કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે!

14

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન

બહુ ઉંચી હોય છે!

–દીનેશ પાંચાલ

માણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન! જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ!

સુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન આરંભ્યું હતું; પરન્તુ એ મનોશુદ્ધી અભીયાનને કમીશ્નર રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.

શ્રી. રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતું. પ્રમાણમાં તે સહેલું હતું. ‘તમારી ગલી સ્વચ્છ રાખો’ એવું લોકોને કહેવાનું સહેલું છે; પરન્તુ ‘ગલીગલીમાં ગણપતી ના માંડો’ એમ કહેવાનું અઘરું છે. ગણેશવીસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફીક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવીકતા છે. ‘જાહેર માર્ગો પર એવા સરઘસ ના કાઢો’ – એવું કહી શકે એવો કોઈ ‘રાવ’ હજી પાક્યો નથી. લોકો અન્ધશ્રદ્ધાને બાપદાદાની મીલકત સમી ગૌરવશાળી અને જતનતુલ્ય સમજે છે.

માણસ રોજ સવારે ઉમ્બર ધુએ છે, ઠાકોરજીની મુર્તી ધુએ છે, શીવલીંગ ધુએ છે, હમામ સાબુથી કપાળ ધુએ છે અને ત્યાર બાદ ખરો ખેલ શરુ થાય છે. કપાળ કંકુથી ગંદું કરે છે. મુર્તી જો હનુમાનની હોય તો તેને તેલસીંદુરથી ખરડે છે. શંકરની હોય તો તે પર દુધ, દહીં, મધ વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તી પછી પણ માણસનો કપટનો ખેલ અને મનનો મેલ અકબંધ રહે છે. લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ મુર્તીના તમે કહો તેટલા ટુકડા કરી આપવા તૈયાર થઈ જાય છે. નવસારીમાં કોઈકે હનુમાનજીની આંખો ફોડી નાખી હતી. હું ધન્યવાદ આપું છું નવસારીની શાણી પ્રજાને કે એ કામ મુસ્લીમોનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યાં!

મેં ઘણા એવા વડીલો જોયા છે જેઓ સન્તાનોને ધાર્મીક પુસ્તકો નીયમીત વાંચવાની કડકાઈપુર્વક ફરજ પાડે છે. પરન્તુ તેમનો સંસ્કારમય ઉછેર કરવા અંગે લગીરે ધ્યાન આપતા નથી. કોઈ દીકરો ગીતાના બે અધ્યાય નીયમીત વાંચતો હોય; પણ રોજ ગુટકાની એકવીશ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપાઠથી હરખાવા જેવું ખરું? નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’! બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો!’ ગલ્લા પર બેસીને ગ્રાહકોને બેફામ લુંટતા કોઈ શ્રદ્ધાળુ શેઠીયા કરતાં ભગવાનના માથા પરનો સુવર્ણ મુકુટ ચોરનાર કોઈ ગરીબ ચોરમને ઓછો ગુનેગાર લાગે છે.

એક દુકાનદારનો મને પરીચય છે. એ પોતાની દુકાનમાં નોકરો પાસે આખો દીવસ સખત હાથે કામ લીધા પછી તેને સાંજે મજુરીના પૈસા ચુકવવામાં ઈરાદાપુર્વકનો વીલમ્બ કરીને તેની પાસે એકાદ કલાક વધુ કામ કરાવી લે છે. એ વેપારી દર મહીને સવા એકાવન રુપીયાનો મનીઓર્ડર ગોંડલ – ભુવનેશ્વરીમાતાને મોકલે છે. માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દમ્ભથી બચવાનું છે. તેમાં શ્રી. રાવ જેવા કોઈ મ્યુનીસીપલ કમીશ્નર આપણી કોઈ મદદ કરી શકે તેમ નથી.

