દુનીયામાં તારો ડંકો વાગશે!

દુનીયામાં તારો ડંકો વાગશે!

તારીખ 27 જુલાઈ, 2001ને શુક્રવાર. ભરુચ જીલ્લાના વાલીયા તાલુકાના ટીમરોલીયા ગામના હંસા વસાવા (ઉમ્મર : 16)ના શરીરમાં માતાજી પ્રગટ થયા! આજુબાજુ પંથકના લોકો હંસા માતાજીના દર્શનાર્થે આવવા લાગ્યા. સમાચાર એવા ફેલાયા કે તારીખ 25 સપ્ટેમ્બર 2001ના રોજ નાનકડા ટીમરોલીયા ગામમાં પચ્ચીસ હજાર માણસોની મેદની એકઠી થઈ! ગામમાં વાહનો કયાં મુકવા તેની સમસ્યા ઉભી થઈ!

ભરુચ જીલ્લામાં એક પત્રીકા ફરતી હતી. તેમાં લખ્યું હતું : “હંસા માતાજીના અદ્ ભુત ચમત્કાર! ચાલો ટીમરોલીયા ગામે, હંસામાતાજીના દર્શનાર્થે. કંચનભાઈ બાલુભાઈની પુત્રી હંસાબેન બાળપણથી જ શીવજીની સેવામાં રંગાઈ ગયા હતા. તેમણે પોતાના ખેતરમાં શીવજીની મુર્તી સ્થાપીત કરાવી હતી. તે મુર્તી કોઈ ચોરી ગયું! મુર્તીના વીરહની અગ્નીમાં બાળ હંસાએ સતત સાત દીવસ અન્નજળનો ત્યાગ કર્યો! આખરે હંસામાતાજી આરતી કરતા હતા ત્યારે એક સાથે દશામા, લક્ષ્મીજી અને સરસ્વતીજીએ દર્શન આપ્યા! માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે, ‘ધન્ય છે તારી ભક્તીને! આજથી હું તારા શરીરમાં માતાજી સ્વરુપે પ્રગટ થઈશ! બેટા! આજથી તું મારા નામનો અખંડ દીવો રાખજે. રોજ આરતી કરજે. આરતી વેળાએ હું તારા શરીરમાં ત્રણ સ્વરુપે પ્રગટ થઈશ! હંસામાતાજી! દુનીયામાં તારો ડંકો વાગશે!’ શીવજીની આજ્ઞાથી ટીમરોલીયા ગામે ત્રણ માતાજીને પ્રગટ થવું પડ્યું! હંસામાતાજી પ્રગટ પરચા પુરી રહ્યા છે. આરતી સમયે ભાવીકોની ભીડ જામે છે. તેમને ત્રણ માતાજીના દર્શન થાય છે! કેટલાય લોકોને હંસામાતાજીની હથેળીમાં ઝગમગતા કંકુના દર્શન થાય છે! ઘણાં દુઃખી લોકો રડતાં–રડતાં આવે છે અને દર્શન કરી હસતાં–હસતાં જાય છે!

એક ભાઈના બળદને લોહીના ઝાડા થઈ ગયા, તે હંસામાતાજીના દર્શને આવ્યા અને પ્રસાદી લઈ ગયા. તે પ્રસાદી બળદને ખવડાવી અને તરત જ બળદ સારો થઈ ગયો! એક દાદીમાને લકવો થઈ ગયો હતો, તેને સાયકલ ઉપર બેસાડીને હંસામાતાજી પાસે લઈ આવ્યા. હંસામાતાજીએ પ્રસાદ આપ્યો અને આશીર્વાદ આપ્યા. બીજા દીવસથી દાદીમા ચાલતાં ચાલતાં દર્શને આવવા લાગ્યા! દર મંગળવારે રાત્રે ગરબાનો કાર્યક્રમ થાય છે, તેમાં વીસ હજાર લોકો એકઠાં થાય છે. એક વખત, એક બાળકીની પાયલ ખોવાઈ ગઈ. બાળકી રડવા લાગી. હંસામાતાજીએ પાયલ શોધી આપી! દેડીયાપાડાની એક છોકરીની બન્ને આંખો કોઈ કારણસર બન્ધ થઈ ગઈ. તે છોકરીને હંસામાતાજી પાસે બપોરે લાવ્યા. તેણે પ્રસાદ લીધો, આશીર્વાદ લીધા. સાંજે આરતીનો સમય થતાં જ તેની બન્ને આંખો ખુલ્લી ગઈ! નાગોરી ગામના એક ભાઈને મંગળવાર રાતે સ્વપ્નમાં નાગદેવતાના દર્શન થયા. સવારે સ્વપ્નવાળી જગ્યાએ જઈને જોયું તો નાગદાદા બેઠા હતા! આ વાત હંસામાતાજી પાસે આવી. તેમણે કહ્યું કે તમારા સ્વપ્નમાં મેં નાગદાદાને મોકલ્યા હતા! હંસા માતાજીના સ્થાનક પાસે પાણી માટે બોર કરાવ્યો અને બોરમાંથી પાણી આપમેળે વહેવા લાગ્યું! હંસામાતાજીએ આશીર્વાદ આપ્યા કે પાણી સદાય વહેતું રહેશે! આ પત્રીકા વાંચીને, બીજાને વાંચવા આપજો. પત્રીકા ફેંકી દેશો તો અપમાન થશે, હંસામાતાજી નારાજ થશે!”

