સમાજમાં કથાકારોની ઉપયોગીતા કેટલી…?

29

સમાજમાં કથાકારોની ઉપયોગીતા કેટલી…?

– દીનેશ પાંચાલ

કૉમ્‍પ્‍યુટર અને ઈન્‍ટરનેટના આજના યુગમાં હવે રામકથાઓ કેન્‍સરની ગાંઠ પર જખ્‍મેરુઝ જેવી બીનઅસરકારક બની ગઈ છે. યુવાવર્ગે એવી કથાઓ તરફથી મો ફેરવી લીધું છે. તેમને તેમની સમસ્‍યાઓનું સમાધાન કથામાંથી મળતું નથી. કથાકારો રામ રાવણના ચવાઈને ચીકણા બની ગયેલા કીસ્‍સાઓનું પીષ્‍ટપેષણ કરીને લોકોની ધાર્મીક ભાવનાને ઍન્‍કેશ કરતા રહે છે.

આપણે જોઈએ છીએ, કથાકારો પાસે જાગતીક સમસ્‍યાઓનું કોઈ ચીંતન નથી. હનુમાનજીના પુછડાંથી આખી લંકામાં આગ લાગી તેનું વર્ણન તેઓ મલાવી મલાવીને કરે છે; પરન્તુ કારગીલ યુદ્ધથી દેશમાં ક્‍યાં ક્‍યાં આગ લાગી છે તેનું ચીંતન તેમની પાસે નથી. રામચન્દ્રજીએ સાગર પર સેતુ બાંધવામાં કેટલી મુશ્‍કેલી વેઠેલી તેની વાતો કરે છે; પરંતુ નર્મદા યોજનામાં કેટલાં લોકો હવનમાં હાડકાં નાખે છે તેની ચર્ચા કે ચીંતા તેઓ કરતાં નથી. તેઓ પંચમહાભુતોમાં ભળી જતા નશ્વરદેહની વાતો કરે છે; પરંતુ વર્ષે દહાડે સ્‍મશાનમાં બાળવામાં આવતી ચીતાઓમાં જંગલોના જંગલો ફુંકાઈ રહ્યાં છે તે અંગે તેમને કશી ફીકર નથી. લોકોમાં વધી રહેલી નાસ્‍તીક્‍તાથી તેઓ દુઃખી છે; પરંતુ બે સેકન્‍ડમાં ચાર બાળકોની રફતારથી વધી રહેલી વસતીનું તેમને કોઈ દુઃખ નથી. તેઓ બ્રાહ્મણને દાન કરવાનો મહીમા સમજાવે છે; પરંતુ રક્‍તદાન કે ચક્ષુદાન અંગે એક હરફ સુદ્ધાં ઉચ્‍ચારતાં નથી.

થોડા વર્ષો પુર્વે વીજળીના ભાવ વધારા સામે લોકો તોફાને ચઢ્યાં હતાં. પ્રશ્ન થાય છે જે સમાજ વચ્‍ચે કથાકારો જીવે છે તેની સમસ્‍યાઓથી તેઓ અલીપ્ત શી રીતે રહી શકે? તેમણે એ અંગે નુકતેચીની કરી લોકોના કાન આમળીને કહેવું જોઈએ- ‘બેહદ ભાવવધારો એ પ્રજા સાથેનો અન્‍યાય જરુર છે; પરન્તુ આખરે તો એ ભાવવધારો લોકો બેફામ વીજળીની ચોરી કરે છે તેનું માઠું ફળ છે! બે માળા ઓછી કરો પણ આવી ચોરી ના કરો! હું તો કહું આવી રામકથાઓમાં પણ વીજળીની વધુ પડતી રોશની ના કરવી જોઈએ. યાદ રાખો, જીવનમાં આ જન્‍મના બુરા કર્મોની સજા આવતા જન્‍મે ભોગવવી પડે છે; પણ આવી શાહીચોરીની સજા માટે આવતા જન્‍મ સુધી પ્રતીક્ષા કરવી પડતી નથી. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે…!’ કેટલા કથાકારો લોકોને આવી રોકડી વાતો કહે છે?

