વીજ્ઞાનની નીખાલસતા અને મર્યાદા

2

વીજ્ઞાનની નીખાલસતા અને મર્યાદા

       –વીક્રમ દલાલ

ફરસ ઉપર પોતુ મારવું કે અગ્ની પેટાવીને રાંધવા જેવી સામાન્ય લાગતી રોજીન્દી ક્રીયાઓમાં તથા કોડીયાથી માંડીને તે સૅટૅલાઈટ જેવી માણસે બનાવેલી તમામ વસ્તુઓમાં વીજ્ઞાનનો ઉપયોગ થાય છે. વીજ્ઞાનના ઉપયોગ વગર આપણે એક ક્ષણ પણ જીવતા નથી; છતાં બહુજનસમાજમાં વીજ્ઞાન વીશેનો ખ્યાલ ક્યાં તો છે જ નહીં અથવા ખોટો કે અધુરો છે; કારણ કે ‘વીજ્ઞાન એટલે શું?’ એવો પ્રશ્ર બહુ ઓછાને થાય છે. જેને થાય છે તેને પણ તેની સાચી સમઝ આપી શકે તેવા સાથે જવલ્લે જ સમ્પર્ક થાય છે. અહીં આપણે એક વાત દુ:ખ સાથે નોંધવી જોઈએ કે –બધા નહીં પણ મોટાભાગના– વીજ્ઞાન ભણાવતા, શીક્ષકો, વીજ્ઞાનનો ઉપયોગ કરીને વસ્તુ બનાવતા કારખાનાદારો, ઍન્જીનીયરો, ડૉક્ટરો કે વીજ્ઞાન સંસ્થામાં નોકરી કરતા વીજ્ઞાનીઓ સુધ્ધાને વીજ્ઞાનમાં રસ કે શ્રદ્ધા છે તેમ માનવું એ ભુલભરેલું છે. એમને માટે ‘વીજ્ઞાન’ એ ‘સત્ય શોધવાની સાધના’ નહીં; પણ આજીવીકાનું સાધન છે. તેમની રહેણીકરણી અને વીચારસરણીમાં વહેમ અને અન્ધશ્રદ્ધાનાં દર્શન થતાં હોય છે.

‘ન્યુટનનો નીયમ’ એટલે ન્યુટને બનાવેલો નીયમ નહીં; પરન્તુ કુદરતી ઘટનાઓના અવલોકન ઉપરથી ન્યુટને કાઢેલું તારણ. આમ, વીજ્ઞાન એટલે કુદરતી ઘટનાઓ બનવા અંગેનું વીશેષ જ્ઞાન અને વૈજ્ઞાનીક સંશોધન એટલે કુદરતમાં થતી ઘટનાઓ ઉપરથી ‘સત્યતારવવાની કોશીશ કરવી તે. વીજ્ઞાનનું સ્થાન ‘ઈશ્વર’(પ્રકૃતી) અને સમ્પ્રદાયની વચ્ચે છે. તેથી વીજ્ઞાન બધા સમ્પ્રદાયોથી પર છે. પ્રકૃતીના નીયમો સ્વયમ્ભુ છે. તે સ્થળ અને કાળ પ્રમાણે બદલાતા નથી. તેને કદીયે ઉથાપી કે બદલી શકાતા નથી (3/27). તેમાં અપવાદ કે વીકલ્પો હોતા નથી (4/6). તે ‘છે’ તેથી તેને શોધવાના હોય છે – બનાવવાના નહીં (13/20, 30), વીજ્ઞાન માત્ર પ્રકૃતીની આણને જ સ્વીકારતું હોઈને તે અપવાદ અને ભેદભાવ વગર તમામ સજીવ (3/33) અને નીર્જીવ પદાર્થોને સ્પર્શે છે.

