ધર્મગુરુઓ અને સમાજ

ધર્મગુરુઓ અને સમાજ

–વીક્રમ દલાલ

‘માણસ’ એ હાથ વાપરતું, વીચાર કરતું અને સમાજ બાંધીને જીવતું પ્રાણી છે. બીજાં પ્રાણીઓ અને માણસ વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે બીજાં પ્રાણીઓ માત્ર વૃત્તીથી દોરવાઈને વર્તે છે. જ્યારે વીચારશક્તીને કારણે માણસ સામાજીક વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે વૃત્તી ઉપર સમઝણપુર્વક નીયન્ત્રણ રાખીને વર્તે છે. માણસમાં જેમ સમઝણ ઓછી તેમ તેના અને પ્રાણીના વર્તન વચ્ચેનો તફાવત ઘટે. બકરીને ગોથુ મારીને તેનું ઘાસ ચરી જતી ગાય, નાના બાળકનું રમકડું ઝુંટવી લેતું મોટું બાળક અને લુંટારો, એ ત્રણે વચ્ચે તાત્ત્વીક રીતે કોઈ ભેદ નથી. વાલીયા લુંટારા અને વાલ્મીકી ઋષી વચ્ચેનો તફાવત એ શરીરનો નહીં પણ સમઝણનો છે.

વીચારશક્તીને કારણે માણસ આદીકાળથી કુદરતી ઘટનાઓ બનવા પાછળનાં કારણો સમઝવા માટે અને સામાજીક સમસ્યાઓના ઉકેલ માટે મથ્યા કરે છે. દીવસ અને રાત, સુર્ય અને તારા–સમુહોનું રોજ ચોક્કસ દીશામાં ઉગવું અને આથમવું, ચન્દ્રની કળાઓ, ભરતી–ઓટ અને ઋતુચક્ર જેવી કુદરતી ઘટનાઓનાં નીયમીત રીતે થતાં પુનરાવર્તનના અવલોકનથી તથા ગ્રહણ, ધુમકેતુ, ખરતા ‘તારા’ અને ધરતીકમ્પ જેવી ક્યારેક જ થતી (અને માટે અજ્ઞાતનો ભય પમાડતી) ઘટનાઓને લીધે માણસ અભાનપણે ‘અવકાશ (space)’ ‘સમય (time)’ વીશે વીચારતો થયો.

સર્જનશીલતા એ માનવપ્રાણીની વીશેષતા છે. અંગ્રેજીમાં કહેવત છે, ‘Necessity is the mother of invention’ (જરુરીયાત એ શોધની જનેતા છે). માણસે માટી, પાણી, પથ્થર, પાંદડાં, ઘાસ, વેલા, વાંસ, ડાળીઓ, હાડકાં, શીંગડાં અને ચામડાં જેવા કુદરતી રીતે મળી શકતા પદાર્થોનો ઉપયોગ કરીને બનાવેલી ચીજવસ્તુઓથી સગવડો ઉભી કરી. એકલે હાથે થઈ ન શકે તેવાં કામ માટે બીજાની મદદ લેવાની જરુર પડે. આ માટે હાવભાવ ઉપરાંત પોતે મુખથી કાઢી શકતા વીવીધ પ્રકારના અવાજને અર્થ આપીને માણસે ભાષા બનાવી. પ્રાણીઓ, વૃક્ષો અને કુદરતી દૃશ્યનાં ચીત્રો દોરી શકતા માણસે આગળ જતાં અવાજ માટે પણ આકૃતીઓ (અક્ષરો) નક્કી કરીને લીપી બનાવી. આમ, લખાણ દ્વારા માહીતી અને વીચારોને બીજાને દુર સુધી પહોંચાડવાની તથા આવતી પેઢીને વારસામાં આપી જવાની માણસે કરેલી શોધથી information technologyની શરુઆત થઈ. બીજું કોઈ પણ પ્રાણી આમ કરી શકતું નથી.