કથાકારોએ પ્રવર્તમાન અનીતીઓ કે ભ્રષ્ટાચારને તેમની કથામાં વણી લઈ લોકોને તેમની ભુલોનું ભાન કરાવવું જોઈએ. રાવણે કે દુર્યોધને શી ભુલો કરી હતી તે જાણવા કરતાં આપણે કઈ ભુલો કરી રહ્યાં છે તેનું આત્‍મચીંતન વધુ ફાયદાકારક છે.

આદરણીય શ્રી. મોરારીબાપુએ એકવાર એવો દાવો કર્યો હતો કે એમની રામકથાથી લોકોમાં સુધારો થાય છે. ભલે તેનું પ્રમાણ પાંચ ટકા હોય પણ લોકો પર તેની સારી અસર જરુર થાય છે. મોરારીબાપુને કહેવાનું મન થાય છે– જો આપની કથાથી ખરાબ લોકો સુધરતા હોય તો સમગ્ર દેશના હીત માટે તમે (જેલમાં કથા કરવાને બદલે) પાર્લામેન્‍ટમાં કથા કરો! કેદીઓ એટલું નુકસાન નથી પહોંચાડતા જેટલું રાજકારણીઓ પહોંચાડે છે. તમારી કથાથી રાજકારણીઓ સુધરશે તો આખા દેશનો દહાડો ફરી જશે!

કથાકારોને સાંભળવું ન ગમે એવું એક સત્‍ય એ છે કે તેમની કોઈપણ પ્રકારની કથાઓને લોકોએ ભોંય પર બેસીને માણવાનું આધ્‍યાત્‍મીક મનોરંજન બનાવી દીધું છે. માણસ ખમણ ખાઈને કાગળ ફેંકી દે છે તેટલી સહજતાથી કથાકારોની શીખામણો ત્‍યાં જ ખંખેરીને ઘરે હાલતો થાય છે. ઘરે ગયા પછી સાસુ વહુના ઝઘડા, બાપ દીકરાના મનદુઃખો અને માણસ માણસ વચ્‍ચેના વીશ્વાસઘાતોની ભરમાર પુર્વવત્‌ ચાલુ થઈ જાય છે. કથાકારો મધુર શ્‍લોકોનું ગમે તેટલું ગુલાબજળ છાંટે તોય માણસના મનનો ખાળકુવો નવ દીવસ પછી પણ ગંધાતો જ રહી જાય છે. આપણો સમાજ રેલવેના સંડાસ જેવો બની ચુક્‍યો છે. એમાં એકાદ ટીપું અત્તર છાંટવાથી મળના ઢગલામાંથી છુટતી હાઈવોલ્‍ટેજ બદબુનો વાળ પણ વાંકો થતો નથી. આજનો સ્‍વાર્થી માણસ ઈશ્વરને સુખવૈભવ દેનારી જડીબુટ્ટી સમજે છે. પુજાપાઠને પાપમાંથી છટકવાની છટકબારી સમજે છે. અને ધર્મગુરુઓને પાપમાંથી ઉગારી લેતા વકીલો સમજે છે. પ્રજાનું માનસ પરીવર્તન કરવું અઘરું છે. આજના કોન્‍વેન્‍ટીયા સંતાનો કહે છે- ‘રામે પત્‍નીને કાઢી મુકી હતી. ગાંધીજીએ બીડી પીધી હતી. કૃષ્‍ણને સોળસો ગર્લફ્રેન્‍ડ હતી. અમે માત્ર એકાદ રાખીએ એમાં વડીલોના મોઢા કેમ ચઢી જાય છે?’

