સત્ય

સત્ય

–રશ્મીકાન્ત દેસાઈ

સત્યનું મુખ હીરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનીષદો કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય.

સત્ય એટલે શું? કોઈ કોઈ વાર વીજેતાના પ્રચારને સત્ય માનવામાં કે મનાવવામાં આવતું હોય છે. બીજી કેટલીક વાર અસત્યને ચાલાકીપુર્વક ઢાંકી દેવામાં આવે છે. થોડું થોડું જુઠાણું મોટા સત્યમાં ભેળવી દઈ એવી ચતુરાઈથી રજુ કરવામાં આવે છે કે અસત્ય જ સત્ય હોય તેવું જણાય છે.

ઘણાં ઢાંકણાંઓ પૈકી કયું ખોલવું ? પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. સોનેરી હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મુલ્યવાન પણ જણાય છે. પરીણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈકોઈ વાર કડવા સત્યને ‘સાત્ત્વીક’ અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. શાબ્દીક મીઠાશ પણ એક પ્રકારનું હીરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ આધ્યાત્મીક જણાતા પણ ખરેખર તો પોલેપોલા શબ્દોમાં સત્યને છુપાવવાનું ખુબ જ સહેલું થઈ જાય છે.

સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હીરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલીત બનેલું છે કે કોઈએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આપણે હકીકતોને પુર્વગ્રહોનાં ચશ્માંઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી આંખો પર પડળ જામી જાય છે.

આ પડળો વીવીધ પ્રકારનાં હોય છે. કેટલાક પડળો આપણી વીચારસરણી સંબંધીત હોય છે, જેવી કે મુડીવાદી, સમાજવાદી, ઈત્યાદી. બીજા કેટલાક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રુન્ધે છે. આપણી સંસ્કૃતી, ધર્મ કે પરમ્પરાથી પ્રતીકુળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રદ્ધાનો.

શ્રદ્ધા અને ભક્તીભાવના રુપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.

બુદ્ધી અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ પણ શ્રદ્ધા તેમ જ અશ્રદ્ધા બંનેની મર્યાદા જાણવી પણ જરુરી છે.

સૌથી વધુ દુરુપયોગ શ્રદ્ધાની વીભાવના (concept) નો થયો છે. ‘શ્રદ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળીયાબાપાની પુજા) ને સ્વીકારી લઈએ છીએ. કારણ કે સાચી શ્રદ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંક શ્રદ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પુજા કરાવવા માટે ગુરુઓએ ઉભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી ‘શ્રદ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુધ્ધી ન વાપરવા માટેનું બહાનું માત્ર?

શ્રદ્ધા એટલે એવી વાત કે જે ન તો સાચી પુરવાર થઈ શકે ન તો ખોટી. દાખલા તરીકે ‘સત્યનો સદા જય’ જેવા સુત્રોના સમર્થન માટે અનેક પ્રસંગો રજુ કરી શકાય તેમ જ તેમના ખંડન માટે પણ કરી શકાય.  તેથી તે માનવા કે ન માનવા તે વ્યક્તીગત શ્રદ્ધા પર આધાર રાખે છે.  જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે તે વાત શ્રદ્ધાનો વીષય રહેતી નથી. કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રદ્ધાપુર્વક સાચી માનતા આવ્યા હોઈએ, પણ નવા મળી આવેલા પુરાવા પ્રમાણે તે ખોટી ઠરતી હોય તો તેને ‘શ્રદ્ધા’ને નામે વળગી રહેવું ન જોઈએ.

