માણસે આસ્‍તીક હોવું જોઈએ કે નાસ્‍તીક?

19

માણસે આસ્‍તીક હોવું જોઈએ કે નાસ્‍તીક?

        –દીનેશ પાંચાલ

ઈન્‍સાન તરીકે કોણ વધુ ઉત્તમ– આસ્‍તીકો કે નાસ્‍તીકો? એ મુદ્દા પર વીદ્વાનોમાં વીવાદ થાય છે ત્‍યારે એક મહત્‍વની વાત વીચારવાનુ ચુકી જવાય છે અને તે, માણસની સજ્જન વ્‍યક્‍તી તરીકેની સાત્‍ત્વીક્‍તા! મને કોઈનું ય કેવળ આસ્‍તીક યા નાસ્‍તીક હોવું પર્યાપ્‍ત જણાતું નથી. ઈશ્વરમાં માનવું ન માનવું એ માણસની અન્તરંગ વૈચારીક્‍તા છે. ખરું મહત્ત્‍વ માનવતાનું છે. માનવતામાં ન માનતો માણસ અનેક આપત્તીઓ સર્જી શકે છે. માનવતાના કોમન સીવીલ કૉડ વીના જગતમાં સુખશાંતી સ્‍થપાય એ શક્‍ય નથી. વધુ સાચી વાત એ છે કે આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા કરતાં માનવતા મહાન છે. પુજાપાઠ કે દેવદર્શન ન કરતા માણસને પણ આસ્‍તીક ગણી શકાય. અને રાતદીવસ રામનામ રટતો માણસ ઈશ્વરથી જોજનો દુર હોય એમ બનવા સમ્ભવ છે.

શ્રદ્ધાળુઓ હમ્મેશાં ખરાબ અને નાસ્‍તીકો સારા એવું પણ હોતું નથી. શ્રદ્ધાળુઓ બુદ્ધી કરતાં શ્રદ્ધાથી વધુ વીચારતા હોય છે. એ કારણે ક્‍યારેક તેમની સાચી જુઠી માન્‍યતા અન્‍ય પર ઠોકી બેસાડતા જોવા મળે છે. હું એક એવા શ્રદ્ધાળુને ઓળખું છું જેણે મારી હાજરીમાં એના પન્દર વર્ષના પુત્રને એક તમાચો ઠોકી દીધો હતો. ગુનો એટલો જ કે શાળામાંથી આપવામાં આવેલા વધુ પડતા હોમવર્કને કારણે એ બાળક પીતાની સુચના મુજબ રોજના 100  રામનામ, મન્ત્રબુકમાં લખી શક્‍યો નહોતો! (અહીં કોઈ નાસ્‍તીક પીતા હોત તો તેણે રામનામનાં મન્ત્રો બુકમાં લખવાની અનુત્‍પાદક પ્રવૃત્તી પુત્ર પર ના ઠોકી બેસાડી હોત!)

એનો અર્થ એવો નથી કે સઘળા નાસ્‍તીકો હમ્મેશાં અણીશુદ્ધ, માનવતાવાદી જીવન જીવે છે! તેઓ વળી બીજી કોઈ રીતે વાંધાજનક વર્તતા હોય છે. વસ્‍તુતઃ આસ્‍તીકો કે નાસ્‍તીકોનો કોઈ અલગ સમાજ હોતો નથી. તેઓ બધાં લાખો કરોડોની સંખ્‍યામાં આપણી આસપાસ જ જીવે છે. માણસ માત્ર સેંકડો કમજોરીઓથી ભરેલો છે. એથી એમ કહેવું સત્‍યની વધુ નજીકનું ગણાશે કે આસ્‍તીકો અને નાસ્‍તીકો સારા કે ખરાબ હોતા નથી. માણસો સારા અને ખરાબ હોય છે. ક્‍યારેક તેઓ આસ્‍તીક હોય છે ક્‍યારેક નાસ્‍તીક!

