3
ગીતાનું અર્થઘટન
–વીક્રમ દલાલ
રૅશનલીઝમક્ષેત્રે કરેલી સેવાની કદરરુપે દર વર્ષે અપાતો ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’, આ વર્ષે જેને એનાયત થવાનો છે તે સુરતના રૅશનલીસ્ટમીત્ર વીજય ભગતને ‘અભીવ્યક્તી’ પરીવાર તરફથી અઢળક અભીનન્દન..
ગીતા એટલે પોતાનો ન્યાયી ભાગ મેળવવા માટે પીતરાઈ ભાઈઓ, વડીલો, સગાઓ અને ગુરુઓ સાથે યુદ્ધ કરવા માટે છેક છેલ્લી ઘડીએ ફસડાઈ પડેલા અર્જુનને ફરજનું ભાન કરાવીને પાનો ચડાવવા માટે કૃષ્ણએ આપેલી સમઝણનો સંજયે ધૃતરાષ્ટ્રને સમ્ભળાવેલો ‘આંખો દેખ્યો અહેવાલ’. ગીતાનો આવો સ્થુળ અર્થ અનેક કારણોસર માની શકાય તેમ નથી. દા.ત. :
- કોની સાથે લડવાનું છે તેની અગાઉથી ખબર હતી જ. વળી, યુદ્ધ કાંઈ એકાએક આવી પડ્યું નહોતું. બન્ને બાજુ વીશાળ સંખ્યામાં યોદ્ધાઓ એકઠા થયા હોય અને યુદ્ધ માટેના શંખધ્વની પણ થઈ ચુક્યા હોય (1/12થી 18) ત્યારે છેક છેલ્લી ઘડીએ (1/20) અને કૃષ્ણના કહેવા પ્રમાણે ‘કસમયે’ (2/2) આટલી ગમ્ભીર બાબતની લમ્બાણથી ચર્ચા કરવી શક્ય કે યોગ્ય છે?
- મહાભારતની કથા પ્રમાણે પાંડવોની પાસે સાત અને કૌરવોની પાસે અગીઆર અક્ષૌહીણી સેના હતી. આટલા રથ, હાથી, ઘોડા અને યોદ્ધાઓ કુરુક્ષેત્રના મેદાનમાં સમાય ખરાં? (અક્ષૌહીણી = 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા તથા 1,09,350 પાયદળની સેનાની એક ટુકડી.)
- આટલા ઘોંઘાટમાં બે જણાં કેવી રીતે વાત કરી શકે? શું શંખધ્વની કર્યા પછી પણ લગભગ 20 લાખ લડવૈયાઓ ગીતાના 18 અધ્યાય પુરા થાય ત્યાં સુધી શાંતીથી ઉભા રહ્યા હશે? કદાચ પાંડવોની સેના તેવી આમન્યા રાખે તો પણ શું કૌરવો એટલા બધા સજ્જન કે ભોટ હશે કે અર્જુન જેવા મહારથીની વ્યાકુળતાનો (1/29, 30, 47, 2/9) લાભ ન ઉઠાવે?
- કથા પ્રમાણે સંજય પાસે દીવ્યદૃષ્ટી હતી. દૃષ્ટી હોય તો તેનાથી દેખાય; પણ સમ્ભળાય કે સુંઘાય નહીં. શંખધ્વની તથા અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ સંજય કેવી રીતે સાંભળી શકે? ટીવીનો અવાજ જતો રહે તો? વળી, કૃષ્ણનું ઈશ્વરીય સ્વરુપ ‘દીવ્ય ગંધના લેપવાળું’ હતું તેવું તેણે કેવી રીતે જાણ્યું? (11/11). એ જ પ્રમાણે જો એક સુર્યથી આટલો બધો તાપ લાગતો હોય તો ‘હજારો સુર્યો’ એક જ વખતે આકાશમાં પ્રકાશતા હોય (11/12) તો એ જ ક્ષણે આખી પૃથ્વી પરનું જીવન નાશ પામ્યું હોત.
