આપણા જાહેર માર્ગો પર ધર્મનું આક્રમણ!

21

આપણા જાહેર માર્ગો પર ધર્મનું આક્રમણ!

        દીનેશ પાંચાલ

એક વૃદ્ધ અમેરીકા ગયા. જતી વખતે અહીંના એક મોટા દેવમન્દીરનો પ્રસાદ સાથે લેતા ગયા. ત્‍યાં એમના પૌત્રની પરીક્ષા ચાલતી હતી. વૃદ્ધે પૌત્રને એ પ્રસાદ એમ કહીને ખવડાવ્‍યો– ‘આ પ્રસાદ ખાવાથી તારો ફર્સ્‍ટ ક્‍લાસ આવશે!’ પ્રસાદ ઘણા દીવસનો વાસી હતો તેથી કે પછી કોઈ અન્‍ય કારણ હશે; પણ પરીક્ષાનો પ્રારમ્ભ થયો અને પૌત્રના પેટમાં ગરબડ શરુ થઈ. દસ દસ મીનીટે વોમીટ થવા લાગી. પેપર અડધેથી છોડી હૉસ્‍પીટલમાં દાખલ થવું પડયું. સૌના જીવ ઉંચા થઈ ગયા. દીકરાના પરીવારે જે મનોયાતના ભોગવવી પડી તેનો હીસાબ ના ગણીએ પણ દીકરાની આખા વર્ષની મહેનત છુટી પડી તે માટે કોણ જવાબદાર? ડૉક્‍ટરે ફુડ પોઈઝનની વાત કરી ત્‍યારે દાદાજી ઉકળી ઉઠયા. કહે : ‘તમારી શ્રદ્ધા ઓછી એથી આવી વાત કરો છો, બાકી ભગવાનના નામે ઝેર ખવાઈ જાય તોય ભગવાન બચાવી લે છે. મીરાબાઈ ઝેરનો આખો કટોરો નહોતા પી ગયા..? વાત સમજો…, પ્રસાદનું તો બહાનુ છે… બાકી ગયા અઠવાડીયે મુન્‍નાને શનીની સાડાસાતી પનોતી બેઠી તેની આ બધી મોકાણ છે…!’ આ વૃદ્ધ આપણી અન્ધશ્રદ્ધાનું સીનેમાસ્‍કોપ પ્રતીક છે.

દોસ્‍તો, બહુ જુની વાત યાદ કરાવું છું. બરોડામાં માનવજાતની સુખશાંતી અર્થે નવેમ્‍બર–‘93માં ‘અશ્વમેધ’ યજ્ઞ થયો હતો. પરન્તુ તે પછી પૃથ્‍વીના પ્રદુષણમાં એક મીલીગ્રામનોય ફેર પડ્યો નથી. માણસની નફરતમાં નવટાંકનો ઘટાડો થયો નથી. રાજકારણીઓમાં રાયના દાણા જેટલીય માનવતા આવી નથી. ખુન, બળાત્‍કાર, ચોરી, લુંટ, ધાડ, હીંસા, બેરોજગારી, ભુખમરો, ગરીબી જેવી સળગતી સમસ્‍યાઓમાં રતીભાર ઘટાડો થયો નથી. બીજા કોઈને ભલે કોઈ પ્રશ્ન ન થાય પણ અહીં યજ્ઞકર્તાઓને તો ખાસ પ્રશ્ન થવો જોઈએ કે– અશ્વમેધયજ્ઞ કેમ ફલૉપ ગયો?