કુદરતી ઘટના બનવા પાછળનાં કારણો શોધતા વીજ્ઞાનીઓની કામ કરવાની રીત આ પ્રમાણે છે. જ્યારે કોઈ નવી ઘટના વીષે જાણ થાય ત્યારે તે સૌથી પહેલાં ઘટનાનું ધ્યાનપુર્વક અવલોકન કરીને તેના ઉપરથી તેનાં કારણો વીષે તર્ક આધારીત અનુમાન બાંધે છે. ત્યાર પછી અનુમાન ખરું છે કે ખોટું તે ચકાસવા માટે જુદીજુદી રીતે પ્રયોગો કરે છે. ‘સાતત્ય’ એ પ્રકૃતીનું લક્ષણ છે, તેથી દરેક પ્રયોગનું પરીણામ જો ધારણા પ્રમાણેનું મળતું હોય તો અનુમાનને સાચું માને છે અને પોતાની શોધની જાણ બીજા વીજ્ઞાનીઓને કરે છે. વીજ્ઞાની ગમે તેટલો મોટો મનાતો હોય તો પણ ખાતરી કર્યા વીના તેની વાત વીજ્ઞાનજગતમાં કોઈ માની લેતું નથી. બીજા વીજ્ઞાનીઓ પણ પોતાની રીતે પ્રયોગો કરે છે અને જ્યારે જણાય કે તેઓને પણ એવું જ પરીણામ મળે છે ત્યારે જ અનુમાનનો ‘નીયમ’ તરીકે સ્વીકાર થાય છે.

‘મનુષ્યમાત્ર ભુલને પાત્ર’ હોય છે. વીજ્ઞાનીઓ પણ અન્તે તો માનવીઓ જ છે. તેમની સમઝણમાં પણ ભુલ હોઈ શકે તેથી નીયમ સ્વીકારાયા પછી; પણ જ્યાં સુધી દરેક ઘટનામાં તે નીયમ મુજબનું પરીણામ મળતું રહે ત્યાં સુધી જ તેને સાચો મનાય છે. નીયમ સ્વીકારાયા પછી પણ જો પાછળથી તેમાં નાની સરખી પણ ભુલ જણાય તો નીયમને સુધારવામાં કે બદલવામાં આવે છે. ભુલને સુધારવાની છુટ એ વૈજ્ઞાનીક પદ્ધતીનું સૌથી મોટું જમાપાસું છે, તથા સમ્પ્રદાય અને વીજ્ઞાન વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા છે. સ્વયંસુધારણાની કાર્યરીતીને કારણે જ વીજ્ઞાનનો સતત વીકાસ થતો રહે છે. એક કાળે ખોરાકની શોધમાં પ્રાણીની માફક વગર કપડે અને ઉઘાડા પગે ઘરતી ઉપર ભટકતો પાષાણયુગનો આદીમાનવ વીજ્ઞાનનો ઉપયોગ કરીને સમુદ્રના તળીયાથી માંડીને તે ઠેઠ ચન્દ્ર સુધી પહોંચી શક્યો છે, એ બતાવે છે કે કુદરતનાં રહસ્યો જાણવાની વીજ્ઞાનીઓની પદ્ધતી ભલે ધીમી અને ખર્ચાળ હોય; પરન્તુ બીજી કોઈ પણ રીત કરતાં તે વધારે ભરોસાપાત્ર છે. તેમાં અંગત માન્યતાઓનું કોઈ સ્થાન ન હોઈને અહંકાર, આડમ્બર, ભ્રમણા, છેતરપીંડી કે વાડાબન્ધીને અવકાશ નથી.