કોઈ એક વ્યક્તી, પુસ્તક કે વ્યવસ્થામાં શ્રદ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રદ્ધા નથી. ઈશ્વર અને ઈશ્વરીય સીદ્ધાન્તો અને ગુણો જેવા કે સત્ય, અહીંસા, ન્યાય, પ્રેમ ઈત્યાદીમાં રાખીએ તે જ સાચી શ્રદ્ધા ગણી શકાય. ઘણું ખરું તો જેને આપણે ઈશ્વર પરની શ્રદ્ધા માનતા હોઈએ છીએ તે ખરેખર તો બીજા કોઈ પરની જ શ્રદ્ધા હોય છે. આપણે હીન્દુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વીષ્ણુ ઈત્યાદીને પરમેશ્વર તથા દેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે આપણા બચપણથી જ આપણા વડીલોએ શીખવ્યું હોય છે. વેદ પરની આપણી શ્રદ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રદ્ધા જ હોય છે. હવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી હેઠળ શેષનાગ નથી. તેથી તેના ખોળામાં સુતેલા વીષ્ણુ નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય ? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનીક વાર્તાઓ જ છે, ઈતીહાસ નહીં, પછી ભલે તે ઘણી જ કુશળતાપુર્વક લખાઈ હોય.

પરન્તુ આટલું સ્પષ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં કારણ કે તેમ કરવામાં આપણું ‘વયમ્’ (સામુહીક અહમ્) નડશે. આપણા ‘અત્યંત મહાન’ ઋષીમુનીઓ તો કોઈ ભુલ કરી શકે નહીં તેથી તેમણે કહેલી કે લખેલી બધી વાતોને આપણે માનવી જ રહી એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતા આવેલા અસત્યોને સત્ય પુરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

એક મુદ્દો એવો ઉભો કરવામાં આવશે કે શ્રદ્ધાના વીષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરીણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તીઓ કેવળ પોતપોતાની શ્રદ્ધા જણાવી જ શકે, કોઈ પ્રકારનો વીચારવીમર્શ કરી ન શકે; પ્રજાના જુદા જુદા સમુહો પોતપોતાની શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓમાં રાચ્યા કરે. આમ હોત તો શંકરાચાર્ય અને મંડનમીશ્ર વચ્ચે વીવાદ થઈ શક્યો ન હોત. તે સીવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વીચારણાઓ થઈ છે અને થાય છે તે પણ નીરાધાર બની જાય.

શ્રદ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પુરક છે, એકબીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરુ અથવા ઈસુ ને ઈશ્વરીય વીભુતી કે પછી સ્વયં ઈશ્વરપુત્ર માનવા તે શ્રદ્ધા નથી, કારણકે તે માન્યતા ચમત્કાર કરવાની તેમની શક્તી કે આવડત પર જ નીર્ભર હોય છે. આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રદ્ધા જ છે તર્ક નહીં કારણ કે તે કશા પર આધારીત નથી.

વસ્તુત: તર્કના પાયામાં શ્રદ્ધા જ હોય છે. તર્કની શરુઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહીત કરવા પડે એટલે કે સાબીતી આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસીદ્ધ સત્ય (axiomatic, self-evident truth) હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઈટ્સ (postulates) કહે છે. કયા મુલ્યોને ગૃહીત કરવા અને કયાને નહીં તે જે તે તાર્કીકની વ્યક્તીગત શ્રદ્ધા પર નીર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રદ્ધા એવી છે કે પરમેશ્વર હમેશાં સત્ય અને ન્યાયનું સમર્થન કરે, તેથી વીપરીત વર્તન ન જ કરે, ને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નીષ્કર્ષ પર આવી શકે.

તો પછી પ્રશ્ન એ થાય છે કે દરેક સમુહ પોતપોતાના ગૃહીતોને આધારે જુદાજુદા દેવોની પુજા કરે તો તેમાંથી એકેયને અન્ધશ્રદ્ધા કેમ ગણી શકાય ? ઉત્તર એ છે કે તર્કનું પરીણામ મુળભુત ગૃહીતને અનુરુપ હોવું જોઈએ. તેમ ના થાય તો ક્યાં તો આપણું ગૃહીત ખોટું હોવું જોઈએ અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. છતાં કોઈ તે વાર્તાને સાચી માને તો તેમની ‘શ્રદ્ધા’ ખરેખર તો અન્ધશ્રદ્ધા જ ગણી શકાય. આપણા જ ધર્મનાં આવાં એકબે ઉદાહરણો જુઓ :

ભગવાન શ્રી વીષ્ણુનો છઠ્ઠો અવતાર પુરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરુર પડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વીચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો? કૃષ્ણએ કંસનો વધ કર્યો પણ કંસત્વનો કેમ નહીં? આવી તો અનેક વીસંગતતાઓ અને મુલ્યદ્રોહના પુષ્કળ પ્રસંગો આપણા ધાર્મીક સાહીત્યમાંથી સાંપડે છે. વીષયાન્તર ટાળવા તેમનું સવીસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લખાણ (અસત્યો અને અન્યાયો https://sites.google.com/site/tatoodi/liesandinjustices%28guj%29 )માં કર્યું છે.

