કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

13

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

–દીનેશ પાંચાલ

અમારી મીત્રમંડળીમાં બચુભાઈ અને ભગવાનદાસકાકા વચ્ચે સાપ નોળીયા જેવા સમ્બન્ધો રહ્યા છે. એક દીવસ બેઉ બળીયા બાથે વળગ્યા. ચર્ચાનો વીષય હતો – ‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો? બચુભાઈએ ભગવાનદાસકાકા તરફ તીરછી નજરે જોઈ લેતાં કહ્યું : ‘ભગવાનને તેના ભક્તો, ખુંટે બાંધેલી ગાયની જેમ ભક્તીનું નીરણ પીરસ્યા કરે છે. ભગવાન છે કે નહીં, તે ક્યાં છે, કેવો છે તે વીશે તેમને કશું જ્ઞાન હોતું નથી.’

ભગવાનદાસકાકાએ હોઠ ભીંસી કહ્યું : ‘દીનેશભાઈ, આ બચીયાને પુછો કે એ શ્વાસમાં હવા લે છે એ હવા કોણે બનાવી? પાણી કોણે બનાવ્યું? આ ઘરતી, સુરજ, ચન્દ્ર, તારા, નદી, પહાડ, હવા, અગ્ની કોણે મુળશંકરે બનાવ્યાં? (મુળશંકર બચુભાઈના પીતાજીનું નામ!) વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે અને તે વડે આપણે જીવીએ એ કરામત કોણે કરી? અરે! દુનીયાનો વીકાસ કરી શકાય તે માટેની બુદ્ધી એને કોણે આપી? પણ જવા દો વાત… આ લોકોની તકલીફ એ છે કે સાબીતી ના મળે તો એ લોકો સગા બાપને ય બાપ માનવા તૈયાર થતા નથી. ભગવાનની કૃપાથી જીવતો માણસ ભગવાન નથી એવું કહે છે ત્યારે એવું લાગે છે– માનો માછલી પાણીમાંથી ડોકું ઉંચુ કરીને કહેતી હોય– ‘પાણી જેવી કોઈ વસ્તુ જ નથી !’

એમનો વીવાદ અત્રે અપ્રસ્તુત છે; પરન્તુ સત્ય એ બે વચ્ચે ક્યાંક પડેલું છે. એમની તકરારમાં મને એક સત્ય સાંપડ્યું અને તે એ કે આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડેય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમન્તો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.

પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે; પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ.

સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ? દીલથી ‘વાહ, વાહ! બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ કુદરતનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.

આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…!રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.

માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો! તમારું કલ્યાણ નક્કી! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી!

આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!

પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મન્દીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.

આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.

તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું? આધ્યાત્મીક શાન્તી મળે ખરી? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હમ્મેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.

આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જો કે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી!

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–12–2017

11 Comments

 1. સરસ. અભિનંદન.
  જેમ મંદિર કરતાં જાજરુની જરુરીઆત તાતી હોવાની વાત કરી તેમ જ સામાજીક કાર્યો કરીને આ બઘી વાતો મહોલ્લે મહોલ્લે જઇને સમજાવવાની તાતી જરુરત છે. મોરારીજી કે સચ્ચિદાનંદજીને પહેલાં સમજાવવાની જરુરત છે કે તેમના ચાહકોને …આ વાત સમજાવે તો કામ જલ્દી જલ્દી પ્રસારી શકાય.
  કુલ ગુજરાતીઓની સંખ્યાના નેવું ટકા લોકો કે કદાચ વઘુ….કહેવાતા આસ્તિકો છે…..

  કેટલું મહાન કાર્ય કરવાનું છે ?

  દિનેશભાઇઅે પ્રેક્ટીકલ બનીને જીવન જીવવાની વાત કહી છે. સમાજને આ લેખની વાતો સમજાવવા માટે પણ પ્રેક્ટીકલ બનવું પડશે.

