હા ઈશ્વર છે…! ના ઈશ્વર નથી…!!

25

હા ઈશ્વર છે…! ના ઈશ્વર નથી…!!

                           દીનેશ પાંચાલ

આપણે થોડી મીનીટ માટે ઈશ્વરને ભુલીને એ વીચારીએ કે વાનરની ઉત્‍ક્રાંતી થતાં તેમાંથી આજનો માનવી બન્‍યો. પ્રશ્ન એ ઉદ્‌ભવે છે કે કોણ ઈચ્‍છતું હતું કે વાનરની ઉત્‍ક્રાંતી થઈને તે પુર્ણ વીકસીત માનવ બને? વળી વાનરમાંથી અદ્યતન માનવી બન્‍યા પછી એ ઉત્‍ક્રાંતી અટકી ગઈ. (નળ નીચે મુકેલું માટલુ ભરાઈ ગયા પછી નળ બન્ધ કરી દેવામાં આવે એવો એ મામલો હતો.) તે એમ માનવા પ્રેરે છે કે નળ ચાલુ કે બન્ધ કરનાર કોઈક છે. આપણે પાણી બન્ધ થતું જોઈ શકીએ છીએ પણ નળની ચકલી ફેરવનારા હાથને જોઈ શકતા નથી.

કુદરતની કેટલીક લીલાઓ એવી બોલકી છે જે આપણને એમ માનવા મજબુર કરે છે કે સૃષ્ટી છે તો સૃષ્ટા પણ હોવો જોઈએ. કોઈએ ચોક્કસ પ્રકારનું કંઈક ઈચ્‍છ્યું છે અને તેને પરીપુર્ણ કરવા ચુપચાપ તે પ્રકારની હેતુપુરઃસરની વ્‍યવસ્‍થા કરી છે. જેમ કે સ્‍ત્રીને કુદરતે સ્‍તન આપ્‍યા; પણ સ્‍ત્રી પ્રસુતા બને પછી જ તેમાં દુધ પેદા થાય છે. કુંવારી છોકરીને દુધ આવતું નથી. બાળક મોટુ થાય પછી દુધ બન્ધ થઈ જાય છે. કુદરતે માણસને જીવાડવા સૃષ્‍ટીમાં અનેક વ્‍યવસ્‍થાઓ કરી છે. માણસના જીવવા માટે ઑક્‍સીજન અનીવાર્ય હતો એથી તેણે વૃક્ષોના માધ્‍યમથી એ જરુરીયાતની પુર્તી કરી. માણસને ભુખ લાગે છે એથી તેણે ધરતી પર સેંકડો ફળફળાદી અને ધાન્‍યનું સર્જન કર્યું. એ ધાન્‍ય ઉગી શકે એ માટે માટીને ફળદ્રુપ બનાવી. અનાજ પકવવા પાણીનીય જરુર હતી એથી એણે વરસાદની વ્‍યવસ્‍થા કરી. બારે માસ પાણીની જરુર રહેતી હોવાથી જમીનના પેટાળમાં પાણી સંઘરાયેલું રહે એવું આયોજન કર્યું. ખોરાક રાંધવા માટે તથા અન્‍ય ઔદ્યોગીક વીકાસ માટે અગ્નીની જરુર પડી. કુદરતે તેનીય ભેટ માણસને આપી. એ સીવાય માણસને જીવનમાં આનન્દ પ્રમોદની પણ જરુર હતી. એથી માણસની પ્રકૃતીમાં તેણે જાતીય વૃત્તી મુકી. અર્થાત્ સ્ત્રી માટે પુરુષનું અને પુરુષ માટે સ્‍ત્રીનું સર્જન કર્યું.