મુળ વાત એટલી જ, વીતી ગયેલા યુગના દેવી દેવતાઓની વાત આ ઈન્‍ટરનેટના જમાનામાં સાવ અપ્રસ્‍તુત બની ગઈ છે. આજની સમસ્‍યા જુદી છે. પ્રશ્નો જુદા છે. આજના સંજોગો જુદા છે. રામચન્દ્રજીના સમયમાં રસ્‍તા પર પડેલો સોનાનો હાર કોઈ ઉઠાવતું નહોતું. આજે દેશની તીજોરીમાં પડેલા રૈયતના નાણા પણ સલામત રહ્યાં નથી. કોઈને કોઈના પર વીશ્વાસ રહ્યો નથી. આ કળીયુગમાં કથા દ્વારા સતીયુગના દાખલા આપવા એટલે દાઉદ ઈબ્રાહીમને અંગુલીમાલ લુટારાના હૃદય પરીવર્તનની વાર્તા કહેવા બરાબર છે. વીદેશોમાં રોજ દારુ પીતો માણસ રોજીન્દા વ્‍યવહારમાં પ્રમાણીક રહી શકે છે. અહીં રામનામની ચાદર ઓઢી રોજ ગંગાજળ પીતો માણસ લાઈટના મીટર સાથે ચેડાં કરી વીજચોરી કરે છે. ગલ્લામાં અગરબત્તી ફેરવે છે. અને ત્રાજવા ધારેલી દીશામાં ડોલાવે છે.

રામચન્દ્રજીએ પ્રજાના હીત માટે પોતાનું સર્વસ્‍વ અર્પી દીધું હતું. પણ રામના નામે ચરી ખાતા આજના રાજકારણીઓ રામમન્દીરથી આગળ વધી શકતાં નથી. સેંકડો રાજકારણીઓને ત્‍યાં દરોડા પાડવામાં આવે તો દેશનું અબજો રુપીયાનું વીદેશી દેવું ચુકવાઈ જાય એટલી બેનામી સમ્પત્તી હાથ લાગી શકે એમ છે. કલ્‍પના કરો, રામચન્દ્રજીને ત્‍યાં ઈન્‍કમટેક્ષની રેડ પડે અને સોનાની પાટો હાથ લાગે એવી કલ્‍પના થઈ શકે ખરી? કળીયુગના કહેવાતા રામભક્‍તોને ત્‍યાં દરોડા પડે છે ત્‍યારે લોકોની આંખ પહોળી થઈ જાય છે. જયલલીતા સીવાય પણ ઘણાં ચોરો એવા છે જે હજી છીંડે નથી ચઢ્યાં. મોરારીબાપુને એક પ્રશ્ન પુછવાનું મન થાય છે– આપને કેવી પ્રજામાં હીન્‍દુસ્‍તાનનું કલ્‍યાણ દેખાય છે? દારુ પીધા પછીય જીવનવ્‍યવહારમાં પુરી પ્રમાણીક રહી શકતી અંગ્રેજો જેવી પ્રજામાં… કે ગંગાજળ પીને ય દુન્‍યવી વ્‍યવહારોમાં બેઈમાની કરતી હીન્‍દુસ્‍તાની જેવી પ્રજામાં? ટીલાં ટપકાં કરી શ્રદ્ધાળુ બની રહેવા કરતાં કોઈ પણ જાતના આડમ્બર વીના એક પ્રમાણીક સજ્જન બની રહેવું વધારે જરુરી છે.

સંસારની કોઈ પણ દેરાણી જેઠાણી ચાડી ચુગલી કરી પોતાના પતીઓના કાન ભમ્ભેરતી હોય તો એવી સ્‍ત્રીઓ કયા મોઢે મંથરાને વગોવી શકે? નવ દીવસ સુધી પારાયણમાં બેઠા પછી પણ માણસ પોતાના સસરાને વાંકડા માટે જાસા ચીઠ્ઠી લખતો હોય તો તેવા કેસ પુરતી રામકથા છુટી પડે છે.