માણસ ટોળકીમાં રહે છે. ટોળકીના દરેક સભ્યની સુઝ સરખી ન જ હોય તેથી ટોળકી માટે કામની ચાલ નક્કી કરવાની સુઝ ધરાવનાર સભ્યની દોરવણી હેઠળ ટોળકી કામ કરે. સ્વાભાવીક રીતે જ આવો સભ્ય ટોળકીનો નેતા બને અને પોતાની સમઝણ અને કલ્પના પ્રમાણે કુદરતી ઘટનાઓ અને સામાજીક પ્રશ્નોના ઉકેલ આપે. હકીકત કે કલ્પના આધારીત અપાયેલા (ખરા કે ભુલભરેલા) ઉકેલનેધર્મગણવામાં આવ્યો. આમ, ટોળકીનો નેતા ‘ધર્મગુરુ’ પણ મનાયો. ‘જ્ઞાન’ હમ્મેશાં અનુભવ પ્રેરીત ચીન્તનથી જ મળતું હોવાને કારણે સામાન્ય રીતે એવું બને કે ઉમ્મરની સાથે જ્ઞાન વધે; પણ શરીર નબળું પડતું જાય તેથી શારીરીક શ્રમ ઘટે. સમય જતાં પીડાદાયક શારીરીક શ્રમ છોડીને ધર્મગુરુઓ ફક્ત ચીન્તન કરવા માંડ્યા. લાઠી, પથ્થર અને વેલાથી બનાવેલા ગદા અને ગોફણ જેવાં હથીયારોની શોધને કારણે શરીરબળનું મહત્ત્વ વધ્યું અને તેથી ટોળકીનું નેતૃત્વ કરવાનું કામ સશક્ત સભ્યના હાથમાં આવ્યું. આમ છતાં ‘જ્ઞાન’ને કારણે નેતા ઉપર અને તેની મારફત ટોળકી ઉપર ધર્મગુરુની પકડ રહી. ઈતીહાસ સાક્ષી પુરે છે કે એક કાળે દરેક પ્રદેશમાં રાજ્યની સત્તા મારફત ધર્મગુરુઓ પોતાના સમાજ ઉપર સમ્પુર્ણપણે છવાઈ ગયા હતા. પાકીસ્તાન જેવા સામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં સમ્પુર્ણપણે અને ભારત જેવા બીનસામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં થોડે ઘણે અંશે પણ આ જ હકીકત છે.

લખતા થયા પછી ઉકેલોને એકત્રીત કરીને ગ્રંથ બનાવવામાં આવ્યા. આમ, ધર્મગ્રંથો એ માનવીની જે તે કાળની સમઝણ પ્રમાણેના વીજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે. જેમ ભૌગોલીક કારણોસર ખોરાક, પોશાક અને રીતરીવાજોમાં તફાવત હોય છે. તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના વીચારકોએ પોતપોતાની ભૌગોલીક અને સામાજીક પરીસ્થીતીને ખ્યાલમાં રાખીને સ્થાપેલા ધર્મોના ઉપદેશો, ક્રીયાકાંડ અને રીતરીવાજોમાં પણ તફાવત હોય તે સ્વાભાવીક છે. આમ છતાં, દરેક ધર્મનો પાયાનો સુર એક જ છે : સમાજના હીતમાં જ વ્યક્તીનું હીત સમાયેલું છે.

જે ઘટનાઓનાં કારણો આપી શકાય તેમ હતાં તે તો ધર્મગુરુઓએ આપ્યાં; પરન્તુ જન્મ–મરણ, અકસ્માત કે વરસાદ જેવી જે ઘટનાઓનાં કારણોથી પોતે અજાણ હતા તે માટે કેટલાકે સર્વજ્ઞ, સર્વવ્યાપી, અમર, સ્વયમ્ભુ, સર્વશક્તીશાળી અને માણસની માફક ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરી. અને જેની કદીયે સાબીતી મળી ન શકે તેવા ‘ઈશ્વરની ઈચ્છા, નસીબ અને ગયા જન્મનાં કર્મો’ જેવા ઉકેલ આપ્યા. અને ત્યાં જ માણસ થાપ ખાઈ ગયો. તર્કની ગાડી ‘હકીકત’ને બદલે ‘માન્યતા’ના આડા પાટે ચડી ગઈ.