જ્યારે કોઈ ઘટના વીષે વીજ્ઞાનીને જાણકારી ન હોય ત્યારે તે નીખાલસતાપુર્વક પોતાનું ‘અજ્ઞાન’ સ્વીકારે છે. વીજ્ઞાનીનો જવાબ ખોટો હોઈ શકે પણ જુઠો નહીં. આમ, સત્યને શોધવા માટે માનવીએ આદરેલી સૌ પ્રવૃત્તીઓમાં આ એકમાત્ર પ્રવૃત્તી એવી છે કે જેમાં હમ્મેશાં સત્યનો અને માત્ર સત્યનો જ જય થાય છે; કારણ કે તે માત્ર પ્રકૃત્તીને જ પ્રમાણ ગણે છે, માન્યતાઓને નહીં. આમ, વીજ્ઞાનની ઉપેક્ષા કરવી એટલે પ્રકૃતીની જ ઉપેક્ષા કરવા બરાબર છે. જો ‘ઈશ્વર’ શબ્દ વાપરવો જ હોય તો એમ કહી શકાય કે વીજ્ઞાનીઓ ઈશ્વરના સાચા અર્થમાં ‘ઉપાસક’ છે. વીજ્ઞાનીઓ ભુતકાળ (વીશ્વની અને જીવનની ઉત્પત્તી), વર્તમાનકાળ (માનવીની સુખાકારી) અને ભવીષ્યકાળ (ઉર્જા અને પર્યાવરણ) એમ ત્રણે કાળનું ચીન્તન એકસાથે કરતા હોઈને સમાજ વચ્ચે રહેતા ઋષીઓ છે.

પાષાણયુગથી માંડીને આજ સુધીનો માનવીનો જાણવાલાયક અને ઉપયોગી ઈતીહાસ એ રાજાઓનો કે ઈશ્વરના અવતારોનો નથી; પણ કુદરતના પરીબળોની જાણકારી મેળવવા માટેની માનવીની મથામણનો છે. વીજ્ઞાનને કારણે માત્ર 200 વર્ષ પહેલાં હવામાં ઉડી ન શકતો માણસ આજે ઠેઠ ચન્દ્ર સુધી પહોંચી શક્યો છે, જ્યારે ભગવાનના ભરોસે જીવતા અન્ય પ્રાણીઓની જીવનશૈલીમાં 200 વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી.

વીજ્ઞાનની બે મર્યાદાઓ સ્પષ્ટ રીતે સમઝી લેવી જોઈએ. વીજ્ઞાન એ પ્રકૃતીને સમઝવાનો પ્રયાસ હોઈને જે પ્રકૃતીમાં ન હોય તે વીજ્ઞાનમાં પણ ન જ હોય તે સ્વાભાવીક છે. આ કારણથી પ્રકૃતીની માફક વીજ્ઞાન પણ માણસની લાગણીઓ, માન્યતાઓ, રાજકારણ કે સામાજીક નીતીનીયમો અને કાયદાઓથી પર છે. વીજ્ઞાનની અલીપ્તતાને કારણે તેનો ઉપયોગ કરીને બનાવેલાં સાધનોથી સગવડો અને અગવડો બન્ને ઉભાં થઈ શકે છે પણ સુખ નહીં. વીજ્ઞાનની આ પહેલી મર્યાદા છે.

કુદરતી ઘટના થવા અંગેની કરેલી ધારણા સાચી છે કે ખોટી તે પ્રયોગ દ્વારા ચકાસવાની રીતની શરુઆત કરનાર ગૅલીલીઓના જમાનામાં વૈજ્ઞાનીક સંશોધન એ એક વ્યક્તીગત બાબત હતી. બહુ જ થોડા લોકો વીજ્ઞાનમાં રસ અને સુઝ ધરાવતા હતા. જેમ જેમ વીજ્ઞાનનો વીકાસ થતો ગયો તેમ તેમ સંશોધન વધારે જટીલ થતું ગયું અને માટે વધારે ને વધારે સાધનો અને વ્યક્તીઓની મદદની જરુર પડવા માંડી તેથી સંશોધન ખર્ચાળ થતું ગયું. આધુનીક વીજ્ઞાન એટલું બધુ ખર્ચાળ થઈ ગયું છે કે સંશોધનનો ખર્ચ જનતાએ એટલે કે સરકારે જ ઉઠાવવો પડે. આ કારણથી વૈજ્ઞાનીક સંશોધન ઉપર રાજકારણનો કાબુ રહે છે. ખર્ચાળપણાને કારણે રાજકારણનાં પ્યાદાં બનવાની લાચારી એ વીજ્ઞાનની બીજી મર્યાદા છે.