લગભગ બધા જ ધર્મો એમ માને છે કે પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તીમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઈત્યાદી છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નીયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણના કરતા હોય છે અને અનુયાયીઓ તેમનો વગર વીચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રદ્ધાને નામે.

તર્કની શરુઆત શ્રદ્ધાથી થાય છે, તો તર્કના બીજા છેડે પણ શ્રદ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રદ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધીથી વીચારી શકાય તેમને માટે શ્રદ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામુહીક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઈએ. જેમ કે ઋષીઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારીત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

સત્યની શોધ સમયે એક મુદ્દો યાદ રાખવા જેવો છે.  જમીનમોજણીમાં એક નીયમ છે કે જે કંઈ માપ લો તેની ફેરચકાસણી કરો. ધારો કે જમીનના ઉંચાણ–નીચાણ (Level) માપવા છે.  એક સ્થળેથી બીજું સ્થળ કેટલું ઉંચું કે નીચું છે તે માપ્યું હોય તો તે બીજા સ્થળે જઈને અગાઉવાળું સ્થળ તેટલું જ નીચું કે ઉંચું છે તે માપી લો.  બંને માપ સરખા ન હોય તો એકમાં કે બંનેમાં ભુલ હોય તે સુધારવી જ પડે. તેવી જ રીતે કોઈ વાત લોકમાનસમાં રુઢ થઈ ગઈ હોય તેથી જ તે સાચી કે સારી છે તેમ માનવું જ જોઈએ એવું નથી.  ધારો કે તે ખોટી કે ખરાબ હોય તો શું એવો વીચાર કરવો જોઈએ. આપણા ધર્મની વાત જેવી બીજા કોઈ ધર્મની વાત હોય તો તે આપણે માનીએ ખરાં?  આપણી વાત પરધર્મીઓ સ્વીકારે એવી આશા આપણે રાખી શકીએ ખરાં?  જો ના, તો પછી આપણે કેમ તે માનીએ છીએ?  અન્ય ધર્મોની વાહીયાત વાતો આપણે નકારીએ છીએ તો આપણા ધર્મની કેમ નહીં?

તર્ક તેમજ શ્રદ્ધાની પારના પણ કેટલાક વીષયો છે. સૌથી મોટી ભુલ (આપણો અને) લગભગ બધા જ ધર્મો કરે છે: જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થીતી અને ગતી જેવી બાબતો કે તે અંગેના પ્રશ્નોના જવાબ તેઓ આપે છે. આ જવાબો ન તો શ્રદ્ધા પર કે ન તો તર્ક પર આધારીત હોય છે. તે તો કાલ્પનીક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રુપં અહો ધ્વની:’ની જેમ તેમના સાથીઓએ અને શીષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલીત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરુપ છે કે નહીં તે વીચારવાની તસ્દી કોણ લે?