ઈશ્વરે ખામોશપણે માણસને કેટકેટલું આપ્‍યું છે? કોઈ એમ કહે કે આ બધું ભગવાને કર્યું નથી તો તે સામે કોઈ ઝઘડો નથી. પ્રશ્ન ફક્‍ત એટલો છે– તો પછી આવું અદ્‌ભુત, બુદ્ધીગમ્‍ય પ્‍લાનીંગ કોણે કર્યું? માણસે એ કર્યું નથી અને પ્રાણીઓ પાસે એવી શક્‍તી નથી. તો એવું કયું તત્ત્‍વ છે જેણે આ બધી લીલા કરી છે? આપણને હાથ દેખાતો નથી માત્ર તેની કમાલ દેખાય છે. ટૉર્ચ દેખાતી નથી માત્ર પ્રકાશનો લીસોટો દેખાય છે. તેને ભગવાન ગણો, ખુદા ગણો કે કુદરત ગણો. પણ આ બધાં સેંકડો બુદ્ધીપુર્વકના પ્રાકૃતીક આયોજનો પાછળ નેપથ્‍યમાં કોઈની કામગીરી રહેલી છે એ વાતની દરેક બુદ્ધીશાળી માણસને પ્રતીતી થયા વીના રહેતી નથી.

આપણે એ તર્ક કરવો રહ્યો, જ્‍યાં ઝાંઝવાંનો આભાસી દરીયો દેખાતો હોય ત્‍યાં શક્‍ય છે તે સાચો દરીયો હોય શકે! સાચો સાપ દોરડા જેવો દેખાતો હોય ત્‍યારે તે દોરડામાં ખપી જવા સમ્ભવ છે. ઈશ્વરનો પ્રશ્ન ભારે પેચીદો છે. અને તેનો જવાબ ગોખરુ જેવો કાંટાળો છે, જે ગળે ઉતરવાને બદલે અધવચ્‍ચે સપડાય છે. ગીતામાં કહ્યું છે– ‘મહાજનો યેન ગતાઃસ પંથઃ’ અર્થાત્‌ જીવનમાં કોઈ તબક્કે તમારી મતી મુંઝાય ત્‍યારે એવી સ્‍થીતીમાં મહાજનો જે રસ્‍તે ગયા હોય તે રસ્‍તે જવું. જોકે એ ઉપાય પણ અહીં કારગત નીવડે એવો નથી. કેમકે મહાજનો અર્થાત્‌ મોટા માણસો આ મામલામાં જુદે જુદે રસ્‍તે ફંટાયા છે. કેટલાક ઈશ્વરના રસ્‍તે ગયા છે. કેટલાક નાસ્‍તીક બની ગયા છે. એથી જે દેખાય છે તે સાપ છે કે દોરડું તે નક્કી કરવાનું અતી મુશ્‍કેલ છે.

સાચી વાત એ છે કે ઈશ્વર છે અથવા ઈશ્વર નથી એમ માની લેવામાં કોઈ ગુનો નથી; પણ સમસ્‍યા એ છે કે એ માટે કયો માપદંડ સ્‍વીકારવો? માણસની સાચી યા જુઠી માન્‍યતાનો તાળો કોની સાથે મેળવવો? એક દાખલાના બે જવાબ આવતા હોય તો કયો જવાબ સાચો છે તે નક્કી કરી આપે એવો એક જ ગણીતશાસ્‍ત્રી છે અને તે છે ખુદ ઈશ્વર! એથી હવે પછી સદીઓ સુધી આ પ્રશ્નના બે જવાબો ચાલુ રહેશે. હા ઈશ્વર છે… અને ના, ઈશ્વર નથી!

અમારા બચુભાઈ કહે છે– ‘ઈશ્વર આ સૃષ્ટીનું એક માત્ર ન ઉકેલી શકાય એવું અઘરું ઉખાણું છે! ઈશ્વર એટલે બીજું કાંઈ નહીં, ધર્મગુરુઓએ માણસની કોણીએ લગાડેલો ગોળ છે. માણસ સદીઓ સુધી પ્રયત્‍ન કરશે તોય એ ગોળ માણસના મોમાં આવી શકવાનો નથી. આના વીરોધમાં પાક્કા ધાર્મીક એવા ભગવાનદાસકાકા કહે છે– ‘બધાં માણસો ઝવેરી નથી હોતા તેથી ક્‍યારેક ધુળમાંથી મળેલા સાચા હીરાને લોકો કાચનો ટુકડો સમજી ફેંકી દે છે. ઈશ્વરના મામલામાં માણસની સ્‍થીતી એવી છે. વાંક હીરાનો નથી, લોકોના અજ્ઞાનનો છે!’

