વીવેકનીષ્ઠાથી જીવનવીકાસ

વીવેકનીષ્ઠાથી જીવનવીકાસ

લેખક : ગોવીન્દ મારુ ‘અભીવ્યક્તી

સંવાદ સંવર્ધક : રમેશ સવાણી

  પાત્ર પરીચય

  1. ગોવીન્દ : કૉલેજમાં અભ્યાસ કરતો યુવક
  2. મમ્મી : ગોવીન્દની માતા
  3. ધનંજય, મયુર અને મીહીર : ગોવીન્દના મીત્રો, સહપાઠી
  4. મમ્મી : મીહીરની માતા
  5. પવન : મયુરના મોટા ભાઈ, ડૉક્ટર
  6. રુદ્ર દત્તજી : જ્યોતીષી

દૃશ્ય 1

(ચાર–પાંચ મીત્રો કૉલેજ જવા નીકળે છે)

ગોવીન્દ : મમ્મી! કૉલેજ જાવ છું.

મમ્મી : ઉભો રહે દીકરા. આ એક ચમચી દહીં ખાઈને જા.

ગોવીન્દ : દહીં ખાઈને, કેમ?

મમ્મી : કૉલેજનો પ્રથમ દીવસ છે. શુકન માટે.

ગોવીન્દ : મમ્મી! શુકન–અપશુકન એ બધી અન્ધશ્રદ્ધા છે!

મમ્મી : દીકરા એને શ્રદ્ધા કહેવાય. હું જ નહીં, લાખો લોકો એવું માને છે.

ગોવીન્દ : મમ્મી! લાખો લોકો માને છે, એટલે અન્ધશ્રદ્ધા– શ્રદ્ધા બની જતી નથી. શુકન–અપશુકનની વાત જ ખોટી. ગાય સામે મળે તો શુકન અને બીલાડી આડી ઉતરે તો અપશુકન? એક છીંક આવે તો અપશુકન અને બે છીંક આવે તો શુકન? મમ્મી આ બધું સ્વાર્થી લોકોએ ઉભું કરેલું ષડયન્ત્ર છે!

મમ્મી : જે હોય તે, દહીંમાં સાકર છે. મીઠું મોં કર્યા પછી જ જવું જોઈએ.

ગોવીન્દ : મમ્મી તારી લાગણી છે એટલે લાવ. બાકી શુકન–અપશુકનમાં હું માનતો નથી!

મમ્મી : દીકરા, તે મારી લાગણીની કદર કરી એ વીવેક કહેવાય. વીવેક તો બુદ્ધીશાળી લોકોનું ઘરેણું છે! (ગોવીન્દ મીઠું મોઢું કરે છે)

ધનંજય : ગોવીન્દ! જલદી કર. કૉલેજનો સમય થઈ ગયો છે.

મયુર : હા, ગોવીન્દ! જલદી આવ. બસનો પણ સમય થયો છે.

ગોવીન્દ : ચાલો, ચાલો. જલદી જઈએ.

ધનંજય : ગોવીન્દ! ઉભો રહે. બીલાડી આવે છે. અરે! બીલાડીએ આડી પડી!

મયુર : મારી મમ્મી કેહેતી હતી કે બીલાડી આડી ઉતરે તો અપશુકન થાય!

ગોવીન્દ : મયુર! બીલાડી કે ઉંદર સામે મળે કે આડા ઉતરે તો અશુભ ન થાય! જો સીંહ કે વાઘ સામા મળે તો જરુર અશુભ થાય!

ધનંજય : અરે ગોવીન્દ! બીચારી બીલાડી માટે જ આજ અશુભ દીવસ હશે! બીચારી ટ્રક નીચે કચડાઈ ગઈ!

