ઉત્‍સવોનો અવસાદ

ઉત્‍સવોનો અવસાદ

        –દીનેશ પાંચાલ

આપણા બહુધા ઉત્‍સવોમાં કર્મકાંડોની બોલબાલા પ્રવર્તે છે. ધર્મના મુળ ચહેરા પર માણસે મનસ્‍વીપણે એટલાં ચીતરામણો કર્યાં છે કે ધર્મનો મુળ ચહેરો ખેતરના ચાડીયા જેવો થઈ ગયો છે. કહેવાતા ધર્મરક્ષકોને ધર્મમાં પ્રવેશેલી વીકૃત્તીઓની કશી ચીંતા નથી. આપણને રામમન્દીર બાંધવાની જેટલી તત્‍પરતા છે તેટલી ધર્મમાં પેઠેલા સડાને દુર કરવાની નથી. દીન પ્રતીદીન વીકૃત બન્‍યે જતાં ગણેશોત્‍સવ પર આજપર્યન્ત કોઈ ધર્મગુરુએ એક હરફ ઉચ્‍ચાર્યો નથી. નવસારીમાં જાહેરમાર્ગો પર વાંસના બાંબુ આડા બાંધી ટ્રાફીકને અવરોધી જાહેર માર્ગો પર કથા કે યજ્ઞ કરવામાં આવે છે. આવું દરેક શહેરોમાં થાય છે. કુમ્ભમેળો હોય, રથયાત્રા હોય કે હજયાત્રા, એક જ દીવસે એક જ સ્‍થળે લાખો માણસો તીડના ટોળાની જેમ ઉમટી પડે છે ત્‍યારે માનવ મહેરામણનું સુપેરે સંચાલન થઈ શકતું નથી.

આ સીધી સાદી વાત મુલ્લા, મૌલવી, પંડીતો કે ધર્મગુરુઓને ન સમજાય એવું નથી; પરન્તુ વીશાળ જનસમુદાયની સલામતીના પરીપ્રેક્ષ્યમાં તેઓ કર્મકાંડોમાં કોઈ સુધારો કરતાં નથી, કોઈ ફતવો બહાર પાડતા નથી. પ્રતીવર્ષ ભુતકાળની જ ભુલો, ખામીઓ કે ઉણપોનું પુનરાવર્તન થાય છે. સાંકડા ધર્મસ્‍થળો પર કીડીયારું માણસો જમા થાય છે અને ધક્કામુક્કીમાં કચડાઈ મરે છે. મરનારના સગાઓ વળી એવું આશ્વાસન લે છે. ‘ભગવાનના દર્શન કરવા જતાં મર્યો એટલે સીધો સ્‍વર્ગમાં ગયો!’ આ ધર્મપ્રધાન દેશમાં સ્‍વર્ગની આવી ડાયરેક્‍ટ એક્ષપ્રેસ ગાડીઓ ઘણી છે, જે માણસને સીધો ઉપર પહોંચાડી દે છે.

ધાર્મીકોના આવા વીકૃત મનોવ્‍યાપારથી વ્‍યથીત રહેતા રૅશનાલીસ્‍ટોની સ્‍થીતી સહદેવ જોશી જેવી થાય છે. સહદેવને ભવીષ્‍યમાં આવનારી આપત્તીઓની જાણ થઈ જતી હતી; પરન્તુ એને પુછવામાં ના આવે ત્‍યાં સુધી એ કોઈને જણાવી શકતો નહોતો. લાક્ષાગૃહમાં આગ લાગવાથી પાંડવોનો જીવ જોખમમાં આવી પડયો ત્‍યારે સહદેવ જાણતો હતો કે એ લાક્ષાગૃહમાં એક ભોંયરુ છે; પણ એ જણાવી ના શક્‍યો. મોડા મોડા યુધીષ્‍ઠીરને સહદેવની એ શક્‍તીનો ખ્‍યાલ આવતાં તેમણે સહદેવને પુછ્યું અને સૌનો જીવ બચી ગયો.

