વેવીશાળ ગોઠવાઈ જશે!
– રમેશ સવાણી
“પીરબાપુ! હું ફીરોઝ, મોટી અપેક્ષા સાથે તમારી પાસે આવ્યો છું. તમે મશહુર તાંત્રીક છો. ગુપ્તધનના મહાન જાણકાર છો. ગુપ્તરોગ મટાડો છો. લવપ્રોબ્લેમના નીષ્ણાત છો. ત્રીકાળ જ્ઞાની છો! એકના ડબલ કરો છો! સન્તાન પ્રાપ્તી, શત્રુનાશ, ઘરકંકાસ, પ્રેમમીલન, છુટાછેડા, એક તરફી પ્રેમ, સાસુ–વહુનો ત્રાસ, નોકરી ધન્ધો, તુટેલા સમ્બન્ધો સાંધવા, કોર્ટ–કચેરીના કામ, મેલી વસ્તુ, વાસ્તુદોષ, ઈચ્છાપ્રાપ્તી, નવગ્રહશાંતી, સૌતનમુક્તી, નડતર, ગ્રીનકાર્ડપ્રાપ્તી વગેરેમાં તમારી સુવાસ ચારે બાજુ ફેલાયેલી છે!”
“ફીરોઝભાઈ! તમારી અપેક્ષા જણાવો!”
“બાપુ! તમે આખી દુનીયાના કામ કરો છો, મારું કામ તમારાથી થશે?”
“બોલો! શું કામ છે? મારાથી પહેલાં કામ કોઈ કરી આપે તો એને રુપીયા પચ્ચીસ હજારનું ઈનામ આપવાની જાહેરાત દસ વર્ષ પહેલાં મેં કરી હતી! હજુ સુધી આ ઈનામ કોઈ મેળવી શક્યું નથી!”
“પીરબાપુ! હું અસંખ્ય ભગત, ભુવા, તાંત્રીક, જોષી, બાવા, સાધુ, યોગી, સ્વામી પાસે ગયો પણ મારું કામ થયું નહીં. છેવટે તમારી સુવાસ મને અહીં ખેંચી લાવી છે. મારી સાથે મારી દીકરી મુમતાઝ છે. એની ઉમ્મર છત્રીસ વર્ષની થઈ. હજુ સુધી વેવીશાળ ગોઠવાતું નથી! ચાર વખત વેવીશાળનું નક્કી થયું, બધી તૈયારી થઈ ગઈ હોય અને છેલ્લે વેવીશાળ બન્ધ રહે! સમાજમાં હું મારું મોઢું બતાવી શક્તો નથી!”
“ચીંતા ન કરો. વેવીશાળ ગોઠવાઈ જશે! આવતા રવીવારે આવો!”
સુરતથી સત્તર કીલોમીટર દુર, સચીન કનસાડ હાઉસીંગ બોર્ડ, કનકપુર ખાતે મોહસીન આમદભાઈ પીરબાપુના નામે પ્રખ્યાત હતા. એમની ઉમ્મર ચાલીસની હતી. આજુબાજુના ગામડાના લોકો પોતાની સમસ્યાનો ઈલાજ કરાવવા પીરબાપુ પાસે આવતા હતા. ડીસા, દ્વારકા, જબલપુર, જયપુર, નાસીકથી લોકો પીરબાપુના આશીર્વાદ લેવા આવતા. મુમ્બઈથી ફીલ્મ કલાકારો, ટીવી કલાકારો પીરબાપુની દુઆ માટે આવતા! પીરબાપુ ગુરુવાર અને રવીવારે સવારના અગીયારથી સાંજના ચાર વચ્ચે જ મળતા. આ નીયન્ત્રણના કારણે સો શ્રદ્ધાળુઓમાંથી માત્ર ચાલીસ લોકો પીરબાપુને મળી શક્તા, બાકીના પાછા જતા. કેટલાક શ્રદ્ધાળુઓ છ–સાત વખત આવે તો પણ પીરબાપુને મળી શક્તા ન હતા. પીરબાપુને મળવું, તેને લોકો મોટો ચમત્કાર ગણતા હતા! પીરબાપુને ત્યાં હીન્દુ, મુસ્લીમ, પારસી, ખ્રીસ્તી સૌ આવતા. સેક્યુલર વાતાવરણ જોવા મળતું!
તારીખ 06 સપ્ટેમ્બર, 1998. રવીવાર. સવારના અગીયાર વાગ્યે ફીરોઝભાઈ, દીકરી મુમતાઝને લઈને પીરબાપુ પાસે પહોંચ્યા, કહ્યું : “પીરબાપુ! તમારા આશરે આવ્યા છીએ. દુઆ કરો!”
પીરબાપુએ પોતાના ગળામાં લટકતી રંગીન માળાઓને ગોઠવી. માથાના લાંબા વાળને છુટ્ટા મુક્યા. લાંબી દાઢીમાં આંગળીઓ ફેરવી. મોરપીંછની સાવરણી હાથમાં લઈને મુમતાઝની પીઠ ઉપર ફેરવી અને કહ્યું : “ફીરોઝભાઈ, મુમતાઝને મંગળ નડે છે!”