પ્રતીકુળતા એ છે કે આજના માણસની ભીતરમાં રહેલો રાવણ કોઈ સુપર મેન જેવો અધીક હૉર્સપાવરવાળો સીદ્ધ થયો છે. એનો વધ કેવળ કથાકીર્તનથી થઈ શકે એવી સ્‍થીતી રહી નથી. તેના વધ માટે સેંકડો દીવ્‍યાસ્‍ત્રોની જરુર છે. શીક્ષણ, જ્ઞાન–વીજ્ઞાન, વાંચન–મનન, ઈમાનદારી, શીસ્‍ત, સંસ્‍કાર, પ્રમાણીક્‍તા, માનવતા, બૌદ્ધીક્‍તા એ બધાં જ દીવ્‍યાસ્‍ત્રોના સમુચીત વીનીયોગ વડે માણસના ભીતરના રાવણ પર વીજય પ્રાપ્‍ત કરી શકાશે. બાકી કથાથી કોઈ સુધરે ખરું? કોલસાને સો મણ સાબુથી ધુઓ તોય ઉજળો થાય ખરો? મોરારીબાપુએ જેલોમાં પણ કથા કરી હતી. કેટલા કેદીઓ સુધર્યા? જેલોની વાત છોડો, મોરારીબાપુએ જેલ કરતાંય વધુ કથા સમાજમાં કરી છે તોય આજે જેલો કેમ ચીકાર રહે છે?

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 29મો લેખ, પુસ્તકનાં પાન 99 થી 101 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 02/04/2018

22 Comments

  1. બીજાને સુધારવા અશક્યછે. જ્યારે બીજાને સુધારી શકાયા છે તેમ લાગે ત્યારે હકીકત એ છે કે તેને સુધરવામાં આપણે એને મદદ કરી છે. સુધારણા દરેકે જાતે જ કરવાની હોઈને કોઈને તેની ઈચ્છાવીરુધ્ધ સુધારી શકાતા નથી.

    Liked by 1 person

  2. Every word written is correct but now a day Katha has become a big business with wasted,economical interest of all involved. As long as they benefit,they don’t care about public’s benefit..

    Liked by 1 person

  3. “યુવાવર્ગે એવી કથાઓ તરફથી મો ફેરવી લીધું છે.” એ કથન ભારતમાં સાચું હશે, અમેરિકામાં નહીં। કદાચ તેથી જ કથાકારોના ધાડાઓ અહીં ઉતરી પડતા હશે.

    કથાઓથી લોકો સુધરતા હોત તો અત્યાર સુધીમાં પ્રજાનો ઘણો મોટો ભાગ સુધરી ગયો હોત.

    Liked by 1 person

  4. શ્રી દિનેશભાઈ પાંચાલ, લેખ અતિશય સુંદર. એમાં કોઈ બેમત નથી. પણ મોરારીબાપુ જેવા સમાજ સુધારકો સામાન્ય માણસો શ્રધ્ધા પૂર્વક સમજી શકતા નથી એ આપણું દુર્ભાગ્ય છે. શ્રી દિનેશભાઈ પાંચાલ આપશ્રીને નમ્ર વાનંતી છે કે આપ એક વાર તો પણ જેલમાં બધાજ કેદીયોને આપના આ લેખથી કેદીયોને સુધારવાની કોશિશ જરૂર કરશોજી. બાકી આ જમાનામાં જન માણસની શ્રદ્ધા કદાપી પણ બદલી શકાશે નહિ. અમારા જૈન સમાજમાં એવા સાધુ સંતો છે કે એમના પ્રવચનથી માનસ માત્રમા હૃદય પરિવર્તન થયું છે. હું ફરી એક વાર લખું છું કે શ્રદ્ધા પરમ દુલ્લહા. આ મહાવીર પ્રભુનું સત્ય વચન છે. શ્રદ્ધા પરમ દુર્લભ છે. આજના યુગમાં પ્રમાદ એટલો વધી ગયો છે કે આપણે એક બીજા ઉપર વિશ્વાસ રાખી શકતા નથી. સંસારની કોઈ પણ દેરાણી જેઠાણી ચાડી ચુગલી કરી પોતાના પતીઓના કાન ભમ્ભેરતી હોય તો એવી સ્‍ત્રીઓ કયા મોઢે મંથરાને વગોવી શકે? નવ દીવસ સુધી પારાયણમાં બેઠા પછી પણ માણસ પોતાના સસરાને વાંકડા માટે જાસા ચીઠ્ઠી લખતો હોય તો તેવા કેસ પુરતી રામકથા છુટી પડે છે. આપના આ લખવા મુજબ કથા સાંભળ્યા પછી આવું બને એ સમાજનું દુર્ભાગ્ય છે. શ્રી દિનેશભાઈ, આપના માર આ લખાણથી આપને મનદુખ થયુ હોય તો હું આપની ક્ષમાંપ્રાથી છું.-જય જીનેન્દ્ર