સત્તા આગળ શાણપણ નકામું હોય છે. માનવતાની દૃષ્ટીએ જાપાન ઉપર અણુબોમ્બ ન ઝીકવાની વૈજ્ઞાનીકોની સલાહને* રાજકારણે ઠુકરાવી દીધી હતી તે શાણપણની લાચારીનો તથા રાજકારણીઓની સ્વાર્થવૃત્તીનો સજ્જડ પુરાવો છે. અણુબોમ્બ ઝીંકવાનો નીર્ણય લીધો રાજકારણે અને વગોવાયું બીચારું વીજ્ઞાન.

અણુમાંથી મેળવી શકાતી શક્તીની વીપુલતા એટલી બધી છે કે જો તેનો દુરુપયોગ થાય તો સમગ્ર માનવજાતનો નાશ થાય. આવી શક્યતા સાથે ભલે પ્રકૃતીને કશી લેવાદેવા ન હોય; પરન્તુ વીજ્ઞાનીઓને છે. સારી રીતે જીવવા માટે વીજ્ઞાન અને ધર્મ બન્નેની જરુર પડે છે તે સમઝાવતા આઈનસ્ટાઈન કહે છે, ‘‘ધર્મ વગર વીજ્ઞાન આંધળું છે અને વીજ્ઞાન વગર ધર્મ પાંગળો છે.’’ આવી સમઝણ આપતા દન્તાલીના સ્વામીશ્રી સચ્ચીદાનન્દજી કહે છે, ‘‘ધર્મ એ સાયકલના આગળના પૈડાની માફક જીવનની દીશા નક્કી કરે છે અને વીજ્ઞાન એ સાયકલને ચલાવતું પાછળનું પૈડું છે.’’

પ્રજામતની આગળ રાજકારણે ઝુકવું પડતું હોઈને – ચપ્પુ હોય કે અણુશક્તી – તેનો દુરુપયોગ ન થવા દેવો હોય તો પ્રજામાં શાણપણ હોવું જરુરી છે. સંસ્કાર આપવાનું કામ માવતર, શીક્ષકો અને ધર્મગુરુઓનું જ છે – વીજ્ઞાનીઓનું નહીં.

*

MANIFESTO

“ … There lies before us, if we choose, continual progress in happiness, knowledge and wisdom. Shall we, instead, choose death because we cannot forget our quarries? We appeal as human beings to human beings: Remember your humanity and forget the rest.”

Bertrand Russell : Max Born : Percy Bridgman

Leopold Infeld : Frederic Joliot-Curie 

Herman Muller : Cecil Powell : Linus Pauling 

Joseph Rotblat : Hidei Yukawa : Albert Einstein

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 12થી 15 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 ફોન : (02717) 249 825 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર મેઈલ : uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02–03–2018

9 Comments

  1. Thanking you sir,for giving the smokescreen towards,the science and the limitations?to play the crime is called the crime but to see the crime is the biggest crime for future? the machines are the best friend but bad master! the joy of speed and the gift of death!after the freedom of 70 years people not follow the left and right walking science is our mass bad luck!who will bell the cat?