  રસ્તા વચ્ચે પડેલો પથ્થર ખસેડવો જ પડશે. પ્રેક્ટીકલ બનીને. કર્મણયેવાઘિકારસ્તે…….કયા જમાનામાં કહેવાયેલું ? હજી કોઇઅે પાળેલું દેખાય છે ?

  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. અમૃતભાઈ, દિનેશભાઈની વાતો યોગ્ય જ છે. ખૂબ સરસ વાત છે. આપણે તો આ બધું કોમ્પ્યુટર પર જ વાંચીયે છીએ જે. આપણે તો કોમ્પ્યુટરનું મહત્વ જાણીયે જ છીએ અને જરૂર પુરતું વિજ્ઞાન અને જેવી જેવી સમજ તે તે પ્રમાણે રેશનલ અને ધાર્મિક રિવાજોમાં સપદાયલા છે. મારું માનવું છે આ વિચાર યાત્રાને ભારતમાનાં સ્થાનિક રેશનાલિસ્ટોએ પેલેટેબલ ;એન્ગ્વેજમાં જે રીતે બાપુઓ કથા કરે છે એ રીતે કથાઓ કરવી જોઈએ. આપણે બધા તો સિત્તેર વટાવી ચૂક્યા છીએ. આપણે પહેલેથી જ બાળકોને ટ્રેઇન કરવા જોઈએ કે ભલે તમારા દાદા દાદી મંદિરે જાય તમે જશો જ નહિ. કે મૂર્તીઓને પગે લાગશો જ નહિ. ઘરમાં ભગવાનના ફોટા હોય તો ભલે બાપા મારે ગારબેજમાં ફેંકી દેજો. ક્રાંતિ કરવી હોય તો ગામડાના બાળકોનું જ બ્રેઈન વોશ કરવું જોઈએ એવું નથી લાગતું?

   Liked by 1 person

  1. વહાલા વલીભાઈ,
   આપના બ્લોગ પર ‘કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 2. પ્રવિણભાઇ,
  સરસ વાત. નવા કથાકારોને તેમની સામે બેસનારાઓ ભેગા કરતાં કોણ જાણે કેટલાં વરસો નીકળી જાય ? મુરારીજી કે રમેશ ઓઝાજી કે….(.જેટલાં નામ યાદ આવે તેટલાં ઉમેરવા વિનંતિ છે.) આ અેસ્ટાબ્લીસ્ડ કથાકારો જો મદદરુપ થાય તો તો જલ્દી જલ્દી કામ પાર પડે. આ મૂળીયા ઊંડા નાખીને બેઠેલાં વેપારી કથાકારોને સમજાવવાનું કામ પણ સહેલું નથી. કોઇ મોટી લાગવગ કે જોહુકમી કે ઘમકી….જોઇઅે. પણ મારી મારીને ભગત ના બનાવી શકાય.

  આજે ગ્રાન્ડડોટરને શ્કુલે લેવા જતો હતો તો કાંઇક હિન્દીમાં પ્રસાર થતું હોય તેવા રેડીયો સ્ટેશનનો કાર્યક્રમ શરુ કર્યો.

  For NJ, may be for Middlesex county…limited…

  The station was: FM Radio 8K. 100.7 MHz( 88.3)

  સરસ મઝાનું ગીત સાંભળ્યુ અને જાહેરાત આવી…..કાલાજાદુ, ભૂત, પ્રેત, નસીબ, દુ:ખ…..સબ દૂર કરો…પ્રખ્યાત , અેક્ષપીરીયન્સ….પંડીત શર્માજીકા સંપર્ક કરેં….ફોન નંબર……….

  ગુજરાતીઓ, ભારતીયો…..અમેરિકામાં બેસીને ….કાકાજાદુમાં માને અને તેને ઉતરાવે…..