અન્ધશ્રદ્ધાથી ભડભડ બળતા જીવનના લાક્ષાગૃહમાંથી બહાર નીકળવા માટે રૅશનાલીઝમની વીદ્યા ઉપયોગી થઈ શકે છે; પરન્તુ ધાર્મીકો લાક્ષાગૃહમાં બળી મરવા કૃતનીશ્ચયી છે. તેઓ રૅશનાલીસ્‍ટોની કોઈ વાત કાને ધરવા તૈયાર નથી. તેમની સતત એ ફરીયાદ રહી છે કે રૅશનાલીસ્‍ટો ધર્મદ્રોહી છે. તેઓ ભારતની ઉજ્જવળ ધર્મ સંસ્‍કૃતીને બદનામ કરી રહ્યા છે.

આસ્‍તીક્‍તા નાસ્‍તીક્‍તાનો મુદ્દો હર યુગમાં વીવાદાસ્‍પદ રહ્યો છે; પરન્તુ એ સીવાયના અન્‍ય મુદ્દાઓ પર વીચારતાં એવું લાગ્‍યા વીના નથી રહેતું કે મનુષ્‍ય જીવનની પ્રત્‍યેક એવી બાબતો જે વીશાળ જનસમુદાયને કષ્ટરુપ નીવડતી હોય તે અંગે માણસે બૌદ્ધીક વલણ અપનાવવું જોઈએ. ખોટા રીતરીવાજો, નીરર્થક કર્મકાંડો, ખોટી જીવનરીતી કે અન્ધશ્રદ્ધાઓ ભારતમાંજ નહીં અમેરીકામાં ય પ્રવર્તતી હોય તો તેનો વીરોધ થવો ઘટે. બલકે કોઈ ઉત્‍સવ, રીત રીવાજ કે ધાર્મીક પ્રસંગ વીશાળ જનસમુદાયની સુખાકારી જળવાઈ રહે એ રીતે ન ઉજવાતા હોય તો તેનો સૌથી પહેલો વીરોધ ધર્મગુરુઓએ જ કરવો જોઈએ.

કૃષ્‍ણે માખણ ચોર્યું, મટકી ફોડી એ કૃષ્‍ણનાં બાલસહજ પરાક્રમો હતાં. પુખ્‍ત થયા બાદ કૃષ્‍ણે કદી એવું કર્યું નહોતું. કૃષ્‍ણ ભક્‍તોએ કૃષ્‍ણના એવા બાળ સ્‍વરુપનો કેવળ માનસીક આનન્દ માણીને અટકી જવું જોઈએ. સમગ્ર માનવ જાતનું કલ્‍યાણ થઈ શકે એવી ઘણી વાતો કૃષ્‍ણે ઉપદેશી છે, પરન્તુ તે બધું છોડી કૃષ્‍ણ ભક્‍તો મટકી ફોડવા જેવાં ક્ષુલ્લક, સગવડીયા, કર્મકાંડને વળગી રહ્યાં છે. ઑફીસમાં ટેબલ નીચેથી કટકી લેતો કર્મચારી ય મટકી ફોડી કૃષ્‍ણભક્‍ત હોવાનો દાવો કરે છે. મટકી ફોડવાને બદલે કટકી ન લેવાની પ્રતીજ્ઞા લેવામાં આવે તો કૃષ્‍ણનેય અધીક આનન્દ થઈ શકે.

ગત જન્‍માષ્ટમીના દીને મટકી ફોડવાની બાબતે એક ગામમાં ઝઘડો થયો. યુવાનોનાં માથાં ફુટી ગયા. કહે છે દર વર્ષે મટકી ફોડવાને મામલે ત્‍યાં ઝઘડો થાય છે. છતાં ગામ લોકોએ મટકી ફોડવાને નામે માથા ફોડવાનો ઉપક્રમ ચાલુ રાખ્‍યો છે. ઉત્‍સવોના ઉદ્દેશ્‍યો કલ્‍યાણકારી હોવા ઘટે. બચુભાઈ કહે છે- ‘સદીઓ પુર્વે માણસ ટયુબલાઈટને બદલે ફાનસ સળગાવતો. કૃષ્‍ણએ પણ કોડીયાના પ્રકાશે વાંચી મેટ્રીકની પરીક્ષા આપવી પડી હશે. દીવાળી ટાણે બાળ કનૈયાએ ફુલઝર કે તનકતારા નહોતા સળગાવ્‍યા. સમય સાથે બધું બદલાયું. હવે માણસે પણ બદલાવું રહ્યું!’