ગોવીન્દ : એનો અર્થ એ થયો કે આપણને જોવાથી બીલાડીનો દીવસ અશુભ રહ્યો! (બધાં હસે છે) મીત્રો, શુભ અશુભની વાત જ ખોટી. શુભ ચોઘડીયું, અને અશુભ ચોઘડીયું! મને કહો, શુભ લગ્ન, અશુભ છુટાછેડામાં કેમ પરીણમે છે? કુંવારી કન્યા સામે મળે તો શુકન અને વીધવા બહેન સામે મળે તો અપશુકન? જમણી હથેળીમાં ખંજવાળ આવે તો ધનપ્રાપ્તી થાય, અને ડાબી હથેળીમાં ખંજવાળ આવે તો લક્ષ્મી જતી રહે? અમાસ અશુભ, અને પુનમ શુભ? તેરનો આંકડો અશુભ અને બાકીના આંકડા શુભ? કાળો રંગ અશુભ અને લાલ રંગ શુભ? મીત્રો, આ બધી અન્ધશ્રદ્ધા–વહેમ છે. એની પાછળ કોઈ વૈજ્ઞાનીક કે તાર્કીક કારણો નથી. માનસીક ડરના કારણે લોકો આવી વાતો માને છે.

મયુર : દોસ્તો, આપણો મીત્ર મીહીર ઘણાં દીવસથી માંદો છે, એની ખબરઅન્તર પુછીએ!

ગોવીન્દ : કૉલેજ પુરી થયા પછી જઈશું!

દૃશ્ય 2

(ગોવીન્દ, ધનંજય અને મયુર, મીહીરના ઘેર પહોંચે છે)

ગોવીન્દ : દોસ્ત મીહીર! કેમ માંદો જ રહે છે? મયુરના મોટા ભાઈ પવનભાઈ  ડૉક્ટર છે. એ ખુબ જ સારા ડૉક્ટર છે. મીહીરને ડૉ. પવનભાઈની પાસે લઈ જઈએ!

મીહીરની મમ્મી : અરે ગોવીન્દ! કોઈ ડૉક્ટરથી સારું થાય તેમ નથી. કાળીયો ભુવો કહેતો હતો કે નડતર છે! અમે દાણા જોવડાવ્યા. મરઘો ચડાવ્યો. કદાચ સારું થઈ જાય!

ગોવીન્દ : અરે બા, તમે ભુવાના ચક્કરમાં ક્યાં ભેરવાયા? મીહીરને સારા ડૉક્ટર પાસે લઈ જવાની જરુર છે. ગમે તેવો સારો ભુવો પણ આમાં કઈ કરી શકે નહીં!

મીહીર : ગોવીન્દ! મને વીશ્વાસ છે કે કાળીયો ભુવો જ સારું કરશે. અમારા કુટુમ્બીજનો કાળીયા ભુવાની દવા લે છે!

મયુર : મીહીર! ગોવીન્દ સાચું કહે છે. ભુવો જ્યારે માંદો પડે છે ત્યારે તે ડૉક્ટરની દવા લે છે, અને આપણને ડૉક્ટર પાસે જવાની ના પાડે છે! આ તો છેતરપીડી છે!

ધનંજય : મીહીર, તારી અન્ધશ્રદ્ધાને કારણે તારી તબીયત બગાડી છે. સારું થતું નથી. આપણે ડૉ. પવન પાસે જઈએ. લેબોરેટરી ટેસ્ટ કરાવીએ.

મીહીરની મમ્મી : દીકરાઓ! અમારી સ્થીતી સારી નથી. પારકાં કામ કરીને ઘર ચલાવું છું. ડૉક્ટર સાહેબની ફી અમને ન પોસાય. અમને કાળીયા ભુવાના આશરે જ છોડી દો.

ગોવીન્દ : બા, તમે ડૉક્ટરની ફીની ચીંતા ન કરો. અમારી સાથે ચાલો.

દૃશ્ય – 3

(ગોવીન્દ, ધનંજય અને મયુર­મીહીરને તેની મમ્મી સાથે ડૉક્ટર પાસે લઈ જાય છે)

મીહીર : ડૉક્ટર સાહેબ! પન્દર દીવસથી તાવ–ઉધરસ ખુબ જ છે.

ડૉક્ટર : મોડું થયું. વહેલાસર દવા લેવી જોઈએ.

ગોવીન્દ : ડૉક્ટર સાહેબ, મીહીર તો ભુવાની દવા લે છે. આ તો અમે સમજાવીને અહીં લાવ્યા છીએ.