રામાયણ કે મહાભારતને ઐતીહાસીક ગ્રન્થ માનવાને બદલે ધાર્મીક (સામ્પ્રદાયીક નહીં) ગ્રન્થ તરીકે માનીએ તો તેની અશક્ય લાગતી કથાઓને ‘કીડી અને કબુતર’ કે ‘ઉન્દર સાત પુંછડીયો’ જેવી બોધકથાઓમાં ખપાવી શકાય. આપણે પણ ભવાઈ, નાટક, સીનેમા અને ટીવી જેવાં માધ્યમો મારફત બહુજનસમાજને સન્દેશો પહોંચાડવા માટે કાલ્પનીક વાર્તાઓનો ઉપયોગ કરીએ જ છીએ. મહાભારત (અને માટે ગીતા) એ ઈતીહાસ નહીં; પણ કથા છે. ગીતામાં કૃષ્ણ અને અર્જુનના સંવાદના રુપે મહર્ષી વેદવ્યાસ જીવન જીવવાની કળાનું દર્શન કરાવે છે. ગીતાનાં પાત્રોને માનવીમાં રહેલી કુદરતી વૃત્તીઓના અને મહાભારતના યુદ્ધને મનમાં ચાલતા પરસ્પર વીરોધી વીચારોના ઘર્ષણના રુપક તરીકે જોઈએ તો જ આવી અનેક અશક્ય લાગતી કથાઓનું સમાધાન થઈ શકે. ગીતામાં ખરેખરા ભૌતીક યુદ્ધની નહીં; પણ જીવનમાં દરરોજ અનુભવાતા આંતરીક સંઘર્ષની વાત છે. આપણે આ દૃષ્ટીએ ગીતાના રૅશનલ શ્લોકોનો સન્દેશ સમઝવાની કોશીશ કરીશું.
પાંડવો અને કૌરવો :
કોઈ પણ માણસ સમ્પુર્ણપણે સારો કે ખરાબ હોતો નથી (14/5). દરેકમાં સદ્ગુણ અને અવગુણનું ઓછા–વધતા પ્રમાણમાં મીશ્રણ હોય છે (14/10). જીવનમાં ડગલે ને પગલે નીર્ણય લેવો પડે છે. નીર્ણય લેતી વખતે જો શ્રેય અને પ્રેય વચ્ચે પસન્દગી કરવાની હોય તો મનમાં સદ્ અને અસદ્ વૃત્તીઓ વચ્ચે સન્ઘર્ષ થાય છે. પાંડવો સદ્ નું, કૌરવો અસદ્ નું અને આપણા મનને કુરુક્ષેત્રનું પ્રતીક ગણીએ તો યુદ્ધ એટલે નીર્ણય લેતી વખતે મનમાં ચાલતો વૃત્તીઓ વચ્ચેનો સંઘર્ષ. આમ, જીવનના સંઘર્ષને ધ્યાનમાં રાખીને જ ગીતાનો મર્મ સમઝી શકાય તેમ છે.
ધૃતરાષ્ટ્ર :
બધા જ દુર્ગુણોનું ઉગમસ્થાન માણસની પ્રાણીસહજ સ્વાર્થવૃત્તીમાં રહેલું છે. સ્વાર્થ આંધળો છે તેથી દુર્ગુણો (100 કૌરવો)નો પીતા ધૃતરાષ્ટ્ર આંધળો છે. (સંતાનો માટેના મોહને કારણે તેમનાં કુકર્મો તરફ આંખ આડા કાન કરનાર માતા ગાંધારી પણ છતી આંખે અન્ધ છે.) ગીતાના આશરે 700 શ્લોકોમાંથી ધૃતરાષ્ટ્ર પહેલો અને એકમાત્ર શ્લોક બોલે છે; છતાં તેમાં પણ તેની સ્વાર્થવૃત્તી દેખાઈ આવે છે. આ સ્વાર્થાન્ધ મોટાકાકાના મનમાં બાપ વગરના પાંચ ભત્રીજાઓના સૈન્ય કરતાં દોઢું સૈન્ય ધરાવતા હોવા છતાં પોતાના 100 પુત્રોની ચીંતા વધારે છે અને માટે શ્લોકમાં તેમનો ઉલ્લેખ પહેલો છે (1/1).