ખેર, એ જે હોય તે પણ પ્રશ્ન એ ઉદ્‌ભવે છે કે દીનપ્રતીદીન હથીયારો અને બૉમ્‍બ વગેરેના જોખમથી દુનીયાને વધુને વધુ અસલામત બનાવ્‍યે જતા માણસ પ્રત્‍યે ભગવાનને રોષ કેમ પેદા થતો નથી? આ દુનીયાની પાર વીનાની અરાજક્‍તાઓ ઈશ્વર માટે ચીંતાનો વીષય કેમ નથી? શું આ સૃષ્ટી સાથે ભગવાનને માલીકીનો સમ્બન્ધ નથી? આવા અનેક પ્રશ્નો છે જે ઈશ્વરનું અસ્‍તીત્‍વ સ્‍વીકારી લીધા પછી ય અનુત્તર રહે છે.

કંઈક એવું સમજાય છે ઈશ્વરનું અસ્‍તીત્‍વ હશે તો ય તેને પૃથ્‍વીની અસંખ્‍ય જીવસૃષ્ટીના કેવળ સર્જનમાં રસ છે. એ જીવસૃષ્ટીએ ધરતી પર કેવી રીતે જીવવું તે બાબતમાં તેનો કોઈ હસ્‍તક્ષેપ નથી. હા, તેણે માનવીનું સર્જન કર્યું એ સાચું; પણ માણસ ધરતી પર પ્રેમથી રહે કે કપાઈ મરે, પાપ કરે કે પુણ્‍ય કરે, ભગવાનને ભજે કે નફરત કરે… એ તમામ બાબતો જોડે તેને કશી લેવાદેવા નથી.

પૃથ્‍વીલોક પ્રત્‍યેની ઈશ્વરની આવી નીર્લેપતામાં કુદરતનો કયો ન્‍યાય સમાયો હશે તે સમજાતું નથી; પણ ઈશ્વરની ઉપર્યુક્‍ત લાપરવાહી નીહાળી એવી કલ્‍પના કરવી રહી કે ઈશ્વર કોઈ ઓફીસમાં અમુક જ કામ સમ્ભાળતા કારકુન જેવી ભુમીકા અદા કરે છે. એક ક્‍લાર્ક તેની નીયત કામગીરી સીવાય અન્‍ય કોઈ કામ કરતો નથી. તેમ ઈશ્વરે પણ આ સૃષ્ટીની અમુક જ જવાબદારી સ્‍વીકારેલી હોય એવું જણાય છે. તે માનવીનું સર્જન કરે છે. માણસે ધરતી પર કેવી રીતે જીવવું તે સાથે તેને કોઈ નીસબત નથી. માણસ પૃથ્‍વીલોકની અતી મહત્‍વની હસ્‍તી છે. તેની સાથે ભગવાનનો આવો ઉપરચોટીયો સમ્બન્ધ સમજી શકાતો નથી.

ગમે તેમ પણ ઈશ્વરની કાર્યપદ્ધતી જોતાં અને તેની પ્રકૃતી જોતાં એટલું સ્‍પષ્ટ સમજાય છે કે દુષ્ટોને તે સજા કરે છે અને સજ્જનો પર તે કૃપા વરસાવે છે એ વાતો કેવળ માનવીના ધાર્મીક સંસ્‍કારોની નીપજ છે. કથા પુરાણો કે ધાર્મીક પુસ્‍તકોની ચમત્‍કારીક ઘટનાઓથી પ્રભાવીત થઈ માણસ એમ માનવા પ્રેરાય છે કે ઈશ્વર માનવી પાસે તેના કર્મોનો હીસાબ લે છે અને તેની ભક્‍તીથી ખુશ થઈ તેને દુઃખમાં મદદ કરે છે. અથવા પાપીઓને સજા કરે છે. માણસની આવી ગેરસમજનું એક કારણ એ છે કે આપણા સાધુ સંતો લોકો સમક્ષ સતત ઈશ્વરના આવા જાદુગર પ્રકારના સ્‍વરુપને વ્‍યક્‍ત કરતાં રહે છે. એથી ઈશ્વર ન હોવાની વાતનું સમાજમાં ચલણ જ નથી. નાસ્‍તીક્‍તાનો આખો પ્રશ્ન જ માનવીએ સમાજના એજન્‍ડા પરથી ઉડાવી દીધો છે.