અન્ધશ્રદ્ધા અને અબૌદ્ધીક્‍તા એ પ્રજાની બે મુખ્‍ય નબળાઈઓ છે. કર્ણાટકમાં એક સ્‍ત્રીને બાળકો ન થતાં હોવાથી એક તાંત્રીકના માર્ગદર્શન હેઠળ દેવીમાને પાડોશીના જીવતા બાળકનું મસ્‍તક અર્પણ કરવાની ઘટના બનેલી. આપણા મહાન ભારતમાં સ્‍ત્રીને ડાકણ સમજી મારી નાખવાના બનાવોની હવે કોઈ નવાઈ રહી નથી. બીહારના કોઈ ગામમાં એક વીધવાને ગામલોકોએ ડાકણ માની જીવતી સળગાવી દીધી હતી. એ અંગેના ટીવી કાર્યક્રમમાં ખુદ મરનાર સ્‍ત્રીના ભાઈને એમ કહેતો બતાવવામાં આવ્‍યો હતો– ‘હા, એ ઓરત ડાકણ હતી…. અને તેને મારી નાખવામાં ન આવી હોત તો ગામના ઘણા માણસોને તે ભરખી ગઈ હોત…!’ એક પણ માણસ એવું વીચારવા ના રોકાયો કે જે બીજાને ભરખી જવાની શક્‍તી ધરાવતી હોય તેને સહેલાયથી મારી શકાય ખરી?

અન્ધશ્રદ્ધામાં બુદ્ધીની સાથોસાથ દયાની પણ ગેરહાજરી હોય છે. તે માણસના ગમે તેટલા મોટા નુકસાનનો વીચાર કરતી નથી. અબૌદ્ધીક્‍તા એવી અધમ હોય છે કે ભર સભામાં માંકડની જેમ માણસની ઈજ્જતનું અબોટીયું ઉતારી દે છે. શારજા કપ વખતે એક જુવાનીયાએ એવી શરત લગાવી કે જો ભારત જીતી જાય તો પોતે જાહેર માર્ગ પર નગ્ન થઈને પાંચ મીનીટ ઉભો રહેશે. (ભારતીય ખેલાડીઓની નબળાઈમાં અતુટ શ્રદ્ધા હોય તો જ આવી શરત લગાવી શકાય!) ધન્‍ય છે આપણી હીન્‍દુસ્‍તાની ક્રીકેટ ટીમને જેમણે આ યુવાનની ઈજ્જતનું જાહેરમાં લીલામ થતું અટકાવ્‍યું. એ યુવાન બી. કોમ. ફર્સ્‍ટ ક્‍લાસ છે. એ જાણ્‍યા પછી અમારા બચુભાઈ બોલ્‍યા– માનવ અવતારના ઉજળા અબોટીયા પર અબૌદ્ધીક્‍તાનો એવો ગેરેન્‍ટેડ ડાઘ હોય છે કે એને શીક્ષણ નામનીએરીયલની ગોટી દુર કરી શકતી નથી!’

પ્રજાના થોડા અન્‍ય હઠીલા ડાઘની વાત કરીએ. નવસારીમાં દર શીતળા સાતમના દીને દુધીયા તળાવના પેટ્રોલ પમ્પ પાસે જાહેર રોડ પર શીતળા માતાની સ્‍થાપના કરવામાં આવે છે. એમ થવાથી બે રીતે મુશ્‍કેલી ઉભી થાય છે. એક તો એમાં બહુ મોટું સ્‍ત્રીવૃન્દ જાહેર માર્ગ પર પુજા માટે ટોળે વળે છે. એથી ટ્રાફીક માટે ખાસ્‍સો અવરોધ ઉભો થાય છે. અને બીજું એમાં દરેક સ્‍ત્રી દુધનો અભીષેક કરતી હોઈ જાહેર માર્ગ પર દુધના રેલાથી ગન્દકી થાય છે. એકવાર શીતળા સાતમને દીવસે એક રીક્ષાચાલકે એક વીદ્યાર્થીને અડફેટમાં લેતા તેનું મૃત્‍યુ થયુ હતું. ત્‍યાં મોટું ટોળું જમા થઈ ગયું હતું. લોકોએ રીક્ષાચાલકને માર્યો પણ એ ટોળામાંથી એકાદ વ્‍યક્‍તીને પણ એવો પ્રશ્ન થયો નહોતો કે જાહેર માર્ગો પર થતી આવી પુજાવીધીને કારણે ટ્રાફીક અવરોધાય છે અને એને કારણે આવા અકસ્‍માતો થાય છે. ધાર્મીકોને પુછવાનું મન થાય છે– પ્રત્‍યેક ગણેશોત્‍સવ યા નવરાત્રી વેળા જાહેર માર્ગો પર જ કેમ મુર્તીની સ્‍થાપના કરવામાં આવે છે? કોકના ઓટલા પર કે ખુલ્લા મેદાનમાં એ ન ગોઠવી શકાય? એ નીમીત્તે કરવામાં આવતી ભવ્‍ય વીદ્યુતરોશનીના દુઃખ તો કોની આગળ જઈને રડીએ? ગણેશોત્‍સવ કે નવરાત્રી પછી દેવોના ચોપડે માણસના ખાતે એક પાઈનુંય પુણ્‍ય જમા થતું હશે કે નહીં તે દેવો જાણે પણ એકલા ગુજરાતમાં જ એ ઉત્‍સવ નીમીત્તે સાડા સત્તર કરોડની વીજળી ફુંકી મારવામાં આવે છે. (માણસની અબૌદ્ધીક્‍તાના વોલ્‍ટેજ એટલા પાવરફુલ હોય છે કે એમાં ખુદ વીજળી બળીને ખાક થઈ જાય છે)