દર સોમવારે અને વીશેષત: શ્રાવણ માસમાં ગુજરાતભરમાં શંકર ભગવાનના શીવલીંગ પર દુધનો અભીષેક કરવામાં આવે છે. આ અભીષેક એટલા મોટા પ્રમાણમાં થાય છે કે એ સઘળું દુધ ભેગું કરી ગરીબોનાં બાળકોને આપવામાં આવે તો લાખો ભુખ્યાં બાળકોનાં પેટનો જઠરાગ્ની તૃપ્ત થઈ શકે અને શંકર ભગવાનનેય સાચો આનન્દ થાય! પરન્તુ એવું થતું નથી. થશે પણ નહીં. ક્યારેક તો પુરા કદની આખી જીન્દગી વીતી જાય છે; તોય માણસને સાવ સીધી વાત નથી સમજાતી કેશીવને નહીં ‘જીવ’ને દુધની સાચી જરુર હોય છે.

સમગ્ર દેશમાં મન્ત્રતન્ત્રમાં વપરાતા દોરા–ધાગાઓ, ધાર્મીક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ, તથા વટસાવીત્રી જેવા વ્રતોમાં વેડફાતું બધું સુતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. દર શનીવારે હનુમાનજીના મન્દીરે તેલ ચઢાવવામાં આવે છે તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો કરોડો ભુખપીડીત ગરીબોને એક ટાઈમ ફાફડા ખવડાવી શકાય! પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે? ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં? ત્યાં તો વૈજ્ઞાનીક શોધોય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે!

બચુભાઈ કહે છે : ‘મારું ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગાં કરી સીવીલ હૉસ્પીટલના ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં! બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે!’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું : ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે!’ મને ખાતરી છે આપણે ત્યાં પણ કો’ક ઠેકાણે માંદળીયાં કે તાવીજ બનાવવાની બહુ મોટી ફેક્ટરીઓ ચાલતી હશે. લોબાન શબ્દ હું માંદળીયાં સાથે જ સાંભળતો આવ્યો છું. એની સુગંધ મને ગમે છે. પરન્તુ એ જન્તરમન્તર, ભગત–ભુવા કે મેલીવીદ્યાની સાધનામાં જ ખાસ વપરાય છે એવું જાણ્યું ત્યારે અત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગ્યું.

લોબાન અને માંદળીયાંનાં ગોત્રનો જ એક અન્ય પદાર્થ છે – પીંછી! ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું!’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યન્ત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે? જોયું? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન કેટલી ઉંચી છે?

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–12–2017

 

14 Comments

 1. કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે!

  ખરી રીતે જોતા બધી જ અન્ધશ્રદ્ધાઓનું “સેલ” (વેચાણ) આકાશને અડી જાય છે, ઍટલે કે કરોડોમાં નહિં પણ અબાજોમાં પહોંચી જાય છે. ધાર્મિક તહેવારોના દિવસે તો ખરેખરનું “સેલ” (SALE) લાગે છે, અને “ડીસ્કાઉન્ટ” પણ મળે છે. અને આ અનુસસર પન્ડિતોને અને મુલ્લાઓને ઘી કેળા થાય છે, અને આવો ક્રમ બારે માસ ચાલુ જ રહે છે.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 2. દીનેશભાઇઅે જે કોઇ માહિતિ આપી તે બઘી અેસ્ટાબ્લીસ્ડ ફેક્ટ છે….‘ સત્ય‘ છે.
  કાસીમભાઇની વાત પણ અેટલી જ સાચી છે. ભારતની મુશ્કેલી અે છે કે ‘ રાવ‘ કોઇકવાર જ મળે છે. અને તેને ઓળખવાવાળા કેટલાં ? હું મને પોતાને જ પુછું છું….વાડી રે વાડી….આ અંઘશ્રઘ્ઘામાંથી કોઇ રસ્તો નિકળશે કે કેમ ? અને વાડી ‘ના‘ પાડે છે. બાળક અેક તો જીન્સમાં આ અંઘશ્રઘ્ઘા લઇને જન્મે છે અને બીજું કે જન્મના બીજા કલાકથી તેને આ અંઘશ્રઘ્ઘાના નામનું ટોનીક પીવડાવવામાં આવે છે……મને તો અેવો પણ વિચાર કોઇકવાર આવે છે કે….આપ મુઅે ફીર ડુબ ગઇ દુનિયા….જે વિચાર હું જાણું છું કે જીવતા જીવત મારે માટે ખોટો છે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. ખુબ જ સુંદર લેખ. એકેએક વાક્ય દરેકે દરેક અંધશ્રદ્ધા ધરાવનારને પહોંચતું થાય તો!!! કોઈ વાક્ય બદલવા જેવું લાગતું નથી, પણ આ એક વાક્યને વધુ અસરકારક બનાવવા માટે એમાં એક શબ્દ ઉમેરવાનું મન થાય છે. “માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દમ્ભથી બચવાનું છે.” એને બદલે “માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા ગંદા દમ્ભથી બચવાનું છે.”
  આવા સુંદર લેખ બદલ ભાઈ શ્રી દીનેશભાઈને તથા ગોવીન્દભાઈને હાર્દીક અભીનંદન.