ઈશ્વર પ્રત્‍યેની પ્રગાઢ શ્રદ્ધાને કારણે માણસને મનોવૈજ્ઞાનીક શાંતી મળે છે. દુઃખમાં ટકી રહેવાની હીમ્મત મળે છે. કદાચ પ્રભુભક્‍તીની એ જ સાચી ફલશ્રુતી હોય છે! એક ઉદાહરણ જોઈએ. શહેરના પોલીસ ઈન્‍સપેક્‍ટર જોડે ગાઢ મૈત્રી હોય તેવી વ્‍યક્‍તીએ ક્‍યારેક પોલીસ ચોકીએ જવું પડે તો તેને એવી ધરપત રહે છે કે ઈન્‍સપેક્‍ટર આપણો ભાઈબન્ધ છે એથી વાંધો નહીં આવે! ઈશ્વર પ્રત્‍યેની પ્રબળ શ્રદ્ધાને કારણે માણસને પણ તેના દુઃખમાં એવી હીમ્મત મળે છે કે હું ઈશ્વરની નીયમીત પુજા કરું છું એથી મને કાંઈ જ નહીં થાય!

કરોડો માણસો જીવનમાં વારંવાર અનુભવે છે કે મારા જીવનની દુઃખદ ક્ષણોમાં જે રીતે મારો બચાવ થયો એ તો ઈશ્વરની કૃપા વીના શક્‍ય જ નહોતો. જીન્દગીભર મેં પ્રભુની પુજા કરી તેથી પ્રસન્‍ન થઈ પ્રભુએ મને આ ઘાતમાંથી બચાવી લીધો. નહીં તો બસમાં મારી પડખે બેઠેલા ચાર માણસો આ અકસ્‍માતમાં મૃત્‍યુ પામ્‍યા અને હું શી રીતે બચી શક્‍યો?

અલબત્ત આવી દલીલો સામેય ઘણી પ્રતીદલીલો છે. જેમ કે પેલા મર્યા એ માણસો, શક્ય છે બચી જનાર કરતાંય પ્રભુને રોજ બે કલાક વધુ ભજતા હશે; છતાં પ્રભુની કૃપા તેના પર કેમ ન થઈ? આવા પ્રશ્નનો માણસ પાસે કોઈ તાર્કીક જવાબ હોતો નથી. જેમણે ચાલીશ પચાસ ખુન કર્યા હોય એવા ખુંખાર હત્‍યારાઓને જેલમાં લઈ જતી બસ ઉંડી ખાઈમાં ગબડી પડે ત્‍યારે એક પણ ગુંડાનો વાળ વાંકો ન થાય એવું બની શકે છે. બીજી તરફ છાપાઓમાં ઘણીવાર વાંચવા મળે છે કે તીર્થયાત્રાએ પ્રભુદર્શન માટે જતી બસ ઉંધી વળી જતાં બધાં યાત્રાળુઓ માર્યા ગયા.

માનવ જીવનમાં આવા હજારો બનાવ બનતા રહે છે. તે એ સત્‍ય પ્રત્‍યે અંગુલીનીર્દેશ કરે છે કે ઈશ્વરને માનવીની નીજી જીન્દગીના સારા નરસા કર્મો જોડે કોઈ સમ્બન્ધ નથી; પરન્તુ કદાચ ઈશ્વરની બીકે માનવી જીવનમાં દુષ્ટતા આચરતો અટકે એવા શુભ હેતુસર ધર્મમાં ઈશ્વરનો તથા સ્‍વર્ગનર્કનો ભય દર્શાવવામાં આવ્‍યો છે.