શ્રદ્ધાળુ લોકોનો પ્રવાહ ટીમરોલીયા ગામ તરફ વહી રહ્યો હતો. દાનનો ઢગલો થઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે ટીમરોલીયા ગામની શેરીઓ સોના–ચાંદીથી મઢાઈ જશે, સુખ–શાંતીનું સામ્રાજય સ્થપાઈ જશે! પરન્તુ આવું કંઈ ન થયું. ગામમાં ઝઘડા શરુ થયા. હંસા માતાજીની સામે, જીલ્લા પોલીસ વડા, કલેકટર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અરજીઓ કરવામાં આવી!

ટીમરોલીયા ગામના યુવાન સુરેન્દ્ર વસાવાએ, તારીખ 5 ઓગસ્ટ, 2002ના રોજ, સુરતની સત્યશોધક સભા’ના કાર્યકર મધુભાઈ કાકડીયાનો સમ્પર્ક કર્યો, કહ્યું : મધુભાઈ, આ પત્રીકા જુઓ. અમારા ગામમાં ચમત્કારોનો રાફડો ફાટયો છે! ગામમાં પહેલાં શાંતી હતી હવે અશાંતી છે!”

મધુભાઈ કાકડીયાએ કહ્યું : “સુરેન્દ્રભાઈ, દુનીયાનો એક દસ્તુર છે, નીયમ છે. જ્યાં ચમત્કારો અને અન્ધશ્રદ્ધાના આધારે કાર્ય થાય ત્યાં. ઝઘડાઓ થાય, થાય અને થાય! તમારા ગામમાં ઝઘડાઓ વધશે, ઘટશે નહીં!”

મધુભાઈ, અમે ઝઘડાનું કારણ દુર કરવા માંગીએ છીએ. હંસામાતાજી ઢોંગ કરે છે, એને ખુલ્લા પાડો!”

“સુરેન્દ્રભાઈ, આ કામ ગામ લોકોએ કરવું જોઈએ!”

“મધુભાઈ, ગામ લોકોમાં હીમ્મત નથી. એમને હંસામાતાજીની નારાજગીનો ડર લાગ્યા કરે છે! હંસામાતાજી કોઈનું ભલું ન કરી શકે; પણ ખરાબ તો કરી શકે, એવું સૌ માને છે! હંસા આઠ ધોરણ સુધી ભણી છે, તેને ભણવું હતું; પરન્તુ એના પીતા કંચનભાઈએ હંસાને માતાજી બનાવી દીધી! મહેસાણાના એક સ્ટુડીયોએ હંસા માતાજીની કેસેટ બહાર પાડી છે, તેમાં કંચનભાઈને મજુર તરીકે દર્શાવેલ છે. વાસ્તવમાં કંચનભાઈને પીયતવાળી ખેતી છે અને એમને ત્યાં મજુરો કામ કરે છે. કેસેટમાં સાવ ગપ્પાં માર્યા છે!”

“સુરેન્દ્રભાઈ, હંસાના પરચાથી બોરમાંથી પાણી આપમેળે વહેવા લાગ્યું, એ સાચું?”

“ગયા ચોમાસામાં વરસાદ સારો પડ્યો હતો. ગામમાં પાણીના તળ ઉપર આવી ગયા. પાણીનું વહેણ પકડાઈ ગયું એટલે બોરમાંથી પાણી વહેવા લાગ્યું. તરત જ હંસામાતાજીએ ઘોષણા કરી કે આ પાણી સદાય વહેતું રહેશે! પરન્તુ આઠમાં દીવસે પાણી વહેતું બન્ધ થઈ ગયું! હવે હંસામાતાજી કહે છે કે ગામ લોકો ખટપટ કરે છે, એટલે પાણી બન્ધ થઈ ગયું!”