ડૉક્ટર : સારું થયું. (મીહીરને તપાસીને) મીહીરને ટીબી થયો છે. તમે મોડા પડ્યા હોત તો મીહીરે જીવ ગુમાવવો પડત. નીયમીત દવા લેવાથી સારું થઈ જશે.

મીહીરની મમ્મી : ડૉક્ટર સાહેબ, તમે અમારી આંખ ખોલી નાખી. હવે ભુવા પાસે નહીં જઈએ.

દૃશ્ય – 4

ધનંજય : (છાપામાં જોઈને) મીત્રો! 151% ગેરંટી! રુદ્રદત્ત જ્યોતીષીનો દાવો છે. નડતા ગ્રહો ફેરવી નાખે છે. નડતર દુર કરે છે. ધારેલી વ્યક્તી સાથે મીલન કરાવે છે. ઈચ્છા થાય તે હાજર કરાવે છે. ઈચ્છીત ફળ ન મળે તો પૈસા પાછા!

મયુર : રુદ્રદત્ત જ્યોતીષી પોતે જ પોતાનું ભાગ્ય કેમ પલટી નાખતા નથી? તેને છાપામાં જાહેરખબર કેમ આપવી પડે છે? જાહેખબર વીના એને ગ્રાહકો મળી જાય, તેવી વ્યવસ્થા કેમ કરતા નથી?

ધનંજય : રુદ્રદત્ત જ્યોતીષી પાસે ગ્રહોને તાબે કરવાની વીદ્યા છે કે નહીં, એની ચકાસણી કરવી જોઈએ!

ગોવીન્દ : ગ્રહોનું તુત છે. ગ્રહો ન નડે. રુદ્રદત્ત જેવા જ્યોતીષી જરુર નડે!

મયુર : ગોવીન્દ! મારી ઈચ્છા છે કે એક વખત રુદ્રદત્તને મળીએ. મારું મન વાંચવામાં લાગતું નથી. છોકરીના વીચાર આવ્યા કરે છે. બધું રંગીરંગીન  દેખાય છે!

ગોવીન્દ : મહેશ, તારી ઉમ્મર એવી છે કે તને બધું રોમેન્ટીક લાગે!

ધનંજય : ચાલો દોસ્તો, રુદ્રદત્ત જ્યોતીષીની ચકાસણી કરીએ.

દૃશ્ય – 5

(દેરક મીત્રો રુદ્રદત્ત જ્યોતીષી પાસે જાય છે)

ગોવીન્દ : પાય લાગુ રુદ્રદત્તજી! કૃપા કરો. અમને શું નડે છે તે કહો. નડતર દુર કરો.

ધનંજય : રુદ્રદત્તજી! મારે નોકરી અને છોકરીની જરુર છે! મહેનત કરવા છતાં બેમાંથી કોઈનો ભેટો થતો નથી! ચીંતા થયા કરે છે. હું કાયમ બેકાર જ રહીશ? વાંઢો જ રહીશ?

રુદ્રદત્ત જ્યોતીષી : (ધનંજયનો હાથ જોઈને) બેટા! તેરા ભવીષ્ય બહુત અચ્છા હૈ. અચ્છી નોકરી મીલેગી. લેકીન શાદી કા યોગ નહીં હૈ!

ધનંજય : શાદી ન થાય તો શું કામનું? કોના માટે નોકરી કરું?

રુદ્રદત્ત જ્યોતીષી : ચીંતા મત કર. શાદી હો સકતી હૈ. વીધી કરની પડેગી. દસ હજાર કા ખર્ચ હોગા!

ધનંજય : રુદ્રદત્તજી, તમે જ કહ્યું કે મને સારી નોકરી મળશે. ત્યારે પૈસા આપીશ. વીધી અત્યારે જ શરુ કરો.

રુદ્રદત્ત જ્યોતીષી : બેટા, બીના પૈસા વીધી શુરુ નહીં હો સકતી! વીધી કી અસર નહીં હોગી!

ગોવીન્દ : રુદ્રદત્તજી, મારી હસ્તરેખા જોઈને કહો કે–

રુદ્રદત્ત જ્યોતીષી : બેટા, તુમ્હારા નામ ક્યા હૈ?