  Liked by 1 person

  1. લેખના અંતમાં સધળી વીગત આપવામાં આવે જ છે. ધન્યવાદ..
   લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 
   ઈ.મેઈલ :dineshpanchal.249@gmail.com  
   બ્લોગ :dineshpanchalblog.wordpress.com

   Like

  1. વહાલા વલીભાઈ,
   આપના બ્લોગ પર ‘કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 4. Congratulations for publishing this article. But isn’t it well known fact that even educated people also have beliefs which can be considered as blind faith?
  Well I read it somewhere that even scientist Einstein had fixed a Horse shoe on his lab as good omen.

  Liked by 1 person

 5. Reblogged this on and commented:
  સરસ લેખ , ગોવિંદભાઈ, મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું.

  Liked by 1 person

  1. વહાલા અરવીન્દભાઈ,
   આપના બ્લોગ પર ‘કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 6. અંધશ્રદ્ધા અહીં અમેરિકામાં પણ છે તેમાં આપણા લોકોની જુદા પ્રકારની અંધશ્રદ્ધા સાંભળવા મળી છે તે સહેજ મુહૂર્તની કોઈ જરૂર નથી છતાં લોકો દરેક કાર્ય માટે મુહૂર્ત શોધતા હોય છે હોળાષ્ટકને નામે લગભગ બે અઠવાડિયા આળસમાં વિતાવે છે તેની જરૂર નથી ગણપતિ સ્થાપનમાં ચાઈના કમાય છે ને આપણે પાણીનું પોલ્યૂશન કરીએ છીએ આમ અનેક પ્રકારની “અતિરેકતા” આપણને પજવે છે કાયદા છે તો તેનો અમલ નથી ને વ્યવસ્થાને નામે મીંડું છે વધારામાં મારા હિસાબે નવા મંદિર બાંધવાની પરમિશન આપવી ન જોઈએ જૂના મંદિરોની પુનરુદ્ધાર પણ વાજબી ખર્ચે થવો જોઈએ અનાથ બાળકો,વિધવા,ગરીબોને ભણાવવાની જવાબદારી વિશે કરવું જોઈએ પણ આપણાઘેટાંછાપ લોકો સમજતા નથી પણ કોઈ ઉપાય દેખાતો નથી

  Liked by 1 person

 7. I like to clarify a few things..
  The faith and blind-faith are two sides of the same coin.
  Keeping our streets, our neighborhoods, out communities has nothing to do with faith or blind faith. This has to with civic sense, a sense of communal belongings which i am afraid Indians in general lack. We keep our houses clean and beautiful because it is our personal place of residence but why we as model citizens,- (this has nothing to do with whether one is rationalist or not) – care the same way about communal properties outside the houses. Despite scores of amazing UNESCO world heritage sites, India is not a place of destination for international travelers. The appalling filth, open sewers, overflowing garbage dumps, ubiquitously rampant slums – all these still exist and there is no sign of
  any improvement. All this blight is created collectively by all Indians- so called
  rationalists, it seems to me, have become, just talking heads and participants in creating this situation.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s