સાચો આસ્‍તીક કોણ…?

18

સાચો આસ્‍તીક કોણ…?

       –દીનેશ પાંચાલ

આસ્‍તીક નાસ્‍તીકની ચર્ચા નીકળે છે ત્‍યારે એક પ્રશ્ન ઉદ્‌ભવે છે–  આપણે કોને આસ્‍તીક અને કોને નાસ્‍તીક ગણીએ છીએ? એ શબ્‍દોના પ્રચલીત અર્થ મુજબ આસ્‍તીક એટલે ઈશ્વરમાં માનનાર, અને નાસ્‍તીક એટલે ઈશ્વરમાં ન માનનાર; પરન્તુ એ શબ્‍દોનું આટલું સીમીત અર્થઘટન ન હોવું જોઈએ. મારા નમ્ર મતાનુસાર આસ્‍તીક તેને કહેવો જોઈએ જે આધ્‍યાત્‍મીક્‍તા કરતાં માનવતામાં વધુ માનતો હોય. જે મન્દીરના ઈશ્વર કરતાં સૃષ્ટીમાં વ્‍યાપેલ ઐશ્વર્યમાં વધુ શ્રદ્ધા ધરાવતો હોય. સમગ્ર સૃષ્ટીના કણકણમાં ઐશ્વર્ય વ્‍યાપેલું છે; પણ માણસની વીચીત્રતા એ છે કે તે પથ્‍થરની મુર્તી પર ફુલ ચઢાવે છે અને જીવતા માણસના માથા પર પથ્‍થર અફાળે છે. મોરારીબાપુ સહીત ઘણાં સંતો સ્‍વીકારે છે– ‘જનસેવા એ જ પ્રભુ સેવા!’ આ દશ અક્ષરો, દશ સેલની બૅટરી કરતાં વધુ શક્‍તીશાળી છે.

માણસે ધર્મના સદીઓ જુના આદર્શોનું પાલન કરતાં રહેવાને બદલે નવો (રીવાઈઝ) માનવ ધર્મ  ઘડી કાઢવો જોઈએ. જેમાં હર હાલમાં માણસનું ભલું જ થાય. દાખલા તરીકે હીન્‍દુઓને ભુખ લાગે છે– તરસ લાગે છે અને મુસ્‍લીમોને પણ ભુખ અને તરસ લાગે છે. તો ભુખ્‍યાને રોટી આપવી અને તરસ્‍યાને પાણી પાવું એ ધર્મ બની રહેવો જોઈએ. દરદીનો જીવ જવા બેઠો હોય ત્‍યારે કોઈ પણ ધર્મ યા કોમના માણસને એક જ પ્રકારના દવા ઈંજેક્‍શનોથી બચાવી શકાય છે. તમે ક્‍યારેય હીન્‍દુઓના અલગ ઈંજેક્‍શનો અને મુસ્‍લીમોના અલગ ઈંજેક્‍શનો એવું જોયું છે? જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાતાં દરદીને સારવાર આપતી વેળા ડૉક્‍ટર કદી એ વીચારતો નથી કે દરદી હીન્‍દુ છે કે મુસ્‍લીમ? હીન્‍દુને ત્‍યાં મૈયત ટાણે જે આઘાત લાગે છે તેવો જ આઘાત મુસ્‍લીમોના મૈયત ટાણે લાગે છે.

વારંવાર એક વાત અનુભવાય છે. દરેક માણસમાં એક સરખું લોહી વહે છે. દરેક માણસની વૃત્તીપ્રકૃતી સરખી છે. તેની કમજોરી કે સ્‍ખલનો સરખાં છે. તેની પાયાની જરુરીયાતો અને દુઃખો પણ સરખા છે ત્‍યારે તેને જુદા જુદા ધર્મના ત્રાજવે તોળીને અલગ વ્‍યવસ્‍થાનું આયોજન કરવાને બદલે એક સમાન માનવધર્મનો ઉદય કેમ ન થવો જોઈએ? દુઃખ એક હોય… આઘાતો સરખા હોય… આંસુઓમાં પણ કોઈ ફરક ના હોય તો માણસો કેમ જુદાં હોવા જોઈએ?