    Liked by 2 people

  5. દિનેશભાઇ, ખરી વાત તો એ છેકે કોઇ કોઇને સુધારી શકતું નથી. વહેતા જળમાં માણસ પોતાના ખોબા પ્રમાણે પાણી પી શકે છે. દરેક ઘર્મ સ્થાપકનો હેતુ માણસના કલ્યાણ માટે જ હોય છે. પણ માણસ એની જરુરિયાત પ્રમાણે એનો અર્થ કરે છે. જુઓ, જૈન ધર્મમાં મુહપતિ બાંધવામાં આવે છે. કોઇ જીવની હત્યા નથાય. પણ કોઇ ચોવીસ કલાક તો બાંધી ન શકે. પણ ખરો આશય એ કે વાણી પર કાબુ રાખો. એવી વાણી ન ઉચ્ચારો કે જેનાથી કોઇનું દિલ દુભાય, કોઇના જીવનમાં અસંતોષ ઉભો થાય કે કોઇના પરિવારમાં કલહ થાય. હત્યા માત્ર હથિયારથી જ નથી થતી. રામાયણ જુઓ કે એક વ્યકિતની નિંદા ને ચાડી ચુગલીથી કેટલી વ્યકિતઓના જીવનમાં ઉથલપાથલ થઇ ગઇ?ત્યાગ માત્ર વસ્તુનો કે સંસારનો નહિ પણ લોભ, મોહ,વાસના જેવી આસુરી વૃતિઓનો કરવાનો છે. ધર્મ એ કોઇ વ્યકિતવિશેષ કે કોઇ સ્થળ કે બુકનું નામ નથી પણ એ જીવન જીવવાનો રાહ છે. આપણે એ નથી સમજ્યા એટલે તો આપણા દેશમાં મકાન કરતા મંદિરો ને ભક્તો કરતા ભગવાન વધારે છે. છતા ય આપણે ત્યા જેટલો અન્યાય, અનીતિ ને ઉચનીચના ભેદ છે એટલે કયાય નથી.કારણ આપણે ઘર્મને એક ઉપવસ્ત્ર જેવુ ગણી લીધું છે. જે સગવડ પ્રમાણે પહેરી ને ઉતારી શકાય.

    Liked by 1 person

  6. Really enjoyed reading this article. Thank you Dineshbhai for posting it. The best part is: શીક્ષણ, જ્ઞાન–વીજ્ઞાન, વાંચન–મનન, ઈમાનદારી, શીસ્‍ત, સંસ્‍કાર, પ્રમાણીક્‍તા, માનવતા, બૌદ્ધીક્‍તા એ બધાં જ દીવ્‍યાસ્‍ત્રોના સમુચીત વીનીયોગ વડે માણસના ભીતરના રાવણ પર વીજય પ્રાપ્‍ત કરી શકાશે. very true indeed. Where do we start? That’s is a million dollar question.
    The stories from our Scriptures may be outdated and need to be explained properly because they do have ‘hidden messages’ which is what these Leaders do not attempt to reveal.
    Stories and Poems usually have many layers: physical, emotional, moral, psychological, philosophical, spiritual etc

    These so called Leaders always entertain the masses with ‘story lines’ or the ‘moral’ at the end. The hidden meaning is hardly exposed. Well, if they do, they will be out of pocket, won’t they? That is one of the reasons why they cannot change the behaviour of the masses.
    A good example is our Bhagavad Gita: the conversation between Arjun and Shree Krishna. How many of us understand the real symbolism of these two characters? What does the battle of kurukshetra represent?
    Does Dharma mean Religion? Of course not!
    And so on. .
    In brief, our Santana Dharma needs to be evolved to compete with the age of Technology in a Logical manner.
    We have made a good start on this Forum.
    All the best.