કોઈને કશી ચીંતા નથી. ધર્મના નામે બધું બેરોકટોક થતું રહે છે. પ્રથમથી જ ટ્રાફીકનો ઓવરલોડ ધરાવતા આપણાં સાંકડા જાહેર માર્ગો પર વખતોવખત રથયાત્રા, પોથીયાત્રા, શોભાયાત્રા, મુર્તીની પ્રાણપ્રતીષ્‍ઠા, લગ્નના વરઘોડા, તાજીયા, ગણેશ વીસર્જનયાત્રા જેવા અનેક ધાર્મીક જુલુસોનું આક્રમણ થતું રહે છે. આ સીવાય રાજકીય રેલીઓ, સભા સરઘસો, ધરણાઓ કે આંદોલનો તો જુદાં! વરકન્‍યાનું માયરુ કે લગ્નની ગ્રહશાંતેક ક્‍યાં કરવી? તો કહે રોડ પર…. હોળી સળગાવવાનું સર્વોત્તમ સ્‍થળ કયું? તો કહે જાહેર ચોરાહો! રોડ પર આવેલા કોઈ મન્દીરમાં સત્‍યનારાયણની કથા કરવી છે? ફીકર નહીં… બાંધો વાંસડા આડા ને ઉભો કરો મંડપ રસ્‍તા વચ્‍ચે… ધરમનું કામ છે. પોલીસ શું પોલીસનો બાપે ય ના અટકાવે! અમેરીકામાં આ રીતે જાહેર માર્ગો પર સત્‍યનારાયણની કથા થતી હોય એવા દ્રશ્‍યની કલ્‍પના ય થઈ શકે ખરી?

થોડા વર્ષો પર અમદાવાદમાં નીકળેલી રથયાત્રામાં ભીંસાઈને થોડા માણસો મૃત્‍યુ પામ્‍યા એ સમાચાર ટીવી પર સાંભળ્‍યા ત્‍યારે અમારા ભગવાનદાસકાકા બોલ્‍યા– ‘રથયાત્રામાં મરનારનું મોત પવીત્ર કહેવાય. એ ભાગ્‍યશાળીને  સ્‍વર્ગમાં સ્‍થાન મળશે!’ બચુભાઈએ જવાબ આપ્‍યો– તમે એના મોતને પવીત્ર લેખો છો, મને તો એવી કોઈ પણ ધાર્મીક એક્‍ટીવીટી અપવીત્ર લાગે છે જેમાં કંટ્રોલ ન કરી શકાય એટલી મોટી સંખ્‍યામાં માણસોને જાહેર માર્ગો પર ભેગા કરવામાં આવે છે. રહી સ્‍વર્ગ મળવાની વાત તો મારે કહેવું જોઈએ કે ધાર્મીક જુલુસોમાં કચડાઈ મરવાથી જ સ્‍વર્ગ મળી શકતું હોય તો દર વર્ષે સમુહ લગ્નોની જેમ આવા અનેક ધાર્મીક જુલુસોનું આયોજન કરવું જોઈએ. એટલું જ નહીં, એને ‘સામુહીક મોક્ષપ્રાપ્‍તી યજ્ઞ’ એવું નામ આપી એવું વ્‍યવસ્‍થીત આયોજન કરવું જોઈએ કે મોટી સંખ્‍યામાં મોક્ષવાંચ્‍છુઓની ઈચ્‍છા પરીપુર્ણ થાય. એ રીતે વસ્‍તી વીસ્‍ફોટનો પ્રશ્ન ય થોડો હલ થઈ શકે!’