    Like

  2. Resp. Srhi Givindbhai,
    The following is only for your consideration, *not a comment* to be posted
    on the blog.
    Rashmi Desai
    લેખ તો અત્યુત્તમ છે. પરંતુ “12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન
    પડે તેવી સરળ લીપી” વાળી વાત ખટકે છે. આપણા વિદ્યાર્થીઓ શું એટલા બધા નબળા છે
    કે આવી સરળ લિપિની જરૂર પડે? દક્ષિણ ભારતની લિપીઓ કે ચાઈનીઝ ભાષાની લિપિ
    જેટલી અઘરી તો આપણી જૂની જોડણી નથી. હા, સંસ્કૃતની ધૂંસરી કદાચ ના ગમતી હશે
    પણ તે ઉતારીને ઊંઝા જોડણીની બીજી ધુંસરી પહેરવી જોઈએ? કદાચ શાળાઓના
    વિદ્યાર્થીઓના માર્ક ખોટી જોડણી માટે ના કાપીએ તેટલી છૂટછાટ આપી શકાય.
    “બોલાય તે પ્રમાણે લખાય’ તે સમજ બરાબર નથી. લખવા પાછળનો હેતુ જ એ હોય છે કે
    સાંભળનાર આપણી સામે હાજર નથી. તે વ્યક્તિ કે વ્યક્તિઓ તેમની અનુકૂળતાએ વાંચી
    શકે તે હેતુથી લખતા હોઈએ છીએ. વાતચીતમાં ઉચ્ચારભેદને લીધે કશી ગૂંચવણ થતી હોય
    તો તે તરત ત્યાંને ત્યાં સુધારી શકાય. વાંચવામાં તે શક્ય નથી હોતું. તેથી
    લખેલું લખાણ લખનારની ગેરહાજરીમાં વંચાય ત્યારે વાંચકના મનમાં અસમંજસ ના થાય તે
    માટે આપણી જૂની જોડણી વાપરવી હિતાવહ છે.

    Liked by 1 person

  3. Very good article. What are the numbers in parenthesis in the segment “તેને કદીયે ઉથાપી કે બદલી શકાતા નથી (3/27). તેમાં અપવાદ કે વીકલ્પો હોતા નથી (4/6). તે ‘છે’ તેથી તેને શોધવાના હોય છે – બનાવવાના નહીં (13/20, 30), વીજ્ઞાન માત્ર પ્રકૃતીની આણને જ સ્વીકારતું હોઈને તે અપવાદ અને ભેદભાવ વગર તમામ સજીવ (3/33)”. Looks like they refer to the chapter number and shlok number in Bhagvadgita. I looked up Gita and saw the connection in some but not all of them.

    Liked by 1 person

  4. This is an excellent explanation of what “science” is all about.
    Science is expanding very very fast. It is a misfortune that most of our people did not have the opportunity to learn science properly and in depth.

    Nowadays we have Natural sciences as well as Social sciences.
    Please give an equally good article to explain Social sciences like Psychology.

    I congratulate Shri Vikram Dalal and Shri Govind Maru. Thanks. –Subodh Shah.

    Liked by 1 person

  5. વીજ્ઞાનના ઉપયોગ વગર આપણે એક ક્ષણ પણ જીવતા નથી.
    લેખક્શ્રી વિક્રમ દલાલના આ લેખનું ઉપરોક્ત વાક્ય સનાતન સત્ય છે. જો આપણા જીવનને વિજ્ઞાનીઓ અને વિજ્ઞાને અન્ય જીવો કરતા અધિક્તમ સવાર્યુ હોય તો પછી ભગવાન જેવી વાહીયાત ચીજ પાછળ આયખુ વેડફી નાખનારા માણસો મહામૂર્ખ કે પાગલ નંબર વન છે. પ્રકૃતિને જ પ્રમાણ ગણી તર્કને બુધ્ધિ સાથે તાલ મિલાવી જીવન જીવાય તો ગોડ નામના ગુમડા મટી જાય. સંસ્કાર કથાઓની નહીં,સાયંસ કથાઓની જરૂર છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવાશે ત્યારે સંકટમોચનોની જરૂર રહેશે નહીં. સ્વર વગર ભાષા અધુરી છે અને શૂન્ય વગર સંખ્યા અધુરી છે, ત્યારે ઇશ્વર વગર અંધશધ્ધા કે શ્રધ્ધા અધુરી છે. ઇશ્વરને છોડી E ને અપનાવો. ઇ યાને ઇલેક્ટ્રોનિક્સ વિજ્ઞાન. જેના ઉપયોગથી અભિવ્યક્તિ બ્લોગ દ્વારા તેના સંચાલકશ્રી ગોવિંદ મારુ દિમાગની સફાઇ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
    ગોવિંદ મારુ અને રેશનલ વિચારોના સર્જકોને સો સો સલામ.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી “કર્મ”, હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત
    મો. 94267 27698