આપણો અનુભવ છે કે પોતે બનાવેલા નીયમને બાજુએ રાખીને માણસ તો હજીયે ભુલ માફ કરી દે; પરન્તુ ભુલ અજાણતાં થઈ હોય તો પણ પ્રકૃતીના નીયમમાં બાંધછોડ થતી નથી; કારણ કે પ્રકૃતી ઈચ્છારહીત છે. કોઈ છાપરેથી પડતું મુકે, કોઈ વીધવા માતાનો નવો પરણેલો એકનો એક કમાઉ દીકરો અકસ્માત ત્યાંથી પડી જાય છે કે છાપરાનું નળીયું ખસીને નીચે પડે – એ ત્રણે જ્યારે ધરતી સાથે ભટકાય ત્યારે ત્રણેની ઝડપ સરખી જ હોય છે (5/14). આ ઉપરથી માની શકાય કે પ્રકૃતીને લાગણી જેવું કાંઈ હોતું નથી. પ્રકૃતી ક્રુર પણ નથી અને દયાળુ પણ નથી. To err is human but to forgive is divine એ વાક્યના ઉત્તરાર્ધનો અનુભવ થવો એ ક્યાં તો અકસ્માત છે અથવા ભ્રમણા છે; પણ હકીકત નથી.

ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરવાની થયેલી ભુલની ભારે કીમ્મત માણસજાતને ચુકવવી પડી છે. સમાજમાં પ્રવર્તતી માનસીક આળસ(તમસ)ને કારણે અજ્ઞાત પરીબળોથી આવતાં પરીણામોના આવા સરળ ઉકેલો બહુજનસમાજને જચી તો ગયા; પરન્તુ તેથી તેની વીચારવાની શક્તી કુંઠીત થઈ ગઈ. ગુંચવાઈ ગયેલા માનવીમાં અજ્ઞાનતાનો ભય એટલો તો વ્યાપી ગયો કે પોતાના રક્ષણ માટે ઈશ્વરનું શરણું લેવામાં જ જીવનની સલામતી દેખાઈ. આપણા પ્રશ્નોના ઉકેલમાં ‘ઈશ્વરેચ્છા જ સર્વોપરી છે’ તેવી જે માન્યતા ઈશ્વરવાદીઓએ પ્રચલીત કરી છે, એ માણસજાતના વીકાસમાં મોટામાં મોટી આડખીલી સાબીત થઈ છે; કારણ કે તેનાથી પોતાની આળસ કે ઉણપ ઉપર માણસ આધ્યાત્મીકતાના સોનેરી વાઘા ચડાવી દઈને પ્રશ્નને ઢાંકી દઈ શકે છે; પણ તેથી કાંઈ પ્રશ્ન ઉકેલાતો નથી. આપણા મોટાભાગના ભજનોમાં લઘુતાગ્રંથી, અપરાધભાવ, ભીખારીવેડા, કાકલુદી અને ઈશ્વરની ભાટાઈ જોવા મળે છે તેના મુળમાં ધર્મગુરુઓએ ઉપદેશો મારફત સમાજમાં ફેલાવેલી વ્યક્તીપુજા, અન્ધશ્રદ્ધા, બીનજવાબદારી, ભય, લાલચ અને લાચારી છે.