તારીખ 15 સપ્ટેમ્બર, 2002ને રવીવાર. સવારના અગીયાર વાગ્યે સત્યશોધક સભા સુરતની ટીમ ટીમરોલીયા ગામે પહોંચી. ટીમમાં મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), સીધ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), જગદીશ વકતાણા (સેલફોન : 94261 15792), ભરત શર્મા (સેલફોન : 98257 10011), જાદવભાઈ વેકરીયા, તેજસ મોદી અને સતીષ જાદવ હતા.

મધુભાઈએ કહ્યું : “માતાજી! કૃપા કરો. મારા લગ્ન થયાને પચ્ચીસ વરસ થયા. હજુ પારણું બન્ધાયું નથી!”

હંસામાતાજીએ બન્ને આંખો બન્ધ કરી. હાથ ઉંચાનીચા કર્યા. હોઠ ફફડાવ્યા. પછી મધુભાઈના માથા ઉપર કંકુ છાંટ્યું અને કહ્યું : “તમે શ્રદ્ધાળુ નથી. એટલે સંતાન થયેલ નથી. સાત રવીવાર સુધી અહીં દર્શન કરવા આવજો, સાતમા મહીને ખોળો ભરાશે!”

“માતાજી! તમે આવું કયા આધારે કહો છો?”

“હું માતાજી છું! માતાજીને આવા પ્રશ્નો ન પુછાય! માતાજી સર્વજ્ઞા હોય છે. માતાજીથી કંઈ છુપું હોઈ શકે નહીં!”

“માતાજી! તમે તો ભગવાન સાથે છેતરપીંડી કરો છો, માણસ સાથે તરકટ કરવાનું કેમ છોડો?”

“તમે કહેવા શું માંગો છો?”

“માતાજી, મારે બે સંતાનો છે. સંતાનપ્રાપ્તીની વાત તો તમારું પગેરું મેળવવા મેં કહી હતી! તમારા ઢોંગની ફરીયાદ અમને મળી છે, એટલે સત્યશોધક સભાની ટીમ અહીં આવી છે. અમારી સાથે પત્રકાર છે, ટીવી ચેનલના કેમેરામેન છે!”

હંસામાતાજી ચુપ થઈ ગયા. તેના પીતા કંચનભાઈ અને કંકુ, ચુંદડી, શ્રીફળ વગેરેનો ધંધો કરનારાઓએ ઉહાપોહ કર્યો.સત્યશોધક સભાની ટીમને ધક્કા મારવાનું શરુ કર્યું. મધુભાઈએ કહ્યું : કંચનભાઈ! તમે ગોચરની જમીનમાં, માતાજીના નામે બંગલો બાંધ્યો છે અને આજુબાજુ દુકાનો ઉભી કરી. કાયમી આવક ઉભી કરી છે! માતાજીના નામે ધન્ધો કરો છો! જો હંસામાતાજીમાં સત હોય તો અમને અહીં જ સળગાવી મુકે!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (09, ઓગસ્ટ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–12–2017

8 Comments

 1. Yes this happens in smal villages- I have also seen neat patadi– utadia mataji and slowly they built temple also.. Lobhiya(chamatkar) hoy tya Dhutara (such mataji) Bhukhya na mare.. Good work by satya shodhak team.

  Liked by 1 person

 2. It is a good true story. People never try to find truth in their life.

  Thanks’ to author for this article.