આપણે ત્‍યાં તમામ આધ્‍યાત્‍મીક પ્રસંગોનું આક્રમણ જાહેર રોડ પર થાય છે એ જોઈ એવું લાગે છે માનો માણસ ભગવાનને મન્દીરમાંથી રોડ પર ખેંચી લાવી જાહેરમાં મારતો ના હોય? ખેર, ભગવાનને માર પડે ન પડે, માણસને અચુક માર પડે છે. એકવાર રોડ પર સત્‍યનારાયણની કથાને કારણે અમારા એક મીત્ર ખાસ્‍સી મુશ્‍કેલીમાં મુકાઈ ગયેલા. થયેલું એવું કે એમની નાની બેબી આઠ આની ગળી ગઈ. ગળી ના ગઈ, આઠ આની અન્‍નનળીમાં આડી થઈને અધવચ્‍ચે અટકી ગઈ. મીત્ર મારતે સ્‍કુટરે ડૉક્‍ટરને ત્‍યાં જવા નીકળ્‍યા. પણ માર્ગમાં એક મન્દીર આગળ સત્‍યનારાયણની કથા ચાલતી હોવાથી બાંકડા વગેરે આડા મુકી રસ્‍તો બન્ધ કરી દેવાયો હતો. મીત્ર બીજી તરફથી નીકળવા ગયા ત્‍યાં સામેથી વરઘોડો આવે. સ્‍ત્રીપુરુષોનું એક બહું મોટું ટોળું માર્ગમાં પરસેવે રેબઝેબ થતું ડીસ્‍કો દાંડીયા ની રમઝટમાં મચી પડ્યું હતું. ટ્રાફીક જામ થઈ ગયો હતો. મીત્ર એક દુકાને સ્‍કુટર પાર્ક કરી, દીકરીને કેડે લઈ માર્ગમાંથી પસાર થવા ગયા પણ રસ્‍તો એવો બ્‍લોક થઈ ગયો હતો કે (પેલી આઠ આનીની જેમ) અધવચ્‍ચે ફસાઈ ગયા. જેમ તેમ માર્ગ કાઢી એ ડૉક્‍ટરને ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે પાડોશમાંથી જવાબ મળ્‍યો– ‘ડૉક્‍ટર હમણાં જ નીકળી ગયા. તમે પાંચેક મીનીટ મોડા પડ્યા!’ મીત્રની મનોસ્‍થીતી કેવી થઈ હશે તે વાચકોની કલ્‍પના પર છોડું છું.

તાત્‍પર્ય એટલું જ, કહેવાતા ધર્મએ માણસ પર જ નહીં, રસ્‍તાઓ પર પણ બુરી રીતે આક્રમણ કર્યું છે. આપણે સૌએ વીચારવાનું છે– જીન્દગીના હાઈવે પર અબૌદ્ધીક્‍તાનો આવો ટ્રાફીક જામ સર્જાય તો માણસ જીવનમાં ઈંચ જેટલોય આગળ વધી શકે ખરો?

                           દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 21મો લેખ, પુસ્તકનાં પાન 73થી 75 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–02–2018

13 Comments

  1. દીનેશભાઈ, તમે નકામા ઉકળી પડ્યા છો! બહુ જ સાદી વાત છે. ‘અમારે લીધે તમને તકલીફ પડી તેમાં અમારે શું?‘

    Liked by 2 people

  2. જાહેર માર્ગો પર થતી આવી પુજાવીધીને કારણે ટ્રાફીક અવરોધાય છે અને એને કારણે આવા અકસ્‍માતો થાય છે.

    પ્રથમથી જ ટ્રાફીકનો ઓવરલોડ ધરાવતા આપણાં સાંકડા જાહેર માર્ગો પર વખતોવખત રથયાત્રા, પોથીયાત્રા, શોભાયાત્રા, મુર્તીની પ્રાણપ્રતીષ્‍ઠા, લગ્નના વરઘોડા, તાજીયા, ગણેશ વીસર્જનયાત્રા જેવા અનેક ધાર્મીક જુલુસોનું આક્રમણ થતું રહે છે.