ગોવીન્દ : રુદ્રદત્તજી! તમે જ્યોતીષી છો. જોશ જુઓ છો. ભવીષ્ય જુઓ છો. શું નડે છે તે જુઓ છો. મારું નામ શું છે, એની તો તમને ખબર જ હોયને?

રુદ્રદત્ત જ્યોતીષી : બેટા! તુમ્હારા નામ જાનને કે લીએ મુઝે વીધી કરની પડેગી. વીધી કે લીએ ચાર્જ હોતા હૈ.

ગોવીન્દ : રુદ્રદત્તજી! વીધીની જરુર નથી. મારું નામ ગોવીન્દ છે.

રુદ્રદત્ત જ્યોતીષી : બેટા ગોવીન્દ! તુમ્હારા ગુરુ તુઝે પરેશાન કર રહા હૈ, ઔર શુક્ર તો તેરે ઉપર હી બૈઠા હુઆ હૈ!

ગોવીન્દ : રુદ્રદત્તજી! મારું શું થશે?

રુદ્રદત્ત જ્યોતીષી : ગોવીન્દ! ચીંતા મત કર. તુજે દસ હજાર કી વીધી કરની પડેગી. ફીર દેખ, ગુરુ ઔર શુક્ર તેરી સેવા કરેંગે!

ગોવીન્દ : રુદ્રદત્તજી! મારો મીત્ર મીહીર બીમાર છે. સારું થતું નથી. ડૉક્ટર કહે છે કે ટીબી છે!

રુદ્રદત્ત જ્યોતીષી : ગોવીન્દ! મીહીર કો શની ધોખા દે રહા હૈ. વીધી કરની પડેગી!

(એ સમયે, રુદ્રદત્ત જ્યોતીષીના ઘરમાંથી ડૉ. પવન બહાર નીકળે છે)

ડૉક્ટર : રુદ્રદત્તજી! તમારી પત્નીને ન્યુમોનીયા થયો છે. મેં દવા લખી આપી છે. સમયસર લેવાની છે. હું નર્સને મોકલું છું તે ઈંજેક્શન આપી જશે. બે દીવસમાં સારું થઈ જશે!

રુદ્રદત્ત જ્યોતીષી : ડૉક્ટર સાહબ! આભાર.

(ડૉક્ટર જાય છે. સૌ રુદ્રદત્ત જ્યોતીષીને તાકી રહે છે)

ગોવીન્દ : દોસ્તો! આ રુદ્રદત્ત જ્યોતીષી લોકોના જોશ જુએ છે. નડતા ગ્રહો દુર કરે છે. અને પોતાની પત્નીની સારવાર ડૉક્ટર પાસે કરાવે છે! આ જ્યોતીષી પોતાની સ્થીતી જ સુધારી શકતા નથી, અને લોકોની સ્થીતી સુધારવા માટે વીધી કરે છે! જ્યોતીષી પોતે પોતાને ઉપયોગી થઈ શકતો નથી, અને બીજાના નડતર દુર કરવાની ડંફાસ મારે છે! જ્યાં અન્ધશ્રદ્ધા હોય ત્યાં બાવા, બાપુઓ, શાસ્ત્રીઓ, શ્રીશ્રીઓ, પ્રગટ બ્રહ્મસ્વરુપો, ભુવાઓ, મુંજાવરો, મૌલવીઓ, પાદરીઓ લોકોને ઠગતા રહેશે. મીત્રો! આપણી બંધરણીય ફરજ છે કે આપણે વૈજ્ઞાનીક અભીગમ અને વૈજ્ઞાનીક મીજાજ કેળવીએ. અન્ધશ્રદ્ધાથી મુશ્કેલીઓ દુર ન થાય, ઉલટાની વધે. વીવેકનીષ્ઠાથી જ જીવનવીકાસ થાય. જીવનમાં સારું કે ખરાબ જે થાય તેનો આધાર ગ્રહો ઉપર નથી, આપણા વીચારો અને કાર્યો ઉપર હોય છે. જેવું વીચારીએ તેવા થઈએ અને જેવું કરીએ તેવું પામીએ. અન્ધશ્રદ્ધાવાળા વીચારો અને કાર્યો જ મુશ્કેલી સર્જે છે, દુ:ખ આપે છે. વીવેકી અને બુદ્ધીનીષ્ઠ વીચારો અને કાર્યો સુખ અને આનન્દ તરફ લઈ જાય છે.