લગભગ બધા જ ધાર્મીક લેખકો પોતાની વાતના સમર્થન માટે બીજાના લખાણ કે વક્તવ્યનો આધાર લેતા હોય છે.  એકાદ ‘મહામુની’ એ કશું કહ્યું કે તે પરમ્પરા ચાલુ થઈ ગઈ. કર્ણોપકર્ણ તે વાત સાચી મનાતી ગઈ. તેની યથાર્થતા ચકાસવાની હીંમત કે દરકાર કોઈનાથી ના કરાઈ. જેમ કે ચોર્યાસી લાખ જન્મો લીધા પછી માનવ અવતાર મળે તે માન્યતા ચકાસવી હોય તો પણ કેવી રીતે ? પ્રત્યેક અવતાર સરેરાશ એક દીવસ જીવે, અને બે અવતાર વચ્ચે જરા પણ વીલમ્બ ના થાય એમ ગણીએ તો પણ તે પુરા કરવા માટે 23,333 વરસ લાગે.  કોઈ એક જીવાત્માની 83,99,999 જન્મોની યાત્રા જોવા માટે કયા મહામુની જીવ્યા હોય?  અને બીજા કયા મુની જીવવાના હોય કે તે પેલા મહામુનીના કથનને સમર્થન આપી શકે કે તેનું ખંડન કરી શકે. માટે ‘ચાલવા દો ને, આપણું શું જાય છે?’ એવા ભાવ સાથે આ ગપગોળો ચાલવા દીધો એટલું જ નહીં પણ તેનો લાભ ઉઠાવ્યો, ભોળી જનતાને વધારે ભોળવીને.

આપણા ધર્મગુરુઓ કહે છે કે ‘બ્રહ્મં સત્યં જગન્મીથ્યા’. બ્રહ્મ કદાચ સત્ય હશે, પરંતુ જગત જો મીથ્યા હોય તો પછી કૃષ્ણ પણ મીથ્યાગુરુ જ ગણાવા ન જોઈએ? શંકરાચાર્ય અને અન્ય જગદગુરુઓ પણ મીથ્યાગુરુઓ જ હોય ને? આ સુત્રનું વીવેચન પણ તર્ક પર જ આધારીત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મીથ્યા છે અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે ‘બ્રહ્મં નીત્યં જગત્ અન્યથા’. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મીથ્યા નથી થઈ જતું.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વીનાનું સત્ય નકામું છે, સત્ય વીના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નીરુપયોગી તો ખરી જ પણ હાનીકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકસાનને અટકાવી અને સુધારી શકાય.

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

લેખક : Rashmikant C. Desai

35 Raleigh Road, Kendall Park, NJ 08824-1040 USA

ફોન : 732 422 9766 (Home)  ઈ.મેઈલ : tatoodi@gmail.com  

વેબસાઈટ : https://sites.google.com/site/tatoodi/  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–12–2017

 

 

12 Comments

  1. શ્રદ્ધા ના નામ હેઠળ જે અસત્યો નો પ્રચાર થઈ રહ્યો છે, અન્ધશ્રદ્ધાળુઑ તેને સત્ય માની લે છે. અને આ અનુસાર લેભાગુ પન્ડિતો, મુલ્લાઓ વગેરે ને ઘી કેળા થઈ જાય છે. જો દરેક માનવી ધર્મની બાબતને logic ઍટલે કે તર્ક શાસ્ત્ર થી ચકાસે, તો માનવી ને સત્ય અને અસત્ય માં તફાવત જણાઈ આવશે.

    અત્યારના સમયમાં જે અન્ધશ્રદ્ધા ફેલાયેલી છે તેનુ કારણ પન્ડિતો, મુલ્લાઓ વગેરે છે, જેઓ અસત્ય ને સત્ય ના રૂપ માઁ દેખાડે છે .

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

  2. જટિલ વિષય અને શબ્દોના જંગલમાં હું ખરેખર ગુંચવાઈ ગયો….. ઘણી વાતો મારી સમજ બહારની વાતો છે. પુરાણને જ ધર્મ માનવામાં આવે છે. પુરાણની કલ્પનાને ચેલેન્જ કરવામાં જ આપણે રચ્યા રહીયે છીએ. વિશ્વના મોટાભાગના ધર્મો જન્મ પહેલા અને મૃત્યુ પછીના ફલક પર રચાયા છે અને ફૂલ્યા ફાલ્યા છે. એ એક સંસ્કૃતિ બની ગઈ છે. સંસ્કૃતિ નક્કર નથી હોતી. એ પ્રવાહી છે. જાણ બહાર વૈશ્વિક અસરોથી એક કે બીજા સ્વરૂપે સતત બદલાતી રહે છે. આપણી ત્રણ પેઢી પહેલાના વડીલો અને આપણા ત્રણ પેઢી પછીના બાળકો ના ધર્મ અને પુરાણોના મૂલ્યો જૂદા જ હોવાના. આપણા પ્રયત્નો વગર પણ બદલાવાના જ. બધા જ ધર્મો બદલાશે. ન બદલાશે માત્ર ઈસ્લામ. ધન્યવાદ સરસ લેખ છે.