સમાજમાં માનવતાવાદી પ્રવૃત્તી કરનારને જ સાચો આસ્‍તીક ગણવાનો સમય પાકી ગયો છે. બાઈબલમાં એક વાત કહેવામાં આવી છે. ‘તે વ્‍યક્‍તી પરમ સુખી છે જેનામાં સદ્‌બુદ્ધી અને વીવેક છે!’ એમ નથી કહેવાયું કે જેનામાં ઈશ્વર પ્રત્‍યે શ્રદ્ધા છે. ઈશ્વર પ્રત્‍યે શ્રદ્ધા તો ગુંડાઓને ય હોય શકે. બહારવટીયાઓ ધાડ પાડવા નીકળે તે પહેલાં બ્રાહ્મણ પાસે ભગવાનની પુજા કરાવતાં એવું કોક ફીલ્‍મમાં જોવામાં આવ્‍યું છે.

તાત્‍પર્ય એટલું જ કે સમગ્ર માનવજાતની સુખશાંતી માટે જેને હૈયે હીત વસેલું હોય, સારા નરસાની જેને વીવેકબુદ્ધી હોય અને જે ન્‍યાત–જાત, ઉંચ–નીચ, કે મન્દીર–મસ્‍જીદના ઝઘડાથી પર બની કેવળ માનવધર્મને અનુસરતો હોય એવાં માણસને સાચો આસ્‍તીક ગણી શકાય. એ પ્રકારના માણસોથી જ દુનીયાનું ભલુ થઈ શકે. ભલે તે પુજા પાઠ ન કરતો  હોય, મન્દીરમાં ન જતો હોય, ધાર્મીક કર્મકાંડો માટે દાન ન આપતો હોય. દુર્ભાગ્‍યે આપણે ત્‍યાં એવી વ્‍યક્‍તીને નાસ્‍તીક કહી ધુત્‍કારી કાઢવામાં આવે છે. અને ગુંડા, સ્‍મગ્‍લરો, ભ્રષ્‍ટાચારીઓ અગર ટીલાં ટપકાં કરે કે હજારોનું ધાર્મીક દાન કરે તો તેને પરમ ધર્માત્‍મા ગણી લેવામાં આવે છે. મને સ્‍મરણ છે 1994માં અશ્વમેધ યજ્ઞ થવાનો હતો. તેનો ફાળો લેવા મારે ત્‍યાં બે બહેનો આવી હતી. મેં તેમને ફાળો આપવાને બદલે એ યજ્ઞનો નમ્રતાપુર્વક વીરોધ કર્યો હતો. એ બહેન મારા મોઢા પર મને નાસ્‍તીક કહીને ચાલી ગઈ હતી. કલ્‍પના કરો, હું નીવડેલો ભ્રષ્‍ટાચારી કે સ્‍મગ્‍લર હોત; પણ મેં અશ્વમેધ યજ્ઞ માટે ચાર પાંચ હજાર રુપીયાનો ફાળો આપ્‍યો હોત તો પેલી બહેનોની નજરમાં હું બહુ મોટો ધર્માત્‍મા ગણાયો હોત.

એક અન્‍ય મુદ્દો વીચારણીય છે. આપણે ત્‍યાં આસ્‍તીક નાસ્‍તીક બન્‍ને વચ્‍ચે તીવ્ર મતભેદો રહેતા આવ્‍યા છે. આસ્‍તીકો નાસ્‍તીકોને ધીક્કારે છે. અને નાસ્‍તીકો ધર્મના નામે ચાલતા કર્મકાંડોને ઝનુનપુર્વક વખોડી કાઢે છે. બન્‍ને પક્ષે કટ્ટરતાવાદી વલણ જોવા મળે છે. એવા અન્તીમવાદ કે ઉગ્રવાદથી કોઈને ફાયદો નથી. આવા વૈચારીક ઝનુનને બદલે શાંતીથી દરેકે પોતાની વાતનું વાજબીપણું સમજાવવા પ્રયત્‍ન કરવો જોઈએ. દેશભરના બધાં જ ધર્મોને બાળી નાખો, કાપી નાખો એવી વાતો કરીને આસ્‍તીકોની લાગણી દુભાવવાને બદલે નાસ્‍તીકોએ ધર્મમાં ઘુસેલી પાર વીનાની અન્ધશ્રદ્ધા, વહેમો, દુષણો, વીકૃતીઓ, આડમ્બરો અને ધર્મના વ્‍યાપારીકરણનો જ વીરોધ કરવો જોઈએ.

