અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય

23

અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય

                           –દીનેશ પાંચાલ

ઘણાં વર્ષો પુર્વે નીહાળેલી એક ઘટના સાંભળો. તાજીયાના જુલુસમાં એક યુવાને જીભની આરપાર સળીયો ખોસેલો હોય એવો દેખાવ કર્યો હતો. લોકો એને ચમત્‍કાર ગણી શ્રદ્ધાભાવે વન્દન કરી રહ્યા હતાં. વાસ્‍તવમાં એ ‘યુ’ આકારમાં વાળેલા સળીયાની ટ્રીક માત્ર હતી. (નવરાત્રી વેળા પણ ઘણાને માતા આવ્‍યાના મેનમેઈડ ચમત્‍કારો બને છે)

ધર્મ આવી અન્ધશ્રદ્ધાને સ્‍પોન્‍સર કરે તે ધર્મગુરુઓને ના પરવડવું જોઈએ. (મજા ત્‍યારે આવે જ્‍યારે આવી અન્ધશ્રદ્ધાનો પહેલો વીરોધ સત્‍યશોધક સભાવાળા બાબુભાઈ દેસાઈને બદલે બુખારી દ્વારા થાય!) પ્રત્‍યેક હોળીની રાત્રે સ્‍ત્રીઓને સળગતી હોળીની પ્રદક્ષીણા કરી તેની પુજા કરતી આપણે જોઈએ છીએ ત્‍યારે આશ્ચર્ય થાય છે. હોલીકાએ પ્રહલાદને જીવતો સળગાવી દેવાની કોશીષ કરેલી. તે પુજનીય તો હતી જ નહીં. શ્રદ્ધાળુ સ્‍ત્રીઓને કોઈક હોળીએ પ્રશ્ન થવો જોઈએ– વર્ષોથી આપણે કોની પુજા કરીએ છીએ? (વધુ સાચુ તો એ જ કે ટનબન્ધી કીમતી લાકડાં ફુંકી મારીને હોળી ઉજવવી જ ના જોઈએ) ધર્મ હાથ જોડવાનું શીખવે છે– વીચારવાનું નહીં! અન્‍યથા મોરારીબાપુની મદદ વીનાય સમજી શકાય કે પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં! ધર્મમાં થોડી ઘણીય બુદ્ધીની દરમીયાનગીરી હોય તો અન્ધશ્રદ્ધા આટલી વ્‍યાપક ના હોય!

ગ્રહણો હમ્મેશાં આકાશમાં જ રચાય એવું નથી. માણસની ધાર્મીકતા, અબૌદ્ધીકતા અને અજ્ઞાનતા એક સીધી લીટીમાં આવે ત્‍યારે અન્ધશ્રદ્ધાનું ગ્રહણ રચાય. થોડા સમય પુર્વે સુર્યગ્રહણ થયું હતું. એ દીવસે હું રસ્‍તા પર નીકળ્‍યો તો મને માણસ નામનો સુરજ અન્ધશ્રદ્ધાના પડછાયાથી ઢંકાયેલો જોવા મળ્‍યો. એ દીવસે મેં શુ જોયું? રસ્‍તો કરફ્યુ લાગી ગયો હોય તેવો સુમસામ હતો. નીત્‍ય મળસ્‍કે પાંચ વાગ્‍યાથી સળવળી ઉઠતા ઘરોના બારી બારણા બહું મોડે સુધી બન્ધ રહ્યા. ગ્રહણ ખુલ્‍યા બાદ લોકોએ માટલાના પાણી, ખાદ્ય પદાર્થો વગેરે બહાર ફેંકવા માંડ્યા. પછી સ્‍નાન… પુજા… ઘરની સાફસુફી… વગેરેનું ચક્કર ચાલ્‍યું.