    Liked by 1 person

  3. “શ્રદ્ધા રાખો” એટલે શું? આની સુંદર સચોટ વ્યાખ્યા નારણભાઈ દેસાઈએ કરેલ. “તમારી માન્યતાને બુદ્ધિથી (તર્કથી) ચકાસો અને પછી તેના ઉપર શ્રદ્ધા રાખો. એટલે શ્રદ્ધા એ તર્ક થી અલગ છે તેમ નથી.
    અવતારવાદ એ એક પ્રણાલી છે. આપણો રાજાને સૂર્યે મોકલ્યો છે, કે આપણો રાજા સૂર્યનો અવતાર છે, કે ફલાણો વ્યક્તિ ભગવાન છે, આવી પ્રણાલી આજે પણ કાયમ છે. પણ આ તત્વજ્ઞાન નથી. કોઈને બટેકા શા માટે ભાવે છે? કોઈને ફ્લાવર શા માટે ભાવે છે? કોઈને રવૈયા શા માટે ભાવે છે? આ બધું દરેક વ્યક્તિ તર્કથી સિદ્ધ કરીને ન કહી શકે. હા આમાં તર્ક છે કે ખરો કે સ્વાદની પસંદગી ડીએનએ અને પાડવામાં આવેલી ટેવ ઉપર અવલંબે છે. પ્રણાલીઓ અને વિધિઓ જીવનમાં સામુહિક આનંદ અને અથવા લયબદ્ધ જીવન જીવવા માટે છે. આવું જીવન વધુ આનંદ આપે છે.
    “સુવર્ણ” લોભ અને મોહનું પ્રતિક છે. લોભ અને મોહ વ્યક્તિગત આદતો અને પસંદગીઓ ઉપર આધાર રાખે છે. એટલે જો તમારે સત્ય જાણવું હોય તો વ્યક્તિગત બાબતો થી પર થઈ તર્ક દ્વારા વિચારવું જોઇએ. “હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં” ને આ અર્થમાં લઈ શકાય. એટલે જ હિન્દુ તત્વજ્ઞાનીઓ “ચર્ચા” કરતા. તેઓ તલવારો ખેંચતા ન હતા. હું કહું તે જ સત્ય એવા અહંકારને અપનાવતા ન હતા પણ ચર્ચાથી સત્યની નજીક પહોંચતા હતા.
    શ્રુતિઃ વિભીન્ના, સ્મૃતયઃ ચ ભીન્ના, નૈકો મૂનિઃ યસ્ય વચઃ પ્રમાણં,
    ધર્મસ્ય તત્વં નીહિતં ગુહાયાં, મહાજનો યસ્ય ગતઃ સઃ પન્થાઃ
    વેદ અને બીજા તત્વજ્ઞાનના ગ્રંથોની વાતો અલગ અલગ લાગે છે. … તો હવે શું કરવું? મહાપુરુષ જેમ કહે તેમ કરવું.
    પૂર્વજન્મ, પુનર્જન્મ સ્વર્ગ, નર્ક વિગેરે જેવી વાતો વેદમાં નથી. વેદમાં કહ્યું છે કે માણસ પોતાના સંતાનો થકી અમર છે તેનો અર્થ એમ જ “જેમ આંબાની કોઈ એક જાત તેના વાવેલા અને ઉગેલા આંબાના વૃક્ષ થકી પોતાની જાતનું સાતત્ય જાળવે છે” તેમ કરવો જોઇએ.
    પુરાણની વાતો કે અવતારની વાતો ઇતિહાસને અથવા કુદરતી પરિબળોના પ્રસંગોને રસમય અને લોકભોગ્ય બનાવવાની કવિતા તરીકે જોવા માટે છે.
    બ્રહ્મ સત્ય અને જગત મીથ્યા નો અર્થ એ થાય કે જે અચળ છે તે સત્ય છે. કારણ કે જે ફેરફારને અનુસરે છે તેનો જન્મ અને નાશ છે. એટલે કે તે બાહ્ય પરિબળોને આધારે ફેરફારને પામે છે. એક સ્થિતિ એ એની પૂર્વ સ્થિતિનો નાશ છે.
    જગતનો અર્થ દૂન્યવી સંબંધો અને વ્યવહારો છે. આ બધું મીથ્યા છે. એટલે કે શરીરને (સમાજ અને જીવનને આધિન છે). જગત અને વિશ્વ આમ તો જુદા છે. જે તે સંદર્ભના અનુસંધાનમાં તેનો અર્થ થાય છે. જેમકે કપિ એટલે વાંદરો અને ઈન્દ્ર બંને થાય છે. અશ્વ એટલે ઘોડો અને ચોખા (રાઈસ) એમ બંને થાય છે. અમૂક શબ્દો જે તે સમયે વત્તા ઓછા પ્રમાણમાં પ્રચલિત હતા. ક્યારેક તેઓના કોઈ અર્થ લોપ પણ થયા હોય. જેમકે રાક્ષસ, દૈત્ય, દાનવ આ બધાને આપણે સમાનાર્થી શબ્દો માનીએ છીએ. પણ વાસ્તવમાં તેઓ વંશ છે.