                           દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 25મો લેખ, પુસ્તકનાં પાન 85થી 88 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–03–2018

14 Comments

 1. દીનેશભાઇ અને મારા અભિવ્યક્તિ કોલમના મિત્રો,

  પૃથ્વિનો જન્મ…પૃથ્વિ ઉપર જીવનો જન્મ……વૃક્ષોનો જન્મ……આ બઘા માટે પહેલાં બે પેરેગ્રાફમાં લોજીક વાપરીને વાતો કરી છે.
  ગયા આર્ટીકલમાં વિજ્ઞાનની વાતો કરી હતી. દીનેશભાઇ લખે છે કે આદીમાનવને ભૂખ લાગી અેટલે તેણે વૃક્ષો…ફળફળદીવાળા…રોપ્યા…..??????????????????????????? ભાઇ, વૃક્ષો તેણે નથી રોપેલાં…કુદરતી રીતે જેમ પ્રાણિજીવ બન્યો તે જ રીતે વનસ્પતિજીવ પણ બન્યો…( ખ્રિસ્તિઓના પેલા અેપલ ખાવાની વાત તો યાદ છે ને?…આદમ અને ઇવની વારતા ?)
  ગઇકાલે જ ફેસબુક ઉપર વિજ્ઞાનના અેક નવા સંશોઘનનો રીપોર્ટમેં મુક્યો હતો…નવી શોઘ કહે છે કે પૃથ્વિ ઉપર નાના નાના જીવોની ઉત્પત્તિ ૨.૫ બીલીયન વરસો પહેલાં થઇ હતી. ઓસ્ટરેલીઅામાના અેક જૂના લાલરંગના પથ્થરોવાળા ભાગમાં વિજ્ઞાનીઓને આ જીવોના અંશો મળ્યા છે.

  હવે મારું લોજીક વાપરી જોઇઅે. અને તે પછી વિજ્ઞાનની શોઘોને જોડીઅે…..

  આદીમાનવ પાસે તેની આસપાસ થતી કુદરતી ક્રિયા…પ્રક્રિયા માટે કોઇ પ્રકારનું જ્ઞાન ન્હોતું. ઓબ્ઝર્વેશન કરતો પણ કોઇ સમજ ન્હોતી પડતી. તેને તેમાં ચમત્કાર દેખાતો. અને તેણે આ ચમત્કાર કરનાર કોઇક હશે જ માનીને તે ચમત્કાર કરનારના તેની તે વખતની પોતાની ભાષામાં નામ આપ્યા.અને જ્યારે તે માનવ પાસે બોલવા, વાંચવાની લીપી આવી ત્યારે તેણે તેની તે સમયની સમજ પ્રમાણે તે પ્રક્રિયા ને કરનાર કોઇક છે અને તેણે તેનું નામ આપ્યુ…દા.ત. વરસાદ અને વાવાઝોડુ…..વરુણદેવ.
  આજે વિજ્ઞાન કહે છે કે સૂર્યની ગરમીથી પાણી વરાળ થઇને વાદળ બન્યુ…અને તે ઠંડું પડતાં વરસાદ થયો….સાબિતિ સાથે વિજ્ઞાને આપણને આ જ્ઞાન આપ્યુ. ૨૧મી સદીમાં વિજ્ઞાને આવા હજારો ના હજારો પ્રશ્નોના જવાબો આપ્યા છે. વિશ્વની ઉત્પત્તિ માટે પણ તે વિજ્ઞાને ઘણી થીયરિઓ આપી છે….તે વિજ્ઞાન પોતે જ કહે છે કે હજી તેની પાસે સાબિતિ નથી..
  ભાઇ, માણસ પાસે અક્ષરજ્ઞાન ક્યારે આવ્યું ? તેણે લીપી કયારે શોઘી. લખવા વાંચવાનું ક્યારે શરુ કર્યુ ?
  અેક વાત છે કે માણસના જીવનમાં આજના સાબિતિપૂર્ણ સમયમાં ૨૩નો આંકડો સૌથી વઘારે મહત્વનો છે.તે આંકડાને તમારે ઇશ્વર કહેવો જોઇઅે. વિજ્ઞાને Male & Femalene XY and XX or YY ક્રોમોસોમના બનેલા સાબિત કરીને (સાબિતિ સાથે) કેવી રીતે પુરુષ કે સ્ત્રી બને છે તે કહ્યુ. ૨૩ ક્રોમોસોમ્સ માણસના જીનેટીક્સની સાબિતિ સાથે તેના વંશવેલાની વાત કહી બતાવે છે. તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તારા મા અને બાપ( અેન્સેસ્તરો) ક્યાંના અને કેવાં પ્રકારના્ પૃથ્વિ ઉપરના સ્થાનના હતાં
  ફીઝીક્સનો અભ્યાસ અેટોમીક સાયન્સની પ્રગતિ બતાવશે. સમજવાની કોશીષ કરીઅે.