સમાપ્ત

લેખક : ગોવીન્દ મારુ ‘અભીવ્યક્તી

સંવાદ સંવર્ધક : રમેશ સવાણી

લેખકસમ્પર્ક : 

ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, પોસ્ટ : એરુ એગ્રીકલ્ચર કોલેજ – 396 450. વીજલપોર. જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 મેઈલ : govindmaru@gmail.com

સંવાદ સંવર્ધકસમ્પર્ક :

રમેશ સવાણી, e.Mail: rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–03–2018

12 Comments

  1. સ્નેહી શ્રી ગોવિંદભાઇ,
    સરસ. ગમ્યુ…તમારું આ પ્રથમ પગલું મજબુત રીતે મંડાયુ છે. અભિનંદન.
    નવું નવું આપતા રહો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. અભિનંદન, ગોવિંદભાઈ. નાટક સરળ અને સારો બોધ આપી જાય છે.

    Liked by 1 person

  3. ગોવિંદભાઈ,
    હાલ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવાથી ખૂબ ટાંકણે રજૂ થયેલું આ નાટક માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં માબાપોએ પણ ખાસ વાંચવા જેવું છે. અંદ્ધશ્રદ્ધા આપણા દેશનો સર્વવ્યાપી રોગ છે. તમારા જેવા ડોક્ટરો (રેશનાલિસ્ટો) “અભિવ્યક્તિ” ના ઈંજેક્શનો વડે જે પ્રયત્ન કરી રહ્યા છો તે કાબિલેદાદ છે. ડોક્ટર ઈંજેક્શન લગાવે ત્યારે રોગ સારો થશે કે નહીં તેની ચિંતા કરતો નથી– એની પાસે જે સાધનો અને જ્ઞાન છે તે વડે એ દરદીને સાજો કરવાની પ્રમાણિક કોશિષ કરે છે. તમારા “અભિવ્યક્તિ” બ્લોગને હું એ પ્રકારનું પવિત્ર ઈંજેક્શન ગણું છું. આજે આવા લાખો બ્લોગ દ્વારા રેશનાલિઝમના પ્રચારની જરૂર છે પણ તમે દશ વર્ષથી “અભિવ્યક્તિ” નો દીવડો જલાવીને બેઠા છો તે માટે તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આખા દેશને એક રાતમાં સુધારી નાખવાની તમારી જીદ નથી પણ તમને સમજાયેલું રેશનાલિઝમ તમે સમાજ સમક્ષ મૂકતા રહો છો તે અતિ ઉત્તમ કક્ષાનું રેશનાલિઝમ ગણાય. બેસ્ટ ઓફ લક…!! –દિનેશ પાંચાલ

    Liked by 1 person

  4. “અભિવ્યક્તિ” બ્લોગને હું એ પ્રકારનું પવિત્ર ઈંજેક્શન ગણું છું-દિનેશ પાંચાલ. આભાર.

    Liked by 1 person

  5. અભીવ્યક્તી બ્લોગના ટાઇટલ સાથે નવા રૂપમાં બુધ્ધની કલરફુલ ઇમેજ સૌને આકર્ષિત કરે છે. બ્લોગના કસબી શ્રીમાન ગોવિંદભાઇ મારુનો નાટક દ્વારા અંધશ્રધ્ધાની અર્થી ઉઠાવવાનો આ પ્રયોગ ગમ્યો. નાટક વાંચવુ અને ભજવાયેલુ નાટક જોવુ એ બંનેની અસરકારક્તામાં ઝાઝો ફરક હોય છે. પાત્રોની ગૂંથણી દ્વારા સરળ ભાષાશૈલીમાં લખાયેલા નાના નાના સંવાદો આંખ ઉઘાડી નાખવા કાફી છે. આવતીકાલના યુવા માનસને અંધશ્રધ્ધાથી દૂર રાખવા અને રેશનાલીઝમની સમજ કેળવવા આવા નાટકો જરૂરથી ભાગ ભજવશે. બુધ્ધને કીતાબો વાંચીને સમજવા કરતા તેમની ટી.વી. સીરીયલ જોઇને સમજવા આસાન લાગે છે.
    આજે મીડીયાનો જમાનો છે ત્યારે ગોવિંદભાઇ જેવા લેખકોના આવા નાટકોનું જો વીડીયો રૂપાંતર થાય અને યુ-ટ્યુબ પર મુકાય તો સોનામાં સુગંધ ભળે. શાળા કોલેજોમાં આ નાટકને વિદ્યાર્થીઓ ભજવે તો અનેક લોકો સુધી સંદેશ પહોંચે.
    આશા રાખીએ કે કોઇ તે માટે જરૂરથી આગળ આવશે.
    રેશનાલીઝમના ફેલાવા માટે અંધશ્રધ્ધાથી મુક્ત થઇ શુધ્ધ અને બુધ્ધ બનીએ એવી અપેક્ષા રાખુ છું. ગોવિંદભાઇ આગે બઢો,,,,,
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર મો. 94267 27698