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 3. શ્રી રમેશ સવાણીજીઅે સત્ય શોઘક સંસ્થાના કરમોને અહિં લોકોની આંખ અને મગજ ખોલવા માટે લખ્યા. ખૂબ ગમ્યુ. ભારત દેશ છે જ્યાં તેત્રીસ કરોડ દેવતા છે.અને વર્ણવ્યવસ્થાઅે બનાવેલાં બરેક વર્ણ અને પેટા વર્ણજ્ઞાતિને પોતાના દેવી દેવતાં બાંઘી આપેલાં. આજથી ટઈ વરસો પહેલાં ઘર્માંઘ લોકો શીવાય ભારતમાં કોઇ જન્મતું નહિ અને જીવતું નહિ કે મરતું નહિ. સવાલ કરવાવાળો અઘર્મ કરે છે અને તેની સજા તેણે ભોગવવી જ પડે…કદાચ નર્કમાં જઇને…કદાચ ઘરતી ઉપર જ તેને માટે નર્ક બની જાય…જીવન નર્ક બની જાય. ખૂબ ઓછા લોકો અેવા હતાં કે તેઓ અંઘશ્રઘ્ઘામાં માનતા નહિ. તેમની પીપુડી ચાલતી નહિ. આજના જમાનામાં વિજ્ઞાનની શોઘોને લઇને સચ્ચાઇની ખબર પડવા માંડી અને સત્ય શોઘક સંસ્થાઓ પણ બનવા માંડી. અંઘશ્રઘ્ઘાનું જોર આજે પણ અેટલું છે કે સત્ય શોઘકો થોડું કઇક આપી શકે છે. પરંતુ ગામડાઓ અને ઇન્ટરનલ અેરીઆમાં હજી અંઘશ્રઘ્ઘાનું પ્રભુત્વ છે…અહિ હું પ્રભુત્વ શબ્દ વાપરું છું. સમજવાનું ભારે નહિ બને. આ બઘું કહીને, સમજીને મારે અેક સવાલ ઉભો થયો. શું આવી અંઘશ્રઘ્ઘા અને વર્ણવ્યવસ્થાના જોર નીચે જ તેત્રીસ કરોડ દેવી દેવ જન્મેલાં ? હંસાદેવી, શીતળામાતા, વિ. વિ……વેપારીઓ સ્માર્ટ હતાં અને આજે પણ છે. અતેઓ અેટલાં જ સ્માર્ટ છે….બાળક જન્મે ત્યારે ઘાર્મિકક્રિયાઓ થકી સંસાર પ્રવેશ કરી શકે છે…( ફક્ત હિન્દુઓમાં જ),.ઘાર્મિકક્રિયાઓ વગર લગ્ન નથી થતાં, માણસ મરીને સ્વર્ગે નથી જતો….અને તે પણ ખર્ચા કરીને જ. બીજા ઘર્મોમાં પણ ઘાર્મિકકક્રિયાઓ ઓ છે પણ હિન્દુઓ જેવી ખર્ચાળ નહિ. બીજા ઘર્મોમાં દેવતા છે પણ અેક જ ( કોઇક ઓપ્સન શીવાય ). તે ઘર્મોમાં પણ વેપારીઓ છે. આપજેટલાં અંઘશ્રઘ્ઘાળુઓ છે તેટલાં અંઘશ્રઘ્ઘાળુઓ કદાચ બીજા ઘરમોમાં નહિ હોય. ભણતરનો અભાવ અને અથવાં ભણતરને ફક્ત ડીગ્રી મેળવીને સારી નોકરી કરવા માટે જ વાપરવિ, તેવું જીવન જીવવું. ભણેલો ગણેલો પણ પુજાપાઠ વગર જીવતો નથી. તો તે ભણેલો કહેવાય પરંતું તેને ગણેલો કહેવાય ખરો ? ભારતીય નેવીમાં નવું વહાણ કામ માટે તરતું મુકવા માટે પુજા કરે છે. બ્રિટન કે અમેરીકામાં નારીયેર નથી ફોડતાં છતાં તમની નેવી મજબુત છે. રાજકારણીઓ તો લોકોને તેમના વિચારોમાં જ જીવવા માટે ઉસ્કેરે છે જેથી તેમની વોટબેંક મજબુત રહે. માનવતાનો ઘર્મ થોડા પાળે છે બાકીના તો સ્વાર્થ ઘર્મ જ પાળે છે. વાણીઆ કે વહાણિયા તો જન્મે વૈશ્ય જ છે.

  ભારત….ના……હિન્દુસ્તાન…..હાં… હિન્દુસ્તાન….તેત્રીસ કરોડ માણસોની વસ્તીને…દરેક ઇન્ડીવીજયુઅલને દેવી…દેવતાં માને છે……
  તો માણસ કોણ ? તો પછી સુખ અને દુ:ખના ડુંગરો કોને માટે ? શા માટે ?

  અને સત્યશોઘકોને માટે શું ?….સ્વર્ગ કે નર્ક ?

  હાં કર્મનો સિઘ્ઘાત………

  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. Superstitions & misbiliefs are still uncommon but gradually decreasing in the community in villages as my experience working in villages since long time.But as we know ” lobhia hoi tya dhutara bhukhe na mare”! Witchcraft & superstition are also found in western countries . Only education & awareness would help.We must appreciate efforts of Satyshodhak Sabha for this activities of awreness.

  Liked by 1 person

 5. ચમત્કારથી ભગવાન સો જોજન દૂર રહે છે – રામકૃષ્ણ પરમહંસ

  Liked by 1 person

 6. The basic reason is illiteracy among our population.Let us hope this will will go down as the level of education rise.

