંભારે આગળ કહ્યું– ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્‍યા, મને આર્થીક મદદ પણ કરી. હું માનું છું કે મારે માટે તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા બાદ તમે ઈશ્વરના અસ્‍તીત્‍વને સ્‍વીકારો કે નકારો કોઈ ફરક પડતો નથી. ભાઈઓ, હું તો કહીશ જેઓ આસ્‍તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાના કામો કરવા જોઈએ. અને જે લોકો નાસ્‍તીક છે તેમણે– ભગવાન નથી, એથી આ આપણી ફરજ છે એમ માની માનવતાના કામો કરવા જોઈએ!’ કહી કુંભાર રસ્‍તે પડ્યો.

કુંભારની વાત પેલા આસ્‍તીક નાસ્‍તીક સમજ્‍યાં હોય કે નહીં; પણ આપણને એક વાત સમજાય છે. અને તે એકે ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈના કામો કરવા જોઈએ. કોઈકે સાચું કહ્યું છે–

‘અલ્લાહકો નમાઝકી જરુરત નહીં

ભગવાનકો પુજાકી જરુરત નહીં,

રામ રહીમ ગલે મીલ જાય તો

ઈન્‍સાનકો મજહબકી જરુરત નહીં…!

આપણે એક વાત સમજવાની છે. ભગવાન હોય તો તેને પણ એવાં જ આસ્‍તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાડાને ધક્કો મારીને બહાર કાઢી આપે. અને ભગવાન છે જ નહીં એવું માનતા નાસ્‍તીકો પ્રત્‍યે પણ ઈશ્વરને કોઈ જ ફરીયાદ નહીં રહે જો તેઓ લોકોના ડુબતાં વહાણ તારશે. દુઃખીઓના આંસુ લુછશે. આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા કરતાં માનવતા મહાન છે. આવો આપણે પેલા કુંભારની જેમ માનવતામાં જ સાચી પ્રભુતા છે, એવી સમજ આપણે કેળવીએ!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 12મો લેખ, પુસ્તકનાં પાન 44થી 46 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–12–2017

18 Comments

  1. દીનેશ પાંચાલને હાર્દિક અભિનંદન. ખૂબ સરસ લેખ લખ્યો. વાંચીને ખૂબ આનંદ થયો.અખાજી પોતાની રીતે આજ વાત સમજાવી ગયા હતાં. ૧ ) ટીલે ટપકે મળે શું રામ ? સમી સૂઝ સૂઝે ત્યાં રામ. ૨) તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકા ગયા, કથા સુણી ફૂત્યા કાન, અખા, તોય ન આવ્યુ બ્રહ્મજ્ઞાન.

    પ્રેમ અેટલે કંઇ પણ અપેક્ષા વગરનું સમર્પણ….પ્રેમ, લાગણી અને સંબંઘોનું વિશ્વ…આ વાત દૂનેશભાઇના શરુઆતના પેરેગ્રાફમાં કહેવાઇ છે. અને હું આ વાતમાં સો ટકા સહમત છું. હું પણ અે રીતે જ વર્તુ છું.

    One quote I read which expresses the importance of LOVE in life…The same message Dineshbhai has quoted…..

    ” Without my kids, my house would be clean, my wallet would be full, but my heart would be empty ! ”

    આપણા વિચારો…રેશનાલીઝમના વિચારો બુઘ્ઘિપૂર્વક અને પરિસ્થિતિ જોઇને વાપરવા જોઇઅે. સર્વ રૂતે સાચી વાત.

    કુંભાર સાચા અર્થમાં સાચો શિક્ષક હતો. આવા સાચા શિક્ષકને આપણે મનચાહ્યા નામે બોલાવી શકીઅે……..પછીતે નામ ઇશ્વર હોય તો પણ મંજુર છે…અેટલી શરત છે કે તે દેહઘારી સાચો શિક્ષક હોવો જોઇઅે.