એ પહેલાં ચારેક દીવસથી ટીવી સૌને એમ કહીને ચેતવતું હતું કે સુર્યગ્રહણથી કોઈ નુકસાન થવાનું નથી. છતાં શીક્ષીતોય ગમારની જેમ ઘરમાં ભરાઈ રહ્યાં. દીલ્‍હી દુરદર્શન સુર્યગ્રહણનું જીવન્ત પ્રસારણ રજુ કરી રહ્યું હતું ત્‍યારે પ્રૉફેસર યશપાલને ફોન પર લોકો તરફથી જે બાલીશ પ્રશ્નો પુછાતા હતા તેમાં લોકોની ઘોર અજ્ઞાનતાના દર્શન થતા હતા. એક જણે પુછયું– ‘ક્‍યા ગ્રહનકે સમય હમ ખાના ખા શકતે હૈ? કોઈ નુકસાન તો નહીં?’ પ્રૉફેસરે કહ્યું– કોઈ નુકસાન નહીં લેકીન ખાના બાદમેં ખાઈયેગા પહેલે ગ્રહનકા ખુબસુરત નજારા દેખ લીજીયે!

કદી પાણીની ટાંકી સાફ ન કરતા આળસુ માણસે ગ્રહણ પત્‍યા બાદ અગાસી પરની બન્‍ને ટાંકીનું પાણી કાઢી તે સાફ કરી નાંખી. (બીચારા અન્દરના જીવડાં બેઘર થઈ ગયા. બચી ગયેલા જીવડાંઓને બીજા સુર્યગ્રહણ સુધી નીરાંત હતી!) મેં એ સજ્જનને પુછયું– ‘તમે ગ્રહણથી દુષીત થયેલી અગાસીની ટાંકી સાફ કરી, પણ જ્‍યાંથી તમારે ત્‍યાં પાણી આવે છે એ નગરપાલીકાની ટાંકીનું શું કરશો? કુવા, નદી, તળાવ, સાગર, વગેરેનું પાણી પણ ગ્રહણથી અપવીત્ર થયું કહેવાય… તે અપવીત્રતા શી રીતે સાંખી લેશો? રાંધેલું અન્‍ન ફેંકી દેશો પણ કોઠીમાં ભરેલા ધાન્‍યનું શું કરશો? સુરજની સાક્ષીએ ખેતરમાં લહેરાતા અનાજનું શું કરશો?

બધાં જ પ્રશ્નો એક સ્‍થીતી સ્‍પષ્ટ કરે છે. દુનીયાભરની સત્‍યશોધક સભાઓ કે વીજ્ઞાન મંચોને મોઢે ફીણ આવી જાય એટલા વીપુલ પ્રમાણમાં અન્ધશ્રદ્ધા હજી સમાજમાં પ્રવર્તે છે. નર્મદ પુનઃ પુનઃ અવતરીને તેના પાંચ પચ્‍ચીશ આયખા કુરબાન કરી દે તો ય અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી માણસ મુક્‍ત થઈ શકે એમ નથી. સુર્યગ્રહણ નીરખવા ખાસ ચશ્‍માની જરુર પડે છે. અન્ધશ્રદ્ધાના ગ્રહણો તો વીના ચશ્‍મે નીહાળી શકાય. ન્‍યાય ખાતર સ્‍વીકારવું રહ્યું કે વીજ્ઞાન અને રૅશનાલીઝમના સતત પ્રચારથી લોકોમાં થોડી જાગૃતી અવશ્‍ય આવી છે; પણ એનું પ્રમાણ બહું ઓછું છે. આપણે ત્‍યાં કેવા કેવા લોકો વસે છે? પ્‍લેગથી બચવા ગાયત્રી યજ્ઞ કરાવનારા લોકો. મન્ત્રેલા માદળીયાં પહેરનારા લોકો. અશ્વમેધ યજ્ઞમાં કરોડો રુપીયા ફુંકી મારનારા લોકો. ભગવા જોઈ ચરણોમાં આળોટી પડનારા લોકો. ભગત ભુવા કે બાધા આખડીમાં રાચનારા લોકો. ચમત્‍કાર માત્રને નમસ્‍કાર કરનારા લોકો. અમીતાભ માંદો પડે તો યજ્ઞ કરાવનારા લોકો. આવા લોકોથી સમાજ છલોછલ ભરેલો છે.