  આજે વિજ્ઞાને ઘેટાંને ક્લોનથી …ઘેટા, ઘેટીના સંભોગ વિના.,જન્માવી આપ્યા.માણસના હૃદયને , ફેફસાને, કીડનીને, Transplant કરી બતાવ્યા. જેને બાળકો થતાં નહિ તેવી સ્ત્રીને વંઘ્યાં કહેનારને આજે ખબર પડી છે કે સ્ત્રી કે પુરુષની નબળાઇઓ હોવા છતાં વિજ્ઞાન તેમને માં..બાપ બનાવી શકે છે….સાબિતિઓ છે…..ભાઇ….સાબિતિઓ છે….વાચક મિત્રો આ વિચારોમાં ખૂબ ખૂબ પ્રદાન કરી શકે તેમ છે….

  જે પ્રક્રિયાના વિજ્ઞાનની સમજ ના પડે તેને કરનારને કોઇ ભગવાન કે ઇશ્વરનું નમા આપી દેવું તે તે જમનાની વાત હતી કે જ્યારે માણસ પાસે વૈજ્ઞાનિક નોલેજ ખૂબ જ ઓછું હતું. ગયા અભિવ્યક્તયના લેખમાં વિજ્ઞાન વિષયને સમજવાની અને સમજાવવાની વાતો કહી હતી.

  અહિં અટકું……મિત્રો, તમે સૌ આ વિચારોમાં હજી પણ ખૂબ વિચારો આપી શકશો………

  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. મિત્રો,
  મારા વિચારો લખ્યા બાદ પણ વિચારોમાં ઇશ્વરની હસ્તિ ઘૂમતી રહી. તે…છે કે નહિ ?
  ખુબ વિચારો બાદ…દેર સે આયી મગર દુરુસ્ત આયી……
  હાં…ઇશ્વર છે….પરંતું બીજા ફોર્મમાં હસ્તિ ઘરાવે છે……અને તે હસ્તિ છે…‘ વિજ્ઞાન‘.
  વિજ્ઞાન જ ઇશ્વર છે.
  પહેલાં શીતળામાતાના મંદિરે બઘા જ જતાં…શીતળા બાળકોને ભરખી પણ જતાં તે માટે…
  વિજ્ઞાને શીતળાને પૃથ્વિ ઉપરથી નાબુદ કર્યા. હવે શીતળામાતાના મંદિરે કોઇ જતું નથી અથવા નવી જનરેશનને શીતળામાતા હતાં અને હવે નથીનું નોલેજ પણ નથી.
  વિજ્ઞાન તેના કોઇપણ રુપમાં ‘ ઇશ્વર‘ છે.
  અને આ પૃથ્વિના બરેક જીવોના દુ:ખો દૂર કરવા માટે હંમેશા ગતીમાન છે..સફળતાના ફળો તે બરેક જીવને આપતો રહે છે.

  ..જય હો ભગવાન ‘વુજ્ઞાન‘ , ઇશ્વરની. ( અેક અને ફક્ત અેક જ ઇશ્વર…અને તે છે…‘ વિજ્ઞાન‘ .)

  તેરી શરણમાં આવ્યા છીઅે..અમારા જ્ઞાનમાં વઘારો કરો અને અમને સાચે રસ્તે દોરો…

  અમૃત હઝારી..

  Liked by 2 people

 3. મિત્રો,
  બેઅેક સ્પેલીંગની ભૂલો છે તે છે…સુઘારીને વાંચવા વિનંતિ છે……
  અને આ પૃથ્વિના દરેક જીવોને……સફળતાના ફળો તે દરેક જીવને…..
  જય હો ભગવાન ‘ વિજ્ઞાન‘, ઇશ્વરની.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. It is a good analysis about the existence of GOD. GOD has nothing to do what choice we make in our life. He has given this choice to us. We have freedom to choose what we want. If $ 1.00 is given to beggar then, he will choose how to spend it. We all should honestly try to behave like true human being. We are all same.