    Liked by 1 person

  7. શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:

    કથાથી કોઈ સુધરે ખરું? કોલસાને સો મણ સાબુથી ધુઓ તોય ઉજળો થાય ખરો?

    આ કથાઓ, વ્યાખ્યાનો, વાઍઝો, મજલીસો, ખુતબાઑ વગેરે હજારો વર્ષો થી મનુષ્ય સાંભળી રહ્યો છે, પરંતુ તે સુધરવાને બદલે વધુ ને વધુ બગડતો જાય છે. તેનું કારણ ઍ છે કે સાંભળવા માં અને તેના પર અમલ કરવામાં ધરતી આકાશ જેટલો તફાવત છે.

    ઍવા પણ મનુષ્યો અસ્તિતવ ધરાવે છે, જેઓ કેવળ પુણ્ય કમાવવા માટે જ કથાઓ વગેરે માં હાજરી આપે છે. કથાઓની શિખામણો પર અમલ કરે તેમના દુશ્મનો.

    આધુનીક યૂગ માં તો કથાઓ વગેરે ની રેડીમેડ ટેપો, કેસેટો ડીવીડીઑ વગેરે પણ બજારૂ વસ્તુઓ ની જેમ વેચાય છે. ઍટલે ટૂંક માં ઍમ કહી શકાય કે આ કથાઓ વગેરે પણ બજારૂ વસ્તુઓ છે, અને આ બજારૂ વસ્તુઓ થી કોણ માઈ નો લાલ સુધરશે?

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  8. कथाकारो अन्यायना पुरस्कर्ता छे.

    राजाशाही/सामंतशाही सामाजिक मूल्योनुं हालना संदर्भमां रटण करीने; तेना प्रत्यारोपणनो प्रयास करनार कथाकारो समाजने पछात बनावी रह्या छे.

    कथा पाछण जंगी खर्च थाय छे, ते करचोरो, संघराखोरो, असामाजिक तत्वो, जमीन हड़प करनाराओ अने धर्मजडसुओ आपे छे. कथाना पायामां ज आटलो भ्रष्टाचार होय ते कथामां अपाता उपदेशोनुं मूल्य केटलुं? बापूओ/शास्त्रीओ उपदेशमां शूरा छे अने साधनशुध्धिमां साव क्षुद्र छे. अप्रामाणिक माणसोना धनथी कथानो मेणावडो योजाय अने तेमां नैतिकतानो उपदेश ! कथाओ ढोंग शिखवे छे.

    कथाकाकथाकारो/प्रगटब्रह्मस्वरुपो पासेथी मणती लेजिटिमसीने कारणे असामाजिकतत्वोने कायदानो भंग करवामां के सामाजिक मूल्योने कचडी नाखवामां जरा पण शरम आवती नथी.

    कथाकारो/प्रगटब्रह्मस्वरुपो खुद अंधश्रद्धा/जर्जरित मूल्योना मोटामोटा पथ्थरो माथा उपर लईने फरता होय छे; ते बीजाने डूबाडी शके, तारी शके नहीं. कथाओ आध्यात्मिक दारुनुं काम करे छे.

    कथामां रावणनी टीका थाय; परंतु समकालीन रावणो कथामंच उपर चडी जाय छे, तेनुं शुं? हालना रावणोने खुल्ला पाडतां केम संकोच थाय छे?

    -रमेश सवाणी

    Liked by 2 people

  9. Vah jordar baki varo kadhi nakhyo pan loko aamay ketlay vandha kadhi biju badhu yogay j thervase koi khota ne khotu nahi kahe

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘સમાજમાં કથાકારોની ઉપયોગીતા કેટલી…?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

  10. આજે બધાને પોતાના જીવનની વ્યથાની કથાની પડી છે ત્યાં કથાકારોની કથાની ઉપયોગીતાની બહુ ઓછાને પડી છે !
    જ્યાં સુધી લોકો સમજીને અંદરથી સુધારો ના કરે ત્યાં સુધી કથાકારોની કથા એક વ્યથા સાધન બની રહે છે.કથાકારોની આવકમાં વધારો થયા કરે છે એ ખરું !