સમાજને છેતરવાની તમારી ક્ષમતા હોય તો આખો સમાજ છેતરાવા માટે ખડે પગે તૈયાર છે. તમે કોઈને હથેળીમાં ગુટકા આપીને કહેશો આ સાંઈબાબાની ભસ્‍મ છે… તો તે ભારે શ્રદ્ધાપુર્વક મોમાં મુકશે. જ્‍યાં ખાંડની ચાસણી મધ તરીકે વેચાઈ શકે ત્‍યાં તમે ઈચ્‍છો તો શીવામ્‍બુ ચરણામૃત તરીકે ખપાવી શકો! એકવીસમી સદીમાં પણ શોધવા નીકળો તો બાવડે માદળીયું બાંધીને વીજ્ઞાન ભણાવતો શીક્ષક મળી આવશે. ગામની કોઈ ડોશીને ડાકણ માની સળગાવી દેતો સરપંચ મળી આવશે. સાપ કરડ્યો હોય ત્‍યારે હૉસ્પીટલને બદલે ભગતને ત્‍યાં દોડી જઈ જીવ ગુમાવતા ગામડીયાઓ મળી આવશે. એકાદ કાળી ચૌદશને દીવસે સ્મશાનમાં જાગરણ કરી આપણે સૌએ સહચીન્તન કરવા જેવું છે કે નર્મદના જમાનામાં પણ આટલી અન્ધશ્રદ્ધા નહોતી. વહેમ, અન્ધશ્રદ્ધા અને અજ્ઞાનતાથી ભરેલો સમાજ લીક થતા ગેસ સીલીન્‍ડર જેટલો જોખમી છે. છતાં સમાજના એવા દુષીત સ્‍વરુપથી થોડાંક રૅશનાલીસ્‍ટો સીવાય કોઈને ચીન્તા નથી.

તમે ક્‍યારેય કોઈ નેતાને સમાજની અન્ધશ્રદ્ધા અંગે ચીન્તા વ્‍યક્‍ત કરતો જોયો છે? તમે ક્‍યારેય કોઈ ધર્મગુરુ કે કથાકારને સમાજમાં ફેલાયેલી વ્‍યાપક અન્ધશ્રદ્ધાના વીરોધમાં અભીયાન ચલાવતો જોયો છે? બુખારીઓ, બાલઠાકરેઓ, અડવાણીઓ કે મનમોહનસીંહો ભલે ખામોશ રહેતા પણ મોરારીબાપુ, આશારામબાપુઓ, પ્રમુખસ્‍વામીઓ, સંતો–મહંતો કે શંકરાચાર્યોને સમાજના આવા દુષીત સ્‍વરુપની કેમ કોઈ ચીંતા નથી? શું તેમને કેવળ ટીલાંટપકાં કરતી પાદપુજક સંસ્‍કૃતી જ પરવડે છે? લોકો જ્ઞાન વીજ્ઞાનનો પ્રકાશ પામી અન્ધશ્રદ્ધામુક્‍ત બને તેવું તેઓ કેમ નથી ઈચ્‍છતા? ગણપતીને દુધ પાવાની બાલીશતા કેટલા ધર્મગુરુઓએ વખોડી? દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી?

જે દીવસે ધર્મગુરુઓ વીજ્ઞાન જોડે હાથ મીલાવશે તે દીવસે દેશમાં નવજાગૃતીનો એક નવો સુર્યોદય થશે. વીજ્ઞાનના સમજાવ્‍યા ન સમજે તે શ્રદ્ધાના માર્ગે જરુર સુધરે એવો હું આશાવાદ ધરાવું છું. દેશના તમામ ધર્મ સમ્પ્રદાયોના વડાઓ પોતાની કથાઓ, ધર્મસભાઓ કે સત્‍સંગોમાં સમાજને અન્ધશ્રદ્ધામાંથી મુક્‍ત થવાની અપીલ કરે તો સત્‍યશોધક સભાની જરુર જ ના રહે. ઘણા ધર્મગુરુઓ સત્‍યશોધક સભાની પ્રવૃત્તી તરફ અણગમાયુક્‍ત નજરે જુએ છે. તેમણે રૅશનાલીઝમ કે સત્‍યશોધકોને મીટાવી દેવા હોય તો આ ઉપાય અજમાવવા જેવો છે. સમાજમાંથી શોધી શોધીને અન્ધશ્રદ્ધાને મીટાવી દો… પછી સત્‍યશોધક સભાની ઉપયોગીતા જ નહીં રહે…! ધર્મગુરુઓ રૅશનાલીઝમને સ્‍પોન્‍સર કરે તો અડધો અડધ ફેર પડી જાય! (કલ્‍પના કરો કેશવાનન્દ જેવા ગુરુઘંટાલોની આજ્ઞા માની આ દેશની સ્‍ત્રીઓ તેમની મહામુલી મુડી તેમને અર્પી શકતી હોય તો તેમના આદરણીય ધર્મગુરુઓની બે સાચી શીખામણો કાને નહીં ધરે એવું બને ખરું?)