અર્જુન :
અર્જુન બાઘો, ઘમંડી, કાયર કે મુર્ખ નથી. મહાભારતના ‘મત્સ્યવેધ’નો પ્રસંગ એ વીવીધ પરીબળોનું સંકલન અને સંતુલન કરવાની તેની ક્ષમતાનું દ્યોતક છે. નીર્ણય લેતા પહેલાં તે પ્રશ્નને ચારે બાજુથી તટસ્થતાથી તપાસે છે. તેથી ભૌતીક લાભ ખાતર નજીકના સગાઓ, વડીલો અને ગુરુને મારી નાંખવામાં ‘ઔચીત્ય છે?’ તેવો યક્ષપ્રશ્ન માત્ર તેને એકલાને જ થાય છે. તે ભલો છે પણ ભોટ નથી. તે જીજ્ઞાસુ અને સરળ છે તેથી જ્યારે મુંઝાય (2/7) ત્યારે પ્રશ્નો પુછવા જેટલી નીખાલસતા અને હીમ્મત બતાવે છે. કૃષ્ણમાં તેને શ્રદ્ધા છે – અન્ધશ્રદ્ધા નહીં, તેથી કૃષ્ણની વાતને જેમની તેમ વગર દલીલે સ્વીકારી લેતો નથી (3/1–2, 4/4). દલીલ અને પ્રશ્નો મારફત જ જ્ઞાન મેળવવાનો અર્જુનનો અભીગમ એ માનવીમાત્રમાં રહેલી જીજ્ઞાસા અને રૅશનાલીટીનું પ્રતીક છે. વીજ્ઞાનનો જન્મ અને વીકાસ પણ આ જ રીતે થયો છે.
કૃષ્ણ :
કૃષ્ણ એક આદર્શ મીત્ર, આદર્શ શીક્ષક અને આદર્શ વડીલ છે અને માટે તે આદર્શ પુરુષ (પુરુષોત્તમ)નું પ્રતીક છે. સાચો શીક્ષક શીષ્યને પ્રશ્નના જવાબ કહી દેતો નથી; પરન્તુ પ્રશ્ન ઉકેલવાની રીત સમજાવે છે –ગોખાવતો નથી. અર્જુનને ભાગે આવેલું કામ પોતે ધારે તો ક્ષણાર્ધમાં (11/32) કરી શકે તેમ હોવા છતાં તે કરી આપતો નથી; પરન્તુ અર્જુનને તેની મોહજન્ય પલાયનવૃત્તી તરફ ધ્યાન દોરીને તથા ફરજનું ભાન કરાવીને પ્રેય કરતા શ્રેયને મહત્ત્વ આપવા માટેની સમઝણ આપે છે – અને તે પણ અર્જુને પુછ્યું માટે (2/7). તે કદીએ અર્જુન ઉપર દબાણ કરતો નથી. છેવટનો નીર્ણય લેવા માટે અર્જુનને આદેશ નહીં; પણ સ્વતન્ત્રતા આપીને (18/63) આદર્શ વડીલ, આદર્શ શીક્ષક (18/72) અને વ્યક્તી સ્વાતન્ત્ર્યતાના પુરસ્કર્તા તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. કૃષ્ણ ગુણવત્તાપ્રીય છે (10/41).
છેલ્લા બે લાખ વર્ષનો માનવીનો ઈતીહાસ જોતાં જણાય છે કે શારીરીક કરતાં માનસીક ઉત્ક્રાંતી ઘણી વધારે ઝડપથી થાય છે. ઉત્ક્રાંતીની સીડી ઉપર કોઈ પણ કાળે આખો સમાજ એક જ પગથીયે નથી હોતો (7/3) તેથી માનવીની શરીર રચનામાં ખાસ નહીં; પરન્તુ સમઝણમાં (અને તેથી તેની કીશોરાવસ્થા અને પ્રૌઢાવસ્થાના વર્તનમાં) ઘણો મોટો તફાવત જોવા મળે છે. પ્રકૃતી વીશેની જાણકારી મેળવવાનો યશ કોઈ એક જ વ્યક્તીને કે પેઢીને નહીં; પરન્તુ ભુતકાળમાં થઈ ગયેલા અર્જુન જેવા પ્રશ્નો પુછતાં શીષ્યો અને કૃષ્ણ જેવા સમઝણ આપતા ગુરુઓ જેવી અનેક વ્યક્તીઓને ફાળે જાય છે (4/5, 4/8 અને 4/15). ભવીષ્યમાં પણ આ સીલસીલો ચાલુ જ રહેશે (2/12).