કૃષ્‍ણ ભક્‍તોએ ગુજરાતમાં લાખો મટકી નાહક ફોડી નાખવાને બદલે ગરીબોને વહેંચી દેવી જોઈએ. તેમ થશે તો એ મટકીફોડને અબૌદ્ધીકતાના લાંછનમાંથી બચાવી શકાશે. પરન્તુ જ્‍યાં સુધી ધર્મગુરુઓ એનો વીરોધ ના કરે ત્‍યાં સુધી સુધારો થઈ શકશે નહીં. બાવીસમી સદીમાં પણ મટકી અને કટકી સલામત રહેશે. કૃષ્‍ણએ સમગ્ર માનવ સંસ્‍કૃતીનું કલ્‍યાણ થઈ શકે એવો કર્મનો સુન્દર જીવનમન્ત્ર આપ્‍યો છે. પશ્ચીમના લોકોએ કર્મમન્ત્રને અપનાવી ચન્દ્ર અને મંગળ પર પહોંચી ગયા. આપણે રાશી, ભવીષ્‍ય, રાહુ, શની મંગળ અને ચોઘડીયાના ચક્કરમાં અટવાઈ પડયા. કેટલાંક તો વળી સવારે દોઢ કલાક ગીતા વાંચે અને ખીસ્‍સામાંય ગીતાની નાની પોકેટ એડીશન રાખે. બસમાં, ગાડીમાં, જ્‍યાં સમય મળે ત્‍યાં એકાદ બે શ્‍લોક વાંચી લે; પણ જીવનમાં અનીતી આચરવાની એક પણ તક ચુકતા નથી. તેઓ ઑફીસોમાંય કામચોરી કરવા ટેવાયેલાં હોય છે.

ઑફીસના એક પટાવાળાભાઈએ ફરીયાદ કરી– ‘હું જેની પાસેથી માછલી ખરીદું છું તે બહેન મને પહેલા ‘જયયોગેશ્વર’ કહે છે; પણ તેના ત્રાજવામાં ધડો એવો રાખે છે, ગ્રાહકોને ત્રણસો ગ્રામ જેટલું વજન ઓછું મળે છે. પ્રત્‍યેક ધર્મના અનુયાયીઓમાં વાણી અને વ્‍યવહાર વચ્‍ચે કીલોએ ત્રણસો ગ્રામ જેટલું છેટું પડી જાય છે. કોઈ પણ ધર્મ માણસના મનના ત્રાજવાનો ધડો ઠીક ન કરી શકતો હોય તો એ ધર્મની અધુરપ લેખાય.

હું એક બહેનને ઓળખું છું જે રામ નામના મન્ત્ર લખવાની ચોપડી ઓફીસમાં લઈ આવે છે અને રોજ ચાલુ ઑફીસે રામનામ લખે છે. પણ કોઈ ગ્રાહક કામ કરી આપવા વીનન્તી કરે તો તેને  પાંચ દીવસ પછી બોલાવે છે. એ બહેનને ચાલુ ઑફીસે મન્ત્ર લખવાનો સમય મળે છે–  કામ કરવાનો નહીં! આપણે પ્રમાણીક્‍તા, પરીશ્રમ, અને બુદ્ધીગમ્‍ય જીવનવ્‍યવહારને બદલે દેવી દેવતાઓના શ્‍લોક લેખનની મીથ્‍યા લખાપટ્ટીમાં અટવાઈ ગયા. વર્ષોવર્ષ કૃષ્‍ણના માથાનો મુકુટ અને પીળું પીતામ્બર બદલાતા રહ્યાં. કૃષ્‍ણને નીત નવા જરકસીજામા પહેરાવતા રહ્યા; પણ આપણા જર્જરીત વીચારોના વાઘા એના એ જ રહ્યાં!