    Liked by 1 person

  6. શ્રી રોહિત દરજી દ્વારા લખાયેલાં થોડા શબ્દો આખા લેખના દરિયાને થોડા ટીંપામાં મુકીને સમજાવે છે. તેમના વિચારો સાથે સંપૂર્ણ સહમત છું. સુબોઘભાઇઅે જે સુચન કર્યુ છે તેને મહત્વ આપવું જોઇઅે. વિજ્ઞાન વિના નહિ ઉઘ્ઘાર. વિજ્ઞાન અેટલે વિશેષ જ્ઞાન. વિશ્વમાં જે છે તેને શોઘીને.., સમજીને અને પ્રયોગો થકી સાબિત કરીને રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતું જ્ઞાન તે વિજ્ઞાન……વિશેષ જ્ઞાન. જેને વિજ્ઞાનનું જ્ઞાન નથી તેઓ પણ નવી નવી શોઘોને પોતાના રોજીંદા જીવનકર્મમા વારતા જોઇઅે છીઅે. વિજ્ઞાન ફક્ત રોજીંદા ઉપયોગમાં લેવાતાં જુદા જુદા સાઘનોને જ લાગતું વળગતું નથી. વિજ્ઞાન જીવનને લગતાં સર્વે કર્મોને લગતી બાબતો માટે છે અને હોય છે. દા.ત. મેડીકલ સાયંસ., લગ્નજીવનને લગતું સાયકોલોજીનું વિજ્ઞાન. માણસમાંથી માનવ બનવાનું વિજ્ઞાન. વિ…વિ….દરેક માણસ પોત પોતાની કેપેસીટીમાં અેક વિજ્ઞાની છે. ઇવન દરેક જન્મેલું બાળક પણ અેક વિજ્ઞાની છે. પોતાના રોજીંદા જીવનમાં જે વાતે તેને તકલીફ પડતી હોય છે તેને દૂર કરવાં અને સરળતા મેળવવા તેનું મગજ હંમેશા કાર્યશીલ રહે છે. વાત ત્યાં છે કે શાળા, કોલેજોમાં ભણિને દુનિયામાં હાલે મળતા જ્ઞાનને વાપરીને તે જ્ઞાનમાં સુઘારો કે વઘાોર કરવાં મગજ ઘસવું. અેક મોટર મીકેનીક જેને ઓટોમોબીલ વિજ્ઞાનનો અભ્યાર નથી કર્યો પરંતું ચાર રીપેરીંગના વરસોના અનુભવના જ્ઞાનને બેઝ બનાવીને તે વઘુ અેફીસીયન્ટ કાર બનાવવાની રીસર્ચમાં કોઇ ને કોઇ પ્રદાન કરી શકે છે…તે પણ અેક વિજ્ઞાની છે. ભૂત , પલીત ની દુનીયામાંથી અંઘશ્રઘ્ઘાળુઓને બહાર કાઢનાર પોતાના જ્ઞાનને લઇને અેક વિજ્ઞાની જ છે. રામાયણ કે મહાભારતની વારતાઓ ઉપર વ્યાખ્યાનકાર વિજ્ઞાની નથી. જે લખાયેલું અને હાજર છે તેને જ જુદા જુદા શબ્દોમાં લોકો સમક્ષ બોલવું તે વિજ્ઞાન નથી. દરેક વાંચનાર તે તે બુકોને વાંચી શકે છે અને પોતાનું મગજ ચલાવીને પોત સમજવાની કોશીષ કરે તે પોતે વિજ્ઞાની છે. દુનીયામાં છુપાયેલાં રહસ્યોને….લખાણોમાં છુપાયેલાં રહસ્યોને પોતે સ્વપ્રયત્નો કરીને સમજનાર વિજ્ઞાની છે. વિજ્ઞાનને લગતાં થોડા શબ્દો પણ સમજવા જેવાં છે. મીનીંગ ડીક્શનરીમાં જોઇ લેવા વિનંતિ છે.
    1. Science 2. Research. 3. Invention. 4. Discovery.
    થોમસ આલ્વા અેડીસન કોઇ કોલેજમાં ન્હોતો ગયો. તે આજે વિજ્ઞાનનો જાદુગર મનાય છે. ઇલેક્ટરીક બલ્બ શોઘીને કે બનાવીને દુનિયાની રાતોને ઉજાગર કરી…શરુઆતમાં….પછી લોકોમાં રહેલાં ઇન્જીનીયરીંગ માઇન્ડે તેનો મશીનો ચલાવવા માટે ઉપયગ કર્યો. ન્યુ જર્સીમાં તેના નામનું શહેર બન્યુ જ્યાં તેણે પોતાના ઇન્વેન્શનો કર્યા. ડીસકવરી અને ઇન્વેન્શન વચ્ચે પણ ઘણો ફર્ક છે. અેડીસન ‘ વિઝાર્ડ ઓફ મેન્લોપાર્ક ‘ કહેવાયો.. આ મેન્લોપાર્ક અેડીસન શહેરનો અેક ભાગ છે.
    સુબોઘભાઇના સૂચનને યાદ કરાવું…હવેથી આવા વિજ્ઞાન અને તેના જ્ઞાન પીરસતાં લેખો અભિવ્યક્તિના પાનાઓને શણગારે તે જોઇઅે. ગોવિંદભાઇને પણ અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. જે લખાયેલું અને હાજર છે તેને જ જુદા જુદા શબ્દોમાં લોકો સમક્ષ બોલવું તે વિજ્ઞાન નથી.