–વીક્રમ દલાલ
દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા ‘રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ’ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ તૃતીય લેખ, પુસ્તકનાં પાન 16થી 18 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક :
શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380058 ફોન : (02717) 249 825 ઈ–મેઈલ : inkabhai@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર ઈ–મેઈલ : uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 06–04–2018
રામાયણ અને મહાભારત કાલ્પનિક વાર્તાથી વિશેષ કશું જ નથી, તેના બધા જ પાત્રો કાલ્પનિક છે.
LikeLiked by 3 people
શ્રી વિક્રમભાઈ, આપના સ્પષ્ટ અને તાત્વિક વિચારો અને એને અભિવ્યક્ત કરવાની હિંમત (સાંપ્રતકાળમાં તો એવું થવું એ આશ્ચર્ય પમાડે તેવું છે)…ખુબ ખુબ અભિનંદનો અને આશા રાખું કે આપને ક્યારેક રૂબરૂ મળી શકું. ખુબજ ગમ્યું.
LikeLiked by 1 person
શ્રી વિક્રમભાઈ, આપના લખાણને દાદ દેવી પડે. હકીકતમાં મહાભારત એક કાલ્પનિક કથા છે. આપશ્રી જે અર્થઘટન કરો છો તે લોકોના મગજમાં બેસી શકે નહિ. આમ તો રામાયણ પણ કાલ્પનિક લાગે.. છતાય લોકો ટીવી ઉપર સીરીયલ જોતા હોય છે. જેવી જેની સમજ
LikeLiked by 2 people
એ સમજ બદલવાનો જ આ પ્રયાસ છે. લોકો તટસ્થ રીતે વીચારે તો આપણાં મોટાભાગના પ્રશ્નો ઉકલી જાય.
LikeLiked by 1 person
My hearty congratulation to Vikrambhai Dalal. The interpretation is very good.
It can be very helpful.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
સ્વતંત્રપણે સૌ એકાએક વિચારતા થઈ જાય એવું આ પૃથીપર ઘડીભર માટે બને તો કેવું? આજના આ લેખથી આપણે (હું પણ આવી ગ્યો હાં) વિચારવા લાગીએ કે આ લેખ જેવું આપણામાંના ઘણા લોકોને થયું હશે અને જો આપણી આજુબાજુના સગાઓ ને મિત્રોને કહેવા જાવ તો તમે મુર્ખામાં ગણાઈ જાવ! આવી સમજ આજના સામાજિક અને ધાર્મિક આંધળા રીવાજો પર આવે તો કેવું? લેખક્ને અને ગોવિંદભાઈ તમને અભિનંદન.
LikeLiked by 1 person
When we hear our Pauranik religious stories, many such questions arise at every step in every thinking person’s mind. But we are taught to suppress them. When we learn to keep asking, we become truly reasonable and rational.
I congratulate the writer for his open minded inquiry. Yet I request him to think again when he approvingly quotes that Arjun did Matsya-Vedh. It means he shot and killed a fish which was kept revolving overhead, only by looking at its reflection in the water below. Does he think it is possible?
Even our best scholars are misled into spreading such silly stories.
Thanks. —Subodh Shah —USA.
LikeLiked by 2 people
It means he shot and killed a fish
હવામાં માછલી જીવતી રહે ખરી?
LikeLike
ગીતા અને પુરા મહાભારતને એક રૂપક તરીકે સમજાવતો ઘણો સરસ લેખ.