ધર્મગુરુઓ પણ છેવટે તો માણસો જ છે. પોતાનું અજ્ઞાન છુપાવવા માટે અને સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લાલસાને કારણે તેમણે ધર્મગ્રંથોની માન્યતાઓને ‘અન્તીમ સત્ય’ તરીકે ઠસાવી દીધી. આમ થવાથી તેમાં સંશય કરવાની કે ફેરફાર કરવાની મનાઈ થઈ એટલે ધર્મનો વીકાસ રુંધાઈ ગયો; કારણ કે વીકાસ એટલે જ ‘યોગ્ય ફેરફાર’. ધર્મનો કુદરત સાથેનો સમ્બન્ધ નબળો પડતો ગયો. ક્ષીણ થઈ ગયેલા ધર્મમાં સડો પેસી ગયો. શ્રદ્ધાનું સ્થાન અન્ધશ્રદ્ધાએ અને ચીન્તનનું સ્થાન ક્રીયાકાંડે લઈ લીધું. ‘સત્ય’ને બદલે ‘માન્યતા’નો આધાર લેવાને કારણે તે અનેક સમ્પ્રદાયો અને ફીરકાઓમાં વીભાજીત અને વીકૃત થતો ગયો. માનવીની પ્રાણીસહજ વૃત્તીને કારણે કુતરાની ટોળીઓની માફક સમ્પ્રદાયો પણ આપસમાં ઝગડવા માંડ્યા. પોતાનો કક્કો ખરો કરાવવાની લહાયમાં યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લીમો વચ્ચે થયેલા ‘ધર્મયુદ્ધો’માં હજારો માણસો ખપી ગયા અને માણસાઈ હોમાઈ ગઈ. કુદરતી ઘટનાઓ અંગે ધર્મગ્રંથો કરતા જુદો મત ધરાવતા વીજ્ઞાનીઓને યુરોપના ધર્મગુરુઓએ પાપી, શેતાન કે ધર્મનીન્દક ગણાવીને કો’કને જેલમાં નાંખ્યા તો કો’કને મારી નાંખ્યા. પોપે ગૅલીલીયોને કરેલા અન્યાયથી ગૅલીલીયો એકલો જ દુખી થયો હશે; પરન્તુ તેને કારણે વીજ્ઞાનના વીકાસમાં જે કાંઈ વીલમ્બ થયો હશે તેની કીમ્મત તો સમગ્ર માનવજાતને ચુકવવી પડી. અનેક દેવ–દેવીઓ અને એકથી વધારે ધર્મગ્રંથોની માન્યતાની આડપેદાશના રુપમાં અનાયાસે પાંગરેલી સહીષ્ણુતાને કારણે અન્ય ધર્મો કરતાં હીન્દુ ધર્મ વધારે ઉદાર હોવા છતાં ચાર્વાક નામના રૅશનાલીસ્ટ ઋષીના ગ્રંથોનો નાશ કરવામાં આવ્યો તથા ભારતમાં સ્થાપાયેલો હોવા છતાં બૌદ્ધ ધર્મ ભારતમાં ફાલી ન શક્યો.