સાચી વાત એટલી જ કે રામ– રાવણ કે કૃષ્‍ણ– અર્જુનના ચવાઈ ગયેલા કીસ્‍સાનું પીષ્ટપેષણ કર્યા કરવાને બદલે આપણા કથાકારો વહેમો અને અન્ધશ્રદ્ધાઓ દુર કરવા માટે કમર કસશે તો એ તેમની મોટી સમાજસેવા લેખાશે. અમારા બચુભાઈ મારા આ વીચારને વાંઝીયો આશાવાદ ગણાવતાં કહે છે– ‘ધર્મગુરુઓ રૅશનાલીઝમને સ્‍પોન્‍સર કરે તો તે ભુવાઓ દ્વારા ‘સત્‍યશોધક સભા’ને લાખો રુપીયાનું દાન મળ્‍યા જેવી આશ્ચર્યકારક ઘટના ગણાય! સત્‍ય એ છે કે આજે પ્રજાને રામકથાની નહીં જ્ઞાનકથાની જરુર છે. વેદ મન્ત્રો કરતાં વીજ્ઞાનની વીશેષ જરુર છે. એકાત્‍મયાત્રા કરતાં અન્ધશ્રદ્ધા નીવારણની સાચી જરુર છે. જ્ઞાનયજ્ઞો તો યુદ્ધના ધોરણે અને પ્રતીદીન થવા જરુરી છે. આપણા શીક્ષણશાસ્‍ત્રીઓ અને ધર્મગુરુઓ લોકશીક્ષણનું કામ સંયુક્‍તપણે ઉપાડી લે તો સમાજમાંથી અજ્ઞાનના અંધારા જરુર ઉલેચી શકાય. આપણી ભારતીય સંસ્‍કૃતીના સ્‍ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્‍છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્‍મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્‍યુકેશન એન્‍ડ રીલીજીયન!’ આપણે પ્રાર્થના કરીએ એ ફીલ્‍મ જલદી રીલીઝ થાય… અને માણસનો અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી સત્‍વરે મોક્ષ થાય!

                           દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 21મો લેખ, પુસ્તકનાં પાન 79થી 81 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–02–2018

18 Comments

 1. અંધશ્રદ્ધા વિશે બહુ બહુ લખ્યું – હવે ‘સાચી શ્રદ્ધા’ વિશે કાંક આવવા દો તો સાચ રેશનાલિસ્ટ જાણું !

  Liked by 1 person

 2. I fully agree with author’s views. People should start thinking about this matter.

  It is a very nice article.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 3. શ્રી દીનેશ પાંચાલ સાહેબ લખે છે કે:

  “દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી?”

  શા માટે બીડું ઝડપે? પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું? ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે?

  હિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ ! જ્યાં સુધી આવા લેભાગુઓ નું અસ્તિતવ હશે ત્યાં સુધી તેઓ ટકી રહેશે, અને આપણે તેના વિરૂદ્ધ લખતા રહેશું.

  કાસીમ અબ્બાસ

  Liked by 2 people

 4. “દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી?”
  શા માટે બીડું ઝડપે? પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું? ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે?
  હિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ.

  આપણા સુશીક્ષીત સમાજની આ વાસ્તવીક્તા છે! માની લીધેલી અન્ધશ્રદ્ધા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી!”