    શ્રીમાન દીનેશ પાંચાલ સાહેબે ૧૦૦ ટકા સત્ય લખેલ છે.

    મારો પ્રતિભાવ

    ધાર્મિક ઉત્સવો અને ધર્મનો મહિમા

    આ વિષે એક મુસ્લીમ તરીકે હું અમારા મુસ્લીમ ધર્મમાં પણ વારે તહેવારે ઉજવાતા ઉત્સવોમાં થતા પૈસા, સમય તથા પર્યાવરણના બગાડ વિષે મુસ્લીમોનું ધયાન દોરવા ચાહું છું.

    ભારતમાં, પાકિસ્તાનમાં તથા બીજા અમુક દેશો માં મુસ્લીમો ૧૦મી મહોર્રમના દીવસે હજરત ઇમામ હુસેન (ર.અ.) ની યાદમાં તથા ૧૨ રબિઉલ અવ્વલના દીવસે પયગંબર સાહેબ હજરત મોહંમદ (સ.અ.વ.) ની જન્મતિથિના દિવસે ભવ્ય અને લાંબા જુલુસો કાઢીને તેમને અંજલી આપે છે. અહિં પ્રષ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ પ્રકારના ઉત્સવો પ્રસંગે પૈસા, સમય તથા પર્યાવરણનો બગાડ કરીને લાંબા લાંબા જુલુસો કાઢીને જ આ બન્ને મહામોટા માર્ગદર્શકો ને અંજલી આપી શકાય છે? આ સર્વે પ્રકારના બગાડના બદલે ઇસ્લામ ધર્મના આ બન્ને મહામોટા માર્ગદર્શકો ના પગલે ચાલીને, તેમના જીવનને તથા તેમની આદર્શ રહેણીકરણીને પોતાના જીવનમા ઉતારીને તથા તેમના કથનો તથા તેમની દોરવણીનું ચુસ્તપણે અનુસરણ કરીને તેમને ભવ્ય અંજલી આપી શકાય છે.

    ખરી રીતે જોતા ઇસ્લામ ધર્મ એ માનવતાનો ધર્મ છે, અને મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં માનવતા ની સેવા પર બહુજ ભાર મુકવામાં આવેલ છે. અત્યારે આ એકવીસમી સદીમાં ત્રીજી દુનિયામાં કરોડો માનવો બે ટંક ભોજનથી વંચિત રહે છે, ત્યારે પાલનહાર અલ્લાહને તથા આ બે મહામોટા માર્ગદર્શકોના આત્માને રાજી કરવા માટે મુસલમાનો, જગતના કરોડો ભુખ્યાઓને ભુલીને કરોડો રુપિયાનો ધુમાડો કરીને એમ માને છે કે ધનનો ધુમાડો કરવાનું આ કાર્ય મહા પુણ્ય સમાન છે! ક્યાંનું તર્કશાસ્ત્ર છે આ?

    મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં કે પયગંબર સાહેબ હજરત મોહંમદ (સ.અ.વ.) ના કથનો (હદીસો) માં આવા ખોટા ખર્ચાઓ કરવા વિષે કશા પ્રકારના આદેશો નથી આપવામાં આવેલ. મુસલમાનોને જે આદેશો આપવમાં આવેલ છે તેમાં ખોટા ખર્ચાઓ કરવાની મનાઈ કરવામાં આવેલ છે અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે ખોટા ખર્ચા કરવાવાળઓ શેતાનના ભાઈ સમાન છે. (કુરાન મજીદ – પ્રકરણ ૧૭, શ્લોક ૨૭).

    મુસલમાનોનું એ કર્તવ્ય હોવુ જોઈએ કે તેઓ મુસ્લીમ ધર્મ શાસ્ત્ર કુરાન મજીદનો અભ્યાસ કરે, અને તેના આદેશો અનુસાર ખોટા ખર્ચાઓથી દુર રહે.