    Like

  4. સત્ય ?
    પ્રવિણભાઇના શબ્દો ….કોમેંટના શબ્દો……સાથે હું સહમત છું. બે વખત વાંચી જોયું. સમજ પડી નહિ. ઘણી લાંબી સફર કરીને ગોળ ગોળ ફરી રહ્યો. પછી મને યાદ આવ્યું …નાનપણમાં ભણેલો તે બાળવાર્તા….તે જ મને ‘ સત્ય ‘ સમજાવતી વાર્તા આજે સમજાઇ.

    હાથી અને છ આંઘળા. હાથી કેવો છે તે તેમને મોઢે સાંભળ્યુ હતું. બે ચોખ્ખી અને ચોખ્ખુ જોવાવાળી આંખાવાળા મને આ વાર્તાઅે ‘ સત્ય ‘ શું છે તેની સરસ સમજ આપી…હતી.
    દરેક આંઘળાને માટે હાથી તેની સમજ જેવૌ હતો….તે તેને માટે ‘ સત્ય‘ હતું. મારે માટે તેમનાં વિચારો ‘ સત્ય‘ નથી.

    Wikipedia says, What is truth ?
    Truth is most often used to mean being in accord with fact or reality, or fedility to an original or standard. Truth may also often be used in modern contexts to refer to an idea of ” truth to self ” or authenticity.

    Gallileo Galile said, ” All truths are easy to understand once they are discovered; the point is to discover.”

    Rumi said, ” That which is false, troubles the heart, but truth brings joyous tranquility. ”

    Other quote from : Maya Angelu….” There is a world of differences between truth and facts. Facts can obscure the truth.”

    Buddha…Gautam Buddha…said, ” There are two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.”

    હાં, અેક વાત સનાતન સત્ય અહિં છે અને તે છે કે ગૌતમ અેક રાજાનો કુંવર….બુઘ્ઘ બન્યો હતો. મહાવીરનું હોવું અેક સત્ય છે. મહમદનું હોવું પણ અેક સત્ય છે. અશોક , બુઘ્ઘના વિચારોને સમજીને બૌઘ્ઘ બન્યો હતો. કલીંગનું યુઘ્ઘ્ થયેલું હતું. અશોકે બૌઘ્ઘ ઘર્મનો પ્રચાર કરેલો હતો. શીલાલેખો લખાવેલાં. દૂરના દેશોમાં પણ પ્રચાર કરાવેલો. આ બઘી વાતો ‘ સત્ય‘ છે કારણ કે તેને માટે આપણી પાસે સાબિતિ…થોક પ્રુફ છે.