      Very well said. Some of our scholarly authors are doing tha same.

      Liked by 1 person

  7. વિજ્ઞાન જેટલું જાણીએ તેટલું વધારે આશ્ચર્ય સૃષ્ટિની રચના વિષે પણ થાય છે. વિજ્ઞાનમાં ચાર બળો મૂળભૂત બળો ગણાતા હતા, આઇનસ્ટાઇની થીયરી પ્રમાણે ગુરુત્વ બળ નથી પણ ભૂમિતિ છે. તેથી હવે ત્રણ જ બળો રહ્યા. ચાર હોય કે ત્રણ, તેટલા જ બળોના જુદાજુદા સંયોજનો થવાથી આખી સૃષ્ટિ પેદા થઇ છે એમ મનાય છે. એ બળોની ગોઠવણી થવાથી લગભગ 120 મુળભુત અણુઓ (elements) ઉત્પન્ન થયા. તેમની વચ્ચે પ્રક્રિયાઓ થવાથી રસાયણો થયા. તે બધાને પરિણામે સજીવો થયા. અસંખ્ય પદાર્થો, ગ્રહો, તારાઓ, નિહારિકાઓ વગેરે થયા.
    અમેરિકામાં મોનાર્ક નામના પતંગિયાઓ થાય છે. આપણી હથેળી જેવડા આ જંતુઓ પાનખર ઋતુમાં કેનેડા અથવા ઈશાન અમેરિકાથી ઠેઠ મેક્સિકો સુધીનું લગભગ પાંચ હઝાર કિલોમીટરનું અંતર કાપે છે. રોજના આશરે દોઢસો કી.મી. ઉડવાનું થાય. તે દિશા ભૂલ્યા વિના કરે છે. તેમના નાના માથામાં તેનાથી પણ નાના મગજમાં કેવી ખૂબી ભરાયેલી હોય છે!
    આ અને આવા અસંખ્ય વિસ્મયજનક પશુ પંખી વગેરે આપમેળે ઉત્પ્ન્ન થાય તેવી વ્યવસ્થા પણ શું આપમેળે ઉત્પ્ન્ન થઇ હશે?

    Liked by 1 person

Leave a comment