    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. No religion is greater than truth

    And

    No religion is greater than humanity

    આ અનુસાર, સત્ય અને માનવતા ઍ સૌથી મહાન ધર્મ છે. જો કોઈ મનુષ્ય સત્ય અને માનવતાને અપનાવે છે, તે જ “મનુષ્ય” ખરા અર્થમાં મનુષ્ય છે અને “ઈશ્વર” ની દ્ર્શ્ટિમાં “ઉત્તમ મનુષ્ય” છે

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

    1. આપના બ્લોગ પર ‘શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

      Like

  3. very nicely narrated Dineshbhai
    “આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા કરતાં માનવતા મહાન છે. આવો આપણે પેલા કુંભારની જેમ માનવતામાં જ સાચી પ્રભુતા છે, એવી સમજ આપણે કેળવીએ!”

    Liked by 1 person

  4. હું પણ તમારા જેવો જ રેશનાલીસ્ટ છું. પણ જુનવાણી પત્નીની લાગણી ન દુભાય કે ઘરમાં કલહ ન થાય એ હેતુથી હું તેની સાથે મંદીરમાં જઈને પથ્થરની મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભો રહું છું જેથી પત્નીને ટાઢક થાય છે કે હાશ! હવે આ ગાંડીયો પંચોતેર વર્ષે સુધર્યો. પંચાવન વર્ષનું લગ્નજીવન છે એટલે પત્નીની લાગણી ના દુભાય એનું ધ્યાન તો રાખવું જ પડે ને ?
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  5. With all due respect to the author, I beg to differ.

    One man helps others because he is afraid of a policeman in the sky looking at him. Another man helps because he thinks it is his duty to help his fellow men. The action is the same. Whose intention is better?

    Will you jump a red traffic light when there is no policeman? What will happen when everybody starts doing it?
    Thanks. — Subodh Shah — USA.

    Liked by 1 person

  6. જુના જમાનામાં જયારે ગામ આખાની દાઢી એક જ વાળંદ કરતા ત્યારે, મહારાજ પધાર્યા હોય કે શીતળા ટંકાવ્યા હોય તે ઘરના પુરુષોએ દાઢી કરાવવાથી તે ઘરનો ચેપ આખા ગામમાં પ્રસરી શકતો. આ વાત સમજ્યા વગર જ છતાં અનુભવે જાણીને લોકોએ નિયમ બનાવેલો. પણ બાપ જુદા ગામમાં રહેતા હોય તો તે દાઢી વધારે તે જરૂરી ના હોવું જોઈતું હતું.

    Liked by 1 person

  7. કુંભારને મદદ કરવાની ઘટના દ્વારા દીનેશભાઈએ માનવતાનું સુંદર ઉદાહરણ આપ્યું. અગાઉ પણ એ વાંચવામાં આવ્યું હતું પણ આજે પણ મનને જાગ્રૂત કરી જાય છે. આમ પણ દીનેશભાઈ પાંચાલના લેખો હ્રદયસ્પર્શી જ હોય છે. અભિનંદન.

    Liked by 1 person

  8. હમ્મેશ મુજબ શ્રી દીનેશભાઈ પાંચાલનો આ લેખ પણ વાચકને વિચારતા કરી મુકે એવો સમૃદ્ધ છે.ધન્યવાદ લેખક અને સંપાદક ગોવિંદભાઈ ને.

    Liked by 1 person

  9. ગાંધીજીએ સત્યને ભગવાન કહ્યો હતો માટે બધું છોડને સચ્ચાઈથી માનવતાપૂર્વક જીવો

    Liked by 1 person

  10. ખુબ જ સરસ અને સચોટ ઉદાહરણ ગમે તે વ્યક્તિને મગજમાં ઉતરી જાય તેવું ખરેખર ગુણવંતભાઈ પછી મને વાંચવા ગમતા લેખક છે

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s