    ગાંઘીજીઅે તો સત્યના પ્રયોગો કર્યા હતાં..તેમની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો……My experiments with truth…….

    આપણે પાણી પીઅે છીઅે. પાણી આપણને જીવન આપે છે. પાણી સાનું બનેલું છે તેનું જ્ઞાન આઘુનિક વિજ્ઞાને આપણને આપ્યુ. જે દેખાતું નથી તેને સાબિતિ સાથે આપણને સમજાવ્યુ….બે હાઇદ્રોજન અને અેક ઓક્ષીજનના સંયોગથી પાણી બને છે…..આ સત્ય છે.
    પણ જો બે હાયદ્રોજન અને બે ઓક્ષીજન સંયોજાય તો હાદ્રોજન પરોક્ષાઇડ બને છે જે ઝેર બને છે. આ સત્ય છે. જે નથી દેખાતું તેને સાબિત કરીને બતાવ્યું. આ સત્ય છે.

    ઘણા દેશો પાસે અેટમ બોંબ છે તે સત્ય છે. હાયદ્રોજન બોંબ પણ અેક સત્ય છે. પુષ્પક વિમાનની વાત વાંચી છે. પરંતું મોટા મોટા વિમાનોમાં બેસીને આપણે બઘા દુનિયાની સૈર કરીઅે છીઅે તે સત્ય છે.

    આપણે જેના વિષે સાબિતિ સાથે નથી જાણતાં, તે આપણે નથી જાણતાં તેટલું કબુલ કરીઅે તેનું નામ…જ્ઞાન. અને તે જ સત્ય છે.

    ઉપગ્રહની વાત કરીઅે….અમેરિકાઅે…ભારતે…ઉપગ્રહોને અવકાશમાં તરતાં મુકીને તેમના થકી પોતાના ઘણા કામો કરાવ્યા….કરાવી રહ્યા છે…..ટલીફોન…અેક મીનીટમાં ભારત અને અમેરિકામાં બેઠેલાંૌ વાત કર્ી શકે છે..અએક બીજાને જોઇને વાતો કરી શકે છે…તે સત્ય છે. આપણા અેક ગુજરાતી ડો. કમલેશ લુલ્લા ( વડોદરાનાં) નાસામાં વિજ્ઞાની છે. તેમણે પણ સ્પેસ વિજ્ઞાનમાં ઘણુ ઘણું કામ કરેલું છે. તેઓ હૃદયથી કવિ પણ છે….તેઓઅે લખ્યુ છે તે અે તેમને માટે ‘સત્ય‘ છે….તેઓ કહે છે કે…..

    તારો બની ગગનમાં તરતો રહીશ હું,
    ભોમથી બ્ર્હમાંડમાં વિસ્તરતો રહીશ હું.

    સંત કબીર હતાં તે સત્ય છે. મીરાંબાઇ હતાં તે સત્ય છે. નરસિંહ હતાં તે સત્ય છે અખો હતો તે સત્ય છે અને સંત કબિરની આ વાત પણ સનાતન સત્ય છે….

    માટી કા અેક નાગ બનાકે, પૂજે લોગ લુગાયા !
    જીદા નાગ જબ ઘરમેં નિકલે,
    લે લાઠી ઘમકાયા !!
    જિંદા બાપ કોઇ ના પૂજે,
    મરે બાદ પૂજવાયા !
    મુઠઠી ભર ચાવલ લેકે,
    કૌવે કો બાપ બનાયા!!.

    ઘણું ઘણું લખી શકાય….આ બઘા મારા પોતાના જ વિચારો છે અને તે અેક ‘ સત્ય‘ છે….અને છેલ્લે….

    ન્યાય અને સમાઘાનમાં શું ફરક છે. કડવું છે પણ સત્ય છે…અને તે છે…..ન્યાયમાં અેક ઘરે દીવો થાય છે અને બીજા ઘરે અંઘારું….જ્યારે સમાઘાનમાં બન્ને ઘરે દીવો થાય છે. મહાભારત કે રામાયણ કે ઉપનીષ્દો કે વેદો વાંચીને સત્ય જાણવું કદાચ ભારી હશે. મહાભારતમાં યુઘ્ઘ દરમ્યાન ટીવીનિ વાત આવે છે….પરંતું આજે મારા ઘરમાં રંગીન ટી.વી. છે તે મારે માટે સત્ય છે.