માનવીની અદમ્ય જીજ્ઞાશાવૃત્તીને કારણે વીજ્ઞાનનો વીકાસ નીરન્તર થયા જ કર્યો છે. જેમ જેમ વૈજ્ઞાનીક જાણકારી વધતી ગઈ તેમ તેમ વીજ્ઞાનીઓ ઉપરની ધર્મગુરુઓની જોહુકમી ઘટતી ગઈ. વીજ્ઞાનની સીદ્ધીઓથી પ્રભાવીત થયેલા કેટલાક જાગ્રત અને નીખાલસ ધર્મધુરન્ધરો હવે પોતાના સમ્પ્રદાયને વીજ્ઞાન મારફત સમઝાવવાની કોશીશ કરે છે. આ છતાં, ધર્મગ્રંથોને ‘સમ્પુર્ણ’ માનતા કટ્ટરવાદી ધર્મગુરો વીજ્ઞાનની દરેક સીદ્ધીનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં પણ છે જ એમ લલકારીને મીથ્યાભીમાનમાં રાચે છે. તેમને ઍરોપ્લેનમાં પુષ્પક વીમાન, રેડીયોમાં આકાશવાણી, વર્ચુઅલ રીયાલીટીમાં પાંડવોનો મહેલ, ટૅલીવીઝનમાં સંજયદૃષ્ટી, અણુબોંબમાં બ્રહ્માસ્ત્ર અને હૉવરક્રાફ્ટમાં યુધીષ્ઠરનો રથ દેખાય છે. પછી ભલે જ્યારે પોતે માંદા પડે ત્યારે ‘જીર્ણ થયેલા વસ્ત્ર’ને બદલવાને બદલે ઈશ્વરના દુત જેવા લાગતા ડૉક્ટર પાસે વસ્ત્રને થીગડું મરાવવા માટે અનુયાયીઓને દોડાવતા હોય કે ઍરોપ્લેનમાં ઉડીને પરદેશ જતા હોય. તેમના કહેવા પ્રમાણે ઈશ્વર જ તેમને મન્દીરને બદલે હૉસ્પીટલમાં જવાની તથા ડૉક્ટરને ઉપચાર સુઝાડવાની પ્રેરણા આપે છે. સ્વબચાવ માટે ડૉક્ટરો પણ દવા અને દુવાનું ગાણું ગાય છે.

ઈશ્વરના એજન્ટ બની બેઠેલા આધુનીક ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ કેટલો બેવકુફ બની ગયો છે તેનું અનુમાન એક જ દીવસ માટે ‘દુધ પીતા ગણેશ’ના વાહીયાત દાવાને અનુમોદન આપનારાની જંગી બહુમતી ઉપરથી આવી શકે તેમ છે. પોતાનું મહત્ત્વ વધારવા માટે તેમણે કેશાકર્ષણની સામાન્ય ભૌતીક ઘટનાને ચમત્કારમાં ખપાવી દીધી અને ‘અભણ’ સમાજે તેને સ્વીકારી પણ લીધી.

તા.ક. :

રસ ધરાવનારે લેખકના ઘરે*થી કે Graphonics, E – 214, G.I.D.C. Electronic Estate, Sector – 26, Gandhinagar. ટૅલીફોન : (079) 29 75 01 43 સરનામેથી રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ પુસ્તીકા મફત મેળવી લેવાની રહેશે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ(પાનાં : 40, મુલ્ય : મફત)નો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 08થી 11 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

*લેખક–સમ્પર્ક : શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળઅમદાવાદ – 380 058 ફોન : (02717) 249 825 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર મેઈલ : uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02–02–2018

16 Comments

 1. ભાઈ શ્રી ગોવિંદ મારુ.

  આપણા અડ્ડા પાર લેખ મુક્યો છે.

  ફિરોજભાઈ

  ________________________________

  Liked by 1 person

  1. વહાલા ખાનસાહેબ,
   મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘ધર્મગુરુઓ અને સમાજ’ને ‘ફેસબુક’ના ‘अपना adda’ પેજ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 2. મારી પુસ્તીકા મગાવનારને જણાવવાનું કે પોસ્ટથી કે કુરીયર મારફત હું પુસ્તીકા મોકલી શકુ તેમ નથી.

  Liked by 1 person

 3. ધર્મગુરુઓ પણ છેવટે તો માણસો જ છે. પોતાનું અજ્ઞાન છુપાવવા માટે અને સમાજ ઉપર
  પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લાલસાને કારણે તેમણે ધર્મગ્રંથોની માન્યતાઓને ‘અન્તીમ સત્ય’ તરીકે ઠસાવી દીધી.

  ઈશ્વરના એજન્ટ બની બેઠેલા આધુનીક ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ કેટલો બેવકુફ બની ગયો છે.

  ૧૦૦ ટકા સ્ત્ય.