ધર્મમાં શ્રદ્ધા અને ભક્‍તીની સાથોસાથ થોડાંક જીવનવીષયક, બૌદ્ધીક પરીવર્તનો  જરુરી છે. આજે કોઈ ધર્મગુરુ નેત્રદાન, કીડનીદાન, કે રક્‍તદાન કરવાની માનવઉપયોગી વાતો પ્રચારતો નથી. કોઈ ધર્મગુરુ મન્દીરને બદલે હૉસ્‍પીટલો કે શાળા કૉલેજો બાંધવાની હીમાયત કરતો નથી. સંસારની મોહમાયા ત્‍યજી આઠે પહોર ભગવાનની ભક્‍તી કરવાની એક જ રેકર્ડ તેઓ વગાડતા રહે છે. તેઓ કદી એવું કહેતાં નથી કે સારા વીચારો, સારા કર્મો અને સારી સોબત કરશો તો ઈશ્વરની ભક્‍તી વીનાય આ સંસારનો દરીયો સુખરુપ તરી જશો. બચુભાઈ કહે છે– ‘મેં આજપર્યંત એક પણ એવો ધર્મગુરુ જોયો નથી, જેણે લાખોની પ્રચંડ જનમેદની વચ્‍ચે હીમ્મતભેર કહ્યું હોય– જીન્દગીભર રામનામના મંજીરા, વગાડતા રહેશો તો ય કશો શુક્કરવાર નહીં વળે! બુદ્ધીને કામે લગાડો અને સખત પરીશ્રમ કરો. માણસ થયા છો તો માણસને સુખી કરવા બનતું બધું કરી છુટો. મોક્ષપ્રાપ્‍તી માટે ધર્મને નામે અનુત્‍પાદક ઉધામા કરવાને બદલે સારા, જનઉપયોગી કામ કરશો તો ધરતી પર જ સ્‍વર્ગ સ્‍થાપી શકાશે!

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com  પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 26મો લેખ, પુસ્તકનાં પાન 89થી 91 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 12/03/2018

12 Comments

  1. It is a very good article and we all can learn and implement in our life. I fully agree with author.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. દરેક ધર્મમાં ધાર્મિક ઉત્સવો ધર્મના એક અંગ સમાન ગણવામાં આવે છે, અને શ્રધ્ધાના એક પ્રતિક સમાન હોય છે. તેમ છતાં આ ઉત્સવોમાં ધર્મના મુળ સમાન માનવતાને ક્યારે પણ ન વિસરવું જોઈએ.

    ભારતમાં, પાકિસ્તાનમાં તથા બીજા અમુક દેશો માં દરેક ધર્મમાં વારે તહેવારે ઉજવાતા ઉત્સવોમાં થતા પૈસા, સમય તથા પર્યાવરણના બગાડ એ ક્યાંનું તર્કશાસ્ત્ર છે ?

    પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કરોડો માનવીઓ કહેવાતા ધાર્મિક ઉત્સવો પાછળ કરોડો કે અબજો નું આંધણ શા માટે કરે છે? શું પરમાત્માએ કહેવાતા ધાર્મિક ઉત્સવો પાછળ લખલુટ ખર્ચ કરવા માટે કોઈ આદેશો આપ્યા છે?

    જગતમાં રીબાતી માનવતા પાછળ શા માટે આ ખર્ચાઓ નથી કરવામાં આવતા? તેના બદલે પરમાત્માને રીઝાવવા માટે આંધળો ખર્ચ કરીને શું માનવજાત સ્વર્ગનો પરવાનો જગતમાંજ પ્રાપ્ત કરવા માંગે છે?

    અહિં પ્રષ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ પ્રકારના ઉત્સવો પ્રસંગે પૈસા, સમય તથા પર્યાવરણનો બગાડ કરીને લાંબા લાંબા જુલુસો કાઢીને જ શ્રધ્ધા વ્યક્ત કરી શકાય છે ? જગતના કરોડો ભુખ્યાઓને ભુલીને કરોડો રુપિયાનો ધુમાડો કરીને એમ માને છે કે ધનનો ધુમાડો કરવાનું આ કાર્ય મહા પુણ્ય સમાન છે! ક્યાંનું તર્કશાસ્ત્ર છે આ ?

    ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.

    કાસીમ અબ્બાસ,
    ટોરંટો, કેનેડા

    Liked by 1 person

  3. સુજ્ઞ દિનેશભાઇ, તમારી વાત જો સહુને ગળે ઉતરે તો દુનિયામાં દુઃખ ન રહે. પણ કમનસીબે ઉપર સ્વર્ગની લાલચે આપણે ધરતી પર નરક ઉભુ કર્યુ છે. ઉપર મેવા મિઠાઇ ખાવાની લ્હાયમાં ધરતી પર ઉપવાસ કરીને પુણ્ય કમાવવિચારો છતા અનાજે ભુખમરો વેઠીએ છીએ. ઉપર અપ્સરાના નાચગાનની મહેફીલ માણવા ધરતી પર સંયમ ને સાહજિક વૃતિઓનુ દમન કરીએ છીએ. વિચારો કે ભગવાના મંદિરોમાં સિક્યોરીટી ને તાળા રાખવા પડે, એની રથયાત્રા ને જુલુસમાં પોલીસ બંદોબસ્ત કરવો પડે તો એને સર્વશકિતમાન કહેવાય?એ પોતાનુ જાતે રક્ષણ ન કરી શકે તો એ મારા તમારા જેવાનુ શું રક્ષણ કરવાનો? જો એના ચરણમાં આવતા ભક્તો! ય ખીણમાં ગબડીન કે નદીના પ્રવાહમાં તણાઇ ને ધક્કામુક્કીમાં ચગદાઇને મરે તો ય એનુ રુંવાડુ ય ના ફરકે! કયાક આપણા શાસ્ત્રમાં લખેલુ જ હોવુ જોઇએ કે ભીડ કરે તે ભક્ત ને ભીડ ભાંગે તે ભગવાન.

    Liked by 1 person

  4. જેમણે પોતાના સ્વાર્થ માટે સડાચાર ફેલાવ્યો હોય તેઓ શા માટે સદાચાર શરુ કરે?

    Liked by 1 person

  5. પ્રત્‍યેક ધર્મના અનુયાયીઓમાં વાણી અને વ્‍યવહાર વચ્‍ચે કીલોએ ત્રણસો ગ્રામ જેટલું છેટું પડી જાય છે.
    once again very nicely expressed views and message to all dharmguru to be practice and useful to society. thx

    Liked by 1 person

  6. જીન્દગીભર રામનામના મંજીરા, વગાડતા રહેશો તો ય કશો શુક્કરવાર નહીં વળે! બુદ્ધીને કામે લગાડો અને સખત પરીશ્રમ કરો.
    આ લેખનુ સનાતન સત્ય એટલે ઉપરનુ વાક્ય.
    રેશનાલીઝમ ઝીંદાબાદ હૈ, ઝીંદાબાદ રહેગા. કમસે કમ અભીવ્યક્તીવાળા મંજીરા વગાડે નહીં ,તોય ઘણું. વાસ્તવ કરતા ઉત્સવમાં જે પડ્યા છે, તે બધા ગાંડાલાલ છે.
    એક જ યાદ રાખો- જીવન જ એક ઉત્સવ છે. તેને ભરપુર માણી લો.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી”કર્મ”,હિંમતનગર મો. 9426727698

    Liked by 1 person

  7. Your Bachubhai is wrong— Dharma (Religion) has always been clearly opposed to Buddhi (Intelligence) since ancient times. A Dharma Guru will never encourage anybody to use his Buddhi. He simply cannot do it.
    Good article, thanks. — Subodh Shah — USA.