    If, a child can’t learn, the way we teach……may be we should teach, the way they learn……

    Amrut Hazari.

    Liked by 1 person

  5. માણસના જીવનમાં બનતી અેક વાત સાચી સાબિત થઇ છે….

    અેક જુઠાણું જ્યારે હજાર વખત થોકી થોકીને સાચું છે તેમ ઠોકી બેસાડવામાં આવે ત્યારે માણસ તે જુઠાણાને પણ સાચુ માનતો થઇ જાય છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. દિકરીના જન્મ માટે સૈકાઓથી હિન્દુઓમાં માતાને જવાબદાર ગણવામાંઆવે છે. બીચારિની જીંદગી બરબાદ કરી મુકે… આજે પણ ભારતમા….નહિ….હિન્દુસ્તાનમાં માતાને દિકરીના જન્મ માટે જવાબદાર ગણીને હેરાન કરી મુકવામાં આવે છે…..
    વિજ્ઞાને જ્ઞાન આપ્યુ…જીનેટીક કોડની શોઘ કરી અને પુરુષના જીનેટીક કોડને દિકરીના જન્મ માટે જવાબદાર બતાવ્યો.
    સૈકાઓથી સમાજ જેને ‘ સત્ય‘ માનતો હતો તે જુઠું સાબિત થયું.

    ( Man = XY code ) ( Female : = XX or YY code. ) This is proven fact…THE TRUTH.

    પરંતું જુની ગઢેરમાં જીવતાં લોકો હજી દિકરીના જન્મ માટે સ્ત્રીને જવાબદાર ગણીને તેને હેરાન કરે છે.
    સત્યને શોઘવું પડે. બુઘ્ઘની વાત જે ઉપર લખી છે તે જ સત્યની શોઘ માટે સાચી છે.

    આપણા પોતાના જીવનને લાગતી વળગતી વાતોમાં પ્રથમ સત્ય શોઘો. તેજ આપણને આપણા જીવનને ઉપયોગી ‘ સત્ય‘ની પાસે લઇ જશે. પુસ્તકીયા…થીયરેટીકલ ‘સત્ય‘ આપણને આપણું જીવન જીવવા માટે જરીકે ઉપયોગી થવાનું નથી.

    Amrut Hazari.

    Liked by 1 person

  7. ધણું ઘણું લખી શકાય….આ બઘા મારા પોતાના જ વિચારો છે અને તે અેક ‘ સત્ય‘ છે….
    એક સુધારો —– અને તે પણ અેક ‘ સત્ય‘ છે!!!!
    ————————
    સત્ય જેવી કોઈ ચીજ હશે ખરી? કોઈ ચીજ શાશ્વત હોય ખરી? આ ક્ષણે જે છે – તે જ એક માત્ર સત્ય.

    Liked by 1 person

  8. Excellent article— good thinking, good illustrations. Hearty Congratulations !
    Please continue to write.
    Truth, like a diamond, is brilliant but rare. Like a raw diamond, it is difficult to recognize even when found.
    Also, let us distinguish between Shraddha (Faith) and Vishwas (Trust).
    —Subodh Shah, USA.

    Liked by 1 person

  9. Glad to see you after a while. Welcome and congratulations, for a nice article.How true. the voice or mouth of truth is muzzled or covered with Gold, then in Satyuga? What is this a bribe? So bribery and corruptions are not new. they are in present age of Kali as was in Satyuga, ions ago.
    thanks again to you and Govindbhai.

    Liked by 1 person

  10. When it comes to religiosity, i submit, there is no such thing as faith- all faiths have to be blind-faiths – if it weren’t, the “faith” would cease to be faith in its truest manifestation. (A religion by implication demands unequivocal belief in all of its dogmas.)

    Liked by 1 person

  11. આપ સૌના પ્રતિભાવો બદલ હાર્દિક આભાર. ગમવા નહિ ગમવાનું તો “પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના”.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s