    Liked by 1 person

  6. સારા વિચારોના પ્રસાર માટે નાટકનું માધ્યમ ખુબ અસરકારક બને છે .લેખકશ્રીનો આ પ્રયોગ ગમ્યો.

    Liked by 1 person

  7. સરસ. નાટક ગમ્યું.
    વિડિયો તો જરૂર બનશે જ, પણ ત્યાં સુધી આ લિંક દરેક ગૃપમાં મોકલતા રહો અને આવા બીજા નાટકો લખતા રહો. તમારા પ્રયત્નોને સફળતા મળે એવી શુભેચ્છા.

    Liked by 1 person

  8. ‘રાષ્ટ્રીય સેવા યોજના’ (NSS)ની કાર્યશીબીરોમાં રાબેતા મુજબની પ્રવૃત્તીઓ તો કરવામાં આવે જ છે. તે સાથે શહેર/ગામડાંના લોકોમાં ભારતીય બંધારણના ‘નાગરીકોની ફરજો’ અંગેના ચેપ્ટરમાં નીર્દેશેલા આર્ટીકલ 51 એ (એચ) અન્વયે વૈજ્ઞાનીક વલણો કેળવવા માટે ‘શેરી નાટકો’ યોજવા અંગે આ લખનારે કમીશ્નરશ્રી, ‘રાષ્ટ્રીય સેવા યોજના’ ગાંધીનગરને એક બેઠકમાં સુચન કર્યું હતું. તે વેળા આ નાટક લખીને, મેં મારી કચેરી મારફત ગાંધીનગર મોકલ્યું હતું; પરન્તુ તે કચરા પેટીમાં ધરબાઈ ગયું! તેવું ફરી ન થાય તે માટે રસ ધરાવતા મીત્રો આ નાટકનો વીડીયો બનાવે કે રંગમંચ પર ભજવશે તો રૅશનાલીઝમનો દીવડો વધુ પ્રજ્વલીત થશે, તેવી મારી અપીલ છે.

    આ નાટકના સંવાદોને લેખકમીત્ર શ્રી. રમેશભાઈ સવાણીસાહેબે સરળ અને બોધદાયક બનાવીને સંવર્ધન કર્યું છે તે બદલ આદરણીય સવાણીસાહેબનો ખુબ ખુબ આભાર..

    તમામ પ્રતીભાવકમીત્રોએ મને પ્રોત્સાહીત કર્યો છે, તે માટે તેમનો હૃદયપુર્વક ખુબ ખુબ આભાર..

    ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી’, ગોધરા અને ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન’ના સંયુક્ત ઉપક્રમે લોકાર્પણ થયેલ બે યુ–ટ્યુબ વીડીયો ‘પાખંડ’ અને ‘આવાઝ’ તેમ જ આવા બીજા ઑડીયો/વીડીયો માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લોગ પર આજથી નવું પેજ શરુ કર્યું છે. આ પેજ પર જવા માટે લીન્ક નીચે આપી છે…

    https://govindmaru.wordpress.com/youtube-videos/

    …ગોવીન્દ મારુ

    Like

Leave a reply to Dhanesh Bhavsar Cancel reply