  Thanks so much for this article.

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 5. એક સ્પશ્ટતા. વાનરની ઉત્‍ક્રાંતી થતાં તેમાંથી આજનો માનવી બન્‍યો નથી. વાનર માણસના પુર્વજ નહીં, પણ પીતરાઈ છે. બન્નેના પુર્વજ એક છે. વાનરની અનેક જાતોમાં ચીપાન્ઝી આપણા સૌથી નજીકના પીતરાઈ છે.

  Liked by 1 person

 6. પુરાતત્વ વિદ્યામાં કહે છે કે, “The absence of proof is not the proof of absence.” સાબિતીનો અભાવ તે અભાવની સાબિતી નથી. સાબિતી ગમે તેટલી હોય તેમનું અર્થઘટન પણ વ્યક્તિગત ગમાઅણગમા પર આધાર રાખે છે. જે સાબિતી પોતાની માન્યતાને અનુકૂળ ના હોય તેની સામે જોવાનું જ નહિ. જેમ કે કેટલાક વિદ્વાનો માબાપના પ્રેમને ઉત્ક્રન્તિવાદના આધારે સમજાવે છે. તેઓ, કદાચ જાણી જોઈને, દાદા-દાદી, અન્ય સગાઓ, ત્રાહીતો વગેરે બાળકોને પ્રેમ શાથી કરે છે તે સમજાવવાનો પ્રયત્ન પણ નથી કરતા. સાવ અજાણી વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં લોકો કેમ મૂકે છે તે વિજ્ઞાન સમજાવી શકે?
  વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈ જવાની જરૂર નથી. દા. ત. આઈન્સ્ટાઈનના સમીકરણ E = mc2 ને કારણે અણુબોમ્બ બન્યો અને ખુબ મોડેથી અણુશક્તિ મથકો પણ બન્યા. અણુકચરાના નિકાલનો પ્રશ્ન એટલો જટિલ છે કે જર્મની જેવા કેટલાક દેશોને તેમના અણુવિદ્યુત મથકો બંધ કરવા પડયા છે. અબ્દુલ કાદર ખાન જેવા અનેક વૈજ્ઞાનિકો હોય છે. તેમાંના ઘણા ઉત્તર કોરિયાને મદદ કરે છે.
  નાસ્તિકતા એટલે અવિચારી ફાવેલા ડાહ્યાઓની ઘમંડી કૃતઘ્નતા; પોતાની સફળતા પોતાની એકલાની બુદ્ધિ અને મહેનતના કારણે છે તેવી માન્યતા. જાણે તેમના જીવનમાં ક્યારેય કોઈએ પણ નિસ્વાર્થભાવે મદદ કરી જ ના હોય.
  ઈશ્વર એટલે કોઈ વ્યક્તિ નહિ એટલી સ્પષ્ટતા કરવી રહી. ઈશ્વર હોય તો તે દુષ્ટોને કેમ જીવાડે છે જેવા પ્રશ્નો નો મારો જવાબ છે: પરમેશ્વરને વિવિધતા ગમે છે. માનવો તો ઠીક, પથરા પણ જાત જાતના બનાવ્યા. તે એક અત્યંત વિશાળ નાટક (soap opera ધારાવાહિક) ચલાવે છે જેની લેખક, દિગ્દર્શક, નિર્માતા વગેરે બધી જવાબદારીઓ પોતે સંભાળે છે. (“All the world’s a stage and all the men and women merely players”, wrote Shakespeare). આપણે તો અભિનેતાઓ છીએ. નાટક રસપ્રદ બને તેટલા માટે જાતજાતના પાત્રો બનાવી અને તેમને સૌને જાતજાતના સુખદુઃખ આપ્યે જાય છે. નાના બાળકને વાર્તા કહીએ તેમાં પણ જો ચકલો બધી ખીચડી ખાઈ ના જાય તો બાળકને રસ ના પડે. તેવી જ રીતે જીવનમાં પણ ખલનાયકો ના હોય તો જીવન એકધારું નીરસ બની જાય. તેથી ઈશ્વર ખરાબ વ્યક્તિઓ બનાવ્યે જાય છે.