એક વાત સમજાય છે. કોઈ માણસ આસ્‍તીક કે નાસ્‍તીક હોય તે કરતાં માણસ તરીકે તે કેટલો સારો કે ખરાબ છે તેનું મહત્‍વ વીશેષ છે. આપણે વારંવાર અનુભવીએ છીએ કે માણસ આસ્‍તીક હોવા પછીય ગુંડો હોય શકે છે. અને નાસ્‍તીક માણસ ક્‍યારેક એટલો ભલો હોય છે કે એને ‘ભગવાનના માણસ’નું બીરુદ મળી જાય છે. મુળ વાત એટલી જ, આસ્‍તીક્‍તા કે નાસ્‍તીક્‍તા વ્‍યક્‍તીની સજ્જનતા કે દુર્જનતાનું સાચું બેરોમીટર હોતું નથી. એનુ માપ વ્‍યક્‍તી વ્‍યક્‍તીએ જુદું નીકળતું હોય છે.

એક નાસ્‍તીક મુલતાની ગ્રાહકોના ગાદલામાં સસ્‍તા ભાવનો રુ નાખી તેને છેતરી શકે છે. કોઈ નાસ્‍તીક સોની બેઈમાન હોય શકે છે. જરુરી નથી કે ભગવાનમાં ન માનતો ક્‍લાર્ક લાંચ લેવામાં પણ ન માનતો હોય! કોઈ નાસ્‍તીક ડૉક્‍ટર દરદીને માથે બીનજરુરી ટેસ્‍ટ ઠોકી બેસાડતો હોય એમ બની શકે છે. ધર્મમાં નહીં વીજ્ઞાનમાં જ શ્રદ્ધા ધરાવતો નાસ્‍તીક વેપારી ભયંકર નફાખોર કે કાળાબજારીયો હોય શકે છે. સેંકડો નાસ્‍તીક વકીલો બીઝનેસ એથીક્‍સને બહાને પોતાના ખુની અસીલને બચાવી લેવા માટે સામેના નીર્દોષ માણસના ગળામાં ફાંસીનો ગાળીયો નાખવાની કોશીષ નથી કરતાં શુ? એક નાસ્‍તીક સરકારી કર્મચારી પોતાની પ્રાઈવેટ દુકાન પર પોતાના ગ્રાહકોને સ્‍મીત સાથે સુંદર સેવા આપે છે તેટલી સારી સેવા સરકારી ઑફીસમાં નથી આપતો. એક નાસ્‍તીક શીક્ષક પોતાના પ્રાઈવેટ ટ્યુશનોમાં જેટલો પરસેવો પાડે છે તેટલો સ્‍કુલમાં નથી પાડતો. પોલીસનો ડ્રેસ પહેર્યા પછી માણસ હપ્‍તાને જ ભગવાન માનતો હોય તો તે ભગવાનમાં માને ન માને શો ફેર પડે છે?

મુર્તીપુજા સહીતના કર્મકાંડોનો કોઈ ફાયદો નથી એટલું બૌદ્ધીક રીતે સ્‍વીકાર્યા પછી એક મહત્ત્‍વના પ્રશ્ન પર વીચારવાનું બાકી રહે છે. શું દેશની પ્રજા મુર્તી પુજવાનું છોડી દેશે તેથી તેમની નબળાઈઓ રાતોરાત દુર થઈ જશે? આપણી પ્રગતી આડે મુર્તીપુજા જ એકમાત્ર અવરોધ છે? હું તો કહીશ, બુદ્ધી વીહોણા માણસો મુર્તી પુજે તોય શું અને ન પુજે તોય શું? એક વાત સમજી લેવા જેવી છે. રાતદહાડો મુર્તી પુજતા રહો તે પછીય માણસનું કલ્‍યાણ તો જીવનને વીવેકબુદ્ધીપુર્વક જીવવામાં જ રહેલું છે. જેનામાં વીવેકબુદ્ધીનો અભાવ હશે એવી વ્‍યક્‍તી મુર્તીપુજા છોડી દેશે તોય તેના જીવનનો ઉત્‍કર્ષ થઈ શકશે નહીં. મનના સન્તોષ ખાતર તે ભલે મુર્તી પુજા કરતો રહેશે; પરન્તુ બુદ્ધીદારીદ્રયના નુકસાનથી તે બચી શકશે નહીં. એથી– ‘મુર્તીપુજા છોડી દો… કે ધર્મને દફનાવી દો’ એવો પ્રચાર કરવાને બદલે વીવેકબુદ્ધીના મહાત્‍મ્‍યનો પ્રચાર થવો જોઈએ.