    Like

  11. સરસ વાત છેડી દિનેશભાઇઅે.
    બહુચર્ચિત વાત છે. અને અે પણ બહુચર્ચિત છે કે હિન્દુઓને ઘરમના નામનો રોગ ….અસાઘ્ય રોગ લાગુ પડેલો છે. કોઇ ભગવાઘારી ઉંઘમાં પણ જો કાંઇક બબડી જાય તો તેમાં પણ અર્થ શોઘી કાઢે. છુપો સંદેશો ? દિનેશભાઇઅે ઘણા દાખલાઓ આપ્યા છે. બીજા દાખલાઓ માટે કહેવાય કે…‘ અેક ઢૂંઢો હજાર મીલે….દૂર ઢૂંઢો પાસ મીલે. ‘ આ વેપારીઓની જમાત ભલભલાને પાલતુ બનાવી દે. સરસ વાત કોઇકે કહી છે…..
    સમય અને શિક્ષક બન્ને શીખવે છે…..અને પરીક્ષા લે છે. બન્નેમાં ફરક અેટલો જ છે કે….શિક્ષક પહેલાં શીખવે છે અને પછી પરીક્ષા લે છે, જ્યારે સમય પહેલાં પરીક્ષા લઇને પછી શીખવે છે. સમયની પરીક્ષામાં પાસ થયેલાને કોઇ કથાકાર કે ભગત, ભૂઆની કે દેવી દેવતાની કે કોઇ ઘર્મગ્રંથોની જરુરત નથી રહેતી…..( જો તે વ્યક્તિ શીખવા માંગતી હોય તો)….બાકી…..કથાકારો તો મોટા બીઝનેસમેન છે. ઉલ્લુ બનાવી જાણે છે. કથામાંથી બહાર નીકળેલા કદાચ ઘોઅેલો મુળો કહેવાય તેવું પણ બને. અખો તેની જીંદગી લોકોની આંખો ખોલતાં ખોલતાં સ્વર્ગવાસી થયો હતો….૨૦૧૮ની સાલમાં પણ કોઇ હિન્દુ કાંઇક શીખેલો દેખાય છે ? શ્મસાનવૈરાગ્ય જેવો શબ્દ યાદ કરતાં રહો અને સચ્ચાઇપુર્વક પોતાના અંતરઆત્માને ઢંઢોળતા રહો….રામાયણ કે મહાભારત કે ગીતાની કે બીજા કોઇ ઉપદેશના ચોપડાની જરુરત નહિ રહે.
    અેક વાક્ય…ગઇકાલે અેક ફિલ્મમાં સાંભળ્યુ.
    ..‘ સૌથી વઘુ શ્રઘ્ઘા આજકાલ લોકોને અંઘશ્રઘ્ઘામાં હોય છે.‘
    સનાતન સત્ય.
    તમારા જીવનના પ્રસંગોમાં ઝાંકીને જૂઓ…તેને સમજો…તેમાં રહેલાં છૂપા સંદેશાને સમજો…..અને વર્તો…..કોઇ કથાકારની જરુરત નહિ રહે..
    ..જેને પોતાનામાં વિશ્વાસ નથી તે બીજે તરણું શોઘે છે.
    દિનેશભાઇ અને ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન.
    કરોળીઆ જેવું કરવું પડશે તેની તૈયારી સાથે આ ‘ આંખ ખોલવાનો‘ યજ્ઞ આગળ વઘારવો પડશે.
    આભાર.
    અમૃત હઝારી.
    નોંઘ : અખાજી કહી ગયા છે કે…….
    તિલક કરતાં ત્રેપન થયા,
    જપમાળાનાં નાકા ગયા,
    કથા સુણી ફૂટયા કાન,
    અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