“પીરબાપુ! મંગળ તો હીન્દુને નડે, મુસ્લીમોને પણ નડે?”
“મંગળ મનુષ્યમાત્રને નડે! વીધી કરવી પડશે. રાત્રે દસ વાગ્યે, મુમતાઝે એક જ વસ્ત્ર પહેરીને સ્નાન કરવું પડશે. ભીંજાયેલી હાલતમાં એક કલાક સુધી વીધીમાં બેસવું પડશે. આ વીધી એકાંતમાં જ થઈ શકે. બોલો, મુમતાઝ તૈયાર છે?”
“પીરબાપુ! મંગળ અને સ્નાનને શું સમ્બન્ધ છે? મને કંઈ સમજાતું નથી!”
“ફીરોઝભાઈ! અગોચર વીશ્વની એ તો ખાસીયત છે! તેમાં સમજવાનું ન હોય, માની લેવાનું હોય! મુમતાઝે પાંચ રવીવાર સુધી એકાંત વીધીમાં બેસવું પડશે! તો જ મંગળની દૃષ્ટી હળવી થશે!”
“પીરબાપુ! મુમતાઝ તૈયાર નહીં થાય, તેને સમજાવવામાં બે અઠવાડીયા જતા રહેશે. જો નહીં માને તો મારીઝુડીને એને તૈયાર કરીશ! પીરબાપુ! ત્રણ મહીનાથી મને રાતે ઉન્ઘ આવતી નથી. બીહામણા સ્વપ્ના આવે છે. દવાખાના ફર્યો પણ સારું ન થયું. તમે ઈલાજ કરી આપો!”
“ફીરોઝભાઈ, મોટી ઉમ્મરની દીકરી ઘરમાં બેઠી હોય તો કયા પીતાને ઉન્ઘ આવે?”
પીરબાપુએ બાજુમાં પડેલી “રુહાની તોહફે” નામની ચોપડીમાં જોયું. બાજુમાં એક કાગળ હતો, તેના ચાર ટુકડા કર્યા અને દરેક ટુકડામાં કંઈક લખ્યું. ચારેય ટુકડાઓને દીવા પાસે થોડીવાર રાખ્યા, પછી કહ્યું : “ફીરોઝભાઈ, એક ચીઠ્ઠી તમારા ઘરની બાજુમાં ઝાડ હોય ત્યાં બાંધજો. એક ઘરના બારણે બાંધજો. એક ચીઠ્ઠીને તાવીજમાં મુકી ડાબા બાવડે બાંધજો. જ્યારે એક ચીઠ્ઠી ઓશીકા નીચે મુકી દેજો. તમે ઘસઘસાટ ઉન્ઘી શકશો!”
“પીરબાપુ! ચીઠ્ઠીઓ મુકવાથી ઘસઘસાટ ઉન્ઘ આવે તો મુમતાઝનું વેવીશાળ ચીઠ્ઠીઓ મુકવાથી કેમ ન થાય? પીરબાપુ! મને સમજાવો!”
“ફીરોઝભાઈ, આપણે ઈચ્છીએ તેવું ન થાય! ખુદાએ વીચારીને બધું ગોઠવ્યું છે. મનમાં વીચારીએ તે બધું હાજર થઈ જતું હોય તો માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય! માની લો કે તમે રસોડામાં છો અને તમારા મનમાં હાથીનો વીચાર આવી જાય તો તમારા રસોડામાં હાથી પ્રગટે! તમે શું કરો? સમજાય છે?”
“પીરબાપુ! તમારી આ મેલીવીદ્યા સમજાતી નથી, એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ!”
“ફીરોઝભાઈ, ત્રીકાળજ્ઞાની જ લોકોના દુઃખ દુર કરી શકે!”
“પીરબાપુ! તમે ત્રીકાળજ્ઞાની નથી. અજ્ઞાની છો. લોકોને છેતરો છો. લોકોને ખોટો વીશ્વાસ અપાવીને, એમની મુશ્કેલીઓમાં વધારો કરો છો. તમારા તરકટના કારણે લોકો સાચા રસ્તા તરફ જવાના બદલે અવળા રસ્તે ચડે છે!”
“ફીરોઝભાઈ, તમે આ શું બોલો છો?”
“પીરબાપુ! મારું નામ ફીરોઝ નથી. મારું નામ મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234) છે. આ મુમતાઝ વાસ્તવમાં મંજુલા છે. તે મારી દીકરી નથી. મારી સાથે જગદીશ વકતાણા(સેલફોન : 94261 15792), સીદ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446) અને હસમુખ પટેલ(સેલફોન : 97120 83779) છે. અમે બધા ‘સત્ય શોધક સભા’ સુરતના સભ્યો છીએ. અમે પાખંડનું પગેરું સતત શોધીએ છીએ. પીરબાપુ! તમે અમને કેમ ઓળખી ન શક્યા? બોલો, તમે ત્રીકાળજ્ઞાની છો?”