માણસ ભગવાનમાં ન માનતો હોય અને વાંકડો લેવામાં માનતો હોય…, અથવા સાદાઈથી જ લગ્ન કરવામાં માનતો માણસ વાંકડા માટે વહુને સળગાવી દેવામાં માનતો હોય તો એનો સુધારાવાદ કેવળ એક દમ્ભ બની રહે છે. ભગત–ભુવા, બાધા–આખડી, ભુત–પ્રેત કે શુકન–અપશુકન જેવા વહેમોમાં ન માનતો માણસ બેઈમાનીની એકે તક ના છોડતો હોય અને કરચોરી, નફાખોરી, કે શોષણખોરી જેવાં બધાં જ ભ્રષ્ટાચાર આચરતો હોય તો તેનો નાસ્‍તીકવાદ આ જગતને જરીકે ઉપયોગી ખરો? યાદ રહે આસ્‍તીક્‍તા અને નાસ્‍તીક્તા વ્‍યક્‍તીની કેવળ વૈચારીક્‍તા છે. આ દુનીયાને માણસના વીચારથી નહીં તેના સારા આચારથી ફાયદો થઈ શકે છે.

તાત્‍પર્ય એટલું જ, વહેમ–અન્ધશ્રદ્ધા કે ઈશ્વર જેવી બાબતોમાં ન માનવું પર્યાપ્‍ત નથી. નાસ્‍તીક માણસ ઓસામા–બીન–લાદેન ન હોવો જોઈએ! અને દેવી દેવતામાં માનતો માણસ દાઉદ ઈબ્રાહીમ ન હોવો જોઈએ. બે વાતો વીચારવા જેવી છે. ટીલાં–ટપકાં, હોમ–હવન, પુજા–પાઠ, કે દેવદર્શન જેવા બાહ્યાચારો પરથી જ વ્‍યક્‍તીની આસ્‍તીક્‍તાનું મુલ્‍યાંકન ન થવું જોઈએ. આસ્‍તીક નાસ્‍તીક શબ્‍દોને ઈશ્વરમાં માનવા ન માનવા જેવા મર્યાદીત અર્થઘટનમાંથી મુક્‍ત કરી તેને દુષ્ટતા કે માનવતાના પરીપ્રેક્ષ્યમાં મુલવવા જોઈએ.

અમારા બચુભાઈ કહે છે– ‘જેની જામગરી ઑલરેડી સળગી ચુકી છે તેવા ઍટમબોમ્‍બ પર બેઠેલી માખી જેવી આપણા સૌની દશા છે. માણસ ભલે મન્દીરે ન જતો હોય પણ એ જામગરી હોલવવાની માનવતા દાખવે તે આસ્‍તીક અને એ પર જે પેટ્રોલ છાંટવાની કોશીષ કરે તે નાસ્‍તીક! દુનીયા બહુ ભુંડી રીતે બગડી ચુકી છે. યજ્ઞકારોના દાવાનુસાર સાચે જ તેને યજ્ઞોથી સુધારી શકાતી હોય તો યજ્ઞકારોના ચરણો ધોઈ પીવાય અમે તૈયાર છીએ…; પણ એવું કોઈ શુભ યજ્ઞશ્રેય ન નીપજે ત્‍યાં સુધી અમને લાધેલા એક સત્‍યનો પ્રચાર કરતાં રહીશું– અને તે એ કે સૃષ્ટીમાં સર્વત્ર સુખશાંતી સ્‍થપાય તે માટે ઈશ્વરના હોવા ન હોવા કરતાં માણસમાં માણસાઈનું હોવું બહું જરુરી છે!’

–દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 18મો લેખ, પુસ્તકનાં પાન 64થી 65 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–01–2018

12 Comments

 1. જેમ ઈશ્વરમાં માનનાર દરેક વ્યક્તી સજ્જન નથી હોતી તેમ ઈશ્વરમાં ન માનનાર દરેક વ્યક્તી દુર્જન નથી હોતી.

  Liked by 2 people

 2. એક સરસ લેખ. શ્રી દિનેશ પંચાલનો આભાર.. અને શ્રી ગોવિંદભાઈ મારુ અને મણીબેન મારુના ઋણી, આટલી સરસ અને મહેનત/ચીવટ માગી લે તેવી પ્રવૃત્તિ સાતત્ય સાથે કરવા માટે.