વારંવાર સીદ્ધ થયું છે કે ધર્મને નામે થતાં કર્મકાંડોનો કોઈ અર્થ નથી. કરોડો રુપીયાના ખર્ચે અગાઉ અશ્વમેધ યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. દેશના કોઈને કોઈ ખુણે ‘વીશ્વશાંતી યજ્ઞો’ તો  હમ્મેશાં થતાં રહે છે. એ યજ્ઞોથી આ દેશની એકાદ સમ ખાવા જેટલી સમસ્‍યા પણ હલ થઈ શકી નથી. થોડા સમય બાદ ફરીથી રાજકોટમાં એ પ્રકારના બીજા યજ્ઞમાં પૈસા અને ચીજવસ્‍તુઓનો ધુમાડો કરવાનું આયોજન થયું હતું. ધર્મના નામે આ બધું થતું હોય અને યજ્ઞની કહેવાતી શ્રેયકરતાનો અન્ધશ્રદ્ધાયુક્‍ત પ્રચાર થતો હોય તો એ બધાનો વીરોધ અવશ્‍ય થવો જોઈએ; પણ એમાં ઉગ્રતા કે પુર્વગ્રહયુક્‍ત ડંખ ન હોવો જોઈએ. વીરોધ વ્‍યક્‍તીલક્ષી નહીં, વસ્‍તુલક્ષી હોવો ઘટે.

–દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 18મો લેખ, પુસ્તકનાં પાન 64થી 65 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–01–2018

19 Comments

 1. “જનસેવા એજ પ્રભુ સેવા!” Service to Humanity is service to God.

  “માનવતા કરતા કોઈ ધર્મ મહાન નથી” No religion is greater than Humanity.

  જે કોઈ મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ વહાવે

  તથા

  દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને મૃત્ય પામેલા સંતો ની કબરો પર ચાદરો ચઢાવે

  તે આસ્તિક તો શું, મનુષ્ય કરતાં પણ નીચો કહેવાય.

  જે કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, ગોડ ના આદેશ અનુસાર માનવતા નૅ પ્રાથમિકતા આપે તે જ સાચો આસ્તિક મનુષ્ય કહેવાય.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 2. મારા મતે આસ્તિક એટલે ‘અસ્તિત્વને સ્વિકારનાર’.હું કોઈ દેવી-દેવતા કે ધર્મના આડંબરને ન સ્વિકારનાર,આસ્તિક જ છું, ચાહે સૌની નજરમાં નાસ્તિક હોવ.