    કાસીમ અબ્બાસ,
    ટોરંટો, કેનેડા

    Liked by 2 people

  3. ખૂબ સરસ લેખ..
    જીવોને ગમે તે રીતે પ્રતાડિત કરનારા આવા ધર્મ, શું કામના?
    …માનવતા …જ સર્વશ્રેષ્ઠ છે.

    Liked by 2 people

  4. લેખ વાંચીને આનંદ થયો. સુંદર લેખ. બઘા જ દુષણોને આવરી લઇને પોત પોતાની જગ્યાઅે ઉઘાડા પાડયા. દીનેશભાઇને હાર્દિક અભિનંદન.

    . સામુહિક લગ્નોની વાત થઇ તે આ વિષયમાં જોડાવી નહિ જોઇઅે. ખૂબજ માનવતા ભરેલું કર્મ છે. અને તે તો મોટા પ્લોટમાં થાય છે. રસ્તા રોકાતા નથી. કદાચ લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હશે તે ખોટો છે.

    ઘોંઘાટ…ભારતનું માનીતુ દુષણ છે. ઘોંઘાટ વિના ભારતીઓને ઊંઘ નહિ આવે.

    ભારતથી અમેરીકા જે વડીલો આવે તેમને અહિ ગમતું નથી…કહે….શ્મશાનની શાંતિ અહિ છે…નથી ગમતું.

    . પોલીટીશીયનો પોતાના લાભ માટે જેટલાં પણ દુષણો લોકોને પસંદગીના હશે તે બઘાને હાર્દિક મંજુરી આપશે.

    દુનિયામાં જાપાન જેવા..બીજા ઘણા દેશો છે જ્યાં અહિ દર્શાવેલી કોઇપણ દુષણોથી ભરેલી અેક્ટીવીટી નથી થવા દેતા. પરંતું ભારતમાં લોકોને જ આ બઘી દુષણોવાળી અેક્ટીવીટી જોઇઅે છે. તેના વિના તેમને શાંતિ ના મળે. સરકાર ચલાવનાર…ગમે તે હોય….તે તે પાર્ટીને તો લોકોને જે જોઇઅે તે આપો અને પોતાનો સ્વાર્થ સાઘી લો….ની ફીલોસોફી બની રહે છે.

    નાગરીકોના સૌથી મોટા દુશ્મનો જો કોઇ હોય તો તે છે પોલીટીશીયનો. જ્યાં જ્યાં પોલીટીક્સ ત્યાં ત્યાં અન્યાય…સ્વાર્થ અેક મોટું કારણ હોય છે જે માણસને પોલીટીશીયન બનાવે છે. નાનામાં નાનુ યુનીટ જ્યાંથી તે શરું થાય છે તે છે ઘર…કુટુંબ…..ફરીથી દીનેશભાઇને હાર્દિક અભિનંદન. ગાજરની પીપુડી આ લેખ બનીના રહે તેવી આશા…….

    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. “અન્ધશ્રદ્ધા અને અબૌદ્ધીક્‍તા એ પ્રજાની બે મુખ્‍ય નબળાઈઓ છે. “

    Liked by 2 people

  6. Dineshbhai has as usual described all aspect of Andhshraddha- very powerfully and friends have commented appropriately specially Quasim Abbas bhai has described giving kuran quote :
    “મુસલમાનોને જે આદેશો આપવમાં આવેલ છે તેમાં ખોટા ખર્ચાઓ કરવાની મનાઈ કરવામાં આવેલ છે અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે ખોટા ખર્ચા કરવાવાળઓ શેતાનના ભાઈ સમાન છે. (કુરાન મજીદ – પ્રકરણ ૧૭, શ્લોક ૨૭).”
    but even we human don’t follow what is worth following and following what is not worth following. obviously for multiple reason known to all of us.
    But multiple efforts from person like you will definitely bring change sooner or later for Better.