  Liked by 1 person

 3. ઈન્‍સાન તરીકે કોણ વધુ ઉત્તમ– આસ્‍તીકો કે નાસ્‍તીકો? ઇન્સાન તરીકે ઉત્તમ ઍ મનુષ્યો છે, જેઓ માનવતા ને પોતાનો ધર્મ માને છે, કારણકે માનવતા કરતા કોઈ ધર્મ ઉચ્ચ નથી.

  મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના શ્લોક ૨:૮૩ તથા ૨:૧૭૭ માં માનવતા ની મદદ ના આદેશ ને પહેલા સ્થાન આપવામાં આવેલ છે, અને ઉપાસના (બંદગી) આદેશ ને તેના પછી.

  કાસીમ અબ્બાસ

  Liked by 3 people

 4. આસ્તિક કે નાસ્તિક ….??
  સંવાદ કે વિવાદ….માટેના શબ્દો હવે રહ્યા નથી.
  આપણે સૌ અભિવ્યક્તિના પાનાઓ ઉપર ઉપરોક્ત બે શબ્દો ઉપર મન મુકીને ચર્ચા કરી ચૂક્યા છીઅે.

  માનવ અને…માનવતા….શબ્દોને પણ વાગોળી વાગોળીને પચાવી ચૂક્યા છીઅે

  માનવતા ને જગાવવા માટે ઉમાશંકર જોશીનું અેક ખૂબ જ પ્રખ્યાત ગીત…કવિતા …વિચારો કરવા પ્રેરે છે.

  જુઘ્ઘ, બુઘ્ઘ, પ્રબુઘ્ઘ….

  ઘોમ ઘખે ને ઘરણી હાંફે, માડીનાં સુકાય દૂઘ,
  અંતરના ઉકળાટ વઘે, ને ગરજી ઊઠે જુઘ્ઘ,
  ઓ રે ગરજે કાળાં જુઘ્ઘ,
  અમીકૂપી લઇ ઘૂમી વળો ત્યારે હૃદયવીર ! પ્રબુઘ્ઘ.

  માનવતા ઉપર ત્રાસી રહી રણ – આંગણ – શોણિત – ક્ષુબ્ઘ,
  વીર ઊઠી આજ લડી લો ત્યારે જુઘ્ઘની સામે જુઘ્ઘ.,
  ઓ રે જુઘ્ઘની સામે જુઘ્ઘ.
  ઘરે ઘરે વીર ગાંઘી જગાવો, બારણે બારણે બુઘ્ઘ!

  દુનિયામાં આજે માનવતા મરી પરવાળી છે ત્યારે …અન્યાય….સામે ગાંઘીની જેમ માનવતા…જગાવવાનું ગાંઘી…બુઘ્ઘના જેવું યુઘ્ઘ જગાવવાનું કહે છે.

  કોઇ અજાણ વ્યક્તિઅે સરસ વાત કરી છે……

  ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….
  પણ…
  આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં……

  અને…. કવિ સાહિલ કહે છે કે….

  ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ‘,
  ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.

  દુનિયામાં અેક જ ઘર્મ હોવો જોઇઅે…અને તે છે….સાચ્ચો…માનવતા ઘર્મ.

  અમૃત હઝારી.

  Liked by 2 people

 5. Reblogged this on and commented:
  આસ્તિક -નાસ્તિક કોણ સારું? ચર્ચા જ નિર્થક ગણાવી જોઈએ ! માનવતા જ મહાન હોઈ શકે જે નિશંક છે. સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું, ધન્યવાદ ગોવિંદ ભાઈ અને દિનેશ ભાઈ !

  Liked by 1 person

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
   ‘માણસે આસ્‍તીક હોવું જોઈએ કે નાસ્‍તીક?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 6. “મુર્તીપુજા સહીતના કર્મકાંડોનો કોઈ ફાયદો નથી”.

  છેક એવું નથી. સમજણ સાથેની મુર્તીપુજા પણ ઉપયોગી છે. આપણા ચલણી સીક્કા મુર્તીપુજા અને નોટો ચીત્રપુજા નથી તો બીજું શું છે? તે પણ મુર્તીપુજાનું જુદું સ્વરૂપ છે. માનવસ્વભાવ જ એવો છે કે પ્રતીકો વગર ચાલતું નથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s