  Liked by 1 person

 3. મિત્રો,
  લેખ વાંચ્યો. આજના સમાજને લાગતો વળગતો લેખ છે. સરસ છે. લેખના બીજા પેરેગ્રાફની પહેલી લીટીઓ આખા લેખનું આત્મબિંદુ છે. માણસે માનવ બનવા માટે શું કરવું જોઇઅે તે રસ્તો બતાવે છે. મુરારીબાપુની નામ સાથે વાત લખી છે. તેઓશ્રીઅે કથા કરવાનું બંઘ કરીને માનવતાના, માનવતા ભરેલાં જીવંત પરિણામો મળે તેવા કર્મો…કામો…યજ્ઞો…કરવા જોઇઅે. રામાયણ તેમના મોઢે સાંભળી સાંભળીને હિંદુૉની કદાચ બે પેઢી આ જગ છોડી ગઇ હશે પરંતું …….
  તિલક કરતાં ત્રેપન થયાં
  જપમાળાનાં નાકા ગયા,
  કથા સુણી ફૂટયા કાન,
  અખા , તોઅે ના આવ્યું બ્રહ્મજ્ઞાન. અને…..
  આંઘળો સસરો ને શણગટ વહુ,
  કથા સાંભળવા ચાલ્યા સહુ,
  કહ્યુ કાંઇ ને સમજ્યા કશું,
  આંખનું કાજળ ગાલે ઘસ્યું,
  ઉંડઈ કુવો ને ફાટી બોક,
  શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
  મોરારીબાપુ કે બીજા બઘા જ કથાકારોને કહો કે ‘ માનવતા‘ ના કર્મો કરો. બહું ઘન કમાયા છો..બહું નામ કમાયા છો…બહું ઘણા…ફોલોઅર્સ જીત્યા છો…તો પરિણામો…સારા પરિણામો આપતાં કર્મયજ્ઞનો કરો. ગરીબોને માટે, બાળકોને માટે…ફ્રી હોસ્પીટલો ચાલુ કરો…ફોલોઅર્સ તો પેસા આપશે જ. ગરીબ બાળકો માટે તમારા પોતાના મેનેજમેંટ હેઠળ શાળા ચાલુ કરો. પોલીટીશીયનોને દૂર રાખો….ફરી કહું છું પોલીટીશીયનોને દૂર રાખો અને પોલીટીશીયનોથી દૂર રહો. ગાંઘિજીની હાંકલ ઉપર ઠક્કર બાપા, રવિશંકર મહારાજ જેવાં કેટલાઅે માનવતાવાદીઓે જે કર્મો કરેલાં તે જૂઓ…કથા કરવાથી જ્ઞાન નથી અપાતું કે નથી મેળવાતું તે અખાજી સમજાવી ગયા હતાં….ઉપર લખેલાં અખાજીનાં બે ચાપખાં વાંચીને પણ સમજો તો માનવતા મહેકી ઉઠશે.
  માનવતાની વાત ક્યારે જીવનમાં આવી ?
  આ ઘરા ઉપર માણસ ચાલતો થયો ત્યારે તો તે માણસ જ હતો…જ્યારે પણ કહેવાતા ‘ ઘર્મ‘ ની સ્થાપના થઇ હશે ત્યારથી માણસના મગજોના ભાગલા પડવા માંડયા હશે. વાડા બંઘાવા માંડયા હશે. માણસ..માનવ બનવાને બદલે રાક્ષસ બનવા માંડયો હશે.
  ગીતાના અઘ્યાય: ૪..શ્લોક: ૧૩માં શ્રીકૃષ પોતે ચાર વર્ણો પાડવાની વાત કહે છે…તે પાડવા પાછળ હેતુ સારો પણ હશે પરંતું અમલમાં માણસે પોતાના સ્વાર્થ માટે કર્યો. માણસ કદાપી માનવ બનવા તરફ વિચારતો થયો જ નથી….થોડ શીવાય.
  કથા કરવા પાછળ કેટલા મેનપાવર, મેનઅવર્સ બરબાદ થાય છે તેનો વિચાર કરવો જોઇઅે પેલા કથાકારોઅે. પોતાની દેખરેખ કે મોનેજમેંટ હેઠળ શાળા કે હોસ્પીટલ ચલાવે તો કેટલાં મેન અવર્સ અને કેટલાં મેનપાવરનો સદઉપયોગ થાય તેની ગણત્રી કરો તો સાચે જ તે કથાકારો માનવ બનીને માનવતાના કર્મો કરતાં થશે. જ્યારે તેૉ માનવ બનશે ત્યારે હું મારી ફ્રી સર્વિસ આપવા આવીશ.
  મારા સર્વે મિત્રોને વિનંતિ છે કે રસ્તે ચાલતાં વડીલોને, અંઘજનોને હાથનો ટેકો આપીને રસ્તો ક્રોસ કરાવશો તે પણ માનવતાનું કર્મ હશે….કથામાં જઇને સ્નશાન વૈરાગ્ય લઇને બહાર આવવું માનવતાનું કર્મ નહિ કહેવાય.
  અખાજી બીજી વાત કહી ગયા હતાં…..
  પોતે હરિને જાણે લેશ,
  અને કાઢી બેઠા ગુરુનો વેશ !
  જ્યમ સાપને ઘેર પરોણોં સાપ,
  મુખ ચાટી વળ્યો ઘેર આપ…………..અને…..
  અંઘ અંઘ અંઘારે મળ્યા,
  જ્યમ તલમાં કોદળા ભળ્યા,
  નથાય ઘેંસ કે ન થાય ઘાણી!
  અેણી પેર બન્ને ઘૂળઘાણી.
  ઘર્મો કે પોલીટીક્સ વાતોના વડા કરી માનવતાના ગીતો ગાય છે અને ગવડાવે છે….ઠઈક…પરિણામજનક મજબુત માનવતાનાં કર્મો ….જેમકે ( થોડાને બાદ કરતાં ) શાળા કે હોસ્પીટલો….પોલીટીશીયનોને દૂર રાખીને જો ચલાવે તો તે સાચા અર્થમાં માનવતાનું કર્મ ગણાશે.
  બિજું…મારી કારની આગળની અેક વેનમાં સ્લોગન હતું…મને લાગ્યું ભારતને માટે યોગય સંબંઘ ઘરાવે છે….
  No Farm….No Farmer….No food…..
  ખૂબ જ સચ્ચાઇ અહિં દેખાય છે. સરકાર અને પૈસાવાળા વેપારીઓ.. ખેતર… ખેડૂતો….. અને ફુડ…. માટે કેટલાં માનવતાનાં કર્મો કરે છે ? ફુડ…. દેશના દરેક માણસની જરુરીઆત છે…. સેલ્ફ સફીસીયન્ટ ફુડ પ્રોડક્શન દેશનું કેટલું ભલું કરે તેનો ખ્યાલ છે ? દરેક ખોરાકની કિંમત ઘટે…દરેક પેટ ભરાય… ઘરાય… દેશ શક્તિશાળિ બને…. પરંતુ ભારતની કોઇપણ સરકારને આ માનવતાનું કર્મ કરવું નથી.
  સૌ મિત્રો , પોતાના વિચારો લખે અને દરેક કથાકારો અને પોલીટીશીયનોને પહોંચાડે તેવી ઇચ્છા….
  દુનિયામાં ફક્ત અેક જ ઘર્મ હોવો જોઇઅે….માનવ ઘર્મ. HUMANITY.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. નાસ્તિક વો નહીં, જો ભગવાનકો નહીં માનતા,
  નાસ્તિક વો હૈ, જો ભગવાનકો નહીં જાનતા.
  @રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