  TV Asia ઉપર દર દસ મીનીટે અેક જાહેરાત રીપીટેડલી આવે છે. કેટલાં ડોલર આ જાહેરાત પાછળ ખરચાતા હશે ? છતાં તે પંડીતજીનો ઘંઘો જોરદાર ચાલે છે.

  અેક ઇન્જીનીયર, કોમ્પયુટરના પંડીતને નોકરી નથી મલતી…અને આ જ્યોતિષ મફતમાં કરોડાઘિપતી બની બેઠો છે.

  તેજ પ્રમાણે પલ્લવી છેલાવડા બેન વાસ્તુશાસ્ત્રમાં પારંગત છે અને જાહેરાત પાછળ ખૂબ ડોલરો ખર્ચે છે….ટી.વી. અેશીયા ઉપર. તેમનો ઘંઘો પણ ઘમઘોકાર ચાલે છે.

  આ વેપારીઓનો વાંક નથી. વાંક છે અંઘશ્રઘ્ઘાળુઓનો…અને તેઓ લાખોની સંખ્યામાં છે….અમેરિકામાં…..

  ભાઇ, જેને મુંડન જ કરાવવું હોય તેને રોકવાવાળા આપણે કોણ ? આપણો કેટલો અઘિકાર ?
  જેના જીન્સ ( પહેરવાના પાટલુન નહિ. ) આ અંઘશ્રઘ્ઘાના ગુણો ખટારો ભરીને બન્યા હોય તેને કોણ સુઘારી શકે ? કોઇ પણ વિજ્ઞાની તૈયાર નહિ થાય.

  પૈસા કોઇની બુઘ્ઘિ શક્તિનું માપ નથી. બિચારી…હાં…બિચારી મીરાંને કોઇ શની કે મંગળના ગ્રહની અસર હેઠળ આ પંક્તિઓ લખવાની મજબુરી બની હશે…..

  મુરખ કો તુમ રાજ દિયત હો….પંડીત ફીરત ભીખારી……

  ‘ બુઘ્ઘ્િશાળી વ્યક્તિ અેની બુઘ્ઘિથી શ્રીમંત બની શકે છે…પણ….શ્રીમંત વ્યક્તિ અેના પૈસાથી ક્યારેય બુઘ્ઘિશાળી બની શકતો નથી.‘

  અમૃત હાઝારી

  Liked by 1 person

 3. નવાં મંદિર બાંધવાનું બંધ થવું જોઈએ કારણકે લોકોને રહેવા જગ્યા નથી જૂનાં મંદિરોનો પુનરોધ્ધાર કરો ત્યારે ભૂલકાં માટે કમપ્યૂટર વગેરેનું જ્ઞાન માટે સગવડ કરવીજોઈએ ચતુરોનો ચોતરો વગેરે કાર્યક્રમ યોજીને બાળકોનું જનરલ નોલેજ વધારી શકાય અનાથ બાળકોને રાખવાની સગવડ વિચારી શકાય આમ અનેક સામાજિક કાર્યક્રમ કરીશકાય તો જ દલિતનારાયણને રીઝવી શકાય જનસેવા એજ પ્રભુ સેવા છે …આ બધા માટે માનસિકતા બદલવાની તાતી જરૂર છે

  Liked by 1 person

 4. આ આખા લેખનો સાર આ છેલ્લી ” લાઈના ” મેં …

  ” બેઈમાનીની બાસુંદી કરતાં ઈજ્જતની ભડકી સારી! ”

  આશા રાખીએ આ લેખ લોકોને સાચી દિશામાં વિચારી એ રીતે જીવવા માટે એક પ્રેરક બળ બની રહે .

  અભિનંદન દિનેશભાઈઆપને આ મનનીય પ્રેરક લેખ લખવા માટે.

  Liked by 1 person

 5. ખુબજ સુંદર અને વાસ્તવિક લેખ !!! આમેય શ્રી પંચાલજીના લેખો વાંચવાનો અને મહદ અંશે
  અમલ કરવાનો પૂરો આગ્ર્હી !!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s