“મધુભાઈ, તમે મારી સાથે છેતરપીંડી કરી છે! ખુદા તમને જોઈ લેશે!”
“પીરબાપુ! તમે ઢોંગી છો. ઢોંગી કહે તેમ ખુદા ન કરે, એટલી સમજ અમને છે! તમારી જાણ ખાતર મુમતાઝ ઉર્ફે મંજુલાને બે સન્તાનો છે! વેવીશાળનો કોઈ પ્રશ્ન જ નથી!”
પીરબાપુ ‘સત્યશોધક સભા’ની ટીમને તાકી રહ્યા, કહ્યું : “મધુભાઈ!, મને માફ કરો. હવે પછી આ ધન્ધો નહીં કરું!”
“પીરબાપુ! તમે તો કનકપુરમાં ટેપ, ટીવી રીપેરીંગનો ધન્ધો કરતા હતા. આ મેલીવીદ્યાના ધન્ધે કેમ ચડયા?”
“મધુભાઈ!, લોકોએ મને આ ધન્ધે ચડાવ્યો! લોકો હમ્મેશાં સલામતી ઝંખે છે. મુશ્કેલીનો તર્કબદ્ધ, ઉકેલ લાવવામાં જયારે તેને સફળતા મળતી નથી, ત્યારે તે હતાશ થઈને અન્ધશ્રદ્ધા અને વહેમમાં સરી પડે છે! દવા લેવા છતાં રોગ ન મટે, સન્તાન ન થાય, સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે ગ્રહદશા, બાધા, વ્રતજાપ, ટુચકાઓ, મેલીવીદ્યા, મન્ત્રતન્ત્ર, જ્યોતીષ પાછળ લોકો લાગી જાય છે! અમે જે કંઈ કહીએ, તેમાંથી કોઈક અંશ દરેક વ્યક્તીને લાગુ પડતો હોય છે. બન્ધબેસતી એકાદ બાબતને લોકો ધ્યાનમાં રાખે છે, બન્ધબેસતી ન હોય તેવી બાબતો પ્રત્યે લોકો ઉપેક્ષા સેવે છે. અમારી આગાહી વીશ્વાસ ઉભો કરે છે. આમ અમારું વહાણ લોકોની માની લેવાની સહજવૃત્તી ઉપર તરતું રહે છે!”
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (08, ફેબ્રુઆરી, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, I.G.P. e.Mail : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 09–03–2018
સરસ કામ કરે છે, ‘સત્યશોધક સભા’વાળા ઉત્તમ..
LikeLiked by 2 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 2 people
વહાલા વલીભાઈ,
‘વેવીશાળ ગોઠવાઈ જશે’ લેખને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLiked by 1 person
મિત્રો,
આ લેખની સત્યશોઘનું તારતમ્ય :
લેખનો લાલ સહીમાં લખેલો છેલ્લો પેરેગ્રાફ પોતે જ બાપુને મોઢે બોલાયેલું સત્ય છે.
બાપુ આ વાતમાં ૧૦૦ ટકા સાચા છે. તેમને લોકોઅે આ ઘંઘામાં ખેંચેલા હતાં.
બાપુ બઘુ જ જાણતા હતાં, કે તેઓ જે કરે છે તે બઘુ જ ખોટુ છે.
નામનાનો સ્વાર્થ અને લોકોનો અંઘાપો….તેઓને આ ઘંઘામા ખેંચાઇ ગયેલાં રાખતા હતાં……
સત્યશોઘકે તેમની આંખ ખોલી અને સત્ય બોલ્યા…..
ભૂલ કબુલ કરવી તે પણ હિંમતનું કામ છે.
લોકો જ ‘ બાપુ ‘ બનાવે છે…લોકો જ મુખ્ય પ્રઘાન કે પ્રાઇમમીનીસ્ટર બનાવે છે….લોકો જ જે કાંઇ આ દુનિયામાં છે…સાચુ કે જૂઠુ…લોકો જ બનાવે છે.( અને પોતાની ભૂલના શીકાર બનતા રહે છે.)
પેલો જોક યાદ આવી ગયો….
માણસ અને ભગવાન અેક દિવસ સામ સામે મળી ગયા…..
બન્ને પોત પોતાન મનમાં વિચારી રહ્યા હતાં કે….મને બનાવવાવાળો આજે સામે જ મળી ગયો છે.
હકીકતમાં માણસ જ રોજ ને રોજ ભગવાનને બનાવતો રહે છે….અને પોતાને પણ તે ‘ બનાવતો‘ રહે છે.
અમૃત હઝારી
LikeLiked by 2 people
ગોવિદ ભાઇ , તમારુ કામ ઉત્તમ છે. સત્ય શોધક સભાનું કાર્ય ઉત્તમ છે. સવાની સાહેબને ધન્યવાદ.
LikeLiked by 2 people