  Like

 5. આ વાંચતાં મારું કાવ્ય મૂકવાનું મન થઈ ગયું!

  ઢાળઃ એક મુરખને એવી ટેવ…..)

  એક ડાહ્યાને એવી ટેવ,
  પ્રસાદ માટે પૂજે દેવ.
  ન્હાયા વગર ન અડે,
  નેતાઓના પગે પડે.
  લસણ ડુંગળી ના ખાય,
  મસાલાથી મોઢું ગંધાય.
  ફરે લઇ હાથમાં માળા,
  કરીલે ભક્તિના ચાળા.
  વાર તહેવારો ખૂબ કરે,
  બોલે ત્યારે અંગારા ઝરે.
  ગરજે ગધાડાને બાપો કહે,
  જીભ પર જાણે ગંગા વહે.
  કપટ કરી કરી કમાણી કરે,
  ગળે માળાઓ નાખી ફરે.
  બોધ બધાને બહું આપે,
  સ્વાર્થમાં લોકોના પગ કાપે.
  ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
  ક્યારે આવશે ‘ચમન’ ભાન?

  * ચીમન પટેલ “ચમન”

  Liked by 3 people

 6. A nice article. Who is a real ‘astik’? is the question. I think there are four type of people. Most of the common public is simple astik (the believers ) and a few people are nastik (non believers ). Now there are other two categories,and that is very interesting.
  There are people who are staunch nastik but pretend to be astik of astik to deceive the public and accumulate a massive amount of wealth and power and prestige. A majority of so called ‘gurus’ and all kind of preachers,babas, maharaj, bapus, ammas, dadas etc. fall in this category.
  The fourth group is of people, and they are only a few,who are indeed astik in the sense as Mr. Panchal mentioned, but outwardly they may come out as ‘nastik’. When those two ladies came to collect a fund for yagna, he did not give them any, so they departed with the impression that what a nastik person is this.
  In reality these kind of people are astik or believers, as they believe in humanity and not an imaginary god.
  I end with a quote of a famous couplet by Sri Ved Vyasa,
  Shlokardhen pravakshyami, yaduktam granth kotibhihi,
  Paropkarah punyay, papay parpidanam.
  The meaning is, help somebody to attain a boon and by hurting others you get sin.
  Finally I agree wholeheartedly with the comment by Sri Amrut Hazari.

  Liked by 1 person

 7. I fully agree with Chaman Patel and Dinesh Patel ‘s views. It is everywhere in this world. Diamonds are rare to find but stones are every where.

  As long as you do not cheat or hurt any body in this world, you are astik.

  Lord is every where and in every things. It depends upon your understanding and view angle.

  Thanks for a good article and good views fro readers. I very appreciate it.

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 8. Reblogged this on and commented:
  લેખક અને અન્ય પ્રતિભાવો આપનાર મિત્રોએ વ્યક્ત કરેલ્લ વિચારો સાથે મહ્દ અંશે સહમત થતો હોવાથી મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરુ છું. આભાર અને ધન્યવાદ ગોવિંદભાઈ તથા શ્રી દિનેશ ભાઈ !