  Having said so,let me warn our educated people also to believe in KARMA philosophy rather than believing astrologers or such palmist who become prosperous as they got good response from even college educated persons.

  Like

 7. ચમત્કારો અને પ્રણાલીઓ અને પૂજ્ય વ્યક્તિઓ …. આ બધું ભીન્ન ભીન્ન છે. તેમને એક જ ચશ્માથી ન જોવાય.
  આપણે ખોટું તો ખોટું પણ કેટલુંક આનંદમાટે કરીએ છીએ. આ બધું પ્રણાલી અંતર્ગત આવે છે. કોને, કેટલાને પૂજ્ય માનવા તેને અંધશ્રદ્ધા કે નિમ્ન કક્ષાનું માનવું તે બરાબર નથી. ખ્રીસ્તીઓ અને મુસ્લિમો એક ને જ પૂજ્પ માને તેથી તેઓ ઓછા વહેમી હોય તે જરુરી નથી.
  ચમત્કારો જેવું કશું હોતું નથી. ધારો કે સાચે સાચ ભગવાન હોય તો તેમને માટે પણ ચમત્કાર કરવા અશક્ય છે.
  (૧) ૧૯૫૦માં ખરસાલીયા ( વેજલપુર પંચમહાલ જીલ્લો) માં એક ભગવાન જન્મ્યા હતા. તેઓશ્રી પાણીને અડીને અને ક્યારેક અડ્યા વગર પણ ગળ્યું કરી દેતા હતા.
  (૨) અમારે લુણાવાડામાં મારા મોટાબાના ઘરમાં કોઈ જાણીતા બાવાજીની પધરામણી કરી હતી તો તેમના પગલાંની છાપ રહી ગઈ હતી. અને લોકો દર્શન માટે આવતા હતા.
  (૩) અમારા એક નજીકના એક સગાએ મેટ્રીકની પરીક્ષામાં પાસ થવા માટે અમારા લલ્લુકાકા ના કહ્યા પ્રમાણે કોઈક અનુષ્ઠાન રાખેલ અને તે સગાને કદાચ ધ્યાનમગ્ન દશામાં સમાધિ આવી ગયેલ અને તેમાં એક નદીના દર્શન થયેલ. તેને ગંગાદર્શન ખપાવવામાં આવેલ અને તરભાણાના પાણીને ગંગાજળ ખપાવવામાં આવેલ. અને તે ગંગાજળનું પાન કરવા માટે ઓળખીતાઓ ઉમટી પડેલ. તરભાણાનું પાણી ખૂટી પડશે તેમ લાગતાં કળશનું પાણી અને તરભાણાનું પાણી મિક્સ કરવામાં આવેલ અને તે સંપૂર્ણ જળને ગંગાજળ માનવામાં આવેલ.
  (૪) અમારે ભાવનગર પાસે ઝીંઝકા ગામડે એક વહુને સાસુએ મારી કે કોણ જાણે શું થયું કે તે વહુએ લોહીનો કોગળે કર્યો. એટલે એ ઝીંઝકા માતા કહેવાયા અને લોકો દર્શને ઉમટ્યા. આમ તો ઝીંઝકા એક ફ્લેગ સ્ટેશન. પણ દર્શનાર્થી મુસાફરો માટે એક્સપ્રેસ ટ્રેનો પણ ઉભી રહેવા માંડી હતી.
  હવે થયું એવું કે ઝીંઝકા માતાના ઘરમાં દાખલ થવા અને બહાર નિકળવા માટે એક જ દ્વાર. એટલે એક દિવસ અંદર જવા વાળાનો ધસારો એટલો બધો મોટો કે જેઓ દર્શન કરીને બહાર નિકળવા માગતા હતા તેઓ કોઈ બહાર નિકળી શકતા ન હતા અને બહારથી અંદર જવાનો ટ્રાફીક વધી ગયો. એટલે સેંકડો દર્શકો ઝીંઝકામાતાના મંદિરમાં (ઘરમાં) ચેપાઈને મરી ગયા. પછી તો આખા જીલ્લામાં દેકારો થયો. કલેક્ટરને માથે છાણા થપાયાં.
  જ્યારે જ્યારે આવી રીતે ચેપાઈને મરી જવાની શક્યતા ઉભી થાય ત્યારે અમે ભાવનગરવાસીઓ ” જો … જો … વળી … ત્યાં “ઝીંઝકા વાળી” ન થાય …” એમ ચેતવણી આપીએ છીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s