LikeLiked by 1 person
સુજ્ઞ વાંચકો, મહાભારત ને ગીતાથી ભારતમાં કોઇ અજાણ્યુ નહિ હોય, માનનીય વિક્રમભાઇએ જે વિસ્તાર ને વિવકપુર્વ સમજાવ્યું છે એ પછી વિચારવા ને આચરવા સિવાય ખાસ બાકી રહેતું નથી. માત્ર આટલું જ કહું કે ગીતા એ માનવમનમાં અવિરત ચાલતો સ્વાર્થને પરમાર્થ, ત્યાગ ને રાગ,વેર ને ક્ષમા જેવા દ્વંદ્વથી ચાલતા મનોમંથન છે. દરેકનું વ્યકિતગત કુરુક્ષેત્ર છે. ધારો કે કોઇ સતાધારી અધીકારીને કોઇ કરોડોની લાંચ આપી પોતાની ભુલ છારવવા કે કામ કરી આપવા ઓફર કરે ત્યારે એ સતા ધારી માટે કુરુક્ષેત્ર ખડુ થાય જોએ અર્જુનની જેમ વિચાર કરે. હજારો રુપિયા નજર સામે લાલચના રુપમાં શત્રુ બનીને ઉભા છે. એના વડે માણસ પોતાના પરિવારની અનેકવિધ ઇચ્છાઓ સંતોષી શકે, મોંધા વેકેશન, પત્નિ કે દિકરી માટે અલંકારો, દિકરાના ભણા વવાનો ખર્ચ.આબધા સ્વાર્થ કે લાલચના રુપમાં શત્રુંઓ છે. એ વખતે એને કોઇ કૃષ્ણ જેવું માર્ગદર્શક મળે તો એ આયુધ્ધ જીતી શકે.ગીતાનો બીજો સંદેશ તે સંશયાત્મા વિનશ્યતિ. સામાન્ય દાખલો કે ભરચક વાહનવ્યવહારમાં રસ્તો ઓળંગવા ઉભેલો માણસ નિર્ણયને અભાવે ત્રાફિકમાં ઘુસી પાછો બહાર આવી જાયને એમ વારંવાર કરે ને નક્કી ન કરી શકે તો એ કયારેય રસ્તો ઓળંગી શકે. એવું જીવનમાં બને. આપણે પળે પળે નિર્ણય લેતા હોઇએ છીએ. સામાજિક પ્રાણી હોઇ આપણા અમુક નિર્ણયની અસર આખા સમાજમાં પડે. દારુ પીવો એ માટે કોઇ એમ કહે તો એ તો અમારી વ્યકિતગત બાબત છે. પણ કોઇ દારુ પી ને કાર લઇને નીકળે ને અકસ્માત કરી કોઇની જીંદગી બરબાદ કરે ત્યારે એ સામાજિક બાબત બની જાય. એ જ રીતે જે માણસ સતા પર હોય એણે નિર્ણય લેવામાં બહુ વિવેક રાખવો પડે છે. યુધ્ધ જેવી પરિસ્થિતિમાં તો બન્ને તરફના સૈનિકો જેને પરસ્પર તો કોઇ વેર નથી હોતું છતા એના પર એકબીજાને હણવાની ફરજ આવી પડે છે. અર્જુનની જેમ અનેકની હત્યાની જવાબદારી લેતા પહેલા આજના સમયમાં વાટાઘાટો ને સમજાવટ ને મધ્યસ્થીની મદદ લેવાય છે.ધૃતરાષ્ટ બેશક મોહાંધ પિતાનું પ્રતિક છે એ બધા કાલમાં સરખું જ છે. દરેક માબાપનેએવું લાગે છે કે પોતાના સંતાનોના મિત્રો જ એટલે કે ખરાબ સોબત જ પોતાના ડાહ્યા ને ગુણિયલ દિકરા કે દિકરીને બગાડે છે.
LikeLiked by 1 person
મહાભારત એટલે ભૂલો અને અનુચીત વર્તનની શૃંખલા જેમાં બધા હિંદુઓ જકડાયેલા બંદીઓ જેવા બનાવી દેવાયા છે.
LikeLiked by 1 person
મિત્રો,
વિક્રમભાઇઅે સરસ વિચાર દર્શાવ્યો.
દરેક વાચકે પોતાના વિચારો…,.પોતાની જીંદગીના અનુભવોને ઘ્યાનમાં રાખીને મુલવીને આપણને કોમેંટ કહી.
. વાત ખૂબ ગમી કારણકે હું પણ ‘ આપણે સૌ ‘ માનો અેક છું. હું પણ મારી જીંદગીમાં બનતાં અનુભવોને વાગોળું છું. મારા નજીકનાઓને કે મારા પોતાના સગા, દિકરા, દિકરીને મારા અંતરઆત્માને પૂછીને કહીશ કે, ગીતાના અઘ્યાયોમાં કે રામાયણ કે મહાભારતના પ્રકરણોમાં મને શું દેખાયું ?….નહિ કે પેલા વેપારી કથાકારો જે રીતે સમજાવવાની કોશીશ કરે. તે કોશીશ મારા જીવનના પ્રશ્નો સોલ્વ નથી કરવાના.