  Like

  1. જ્યાં ગ્નાન છે ત્યાં ઈશ્વર રહી શકતો નથી. ઈશ્વર હમેશાં ગ્નાનની પેલે પાર જ અસ્તીત્વ ધરાવી શકે.

   Liked by 2 people

 7. મને લાગે છે કે ઈશ્વર ઉખાણું નથી, માણસની કલ્પના છે. જેણે એમાં માનવું હોય તે માનીને લાભ થતો હોય તો લઈ શકે, જેણે ન માનવું હોય અને તેથી લાભ થતો હોય તો તેમ કરી શકે. વીજ્ઞાનની વધુ ને વધુ પ્રગતી થતાં કદાચ ઈશ્વરની જરુર રહેશે નહીં. તર્ક તો જે કરવા હોય તે કરી શકાય.

  Liked by 1 person

 8. ઇશ્વર એક શબ્દ છે, જે ભય પેદા કરવાનુ માધ્યમ બનેલો છે. ભયની સાથે પ્રીત કરવા માનવો ઠેબે ચડ્યા છે. ઇશ્વર એક તૂત છે, ઇશ્વર એક કલ્પના છે, ઇશ્વરને લોકો ભગવાન કહે છે, એ ભયનો ભગવાન છે. ઇશ્વર દ્વારા અસત્ય અને માત્ર ધૂતારા જ પેદા થયા છે અને થાય છે. જે કશુ છે જ નહીં તેને ઇશ્વર કહેતા લોકો સમજી લે કે કશુ જ નથી ,મતલબ ઇશ્વર ઝીરો છે. ઝીરોને હીરો બનાવી દેનારા ભારતીય જ છે ને!!!!! ઇશ્વર નબળા મનની પેદાશ છે. ઇશ્વર નવરા લોકોની નસોમાં છે. ઇશ્વર એટલે માત્ર અને માત્ર ધતીંગ. અવિજ્ઞાન એટલે જ ઇશ્વર.
  સૃષ્ટિની રચના સમગ્રતયા વિજ્ઞાનને જ આભારી છે. જેને અજાયબી માનીને ભયભીત થનારા મારા સિવાયના માનવોએ ઇશ્વર નામની તરંગી રચના કરી છે.
  ઇશ્વર જેવુ કશુ જ નથી, મારા ભાઇઓ, મારા વડીલો.
  આજે ઇન્ટરનેટ અને કંમ્પ્યુટર છે. જે સાશ્વત છે ને!
  ઇશ્વર માણસે બનાવેલી જિંદગી વેડફી મારવા માટેની નકામી આઇટમ છે. જેની પાછળ પડેલા પૃથ્વી ઉપરના બહુમતી માનવો ક્યારે વિજ્ઞાનની પાછળ પડશે? સમસ્યાઓની જડમાં ઇશ્વર છે. ભેદભાવની દિવાલોમાં ઇશ્વર છે.
  ઇશ્વર નથી જ , નથી. જેના મનમાં હોય તે રાખે મારે રાખવા નથી.
  @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
  રોહિત દરજી ” કર્મ”, હિંમતનગર , સાબરકાંઠા , ગુજરાત મો. 9426727698

  Liked by 1 person

 9. Thanking you all readers,happy holy?as big the LAMP as big the darkness under the lamp!glance at the rising sun,moon,and stars ,this is the poof of the god is here?who made the mountains?desert and sea on the earth?The invention of fire is the great success of the science,the wheel changing the will of mass?to change is the mother nature behavior,The earth is training center for all !(W)here is god!?stop the breathing and become a god!

  Liked by 1 person

 10. શ્રી ગાંડાભાઈ વલ્લભ, શ્રી અમૃતભાઈ હઝારી અને શ્રી વિક્રમભાઈ દલાલ સાથે સંમત છું. બીજા મિત્રોના અને લેખકના વિચારોને માન આપું છું. સરસ છણાવટ અને વિચારવા જેવા મુદ્દાઓ, પરંતુ એ કારણે જ “ઈશ્વર” નું અસ્તિત્વનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળતું. (મારું અતિનમ્ર મંતવ્ય).

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s