  Liked by 1 person

 5. દીનેશભાઇ,
  તમને સો સો પ્રણામ.
  તમે આજે મારું મન તરોતાજા કરી દીઘુ.
  જે કાંઇ મારા હૃદય અને મન..મગજમાં રમતું રહે છે તેને રમતું કરી દીઘું જે શબ્દો હું શોઘતો હતો તે બઘા જ મને આજે મળી ગયા.સચોટ અને પોતપોતાની જગ્યાઅે.
  નર્મદની વાત સાથે અખાને પણ જોડી દઇઅે.
  ગોવિંદભાઇને રીક્વેસ્ટ. આ લેખ આજની તારીખનો છે અને જ્યાં સુઘી અંઘશ્રઘ્ઘા રહેશે ત્યાં સુઘી તાજો રહેશે. જેટલાં મોટા પ્રમાણમાં અેટલીસ્ટ ગુજરાતના ગામડે ગામડે , ગલી ગલીઅે પહોંચે તેવી રચના કરવી જોઇઅે.
  લોકોના અભિપ્રાયો કલેક્ટ કરીને તેને અભિવ્યક્તિના અેક હપ્તે છપાય તેવું કરવું જોઇઅે.
  દીનેશભાઇ, તમે ઘણા વખત પછી મારી ભૂખ ભાંગી.

  હાર્દિક અભિનંદન.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. દિનેશભાઇ, અંધશ્રધ્ધા એટલે વિચારવાની આળસ. વૈચારીક ગરીબી. આપણે હજારો વર્ષોથી આ રોગથી પીડાઇએ છીએ.મંત્રો ને શ્ર્લોકોનુ પોપટ રટણ, જાપ યજ્ઞો, ઉપવાસ સ્તુતી, સ્તવન આબધુ શું છે? વિચારવાનુ નહિ શામાટે? બસ બુકોના પાના રામનામથી ભરી દેવાના. અંખડ ધુન.ભજન. એનાથી પોતાનુ કે પારકાનું શું ભલું થયુ? એનો કોઇ વિચાર કરેછે? એજ આપણા શિક્ષણમાં. ગોખીને ઉજાગરા કરીને ને ટુંકા રસ્તા પેપર ફોડી નાખવા, ચોરી કરવી ને છેવટે પેપર તપાસનારને જ લાંચ આપીને જરુરી માર્ક મેળવી લેવા. જુઓ કે ભણવાનો મુખ્ય હેતુ જ્ઞાન મેળવવાનો ને વિચારતા શીખવુ કે અાંતરીક શકિતઓનો વિકાસ કરવો એતો કયાય બાજુમાં રહી જાય. પછી તો ભણેલા અભણ જ પેદા થાય ને!
  મૌલિકતાને બાળપણથી જ મહત્વ અપાયુ નથી. એટલે તો આટલી વિરાટ વસ્તીમાંથી ઇન્ટરનેશલ સ્તરે આપણે કોઇ વૈજ્ઞાનિક શોધખોળ બોલતી નથી કે ઓલિમ્પીક જેવી રમતોમાં આપણો કોઇ ખેલાડી દેખાતો નથી. આપણે આપણા બાળકોની બુકો સિવાયની કોઇ પણ વાતને ગંભીરતાથી જોતા નથી કે સાંભળતા નથી. માર્ક કે ટકાવારી એ જ આપણુ અંતિમ લક્ષ છે. આસિવાયની એની કોઇપણ આગવી શકિતને ફાલતુ ગણવામાં આવે છે.એટલુ જ નહિ પણ પાસ થવા માટે એને મહેનત કરતા ય દેવીદેવતાની વધારે જરુર પડેછે! એને માટે બાધા આખડી ને પદયાત્રા ને માનતા! હવે આવી રીતે તૈયાર થયેલી નવી પેઢી એ જ ચક્કરમાં પડવાની. પછી એ નવાણુ ટકાએ પાસ થયો હોય પણ એના ક્લીનીકના બારણા પર લીંબુ ને મરચુ લટકતુ હોય તો શું નવાઇ.?પછી પ્રજા નેતાના વિજય માટે યજ્ઞ કરે કે નેતા પોતે જ મંદિરના પુજા પાઠમાં સમય વિતાવે ને અમુકતમુક દેવદેવતાના ચરણોમાં માથુ ટેકવે, એટલો સમય પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવામાં નઆપી શકે?ને આમ વિચારો તો નેતા ય આવે છે તો પ્રજામાંથી જ ને!એને પણ આ જ સંસ્કારો વારસામાં મળ્યા હશે. કુવામાં હોય એ જ અવેડામાં આવે એ જ ઘાટ છે. બાકી તમે ગ્રહણની વાત કરી તો એક દંભ જુઓ કે પાણી સસ્તુ એટલે એ અભડાય ને ઢોળી નખાય પણ દુધ કે ઘી એ ન નાખી દેવાય!જેમ પહેલા ભુદેવો બીજા વર્ણના ઘરનુ પાણી ન પીવે.અભડાઇ જાય. પણ એ જ યજમાનના ઘરના દુધ,ઘી કે સીધુ સામાન આરામથી લઇ લે. છાંટ નાખીને હરિજનના પૈસા લઇ લે. ખબર નહિકે આટલા લાંબા સમય પછી કોઇએ આવા દંભ સામે વિરોધ કર્યો નહિ. દિનેશભાઇ, તમારી વાતો લોકો વિચારતા ને સમજતા થાય એવી આશા.