  જનતામાં અંધશ્રધ્ધાના કારણે જનતા આવા લેભાગુ ધર્મગુરૂઓના ખીલે બંધાઈ ગયેલ છે, અને ઍ લેભાગુઓ તેમની અંધશ્રધ્ધાનો લાભ લઈને તેમની લોહી પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરે છે.

  આ પર થી ઍ જ અનુમાન લગાવી શકાય છે કે ઓછામાં ઓછુ આ સદીમાં તો જનતા માં જાગૃતિ આવવી મુશ્કેલ છે.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 4. It is a very nice and 100% true. I fully agree with author’s views.

  Thanks so much to Vikrambhai for this good article.

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 5. .
  “જનતામાં અંધશ્રધ્ધાના કારણે જનતા આવા લેભાગુ ધર્મગુરૂઓના ખીલે બંધાઈ ગયેલ છે, અને ઍ લેભાગુઓ તેમની અંધશ્રધ્ધાનો લાભ લઈને તેમની લોહી પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરે છે. ” એકદમ સાચી વાત.

  Liked by 1 person

 6. The meaning of the word,as per Gujarati language,heavy,in compression of
  the mass,but as per the society,we see the direct truth,lord ,sun
  ,moon,stars are giving light on the dark,thus the animals and mankind are
  the child of the earth,if the animals are keeping the the fast?the first
  guru- teacher of all man and women are our parents?we always to remember
  the great blessing of our parents for there great worshiping to our elders
  for happy future!

  Like

 7. શ્રી વિક્રમ દલાલનો આ લેખ ખૂબ ગમ્યો. સચોટ વાતો સારી સમજ સાથે લેખ લખ્યો છે. હાર્દિક અભિનંદન. …જ્યાં to forgive is devine…નો ઉલ્લેખ છે તે મારા વિચારોથી જુદો વિચાર છે. ડીવાઇન ?…..
  માનવના વિકાસની લખેલી વાત ખૂબ સચોટ છે. સમય અને વાતાવરણની સાથે થયેલો માણસનો વિકાસ સરસ સમજાવાયો છે. તેને સપોર્ટ કરવા મારા બે વિચારો અહિં લખુ છું..

  પૃથ્વિ ઉપર પ્રાણિનો જન્મ થયો કે વનસ્પતિનો જન્મ થયો ત્યારથી તે આજ સુઘી મૂળે…હાં મૂળે ફક્ત ત્રણ કર્મો લઇને જ જન્મેલા….માણસના મગજના વિકાસ સાથે વિજ્ઞાનનિ શોઘોઅે માણસને બીજા જીવો કરતાં જુદો પાડી દીઘો……તે સામાજીક બન્યો.

  જે ત્રણ કર્મોની વાત મેં કરી તે છે…..૧. જન્મ લેવો. ૨. ખોરાક, પાણી વડે જીવન જીવીને ઉમરવાન થવું……અને ૩. સંવનન કરીને બાળક પેદા કરવું…અને સમય આવ્યે મરણ પામવું.

  માણસ બુઘ્ઘિના વિકાસ સાથે આજની સ્થિતિઅે પહોંચ્યો જ્યારે બીજા બઘા જ પ્રણિઓ અને વનસ્પતિઓ આજે પણ, મેં દર્શાવેલા ત્રણ જીવનનાં પગલે જીવી જાય છે.

  વિક્રમભાઇને ફરી પાછા હાર્દિક અભિનંદન અને ગોવિંદભાઇને પણ. અભિવ્યક્તિને આવા લેખો વઘુ મળતા રહે તેવી આશા.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. Excellent article, clear, concise and convincing. How can someone like me who live away from India obtain a copy of ગીતાનો સંદેશ? Is it possible to place its electronic version on line for us to download?

  Liked by 1 person

 9. તમારા દરેક લખાણના તર્ક મને ખૂબ જ ગમે છે. મારૂં મન એનો સહેલાઈથી સ્વીકાર કરે છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s