    Liked by 2 people

  7. સુજ્ઞ દિનેશભાઇ, કોઇ પણ જાગૃત નાગરીકને દુઃખ થાય આવા દેખાડા જોઇને. આપણામાં આ પ્રર્દશનવૃતિ છે એ માત્ર દેશમાં નહિ પણ પરદેશમાં ય સ્થાનિક નાગરીકોની આંખે ચડે છે. આપણો વ્યકિગત તહેવાર કે ઘરનો પ્રસંગ પણ આપણને શાંતિથી ઉજવતા આવડતો નથી. બસ, બધાને જાણ થવી જ જોઇએ. બીજા લોકોને તમારી ઇર્ષા આવવી જ જોઇએ. ઉંડે ઉંડે તો આ જ ભાવના હોય છે. એટલે કોઇની અગવડ જોવાનો વિવેક તો હોય જ ક્યાથી? ઉલ્ટુ તમે તમારી તકલીફ જણાવી અવાજ ઓછો કરવા વિંનતી કરો તો એ બમણો અવાજ કરશે. આપણને જાહેર સંપતિ માટે માન જ નથી. એટલે તો આપણી નદીઓ, તીર્થસ્થાનો, પ્રવાસના સ્થળો, રેલ્વેસ્ટેશનકે બસ ને રેલ્વે કે કોઇપણ જાહેર શૌચાલય નરકથી કમ નથી હોતા. કુંભમેળા કે પ્રવિત્ર મનાતા કુંડ કે નદીમાં સ્નાન કરવુ એટલે સાક્ષાત વૈતરણીમાં નહાવુ.
    કોના બાપની દિવાળી’ આ જ આપણી પ્રજાનુ માનસ છે. દુઃખ તો એ થાય કે ભણેલ અભણ બધા ય સરખા. કોને રાવ કરવી?

    Liked by 2 people

  8. Really impressed with the Article. Thank you.
    We need to educate people to make them understand the true meaning of Religion which is in the ‘Act Of Humanity’ and not in the display of the Rituals.
    When will the masses understand?
    When will people support the ‘God within?’
    If Atma is a part of Parmatma, then why shoul one search God elsewhere?
    It’s very difficult to eradicate Blind Faith but hopefully writers like Govindbhai are trying to teach the correct way of following a moral way of life.
    My pranam from the bottom of my heart!

    Liked by 2 people

  9. શ્રદ્ધા હોવી અને દેવ સ્થાને દર્શન કરવાં તે નિજી સઁસ્કારની વાત છે. પણ જાહેર રસ્તા ઉપર અડચણ રૂપ બાંધી દીધેલ દેરી કે દરગાહ હટાવી પણ ન શકો તે મોટો રાજકીય વિષય છે, આવા દબાણો પાછળ કોઈ વગદાર વ્યક્તિ નો જ હાથ હોય છે. આ કોઈ શ્રદ્ધા થી નહીં પણ ધર્મ નામે ધંધાર્થે આવા સ્થાનો સર્જાય છે, કરુણતા એ છે કે કોઈ હટાવી શસકતું નથી.
    આપણા કરતા ઘણો નેનો અને મુસ્લિમ દેશછે, ઇન્ડોનેશિયા, ત્યાં કોઈ પણ આવા દબાણો ચલાવી લેવામાં આવતા નથી, અરે ક્બરસ્થાન ખોદી કાઢી ને રસ્તાઓનું નિર્માણ કર્યું છે,
    એક વાક્ય સરસ વાંચ્યું હતું: જ્ઞાની કો પંજાબ ભલા, સંત કો બંગાળ, ઋષિઓ કો હિમાલય ભલા ઔર ઢોંગી કો ગુજરાત

    Liked by 2 people

  10. ઘણી દુઃખદ બાબત છે અફસોસ છે લોકો કોઈ રીતે સમજે તેમ નથી

    Liked by 2 people

  11. Quite needed article, people should learn about other’s tolerance.I can quote many personal experiences , when I was studying in science Colledge & afterwards medicle college our exams were coming at the time of navaratra & Diwali . Navaratra garba were disturbing during reading, if I request the garba people they will tell ” garba to karavanaj hoyne, tare vanchvu hoy to bije Jaime vanch.” People dance during marriage vargoda & block traffic , ambulances have to wait till the dance goes .
    My daughter once told area garba folk to keep the volume of loud speakers somewhat low because she was reading , they made a joke out of it, telling her ” areiana lockone garba sambhlwana tu bije jaine vanch athwa room bandha karine vanch”

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s