  Liked by 1 person

 7. My first attempt to reply in Gujarati. Yay!
  નમસ્કાર,
  સરસ લેખ લખ્યો છે. ધન્યવાદ. મારા પૂજ્ય પિતાશ્રી આવી અંધશ્રદ્ધા બંધ કરાવીને થાકી ગયા અને હવે મને ખબર પડી કે તેઓ શા માટે મારા મમ્મી સાથે તર્કની ચર્ચાઓ કરતા હતા.
  Sometimes the discussions turned into arguments…
  જ્ઞાન મેળવવું અઘરુ છે અને તેનો સાચે રસ્તે ઉપયોગ કરવો તે સહેલું નથી.
  ગાડરિયો પ્રવાહ એટલે સમજ્યા વિના પગલાં ભરવા !
  એક દિવસ મારા પૌત્રએ મને પૂછ્યું,’ દાદીમા પ્રભુ ઉપર છે એટલે શું? ઉપર તો અવકાશ છે અને ત્યાં તો રોકેટ્સ જાય. મને સાચું સમજાવો ને!’
  એક શિક્ષક-વડીલ-દાદીમા તરીકે મેં એને વૈજ્ઞાનિક ઢબથી જવાબ આપ્યો.
  મેં શો જવાબ આપ્યો હશે?
  અંધશ્રદ્ધાના નારા બંધ થઇ જાય તો એ બૂઝિનેસ્સ કોણ કરશે?
  ધર્મના નામે બધી જગ્યાએ આવા ધતિંગ ચાલે છે એટલે સૌથી પહેલા આપણા કુટુમ્બમા નાનપણથી સાચી સમજણ આપવી અગત્યની છે!

  Liked by 1 person

 8. “પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં!”

  “ધર્મમાં થોડી ઘણીય બુદ્ધીની દરમીયાનગીરી હોય તો અન્ધશ્રદ્ધા આટલી વ્‍યાપક ના હોય!”

  Liked by 1 person

  1. વહાલા ગોપાલભાઈ,
   ‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘ગુજરાતી રસધારા’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

 9. ભારતીય સંસ્‍કૃતીના સ્‍ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્‍છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્‍મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્‍યુકેશન એન્‍ડ રીલીજીયન!’ આપણે પ્રાર્થના કરીએ એ ફીલ્‍મ જલદી રીલીઝ થાય… અને માણસનો અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી સત્‍વરે મોક્ષ થાય!
  dinesh bhai very sincere effort and as many friends said this must be taken on warfooting by dharmaguru- if they are real gurues.

  Liked by 1 person

 10. અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોવાથી આંખો બગડતી નથી પણ બગડેલી આંખો સુધરી જાય છે-ઉઘડી જાય છે.ખોટી જગ્યાએ મુકેલી શ્રધાથી માણસોને વિચારોનો અંધાપો આવે છે !

  Liked by 1 person

  1. વહાલા વલીભાઈ,
   ‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s