    Liked by 1 person

  12. this article is commented maximum- covering all aspect- and we all agree with your genuine views.
    “જો આપની કથાથી ખરાબ લોકો સુધરતા હોય તો સમગ્ર દેશના હીત માટે તમે (જેલમાં કથા કરવાને બદલે) પાર્લામેન્‍ટમાં કથા કરો! કેદીઓ એટલું નુકસાન નથી પહોંચાડતા જેટલું રાજકારણીઓ પહોંચાડે છે. તમારી કથાથી રાજકારણીઓ સુધરશે તો આખા દેશનો દહાડો ફરી જશે!”
    “કથાકારો મધુર શ્‍લોકોનું ગમે તેટલું ગુલાબજળ છાંટે તોય માણસના મનનો ખાળકુવો નવ દીવસ પછી પણ ગંધાતો જ રહી જાય છે. આપણો સમાજ રેલવેના સંડાસ જેવો બની ચુક્‍યો છે. એમાં એકાદ ટીપું અત્તર છાંટવાથી મળના ઢગલામાંથી છુટતી હાઈવોલ્‍ટેજ બદબુનો વાળ પણ વાંકો થતો નથી.”
    many thx to you and Govind Bhai.

    Liked by 1 person

  13. મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
    સમાધિમાં બેસીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.
    પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.

    Liked by 1 person

  14. લેખકશ્રી દીનેશ પંચાલ અણીશુધ્ધ રેશનાલીસ્ટ છે. હું સંપૂર્ણપણે તેમના વિચારો સાથે સહમત છું.આ લેખની આ લીટીઓ ખૂબ ગમી—-મોરારીબાપુને એક પ્રશ્ન પુછવાનું મન થાય છે– આપને કેવી પ્રજામાં હીન્‍દુસ્‍તાનનું કલ્‍યાણ દેખાય છે? દારુ પીધા પછીય જીવનવ્‍યવહારમાં પુરી પ્રમાણીક રહી શકતી અંગ્રેજો જેવી પ્રજામાં… કે ગંગાજળ પીને ય દુન્‍યવી વ્‍યવહારોમાં બેઈમાની કરતી હીન્‍દુસ્‍તાની જેવી પ્રજામાં?—— આઝાદી ના મળી હોત તો આપણે ભારતવાસીઓ અંગ્રેજોના દોસ્ત હોત અને ટેક્નોલોજીમાં ખૂબ વિકસિત હોત. શિસ્ત અને સમજદારી શીખેલા સજ્જનો હોત. ધર્મના વાડાઓ આટલી હદે લોકોને ઉધઇની જેમ ખોતરી ના રહ્યા હોત. કાશ, અંગ્રેજોને કાઢી મૂકીને આપણે શુ ઉકાળ્યુ? નેતાઓ અને કથાકારો બેરોકટોક ફૂટી નીકળ્યા. કથાકારો સમાજનો કિમતી સમય વેડફી રહ્યા છે. કથાકારોની હરિફાઇ જામી છે. અને, પ્રમાદી મૂર્ખ પ્રજા કથાઓમાં આરામ કરે છે, મફતનુ ખાય છે.
    કથાઓ શાની હોવી જોઇએ?
    સલામતીની જાગૃતિ માટેની, અકસ્માતોથી બચવાની, સ્વાસ્થ્ય સારુ રાખવાની, શિસ્ત શીખવાની, વિજ્ઞાનના પાયાના જ્ઞાનની, ટેક્નોલોજીને સમજવાની, ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયાઓની, ,,,,,,,,,,, આ યાદી મોટી બની શકે છે.
    અને, કથાઓ રેશનાલીઝમને સમજાવવાની પણ થવી જોઇએ.
    જેના કથાકાર હોય………… ગોવિંદ મારુ…….
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી”કર્મ”, હિંમતનગર મો.94267 27698

    Liked by 1 person

  15. વિકસિત રાષ્ટ્રોમાંથી ભારતીયોએ ઘણું શીખવાનું બાકી છે…
    Totally agree with my father Rohit Darji.

    Liked by 1 person

  16. There is nothing wrong with this article. Great philosophy. Congratulation Mr. Panchal for one more valuable contribution to improve social structure and make others aware of reality.

    Liked by 1 person

Leave a comment