    Liked by 1 person

  8. મિત્રો,
    અભિવ્યક્તિના જૂના લેખોની પહેલાં બુઘ્ઘના વિચારો , તેના શિષ્યોને માટે હતા, તે છપાતા. હવે દેખાતા નથી.
    તેમાં બુઘ્ઘના સંદેશામાં ઘણી સલાહ સારી અને આજના સમયને અનુરુપ હતી. અને આપણે જોઇઅે છીઅે કે …..બઘું પેપરના પાને શોભે છે. થીયરી અને પ્રેક્ટીકલ લાઇફ ૧૮૦ ડીગ્રી અેકબીજાથી દૂર છે. અને તે સત્ય છે. સ્વાર્થ…..અેક થાંભલો છે જેને બઘા જ વળગીને જીવન જીવે છે. કથાકાર હોય કે લેખક હોય કે પૂજારી કે યોગી હોય. અને સ્વાર્થની ડેફીનેશનમાં પહેલે પાને પૈસા છે.
    કૃષ્ણને દાખલા આપવા માટે લાવવા મને ના ગમ્યુ. વારતા છેવટે વારતા જ રહે.

    સ્મશાન વૈરાગ્યની જીંદગી જીવનાર ક્યાંથી સદકરમો કરવાનો ?

    જે ચાલે છે…જે ચર્ચાયુ છે …જેને ચર્ચી રહ્યા છીે તે જૂનો અને ઘર કરીને બેઠેલો રોગ છે.

    અેકની અેક વાત ને પાણી વલોવવા જેવું લાગે છે…ત્યાં માખણ ક્યાંથી મળે ?

    રવિશંકર મહારાજને કોઇ યાદ કરે છે ? તેના વિેષે કોઇઅે લેખ લખ્યો ? મહાત્મા ફૂલેને કોઇ યાદ કરીને તેના જેવા કરમો કરવાની કોઇ સોગંદ લે છે ?

    રસ્તા બ્લોક કરીને મોરારી બાપુની કથા કરાવનાર અને સાંભળનાર આપણા પોતાના માંના જ છે.
    કોઇને શહીદ નથી થવું…સલાહ આપવી છે. રોગ નથી મટાડવો….રોગ થયાના ગીત ગાવા છે.

    પોલીટીશીયનો જેવા ( મોટે ભાગેના) સમાજના દુશ્મનો આ દુનિયામાં કદાપી નહિ મળે. તેમને અરાજકતામાં જ રસ છે. રાજ કરવા માટે.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. તથાગત ગૌતમ બુદ્ધનો સંદેશ સાદર છે.
      …ગો.મારુ

      Like

  9. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
    આજે તથાગત્ નો સંદેશો જોયો. તમે જે રીતે આજે મુક્યો છે તે પણ ખૂબ ગમ્યુ. તે તો અભિવ્યક્તિનું હાર્ટ…હૃદય છે.
    આમ જ રહેવા દેજો જેથી લેખક અને વાચક બન્ને દુનિયાનું સત્ય જોઇ શકે, વાંચી શકે અને મન કરે તો જીવનમાં ઉતારી શકે.
    અંઘશ્રઘ્ઘાને દૂર કરવાનો આ સંદેશો….હજારો વરસોથી જીવંત છે છતાં આપણા સમાજમાં અંઘશ્રઘ્ઘા હજી જીવંત પણ છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. आपणा कथाकारो केआपणी सरकार लोकोने सुधारी शकवानी नथी -हरिऔमवाळा મોटा … આ एमनुं વચન ૧૦૦ ટका सिद्धिने वर्युं છે ए આપણી नालायकी પૂરવાર કરે છે બધા સાધુસંતો આપણને જાણે કોથળામાં પાંશેરી
    રાખીને સ્વર્ગ કે અન્ય સમૃદ્ધિ બતાવે છે ને આપણને મૂરખ ને બેવકૂફ બનવામાં મઝા આવે છે માત્ર પૂ. મોરારી બાપુએ સ્પષ્ટ કહ્યું છે કે મારી કથા સાંભળવા માત્ર યુવાન આગળ કે જેમણે જિંદગી જીવવાની છે
    ઉંમરવાન લોકો ભલે આવે પણ મારી કથાથી કોઈને સ્વર્ગની સીડી મળશે નહિ તેની લોકો ખાતરી રાખે …

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s