રામાયણ કે મહાભારતના બનતાં બનાવો મારાં જીવનમાં બનતા જ નથી હોતા કે તે કથાબુકોમાં વર્ણવાયેલાં પ્રશ્નો કોઇ અેક ટકે પણ મને લાગતાં વળગતાં નથી હોતા.
આજે ઇસુનાં ૨૦૧૮ના વરસમાં કે પછી હિન્દુ કેલેન્ડર પ્રમાણે ૨૦૭૪ વરસો પહેલાં જે કાંઇ બનતું તે આજના સમયના ‘ મગજ ‘ને પચે પણ નહિ. વિજ્ઞાનનો જમાનો છે. પુરે પુરી સાબિતી આપીને વાતને પ્રજા સમક્ષ રાખવામાં આવે છે ત્યારે….વાક્યોને ખોદીને…તોડીને…પીસ્ત..પીસણ કરીને પોતાને જોઇતો મતલબ શોઘીને લોકોને પચાવવો ? ક્યાની વાત ?
છતાં ચાલે છે……કહેવાયુ છે કે, ‘ લોકોની સૌથી વઘુ શ્રઘ્ઘા…અંઘશ્રઘ્ઘામાં છે.‘
ઇસુના૨૦૧૮ના વરસની વાત કરીઅે ત્યારે લાગતી વળગતી ઇકોનોમીનો પણ વિચાર કરવો જોઇઅે.
ફોર અેક્ષામ્પલ….. ગરીબ શ્રવણ ?????? ત્યારનો અને ગરીબ હોય કે પૈસાવાળો શ્રવણ આજનો ?????? અને ઘરડાં મા અને બાપ ???????ઇકોનોમીક્સનો વિચાર કરો…સાથે સાથે કથાકારોની ઇકોનોમીક્સનો પણ.
દરેક વાચકના વિચારો જુદા જુદા આવવાનાં.
સમયની સાથે ચાલો અે જ સમયની અને દર અેક જીવનની જરુરીઆત છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLike
હું આપની સાથે સહમત છું.
LikeLiked by 1 person
khub saras lekh aabhar Govindbhai ane vikram bhai sampurna pane manu Chhu ke Ramayan ane Mahabharat kalpanik kavyo thi vishesh kashuj nathi jemke aaji filmo. farak etloj ke te jamana ma filmo banti nahi etle manoranjan nu sadhan ( shravyo ) Katharine kavyoj hata ane tene aadhunik yugma drashya ane shravya na rupe raju karine hajupan lokone germarge dorvama aave chhe te khubaj dukhad chhe prajae tene fakt manoranjan tarikej ganvu joiye.
LikeLiked by 1 person
શ્રી વિક્રમભાઈએ ગીતાનું સરસ અર્થઘટન કર્યું છે એ ગમ્યું.
ગીતાના અક્ષરો ઉલટાવીએ તો તાગી – એટલે કે ત્યાગી થાય છે. જે ત્યાગી જાણે એ જ ગીતાને ખરા અર્થમાં જાણે .
LikeLiked by 1 person
ગીતા સાર – અંગ્રેજીમાંથી કરેલ મારો કાવ્યાનુવાદ
શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં
ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.
કોની લાગી રહી છે બીક બિન કારણ તને.
કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?
આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.
ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે
જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે
જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે
બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં
ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?
વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.
શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.
શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,
શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો
ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો
જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.
દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું
તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે
જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.
ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું
ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.
જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું
થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.
બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો
સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.
જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને
જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.
પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે
માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.
એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ
બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.
મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો
ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા
એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.
આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં
અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.
દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી
દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.
કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?
સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને
અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.
પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે
શોક, ભય ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.
જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ
જો પછી કેવી સદાને માટે—
આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .!
કાવ્યાનુવાદ – વિનોદ આર. પટેલ
LikeLiked by 1 person
NICE STORY
BUT SIR JI MUJE SAYKOLOGY BOOK STORY HO TO BHEJO NA JISE GUJRATI ME MANO VIGYAN KAHETE HE
LikeLiked by 1 person
NICE
LikeLiked by 1 person