  Liked by 1 person

  1. વહાલા અરવીન્દભાઈ,
   ‘સાચો આસ્તીક કોણ…? ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

  1. વહાલા ડૉ. મહેન્દ્રભાઈ,
   ‘સાચો આસ્તીક કોણ…? ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 9. Dineshbhai, has very aptly written this essay on True AAstik, which is appealing giving all possible examples seen all at one place not same in blood but in emotions and biological needs like hunger- thirst- illness treatment is same- doctor never differentiate even on religious belief but Human and Humanity, then why we need to divide Humanity– actually its opposite– those who divide are real naastik, naughty, nasty, spread nonsense, negativity .
  this article should spread far and wide.

  Liked by 1 person

 10. આસ્તિક-નાસ્તિક વિષે વિચારક અને લેખક ડો. ગુણવંત શાહ એમના એક લેખમાં આમ કહે છે
  ”જુઠાબોલા રેશનલિસ્ટથી અને જુઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.

  આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.”

  Like

 11. આમ તો ધર્મ અને ભગવાન બંને અલગ બાબતો છે પણ લગભગ સૌએ અને ખાસ તો આસ્તિકોએ ભેળસેળ કરી દીધી છે. ધર્મ સામાજિક નીતિનિયમો છે જ્યારે ઈશ્વરને ફક્ત સૃષ્ટિના રચયિતા તરીકે જોવા જોઈએ.

  ધર્મો માણસોએ બનાવ્યા છે, કોઇ સ્વયંભૂ બનેલા નહોતા. આસ્તિકો ઈશ્વર હોવાની કલ્પના કરે છે કારણ કે એટલું તો નક્કી છે કે સૃષ્ટિ/બ્રહ્માંડ કોઈ માણસે કે સામાન્ય જીવે નથી બનાવ્યું એટલે (જો કોઈએ બનાવ્યું હોય તો) જેણે પણ બનાવ્યું તેને તેઓ ઈશ્વર માને છે.

  તો હવે સવાલ એ છે કે આસ્તિક કોને કહેવો – ધાર્મિક હોય તેને કે ઈશ્વરમાં માનતો હોય તેને કે બંને?

  આમ જોવા જઈએ તો ધાર્મિક તો નાસ્તિક પણ હોવાના કેમ કે એ પણ કોઈને કોઈ સામાજિક નીતિ-નિયમોને માનતા-પાળતા હોય (અથવા એવો દાવો કરતા હોય) પછી ભલે એ માનવધર્મ કે નાગરિક ધર્મ (બંધારણ તથા દેશના કાયદા) જ કેમ ન હોય.

  આસ્તિકની વાત કરીએ તો એ ઈશ્વરમાં માનનાર હોવો જોઈએ, મતલબ તેની માટે ધર્મ પાળવો જરૂરી નથી(!), અને જો કોઈ વ્યક્તિને ઈશ્વર વિશે ક્યારેય જણાવવામાં ન આવે તો શું થાય? મોટેભાગે તો એ નાસ્તિક જ બને, ખાસ તો કદાચ અગ્નેયવાદી.

  —–

  જો તમારા પારીવારીક-પારંપરિક એક ધર્મને જાણો તો મોટેભાગે આસ્તિક-ધાર્મિક બનો.

  જો એકથી વધુ ધર્મને પૂર્વગ્રહ વિના જાણો તો મોટેભાગે બિનસાંપ્રદાયિક બનો; પૂર્વગ્રહ સાથે જાણો તો મોટેભાગે બીજા ધર્મ વિરોધી કટ્ટર આસ્તિક-ધાર્મિક બનો.

  અને બધા “ધર્મોનો ઇતિહાસ” પૂર્વગ્રહ વિના જાણો તો મોટેભાગે નાસ્તિક બનો. (ઇતિહાસમાં નોંધાયેલું / ભણ્યું છે કે સદીઓથી કેટલાય લોહિયાળ ધાર્મિક યુધ્દ્યો થતા આવ્યા છે અને તેમાં લાખો-કરોડો લોકોએ જીવ ખોયા છે. જો ધર્મોએ આવું જ આપ્યુ હોય તો શું જરુર રહે છે પરંપરાગત ધર્મોની!)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s